લોકમિલાપ સ્મરણિકા – સં. મહેન્દ્ર મેઘાણી

[‘લોકમિલાપ સ્મરણિકા’ પુસ્તક (આવૃત્તિ : 1990)માંથી સાભાર.]

[1] કોઈ પણ પ્રજા આટલું શીખે નહિ ત્યાં સુધી સમૃદ્ધ બની શકે નહિ – કે કવિતા લખવામાં જેટલું ગૌરવ છે એટલું જ ખેતર ખેડવામાં રહેલું છે. – બુકર ટી. વોશીંગ્ટન

[2] પૌત્ર-પૌત્રીઓ એ, આપણને ઘડપણ આવે તેના બદલામાં વળતર આપવાનો ભગવાનનો કીમિયો છે. – મેરી વોલડ્રીપ

[3] આ દુનિયા એવી છે કે જ્યાં લોકોને શું જોઈએ છે તે એ જાણતા નથી, અને તે મેળવવા માટે એ હવાતિયાં મારે છે. – ડોન મારકીસ

[4] જેની આશા આપણે રાખી હોય તેના કરતાં જેની બીક રાખી હોય તે બનાવ જલદી બને છે. – પુબ્લીલીયસ સાયરસ

[5] જગતમાં સૌથી મોટો ભ્રમમાંનો એક એ છે કે આ દુનિયાનાં દૂષણો કાયદાથી દૂર કરી શકાશે. – થોમસ બ્રેકેટ રીડ.

[6]
પરમાત્મા, અમને એવી સરળતા આપ
કે અમે જીવનના નિર્દોષ સાત્વિક આનંદો સાથે માણી શકીએ :
ફૂલોને, વૃક્ષોને, પ્રાણીઓને, પુસ્તકોને ચાહવાનો આનંદ
બીજાને સુખી કરવાનો આનંદ. – કુન્દનિકા કાપડીઆ

[7]
ન ગભરાશો દુઃખો ! તમને નહીં બદનામ થાવા દઉં,
મલકતા હોઠ કેરું આવરણ હું લઈને આવ્યો છું. – ‘સાકીન’ કેશવાણી

[8]
અમૃત મળ્યું પણ અમર થયો નહિ,
પીવાની જુક્તિ ન જાણી રે;
કાં તો ઘટમાં ગયું ના એના,
કાં પીવામાં આવ્યું પાણી. – ગણપતરામ

[9]
ખળખળ વહી જતી પળો કાલે ન પણ મળે –
થઈએ ભીનાં ફરીથી, ફરીથી સુકાઈએ.
ઊગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં –
મુઠ્ઠી ભરી ભરી બધે તડકો ઉડાવીએ.
– હેમંત ઘોરડા

[10]
નશો તારા સ્મરણનો એક પણ ક્ષણ દૂર ના થાતો,
મળે જે મસ્તી એમાંથી તે પીવામાં નથી હોતી.
કરું દિલ ખોલીને શી વાત તારી બેવફાઈની ?
મળે લિજ્જત જે સહેવામાં તે કહેવામાં નથી હોતી. – ચંદ્રાબેન જાડેજા

[11] જન્મ અને મરણનો કોઈ ઈલાજ નથી – સિવાય કે વચલા ગાળાને ખૂબ માણી લેવો.
–જોર્જ સાંતાયના

[12] જિંદગીનો પહેલો અરધો ભાગ આપણે જૂની પેઢીને સમજવાની મથામણમાં ગાળીએ છીએ, અને બાકીનો અરધો નવી પેઢીને સમજવાની મથામણમાં. – અર્લ વીલ્સન

[13]
વંટોળિયામાં ઊડતી સ્મશાનની ધૂળ ગઈ કાલની
આજે ઝૂલે છે ખેતરમાં ધાન્ય કણસલું થઈને ! – જગદીશ ત્રિવેદી

[14] દરેક દિવસમાં થોડુંક જીવન રહેલું છે: દરેક વખતે આપણે જાગ્રત થઈએ અને ઊઠીએ તેમાં એક નાનકડો જન્મ રહેલો છે, દરેક તાજગીભર્યું પ્રભાત થોડુંક યૌવન છે, દરેક વખતે આરામ કરીએ ને ઊંઘી જઈએ તે જરીક મૃત્યુ છે. – આર્થર શોપનહોઅર

