પૂનો – કુમાર જિનેશ શાહ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

એની દુકાનમાં મોટા મોટા આદમકદ અરીસા નથી, જેમાં તમે અલગ અલગ કાટખૂણેથી સ્વયંને જોઈ શકો. એના જેવી જ જૂની એની દુકાન છે. સાવ સાદી સીધી. ન તો ચકચકિત સનમાઈકાવાળું ફર્નિચર છે, ન તો દીવાલ પર રંગ-રંગીલાં પોસ્ટર્સ ચોંટાડ્યાં છે. એના અરીસા નીચે ગોઠવેલા પાટિયા ઉપર મોટી મોટી બ્રાન્ડના ક્રીમ કે પાઉડર નથી હોતાં. જાત જાતની સ્ટાઈલથી વાળ કાપવાનાં મશીન પણ તેની પાસે નથી. તેમ છતાં કોણ જાણે કેમ મને અને મારા જેવા કેટલાય ઘરાકોને ગમે છે પૂનો…….

આમ તો નામ એનું પૂનમચંદ. આવું આ નામ મારા જેવા ‘જૂના’ લોકો જાણે છે. જો કે જે જાણે છે એ પણ કદી એવા એ નામથી બોલાવતા નથી. મને તો લાગે છે કે હવે કોઈ ‘પૂનમચંદભાઈ’ કહીને રાડ પાડે તો પૂનો સાંભળે જ નહીં. એ પોતે પણ પોતાનું અસલ નામ ભૂલી ગયો હશે. સહેજ માન આપવું હોય તો છોકરડાઓ પૂના પાછળ ભાઈ એ રીતે લગાડે જાણે કે પૂનો વાળ નહીં પણ ગળું કાતરનારો ‘ભાઈ’ હોય. પૂનાને માઠું લાગે નહીં. સામો આવકારે. એવા એ ટપોરીઓ સાથે પાછો એની જુબાનમાં જ બોલવા લાગે.

હું સમજણો થયો ત્યારથી મારા વાળ પૂનો જ કાપે છે. મારા જીથરાં જેવા વાળથી અકળાયેલા બાપા મને ધમકાવીને પૂનાની દુકાનમાં ઢસડી લાવતા. પૂનો તો એમનેમ વાળ કાપી દ્યે પણ મને દર્પણ જોવાનો ભારે અભરખો. ‘ના કરે પૂનો’ ને ક્યાંક વધુ વાળ કપાઈ જાય તો ? એ સમય હતો મોટા વાળની ફૅશનનો. પણ બાપા કંઈ સમજે જ નહિ ને ! એ તો પૂનાને છૂપી ભલામણ કરી જતા રહે. પછી પૂનો લાકડાવાળી ખુરશીના હાથા ઉપર એક આડું પાટિયું રાખીને તેના પર મને ગોઠવે. એ મારા ખભા ફરતે સફેદ કપડું વીંટીને ગાંઠ વાળે ત્યારે મને ગળે અચૂકપણે ‘નપૂટો’ આવે. દરેક વખત હું અકળાઉં અને ગાંઠ ઢીલી કરવા મથામણ કરતો રહું. પૂનાભાઈ તો પોતામાં મશગૂલ થઈ રેડિયો ચાલુ કરે. પૂનાભાઈની સાથે સંગાથે હું પણ મુકેશનો ફેન થઈ ગયો. પૂનાને માનાર્થે પૂનાભાઈ કહેવાનું બાપાનું કડક સૂચન મેં હજુ જાળવી રાખ્યું છે…. ખેર, પૂનો વાળ કાપતો જાય અને વાતો કરતો જાય. ઠીક એમ જ કે જેમ ઉંદર ઠોલતો જાય અને ફૂંક મારતો જાય ! પછી અચાનક હળવેથી પૂનો એક હાથે મશીન ઉપાડે અને મારી ગરદનના પાછલા ભાગ ઉપર એ ઠંડુગાર મશીન રાખીને કટ, કટ, કટ, કરતો ચલાવવા લાગે. રોડ રસ્તાનું સમારકામ કરતા ડોજર જેવું એ મશીન વાળના ટુકડેટુકડા કરી નાખે.

મારી ચામડી શરૂથી જ બહુ સુંવાળી. પેલા મશીનથી મને ગલગલિયાં બહુ જ થાય. પાછો એકાદો વાળ તેમાં ચોક્કસ ફસાય અને મારી ચીસ જ નીકળી જાય. વાળ કપાઈ ગયા પછી પૂનો માથા પાછળ અરીસો ધરે ત્યારે ભાન પડે કે સાલ્લું આ તો સામે અરીસામાં જોતા હોવા છતાં ‘કટોરાકટ’ ટકો થઈ ગયો. મારો તોબરો ચઢી જાય. ઘરે નહાવા આવું એટલે મા પઢાવેલા પાઠની જેમ જાણી જોઈને મારી હેર-સ્ટાઈલના વખાણ કરે, ત્યારે મારો મૂડ ