કાલે રજા છે, ગઈ છું ય થાકી, વાંચીશ વ્હેલા સહુ પાઠ બાકી
તારી હથેલી અહીં લાવ, સાચું હું ભાઈ, આજે તુજ ભાગ્ય વાંચું.
કેવી પડી છે તુજ હસ્તરેખા ! જાણે શું લાખે નવ હોય લેખાં !
પૈસા પૂછે છે ? ધનની ન ખામી જાણે અહોહો ! તું કુબેરસ્વામી !
છે ચક્રચિહ્નો તુજ અંગુલિમાં, જાણે પુરાયા ફૂટતી કળીમાં
છે મત્સ્ય ઊંચો, જવચિહ્ન ખાસ્સાં, ને રાજવી લક્ષણ ભાઈનાં શાં !
વિદ્યા ઘણી છે મુજ વીરલાને, ને કીર્તિ એવી કુળ હીરલાને !
આયુષ્યરેખા અતિ શુદ્ધ ભાળ, ચિંતા કંઈ રોગ નથી તું ટાળ,
ને હોય ના વાહન ખોટ ડે’લે, બંધાય ઘોડા વળી ત્યાં તબેલે.
ડોલે સદાયે તુજ દ્વાર હાથી, લે બોલ જોઉં, વધુ કંઈ આથી ?
જો ભાઈ, તારે વળી એક બ્હેન, ચોરે પચાવે તુજ પાટી પેન,
તારું લખે એ ઉજમાળું ભાવિ, જાણે વિધાત્રી થઈ હોય આવી !
મારેય તારે કદી ના વિરોધ રેખા વહે છે તુજ હેત ધોધ
એ હેતના ધોધ મહીં હું ન્હાઉં, ચાંદા ઝબોળી હરખે હું ખાઉં.
ડોસો થશે, જીવન દીર્ઘ તારું, ખોટી ઠરું તો મુજ નક્કી હારું !
આથી જરાયે કહું ના વધારે, કહેતાં રખે તું મુજને વિસારે !
‘જો જે કહ્યું તે સહુ સાચું થાય, ઈલા ! પછી તો નહીં હર્ષ માય
પેંડાં, પતાસાં ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે.’
11 thoughts on “ભવિષ્યવેત્તા – ચન્દ્રવદન મહેતા”
ખુબ સુંદર
ભાઇ-બહેનની પ્રિતની વાત જ ન્યારી છે.
“જો ભાઈ, તારે વળી એક બ્હેન, ચોરે પચાવે તુજ પાટી પેન,
તારું લખે એ ઉજમાળું ભાવિ, જાણે વિધાત્રી થઈ હોય આવી !”
મારી મમ્મી ઘણી વાર આ કવિતા બોલે છે. આજે મે પહેલીવાર આખી વાંચી. થેન્કયુ મ્રુગેશ ભાઈ!!
Simply Superb……………………………….
CHHANDBADHDH SUNDAR RACHANA
very nice
આ કવિતા ક્યા છંદમા ગાઈ શકાય?
ત્વમેવ્ માતા ચ પિતા તત્વમેવ જેમ્ ગાઈ શકાય .
ઇલા કાવ્યોમા ભા ઇબેનનું અમર કાવ્ય
ભાઈ બહેનના હેતની સુન્દર કવિતા.
વર્શો પહેલા ધોરણ છમા ભણેલા-ક્ન્ઠસ્થ પણ કરાવેલી.
” જે ગવાય તે સચવાય ” ના ન્યાયે આવી ગેય અને લય તાલ વાળી કવિતાઓ કેવી યાદ રહી જાય છે ? આવી છંદ, લય ,તાલ ઢાળમાં લખાતી કવિતાઓનો જાણે દુકાળ પડ્યો છે. નવા કે જૂના બધા કવિઓને આ દિશામાં વિચારવું જ પડશે.
ઓછું લખો પણ યાદગાર લખો.
કાલિદાસ વ.પટેલ {વાગોસણા}
મારી મમ્મીને આ કાવ્ય બહુ જ ગમતું હતું.ખાસ કરીને રક્ષા બંધનને દિવસે એમને જરૂરથી યાદ આવતું હતું.