ગૌરી – ચન્દ્રકાન્ત શેઠ

[ શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળા દ્વારા સંપાદિત આત્મકથાપ્રસંગો પર આધારિત પુસ્તક ‘ગુજરાતી આત્મકથાલેખન’માંથી સાભાર.]

ગૌરી મારી પરમ શુભેચ્છક-હિતચિંતક રહી છે. મને યાદ છે બોરવાળા પ્રસંગો. ગૌરીને બોર ખૂબ ભાવતાં. મને એ કહે, ‘પેલી તલાવિયાની બોરડી પર મજાનાં બોર લાગ્યાં છે.’ ને હું એ વાતનો મર્મ તુરત જ સમજી જતો. સાંજે એના પગ આગળ મારાં ખમીસ-ચડ્ડીનાં બધાંયે ખિસ્સાં ઠાલવતો. લિસ્સાં; ચમકતાં બોર, શબરીની જેમ હું ચાખીને નહોતો લાવતો એટલું જ. ગૌરી બોર લે, ચાખે અને એની આંખોમાં આનંદની ચમક ચેતે કે તુરત હું એનો સ્વાદ મનમાં ઉતારતાં કોળી ઊઠતો – જાણે મને કાંટાળા છોડનેય બોર ફૂટતાં ન હોય ! એક વાર આમ બોર ચાખતાં જ એની નજર મારા હાથ પર ગઈ. હાથમાં કાંટા વાગ્યાના અહીંતહીં થોડા રાતા ડંખ હતા. પછી તો ગૌરીએ મારી પાકી ચકાસણી કરી ! મારા હાથપગમાં ક્યાં ક્યાં ઉઝરડા પડ્યા છે, કાંટા વાગ્યા છે તે બારીકીથી જોયું; ને પછી તો કદીયે ગૌરીએ મને બોર લેવા જવા દીધો નથી. મારે બોર જોઈએ તો એ ઘરમાંથી પવાલું ચોખા લઈ આવી, એના સાટામાં બોરવાળી પાસેથી મને એ અપાવે – પાછું એનાં ને મારા ઘરનાં કોઈ આ અપાવ્યું ન જાણે એવી કલામય રીતે !

ગૌરી મારો ભણવામાં ઊંચો નંબર આવે તો રાજી રાજી થતી. પોતાનાથી થઈ શકે એવી નાની નાની બાધાઓ પણ રાખતી. એક વાર મને તાવ આવ્યો ત્યારે અઠવાડિયા સુધી તેણે તુલસીપૂજન કરેલું ને તેય કશી ધમાલ વિના. સરખેસરખા મિત્રોમાં જ્યારે વાદવિવાદ કે પક્ષાપક્ષી થાય ત્યારે ગૌરીનો મત અચૂક મારા પક્ષે જ હોય. ગૌરી ક્યારેક મારે ખાતર બીજાઓને વઢવાયે જતી; ને એક વાર તો એની માએ પણ કહેલું કે ‘એ ભગતકાકાના દીકરા માટે તું શું કરવા ભૂંડાપો વહોરે છે ? નકામી પારકી પંચાત કરવી ?’ ત્યારે…. ત્યારે ‘પારકી પંચાત શેની ?’ એટલું કહીને એ શાંત રહેતી. આ વાત પણ ગૌરીના ભાઈએ મને ન કહી હોત તો હું કંઈ ગૌરીમુખે તો જાણવા પામત જ નહીં.

