અહીં બુલબુલનું અભિવાદન છે ! – ગુણવંત શાહ

[ કલોલની ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’ દ્વારા પ્રકાશિત થતા ‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.]

જેને આપણે આપણું ઘર ગણીએ છીએ તે કેવળ આપણું નથી હોતું. ઘરમાં અટવાતા ઉંદરને પણ એ ઘર પોતાનું જ લાગે છે. જો ઘર માત્ર આપણું જ હોત તો એમાં ચકલીએ માળો ન બાંધ્યો હોત. ઘરમાં આવી પડનારાં બિલ્લીમાસી મોજથી ચકરાવો મારીને ચાલી જાય છે. પ્રત્યેક ઘરમાં થોડાક મંકોડા, વંદા અને મચ્છરો ‘લિવ એન્ડ લાયસન્સ’ના કરાર મુજબ રહેતા હોય છે. બારી સાથે જડાયેલા ઍરકન્ડિશનર અને ભીંત વચ્ચે પડેલી બખોલમાં કબૂતરો ન રહે એવું ભાગ્યે જ બને છે.

સ્ટોર રૂમમાં અસંખ્ય કીડીઓની લાઈન હોવાની જ ! ઘર હોય ત્યાં ભીંત હોય, ભીંત હોય ત્યાં છત હોય અને છત હોય ત્યાં ગરોળી હોય. ધ્યાનસ્થ ગરોળી પોતાના મોંથી થોડેક છેટે આવેલા જીવડા પર ઓચિંતી તરાપ મારે છે. ચાંચડ-માંકડ હવે લગભગ અલોપ થતા જાય છે, પરંતુ ફુવડ ગૃહિણીના ઘરમાં તેઓને નિરાંત હોય છે. વાનગી તૈયાર થઈ નથી અને એના પર માખી બેઠી નથી ! પુસ્તકો પ્રત્યેના આકર્ષણમાં પંડિત અને ઊધઈ વચ્ચે જબરી હરીફાઈ ચાલતી હોય છે. ઊધઈ ઘરમાં વસે છે એની જાણ ઘરમાં હોવા છતાં કદીય ન વંચાતાં પુસ્તકોને જ હોય છે. વાળ ઓળવા માટેની ખાસ કાંસકીને લીખિયા કાંસકી કહે છે. જૂ અસંખ્ય ઈંડાં મૂકે છે અને એ ઈંડાંને લીખ કહે છે. એક જમાનામાં વાઘરણ આવી લીખિયા કાંસકી વેચવા માટે ફળિયામાં આવતી.

ઘરના આંબા પર કેરીઓની લહાણી ઋતુરાજ દર વર્ષે કરતાં જાય છે. દર અઠવાડિયે વાનરોનો એક કબીલો આવી પહોંચે છે. એ લોકો કેરી ખાય પછી વધેલી કેરી અમારા ભાગે આવે છે. વાડામાં ચીકુડી છે. વાંદરા અને પંખીઓ પહેલી પંગતમાં ભોજન કરી લે પછી બાકીનાં ચીકુ જ અમારે ખાવાનાં રહે છે. વર્ષો પહેલાં ચીકુડીની જગ્યાએ જમરૂખી હતી ત્યારે પોપટના કુળના સૂડા એક પણ જમરૂખ ઝાડ પર ન બચે તેની કાળજી રાખતા. હું સ્ત્રી-દાક્ષિણ્યમાં માનું છું તેથી સુગરી, ખિસકોલી અને કોકિલા પ્રત્યે વિશેષ આદર ધરાવું છું. એ આદરમાં પ્રેમનું તત્વ ભળે ત્યારે વાત બદલાઈ જાય છે. વર્ષોવર્ષ સુગરી નાળિયેરી પર માળો રચે છે. હજી સુધી એણે એક પણ વાર પરવાનગી લીધી નથી. પંખીઓનો કલરવ શરૂ થાય ત્યારે ખિસકોલી એમાં પોતાનો સૂર પુરાવે છે. એ ઘરમાં હકપૂર્વક દાખલ થાય છે કારણ કે એના પ્રત્યેના મારા સ્નેહને એ નબળાઈ ગણીને ચાલે છે. વાત પણ સાવ ખોટી નથી. ખિસકોલીની ચંચળતા, સ્ફૂર્તિ અને સુકુમારતાનો હું આશક છું. કોયલ કદી ઘરમાં દાખલ થઈ જાય છે. એને ખબર છે કે જે ઘરનું નામ જ ‘ટહુકો’ હોય તેમાં એના મધુર સ્વરનું અભિવાદન હોય જ. હીંચકે બેઠો બેઠો હું સતત પ્રતીક્ષા કરતો રહું છું. પ્રતીક્ષા કરવા સિવાય મારે કોઈ કામધંધો નથી. દર વર્ષે વસંત બેસે ત્યારથી ટહુકાની પ્રતીક્ષા કરું છું. હવે માણસની પ્રતીક્ષા કરવાની હિંમત બચી નથી. સાચી પ્રતીક્ષા એ જ મારી પ્રાર્થના છે. ટહુકાને હું આંબા પરથી વહેલો થયેલો વેદમંત્ર ગણું છું. ક્યારેક હીંચકાથી માંડ પંદર ફૂટ છેટે ટીટોડી ચાલી આવે છે. એ ભોંય પર ચાલે ત્યારે સાક્ષાત કવિતા ચાલતી હોય તેવું લાગે છે અને જ્યારે ઊડી જાય ત્યારે પોતાનો લયલહેરિયો સ્વર આસપાસની આબોહવામાં છોડતી જાય છે.

