[પુનઃપ્રકાશિત]
મધ્યમ ઊંચાઈ, શરીરનો બાંધો પણ મધ્યમ. સ્વભાવથી પણ મધ્યમ – અતિ તીખો પણ નહિ તો શાંત પણ નહિ. પણ અમે ચારેય ભાંડરડાં ઉપર તો કાયમ પપ્પાને અનરાધાર વરસતા જ જોયા.
મારા માટે પપ્પાનું બાહરી વ્યક્તિત્વ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક રાજ કપૂર સ્ટાઈલના પૅન્ટ-શર્ટ પહેરેલું અને બીજું લેંઘો-ઝભ્ભો પહેરેલું. હું 10-12 વર્ષની થઈ ત્યાં સુધી પપ્પાના પૅન્ટ-શર્ટની બાંય વાળેલી હોય. ક્યારેક આછી દાઢી રાખે તો ક્યારેક કલીન શેવ હોય. રાજ કપૂરના જબરા ચાહક હતા. તેની દરેક ફિલ્મ જોતા અને ખૂબ ગમતી ફિલ્મો તો ઘણી વાર જોઈ કાઢતા. મૂછ પણ રાજ કપૂર સ્ટાઈલની રાખે. પપ્પાનો રાજ કપૂર પ્રેમ અમને ફાયદામાં રહ્યો. અમારું ગામ જામનગર જિલ્લાનું કલાવડ (શીતલા). તેમાં એક જ થિયેટર. મોટે ભાગે ગુજરાતી ફિલ્મ ચાલતી હોય પણ, ક્યારેક સારું હિન્દી પિક્ચર આવી જાય તો પપ્પા પાસે પિક્ચર જોવા જવાની રજા મારે જ લેવાની. પપ્પાની પહેલી દલીલ રહેતી કે, આવા પિકચરમાં શું જોવાનું ? હું સામે દલીલ કરું. ‘રાજ કપૂરમાં શું જોવાનું ?’ ને પપ્પા મૂછમાં હસતાં કહેતા, ‘એની વાત જુદી છે. આ છોકરાઓ એની તોલે ન આવે.’ હું સામે પડી જ હોઉં. ‘અમને એ રોતલ ન ગમે. અમને તો યંગ એંગ્રી-મેન અમિતાભ ગમે.’ મારા બોલવાના લહેકાથી હસી પડે ને હા પાડી દે, પછી કહે : ‘દોઢડાહી થઈ ગઈ છો !’
પપ્પા ખુલ્લા દિલના અને ખુલ્લા વિચારોના હતા. અમને હંમેશ કહેતા, ‘ખરાબ કંઈ નથી હોતું, વાંધો આપણી નજરમાં હોય છે.’ અને અમારાથી એવું તો બોલી જ ન શકાતું કે કોઈ શું કહેશે ? તરત જવાબ મળતો, ‘એ કોઈની તો એક…બે… ને…ત્રણ…’ જ્યારે ત્યારનું બહુ ચર્ચિત પિક્ચર ‘સત્યમ શિવમ સુન્દરમ’ અમારા ગામમાં આવ્યું ત્યારે પપ્પા અમને બધાંને સાથે લઈને જોવા ગયા હતા.
