સ્વરસાધનાથી સમાધિનું ધ્યેય : વિરાજ ભટ્ટ – સરોજ પોપટ

[‘નવનીત સમર્પણ’ મે-2011માંથી સાભાર.]

તાજેતરમાં અવસાન પામેલા ભારતરત્ન પંડિત ભીમસેન જોશીએ એક વખત કહ્યું હતું કે કોઈ પણ સ્વરસાધકે પોતાની કલાના સર્વાંગી નિખાર માટે જુદા જુદા ઘરાના (ગુરુ-શિષ્ય પરંપરા)ની ખૂબીઓ આત્મસાત કરતા રહેવું જોઈએ. બનારસ ઘરાનાના પંડિત રાજન-સાજન મિશ્રાની શિષ્યા ગુજરાતની વિરાજ અમર ભટ્ટને મળીએ તો ભીમસેનજીનો આ અભિપ્રાય સાકર થતો જણાય છે. વિરાજ અભર ભટ્ટે એક કરતાં વધુ ઘરાનાની ખૂબીઓ પોતાની ગાયકીમાં બ-ખૂબી આત્મસાત કરી છે. દુનિયાભરમાં વિખ્યાત અમદાવાદની સપ્તક સંસ્થાનો સંગીત સમારોહ જાન્યુઆરીની 1લી થી 13મી સુધી યોજાઈ ગયો. આ સમારોહમાં વિરાજનું ગાયન સાંભળનારા વિદ્વાનોના મતે વિરાજની ગાયકી એક નવું પરિમાણ ધારણ કરતી જણાય છે. વડનગરમાં યોજાયેલા તાનારીરી સમારોહમાં પણ વિરાજે ગાયું હતું.

અત્યંત આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી વિરાજનો જન્મ એક સુખી પરિવારમાં થયો હતો. માતા-પિતા સંગીતરસિક હોવાથી બાળપણથી વિરાજને સુરીલું વાતાવરણ મળ્યું હતું. સંગીતશિક્ષણનો પ્રારંભ વિરાજે 1978માં કર્યો. સપ્તક સંસ્થાના સ્થાપકોમાં એક અને મૈહર ઘરાનાના પંડિત રવિશંકરનાં શિષ્યા મંજુબહેન મહેતા પાસે વિરાજે સિતારવાદન શીખવાનું શરૂ કર્યું. ભણવામાં તેજસ્વી અને એવી જ નિપુણતા સિતાર પર પણ ટૂંક સમયમાં પ્રાપ્ત કરી. 1985માં યોજાયેલી ગુજરાત રાજ્ય શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં સિતારવાદન કરીને વિરાજે પંડિત ઓમકારનાથ ઠાકુર ટ્રોફી મેળવી. યોગાનુયોગે એ જ સમયગાળામાં વિરાજને ગાયકી શીખવાની ઈચ્છા જાગી.

ગાવાની તાલીમ શરૂ થઈ અને તરત વિરાજ ઝળકી ઊઠી. પછીના જ વરસે એટલે કે 1986માં ગુજરાત રાજ્ય શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં વિરાજે ગાયનમાં ફરી પંડિત ઓમકારનાથ ટ્રોફી મેળવી. આ ટ્રોફી જુનિયર વોકલ કક્ષાની હતી. એટલાથી કંઈ સંતોષ પામવાનું હોય ? ફરી 1989માં આ જ સ્પર્ધામાં વિરાજે સિનિયર લેવલ સ્પર્ધામાં પંડિત ઓમકારનાથ ઠાકુર ટ્રોફી જીતી લીધી. એકસાથે ત્રણ ત્રણ પંડિત ઓમકારનાથ ઠાકુર ટ્રોફી જીતનારી એ કદાચ એકમાત્ર ગુજરાતી મહિલા કલાકાર છે. પછી તો એક તરફ ઉચ્ચ શિક્ષણ અને બીજી તરફ શાસ્ત્રીય સંગીતની ઉચ્ચ તાલીમ. પંડિત ભીમસેન જોશીજીના કિરાણા ઘરાનાના અમદાવાદ ખાતેના કલાગુરુ પંડિત વિલાસરાવ ખાંડેકર પાસે વિરાજની ગાયકીની તાલીમ ચાલતી રહી. વિલાસરાવે એક તબક્કે કહ્યું કે મારે તને જે શીખવવાનું હતું એ બધું પૂરું થયું. હવે તું રિયાજ દ્વારા આગળ વધ. રિયાજની સાથોસાથ વિરાજે ગ્વાલિયર ઘરાનાના પંડિત નારાયણરાવ પટવર્ધન પાસે તાલીમ લેવા માંડી. (બાય ધ વે, પંડિત ઓમકારનાથ ઠાકુર પણ ગ્વાલિયર ઘરાનાના સ્વરસાધક હતા.) ત્યાર બાદ બનારસ ઘરાનાનાં રૂપાંદે શાહ પાસે તાલીમ લીધી અને કંઠને કસતાં રહ્યાં. બનારસ ઘરાનાની ગાયકીનો પાયો અહીં નખાયો.

