[‘તિલક કરતાં ત્રેસઠ થયાં’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રતિલાલભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
એક હતો દલો તરવાડી. દલાના બાપદાદાઓએ દેશની બહુ સેવા કરેલી. તેઓ બહુ સાદાઈથી જીવેલા. ગાંધીબાપુ કહે એમ કરવાનું, એ જીવે એમ જીવવાનું. દલાના બાપા મૃત્યુ પામ્યા ત્યારે દલાને કહેતા ગયા કે દેશની સેવા કરજે. દેશની સેવા કરવા માટે દલો રાજકારણમાં પડ્યો. રાજકારણમાં ખૂબ આગળ વધ્યા પછી દલાને થયું, હું અને દેશ જુદા નથી, મારું કુટુંબ અને દેશ જુદાં નથી, મારાં સગાંવહાલાંઓ અને દેશ જુદાં નથી. એણે જોયું કે, રાજકારણમાં રહેલા એના મોટા ભાગના સાથીઓ પણ આવું જ માનતા હતા. હા, પોતાના પક્ષમાં ને બીજા પક્ષોમાં હજુ કેટલાક વેદિયાઓ હતા, જે દેશને જ સર્વસ્વ માનતા હતા, પણ એવાઓની સંખ્યા ઘણી ઓછી હતી. આ લોકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી પણ જતી હતી.
ધીમેધીમે દલો ચારેકોરથી લાભ લેવામાં પાવરધો બની ગયો. આમ છતાં, આ બધું એ એવી કુશળતાથી કરતો કે એ જે કાંઈ કરે છે એ દેશના ભલા માટે, લોકોના ભલા માટે જ કરે છે; સેવા એ જ એનો જીવનમંત્ર છે એવી છાપ દલો લોકો પર ઉપસાવી શક્યો હતો. દલો વારંવાર પક્ષ બદલાવ્યા કરતો. જે પક્ષ સત્તા પર હોય અથવા જે પક્ષ સત્તા પર આવે એમ હોય એ પક્ષમાં જ રહેવાનું દલો પસંદ કરતો. એક જ દિવસે જુદાજુદા બે પક્ષોના આગોવાનો દલાને પોતાના પક્ષમાં આવકારતા હોય એવા દલાના ફોટા પણ છાપામાં છપાયા હતા. પણ દલો એથી ગભરાતો નહિ. એ એક પક્ષમાંથી બીજા પક્ષમાં માત્ર સિદ્ધાંત ખાતર જતો. અંતરાત્માના અવાજ સિવાય બીજા કોઈનો અવાજ દલાને માન્ય નહોતો. દલાનો અંતરાત્મા દલો ઈચ્છે એવો જ અવાજ કેમ કાઢતો હતો એનું એના સાથીઓને હંમેશાં આશ્ચર્ય થતું. પોતાને અનુકૂળ આવે એવો જ અવાજ કાઢવા અંતરાત્માને કેવું કોચિંગ આપવું જોઈએ એ દલો એના સાથીદારોને શીખવતો.
દલાની પત્નીને રીંગણાં બહુ ભાવે. એક દિવસ ભટાણીએ દલાને કહ્યું ‘તરવાડી રે તરવાડી !’
‘બોલો, બોલો રે લાડી !’ દલાએ વહાલથી ઉત્તર આપ્યો.
ભટાણી કહે, ‘તરવાડી રે તરવાડી, વાત રુદિયાની લો જાણી.’
દલો કહે : ‘હાર લાવું કે સાડી, બોલો રુદિયાની રાણી.’
ભટાણી કહે : ‘ના તરવાડી… પેલા બિલ્ડરે આપેલો હાર હજુ પહેરવાનો બાકી છે. સાડીના તો તમારે પ્રતાપે ઢગલે-ઢગલા થયા છે. પણ વશરામ ભૂવાની વાડીનાં રીંગણાં દાઢમાં રહી ગયાં છે, માટે રીંગણાં લાવી આપો. પણ હા, વશરામ ભૂવાની વાડીનાં રીંગણાં જ જોઈએ.’
