આ નથી ને તે નથી – જયવતી કાજી
[‘સુખનું સ્ટેશન’ પુસ્તકમાંથી સાભાર.]
હેમંત ઋતુની એ ખુશનુમા સવાર હતી. શિશુના સુકોમળ ગાલ જેવો મૃદુ તડકો બારીમાંથી આવતો હતો. કશું જ અઘટિત બન્યું નહોતું, છતાં કોણ જાણે કેમ, મારું ચિત્ત અસ્વસ્થ હતું. શરીર અને મન બંને થાકી ગયાં હતાં. ગઈ રાત્રે બરાબર ઊંઘ આવી નહોતી એટલે માથું ભારે હતું. કેટલાંયે કામ આટોપવાનાં હતાં, પણ ઊભા થવાનું મન જ નહોતું થતું.
થોડાક દિવસમાં મારા ભાઈના મોટા દીકરાનાં લગ્ન થવાનાં હતાં. મારા ભત્રીજાનાં લગ્ન અને પિયરનો મોટો પ્રસંગ. મનમાં એનો આનંદ હતો. ઘરનાં લગ્ન એટલે બરાબર મહાલવાનું. એ પ્રસંગે વરવધૂને શી ભેટ આપવી, ભાઈ-ભાભીને આ શુભ અવસરે શું આપવું. એમનાં બીજા બે સંતાનોને શું આપવું એનો વિચાર કેટલાક દિવસથી મનમાં ચાલતો હતો. નાના ભાઈને પણ બે બાળકો હતાં. એમને પણ કંઈ ને કંઈ આપવું તો જોઈએ. ભાભી ખૂબ જ હોંશીલાં છે. દીકરાનાં લગ્ન એટલે જમણ, સંગીતનો કાર્યક્રમ, લગ્ન, સત્કારસમારંભ વગેરે રાખ્યાં હતાં. આ બધી વખતે પહેરવા માટે નવાં કપડાં જોઈએ. અનૂપ માટે પણ સરસ નવા કૂર્તા પાયજામા જોઈએ. મારે કેટલી બધી ચીજોની જરૂર હતી – મારે ખરીદવી હતી. ઘર માટે, મારા માટે, મારી પુત્રીઓ માટે, કેટલી બધી વસ્તુઓ મારે જોઈતી હતી અને મારી પાસે તો કેટલું ઓછું હતું. આખો દિવસ હું ખરીદી માટે ગઈ. મોટી મોટી દુકાનોમાં ફરી, કેટલીયે વસ્તુઓ જોઈ. જે વસ્તુ ગમી જાય તેની કિંમત બહુ હોય ! મારી જરૂરિયાતોની યાદી લાંબી હતી અને બજેટ ! પાસે પૈસા જ કેટલા ઓછા હતા ! માંડ એકાદ-બે વસ્તુઓ લઈ હું ઘેર પાછી આવી – સાવ નિરાશ અને ખિન્ન થઈને.
સવારે ઊઠ્યા પછી પણ મારે કેટકેટલું જોઈએ છે અને મારી પાસે કેટલું બધું નથી એના જ વિચારોના વંટોળમાં હું ઘેરાઈ ગઈ હતી. મન ઉદાસ થઈ ગયું હતું. મારી પાસે શું શું નથી – મારા અભાવ અને અછતનો વિચાર કરતી ગઈ, તેમ તેમ મન વધુ ગમગીનીમાં ડૂબતું ગયું. જેમ જેમ એ વિચારો મારા ચિત્તમાંથી દૂર હડસેલવાનો પ્રયત્ન કરું તેમ તેમ વધુ જોરથી તેઓ મારા ચિત્તનો કબજો લેવા લાગ્યા. નથી, નથી, નથી – મારી પાસે કશું નથી – શબ્દો પડઘાતા રહ્યા. મનનો સ્વભાવ જ એવો છે ને ? જે નથી એની જ ઝંખના – એની જ લાલસા ! પછી કશું દેખાય જ નહિ ! જે નથી એને માટે ઝુરાપો અને છે તેની અવગણના ! લગ્નના પ્રસંગને અનુરૂપ તો બધું જોઈએ ને ? લોકોમાં કેવું લાગે ? થાકીને કંટાળીને હતાશ થઈ હું સોફા પર સૂતી. પાસે ટેબલ પર બે-ત્રણ દિવસ પહેલાં મારાં મિત્ર મીરાંબહેને મને વાંચવા માટે મોકલેલું પુસ્તક પડ્યું હતું : ‘Simple Abundance’ એનાં લેખિકા હતાં સરાહ બાન બ્રેથનેક. સાધારણ રીતે કોઈ પણ નવું પુસ્તક હાથમાં આવે એટલે થોડું પણ વાંચ્યાં વગર હું રહી શકું નહિ, પણ છેલ્લા ત્રણચાર દિવસ એવા કામમાં ગયા હતા કે આ પુસ્તક એમ જ રહી ગયું. મેં પુસ્તક હાથમાં લીધું અને પાનાં ઉથલાવવા માંડ્યાં. મને થયું અરે ! આમાં તો મારા મનની જ વાત છે ! પુસ્તક મારે માટે અને મારા વિષે જ જાણે કેમ ન લખાયું હોય ! ક્યારેક કોઈક ગીત સાંભળીએ છીએ અને એના શબ્દો અને સૂર કાનમાં ગૂંજ્યા કરે છે ! આપણાં દિલનું – આપણા મનોભાવનું – જ એમાં પ્રતિબિંબ ન હોય એમ આપણને લાગે.
