પરબનાં મીઠાં જળ – સં. અમૃત મોદી

[‘પરબનાં મીઠાં જળ’ પુસ્તક (આવૃત્તિ : 1989)માંથી સાભાર. પુસ્તક હાલ અપ્રાપ્ય છે.]

[1] હમદર્દી

ગાંધીયુગના જાણીતા રાષ્ટ્રીયશાયર ઝવેરચંદ મેઘાણીના બાળપણની વાત છે. ઝવેરચંદના પિતા પોલીસ અધિકારી હતા. એકવાર મોટા મોટા સરકારી અધિકારીઓને તેમણે જમવા બોલાવ્યા હતા. દૂધપાક બનાવવાનો હતો. ગામડેથી દૂધ મંગાવવામાં આવ્યું. મજાનો દૂધપાક તૈયાર થયો. બધાં હોંશે હોંશે ખાવા લાગ્યાં. વખાણ કરતાં જાય અને વાટકો ખાલી કરતાં જાય. પણ કિશોર ઝવેરચંદે દૂધપાકમાં આંગળીય બોળી નહીં. કોઈકે કારણ પૂછ્યું તો કિશોરની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. રડમસ સાદે કિશોર ઝવેરચંદ બોલ્યા : ‘દૂધપાક મારા ગળે ઊતરતો નથી. કેમ કે સવારે દૂધ લાવનાર માણસો કહેતા’તા કે આ દૂધ લાવવા મારાં વાછડાં વાસ્તે ય રાખ્યું નથી. છોકરાં સારુ પણ રહેવા નથી દીધું. આવી રીતે ભેગા કરેલા દૂધનો દૂધપાક ગળે શેં ઉતરે ? હું નહીં ખાઈ શકું.’

[2] પ્રજાપ્રેમી

મુંબઈ વિશ્વ-વિદ્યાલયના ઉપકુલપતિ શ્રી ચિમનલાલ સેતલવડ એકવાર સ્ટોકહોમ ગયા હતા. ત્યાં એમને એક અવનવો અનુભવ થયો. બસ કંડકટર ટિકિટ આપતો આપતો સેતલવડ પાસે આવ્યો. તેમની પાસેના એક સજ્જનને ટિકિટ આપતી વેળા તેણે આદરપૂર્વક સલામ કરી. સેતલવડને કુતૂહલ થયું. પેલા ભાઈ ઊતરી ગયા, ત્યારે તેમણે કંડકટરને પૂછ્યું, તો જાણવા મળ્યું : ‘એ તો અમારા રાજા હતા.’
‘એમ ! તો તેઓ પોતાની મોટરમાં નથી ફરતા ?’
‘ના જી, અમારા રાજા સામાન્ય માનવીની જેમ જ જીવે છે. પ્રજાનાં સુખદુઃખ નિહાળવા તે આમ જ બધે ફરે છે.’

[3] નામનું શું કામ ?

દેશના ભાગલા પહેલાંની વાત છે, જમશેદજી મહેતા કરાંચીમાં રહેતા હતા. કરાંચીના વિકાસમાં એમનો ભારે હિસ્સો રહ્યો છે. કરાંચીમાં હોસ્પિટલ બાંધવાનો નિર્ણય થયો. જે દાતા દસ હજાર રૂપિયા આપે તેના નામની આરસની તક્તી મૂકવાનો સમિતિએ નિર્ણય કર્યો હતો. ઘણા ઉદાર સજ્જનોએ મોટી રકમનું દાન કર્યું. પણ જમશેદજીએ દસ હજારમાં પચાસ રૂપિયા ઓછા આપ્યા. આ જોઈ એક મિત્રને આશ્ચર્ય થયું. પૂછ્યું, ‘જમશેદજી, તમે આમ કેમ કર્યું ? 50 રૂપિયા કેમ ઓછા આપ્યા ?’

જમશેદજીએ પોતાની ભૂમિકા સમજાવી. નમ્રતાપૂર્વક તે બોલ્યા, ‘ભાઈ, ભગવાને મને જે કાંઈ આપ્યું છે, એનો ઉપયોગ લોકસેવામાં થાય તેમાં મને સંતોષ અને આનંદ છે; નામની તક્તી મૂકાવવામાં નહીં.’