ઘરનો ઝાંપો ખુલ્લો રહી જાય ત્યારે કોણ જાણે ક્યાંથી ગાય કે ભેંસ દાખલ થઈ જાય છે. આખું વરસ જેની માવજત થઈ હોય એવા છોડવાનો કચ્ચરઘાણ નીકળી જાય છે. ક્યારેક ગધેડા અને ભૂંડ પણ પેધા પડી જાય છે. ગાય-ભેંસને સમજાય તેવા ડચકારા બોલાવતી વખતે મનોમન હું મારા ગામનો અસલ ભુમિપુત્ર બની જાઉં છું. મારી ભાષા શહેરની ગાય-ભેંસોને તો સમજાય છે, પરંતુ અહીંના ગધેડા તથા ભૂંડોને નથી સમજતી. જૂનો સ્નેહબંધ ઝટ નથી છૂટતો. બકરીબાઈ પણ ક્યારેક આવી પહોંચે છે, પરંતુ એ ભરવાડની ભાષા જ સમજે, મારી ન સમજે. બકરી જેવી ગરિમાપૂર્ણ નારીશક્તિ હજી જોવા મળી નથી. એ કેવળ લીલો પાલો જ ખાય છે અને આપણને જે પુષ્પ-પાંદડાં વહાલાં હોય તેને જ લાગમાં લે છે. બકરીના દાંતથી ઘવાયેલી ડાળખી વધતી અટકી જાય છે. બકરી આગલા બે પગ અદ્ધર કરીને પોતાની ઊંચાઈ વધારી જાણે છે અને ધાર્યું ફળ ચાવી જાય છે. આપણા બાગને એ પોતાના બાપનો બાગ સમજીને ઘૂસી જાય છે. બકરી કદી દાદાગીરી નથી કરતી; બકરીગીરી જ કરે છે. એને લીલો આહાર જ ફાવે છે અને ભાવે છે. એ કદી બારમાસીના ફૂલછોડને સતાવતી નથી.

ચોમાસું બેસે ત્યાં તો ગોકળગાય ઘરની ઓસરીમાં અચૂક આવી પહોંચે છે. હું એને જાણીજોઈને ‘ગોકુળગાય’ કહું છું. એની ધીરી ગતિનો અંદાજ આવે તે માટે પૂછવું પડે : ‘એક કલાકના કેટલા સેંટીમીટર ?’ ગોકુળગાય બાગના લીલા ઘાસ પર ધીમે ધીમે આગળ વધે ત્યારે એની પાછળ એક ચળકાટવાળો ઉત્સર્ગ પથરાતો જોવા મળે છે. ઘરનું ભોંયતળિયું જમીનથી બે ઈંચ જેટલું ઊંચું પણ નથી તેથી ચોમાસામાં નાની નાની દેડકીઓ ઘરમાં નિરાંતે ફરતી રહે છે. અમે કદીય એને સતાવતા નથી. લોકો ચેતવણી ઉચ્ચારે છે કે દેડકીને ખાવા માટે સાપ આવશે. હજી સુધી એમ બન્યું નથી.