[15] આપણામાં જો કોઈ દોષ ન હોત તો બીજાઓમાં તે જોવામાં આપણે આટલો આનંદ ન લેતા હોત. – લા રોશકુકોલ્ડ

[16] માતાપિતા પાસેથી આપણે પ્રેમ અને ઉલ્લાસ પામીએ છીએ, એક પછી એક પગલું માંડતાં શીખીએ છીએ. પણ પુસ્તકો ખોલીએ ત્યારે ખબર પડે છે કે આપણને પાંખો ફૂટી છે. – હેલન હેઈઝ

[17] તમામ સારાં પુસ્તકોનું વાંચન તે વીતેલી સદીઓનાં સર્વોત્તમ નરનારીઓ સાથે વાર્તાલાપ સમાન છે. – રેને દેકાર્ત

[18]

થતે કેવું સારું અગર મનને હોત પગ તો ?
કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી ! – વિપિન પરીખ

[19]
રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની,
સિન્ધુના ઉરમાંથી તો ઊઠશે અમી-વાદળી –પૂજાલાલ

[20]
એક જ માણસ અને ઈશ્વર મળીને હંમેશાં બહુમતી બને છે. – જોન નોક્સ

[21] મનુષ્યમાં મારી જે શ્રદ્ધા છે તે સિવાય બીજી કોઈ આસ્થાની જરૂર મને લાગતી નથી. આ પૃથ્વીની અજાયબીમાં અને તેની પરના જીવનમાં હું એટલી લીન બની ગઈ છું કે સ્વર્ગનો ને ફિરસ્તાઓનો વિચાર કરી શકતી નથી. – પર્લ બક

[22] માણસ એ એકમાત્ર એવું પ્રાણી છે કે જે હસે છે ને રડે છે; કારણ કે એ એક જ એવું પ્રાણી છે કે જેને પરિસ્થિતિ જેવી છે અને જેવી હોવી જોઈએ તે બેની વચ્ચેનો તફાવત સૂઝે છે. – વીલીઅમ હેઝલીટ

[23] માણસને જેની જરૂર છે તેને માટે એ જગત આખામાં ફરે છે, અને ઘરે પાછો ફરે છે ત્યાં એ તેને સાંપડે છે. – જોર્જ મૂર

[24]
ચલો, તમારું નામ શ્વેત કાગળ પર લખીએ;
મળે નહીં કાગળ તો વહેતા જળ પર લખીએ…
શિલાલેખ કે તામ્રપત્રનો અર્થ નથી કંઈ;
લિપિ પવનની શીખી કશુંક ઝાકળ પર લખીએ. – ભગવતીકુમાર શર્મા

[25] સમજદાર માણસ જગતને અનુકૂળ થઈને જીવે છે. બિનસમજદાર છે તે જગતને પોતાને અનુકૂળ બનાવવા મથ્યા કરે છે. માટે તમામ પ્રગતિનો આધાર બિનસમજદાર માણસ પર રહે છે. – જોર્જ બર્નાર્ડ શો

[26]
ફૂલને કંઠે કો’ ગીત રમે ગરવું.
સૂકી તે ધૂળના ભીના ખૂણેથી
આજ પાંગરવું, કાલ વળી ખરવું:
તોય ફૂલને કંઠે કો’ ગીત રમે ગરવું. – ગુલામ મહોમ્મદ શેખ

[27] હું જે કાંઈ બોલ્યો છું તેનો વિચાર કરું છું, ત્યારે મુંગાઓની મને ઈર્ષા આવે છે. – લ્યુસીયસ સેનેકા

[28]
જળ લઈ જોઈએ તેટલું, ગરણું લઈને ગાળ;
નદી-તળાવ ગળાય નહિ, તું તારું સંભાળ
– દલપતરામ કવિ

[29] વૃદ્ધાવસ્થા આપણા ચહેરા પર મૂકે છે તેના કરતાં વધુ કરચલીઓ આપણા ચિત્તમાં મૂકે છે. – મીશેલ દ. મોન્તેઈન

[30] સૌમ્યતા જેટલું શક્તિશાળી બીજું કશું નથી, સાચી શક્તિના જેટલું સૌમ્ય કશું નથી. – સેઈન્ટ ફ્રાંસિસ દ સાલ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “લોકમિલાપ સ્મરણિકા – સં. મહેન્દ્ર મેઘાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.