ભટાણીની વાત સાંભળી દલો થોડો મૂંઝાયો. આ વશરામ ભૂવો જબરો જણ હતો. ભ્રષ્ટાચાર સામે આંદોલનો કર્યા કરતો હતો. દલાએ એને બે-ચાર વાર કોઈ બોર્ડ-નિગમના ચૅરમેન થવું હોય તો બનાવી દેવાની ઑફર કરી હતી. ધારાસભ્યની ટિકિટ અપાવવાની વાત પણ કરી હતી, પણ વશરામ ભૂવો એકનો બે નહોતો થયો. વશરામ ભૂવો વાજબી ભાવે સૌને રીંગણાં આપતો હતો એમ દલાનેય આપે. પણ પૈસા આપીને વસ્તુ ખરીદવી એ દલાની જીવનશૈલીની વિરુદ્ધની વાત હતી. સ્વાતંત્ર્ય પછી જેમ-જેમ વર્ષો વીતતાં ગયાં તેમ-તેમ દલાને બધુ મફતમાં પડાવી લેવાની ફાવટ આવી ગઈ હતી. રીંગણાં જેવી નાચીજ વસ્તુ માટે પૈસા આપવા પડે તો તો થઈ રહ્યું ને ! મરવા જેવું થઈ પડે દલા માટે. પણ ભટાણીના હૃદયના કોડ પૂરા કરવા એ પણ પોતાનું કર્તવ્ય હતું. ભટાણી ખરા અર્થમાં સહધર્મચારિણી હતા. ભ્રષ્ટાચાર કરવો એ પોતાનો ધર્મ છે એમ દલો માનતો હતો. દલાના આ ધર્મમાં ભટાણી હૃદયપૂર્વક સાથ આપતાં હતાં. ભ્રષ્ટાચાર કરવામાં પણ દલાના કેટલાક સિદ્ધાંતો હતા. દલો પોતે કદી પૈસાને હાથ લગાડતો નહિ. દલો તો બધાં કામ સેવાભાવે જ કરતો. પણ દેશ સ્વતંત્ર થયા પછી દેશની જનતામાં કૃતજ્ઞતાની ભાવનાનો ઘણો વિકાસ થયો હતો. કાયદેસર રીતે કોઈ કામ થઈ શકે એમ ન હોય એ દલો કરાવી આપે તોપણ એને ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ ન આપવી એ નગુણાપણું કહેવાય, એવી સમજ લોકોમાં વિકસી હતી. અલબત્ત, સ્વતંત્રતા પછી ફૂલ કરતાંય એની પાંખડી મોટી દેખાવા માંડી હતી. આવી પાંખડીઓનો ઢગલો લોકો ભટાણીનાં ચરણોમાં કરતાં. ભટાણી એનો સહર્ષ સ્વીકાર કરતાં. આવાં ભટાણીને આજે વશરામ ભૂવાની વાડીનાં રીંગણાં ખાવાના કોડ જાગ્યા હતા. પણ વશરામ ભૂવાની વાડીનાં રીંગણાં મફતમાં લઈ આવવાનું સહેલું નહોતું.