થોડાક દિવસો પર એક ઘટના બની. પ્રવેશદ્વારના થાંભલા પર લાઈટના બલ્બ અને શેડ વચ્ચેની જગ્યામાં બુલબુલે માળો બાંધ્યો છે. અમે લાઈટ કરીએ તો કદાચ બુલબુલનાં ઈંડાં નાશ પામે. તેથી હાલ પૂરતું એ સ્વિચ પાડવાનું માંડી વાળ્યું છે. કોણ જાણે ક્યાંથી બુલબુલને જાણ થઈ ગઈ છે કે ખતરો પાકો છે. એ રોજ આવે છે અને ઘાસના ઘર પર બેસે છે, પરંતુ ઈંડાં મૂકવાનું ટાળે છે. કોઈ બીજી જગા જડી ગઈ લાગે છે. બુલબુલને મનોમન કહું છું : ‘હે બુલબુલ ! અહીં તારા અસ્તિત્વનું અભિવાદન છે. અમે તને હેરાન નહીં કરીએ. આ પૃથ્વી કેવળ માણસની નથી, તારી પણ છે. આ ઘર મારા બાપનું નથી, તારું પણ છે. એ આપણું છે. અમને તારી મૈત્રી ગમે છે.’ ઘરમાં કોણ કોણ રહે છે તેની જાણ એના મૂર્ખ ઘરમાલિકને હોતી નથી. પાળેલા કૂતરાને પ્રેમ કરવાનું અઘરું નથી, અને ન પાળેલા જીવોનું સહજ અભિવાદન કરવાનું સહેલું નથી. બધા જીવોનું અભિવાદન એ જ અહિંસા છે. આપણો પરિવાર સંકુચિત મટીને વ્યાપક બને ત્યારે અહિંસા સહજ બને.

રોજ ઘરના બાગમાં પુષ્પો પર પતંગિયુ બેસે છે. એની અવકાશયાત્રા અને આનંદયાત્રા નિહાળતો રહું ત્યારે વિશ્વનિર્મિત (કોસ્મોસ)નો લય મારા વ્યક્તિગત લય સાથે એકરૂપ થતો જણાય છે. પતંગિયું જ્યારે પુષ્પ પર બેઠેલું હોય ત્યારે રાધાના ખોળામાં માથું મૂકીને સૂતેલા કૃષ્ણનું સ્મરણ થાય છે. પતંગિયું ક્યારે ઊડીને અદશ્ય થયું તેનો ખ્યાલ પણ નથી રહેતો. કવિ સ્નેહરશ્મિના શબ્દો હૃદયમાં રમતા થાય છે :
પતંગિયું ત્યાં
થયું અલોપ,
શૂન્ય ગયું રંગાઈ !
ઘરને ‘આપણું’ કહેતાં પહેલાં સો વાર વિચારવું પડે તેમ છે. આપણું એટલે કોનું ? ‘આપણું’ શબ્દ વિરાટને બાથમાં લેનારો છે. સરોજ પાઠકની એક વાર્તાનું મથાળું છે : ‘વિરાટ ટપકું.’ ઘર આપણું ઢાંકણ છે. એમાં આપણી બધી મર્યાદા ઢંકાઈ જાય છે. ઈ.એમ. ફૉરસ્ટર કહે છે :
‘હું આ દુનિયામાં નગ્ન અવસ્થામાં આવ્યો હતો
અને નગ્ન અવસ્થામાં જ આ દુનિયામાંથી વિદાય લઈશ.
મજાની વાત તો એ છે કે, મારા ખમીસની અંદર હું નગ્ન
જ છું. પછી ભલે એનો રંગ ગમે તે હોય !’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અ. સૌ. હંસા – ચિનુ મોદી
સ્ટેન્ડબાય – અજય ઓઝા Next »   

18 પ્રતિભાવો : અહીં બુલબુલનું અભિવાદન છે ! – ગુણવંત શાહ

 1. Harsh says:

  khub saras
  mane maru vatan yad ave se.

  very will miss it.

 2. ખુબ સુંદર…રીના બેનના નિબંધ જેવો જ નિબંધ.

  “પતંગિયું જ્યારે પુષ્પ પર બેઠેલું હોય ત્યારે રાધાના ખોળામાં માથું મૂકીને સૂતેલા કૃષ્ણનું સ્મરણ થાય છે” …… આટલી સરસ કલ્પના જ કેટલી આનંદની અનુભૂતિ કરાવે છે…..લખનાર ને એ જોવામામ કેટલું સુખ મળ્યું હશે કલ્પી શકાય છે.

