ફલાવરવાઝ બોલ્યું…. – જયશ્રી

[‘અખંડ આનંદ’ માર્ચ-2011માંથી સાભાર.]

એક દંપતિને દેશવિદેશ ફરવાનો બેહદ શોખ. પૈસે ટકે સદ્ધર એટલે જ્યાં જાય ત્યાંની કોઈ ને કોઈ સુંદર કલાકૃતિ ખરીદી લાવે અને પોતાનું ઘર શોભાવે. એમ કરતાં કરતાં એમની પાસે 500થી વધુ કલાકૃતિઓ ભેગી થઈ ગઈ હતી એટલે એમણે પોતાના જ ફલૅટના બે રૂમમાં નાનકડું સંગ્રહાલય બનાવ્યું અને અવારનવાર પોતાનાં સગાંવહાલાં અથવા મિત્રમંડળમાંથી કોઈને ને કોઈને આમંત્રે અને હોંશે હોંશે પોતાનું મીની મ્યુઝિયમ બતાવે. મને પણ એક રવિવારે નિમંત્રણ મળ્યું અને હું મુંબઈના પરામાં આવેલા એમના ફલૅટમાં પહોંચી ગઈ. તે દિવસે ખાસ્સાં છ જણાં આવ્યાં હતાં અને બધાં જ મશગૂલ થઈને જોતાં હતાં.

હું પણ બધું જોવામાં તન્મય હતી. લગભગ અડધું જોયું હશે ત્યાં મારી નજર એક ફલાવરવાઝ પર પડી. મેં લખાણ વાંચ્યું. જાપાનથી ખરીદેલ એ વાઝ એટલું સુંદર અને કલાત્મક હતું કે મારી નજર ત્યાં જ જાણે ચોંટી રહી. ત્યાં તો મેં મારા કાનમાં કોઈ ગણગણાટ સાંભળ્યો. મેં આમતેમ જોયું. આસપાસમાં તો કોઈ જ ન હતું. તો આ અવાજ ક્યાંથી આવ્યો ? અરે, આ તો વાઝ મારા કાનમાં ફૂસફૂસ કરતું હતું. મને બહુ જ નવાઈ લાગી. અત્યાર સુધી કોઈ નિર્જીવ વસ્તુએ મારી સાથે સંપર્ક કર્યો હોય એવું બન્યું જ નહોતું. મને ખબર તો હતી જ કે નિર્જીવ વસ્તુઓમાં પણ ચેતના હોય છે અને જો આપણી આંતરિક ચેતના વિકસિત હોય તો એની સાથે સંપર્ક થઈ શકે છે. ખેર, મારું ધ્યાન એ ગણગણાટ સાંભળવામાં કેન્દ્રિત થઈ ગયું. અને મેં સાંભળ્યું…..

હું તમને સુંદર અને આકર્ષક લાગું છું પણ આ સુંદરતા પાછળ મારા માલિકની કેટલી મહેનત છે અને મને કેટકેટલી યાતનાઓમાંથી, અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું છે એનો તો તમને અંદાજ જ ક્યાંથી હોય ? લો ત્યારે, હું તમને સમજાવું. હું તો હતું માત્ર માટીનું એક ઢેફું. મારા માલિકે મને ઘરે જઈને પાણીમાં પલાળ્યું. પછી ખૂબ ખૂબ રગદોળ્યું, ખુંદ્યું અને થાબડ્યું. થાબડી થાબડીને મને સપાટ બનાવ્યું. હું બુમો પાડતું રહ્યું, ‘આવું ન કરો, મને બહુ દરદ થાય છે, મને છોડી દો….’ પણ એ તો હસીને મૃદુતાથી કહે, ‘હમણાં નહીં.’

અરે બાપરે, પછી તો એણે મને ચાકડે ચડાવ્યું. ચાકડો તો ગોળ ગોળ ફરે અને મારું માથું ભમે, એવું ભમે કે ન પૂછો વાત. મેં ચીસો પાડી, ‘બંધ કરો, થોભાવી દો તમારો આ ચાકડો. મને ચક્કર આવે છે, મને બહુ જ અસુખ લાગે છે….’
‘હજુ નહીં, હમણાં નહીં….’ એમ કહીને એણે મને આમથી તેમથી ફેરવ્યું, ઘાટઘુટ આપ્યો અને ત્યાર બાદ…. ત્યાર બાદ એણે મને ભઠ્ઠીમાં મૂક્યું. કેવી અસહ્ય ગરમી ! મેં બૂમાબૂમ કરી મૂકી, ભઠ્ઠીનો દરવાજો ખખડાવ્યો પણ બધું જ વ્યર્થ ! મને જ્યારે લાગ્યું કે હવે મારો અંત આવી જ જશે, મારાથી વધુ સહન નહીં થાય ત્યારે અચાનક બારણું ખૂલ્યું અને એણે મને બહાર કાઢ્યું. બહુ જ સાવચેતીથી એણે મને એક પાટિયા પર મૂક્યું. હા…શ ! કેટલું સારું લાગતું હતું. ઠંડી ઠંડી હવાથી મારું શરીર ઠરવા માંડ્યું અને મેં રાહતનો શ્વાસ લીધો.