અને મમ્મી-પપ્પાએ ઘરનું ઘર લીધું. થોડી બચત અને ખૂટતાં હતાં તેટલાં, મમ્મીનાં ઘરેણાં વેચી દીધાં. પણ ઘર લઈ લીધું. બાપ-દાદા તરફથી તો કાંઈ જ મળેલું ન હતું. કેમ કે, મારા દાદાજી વૈશ્નવ હવેલીમાં મુખિયાજી હતા. ઘર માંડ ચાલતું હોય ત્યાં બચત શું કરે ? આજની હવેલીઓમાં જે રેલમછેલ છે તે ત્યારે ન હતી. અને પપ્પા રહ્યા સુધારાવાદી, તેથી ભાઈઓ સાથે બને નહિ. મા તો હતી નહિ, તેથી ભાઈઓએ મળીને મારા પપ્પાને ઘર છોડાવ્યું હતું. ત્યારે પપ્પા શિક્ષક હતા, પછી તો મમ્મીને પણ નોકરીએ ચડાવી દીધી હતી. પણ ત્યારે ક્યાં શિક્ષકોના પગાર વધારે હતા અને ત્યારે ટંકશાળ (ટ્યૂશન) પણ ક્યાં હતાં ! નોકરીનાં પંદર-સત્તર વર્ષ પછી ઘરનું ઘર લીધું ને આર્થિક સંકડામણનો દરિયો મમ્મી-પપ્પાની આસપાસ ઘૂઘવવા લાગ્યો. જેમાં તરતા રહેવું બહુ જરૂરી હતું. અમે ચાર ભાંડરડાં પણ મોટાં થઈ ગયાં હતાં. મોટી બહેન નવમાં ધોરણમાં આવી ગઈ હતી. ભણવાના ખર્ચા વધતા જતા હતા. સાથે મહેમાનોનો આવરો-જાવરો તો ખરો જ. અમારા ભણતર ઉપર કે જરૂરિયાત ઉપર કાપ મૂકતા તેમનો જીવ ચાલે નહિ. અને કપડાના શોખીન પપ્પા લેંઘા-ઝભ્ભા ઉપર આવી ગયા. જેથી બે જોડી હોય તો પણ ચાલે અને મમ્મીનો સાડીનો સ્ટોક ખલાશ થવા લાગ્યો. આ વાતની અમને ઘણાં વર્ષો પછી ખબર પડી.
મમ્મી પણ નોકરી કરે. ઘરનું બધું જ કામ જાતે કરવાનું. અમારા ઘરે કામવાળી હોય એવું કદી નહોતું બન્યું. મહેમાનો ઓછા થાય તો તે ખર્ચામાંથી કામવાળીનો ખર્ચો નીકળી જાય એવું મમ્મીએ કદી વિચાર્યું ન હતું. કેમ કે મહેમાનમાં દર વૅકેશને ફઈ અને કાકા હોય તેમના છોકરાં સાથે, તો તે ન આવે તેવું તો વિચારી જ ન શકાય. મમ્મીને મદદરૂપ થવા પપ્પા બજારનું બધું કામ પતાવી દે. શાક-પાન લાવી આપે. સમારી આપે. ચટણી વાટી આપે – આવી મદદ કર્યા કરે.
પપ્પાનો રવિવારિયો ક્રમ હતો. શાક લેવા જાય ત્યારે સવારે ગાંઠિયા-જલેબી લેતા આવે. રવિવારે પણ ઊઠવાનું તો વહેલું જ. પૂજા-પાઠ કરીને શાક લેવા જાય. અમને ઉઠાડતા જાય. મમ્મી ઘણી વાર કહે : ‘આ જલેબી શું કામ લાવો છો ?’ પપ્પા કહેતા : ‘કારુબાને બહુ ભાવે છે.’ મને લાડમાં ‘કારુબા’ કહેતા. હું સાસરે આવી ત્યાં સુધી મારે માટે નિયમિત જલેબી લાવ્યા. મારી સગાઈ પછી તો રોજ જલેબી લાવે જ. પપ્પા, દીકરીઓને બહુ લાડ લડાવવામાં માને. ઘણી વાર કહેતા કે, દીકરીને જ લાડકી રખાય. કોણ જાણે કેવું સાસરું મળે, પણ મળે ન મળે, આપણે જ એ ખોટ પૂરી દેવાની.
હું કૉલેજમાં હતી તે દરમિયાન પણ મમ્મી બહારગામ જાય તો પપ્પા રસોઈ કરે ને અમને જમાડે. મને પણ રાંધતા તો આવડતું જ, પણ પપ્પાને મજા આવે અમને જમાડવામાં. સવારે ઊઠીને ચા પણ બનાવે ને પૂછે પણ ખરા, તારી મમ્મી કરતાં મારી રસોઈ સારી ને ? પાછા પોતે જ હસતા હોય.
