- ReadGujarati.com - http://www.readgujarati.com -

અ. સૌ. હંસા – ચિનુ મોદી

[‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2011 માંથી સાભાર.]

1958ના મે મહિનાની 26મી તારીખે બપોરે મારી ભારે કસોટી થઈ. હું એકવીસનો થઈ જાતે લગ્ન ન કરું એ માટે મારા બાપુજીએ મારું લગ્ન કરવાનું તાબડતોબ નક્કી કરેલું, કારણ એમને એ ખબર પડી ગઈ હતી કે :

અંતર મારું એકલવાયું, કોને ઝંખે આજ ?
કામણ કોનાં થઈ ગયાં કે ના સૂઝે રે કાજ !

એ ભલે ધાર્મિક સામયિક ‘વિશ્વમંગલ’માં મારું ગીત છપાયું; પણ ‘લવ ધાય નેબર’ના ક્રાઈસ્ટ પક્ષી થવા મથતા એમના દીકરાનું આ પ્રથમ પ્રેમગીત છે, એ સમજી ગયેલા અને એથી ખ્રિસ્તી છોકરી સાથે હું લગ્ન ન કરું, એટલા માટે….

નાનો કોઠારી વાડો, કડી. સીડી ચડીને ઉપર જાઓ એટલે એક મોટો રૂમ જેમાં રસોડું સામેલ અને પછી અંદર નાનો બેઠક ખંડ-ખુરશી-મેજ વગરનો. ગાદીઓ પાથરેલી હતી. મારા બાપુજી, મારી મા અને મારા કાકા મને છોકરી જોવા સાથે લઈ ગયેલાં અને મને કહી રાખેલું : ‘જો તને છોકરી પસંદ આવે તો ઉપરનું બટન બંધ કરજે, તો વાત આગળ ચલાવીશું.’ મારી સાથે મારાં સગાં ઉપરાંત ચંદુલાલ, ચીમનલાલ, સુભદ્રાબા, હંસા, મંજુ સૌ હતાં. બે છોકરીઓમાંથી કઈ છોકરી મારે માટે બેસાડવામાં આવેલી એની મને ખબર પડતી નહોતી. બે લગભગ સરખી ઉંમરની કન્યાઓ બેઠેલી – મારા બાપુજી પણ એ જ અવઢવ અનુભવતા હતા એટલે એમણે પૂછ્યું :
‘આમાં કઈ છોકરી તમે પરણાવવા માગો છો ?’
અને મારા સસરાએ હંસાના તરફ ઈશારત કરી ને મેં ફટ બટન વાસ્યું. બેઠી દડીની, ઘઉંવર્ણી, કપાળમાં મોટો ચાંલ્લો કરેલી હંસાએ પહેલી ક્ષણથી મારી કસોટી શરૂ કરેલી – હું અઢારનો અને એ સત્તરની. મને કહેવામાં આવ્યું, ‘તારે આને કંઈ પૂછવું છે ?’ આ-ને એટલે હંસાને. અને મેટ્રિકમાં ત્રણ વિષયમાં ડિસ્ટિન્કશન લાવેલી હંસાને, મેં 39 ટકા સાથે માંડ એસ.એસ.સી.એ સવાલ કર્યો :
‘એસ.એસ.સી.માં સંસ્કૃત હતું ?’

આમ અને આવા એબ્સર્ડ પ્રશ્નથી અમારા પ્રત્યાયનની શરૂઆત થયેલી. ખૂબ જ તાબડતોબ હું બી.એ. પાસ થયો ને બાપુજીએ મારાં લગ્નની કંકોતરી છપાવી એમાં પોતાના સુપુત્ર ચિનુભાઈ બી.એ. (ઓનર્સ) એમ છપાવેલું. ત્યારે હું ‘વસંત વિલાસ’ નામે પુસ્તકનો અનુવાદક પણ હતો – બહુ નાની વયે – હંસાની નાની વયે – એ મારા જીવનમાં આવી અને મેં નિખાલસતાથી મારા પહેલા પ્રેમની વાત એને પહેલી રાત્રીએ જ કહી દીધી ત્યારે એ બોલેલી : ‘હવે એનું શું છે ?’ મેં શરૂમાં હંસાને કવિતા લખતી કરવા ખાસ્સા પ્રયત્ન કરેલા. એણે લખેલ એકાદ-બે ગરબા જેવાં કાવ્ય ‘સ્ત્રીજીવન’માં છપાવેલાં પણ ખરાં; પરંતુ, એને કવિતા લખવા કરતાં સાંભળવાનો વધારે શોખ હતો અને એટલે હું તો ઠીક, રાવજી-રાજેન્દ્ર-અનિલથી માંડી દિલીપ ઝવેરી સુધીના મારા મિત્રો હંસાને કવિતા સંભળાવતા. એ સૌની લાડકી ભાભી હતી અને આ સૌ એના નણંદ જેવા માથાભારે દિયર હતા.