[4] બાપના નામે નહીં

થોડાં વર્ષો પહેલાંની વાત છે. માર્શલ ટીટોના નિવાસ-સ્થાને થોડાક પત્રકાર પહોંચ્યા. તેમના તેર વર્ષના પુત્રના ફોટા લેવા દેવાની વિનંતી કરી. ટીટોએ ના પાડી. સંકોચપૂર્વક તેમણે કહ્યું, ‘મહેરબાની કરીને એના ફોટા લેશો નહીં. એથી એના મનમાં મોટાઈનો ભાવ-અભિમાન આવી જવાનો સંભવ છે. “હું યે કંઈક છું” એવી ભાવના જાગ્રત થવાનો સંભવ છે. મારો દીકરો છે માટે એનું બહુમાન કરવાની જરૂર નથી. આપબળથી અને પુરુષાર્થથી ભલે એ આગળ વધે.’ – એટલા માટે તો ટીટોએ પોતાના પુત્રને આમજનતાની શાળામાં ભણવા મૂક્યો હતો.

[5] નરસૈંયાની હૂંડી

એક વાર લીલાધરભાઈ દાવડા પોતાના વતનના શહેર વેરાવળમાં સર્વોદય આંદોલન માટે ફંડ એકત્ર કરી રહ્યા હતા. ત્યાંની પ્રાથમિક શાળાનું મકાન સાવ જીર્ણશીર્ણ થઈ ગયું હતું. સ્થાનિક ભાઈઓ ફાળાનો પ્રયત્ન કરતા હતા, પણ જરૂરિયાત જેટલી રકમ થતી નહોતી. લીલાધરભાઈ તો લાગી ગયા શાળાના ફાળા માટે. મોટાઓને કોરાણે મૂકી જનતા જનાર્દનને સીધી અપીલ કરી. કઈ રીતે ? શાળાના બાળકોનું રોજ સરઘસ કાઢવા માંડ્યું, અને નરસિંહ મહેતાની હૂંડીના ઢાળમાં છોકરાંને ગવરાવવા લાગ્યા :

અમને નોટું આપો ને મહારાજ રે, શામળા ગિરધારી…
અમને નોટું નું પડ્યું છે કામ રે, શામળા ગિરધારી….
શાળા અમારી જીર્ણ થઈ ને, સડી ગયું છે સાજ
શામળશા શેઠનું રૂપ ધરી, પ્રભુ દોડી આવજો આજ.

ને બાળકોની હૂંડીનો સ્વીકાર થવા લાગ્યો. લોકો પર ભારે પ્રભાવ પડ્યો. ગીતમાં ‘નોટુંનો થાય રે વરસાદ’ એવી કડી આવતી હતી, તો અગાશી-મેડા પરથી નોટો ય લોકો ફેંકવા લાગ્યા. ફાળો ઝડપભેર થવા લાગ્યો. જૂનું મકાન રીપેર તો થઈ ગયું, નવા પાંચ ઓરડા બંધાય એટલી રકમ પણ થઈ ગઈ.

[6] કલાની સાધિકા

ભારતમાં લતા મંગેશકરનું જે સ્થાન છે, તેવું જ અમેરિકામાં જોન બાયજનું છે. દરેક સંગીત-રસિયા અમેરિકન ઘરમાં એનાં ગીતોની રેકર્ડ મળે જ. એના સ્વરમાં જાદુ છે. નવા યુગની એ મીરાંબાઈ છે. એનાં ગીત બજારુ પ્રેમ-ગીત નથી. પણ એમાં શાંતિ, સ્વતંત્રતા અને માનવતાનો પોકાર છે. સમાનતા માટે ચાલતા નીગ્રો આંદોલનમાં જોન ધનની મદદ તો કરે જ છે; પણ પોતાના સ્વર-ઝંકારથી એ આંદોલનના નાદને ચારે બાજુ ફેલાવી રહી છે. અમેરિકાની યુદ્ધનીતિનો વિરોધ કરીને તેણે સરકારી કર ભરવાની ધરાર ના પાડી અને કાનૂનભંગ કર્યો.