પપ્પા નાના હતા ત્યારે જ મારી દાદી ગુજરી ગયાં હતાં. તેમને માનો અભાવ જિંદગીભર સાલ્યો. અમે ત્રણેય બહેનો મોટી થઈ ગઈ. કોઈ બાબતે પપ્પાની સામે દલીલ કરીએ તો ખિજાતા નહિ. એ સ્વતંત્રતા પપ્પાએ જ આપી હતી. પપ્પાની આપખુદશાહી ક્યારેય અનુભવી નથી. પપ્પા ક્યારેક મમ્મીને વઢે તો હું વચ્ચે કૂદી જ હોઉં. ‘મારી મમ્મીને નહિ ખિજાવાનું. તમે નોકરી કરીને છૂટા થઈ જાવ છો જ્યારે મારી મમ્મીએ તો નોકરી પછી ઘરકામ કરવાનું. આપણાં બધાંયનું કરવાનું. નવરી થતી નથી ને પાછા ઉપરથી ખિજાવ છો શાના ?’
પપ્પા હસી પડતા. કહેતા, ‘મારી મા હોય તેમ મને ખિજાય છે.’ ને મમ્મીને કહેતા ‘આ તારી વકીલ છે.’ મમ્મીએ મારું નામ ‘સરકારી વકીલ’ પાડ્યું હતું.
પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી કદી ન થાય પણ પપ્પાના સિદ્ધાંતવાદી સ્વભાવને લીધે બદલી થતી રહેતી. સખપુર, ખરેડી, જીવાપર અને કાલાવડ. એક વાર નોકરીમાં કોઈ સાહેબ સાથે વાંધો પડ્યો. પોતે સાચા છે તે સો ટકાનો વિશ્વાસ. જીવાપર ગામ સુધી સાઈકલ ઉપર અપ-ડાઉન કરે. થાકવાનું નામ ન લે. સાહેબને નમતું ન જોખે. આ દરમ્યાન પપ્પાએ વાળ વધારવા માંડ્યા. મને અને મારી નાની બહેનને મજા પડી ગઈ. રાતે જમી પરવારીને પપ્પા પલંગ ઉપર બેસે એટલે અમે બંને બહેનો પપ્પાના માથાના પાડીએ ભાગ. વચ્ચોવચ્ચ સેંથો પાડીએ. અડધો ભાગ મારો અને અડધો હિતાનો. પપ્પાને બે ચોટલી વાળી દઈએ. બે મીંડલા વાળી દઈએ. આગળ લટ કાઢીએ. જે કરવું હોય એ છૂટી. ક્યારેક તો મમ્મી કંટાળીને કહેતી, ‘હવે બસ કરો, તમને ગમે છે કેમ ?’ ત્યારે પપ્પા કહેતા, ‘મારી માનો હાથ માથે ફરતો હોય તેવું લાગે છે. થાક ઊતરી જાય છે. ભલેને રમતી.’ અમારામાં માની અનુભૂતિ કરતા પપ્પા જોયા છે તો ભાઈ માટે બેબાકળા થતા પપ્પા પણ જોયા છે. જ્યારે પણ ઘરમાં આવે એટલે પહેલો પ્રશ્ન હોય, ‘ભાઈ ક્યાં છે ?’ ભાઈ એટલે મારો ભાઈ હેમુ. મોટી બહેન તો ઘરમાં જ હોય. અમે બંને શેરીમાં રમતાં હોઈએ. ભાઈ શેરીની બહાર જ હોય કાં તો શાખા (R.S.S) ના મેદાનમાં કાં તો ભાઈબંધો સાથે ગામના પાદરે.
મેં અને મારા ભાઈએ તો પપ્પાના હાથનો મેથીપાક પણ ખાધો છે. અમે બંને હતાં જ એવાં. પપ્પા ક્રોધી ન હતા. તો તો મોટી-નાની બહેનને પણ માર પડ્યો હોત. પણ અમારાં તોફાન પપ્પાને કંટાળાવી દેતાં. પછી ધોલ-ધપાટ આપી દેતા. જબરા સુધારાવાદી હતા. અમે કાંઈ ફેશન કરીએ તો કદી કચકચ ન કરે. ફેશનેબલ કપડાં પહેરીએ તો ખુશ થાય પણ વાળ કપાવાનું બોલીએ એ ન ગમે. જો કે હું વાળમાં ફેશન કર્યા કરું. લટ કાપું તો બોલે : ‘હવે બહુ સારી લાગે છે હોં !’