ગૌરી મારાથી બેએક વરસ મોટી. ગોળ ચહેરો, નાજુક બાંધો. ભીનો વાન. નમણું નાક. આંખો અત્યંત સ્વચ્છ ને પારદર્શક. એનામાં એવું કશુંક હતું કે જેના કારણે ભાગ્યે જ કોઈને એના પ્રત્યે અભાવો થતો કે એને નારાજ કરવાનું મન થતું. એને સૌનું કામ કરી આપવાનો ઉમંગ. પોતાના માટે તો વઢે જ નહિ. પણ અન્યાય કે જૂઠ લાગે ત્યાં બેલાશક બાખડી ભીડે. ભયને ઓળખતી નહિ. ઉંમરના પ્રમાણમાં એની પ્રૌઢિ ને સમજ ઘણી વધારે લેખાય, કોણ જાણે કેમ, પણ એને સૌથી વધારે મારી સાથે ગોઠતું. મનેય જે દિવસે એને હું જોઉં-મળું નહિ તે દિવસે જરાયે ન ગમતું, એ દિવસ દુર્દિન લાગતો. એક વાર એ એનાં માસી સાથે દસપંદર દિવસ બહારગામ ગઈ ત્યારે ભર્યા કુટુંબમાં હું સાવ એકલો પડી ગયો હોઉં એવું મને લાગ્યા કરતું. એ ગૌરી જ્યારે સદાય માટે વિદાય થઈ ત્યારે મારું કેટલુંય એની સાથે લઈ ગઈ ને કેટલું મારું અહીં હવે બચીને રહ્યું તેનો હિસાબ માંડવાની મારી હિંમત કે તૈયારી નથી.

આ ગૌરી સાથે પણ મારો એક બીજી રીતનોયે સંસાર હતો, અલબત્ત, બાળપણનો-રમતનો. એ સંસારમાં ગૌરીનું એકચક્રી શાસન હતું. ગૌરી જે રમત નક્કી કરે તે રમાતી. મને એ જે કામ સોંપે એ મારે કરવાનું રહેતું. અમે કલાકોના કલાકો અમારા ઘર પાછળના વાડામાં, ખાટલાઓના પાર્ટિશન આડે ઘર ઘરની રમત ચલાવતાં. શેઠ તો હું જ ! શેઠથી માંડીને વેપારી, દરબાર, મુખિયાજી, લુહાર, સુથાર, દરજી, હજામ, કુંભાર, ઢોલીડો કે ભિખારી સુધીનાં જૂજવાં પાત્રો મેં સફળ અદાકારીથી શોભાવ્યાં છે. નિશાળમાં જે પાઠ ભણાવાતા એનોયે લાભ અમે રમતોમાં લેતાં. એક વાર ગૌરી, સુનીતિ અને સુરુચિ બેય બનેલી ને મને ધ્રુવ બનાવેલો. તે દિવસે તો તે લુચ્ચીએ મને એક પગે ઊભો રખાવીને મારી ઠૂંસ કાઢી નાખેલી ! બીજી એક વાર પૃથ્વીરાજ ને સંયુક્તાના સ્વયંવરની રમત માંડેલી. તે વખતે ગૌરી સંયુક્તા બની હતી, હું પૃથ્વીરાજ. પૃથ્વીરાજે સંયુક્તાને બે હાથે ઉપાડી લઈને, તેનું હરણ કરવાનું – આ એનો આગ્રહ (ક્યાંક નાટક કે રામલીલામાં આવું જોયું હશે એણે !) મારે એ ભારેખમ કર્મ કરવું પડેલું ને ત્યારે જે ખિલખિલાટ હસી છે….

