સ્ટેન્ડબાય – અજય ઓઝા

[ ‘ઉદ્દેશ’ સામાયિક (એપ્રિલ-2011)માંથી સાભાર. આપ શ્રી અજયભાઈનો (ભાવનગર) આ નંબર પર +91 9825252811 સંપર્ક કરી શકો છો.]

શું વિચારો છો મિ. વિકલ્પકુમાર ?
સૂરજ બરાબર માથે આવે ત્યારે પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે, મિ. વિકલ્પકુમાર, આ નાનકડું સત્ય માણસે કદી ન ભૂલવું જોઈએ. અને તોયે તમે આમ બ્હાવરા બનીને કોને શોધ્યા કરો છો ! ઘણી વખત માણસની સાથે ઘટી રહેલી ઘટનાઓને સમજતાં વર્ષો વીતી જાય છે ને તો પણ કેટલીક વાતો કેમેય સમજી શકાતી નથી. સાચું કહું વિકલ્પકુમાર ? કેટલીક ઘટનાઓને ન સમજવામાં જ બહુ મોટો ફાયદો હોય છે એવી નાની શી વાત પણ તમારી સમજમાં નથી આવતી શું ?

કદાચ એટલે જ તમે આમ અત્યારે જીવનની બધી એકસામટી ઘટી ગયેલી ઘટનાઓના તાળા મેળવવા મથી રહ્યા હો એવું લાગે છે. ને તોયે તમને બધી જ ઘટનાઓ તો ક્યાંથી યાદ હશે ? શરૂઆત તમારા જન્મથી જ કરીએ લો, યાદ છે ? તમને ક્યાંથી યાદ હોય, પચ્ચીસ વરસ પહેલાં તમારા જન્મ સમયે જ નર્સને જવાબ આપતાં તમારી માએ કહેલું, ‘આમ તો બીજા દીકરાની જરૂર નહોતી, મારી તો સાવ ઈચ્છા જ નહોતી. પણ એના પપ્પા જ કહ્યા કરે કે આ મોટો પણ હજી તો બાળક જ કહેવાય ને ? ન કરે નારાયણ ને એને કંઈ થઈ જાય તો ? ….આના પપ્પાની વાત પણ સાચી. બાળકને કંઈ થાય પછી ભગવાન આગળ આપણું શું ઉપજતું હોય છે ? બે સંતાન હોય તો હૈયે જરા ધરપત રહે.’

બસ, એ જ વાત યાદ કરો છો ને કે એ નારાયણ રખે ને કંઈ કરી બેસે તો એના વિકલ્પે તમારું આગમન થયું એ એટલા પૂરતું જ માત્ર જરૂરી હતું ! કેમ બરાબર ? વિકલ્પકુમાર… હવે આમાં ઉદાસ થવાની વાત ક્યાં આવી ? દાળિયા ફાકતાં જતાં ગજવામાં પણ ભરી લેવાનું ન ભૂલવું એ જ તો દુનિયાનો નિયમ છે. ને એમાં પણ તમે તો ભાગ્યશાળી છો કે જન્મતાંવેંત જ આ નિયમનો બોધપાઠ તમારી ગળથૂથીમાં આવી ગયો, બાકી અહીં તો મરતાં સમયે પણ આવી સાવ સાદીસીધી બાબતને ન સમજી શકનારા જિંદગીની સાથે પોતાનું મૃત્યુ પણ બગાડી બેસે છે. હવે તમારો તાળો મેળવવો જ છે તો ચાલો બધી જ વાતો બરાબર યાદ કરી લો. જીવનનાં બધાં જ વર્ષો બરાબર ફંફોસી જુઓ.