અમને ભણાવવામાં બરોબરનું ધ્યાન રાખે. જે ભણવું હોય તે પણ ભણાવે તો ખરા જ. જે ગામમાં દસ કે અગિયાર ધોરણ બસ થઈ જતું ત્યાં અમને ચારેયને ગ્રેજ્યુએટ કર્યાં. હું ગ્રેજ્યુએટ થઈ કે તરત મને G.E.B. માં એપ્રેન્ટીસશીપ મળી ગઈ. મારું પોસ્ટિંગ કેશોદ હતું. હું કેશોદ જાઉં એ પપ્પાને ન ગમે. મને ના પાડે નોકરીની. મારે ત્યાં એકલું રહેવાનું હતું, રૂમ ભાડે રાખીને. હું સમજી કે પપ્પા એટલે ના પાડે છે. તેથી મેં કહ્યું કે, ‘પપ્પા, મારી જગ્યાએ હેમુને નોકરી મળી હોત તો તમે ના પાડત ? હું છોકરી છું તેથી મને ના પાડો છો ને ?’ ત્યારે મને જે કહ્યું હતું તે જિંદગીભર નહિ ભૂલું.
‘તું દીકરી છે એટલે એકલું ન રહેવાય એ વિચારે ના નથી પાડતો. પણ મારી આટલી જબરી દીકરીનું નિશાન આટલું નીચું ! G.E.B. માં કારકુની કરવાની ? અરે ! હું તો તને જજ બનાવવાનું વિચારું છું.’ એ પછી પણ હું કેશોદ ગઈ તો ખરી જ. આજે, નિયમો બદલાતા G.E.B. ની નોકરી પણ ન મળી ત્યારે આર્ષદ્રષ્ટા જેવા પપ્પાના શબ્દો યાદ આવે છે. જજ નહીં તો સારી વકીલ તો જરૂર બની શકીશ.’
શિક્ષક તરીકે પણ પૂરી નિષ્ઠાથી વિદ્યાર્થીઓને ભણાવતા. ખપુર હતા ત્યારે, ગામડા ગામમાં કોઈ વાલી પોતાના બાળકને શિક્ષક ભણાવે છે કે નહિ તેની કાળજી પણ ન લે ત્યારે પણ પોતે તો ખંતપૂર્વક ભણાવે જ. 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની ધામધૂમપૂર્વક શાળામાં ઉજવણી પણ કરાવે. વરસમાં એક વાર વિદ્યાર્થીઓને લઈને છ-સાત દિવસના પ્રવાસે પણ નીકળે. બીજા કોઈ શિક્ષક સાથ ન દે તો પોતે એકલા જ પ્રવાસનું આયોજન કરે. પોતાના વિદ્યાર્થી અને મમ્મીની વિદ્યાર્થીનીઓ બધાંને સાથે લઈ જાય પ્રવાસે.
સખપુર રહેતા ત્યારે ઘરે ફર્સ્ટ એઈડ બૉક્સ અને બીજી પ્રાથમિક દવાઓ પણ રાખે, જે ઘર પૂરતી જ સીમિત ન રહેતાં ગામમાં જેને જરૂર પડે તેને આપે. ચિત્રકામ સારું હતું. તેનો ઉપયોગ પોતાના વતન કાલાવાડની યાદોને ચિત્રોમાં ઉતારવાનો કરે. કાલાવાડનાં મંદિરો, મસ્જિદ, નદીકિનારો વગેરે ઘણાં ચિત્રો દોરેલાં. નાટક લખવા ઉપર પણ હાથ અજમાવેલો. ઐતિહાસિક, પૌરાણિક કથાનક ઉપર નાટકો તૈયાર કરીને પોતે જ ટ્રેનિંગ કૉલેજમાં ભજવતા અને ઈનામ પણ મેળવતા.
‘દીકરી કાં સાસરે શોભે કાં મસાણે’ એ રૂઢિના સખત વિરોધી હતા. સ્પષ્ટ કહેતા કે દીકરી કાંઈ ફેંકી દેવાની ચીજ નથી કે ફેંકી દઈએ. મા-બાપ જ આવું બોલીને જવાબદારીમાંથી છટકે તો દીકરી જાય ક્યાં ?’ ને એકવાર આગ્રહથી અમને બંને બહેનોને બોલાવી, બે દિવસ સાથે રહ્યા અને એક સવારે હાલતા-ચાલતા મારા અને મારા ભાઈના હાથમાં દેહ છોડીને અનંતની યાત્રાએ ચાલ્યા ગયા. મજા + મહેનત = જિંદગી, વણકહે સમજાવતા રહ્યા અને જિંદગીની બાદબાકી એટલે મૃત્યુ હથેળીમાં સમજાવી ગયા.