અંગત જીવનમાં વિરાજ અંતર્મુખ વ્યક્તિત્વ ધરાવે છે. તમારી સાથે મનમેળ થઈ ગયો હોય તો મોકળા મને ગપ્પાં મારવા માંડે, નહીંતર પૂછો એટલો જ જવાબ મળે. તમને ગુજરાતી સાહિત્યમાં કોણ વધુ ગમે ? એવા સવાલના જવાબમાં એ નિખાલસતાથી કહે છે, હું બેઝિકલી સાયન્સની સ્ટુડન્ટ અને હવે શાસ્ત્રીય સંગીતની ઉપાસક છું એટલે સાહિત્યનો સ્પર્શ બહુ ઓછો એમ કહી શકું. પણ હા, અમર (વિરાજના પતિ) જુદા જુદા ગુજરાતી કવિઓનાં કાવ્યો-ગીતો-ગઝલો સ્વરબદ્ધ કરે ત્યારે અમે પરસ્પર ચર્ચા કરીએ ખરાં. એ દષ્ટિએ કહું તો મને રાજેન્દ્ર શુક્લની આધ્યાત્મનો સ્પર્શ ધરાવતી ગઝલો ગમે છે. એ જ રીતે વિનોદ જોશીનાં કાવ્યો પણ ગમે છે. એ સિવાય હું સાહિત્યરસિક હોવાનો દાવો નહીં કરું. જોકે વિરાજને અનાયાસે સાહિત્યનો સંપર્ક રહે છે. એમનાં સાસુમા નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનાં દોહિત્રી થાય એટલે ઘરમાં સાહિત્યના સંસ્કારો અને સાહિત્યની વાતો થતી રહે એ સ્વાભાવિક છે.