નર્સરીનો ઈન્ટરવ્યૂ સરસ આપ્યો હોવા છતાં લાંબો સમય તમારું નામ એ અંગ્રેજી સ્કૂલના નોટિસ બોર્ડ પર માત્ર વેઈટીંગમાં રહ્યું, આથી છેવટે કંટાળીને તમારે અન્ય દેશી બાલમંદિરમાં ગુજરાતી બાળગીતો અને વઘારેલા મમરાનો નાસ્તો કરવા માટે પૂરા ત્રણ વરસ જવું પડ્યું હતું ને ? ભઈ, બધી જ વાતો આપણા વશમાં ઓછી હોય છે ? જુઓ, તમારાં માતા-પિતાની તો તમને પણ ડૉક્ટર બનાવવાની જ ઈચ્છા હતી, પણ મોટાને એમ.ડી. બનાવવાના ખર્ચમાં જ એવાં ઊગરી ગયાં હતાં કે જેને કારણે પછી તમને તો વિજ્ઞાનમાં ડબલ ગ્રેજ્યુએટ બનાવવા સુધી માંડ ખેંચી શક્યાં ! હવે તો તમારે જ એમને ખેંચવાની જવાબદારી નિભાવવાની રહી, કેમ કે બધા જ પેશન્ટ્સ પરદેશમાં હોવાથી ડૉક્ટર તો પહોંચી ગયા હતા પરદેશમાં ! ….. શું મળ્યું વિકલ્પકુમાર ? અભરાઈ પર ચઢાવી દીધેલ વર્ષોને ફંફોસીને શું મળ્યું ? આ તો વહી ચૂકેલો સમય છે, આ કંઈ અભરાઈનાં મેલાં વાસણો થોડાં છે કે ધૂળ ખંખેરીએ કે પછી આંબલીના પાણીથી માંજી દઈએ એટલે પાછાં ચકચકિત થઈ જાય ? વહી ચૂકેલો સમય તો ડહોળા પાણી જેવો કહેવાય, એને ડહોળવાથી તો થાળે પડેલો બધો કળ ઉપર ચડી આવે.

જુઓને, વિજ્ઞાનના શિક્ષક થયા હોવા છતાં અન્ય શિક્ષકોના ફાજલ તાસ લેવા જવું પડે છે ને ? ને ખાસ તો પેલી ગુજરાતીની મૅડમ…. હા, એ આભામૅડમ એમનો તાસ લેવા જવા માટે તમને કેવી રીતે મનાવી લે છે, એ સમજાય છે ? હા, વિકલ્પકુમાર. આ બધું જ સમજાય એવી પરિસ્થિતિએ તમારે પહોંચવું જ રહ્યું. અનુભવીઓના કહેવા પ્રમાણે પરિસ્થિતિને સમયસર સમજી જવામાં શાણપણ સમાયેલું હોય છે, નહિતર પરિસ્થિતિ જાતે જ તમને બોધપાઠ શીખવે એ વખતે જરા વધુ આકરું પડી જતું હોય છે, મારા સાહેબ ! હંમેશાં ફાજલ તાસ લેવાની આવડત અને કુશળતા ધરાવતા હોવાની તમારી છાપને કારણે પછી તો એવું બનવા માંડ્યું કે અન્ય કોઈ પણ શિક્ષકને પણ ક્યારેક ભણાવવાની આળસ આવે ત્યારે એ પણ એમનો તાસ લેવા તમને મનાવી લેવાના આસાન તરીકાઓ પ્રયોગમાં લેવા માંડ્યા હતા…. હાસ્તો, એ પણ પેલી મૅડમના મારફત જ તો વળી ! એનાથી આસાન બીજો કોઈ તરીકો આ દુનિયામાં હજી સુધી ક્યાં શોધાયો છે ? વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પ્રયોગો સમજાવતા એવા તમે તમારા પર થઈ રહેલા આ ‘એક્સપેરીમૅન્ટ’ની થિયરી કેમ ન મેળવી શક્યા એ જ નવાઈની વાત છે, મિ. વિકલ્પકુમાર.

યસ, નો ડાઉટ, કે આભામૅડમ…. ઈઝ વેરી વેરી બ્યુટીફૂલ એન્ડ ચાર્મીંગ. તમારી દષ્ટિએ આટલી સુંદર યુવતીનું જિંદગીમાં આવવું એનાથી મોટું બીજું કોઈ સ્વપ્ન હોઈ શકે નહિ. સૌ કોઈ જાણતું હતું કે તે પરણેલી છે. તમને પણ ખબર હતી, તેનો પતિ દિલ્હીમાં ઑફિસર છે…. પણ એથી શું ? પ્રેમ તો આવી કોઈ જ બાબતોને જોતો નથી. અને એમાંયે આટલા બહોળા સ્ટાફમાંથી તે મૅડમે પોતાની પસંદગી તમારા પર ઉતારી ને તમને પ્રપોઝ કર્યું ત્યારે તો તમારા જીવનમાં વસંત ખીલી ઊઠી હતી વિકલ્પકુમાર. તમે ખરેખર તમારી જાતને સૌથી વધુ ભાગ્યશાળી સમજતા હતા કે તમને આટલી સુંદર સ્ત્રીનો પ્રેમ અને હૂંફ મળવા લાગ્યાં. ધીમે ધીમે તમારો પ્રેમ સાગરના અંતરની ઊંડાઈ અને હિમાલયનાં શિખરો સમાન વિસ્તરી રહ્યો. પતિથી દૂર એકલી રહીને ઝૂરતી એ મૅડમના જીવનમાં પણ તમારા પ્રવેશથી સુખનો સંચાર થઈ રહ્યાનું અનુભવાતું હતું. એકબીજાને વધુ ને વધુ મળતાં ગયાં, વધુ ને વધુ નજીક આવતાં ગયાં, બધું જ ઓળંગી ગયા પછી, પ્રેમની એ અવિસ્મરણીય અનુભૂતિના શિખરે પહોંચ્યા પછી તમને ખાતરી થઈ ગઈ કે હવે એકબીજા વગર જીવન મુશ્કેલ છે.