પણ જેવો મેં નિરાંતનો શ્વાસ લીધો કે એણે મને પાછું ઉપાડ્યું અને બ્રશથી સાફ કરીને મારા આખા શરીરે ગ્લેઝ ચોપડી દીધો. એની જે વાસ ! તોબા, તોબા ! મને તો લાગ્યું કે હું ગૂંગળાઈ જઈશ. મેં વિનંતી કરી, ‘મહેરબાની કરીને હવે બસ કરો, મારાથી સહન નથી થતું.’ પણ એણે તો પોતાનું માથું ધુણાવ્યું અને ‘હજુ નહીં, હમણાં નહીં’ કહીને પોતાનું કામ ચાલુ રાખ્યું પછી એક ચિત્રકાર આવ્યો. એણે મારા આખા શરીર પર સુંદર ચિત્રકામ કર્યું. આ ગુલાબી ફૂલ જુઓ છો ને ? એ જાપાનનું રાષ્ટ્રીય ફૂલ છે. ‘ચેરી બ્લોસમ’. વસંત ઋતુમાં આખા જાપાનમાં આ ફૂલો એક સામટાં ખીલે છે ત્યારે સ્વર્ગીય દશ્ય જોવા મળે છે. મારા આખા શરીરે ચિત્રામણ થઈ ગયા પછી મારા માલિકે મને પાછું બીજી ભઠ્ઠીમાં મૂક્યું. આ ભઠ્ઠી તો પહેલી ભઠ્ઠીથીયે વધુ ગરમ હતી. મને તો લાગ્યું કે હું બળીને ખાખ થઈ જઈશ. મેં પાછી વિનંતી કરી, કાલાવાલા કર્યાં પણ બધું જ વ્યર્થ. મને ખાતરી હતી કે આ તો હવે મારો અંત જ છે ત્યાં તો એણે ભઠ્ઠીનું બારણું ખોલ્યું અને મને ખૂબ જ સાવચેતીથી હલકે હાથે કાઢ્યું અને પેલા પાટિયા પર મૂક્યું. ત્યાં મને અત્યંત આરામ લાગ્યો, ઠંડક વળી અને મેં નિરાંતનો શ્વાસ લીધો. હું વિચાર કરતું હતું કે હવે શું કરશે મારો માલિક ?

એકાદ કલાક પછીએ એક અરીસો લઈ આવ્યો અને મને કહ્યું, ‘આમાં જો અને તારી જાતને ઓળખ.’ મેં અરીસામાં જોયું, મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. મેં કહ્યું, આ હું નથી, આ હું હોઈ જ ન શકું. આ તો કેટલું સુંદર છે ! અદ્દભુત છે ! શું આ હું જ છું ? આટલું સુંદર !!’

પછી એણે મને સમજાવ્યું, ‘તું એક વાત હંમેશાં યાદ રાખજે. મને ખબર છે કે ખૂંદાવામાં રગદોળાવામાં અને પછી થાબડાવવામાં કેટલી યાતના થાય છે પણ જો તને હું એમ જ છોડી દેતે તો તું સુકાઈને ઠીકરું થઈ જતે. મને એ પણ ખબર છે કે ચાકડા પર તને કેવાં ચક્કર આવતાં હશે પણ જો હું અધવચ્ચે ચાકડો બંધ કરી દેત તો તું ભાંગીને ભૂક્કો થઈ જતે. હું એ પણ જાણું છું કે ભઠ્ઠીમાં કેવી અસહ્ય ગરમી હોય છે પણ જો તને ભઠ્ઠીમાં ન મૂકતે તો તારામાં તિરાડો પડી જતે. વળી જ્યારે મેં તને બ્રશથી સાફ કર્યું અને ગ્લેઝથી ઓપ આપ્યો ત્યારે એની વાસથી તને ગૂંગળામણ થતી હતી. ત્યાર બાદ ચિત્રામણ થઈ ગયા પછી પાછું ભઠ્ઠીમાં મૂક્યું કારણ કે એ વગર તારી મજબૂતાઈમાં કસર રહી જાત. મેં મનમાં જે નક્કી કર્યું હતું તેવું જ તું ઘડાયું અને સુંદરતા પામ્યું એની મને અત્યંત ખુશી છે.’

ઈશ્વર જ જાણે છે કે આપણા માટે એ શું કરી રહ્યો છે. એ કુંભાર છે, ઘડવૈયો છે અને આપણે બધાં માટીનાં ઢેફાં. એ આપણને ઘડશે, રૂપરંગ આપશે અને એટલું જ દબાણ આપશે કે જેથી આપણે ઉચ્ચ કોટિના માનવ બની શકીએ, એની ઈચ્છા પ્રમાણે વર્તી શકીએ અને એના યોગ્ય કરણ થઈને રહી શકીએ. માટે જીવનમાં જ્યારે મુસીબતો આવે છે, આપણે રગદોળાતાં હોઈએ એવું લાગે, આપણી આસપાસ બધું ચકડોળની જેમ ફરતું લાગે, જ્યારે આપણે ભઠ્ઠીના તાપમાં શેકાતાં હોઈએ એવું લાગે ત્યારે સારાં સારાં ફૂલો આણીને આવા ફલાવર વાઝમાં ગોઠવીને એ માલિકને યાદ કરીએ જેણે આ સુંદર દુનિયા બનાવી છે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “ફલાવરવાઝ બોલ્યું…. – જયશ્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.