સંગીતની તાલીમની સાથોસાથ વિરાજનો અભ્યાસ પણ ચાલુ હતો. કોલેજમાં વિજ્ઞાન શાખામાં બાયો-કેમેસ્ટ્રી સાથે ગ્રેજ્યુએટ થયાં. ત્યારબાદ લાઈફ સાયન્સીઝમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. એની સાથેસાથ સંગીતમાં પણ અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયમાં પહેલાં ગ્રેજ્યુએટ, પછી પોસ્ટ ગ્રેજ્યુએટ અને ત્યારબાદ પી.એચ.ડી.ની ડિગ્રી માટે સંશોધન શરૂ કર્યું. ત્યાં 1993માં સંગીતમાં ઉચ્ચ અભ્યાસ માટે ભારતીય વિદ્યા ભવન, મુંબઈની સંગીત કોલેજના આચાર્ય પંડિત દિનકર કૈકિણીની ત્રણ વર્ષની સ્કોલરશિપ વિરાજને મળી. એ સ્કોલરશિપે નવી ક્ષિતિજો ઉઘાડી આપી. વિરાજે બનારસ ઘરાનાના પંડિત રાજન-સાજન મિશ્રા પાસે સંગીત શીખવાની ઈચ્છા વ્યકત કરી. એ માટે અમદાવાદ-દિલ્હી આવજા કરવી પડે. એ તબક્કો કેવો રહ્યો ? એવા પ્રશ્નના જવાબમાં વિરાજ રસપ્રદ કિસ્સો કહે છે : ‘મને દાદાગુરુ (પંડિત રાજન-સાજન મિશ્રાના પિતા પંડિત હનુમાન પ્રસાદજી) એ કહ્યું, કુછ ગાઓ. હું તો એ સમયે સાવ નાની. મેં તો એક બંદિશ ગાઈને તરત ઝપાટાબંધ તાનપલટા રજૂ કરવા માંડ્યા. એ સ્વસ્થપણે સાંભળતા રહ્યા. વીસેક મિનિટ પછી મેં ગાવાનું પૂરું કર્યું અને દાદાગુરુ સામે દષ્ટિ કરી. એ બોલ્યા, યહ સબ તો ઠીક હૈ. અબ ઔર કુછ ગાઓ….. હું મૂંઝાઈ ગઈ. આટલી વાર ગાયું તે શું વ્યર્થ ગયું ? હું તો રડી પડી. પછી તેમણે ધીરજભેર સમજાવવાનું શરૂ કર્યું કે આ તાનપલટા વગેરે તો ગળાને કસવા માટેનો એક પ્રકારનો વ્યાયામ છે. યહ અસલી ગાના નહીં હૈ. ઔર ફિર તુમ તો બહોત કમજોર દીખતી હો. હમારા ગાના કૈસે ગાઓગી. કુછ ખાઓપીઓ. તબિયત બનાઓ. ફિર ગાને કી સોચો…… મને ત્યાં જાડ્ડી મલાઈવાળું દૂધ આપતા. મને ફાવે નહીં, પણ શીખવાની ધગશ હતી એટલે એ પી જવું પડતું. જોકે પછી તો એમનો પ્રેમ મારા પર વરસવાનો શરૂ થયો. એમણે જોયું કે આ છોકરીને જે કંઈ શીખવીએ એ તરત ગ્રહણ કરીને એના પર મહેનત કરે છે. એટલે મને દિલ દઈને શીખવવા માંડ્યા.’

પંડિત રાજન-સાજન મિશ્રા ગુરુ તરીકે કેવા ? ‘ખૂબ કડક શિસ્તમાં માનનારા. સાથોસાથ આપણું સર્વાંગી ઘડતર થાય એની પણ કાળજી રાખનારા. આજે ભલે દિલ્હી ક્રાઈમ કેપિટલ કહેવાતું હોય. હું પહેલી વાર દિલ્હી ગઈ ત્યારનો એક પ્રસંગ મને હજુ યાદ છે. મારે આકાશવાણી પર જવાનું હતું. દિલ્હી મારે માટે સાવ અજાણ્યું શહેર, પરંતુ ગુરુજીએ કહી દીધું કે રિક્ષા લેકર ચલી જાઓ. ઈસમે કૌન સી બડી બાત હૈ ? મનમાં થોડો ડર પણ ખરો કે કેવી રીતે જઈશ ? કેમ કરીને શક્ય બનશે ? વાસ્તવમાં મારો આત્મવિશ્વાસ વધારવાની આ એમની તરકીબ હતી. આજે તો એવો સંબંધ ગાઢ થઈ ગયો છે કે બંને ભાઈઓ (પંડિત રાજન-સાજન મિશ્રા)ના પુત્રો કોઈ મૂંઝવણ હોય ત્યારે મને કહે છે, દીદી આપ જરા ડેડી સે પૂછકર હમેં બતા દીજિયે ના કિ ક્યા કરના હૈ….

