નિયતિ કેમ આવું કરે છે ? – કલ્પના જિતેન્દ્ર

[ ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ કલ્પનાબહેનનો (ગાંધીનગર) આ નંબર પર +91 9427714120 સંપર્ક કરી શકો છો.]

તરલબહેન બહાર નીકળ્યાં કે અવનિબહેન ટહુક્યાં : ‘આવી ગયાં કે ? સુરતમાંથી બહુ સાડી ખરીદી ?’
‘ખરીદી ?’ એ સહેજ ચમક્યાં ! ‘હું તો ક્યાંય ગઈ નથી.’
‘રહેવા દો હવે, તમારી સાડી પહેરવા નહિ માંગું. જોવા તો આપશો ને ?’
‘જોવા ? અરે ! ખરીદી હોય તો જોવા શું પહેરવા પણ આપું ! પણ એકે સાડી લીધી જ નથી ત્યાં….’
‘તો સુરતમાંથી શું ખરીદ્યું ?’
‘સુરત ? કશું જ નહિ ! હું ક્યાં કશે ગઈ છું ?’
‘આ તમારી નિયતિ કે’તી’તી, મમ્મી બે દિવસથી સુરત ગઈ છે, એની સાડીઓ ખરીદવા…. ને તમને જોયાં પણ નહિ.’
‘હા, એ તો બે દિવસથી થોડો તાવ છે એટલે સૂઈ રહી’તી. બહારગામ ક્યાંય ગઈ નથી ! અરે ! ઘરની બહાર જ નથી નીકળી ને ?’
‘આ તો તમારી નિયતિએ કહ્યું એટલે મેં કહ્યું.’ ઝંખવાતા સૂરે એમણે કહ્યું, ‘મેં તો એમ પણ પૂછ્યું કે તારા ડ્રેસ પણ લાવ્યાં હશે ને ? તો કે’કે ના ! ના ! એ તો માત્ર પોતાની સાડી જ લાવી છે.’

તરલબહેન ચોંક્યા ! નિયતિ આવું જુઠ્ઠું બોલે ?
તરત જ નિયતિને પૂછ્યું તો કહે, ‘મમ્મી, મેં તો આવું કશું કહ્યું નથી. મેં તો એમ જ કહ્યું હતું કે મમ્મીની તબિયત સારી નથી એટલે સૂતી છે.’ એમને સમજાયું નહિ, કોની વાત સાચી માનવી ? આ પહેલાં પણ બે-ત્રણ વાર આવું બન્યું છે. નિયતિની વાત સાચી માની તો પાડોશમાં થોડું મનદુઃખ થયું. નિયતિ શા માટે જુઠ્ઠું બોલે છે ? એવી જરૂર પણ શી ? તોય એણે શંકાના સમાધાનાર્થે સાંજના પતિને વાત કરી. એના આશ્ચર્ય સાથે ઉમેશભાઈએ પણ એવી જ વાત દોહરાવી.

થોડા દિવસ પહેલાં રમેશભાઈ રસ્તામાં મળી ગયા.
‘તું તો હમણાં બહુ ખરીદી કરે છે ? કુંજ માટે સાઈકલ લીધી ને હવે સ્કૂટી લાવવાનો છે ?’
‘ના રે ભાઈ ! હમણાં પૈસાની વ્યવસ્થા નથી. સાઈકલ બે અઢી હજારની આવે જ ! હમણાં નિયતિ માટે લીધી, ત્યારનો કુંજ કજિયા તો કરે છે. પણ બે-ચાર મહિના પછી વાત.’
‘નિયતિ પાસે સાઈકલ છે ?’ રમેશભાઈને આશ્ચર્ય થયું, ‘પણ…. એ તો એવું કે’તી’તી કે પપ્પાએ કુંજને લઈ આપી. મને નથી લઈ આપતા. મારી સ્કૂલ કેટલી દૂર છે ? હું તો ચાલતી જાઉં છું.’
મેં કહ્યું : ‘આવા તડકામાં….? બસમાં જતી હોય તો !’
તો કહે કે, ‘પપ્પા બસના પૈસા નથી આપતા ! સાચું કહું ? ઉમેશભાઈ !’ કહેતાં રમેશભાઈએ ખભે હાથ મૂક્યો, ‘ખરાબ ન લગાડશો હોં. મને નવાઈ લાગે છે. પણ હું તો તમને કહી શકું…. આ જમાનામાં દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ ન રખાય હોં.’
‘અરે ! અરે ! એવી કોઈ વાત જ નથી.’ હવે આશ્ચર્ય પામવાનો વારો ઉમેશભાઈનો હતો. સહેજ ઝંખવાયા પણ ખરા. ‘તમે શું માનો છો ? આવા તડકામાં હું નિયતિને ચાલતી મોકલું ? એટલે તો સાઈકલ લઈ આપી છે. સાઈકલ નહોતી એ પહેલાં એ બસમાં જતી અથવા હું સ્કૂટર પર મૂકી આવતો…. મને માઠું લાગે છે. તમે તો કેવી વાત કરો છો ? દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ થોડો હોય ? મને તો ઊલટાની નિયતિ વધારે વહાલી છે !’