રાજેન્દ્ર શુક્લની ફરમાઈશથી એ અડધી રાત્રે શીરો શેકવા બેસે ત્યારે રાજેન્દ્ર કહે : ‘હવે થોડું ઘી નાખો – સાવ વાણિયા ન થાઓ.’ અને ત્યારે હંસા હસીને કહેતી : ‘મારે પાંચ નણંદ તો છે તું છઠ્ઠી નણંદ છે….’ રાવજી હકપૂર્વક મારી ગેરહાજરીમાં આવી એની પાસેથી પહેલી વાર રૂમ ભાડે લીધી હોય ત્યારે ગાદલું, ચાદર, ઓઢવાનું અને ‘ચિનુને ગમે છે એ ઓશીકું’ લઈ જતો. મણિલાલ એની દોસ્તને લઈને ઘરે આવી હંસાને કહેતો, ‘જો ભાભી, હું બોલાવું ત્યારે જ ત્રીજે માળે કોકને મોકલજે, સમજી ? કોઈ મને-અમને ડિસ્ટર્બ ન કરે.’ મનહર મોદી ઘરમાં પેસતાંની સાથે કહે : ‘હંસા, તારો જેઠ આવ્યો છે – શું ખવડાવવાની-પિવડાવવાની છે ?’ લાભશંકર હેવમોરમાં બેઠા હોય અને અમે બે જઈએ તો હંસાને આઈસ્ક્રીમ પર આઈસ્ક્રીમ ખવડાવે – બેય આઈસ્ક્રીમનાં શોખીન અને લાભશંકર પાસે એ પ્રત્યેક મુસીબતે પહોંચી જ જાય.

આજે મારા ઘરમાં મારા દીકરા ઈંગિતની પત્ની શિલ્પાની દાળ વખણાય છે. એક જમાનામાં હંસાના હાથની દાળ ખાવા ખાસ ચન્દ્રવદન મહેતા ને હીરાબેન પાઠક આવતાં. મારા ગુરુ મોહનભાઈ માટે એ ખાસ કંકોડાનું શાક બનાવે. મારા પરત્વેનું બિનશરતી વહાલ એ આ સૌ પર નિયમિત વરસાવતી. આમાંથી જેમ મારા મિત્રો બાકાત નહીં, એમ મારી પાંચ બહેનો અને એમનો કુટુંબકબીલો, મારી મા અને મારાં નાની; મારા બોબડા કાકા અને મારા નિષ્કામયોગી મામા કે મારો નાનો ભાઈ દિલીપ કે નિમિષા, ઈંગિત, ઉત્પલ…. સહુ કોઈ એના વહાલથી કાયમ ભીંજાય. મારા જિતેન્દ્ર પાર્ક સોસાયટીના આડોશીપાડોશી 21 વર્ષે પણ હંસાને યાદ કરતાં ગદગદ થાય છે. પણ, એને આ સૌમાં સૌથી વધારે વહાલો એનો એકનો એક ભાઈ હર્ષદ અને હર્ષદનો ડુપ્લિકેટ મારો મોટો દીકરો ઈંગિત. એ ક્યારેક પણ સમ ખાવાની સ્થિતિમાં આવે ત્યારે તરત કહે : ‘ઈંગિતના સોગંદ.’ એક વાર મેં એને કહેલું કે ‘તું મારા સોગંદ નથી ખાતી એનો અર્થ તને મારાથી વધારે વહાલો ઈંગિત છે ?’ ત્યારે કહે : ‘શરમાવ, શરમાવ. દીકરા સાથે હોડમાં ઊતરો છો ?’