‘Simple Abundance’ – ‘સીમ્પલ ઍબનડન્સ’ પુસ્તક વાંચતાં મને આવી જ પ્રતીતિ થઈ. એમ જ કહું તો ચાલે કે જિંદગી પ્રત્યેની મારી દષ્ટિ બદલાઈ ગઈ. જીવન પ્રત્યેનો મારો દષ્ટિકોણ બદલાઈ ગયો, અને મને થયું : અરે ! હું કેવી મૂર્ખી છું કે જે મારી પાસે નથી તેની જ મનમાં યાદી કરતી રહું છું ! એનો જ સતત વિચાર કરતી રહું છું ! ક્યારે પણ મને શું મળ્યું છે – મારી પાસે શું છે એનો મેં વિચાર કર્યો છે ? એ માટે મેં પરમનિયંતા પ્રત્યે કૃતકૃત્યતા અનુભવી છે ? જીવનમાં જે કંઈ સુંદર, સુખપ્રદ અને મૂલ્યવાન મળ્યું છે તે પ્રત્યે તો મેં ઉપેક્ષા જ સેવી છે ! ‘I have taken for granted the abundance that already existed in my life !’ જે બધાંથી મારું જીવન સભર છે – ભરપૂર છે એને તો જાણે મારો જન્મસિદ્ધ અધિકાર હોય એમ માની એને મહત્વ આપ્યું જ નથી ! મેં એની કદર નથી કરી. એનો આનંદ માણ્યો નથી. તેના પ્રત્યે કૃતાર્થતા અનુભવી નથી, તો પછી સર્જનહાર પાસે વધારેની અપેક્ષા કેવી રીતે રાખી શકું ? જે જે મળ્યું છે તેને માણવાને બદલે ન મળ્યાંનો કકળાટ જ કર્યો છે ! બસ ! પછી તો મેં મનોમન યાદી બનાવવા માંડી, મારી પાસે જે જે કંઈ હતું તેની – મારી સંપત્તિની – મારી દોલતની….. સ્વસ્થ અને સુદઢ શરીર, પ્રેમાળ નિષ્ઠાવાન પતિ, બુદ્ધિશાળી, સ્નેહાળ અને તંદુરસ્ત પુત્રીઓ. ભલે ઘર નાનું હતું છતાં સગવડભર્યું હતું. અમારાં સુખદુઃખમાં સહભાગી બનતાં થોડા સારા અંતરંગ મિત્રો હતા. ‘પાર્ટટાઈમ’ હું શિખવતી હતી. વિદ્યાર્થીઓનો પ્રેમ મને મળતો હતો. અમારા સંસારમાં વૈભવ નહોતો. પ્રતિષ્ઠાનાં સૂચક સાધનો નહોતાં, છતાં થોડુંક સાદું ફર્નિચર હતું. મનગમતાં થોડાંક પુસ્તકો હતાં. રસોડામાં સરસ રેશમી ડિઝાઈનવાળા પડદા નથી, પણ અભરાઈઓ છે. રોજની વપરાશની ચીજો અને વાસણો છે. મહેમાનો અમારે ઘેર વિનાસંકોચ આવી શકે છે. જીવનમાં શાંતિ છે.