પણ દલો એમ હિંમત હારી જાય તેમ નહોતો. એ ઊપડ્યો વશરામ ભૂવાની વાડીએ. બરાબર ટાંકણે જ વશરામ ભૂવો વાડીએ નહોતો. દલા તરવાડીએ વાડીમાં ચોમેર નજર નાખી. બધે એને રીંગણાં જ દેખાયાં. રીંગણાંય કેવાં ? હાથ અડાડ્યાં વગર માત્ર આંખથી જ એની કુમાશ પરખાઈ જાય – એવાં કૂણાંકૂણાં રીંગણાં. વાડીમાં રીંગણાનો પાર નહિ ને રખેવાળ હાજર નહિ ! પણ એમ તો દલો સિદ્ધાંતવાદી હતો. રીંગણાં ઉપાડી જવાય ને છતાં એ ચોરી ન કહેવાય, એવો રસ્તો દલો વિચારવા માંડ્યો. સ્વાતંત્ર્ય પછી આવા અનેક રસ્તાઓ ખૂલ્યા હતા. દલો આવા રસ્તાઓનો જાણતલ હતો. એક વિચાર દલાના મનમાં ઝબક્યો. એણે વાડીને કહ્યું : ‘વાડી એ બાઈ વાડી !’ પણ વાડી થોડી બોલે ? પણ દલો એમ મૂંઝાય એવો ક્યાં હતો ? એ તો દેશની જનતાનો પ્રતિનિધિ હતો. દેશની જનતા વતી બોલવાનો એને હક હતો. વાડી દેશની જનતા હતી. એટલે વાડી વતી એ બોલ્યો : ‘બોલો, દલા તરવાડી !’ પછી દલાએ પોતાના વતી પૂછ્યું, ‘રીંગણાં લઉં બે-ચાર ?’ અને પછી તરત જ વાડી વતી જવાબ આપ્યો, ‘લો ને, દસ-બાર !’ દલો ભાષાવિજ્ઞાની નહોતો, પણ ભાષાની શક્તિ દલો બરાબર પિછાનતો હતો. દસબાર રીંગણાં એટલે દસ કે બાર જ રીંગણાં નહિ, જોઈએ તેટલાં રીંગણાં એવો અર્થ થાય એ દલો જાણતો હતો. એટલે એણે ગાંસડી ભરીને રીંગણાં ઉઠાવી લીધાં.
થોડા દિવસમાં રીંગણાં ખલાસ થઈ ગયાં. એટલે ભટાણીએ વળી દલાને રીંગણાં લઈ આવવા માટે પ્રોત્સાહિત કર્યો. દલો ફરી વશરામ ભૂવાની વાડીએ પહોંચ્યો. એ દિવસે પણ વશરામ ભૂવો વાડીએ નહોતો. દલાએ અગાઉની જેમ જ ‘બે-ચાર’ રીંગણાં લઈ જવા અંગે વાડીને પૂછ્યું. વાડીએ પણ અગાઉની જેમ જ ‘દસ-બાર’ રીંગણાં લઈ જવાની ઉદારતાથી રજા આપી. વાડીને ‘થેંક્યુ’ કહી દલો ફરી ગાંસડી ભરીને રીંગણાં ઘેર લઈ ગયો.
પછી તો દલાને ફાવી ગયું. વાડીને પૂછવાનું. વાડી વતી પોતે જ જવાબ આપવાનો. ને ગાંસડી ભરીભરીને રીંગણાં ઘરભેગાં કરવાનાં. રીંગણાં આમ ઊપડી જવા માંડ્યાં. એટલે વશરામ ભૂવાને ખ્યાલ આવી ગયો કે પોતે વાડીમાં ન હોય ત્યારે કોક રીંગણાં ઉપાડી જતું લાગે છે. એટલે એ રોજ સવાર, બપોર, સાંજ સંતાઈને ઊભો રહેવા લાગ્યો. બે-ચાર દિવસ ગયા અને એક દિવસ એણે દલાને વાડીમાં દાખલ થતો જોયો. વશરામને થયું, ‘અરે ! આ તો દલો !’ વશરામ છાનોમાનો તાલ જોવા લાગ્યો. દલો અંદર આવ્યો. વાડીને બે-ચાર રીંગણાં લેવા અંગે પૂછ્યું, વાડી વતી એણે જ જવાબ આપીને દસ-બાર રીંગણાં લેવાની રજા આપી. પછી રીંગણાં ઉતારીને દલાએ જેવી રીંગણાંની ફાંટ ભરી કે વશરામે એને ‘રેડહેન્ડેડ’ પકડ્યો. દલાને બોચીએથી ઝાલી વશરામે પૂછ્યું, ‘તારા બાપનાં રીંગણાં છે ?’ દલો તો શિયાવિયા થઈ ગયો અને બોલ્યો, ‘મેં એમ ને એમ નથી લીધાં, વાડીને પૂછીને લીધાં છે.’ દલાની ધૃષ્ટતાથી વશરામના ગુસ્સાનો પાર ન રહ્યો. એ દલાને ઘસડીને વાડીના કૂવા પાસે લઈ આવ્યો, અને પછી કૂવાને ઉદ્દેશીને વશરામ બોલ્યો, ‘કૂવા રે, ભાઈ કૂવા !’ પછી કૂવા વતી વશરામે જ જવાબ દીધો, ‘શું કહો છો, વશરામ ભૂવા !’ આ સાંભળી દલાના મોતિયા મરી ગયા, ‘આ વશરામ ભૂવો આજ નહિ છોડે.’ વશરામે પાછું કૂવાને પૂછ્યું, ‘ડૂબકાં ખવરાવું બે-ચાર ?’ અને પછી કૂવા વતી પોતે જ જવાબ દીધો, ‘ખવરાવો ને, દસ-બાર !’ વશરામે તો દલાને કૂવામાં ઉતાર્યો અને માંડ્યો ડૂબકાં ખવરાવવા. એક બે-ત્રણ….. દલો ત્રાહિમામ પોકારી ગયો. હાથે પગે લાગ્યો. કેટલુંયે કરગર્યો. હવે પછી આવું નહિ કરવાના ભટાણીના સોગન ખાધા, ત્યારે વશરામે બહાર કાઢ્યો.
સ્વાતંત્ર્ય પછીનાં આ વર્ષોમાં દેશમાં દલા તરવાડીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. આ દલા તરવાડીઓ બે હાથે દેશની વાડીને લૂંટી રહ્યા છે. ભારતમાતા ઊંચા જીવે પોતાના વશરામ ભૂવાઓને શોધી રહી છે !
[કુલ પાન : 200. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]
40 thoughts on “દલો તરવાડી – રતિલાલ બોરીસાગર”
Rember me At my study time…………………….
વાહ રે દલો તરવાડી…………….
આ૫ને પણ મજા આવિ કે કેમ ?
hahaha sachi vaat chhee
મજાની વાર્તા.
સાચી વાત છે, દલા તરવાડીઓ વધી ગયા છે!
આ વર્તા વાચી ખુબ ખુબ મજા આવિ ખરેખર દલા તરવાડિ આપના દેસ મા વધી ગયા છ.
saras kataxkatha!!! Bharatmata vashrambhuvane shodhe chhe pan ahi to Dala tarvadiono par nathi!! Aek vashram ketlak Dalaone path bhanavshe? Aa badha dalaone kuvane badle dariyama dubakiyo khavaravavi pade.
હવે વશરામ ભુવા ને શોધવાનો સમય આવી ગયો છે…!!
ભારતમાતાનાં કમનસીબે વશરામભુવાઓ તેને નજીક નાં ભવિષ્યમાં મળે તેમ લાગતું નથી.
કેમ કે જેમને વશરામભુવા બનવું જોઈએ એ બધાં કોઈ સ્વામી, બાબા, મુલ્લા નાં ચેલાં બની ગ્યા છે. નટ-નટીઓ નાં ઘેલાં બની ગયા છે, ક્રિકેટમાં દિવાના બની ગયા છે, ઊંચ-નીચ, નાત-જાતનાં ઝેર ફેલાવતાં નાગ બની ગયા છે. જેને વશરામભુવા માન્યા હતાં તેમને થોડા સમયમાં દલા તરવાડી બનતાં પણ જોયા છે.
લાગે છે દલા તરવાડીઓએ તેનું સામ્રાજ્ય અહિં જ જમાવી દીધુ છે.
સરસ કૉમેન્ટ.