રમેશભાઈ સહેજ ઝંખવાયા અને અચકાયા, છતાંય કહી દીધું, ‘આ તો નિયતિ કે’તી’તી એ કહું છું. એ તો ઘણી વાર ફરિયાદ કરતી હોય છે કે તમે એના તરફ બિલકુલ ધ્યાન નથી આપતાં, તમને તો કુંજ વહાલો છે, બસ !’
‘અરે ! એ તો જુઠ્ઠું બોલે છે…. પણ એ શા માટે બોલે છે એ નથી સમજાતું.’ નિયતિ પર ગુસ્સો આવવાની સાથે એમને ચિંતા પણ થઈ.
એ જ ચિંતા પત્ની પાસે પણ વ્યક્ત કરી.
‘નિયતિની વાત ખોટી છે. કુંજને વિશેષ મહત્વ નથી આપતા. વાસ્તવમાં નિયતિ તરફ વધારે ધ્યાન અપાય છે. ઘણો સમય આપણાથી દૂર રહી એટલે સ્વાભાવિક જ એના પર વિશેષ વહાલ ઊપજે છે. ફરિયાદ કરવી હોય તો કદાચ કુંજ કરી શકે.’
‘આ માત્ર કુંજની વાત નથી. એ તો આપણા વિરુદ્ધ પણ બહાર બોલતી હોય છે.’ તરલબહેને ચિંતા ને ચીડથી કહ્યું : ‘બોલવાની ક્યાં વાત ?’

નવરાત્રીમાં ગરબા રમવા જવું હતું. તરલબહેને પહેલાં ચણિયાચોળી પહેરાવી નિયતિને સરસ સજાવી. પછી પોતે સાડી પહેરવા ગયાં ત્યાં સાડી ગુમ !
‘અરે ! સાડી ક્યાં ગઈ ? હમણાં તો અહીં મૂકી હતી મેં !’
ઘાંટાઘાંટ સાંભળી ઉમેશભાઈ ઉપરથી ડોકાયા, ‘અરે તારી સાડી તો અહીં ઉપર છે.’
‘કોણ લઈ ગયું ત્યાં ? મારે પહેરવાની છે.’
‘આ સાડી…. તું અત્યારે પહેરવાની છે ? આવી ચોળાયેલી ? લે ઝીલજે…’ કહેતાં જ એમણે ડૂચા જેવી સાડી નીચે ફેંકી.
‘અરે, આ તો ઈસ્ત્રીવાળી તૈયાર જ હતી ! હમણાં જ કબાટમાંથી કાઢીને પલંગમાં મૂકેલી. ઉપર કોણ લઈ ગયું ? જવાનું મોડું થાય છે ને હવે બીજી કાઢવી પડશે.’
‘કોણ હોય બીજું ? કુંજ તો ક્યારનોય સૂઈ ગયો છે. નિયતિ જ હોય ને !’
સમસમી ગયાં તરલબહેન. નિયતિને ધમકાવી. તો કહે : ‘હં….એ, પહેલાં મને તૈયાર કરી દીધી ! પોતે પાછળથી નિરાંતે થાય છે. એટલે હું તો બગડી જ જાઉં ને ? મારાં કપડાંય ચોળાઈ જાય. તું મારા કરતાં સારી લાગે, કેમ ?’
‘અરે બેટા ! શું બકે છે તું ? અમારા મનમાં તો આવો વિચારેય નથી આવતો ! તું આવું અસંબદ્ધ વિચારી પણ કેમ શકે છે ?’ નિયતિએ પગ પછાડવા સિવાય કોઈ જવાબ ન આપ્યો. હા, બીજે દિવસે બહાર જતી વખતે કુંજનાં કપડાં પણ રગદોળી નાંખ્યાં. મમ્મીની પર્સ સંતાડી દીધી. નિયતિનાં તોફાન વધવા માંડ્યાં.