જ્યારે મારી જિંદગીન ‘Ledger’નું જમા પાસું મેં આ રીતે જોવા માંડ્યું, ત્યારે મને થયું, હું તો ખરેખર શ્રીમંત છું, સમૃદ્ધ છું અને જે મને ઊણપ અને અભાવ લાગે છે તે તો તાત્કાલિક રોકડ રૂપિયાની તંગીનો છે ! ‘Cash Flow Problem’ છે ! ધંધામાં ક્યારેક નાણાંની તંગી વર્તાય છે તેવું છે ! મને થયું કે મારા ‘બૅન્ક બેલેન્સ’ની રકમ પરથી મારી જિંદગીનું મૂલ્યાંકન-એની કિંમત મારે આંકવી જોઈએ નહિ. મારી પાસે જે કંઈ હતું – જે મને સાંપડ્યું હતું એ કેટલું મૂલ્યવાન હતું; તેની ઉપેક્ષા કરી ‘આ નથી’ અને ‘તે નથી’નો વિચાર કર્યા કરવો એ મૂર્ખાઈ જ હતી. મને હેન્રી ડેવિડ થૉરોનું કથન યાદ આવ્યું, ‘તમારી પાસે કેટલી વસ્તુઓ છે, તે નહીં. પણ તમે કેટલી વસ્તુ વિના ચલાવી શકો છો, તે તમારી સમૃદ્ધિ છે.’ જેટલાં વધુ સાધનો અને ચીજવસ્તુઓનો ખડકલો તેટલું વધુ સુખ એ સત્ય નથી. અર્ધું જગત સુખની ખોજ પાછળ દોડી રહ્યું છે. ‘Pursuit of happiness’ – એને જીવનનું લક્ષ્ય માની એની પાછળ દોડતાં રહીએ છીએ, પરંતુ આ ખોટો રાહ છે. સુખ એટલે વધુ ને વધુ હોવું – having. પરંતુ આનો ક્યારેય અંત આવે છે ખરો ? જેમ વધુ મળે છે તેમ વધુ ને વધુ મેળવવાની લાલસા થાય છે, અને એમાં પોતીકું જે છે – પોતાની પાસે જે છે તેને જોવાની અને માણવાની ક્ષમતા ગુમાવી દઈએ છીએ.
‘સિમ્પલ એબંડન્સ’ – ‘Simple Abundance’ પુસ્તકમાં લેખિકા સરાહ બાથ બ્રેથનેકોએ રસેલ કૉનવેલના એક વિખ્યાત પ્રવચનની વાત કરી છે. રસેલ કૉનવેલ એક સુપ્રસિદ્ધ લેખક, પત્રકાર, પાદરી અને પ્રવચનકાર હતા. એમણે ઈ.સ. 1877 થી 1925 સુધીના સમય ખંડમાં છ હજારથી વધુ પ્રવચનો કર્યાં હતાં. એમાંનું એક પ્રવચન – ‘એકર્સ ઑફ ડાયમંડ્સ’ ખૂબ જ લોકપ્રિય થયું હતું. એ છપાતાંની સાથે એની બધી નકલો ખપી ગઈ હતી. રસેલે એ પ્રવચનમાં એક દષ્ટાંત આપ્યું હતું. અલી હાફેદ નામનો એક ઈરાની ખેડૂત. એની પાસે એક નાનું ખેતર હતું. નાનકડું ઘર હતું. પત્ની અને બાળકો હતાં. અલીને થતું આ તે કંઈ જિંદગી છે ! મારી પાસે મોટાં ખેતરો હોય, પુષ્કળ પૈસા હોય, જર-ઝવેરાત હોય તો કેટલું સારું ! મારે મોટા ધનવાન થવું છે. મારે પુષ્કળ ધન કમાવવું છે. મારે ધનની શોધમાં જવું જોઈએ એમ વિચારી એણે પોતાનું ખેતર વેચી નાખ્યું. ઘર વેચ્યું, વાડો વેચ્યો, એટલું જ નહિ પણ એણે પોતાના પરિવારને પણ છોડી દીધો. એણે સાંભળ્યું હતું કે ક્યાંક દૂર હીરાની ખાણ છે. એ નીકળી પડ્યો હીરાની શોધમાં. કેટલીયે શોધ કરી – ક્યાં ને ક્યાં ભટક્યો. છતાં હીરા મળ્યા નહિ. એ ખૂબ નિરાશ થઈ ગયો. લાંબી રઝળપાટને લીધે એ બીમાર પડી ગયો. અને અંતે સાવ કંગાળ હાલતમાં એકલો-અટૂલો એ મરી ગયો. હવે બન્યું એવું કે જે માણસને એણે પોતાનું ખેતર વેચ્યું હતું તે માણસ ખેતરને ખૂબ જ પ્યાર કરતો હતો. સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરે. આખા દિવસના પરિશ્રમ પછી સાંજે એ ઘેર જાય અને પોતાની પત્ની અને બાળકો સાથે બેસી વાતચીત કરે અને બધાં આનંદથી ભોજન કરે. એ સુખી હતાં, કારણ કે એ સંતોષી હતો.