મને પહેલી ક્ષણથી એ મિત્ર લાગેલી અને એટલે એના મૃત્યુ પછી દસ વર્ષે પહેલો એલેજી સંગ્રહ પ્રગટ કર્યો હતો એનું નામ પણ મેં ‘સૈયર’ રાખેલું. સતત એને દુભાવું પડે એવું હું જિંદગી આખી વર્ત્યો હતો. કોણ જાણે જેને પ્રેમ કહે છે એવો ભાવ એની સાથે જાતીય જીવન જીવ્યો તો પણ જાગ્યો નહોતો. એ મારી દોસ્ત જ વધારે લાગેલી. મારી પ્રેમની વ્યાખ્યા આજે સમજાય છે એમ કાચી, ખોટી અને હંસા માટે ભારે અવમાનકારી હતી. એના છતાં મારી જિંદગીમાં દર વખત કોઈ ને કોઈ સ્ત્રીપાત્ર રહેલું જ. એ આ સૌને જાણે. ક્યારેક કોક સાથે ઘરોબો પણ બાંધે. પણ, હું એનું સતત અપમાન કરતો જ રહેતો. એ એક વાર 1969માં મારાથી રિસાઈ પિયર ચાલી ગયેલી પણ ત્યારેય મને એમ જ લાગતું હતું કે અન્યને પ્રેમ કરવાનો મારો અધિકાર છે. હંસા આ સમજતી નથી એટલું જ; એવું હું માનતો. એટલે ચાર મહિને એ પાછી આવી ત્યારે મેં જાણે કૈં જ ન બન્યું હોય એમ બહારથી ઘરે આવી હંસાને જોઈ કહેલું :
‘પાણી આપજે ને….’
આજે આ બધું સાંભરણમાં આવે ત્યારે મારી પ્રેમની ખોટી ફિલસૂફી પર રડવાનું જ મન થાય છે. પ્રેમલગ્ન એ જ ઉત્તમ એમ મેં માની લીધેલું અને મારા જન્માક્ષરમાં બીજાં લગ્ન છે જ, એવું જાણી ગયેલો એટલે મેં બીજી વાર લગ્ન પણ કર્યાં, પરંતુ જે દિવસે અર્થાત 16મી મે 1977ના રોજ સવારે રસોડામાં બેસી એ ચા-નાસ્તો પીરસતી હતી ત્યારે મારા હવે પછી બનનાર એ દિવસની ઘટનાને કારણે ડૂમો ભરાઈ આવેલો. એણે મારો એ અપરાધ પણ….ઘોર અપરાધ પણ કેવો માફ કરેલો ? 1977થી 1989 સુધી એણે ક્યારેય આ અંગેનો ટોણો તો નહોતો જ માર્યો – મને એનો સંદર્ભ સુદ્ધાં નહીં આપેલો. આવું અનર્ગળ વહાલ કરનારને હું આદર આપી શક્યો, ચાહી શક્યો નહીં.

પણ, 1986માં જ્યારે એને કેન્સર છે એમ મેં જાણ્યું ત્યારે હું ડૉ. પંકજ શાહ પાસે ભાંગી પડેલો ત્યારે ડૉક્ટરે મને કહેલું : ‘પાણી પીઓ… કૉફીનો ઘૂંટડો ભરો… કેન્સરમાં તરત મૃત્યુ નથી હોતું.’ એ પછી એ છેક 1989 સુધી જીવી અને મૃત્યુ પામી ત્યારે પણ અમે આખા ખંડમાં બે જ જણ હતાં. બપોરનો સમય હતો. 1989ના જાન્યુઆરીમાં ફરી કૅન્સરે જોર માર્યું અને ફલ્યુડ ભરાવું શરૂ થયું. કિમો ફરી શરૂ થઈ. પણ, એ મૃત્યુ પામી એના છેલ્લા બે દિવસ દરમિયાન એ સ્વસ્થ થઈ ગઈ હતી.

એણે મગાવ્યા મુજબની કાળી છાંટવાળી દ્રાક્ષ હું વાડીભાઈ સારાભાઈ હોસ્પિટલથી લઈ આવ્યો હતો. એણે એ જોઈ-ખાતાં ખાતાં કહે :
‘લાવતાં આવડી ખરી…..’ એ મને હંમેશા તુંકારે બોલાવતી.
પછી મેં એને બથમાં લઈ કહ્યું : ‘હવે તારી તબિયત ફરી સારી થતી જાય છે.’
‘હા.’ અને મેં એને ચુંબન કર્યું. એને સુવાડી. મેં એને ફરી કહ્યું : ‘હવે ચિંતા કરવાની જરૂર નથી.’
અને એ ‘સારું ત્યારે’ એટલું કહી આંખો ઢાળી સૂઈ ગઈ. મને ખબર જ ન પડી એ કાયમ માટે સૂઈ ગઈ છે. આજે સૌ સ્નેહી-સગાં મને ખૂબ જ સાચવે છે, પણ –

‘એકલો ઈર્શાદ કેવો એકલો ?
શબ્દથી અક્ષર થયે વરસો થયાં.’