એક વાર બંને બહારથી આવ્યાં ને જોયું તો નિયતિએ કુંજને બાથરૂમમાં પૂરી દીધો હતો. પોતે બહાર રમવા જતી રહેલી. કુંજ બારણાં ભડભડાવતો હતો. એ તો એ લોકો સમયસર પહોંચી ગયાં. કેમ આવું કરે છે એ ? કશું સમજાતું નથી. કુંજ તરફની એની ઈર્ષા કદાચ સમજી શકાય. પણ એ તો મમ્મી પપ્પાની વિરુદ્ધ બોલવાની એકે તક જતી કરતી નહિ. એમને હલકા ચીતરવામાં જાણે આનંદ મળતો હોય. તરલબહેન એની બહેન સાથે ફોન પર વાત કરતાં હતાં કે નિયતિએ વચ્ચેથી લઈ લીધો : ‘માસી, મમ્મી મને બહુ મારે છે. તમે એને સમજાવો ને !’ તરલબહેન હબકી ગયાં. પોતે તો ક્યારેય હાથ નથી ઉપાડ્યો ! ઉમેશભાઈ સાથેય આવું જ બન્યું. એમના મિત્ર સાથે વાત કરતા હતા કે નિયતિએ વચ્ચેથી ફોન આંચકી લીધો, ‘અંકલ, પપ્પા જુઠ્ઠું જુઠ્ઠું બોલે છે ને કે’તા’તા કે તમે જરાય સારા નથી.’ ઉમેશભાઈ સ્તબ્ધ થઈ ગયા. કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ. ચાલુ ફોને જ નિયતિને ધમકાવી :
‘કેમ આવું ખોટું બોલે છે ? ફટકારીશ હોં…’
‘તમે જુઠ્ઠા, મમ્મી જુઠ્ઠા, કુંજ જુઠ્ઠો ! તમે બધાં જુઠ્ઠાં છો. મને બહુ હેરાન કરો છો.’ બબડતી દોડતી ઘરની બહાર નીકળી ગઈ. એક વાર સ્કૂલમાંથી ફરિયાદ આવી. ‘હોમવર્ક કરતી નથી અને પૂછ્યું તો કહે, ‘મમ્મી આખો દિવસ પથારીમાં પડી રહે છે. ઘરનું બધું કામ મારે માથે છે. એટલે હું હોમવર્ક કરી શકતી નથી…. પી.ટી.ના પિરિયડમાં એક્સરસાઈઝ કરતી નથી. કહે છે ઘરકામથી થાકી જાઉં છું. કચરા-પોતાં, વાસણ-કપડાં બધું કામ હું કરું છું. મમ્મીએ કામવાળી છોડાવી દીધી છે. તમે રૂબરૂ આવી જજો.’ મમ્મી-પપ્પા બંને હબકી ગયાં. ગભરાઈ ગયાં. સ્કૂલમાં જઈને મળી આવ્યાં. પણ એકદમ ચિંતિત થઈ ઊઠ્યાં. હવે આનો કોઈ ઉપાય કરવો જ પડશે. સમજાતું નથી, નિયતિ કેમ આવું વર્તન કરે છે ?