ઘરની પાછળ વાડો હતો. અલી હાફેદે એના પર કશું જ ધ્યાન આપ્યું નહોતું. એમાં કશું ઉગાડ્યું નહોતું. એનું ચિત્ત તો હીરાની શોધ પાછળ ખોવાઈ ગયું હતું. આ ખેડૂતને થયું : મારા ખેતરમાં સારો પાક થાય છે. હવે આ વાડામાં હું સરસ ઝાડપાન ઉગાડું. એણે એ જગ્યા ખોદવા માંડી અને ખોદતાં ખોદતાં એને હીરા મળી આવ્યા ! એ જમીનમાં જ હીરાની ખાણ હતી ! એ તો એક સાદો સીધો ભોળો ખેડૂત હતો. એણે તો સ્વપ્નેય ધાર્યું નહોતું કે એને આટલું ધન મળશે. હીરાની ખાણ મળશે ! રસેલ કૉનવેલ આ દષ્ટાંત દ્વારા લોકોને એક અદ્દભુત સંદેશો આપવા માંગતા હતાં. આપણાં દરેકની ભીતરમાં જ ભવિષ્યની તકનાં બીજ રહેલાં હોય છે. માત્ર એને શોધતાં અને ખોદતાં આવડવું જોઈએ ! આપણે એક સ્વપ્નું લગનીથી સેવતાં હોઈએ અને એમાં પ્રેમ, રચનાત્મક શક્તિ, લગની અને ખંત સીંચી દઈએ, તો જરૂર સફળતા પ્રાપ્ત થવાની. ‘Your diamonds are not in far distant mountains or in yonder seas, they are in your own background, if you but dig for them.’ અર્થાત તમારાં રત્નો દૂર દૂરના પહાડોમાં કે સમુદ્રોમાં નથી રહ્યાં, એ તો રહ્યાં છે તમારી ભીતરની ભૂમિમાં – જો તમે ખોળી શકો તો.’
સાચા સુખનું સ્થાન પણ આપણી ભીતરમાં જ છે ને ? એને જોતાં અને અનુભવતાં આવડવું જોઈએ. બાકી તો ‘વધારે અને હજી વધારે’ની પાછળ દોડતાં જ રહીશું તો ટૉલ્સ્ટૉયની સુપ્રસિદ્ધ વાર્તા – ‘How much a man needs’ ના પાત્ર જેવું થવાનો સંભવ છે. વધારે ને વધારે જમીન મેળવી લેવા માટે એ માણસ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી દોડતો ને દોડતો રહે છે અને અંતે કશું જ મેળવ્યા વગર ઢળી પડે છે ! આશ્ચર્ય થાય છે ને, આપણે શા માટે આટલાં દુઃખી થઈએ છીએ ! જરા વિચાર કરીએ. સર્જનહારે આપણને કેટલું બધું આપ્યું છે ! માનવદેહ આપ્યો છે. અનેકાનેક સંભવિતતાથી ભર્યું માનવજીવન આપ્યું છે. દિલ અને દિમાગ આપ્યાં છે. આ અદ્દભુત સૃષ્ટિમાં જીવવું એ જ શું એક મહાન ઘટના નથી ? એ શું મોટું વરદાન નથી ? આ સંદર્ભમાં મને જીવનની એક બહુ સુંદર અને હૃદયસ્પર્શી વાત થૉરન્ટન વાઈલ્ડરે એના નાટક ‘Our Town’ – ‘અવર ટાઉન’માં કહી છે તેનું સ્મરણ થાય છે. નાટકની નાયિકા એમિલી ગ્રોવર્સ કોર્નર્સ નામના ગામમાં રહે છે. યુવાનીમાં પ્રસૂતિમાં એનું મૃત્યુ થયું. નાટકના અંતિમ ભાગમાં એમિલીને આ ધરતી પર ફરી આવીને જીવવાની અને એની બારમી વર્ષગાંઠ માણવાની છૂટ દેવી તરફથી આપવામાં આવે છે. એમિલી સજીવ થઈને પાછી આવે છે. એની બારમી વર્ષગાંઠનો દિવસ છે. પહેલી જ વખત એમિલીએ એનાં માતાપિતાની સરળતા અને એમનો પોતાના પ્રત્યેનો ગાઢ પ્રેમ જોયો. એને રોજિંદા જીવનની અનેક નાનીમોટી બાબતો, જે આપણાં જીવનમાં અંતર્ગત હોય છે, એનો ખ્યાલ એને આવે છે, અને ક્યારના, વિસરાઈ ગયેલા એ દિવસોનું માધુર્ય અને કારુણ્ય એમિલી માટે અસહ્ય બની જતાં એકાએક એ બોલી ઊઠે છે : ‘જિંદગી કેટલી બધી ઝડપથી