આ જોન 17 વર્ષની કિશોરી હતી, ત્યારે પણ મશહુર ગાયિકા હતી. તે વેળા એક પરિચિત ભાઈએ એનાં કેટલાંક ગીત ટેપ કરી લીધા હતાં. એ પછી તેની ખ્યાતિ વધતી જ ગઈ. ઘેરઘેર એનાં ગીતો સંભળાવા લાગ્યાં. પેલા ભાઈએ જોનનાં ગીતો વડે પૈસા કમાવાનો વિચાર કર્યો. છ વર્ષ પહેલાંની ટેપ પરથી પચાસ હજાર રેકોર્ડ્સ તૈયાર કરી દીધી. જોનને ખબર પડી. તેણે વેચાણ માટે રેકોર્ડ્સ બજારમાં ન મૂકવાની વિનંતી કરી. પેલા ભાઈ મોં માગ્યા પૈસા આપવા તૈયાર હતા. પણ રેકોર્ડ્સ પાછી ખેંચવા તૈયાર ન હતા. એટલે જોને કોર્ટ દ્વારા રેકોર્ડ્સ બજારમાં જતી અટકાવવા અપીલ કરી. કેસ શરૂ થયો. ન્યાયાધીશે કહ્યું, ‘કાયદાની દષ્ટિએ તમારી માગણી યોગ્ય હોવા છતાં મને તે બિનજરૂરી લાગે છે. એ મોં માગ્યા પૈસા આપવા તૈયાર છે. છતાં તમે કેમ ના પાડો છો ?’ ત્યારે જોને જે જવાબ દીધો એ સાંભળી સહુ સ્તબ્ધ થઈ ગયાં, ‘મારો આરાધ્યદેવ ધન નથી, પણ કલા છે. હું કલાની ઉપાસિકા છું. છ વર્ષ પહેલાં ગાયેલાં મારાં એ ગીત આજે કલાની કસોટી પર બરાબર ઊતરે તેવાં નથી. મારી આજની ખ્યાતિ પર છ સાલ પહેલાંનાં નબળાં ગીત વેચી શ્રોતાઓને છેતરવા માગતી નથી. પૈસાના પ્રલોભનમાં કલા સાથે અન્યાય કરવાની વાત હું સહન કરી શકતી નથી.’ જોન બાયજ એક ગાયિકા છે. યુદ્ધ-વિરોધ આંદોલનની આગેવાન છે પણ સૌથી વિશેષ તો કલાની સાધિકા છે.

[7] રીત જગતસે ન્યારી

બાળલકવો ! ભારે ભયંકર છે એ શબ્દ ! હજી તો માંડ ખીલવા માંડેલી કોમળ કળીઓ પર બાળલકવા-પોલિયોનો પંજો પડે છે, ને નટખટ બાળુડાં બાપડાં પંગુ બની જાય છે. ફૂલની કળી સમાં કેટલાંક તો અકાળે જ ખરી પડે છે. એ રોગનો ઉપાય શોધવા દુનિયાના દેશદેશના વિજ્ઞાનીઓએ સંગઠિત પ્રયાસ કર્યો. રશિયામાં 1956માં જાણીતા જીવાણુશાસ્ત્રી પ્રો. અનાતોલી અલગ્જાન્દ્રોવિચસ્મોરોદિન્ત્સેવે આ કામ હાથમાં લીધું. પહેલાં વાંદરાં પર પ્રયોગો કર્યા, પછી પોતાની જાત પર, પોતાના સાથીઓ પર પ્રયોગો કર્યા. પણ બાળલકવો તો બાળકોનો રોગ. માટે બાળકો પર પ્રયોગો કરવા જોઈએ. પણ ક્યા મા-બાપ એ માટે પોતાનું બાળક આપે ? એટલે તેમણે પોતાની પાંચ વર્ષની પૌત્રી પર પ્રયોગો કર્યા. છેવટે સફળતા મળી. આવા વીરલા વિજ્ઞાન જગતમાં બીજાયે છે. એક અર્થમાં એ બધા સંતો જ છે. માટે તો કહ્યું છે કે, ‘સંત પરમ હિતકારી, રીત જગતસે ન્યારી.’