તરલબહેન-ઉમેશભાઈએ નિયતિના વર્તન સંબંધી અંગત મિત્રને વાત કરી. ત્રણેએ ખૂબ ચર્ચા કરી. નિયતિની કુંજ તરફની ઈર્ષા, અણગમો કદાચ સમજી શકાય. ક્યારેય આવું બનતું હોય છે. સંતાન વચ્ચે અંદર અંદર ઈર્ષા હોય, ક્યારેક માતાપિતા પણ સંતાન પ્રત્યે પક્ષપાત રાખે, ત્યારે આવું બનતું હોય છે. અહીં તો આવી કોઈ વાત જ નથી. કુંજ કરતાં વિશેષ કાળજી નિયતિની લેવાય છે. છતાંય એ કુંજની ઈર્ષા કરે છે. એ તો ઠીક પણ માતા-પિતાને વગોવવાની કે હલકાં ચીતરવાની એકે તક ચૂકતી નથી. કેમ આવું કરે છે એ ? મિત્રની સલાહ મુજબ એમણે નિયતિ પર ગુસ્સે થવાને બદલે અત્યંત પ્રેમથી વર્તવાનું શરૂ કર્યું. એના અજ્ઞાત માનસ પર કોઈ ગ્રંથિ, પૂર્વગ્રહ, કોઈ જાળું ગૂંથાઈ ગયું હોય તો એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. પણ કોઈ ફેર પડ્યો નહિ. ઊલટાનું એ તો અસામાન્ય વર્તન કરવા માંડી. કોઈનું કશું માને નહિ. વાતવાતમાં ગુસ્સો કરે, તદ્દન બિન્દાસ ને ઉદ્દંડ વર્તન કરવા માંડી. આવું કરે એટલે એને ટોકવી તો પડે જ ! ટોકે નહિ તો સાચું શીખે ક્યાંથી ? અને ટોકે એટલે એ વધારે ભડકે ! વધારે ને વધારે ધમાલ કરે. કપડાં-ચંપલ, ખાવું-પીવું, એને જે જોઈએ એ ત્યારે ને ત્યારે જ હાજર કરવું પડે. નહિતર ધમપછાડ ને ઘરમાં તોડફોડ કરે. નાનીમોટી ચીજવસ્તુનો બારીમાંથી સીધો ઘા કરે. એક વાર તો ટેપરેકોર્ડર તોડી નાખ્યું.

ઉમેશભાઈએ એને સમજાવતાં કહ્યું : ‘બેટા, કુંજ કરતાં તું અમને વધારે વહાલી છો !’
ને નિયતિનો અંદરનો લાવા ઊકળી ઊઠ્યો, ‘કુંજ કરતાં હું વહાલી નથી. તમને તો કુંજ જ વહાલો છે. એટલે તો તમે મને કાકા-કાકીને આપી દીધી. એને કેમ ના આપ્યો ? મને આપી દીધી. હું તમને નહોતી ગમતી એટલે ને ?’ – બંને માથે જાણે વીજળી ત્રાટકી ! ખરેખર વીજળી જ. વીજળી ત્રાટકવાની ભયાનકતાની સાથે ક્ષણભર ચોતરફ અજવાળું પ્રસરી જાય એમ બંનેના મગજમાં પણ એકાએક અજવાળું થયું. નિયતિનું ઉદ્દંડ વર્તન, માતાપિતા પ્રત્યેનો અણગમો, નારાજગી, બીજા પાસે એમને હલકાં ચીતરવાની મનોવૃત્તિનું કારણ સમજાયું. નિયતિના શબ્દોથી બંનેને આઘાત તો લાગ્યો જ પણ સાથે એક પ્રકારની નિરાંત થઈ. અંધારામાં જાણે પ્રકાશનું કિરણ લાધ્યું. ઘનઘોર જંગલમાં નાનકડી કેડી મળી. ઝાળાંઝાંખરાં ને કાંટાળા રસ્તે પગ મૂકવાની જગ્યા તો મળી ! જો કે નિયતિના મનમાં બંધાયેલી ગ્રંથિ ખરેખર તો વાહિયાત છે. પણ એ નાનકડી બાળકીની દષ્ટિએ વિચારીએ તો વાતમાં કાંઈક વજૂદ પણ છે. એના રોષનું, નારાજગીનું કારણ છે : ‘મને કેમ આપી દીધી ? તમે મને તરછોડી દીધી ?’ વાસ્તવમાં આખીય ઘટનાના આગળ-પાછળના સંદર્ભની એને જાણ નથી. માટે મનમાં જાળું ગૂંથાયું છે, જેમાંથી એ બહાર નથી નીકળી શકતી. ખેર ! ગમે તેમ એના રોષનું કારણ તો મળ્યું ! હવે એનો ઉપાય થઈ શકશે.