તમે એને ઘણીવાર કહેતા, ‘આભા, આપણે આમ ક્યાં સુધી મળ્યા કરીશું ? મને લાગે છે કે આપણે લગ્ન કરી લેવાં જોઈએ. તું વહેલી તકે તારા હસબન્ડ સાથે ડિવોર્સની ચર્ચા કરી લે તો સારું.’ આભા તો એની આગવી અલ્લડ છટામાં કહેતી, ‘મને ખબર છે વિકી, પણ એટલી બધી ઉતાવળ પણ શી છે ? મારા પતિને અહીં આવવાનો કે આવી કોઈ વાત માટે ડિસ્કસ કરવાનો પણ સમય નથી હોતો, શું કરું ? બટ યૂ નેવર માઈન્ડ.’ પછી જરા મારકણી અદામાં તમારી સાથે નાક ઘસતી કહે, ‘યૂ નોટી બોય, લગ્ન વગર પણ….. પછી શું કામ એવી ઝંઝટમાં પડવું ? ઍન્જોય યોર મૉમેન્ટ, ડાર્લિંગ. શું કામ ચિંતા કરે છે ? ગોઠવાઈ જશે બધું.’ તમને આભાની આવી અટપટી વાતો ક્યારેય સમજાતી નહિ. એ કહેતી કે ભવિષ્યનો વિચાર કર્યા વિના વર્તમાનની દરેક ક્ષણોને માણવી, એમાં જ સાચું જીવન રહેલું છે. તમને એ વાત કેટલેક અંશે સાચી લાગતી, પણ સારી નહિ. તેથી તમે એની વાતને અનુસરી ન શકતા. તમને થતું કે દરેક ક્ષણ પોતાની સાથે કંઈક લઈને આવતી હોય છે. એ ક્ષણને માત્ર ઍન્જોય કરવી એ તો ક્ષણ સાથે વ્યભિચાર થયો જ કહેવાય, નર્યો વ્યભિચાર ! ક્ષણની સાથે આવેલી સુખ કે દુઃખની અનુભૂતિને અવગણીએ એ તો એ ક્ષણનું અપમાન જ થયું ગણાય ને ! તમને ઊંડે ઊંડે થતું કે દરેક પળની સાથે આવતી લાગણીઓને પૂરતું સન્માન આપવું એ જ સાચું જીવન છે. નિયતિનો સંદેશ લઈને આવતા વર્તમાનથી છટકવું અને નિયતિનો તિરસ્કાર કરવો એ તો સ્વયંથી ભાગી છૂટવું જ થયું, જાતને છેતરવાથી ક્યો આનંદ મેળવી શકાતો હશે ! જાતને છેતરામણી ખુશીઓ ધરી દેવા તરફ ધકેલતી ‘ઍન્જોય એવરી મોમેન્ટ’ની થિયરીને બદલે જાત સાથે નિખાલસ વિષાદને શૅર કરવા મથતી ‘રિસ્પેક્ટ એવરી મોમેન્ટ’ની થિયરીમાં તમને વધારે ભરોસો હતો. આ બાબતે તમારે આભા સાથે અનેક વાર ચર્ચાઓ થતી પણ ન તો ક્યારેય તમારી થિયરી જીતી શકી હતી કે ન તો ક્યારેય આભાની થિયરીએ મચક આપી હતી. સારી બાબત એ હતી કે એ મતભેદ ક્યારેય મનભેદ સુધી પહોંચી શક્યા નહોતા.