[8] વેપારની પ્રામાણિકતા

પુસ્તક પ્રકાશન ક્ષેત્રે ભાતભાતનાં દૂષણ આજે દેખાય છે ત્યારે પ્રયાગના ઈન્ડિયન પ્રેસના માલિક સ્વ. ચિંતામણ ઘોષનો લેખક સાથેનો વ્યવહાર જાણવા જેવો છે. તેમણે પ્રયાગના પ્રો. ઈશ્વરીપ્રસાદ પાસે એક પુસ્તક લખાવ્યું. ઉચ્ચક પુરસ્કાર આપીને કોપીરાઈટ લઈ લીધો. થોડાક સમય પછી તે પુસ્તક પાઠ્યપુસ્તક થયું. એટલે એની માંગ વધી ગઈ. ત્યારે પ્રકાશકે લેખકને બોલાવ્યા અને કહ્યું : ‘હવે સંજોગો બદલાઈ ગયા. પાઠ્યપુસ્તક થવાથી એનો લાભ લેખક તરીકે તમને પણ મળવો જોઈએ. માટે હવે એની રોયલ્ટી આપીશ.’ આથી લેખકને ખૂબ લાભ થયો. વેપારની કેવી પ્રામાણિકતા !

[9] ધન ધન ગાંધી મહારાજ

ગાંધીજી એકવાર ચંપારણથી બેતિયા જઈ રહ્યા હતા. રાતની વેળા હતી. ગાડીમાં જગ્યા હતી. એટલે ત્રીજા વર્ગના પાટિયા પર એ સૂઈ ગયા. સાથીદારો બીજી બેઠકો પર બેઠા હતા. અરધી રાતે એક સ્ટેશને ગાડી થોભી. એક ગામડિયો ખેડૂત ડબ્બામાં ચડ્યો. અંદર ઘૂસતાં જ એણે ગાંધીજીને હડસેલીને કહ્યું : ‘ઊઠો, બેઠા થાવ. ઓહો ! ગાડી બાપની હોય એમ પડ્યા છો તે !’ ઘોંઘાટ સાંભળી બાપુ બેઠા થયા. પડખે જ બેસીને પેલો ખેડૂત ભાવપૂર્વક ગાવા લાગ્યો :

‘ધન ધન ગાંધીજી મહારાજ,
દુઃખીકા દુઃખ મિટાનેવાલે.’

એના મોં પર ઉલ્લાસ છલકાતો હતો. કહી રહ્યો હતો, ‘ગાંધી મા’તમા બેતિયા આવવાના છે. એમનાં દર્શન કરવા જઉં છું. ગાંધી મા’તમા દુઃખીયાંના બેલી છે.’ એની વાત સાંભળી ગાંધીજી મંદ મંદ મલકાઈ રહ્યા હતા. બેતિયા આવ્યું. સ્ટેશન પર સેંકડો લોકોની ભીડ હતી. ‘મહાત્મા ગાંધીની જય’થી સ્ટેશન ગાજી ઊઠ્યું. ખેડૂતને પોતાની ભૂલની ખબર પડી ત્યારે રડતાં રડતાં એ મહાત્માજીના પગે પડ્યો. ગાંધીજીએ તેને ઉઠાડ્યો ને બરડે હાથ ફેરવી, આશ્વાસન આપ્યું.

[10] પાડોશીને પહેચાનો

એક ઉત્સાહી યુવકની વાત છે. એ વિનોબા પાસે આવ્યો. ગર્વભેર પોતાનો પરિચય આપતાં તેણે કહ્યું,
‘મને જવાહરલાલજી પણ ઓળખે છે.’
‘બીજું કોણ કોણ ઓળખે છે ?’ વિનોબાજીએ ધીરે રહીને પૂછ્યું.
‘રાજાજી ઓળખે છે,’ યુવકે કહ્યું, ‘ટંડનજી ને સરદાર સાહેબ પણ ઓળખતા હતા.’
‘ગામનાં અને પાડોશનાં ગામનાં લોકો ઓળખે કે ?’ વિનોબાએ પૂછ્યું.
‘ના, બાબા ! મોટે ભાગે હું બહાર રહ્યો છું ને….. એટલે ગામમાં કોઈને ખાસ ઓળખું નહીં. ગામવાળા મને પણ ના ઓળખે.’
‘તો જાઓ. પહેલાં એમને ઓળખો, એમનો પરિચય કરો, પછી મારી પાસે આવજો.’ વિનોબા બોલ્યા. ‘વિચાર પોથી’માં વિનોબાએ લખ્યું છે : ‘પર્વત સમા ઊંચા થવામાં મને સુખ નથી દેખાતું. મારી માટી તો આસપાસની જમીન પર ફેલાઈ જાય, એમાં જ મને આનંદ છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “પરબનાં મીઠાં જળ – સં. અમૃત મોદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.