એક વાર અમે બુદ્ધના મહાભિનિષ્ક્રમણની રમત માંડી. યશોધરા થઈ પોતે ને બુદ્ધ થવાનું મને કહ્યું : ને તે સાથે જ મારે કેવી રીતે ‘મહાભિનિષ્ક્રમણ’ કરવું તેની ઝીણવટભરી સૂચનાઓ પણ એણે જ આપી ! હું કૃષ્ણ હોઉં ને એ ગૌરી રાધા, હું વર હોઉં ને એ વહુ – એ તો ‘ગોઝ વિધાઉટ સેઈંગ !’ – એ રીતે તો કંઈ કેટલીયે વાર અમે રમ્યાં હોઈશું. હું ગોવાળિયો થાઉં ને એ ગાય દોહે, હું ખેતર ખેડું ને એ ભાત આપવા આવે, હું કમાવા જાઉં ને એ રાંધે – આવું તો અવારનવાર રમીએ. મને યાદ છે કે એક વાર હું ઑફિસેથી કમાઈને ઘેર આવ્યો. ગૌરીએ થાળી પીરસી. મને કહે : ‘લો, આ રોટલા.’
મેં કહ્યું : ‘રોટલા કેમ કર્યા ? મારે રોટલી જોઈએ.’
ગૌરી કહે : ‘ઘરમાં ઘઉં જ નથી, રોટલી કેવી રીતે કરું ! હું પાટલો પછાડીને ગુસ્સાભેર ઊઠી ગયો. માથે થેલીમાંથી બનાવેલી ટોપી પહેરી, કોટ ચડાવીને ચાલવા માંડ્યો. ગૌરી દોડીને આવી. હાથ પકડીને કહે, ‘બેસો બેસો, મારા સમ. તમે રોટલા સાથે ઠાકોરજીનો પ્રસાદ લો.’ નેં મેં સમાધાન કર્યું. જમ્યો ને પછી આડે પડખે થયો. આ રમતમાં રોટલા ગોળ ઠીકરાંના હતા ને રોટલી બનત તો તેય ગોળ ઠીકરાંની જ બનત એ મારે સ્પષ્ટ કરવું જોઈએ. જોકે, અનેક વાર બપોરના મળતા નાસ્તાનોયે ઘર-ઘરની રમતમાં કલામય રીતે વિનિયોગ થતો ખરો ! અનેક વાર અમારી રમતમાં મંદિર પણ આવતું. હું બે ખાલી ડબલાં લઈ આવી, તેનાં નરઘાં બનાવી, એ વગાડતો. મારા પિતાશ્રીની રીતે કીર્તન કરતો ને ગૌરી મંજીરા વગાડતાં એ ઝીલતી. એક વાર કીર્તન બરોબર જામેલું. હું ને ગૌરી એમાં તન્મય હતાં, ને ત્યાં મને શું સૂઝ્યું તે મારા પિતા મારી માને જે અદાથી કહેતા એ અદાથી મેં ગૌરીને કહ્યું : ‘જમુ, જરા જળ લાવજો; ગળું સુકાય છે !’ ને ગૌરી જેવી જળ લાવવા ઊભી થઈ ને પાછળ જુએ તો મારી બા ! એ દિવસે એય ‘મૂઆં, આ છોકરાં શું કરે છે !…..’ કહેતીક જે હસી છે….. આ આખી કથા પછી તો ઘરનાંને બ્રહ્માનંદસહોદર આનંદ આપનારી થઈ પડી. તે દિવસે શરમની મારી એ એવી તો લચી પડેલી કે ન પૂછો વાત. આજેય રાતાંચોળ લચકાલોળ શેતૂરને જોઉં છું ને પેલી લજ્જાનત ગૌરીની યાદ આવે છે. ભીના વાનમાંયે એની લજ્જાની શ્રી અપૂર્વ રીતે ઊઘડતી હતી.

કોઈ વાર આ ગૌરી ગોપી થાય ને ઘરમાં વલોણું કરે. અમે કૃષ્ણ-ગોવાળિયાઓ એના ઘરમાં ઘૂસીએ. માખણ લૂંટીએ. સાથેના કેટલાક દોસ્તો માંકડાની રીતે હૂપાહૂપ ને કૂદાકૂદ કરે. ભારે ધમાલ મચે. આસપાસનાં ઘરોમાં વડીલોને બપોરની મીઠી નીંદરમાં રસક્ષતિ પહોંચે ને એ અમને ધમકાવે. અમે સૌ ભાગીએ. ગૌરીએ ઉપરણાની સાડી કરી હોય, તેનો છેડો છૂટી જઈને ધૂળમાં રોળાય. મારું પંચિયું ઓટીમાંથી ખસી જાય ને અમે ગોપીકૃષ્ણની લાજ રાખવાની પાંચાલી રીતિની મથામણમાં ઠીક ઠીક મૂંઝવણ ભોગવતાં માંડ ક્યાંક સલામત – ‘નો મૅન્સ લૅન્ડ’માં પહોંચીએ.