પસાર થઈ જાય છે ! આપણને તો એકબીજા સામું નિરાંતે જોવાનો પણ સમય નથી હોતો ! મહેરબાની કરીને મને પાછી પેલી ટેકરી પર લઈ જાવ તે પહેલાં થોભો. મને એક વખત આ બધું જોઈ લેવા દો. જગત તને અલવિદા ! મારી મમ્મીએ વાવેલાં સૂર્યમુખીનાં ખીલેલાં પુષ્પો, તમને વિદાય ! રાત્રિની ગાઢ નિદ્રા અને પરોઢની સ્ફૂર્તિભરી જાગૃતિ…. સૌને ગુડ બાય ! ઓહ વસુંધરા ! તું કેટલી અદ્દભુત છે કે અમને એનો ખ્યાલ જ નથી આવતો ! જિંદગી હોય છે ત્યારે આપણે એનું મૂલ્ય સમજીએ છીએ ? પ્રત્યેક મિનિટનું મૂલ્ય સમજીએ છીએ ? એમિલીના આ પ્રશ્નના ઉત્તરમાં એને ‘સ્ટેજ મૅનેજર’ જવાબ આપે છે, ‘ના….ના…’ અને નાટક અહીં પૂરું થાય છે.
‘સીમ્પલ એબન્ડન્સ’ – ‘Simple abundance’ પુસ્તક વાંચતાં મને એમિલીનો આ પ્રસંગ યાદ આવ્યો અને છેલ્લા કેટલાયે દિવસોનો મારો હતાશનો-નિષેધનો અને વિષાદનો ‘મૂડ’ બદલાઈ ગયો. નવો જ પ્રકાશ મારા ચિત્તમાં ફેલાઈ ગયો. ‘મારી પાસે આ નથી અને તે નથી, મારે આ જોઈએ અને તે જોઈએ, બીજાની પાસે આ છે અને મારી પાસે નથી.’ એવા ખ્યાલોમાં જીવનદેવતાએ આપેલી આ અમૂલ્ય જિંદગી અને એના અનેક નાનામોટા આનંદ અને ઉલ્લાસને હું ભૂલી ગઈ હતી ! જીવન જે હોય તે અને જેવું હોય તે, પરંતુ આ જીવન આપણને ફરી મળવાનું નથી. નાનાંનાનાં સુખના પાયામાં જ જીવનની આ વિપુલતા રહી છે. એ જ સત્યવસ્તુ છે. જીવનના પ્રત્યેક અરુણોદયને માણી લઈએ.



સુંદર લેખ મજા આવી ગઈ.
ખુબ સુંદર.
વધારે મેળવવાની આશામાં જે છે તે ગુમાવવું પડે છે….
Life is like this only, enjoy & satisfied with what you have, don’t bother about what u don’t have. aa badhu kahevu sahelu chhe, Jiravavu ghanu agharu chhe
સરસ્ અતિ સુન્દર્
High thinking
Be simpal living.
khub saras
This artical is concted to us, very beautiful artical.
Nice article.Truth about our life.
We are fully aware of this simple facts of life, but fully failed to apply in life.
Typical our human nature, flately we refuse to help ourselves
“The Things are Neither Good nor Bad,But We Think So…..”
The man who has no desires is the happiest person in this world.
જીવનમાં ખુબજ અગત્યની વાત સરસ મઝાનાં દષ્ટાંત વડે સમજાવી છે.
જયવતી કાજીને અભિનંદન.
I always enjoy reading Jayvati Kaji articles.
Thanks,
Ghanshyam
Good one. The quickest and easiest way to change situation is by changing your perspective and attitude.
Always leave and live in present
Simply superb…………
ખુબ સુંદર લેખ છે વાત સરસ મઝાનાં દષ્ટાંત વડે સમજાવી છે.
ધન્યવાદ
માનવદેહ આપ્યો છે અનેકાનેક સંભવિતતાથી ભર્યું માનવજીવન આપ્યું છે. દિલ અને દિમાગ આપ્યાં છે. આ અદ્દભુત સૃષ્ટિમાં જીવવું એ જ શું એક મહાન ઘટના નથી ? એ શું મોટું વરદાન નથી ?
દિનેશ ભટ્ટ ના વન્દન