 3. Sanjay Upadhyay says:

  જેને આપણે આપણું ઘર ગણીએ છીએ તે કેવળ આપણું નથી હોતું.
  બસ આટલું સમજાય તો અડધી તકલીફો દૂર થઈ જાય.
  ગુણવંત એટલે ગુણવંત.

 4. Shailesh Patel says:

  ”vasudhaiv kutumbakam” ni bhavna charitarth thati anubhavi, Dhanyawad!! Saheb, aam pan aapana sharirni andar lakho-karodo bectria nu astitwa hoy chhe, ane to j aapne khadhelo khorak pachi shake chhe. Aetle aapnu sharir pan aapna aeklanu nathi,pachhi ghar to kyathi aapnu hoy? Khoob saras takor, aabhar.

 5. naresh says:

  ખુબ સર.સ after read this artical i feel my mind so relax,,,,,,,,,bravo,,,,,,,,,

 6. megha says:

  khub sundar… aapni samrudhdh kalpana vachak ne ek anokho anand aapi jay che.. lekh vanchata prakruti sathe ekakar thai javayu… abhar..

 7. ‘હું આ દુનિયામાં નગ્ન અવસ્થામાં આવ્યો હતો
  અને નગ્ન અવસ્થામાં જ આ દુનિયામાંથી વિદાય લઈશ.
  મજાની વાત તો એ છે કે, મારા ખમીસની અંદર હું નગ્ન
  જ છું. પછી ભલે એનો રંગ ગમે તે હોય !’

  સરોજ પાઠકની એક વાર્તાનું મથાળું છે : ‘વિરાટ ટપકું.’

  પતંગિયું જ્યારે પુષ્પ પર બેઠેલું હોય ત્યારે રાધાના ખોળામાં માથું મૂકીને સૂતેલા કૃષ્ણનું સ્મરણ થાય છે

  khub j sars lekh lagyo aabhar

 8. JyoTs says:

  વાહ વાહ્………તમારી નજરે આ બધુ હુ એ પણ આજે જોયુ ,જાણ્યુ અને માન્યુ…..એક અલગ શાન્તિ મળી વાચિને ….આભાર્……

 9. NoName says:

  Beautiful…i could recall my childhood days

 10. Dhaval Sejpal says:

  ખુબ સરસ ….વાચિને મજા આવિ …..

 11. sapan says:

  ખુબ સરસ્,,,,,,

 12. Aparna says:

  gunvantbhai na article(s) ne koi comment karvani jarur nathi, e to bas naam j ghanu chhe!

 13. Gopal Shah says:

  Gunvatbhai Shah is the god gift writer of Gujarat.God bless you

 14. Kavan says:

  મે જોયુ હતુ બધ્ પન અજે લાગ્યુ કે સાચે મે જોયુ હતુ

 15. kavan says:

  અને જે જોયુ હતુ એ જોવ જેવુ હતુ……

 16. dinesh bhai bhatt. vapi says:

  ગુણવંતભાઈના વિચારો ખુબ સુન્દર ખુબ સરસ્ બધા જીવોનું અભિવાદન એ જ અહિંસા છે. આપણો પરિવાર સંકુચિત મટીને વ્યાપક બને ત્યારે અહિંસા સહજ બને.
  ગુણવંતભાઈ એ કહયુ તેમ્ ઘરને ‘આપણું’ કહેતાં પહેલાં સો વાર વિચારવું પડે તેમ છે. આપણું એટલે કોનું ? આ વાત જો સમજાય તો નવિ સમસ્યાઓ ન રહે

 17. shruti maru says:

  ખુબ સુંદર

  સૌનું હોય એવી ભાવના વ્યક્તિ રાખે તો સ્વાર્થનું અસ્તિત્વ જ નિકળી જાય અને દુનિયા માં સ્વર્ગની અનુભુતિ થાય્.

 18. Rakesh Parmar says:

  દેડકા નો દ્રાવ દ્રાવ,કાગડા નો ક્રૉવ ક્રૉવ
  લાગે રે આજ રે,જાણે પ્રભુ નું ગીત રે
  આ અવલોકન ની તાકાત તમારી ગુણવત
  પ્રગટાવે અંતર સુતી, પ્રભુ કેરી પ્રીત રે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.