અમારી આ ઘર ઘરની રમતમાં કઈ વસ્તુ સમાવેશ નહોતી પામતી એ કહેવું મુશ્કેલ છે. નિશાળની કે દરબારની, મંદિરની કે બજારની, ભવાઈની કે રામલીલાની, ગામની કે શહેરની, સાંભળેલી કે વાંચેલી જે કંઈ ઘટનાઓ અમારા સુધી પહોંચતી એ બહુ સ્વલ્પ કાળમાં અમારી આ ઘર ઘરની રમતમાં રૂપાંતર પામતી. ગોકુલ ને વૃંદાવન, વડોદરા ને મુંબઈ અમારી રમત માટે કંઈ દૂરનાં સ્થળ નહોતાં. આ રમતમાં મોર ને ઢેલ થવું. ઘોડા-ગધેડા ને હાથી થવું કૂકડો ને કોયલ થવું જરાય મુશ્કેલ નહોતું. અમે આ રમતમાં કેટલીય વાર જન્મ લેતાં ને મરણ પામતાં. પિતા થવું, દાદા થવું, ગુરુ થવું ને ગોર થવું – આ બધું અમને ખૂબ સુકર હતું. ગૌરી પણ મા થયેલી ને દાદી પણ. કેટલીયે વાર એને છોકરાં જન્મતાં ને મૃત્યુયે પામતાં. કેટલીયે વાર એ મૃત્યુ પામેલાં છોકરાંના અંતિમ સંસ્કારવિધિ મારે જ આવડે તેવી રીતે કરવાના રહેતા. મને ખબર નહોતી કે જે વિધિ અમે રમતમાં કરતાં હતાં તે ગૌરીની બાબતમાં ગંભીર રીતે વડીલોને કરવાની આવશે. ગૌરી મૃત્યુ પામી – એને મેં મૃત્યુ પામતી નજરોનજર જોઈ ને છતાંય મને કેમ એમ લાગ્યા કરે છે કે એ હજુયે સજીવન છે ! મરણશય્યા પરથી જે ચમકતી આંખે ગૌરીએ મારા આગમનદર્શનને વધાવેલું તે હું આજેય ભૂલી શકતો નથી. હું ભૂલી શકતો નથી એનું સહજ માધુર્ય, એનું સરળ સ્મિત.

આજે મારી આંખ સામે જોઉં છું. એક કિનખાબી ચોપાટ પડી છે પથરાયેલી. સોનાનાં સોગટાં સામસામે બરોબર ગોઠવેલાં છે. સામે ભિલ્લુને બેસવાનું સુખાસન પણ તૈયાર છે. હાથીદાંતના પાસાય તૈયાર છે પણ એ ફેંકનાર ક્યાં છે ! ક્યાં છે પેલા મારા ભિલ્લુનાં ઘુઘરિયાળાં સુવર્ણકંકણે રણકતો નાજુક હાથ ! હું જાણે વરસોથી આ ચોપાટ આગળ બેઠેલો છું. એક જ આશાએ કે એક વાર, ફક્ત એક વાર મારી શ્રદ્ધાનો પડછંદ પાડતી એ અચૂક અહીં પધારશે. કમમાં કમ જિંદગીનો છેલ્લો દાવ તો મારે એકલાએ રમવાનો નહીં જ હોય; એમાં ગૌરી સામેલ હશે. એ ગૌરી ક્યા વેશમાં – ક્યા રૂપમાં પધારશે એ હું કહી શકતો નથી. એમ બને કે એ ચતુર અલબેલી નાની શી નાર કોઈ મુદ્રા કે મુદ્રિકાનું, કોઈ માયા કે છાયાનું ઓઠું લઈને પધારે, છેલ્લો ખેલ ભવ્ય રીતે ખેલી લેવા. આપણે તો આંખ-કાનની ચોકીને બરોબર સાવધ કરીને જાગતા રહી એની પ્રતીક્ષા કરવાની. પધારનાર એ ચતુરાને એમ તો ન જ લાગવું જોઈએ કે હું ક્ષણાર્ધ પણ એની બાબતમાં ગાફેલ રહ્યો છું. હું ગૌરીની બાબતમાં જરાયે ગાફેલ રહી શકું ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “ગૌરી – ચન્દ્રકાન્ત શેઠ”

Copy Protected by Chetan's WP-Copyprotect.