કારણ >> વશરામભુવા કરતા દલા તરવાડી બનવુ સરળ છે.
વિજય
આપની વાત સાચી પણ આવા દલાઓએ તેમનું સામ્રાજ્ય જમાવ્યું છે એ માટે આ દેશની પ્રજા પણ એટ્લી જ જવાબદાર છે.
સાચી વાત કહેવામાં આવી. હાલ દલા વધીગયા છે . એક વશરામ ભુવા ની જરુર છે.
વશરામ ભુવા જલદિ મલી જાય એજ આપણઈ દુઆ
“વશરામ ભુવા”, નરેન્દ્ર મોદી ના નામે જન્મી ચુક્યા છે.
You are absolutely right Manan.
સરસ માર્મિક હાસ્ય/કટાક્ષ લેખ. શ્રી. રતિભાઈ બોરીસાગર તથા શ્રી. મૃગેશભાઇ શાહને ખૂબ ધન્યવાદ!
મરક મરક હસાવતા સુંદર લેખ
એક્દ્દ્મ સાચુ કહ્યુ!
અન્ના હજારે , ખેરનાર, તિ એ શેસન These are “વશરામ ભુવા”,
ખુબ સરસ કટાક્ષ્….
હાલનુ રાજકારણ જ એવી પરિસ્થિતિ પેદા કરતું થઇ ગયું છે કે ભલા ભલા સીધા સાદા સરળ માણસો પણ તેમાં પ્રવેશતા “દલા તરવાડીઓ” બની જાય છે.
ટી એન શેસન ,ખેરનાર, હજારે આ વશરામ્ભુવાઓ ,
લેખ વાંચતા વાંચતા જાણે ચાબખાં વાગતા હોય એવો અનુભવ થયો. કરૂણ વાસ્તવિકતા !!!
ઃ-(
નયન
દલા તરવાડી નિ વાર્તા નુ કેવુ માર્મિક રુપાન્તરણ્!
વન્ડર્ ફુલ …. સત્તા પણ કયારેક વશરામ ભુવા ને દલા તરવાડી બનાવેી દે ચે.. ..
વશરામ ભુવાને શોધવાની જરૂર નથી એ તો આપણી અંદર જ છે. બસ તેને જગાડો
કડવું સત્ય..
હવે સમય આવિ ગયોસે વશરામ ભુવા માતે નો અહિ આવવા માતે નો.
It is very good example to fit today’s politics in all over India. We the people of India have to wake up just like vasharam bhuva did and tell these corrupt/selfish/rakshasha the politicians. Enough is enough…People need to have some self respect, self-esteem and self-defence and over that respect for the nation first.
it is a mirror story of politician
દેશ બન દરેક વ્યક્તિ એ વશરામ ભુવો બન્વાનેી જરુર ચ્હેહ્
ખુબ સારેી
ખુબ સારેી.આવા દલા આપનેી આજુ બાજુ જોવા મલે ચે
Excellent Story Eleventh Man
બાળપણ મા વાચિ ને ખુબ હસ્વવુ આવ્યુ હતુ હવે આજ નિ હાલત પર એટલુ જ રડવુ આવે છે.
મને યાદ છે મારા દાદા આ વાર્તા કહેતા……I really miss it.
હવે દલાતરવાદિ ને પકદવાનો સમય આવિ ગયો એવુ નથિ લાગતુ?
દલો (નેતા) તરવાડી – ગોટાળા કરું બે ચાર, અરે કરને દસ બાર…
માર્મિક હાસ્યલેખ. વશરામ ભૂવાને શોધવા શા માટે જવું ? આપણને વશરામ ભૂવા બનતાં કોણ રોકે છે ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
Vasrambhuva sodhva nikdisu to nay made bhai o, apde j vasrambhuva banvu padse, desh no darek nagrik vasrambhuva bani jay to ava dala tarvadi to dekhay j nay
બહુ સુંદર વ્યંગ કર્યો છે. મઝા આવી ગૈ