આમ 1998થી આજ સુધી વિરાજ પંડિત રાજન-સાજન મિશ્રાની વિદ્યાર્થિની છે. સાથોસાથ દેશ-વિદેશમાં સ્ટેજ પ્રોગ્રામનાં નિમંત્રણો સ્વીકારીને પોતાની કલાની પ્રસ્તુતિ કરે છે. છેક 1986માં જ્યારે હજુ તો સંગીતના વિશ્વમાં પા પા પગલી ભરતી હતી ત્યારે જ અમદાવાદની કદંબ સંસ્થા સાથે ઈન્ડો સોવિયેટ ફેસ્ટિવલમાં ગાવાની તક મળી હતી એટલે પહેલો વિદેશપ્રવાસ રશિયાથી શરૂ થયો. ત્યારબાદ જાપાનના ઓસાકા શહેરમાં ગુજરાત યુનિવર્સિટીના કલ્ચરલ એમ્બેસેડર તરીકે રજૂ થવાની તક મળી. હવે વિરાજના વિદેશપ્રવાસો વધ્યા અને અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે સ્થળોએ એનાં ગાયનના કાર્યક્રમો યોજાતા થયા. ઘરઆંગણે સપ્તક સંગીત સમારોહ ઉપરાંત વારાણસીનો સંકટ મોચન સંગીત સમારોહ, ગોવાનો સમ્રાટ સંગીત સમારોહ, ઉદયપુરનો કુંભારાણા સંગીત સમારોહ, જલંધરનો હર વલ્લભ સંગીત સમારોહ, બૈજુ સંગીત સમારોહ, મુંબઈમાં એનસીપીએ અને ભારતીય વિદ્યા ભવન દ્વારા યોજાયેલા કાર્યક્રમો, દિલ્હીનું ઘરાના સંગીત સંમેલન…. આ યાદી બહુ લાંબી થવા જાય છે. આકાશવાણી અને દૂરદર્શન પર વિરાજ એ ગ્રેડનાં કલાકાર છે.

તમે પ્રવાસો ઘણા કર્યા છે, પ્રવાસનો શોખ….. સવાલ પૂરો થાય એ પહેલાં જ વિરાજ બોલી ઊઠે છે, મોટા ભાગના પ્રવાસો સંગીતના કાર્યક્રમ નિમિત્તે થયા છે. બાકી મને પ્રવાસ કરવાનો કોઈ શોખ નથી. જોકે મને દરિયો બહુ ગમે છે. એટલે દરિયો નજીક હોય એવાં સ્થળે પ્રોગ્રામ નિમિત્તે જવાનું થાય તો પણ મને ઊછળતાં મોજાં સામે બેસવાનું ગમે. બાકી પ્રવાસનો સમય ઓછો મળે. અમરને રજા હોય ત્યારે દીકરીને રજા ન હોય. એ બંનેને રજા હોય ત્યારે મારો કોઈ પ્રોગ્રામ હોય. એટલે આયોજિત પ્રવાસ જેવું કશું નહીં.

‘રબને બના દી જોડી’ એવું કેટલાંક દંપતી માટે કહેવાય. વિરાજને એવો જ જીવનસાથી મળ્યો છે. વ્યવસાયે ભલે વકીલ હોય, અમર ભટ્ટે ગુજરાતી સુગમ સંગીત અને ગઝલગાયકીમાં નવું શિખર સર કર્યું છે. એ સુગમ સંગીતના સાધક છે અને વિરાજ શાસ્ત્રીય સંગીતની ઉપાસક છે. હાલ વિરાજ અમદાવાદની જે. જી. કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં પ્રિન્સિપાલપદે બિરાજે છે અને નવી પેઢીના વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. સંગીતનાં શિક્ષક તરીકે વિરાજની ખૂબી એ છે કે વિદ્યાર્થીના ગળાની ખૂબી-ખામી સમજીને પછી એને શીખવે છે. એનામાં ધીરજ અખૂટ છે. વિજ્ઞાનનાં સ્ટુડન્ટ રહ્યાં હોવાથી દરેક બાબતને વૈજ્ઞાનિક દષ્ટિથી સમજવાનો અને સમજાવવાનો આગ્રહ સેવે છે. બે-પાંચ હજારનું ઓડિયન્સ ન હોય તો ચાલે, બેઠકમાં ભલે પચીસ-પચાસ જણ હોય, પરંતુ સાચા કલારસિક હોવા જોઈએ એમ વિરાજ માને છે. ‘ભોક્તા વિણ કલા નહીં….. એ સાચું, પરંતુ સમજદાર શ્રોતા હોય તો કલાકારને પણ પ્રસ્તુતિમાં અનેરો આનંદ આવે.’ વિરાજ કહે છે.