દરમિયાન આભાનો પતિ ટ્રાન્સફર કરાવીને આવી ગયો ને એ જ સમયમાં આભાની પણ અન્ય કોઈ હાઈસ્કૂલમાં ટ્રાન્સફર થઈ ગઈ. મળવાનું ઓછું થતું ગયું એટલે તમને ગમ્યું નહિ વિકલ્પકુમાર ! પણ સાથે સાથે એમ પણ થતું કે હવે આભા બહુ ઝડપથી ડિવોર્સ માટે રસ્તો કાઢી શકશે અને જલદીથી તમને પરણી જશે. પણ એમ બન્યું નહિ. આભા મળતી ત્યારે કહેતી કે યોગ્ય સમય આવ્યે પોતે શેખરથી અલગ થવા કોશિશ કરશે પણ તે માટે કોઈ સમય મર્યાદાનાં બંધનોમાં એને બંધાવું ગમતું નહોતું. એટલે સુધી કે એવો યોગ્ય સમય ક્યારેય આવશે કે કેમ એ માટે પણ તમને રહી રહીને સંશય થવા માંડ્યો હતો. આખરે એક મુલાકાતમાં આભાએ જ સમાચાર આપ્યા, ‘વિકી, આપણું કામ સરળ થઈ ગયું છે. શેખરને દિલ્હીમાં જ કોઈ સ્ત્રી સાથે અફેર્સ થયેલો ને એણે સામેથી જ ડિવોર્સની ઈચ્છા વ્યક્ત કરી. એટલે ડિવોર્સ તો ચપટી વગાડતાં જ મળી જશે.’ તમારે હૈયે ધરપત વળી, ‘બહુ સરસ આભા, પછી આપણે પણ ઝડપથી પરણી જઈશું.’ પણ આભાના મનમાં કંઈક જુદા જ મનસૂબા રચાઈ રહ્યા હતા. તે કહે, ‘ના વિકી, આપણે પરણવાની ઉતાવળ નથી કરવી. આપણે લગ્ન વગર સારા મિત્રો બની રહીએ એ વધારે ઠીક રહેશે.’
‘એટલે ? તું શું કહેવા માગે છે ?’ તમે ગભરાયા વિકલ્પકુમાર. આથી ફોડ પાડીને વાત કર્યા સિવાય આભાને છૂટકો જ નહોતો.

તે બોલી, ‘જો વિકી, એક તો આપણા બંનેના સ્વભાવ અલગ અલગ પ્રકૃતિ ધરાવે છે. છતાંયે આપણે મળ્યાં, સાથે રહ્યાં, એકબીજાને સુખ અને આનંદ આપ્યાં, બની શકે કે એ બધું કદાચ એકબીજાની ‘જરૂરિયાત’ હોઈ શકે. પણ પછી જીવનભર સાથ નિભાવવો બહુ મુશ્કેલ પડે એવું મને લાગે છે. દુનિયામાં ક્યાંય પ્રેમ જેવું કશું હોતું નથી ને જે પ્રેમ હોય છે એ પોતાની સાથે આવી કશીક કોઈ ને કોઈ જરૂરિયાતો લઈને જ આવે છે. એટલે લોકો પોતાની સગવડ માટે ‘પ્રેમ’ શબ્દના લેબલનો ઉપયોગ કરી લેતા હોય છે. તને લાગે છે કે આપણે એવા કોઈ લેબલની જરૂર છે ? એ વગર આપણે સાથે રહી જ ન શકીએ એવું શા માટે ? તું જ કહે કે સાથે રહેવું મહત્વનું છે કે સાથે હોવું ?’
‘પણ….’ તમારે કંઈક કહેવું હતું પણ આભાના ચહેરાની રેખાઓ જોતાં હવે કશુંયે કહેવું-કરાવવું એ બધું જ નિરર્થક લાગતાં તમારા સ્વરો મૌન થઈ ગયા વિકલ્પકુમાર.
‘હું સમજું છું વિકી, આ તારા માટે આઘાતજનક વાત છે. પણ હું આઝાદ રહેવા ઈચ્છું છું. દુનિયાના બધા જ નિયમો મારે કચડી નાખવા છે. હું મારી રીતે જ જીવી છું એટલે મને મારી રીતે જ જીવવું ગમશે. અને હું ક્યાં તને તરછોડીને ક્યાંય જાઉં છું ! હું તો માત્ર તને લગ્નની જીદ છોડવા માટે જ સમજાવું છું કેમ કે મને એવા કોઈ બંધનોમાં પડવાનું હવે નહિ ફાવે. મારે મારી લાઈફ માણવી છે ને એ પણ મારી પોતાની સ્ટાઈલથી, બસ. અને મને નથી લાગતું કે આમ કરવામાં હું કોઈ અપરાધ કરું છું. કોઈ સારું પાત્ર મળે તો તું જરૂર પરણી જજે. આપણી દોસ્તી તો રહેશે જ. પણ હું મારા પર કોઈનું એકચક્રી આધિપત્ય સ્વીકારી શકું એમ નથી માટે હું એવો દંભ પણ નથી કરતી. હું મારી જિંદગીનાં બાકીનાં વર્ષો મારી મોજથી જીવી લઉં એવી મારી તમન્ના છે.’ વળી પાછી એની ખાસ મોહક અદામાં બોલી, ‘બટ…. યુ નોટી બોય…. આઈ વિલ કન્ટીન્યુ ટુ શેર માય લાઈફ વિથ યૂ, યૂ આર ઓલવેઝ વેલકમ, અન્ડરસ્ટેન્ડ ?’ જીવનમાં આખરે જે કંઈ સવાલો ઊભા થતા હોય છે એમાંના મોટાભાગના સવાલો તો આવા અન્ડરસ્ટેન્ડીંગના જ હોય છે ને, વિકલ્પકુમાર !