29 thoughts on “એક પ્રેમાળ પિતા – વંદના ભટ્ટ”
ખુબ સુંદર.
દીકરી માટે લગભગ બધા બાપ ની આવો જ અનુભવ હોય છે.
મ્રુગેશભાઈ આભાર લેખ માટૅ
ખુબ જ સુંદર લેખ
કૌશલ પારેખ
it’s so awesome that i can’t describe it in the words
પપ્પા માટેનો તમારો સ્નેહ, તમારા માટે પપ્પાની વ્હાલભરી ઈચ્છાઓ…બહુ સરસ લખાયું પણ છે.આ બધું યથાતથ લખવું અઘરું છે.
ખુબ જ સરસ લેખ ”જાજરમન પપ્પ”
તમારુ પાપા સુધર્શો
very good
I take privilage to know the author & her late father……but thanks to readgularati, without whom, I could not have known this much personally & closely.
આંખ સામ જાણે કોઇ ફિલ્મ ચાલતી હોય ! વાહ !
જીંદગીની બાળપણની પપ્પા સાથે વિતાવેલી દરેક પળો યાદ અપાવી ગઈ. બસ દુ:ખ છે એ આજે સાથે નથી.
ખૂબ સુંદર અભિવ્યક્તી
પપ્પા ની યાદ આવી ગઇ.
I have no words to describe my feelings. But wanted to write my small comment as a small tribute to author’s father. I think there is always a special relationship between father and daughter and i did not realize it until i became a father of a daughter. A very heart warming story. it seems like its a real life story from lekhika.
aabhar
yogesh.
Really,Fantastic and Superb
સરસ….!!!
wonderful article, we remember papa’s love in or life
વાહ્ વાહ્!! બિન્દુડિ,બાપુજી અસામન્ય commonman હતા .બાપુજીના નોકરિ ના ગામો મા ગયો હતો just મેહ્સુસ કરવા ,કાલમેઘડા,ફગાશ…….ને હા! કાલાવડની લાયબ્રેરીમા હજુ બાપુજી ની વાતો ગુન્જૅ છે.. અને હા સિદ્ધાન્ત માટે ધારાસભાની ચુટણી પણ લડેલા, એ પણ અપક્સ એ કેમ કરી ને ભુલાય.. A Wednesday ના હિરો હોઇ ક ન હોઇ મરા તો એજ હિરો હતા.. ખરેખર એ કોઇ ના મોહ્તાજ/મોથાજ ન હતા, જિન્દગી ના પણ નહિ..
હિતેન ભટ્ટ
એડવોકેતટ.
Thaks for sharing such a good experinces of your father… loved it.
સરસ….!!!
Superb article……..
Very Interesting And full of feelings And heart touch story.
ખુબ સરસ બહેન સારૂ
બહુજ સરસ લેખ્.પિતાના સન્સ્મરનોનેી યાદ આવેી ગઈ.હાલ તો એ વાગોલવાજ રહ્યા.
શુન્યમાથેી સર્જન કરનાર નેી ખોત હમેશા લાગ્યા કરે ચ્હે.
ખુબ જ સરસ લેખ…. બિલ્કુલ
ભાવપુર્ણ આલેખન ..સરસ, મજા પડી ગઈ..
સરસ
How emotinal it is.Very good.
ખુબ સરસ…
દરેકના જીવનમાં પિતા અને માતાનું મહત્વ ખુબ જ હોય છે. પ્રેમાળ પિતા એટલે નસીબદાર. જે પિતા કે માતા પોતાના પુત્ર કે પુત્રી ને સમાજની પરવા કર્યા સિવાય અપાર પ્રેમ આપે અને પ્રેરણામૂર્તિ બને તવા બાળકો નસીબદાર જ કહેવાય. મારા અનુભવ મુજબ ઘણા માં-બાપ, પુત્ર- પુત્રી ના અંગત મિત્ર બની જાય છે. આવા બાળકો તેમના માતા-પિતા સાથે એટલા ખુલી જાય છે કે જીવન આનંદ પૂર્ણ બની જાય છે.