તમારા જીવનની યાદગાર ક્ષણ કઈ ? એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે આ લેખકના મનમાં હતું કે ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર મળ્યો એ યાદગાર ક્ષણ હતી એવો જવાબ મળશે. પરંતુ ના, એવોર્ડો-પારિતોષિકોમાં વિરાજને બહુ રસ નથી. જોકે ડઝનબંધ એવોર્ડ મેળવ્યા છે ખરા. એમણે સરસ જવાબ આપ્યો, ‘મુંબઈમાં એક સંગીતરસિકને ત્યાં પ્રાઈવેટ બેઠક હતી. ભાગ્યે જ પચીસેક જણ શ્રોતા તરીકે હાજર હશે. હું રાગ ગાવઠી ગાતી હતી. અચાનક સ્વર એવો લાગ્યો કે મારી આંખો વહેવા માંડી. મારી સાથે સંગત કરનારા હાર્મોનિયમવાદકની આંખમાંથી પણ આંસુ વહેવા માંડ્યાં. તાનપૂરા પર બેઠેલી ટીનેજર કિશોરી તો ઊભી થઈને બાથરૂમમાં ગઈ અને ત્યાં મોકળા મને રડી પડી…. વાતાવરણમાં નીરવતા છવાઈ ગઈ. ઓડિયન્સ પણ સ્તબ્ધ ! આ શું થઈ ગયું ! કદાચ એને જ સ્વરસમાધિ કહેતા હશે. એને જ ભક્તિ કહેતા હશે. સર્જનહાર સાથે જાણે હોટલાઈન જોડાઈ ગઈ. જીવ અને શિવ વચ્ચે તાદાત્મ્ય સધાઈ ગયું. જોકે આવું ક્યારેક જ અને તદ્દન અનાયાસે બનતું હોય છે. આવી ક્ષણો શ્રમસાધ્ય હોતી નથી. આવા સમયે મને મારી સ્વરસાધના સાર્થક લાગે છે….’

કેટલીક નામાંકિત કંપનીઓએ વિરાજનાં ગાયનની કેસેટ્સ અને સીડીઓ બહાર પાડી છે. કોઈ માતા-પિતા પોતાના બાળકને સંગીત શીખવા માટે લઈ આવે ત્યારે વિરાજ બાળકનો એપ્ટિટ્યુડ ટેસ્ટ લે છે. એક પ્રકારનો એન્ટ્રન્સ ટેસ્ટ સમજોને. એનું કારણ સમજાવતાં વિરાજ કહે છે : ‘આજે દરેકને એવી ઈચ્છા હોય છે કે મારું બાળક ટીવીના રિયાલિટી શોમાં ઝળકે. મારું બાળક સ્ટેજ પ્રોગ્રામ કરતું થઈ જાય. કેટલાક તો શરમ છોડીને વળી એમ પણ પૂછે છે કે કેટલા મહિનામાં અમારું બાળક પ્રોગ્રામ આપતું થઈ જશે ? એવી ક્ષણે મારે એ બાળકને શીખવવાની ના પાડવી પડે છે. તમે પંડિત ભીમસેન જોશીની આત્મકથા કે પંડિત રવિશંકરની જીવનકથા વાંચો. રોજના બાર-તેર કલાક રિયાજ કરતા હતા. એમ કંઈ યુગસર્જક કલાકાર થવાય છે ? એ માટે કમર કસીને પરિશ્રમ કરવાની તૈયારી રાખવી પડે. હું બહુ પોલાઈટલી કહી દઉં છું કે ફલાણા સંગીત શિક્ષક પાસે લઈ જાઓ. એ સ્ટેજ પ્રોગ્રામ માટે બાળકોને જલદી તૈયાર કરે છે….. પૈસાનો પ્રશ્ન નથી. પ્રભુની કૃપા છે. મારા પિયરની જેમ મારું સાસરું પણ પૈસે-ટકે સુખી છે. મારે સ્વરસાધનામાં જ આગળ વધવું છે. મહેનતપૂર્વક રિયાજ કરવાની તૈયારી હોય એ ભલે મારી પાસે આવે. હું શીખવવા તૈયાર છું. બાકી સ્ટેજ પ્રોગ્રામ કે ટીવી પર ચમકવાની લાલચ સાથે કે રાતોરાત સફળ થવાની લાલચ સાથે આવનારને હું શીખવતી નથી.’