એ પછી તમે આભાને મળવા અનેક પ્રયત્નો કર્યા હશે પણ કોઈ ને કોઈ કારણે મળવાનું બની શક્યું નથી. કદાચ તમને ધીરેધીરે આભાની વિચારવાની રીત ગમાવા માંડી હતી. એને મળીને તમારે પણ કદાચ કહેવું હતું કે ચાલ આપણે તારી રીતે, તારી મરજી મુજબનું જીવન આરંભીએ. તું પણ આઝાદ અને હું પણ આઝાદ. બંને એકદમ સ્વતંત્ર. અને તોયે એકબીજામાં ઓતપ્રોત…! તારાં સપનાંઓની પેલે પારની એ દુનિયા પણ સુંદર જ હશે એ નક્કી. ચાલ, એ દુનિયાને પણ માણી લઈએ તારી મનસૂફી પ્રમાણે. જીવનની આ રસમ એક અનોખી કેડી કંડારી શકે છે. લેટ્સ ઍન્જોય એવરી મોમેન્ટ. ચાલ, આપણે દરેકે દરેક પળને માણીએ. હર ક્ષણને ખુશીઓથી ભરી દઈએ. અરે આપણે સાથે હોઈએ એવી દરેક ક્ષણ આપોઆપ જ આનંદથી છલકાઈ ન ઊઠે શું !? …… પણ તમે તમારી વાત એના સુધી ન પહોંચાડી શક્યા. હા, એના સમાચાર સમયાંતરે તમારા સુધી આવી ચડતા હતા. પણ એ બધા જ સમાચાર તમારી અંદર જાતજાતના વિચારો ભરી દેતા અને અકળાવનારા જ બની રહેતા……

મિ. વિકલ્પકુમાર, ફરી યાદ રાખો, સૂરજ બરાબર માથે આવે ત્યારે પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે, આ નાનકડું સત્ય માણસે કદી ન ભૂલવું જોઈએ. ગળથૂથીમાંથી મળેલ બોધ તમે ન સમજી શક્યા, અરે સાહેબ, ખુદના નામના અર્થને પણ તમે ન પામી શક્યા ? સાયન્સ ટીચર હોવા છતાં ન્યુટનના ત્રીજા નિયમ સમાન કોઈ ફેક્ટને તમે કેમ તારવી ન શક્યા ? તમારા પર થતા એક્સપરીમેન્ટને આધારે કોઈ અવલોકન કે નિર્ણય તમારી જીવનપોથીમાં ન નોંધી શક્યા ! આભાની આભાને ન તો પિછાણી શક્યા કે ન તો પામી શક્યા. એનો આ રઘવાટ અને તલસાટ……

જેટલો તાળો મેળવવા જશો એટલી ગડમથલો વધતી જશે, વિકલ્પકુમાર. હવે સાચું કહું ? જરા વિચારો તો સમજાશે કે તમે –પેલા નારાયણ કંઈ અજુગતું કરી બેસે તો ?-ના વિકલ્પે જન્મ્યા હતા. એવી જ રીતે તમે આભાની જિંદગી નહોતા પણ એના જીવનનો કોઈ એક ફાજલ તાસ લેવા માટેની એની કોઈ એવી ‘જરૂરિયાત’ હતા, હા, કદાચ એવું પહેલી વાર બન્યું હશે કે એ ફાજલ તાસ પૂરો થયાનું તમને બહુ દુઃખ હતું. નાઉ ફરગેટ, બધું જ ભૂલી જાવ. વિકલ્પકુમાર, જીવનમાં સુખી થવું હોય એ માણસે પોતાની નિયતિને યાદ રાખવી ઘટે. એ ન્યાયે તમે બસ એટલું જ યાદ રાખો કે યુ આર જસ્ટ એ સ્ટેન્ડબાય પર્સન…. ઓન્લી…..!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

29 thoughts on “સ્ટેન્ડબાય – અજય ઓઝા”

Copy Protected by Chetan's WP-Copyprotect.