તરલબહેને પડખે બેસાડીને શાંતિથી, પ્રેમથી સમજાવ્યું : ‘બેટા ! તું તો અમને બહુ વહાલી હતી. છો જ ! સાંભળ, આપણું કુટુંબ નાનું, અમે બે જ ભાઈઓ, તું જેને કાકા-કાકી કહે છે એ મારાં જેઠ-જેઠાણી. અમારાથી ચાર વર્ષ મોટાં. ખરેખર તો સૌરાષ્ટ્રના રિવાજ પ્રમાણે તારે એમને દાદા-ભાભુ કહેવાં જોઈએ. પણ તેં તો નાનપણથી જ એમને મમ્મી-પપ્પા કહ્યાં છે. અમારાં લગ્ન પછી ત્રીજા વર્ષે તું જન્મી. પણ એમનો ખોળો તો ખાલી જ હતો. આમ કુટુંબમાં કેટલાંય વર્ષ પછી તારા પપ્પાના જન્મ પછી નાના બાળકનું – તારું આગમન થયું. તારો જન્મ તો આનંદનો ઉત્સવ હતો. તેને વધાવવા તો આખું ઘર હિલોળે ચડેલું ! તું અમારા ચારેયની અતિશય લાડલી. બન્યું એવું કે તારા જન્મ પછી ત્રીજા વર્ષે કુંજ જન્મયો. એ દરમિયાન મારી તબિયત પણ નરમગરમ રહી. કુંજ આવ્યા પછી મારે એને વિશેષ સાચવવો પડે. સ્વાભાવિક જ તું એમની પાસે વધારે રહેતી, એ લોકો જ તને સાચવતાં. તું એટલી નાની, તને તો ક્યાંથી સાંભરે ? નાનપણથી જ તું એમને જ મમ્મી-પપ્પા કહેતી હતી. સરકારી નોકરીના કારણે એમની બદલી ઔરંગાબાદ થઈ. એ તને પણ સાથે લઈ ગયાં. હા, અમારી સંમતિથી ચોક્કસ પણ એમાં તને છોડી દેવાનો કે તું અમને નથી ગમતી માટે તને આપી દેવાનો કોઈ ભાવ નહોતો. તું એમની સાથે હળીમળી ગઈ હતી, તો ભલે ત્યાં સચવાય. થોડો સમય ત્યાં રહે. દીકરી તો અમારી જ છે ને. એમને કોઈ બાળક નહોતું તો ભલે તને ઉછેરવાનો આનંદ લે. એટલો જ માત્ર ભાવ હતો અને તું આનંદથી ત્યાં રહેતી હતી.

પણ એક દુઃખદ અકસ્માત બન્યો. તું સ્કૂલે ગઈ હતી ને બંને બહાર નીકળ્યાં ને કાર એક્સિડન્ટમાં માર્યાં ગયાં.’ કહેતાં જ વ્યથાની હળવી લકીર તરલબહેનના ચહેરા પર છવાઈ ગઈ. અવાજ ગળગળો થઈ ગયો. ઊંડો નિસાસો નાખી એમને વાતને સાંધી, ‘બેટા ! અમે તને અહીં લઈ આવ્યાં. બસ આટલી જ વાત છે. તું એમની પાસે રહેતી હતી, ત્યારે પણ અમારી જ દીકરી હતી ને અત્યારે પણ અમારી જ છો.’ કહેતાં એ સજળ નેત્રે નિયતિની આંખમાં જોઈ રહ્યાં. આમેય જેઠ-જેઠાણીની સ્મૃતિએ આંખમાં ઝળઝળિયાં તો બાઝેલાં જ ! નિયતિએ નજર હટાવી લીધી. એના પર ખાસ અસર ન થઈ પણ કાંઈક વિચારમાં તો પડી ગઈ.

થોડા દિવસે એનું વર્તન થોડું બદલાયું…. પણ વળી પાછું એનું એ જ. ફરી સમજાવી પણ કોઈ ફેર નહિ. તરલબહેનને ચિંતા થઈ, ‘એ પાગલ તો નહિ થઈ જાય ને !’ એમણે શહેરના પ્રતિષ્ઠિત મનોચિકિત્સકનો સંપર્ક કર્યો. વાત કરી, એમની પાસે પણ મનની દહેશત વ્યક્ત કરી. મનોચિકિત્સકે નિયતિની સારવાર શરૂ કરી. નિયતિ સાથે ઘણી બેઠકો કરી. એના મનમાં ઊંડે ઊંડે જે ગ્રંથિ, પૂર્વગ્રહ બંધાઈ ગયેલાં એ ધીરે ધીરે દૂર કરવા માંડ્યા. સાથે જ ડિપ્રેશનની દવા પણ આપી.