વિરાજ કહે છે કે સંગીત એવી કલા છે જે શીખવા માટે એક આવરદા ઓછી પડે. ‘મને મારા ગુરુજી વિલાસરાવે એક વર્ષ સુધી ફક્ત રાગ યમન શીખવ્યો હતો. આજે એટલી ધીરજ કોઈનામાં નથી. અગાઉના સંગીતજ્ઞો કહેતા કે એક વર્ષ યમન અને એક વર્ષ ભૈરવ રાગ શીખો. પછી બીજા બધાં રાગ-રાગિણી સહેલાઈથી શીખી શકશો. એટલી મહેનત કરવાની તૈયારી બંને પક્ષે જોઈએ. રિયાલિટી શોમાં ચમકનારા ટીનેજર્સ એકાદ-બે વર્ષમાં ભુલાઈ જાય છે. અથવા પછી જીવનભર સ્ટેજ શો કરતા રહે છે. ભારતીય સંગીત તો જીવ અને શિવને જોડનારો સ્વરયોગ છે. સ્વરયોગની સાધનાથી સ્વરસમાધિ સુધી પહોંચવાનું મારું ધ્યેય છે.’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દલો તરવાડી – રતિલાલ બોરીસાગર
પૂનો – કુમાર જિનેશ શાહ Next »   

8 પ્રતિભાવો : સ્વરસાધનાથી સમાધિનું ધ્યેય : વિરાજ ભટ્ટ – સરોજ પોપટ

 1. Neha...........Harsh says:

  ખુબ સરસ

  એક વાર સાંભળયા હતા આજે ફરીવાર સાંભળવાની ઇચા થઇ.

 2. hmehta says:

  IT IS REALLY GOOD .GOD BLESS YOU TO REACH YR DESTINI .

 3. Jigisha says:

  બહુ જ સાચી વાત કરી છે વિરાજબહેને….. આજે સફળતાની પાછળે ઘેલાં એવાં આપણી પાસે સંગીતક્લાની સાધના માટે અનિવાર્ય એવી ધીરજ નથી…….

 4. Moxesh Shah says:

  ભારતીય સંગીત તો જીવ અને શિવને જોડનારો સ્વરયોગ છે.
  સંગીત એવી કલા છે જે શીખવા માટે એક આવરદા ઓછી પડે.

  ખૂબ જ સરસ………..

 5. parikshit s. bhatt says:

  વિરાજબહેને ઘણી જ સાચી અને સારી વાતો કરી…મારી દિકરી નુ નામ પણ વિરાજ હોવાથી મુલાકાત વધુ અંતરંગ લાગી….વિરાજબહેન ખુબ ખુબ આગળ વધો એવી શુભકામના..આભાર સરોજ બહેન…

 6. ગુજરાતી લોકો ખાસ નગણ્ય છે શાસ્ત્રીય સંગીતની દુનિયામાં.વિરાજ બહેન વિષે વાંચીને ગૌરવની અનુભૂતિ થઇ કે ચાલો કોઈ તો ગુજરાતી શાસ્ત્રીય સંગીતના ખાં છે.પાર્થિવ ગોહિલની ‘બંદિશ’સીડી હું કાયમ સાંભળતો હોઉં છું.ભલે શાસ્ત્રીય સંગીતની આંટી ઘુટી સમજ ના પડે પણ સાંભળવાની મજા કઈ ઓર હોય છે.ખૂબ સરસ.ધન્યવાદ

  • જય પટેલ says:

   શ્રી ભૂપેન્દ્રસિંહજી

   ગુજરાતીઓનું શાસ્ત્રીય સંગીતમાં પ્રદાન સ્વાભાવિક રીતે ઉત્તર અને દક્ષિણ કરતાં ઓછું છે આમ છતાં
   પંડિત શ્રી ઓમકારનાથ ઠાકુર તાનારીરી તાનસેનને નજરાંદાજ ના કરી શકાય.
   શાસ્ત્રીય સંગીતનું સંવર્ધન કરવામાં રજવાડાઓ ઘણા સક્રિય હતા.
   ગુજરાતના રજવાડામાં સંગીતની સમજ ઓછી હશે સાપેક્ષમાં તેમ માની શકાય.

 7. bhadrayu says:

  વિરજ ના માતા પિતા વિશે વિગતો આપેી હોત તો સારુ હતુ,..આવેી દિકરેી ના મા-બાપ ને મલવુ પણ ગમે..
  માજા પડેી ગઈ……ભદ્રાયુ વિનાયક્ રાજકોટ્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.