ગઝલ – હેમેન શાહ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં,
આ ઋતુ આવી તમારા માનમાં.

પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.

ખીલવાનો કંઈ નશો એવો હતો,
પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં.

સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ?
ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં.

કીમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકશાનમાં.

સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં

મોંઘી ને રંગીન કંઈ ચીજો હતી,
માત્ર મેં કક્કો લીધો સામાનમાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “ગઝલ – હેમેન શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.