તરલબહેન-ઉમેશભાઈને એમણે સમજાવ્યું કે નિયતિ બિલકુલ પાગલ નથી. પાગલપનનો અંશ પણ નથી. એનું વર્તન અસામાન્ય છે, જેથી એવો ભ્રમ થાય છે કે એ થોડી પાગલ છે… વાસ્તવમાં એ અસલામતી અને અસુરક્ષાની ભાવનાથી પીડાય છે. એના મનમાં ગ્રંથિ છે કે તમને ગમતી નહોતી માટે જ તમે એને આપી દીધી. હવે કાકા-કાકી તો અવસાન પામ્યાં. તો એનું કોણ ? ભલે, તમે એને અહીં લઈ આવ્યાં, પણ એ તો એવું જ માને છે કે આ ઘર તો કુંજનું ! માતાપિતા પણ કુંજનાં અને એટલે જ તમારી સાથે આવું વર્તન કરે છે. બહાર, બીજા સાથે એ અત્યંત સામાન્યપણે વર્તે છે. કોઈને ખ્યાલ પણ ન આવે કે એ ઘરમાં આવી ધમાલ કરતી હશે ! એને જરૂર છે તમારી ઓથ ને હૂંફની ! પ્રેમની તરસી છે એ. તમારા ઉપરાંત કુંજે પણ ધ્યાન આપવું પડશે. એ પણ તદ્દન નાનો તો નથી, સમજી શકશે. – અને એવું જ બન્યું. કુંજ ઘણો સમજુ નીકળ્યો. અપેક્ષા કરતાં પણ વિશેષ કામગીરી એણે બજાવી. દીદીને સાજી કરવાનું બીડું ઝડપ્યું. આખો દિવસ દીદીની આગળ-પાછળ ઘૂમ્યા કરે. એની મનગમતી વસ્તુ લઈ આવે. ઝીણી ઝીણી કાળજી રાખે. મનોચિકિત્સકની સારવાર, ડિપ્રેશનની દવા, માતા-પિતાની હૂંફ ને કુંજની કાળજી…. સમગ્ર માહોલના કારણે ધીરે ધીરે નિયતિમાં બદલાવ આવવા માંડ્યો. વરસ દિવસે એ એકદમ સામાન્ય બની ગઈ. પહેલાંની હસતી-કૂદતી નિયતિનો જાણે પુનઃજન્મ થયો. સ્કૂલમાં, ઘરમાં ઈતરપ્રવૃત્તિમાં રસ લેવા માંડી. છતાં પણ ક્યારેક માતા-પિતાને લાગતું કે એના મનમાં હજુ કાંઈક છે. કાંઈક ખચકાટ છે. શું છે તે સમજાતું નહોતું.

એક વાર જૂની ફાઈલ ફંફોસતાં નિયતિનું બર્થ સર્ટિફિકેટ અને ઔરંગાબાદની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી એ સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ કોપી હાથમાં આવી. ઉમેશભાઈની ઝેરોક્ષ કોપી રાખવાની આદતે એક મહત્વની, એક નિર્ણાયક ભૂમિકા ભજવી. ઔરંગાબાદની સ્કૂલનું લીવિંગ સર્ટિફિકેટ તો અહીંની સ્કૂલમાં એડમિશન લીધું ત્યારે જમા કરાવી દીધું હોય આ વાત તો વીસરાઈ ગઈ હતી. ત્યારે તો આવું કાંઈ સૂઝ્યું નહોતું. પણ અત્યારે એની કોપી જોતા જ અચાનક સૂઝ્યું. ઝેરોક્ષ કોપીમાં નામ હતું : ‘નિયતિ ઉમેશભાઈ દોશી.’ એમણે નિયતિને વંચાવ્યું :
‘જો બેટા ! ભલે તું ત્યાં રહી, પણ દીકરી તો અમારી જ હતી, જો તારી પાછળ મારું નામ વાંચ. અમે કાયમ માટે તને આપી નહોતી દીધી એની આ સાબિતી છે…. માત્ર એમને તું અત્યંત વહાલી એટલે થોડા સમય તને ઉછેરી એટલું જ.’
આશ્ચર્ય ! નિયતિની રહીસહી શંકા પણ નિર્મૂળ થઈ ગઈ. ‘એમ વાત છે પપ્પા ?’ કહેતાં જ એની આંખમાં ને હોઠ પર સ્મિત ફૂટ્યું. ચહેરો એકદમ ખીલી ઊઠ્યો. અંગેઅંગ હાસ્ય પ્રગટ્યું, રોમરોમ રણઝણી ઊઠ્યું….. મૂરઝાઈ ગયેલો છોડ એકદમ નવપલ્લવિત થઈ ગયો. લાગલી જ એ દોડી. આંગણાના બગીચામાં ગુલાબ, મોગરાને પાણી સિંચતી મમ્મીને ભેટી પડી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

23 thoughts on “નિયતિ કેમ આવું કરે છે ? – કલ્પના જિતેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.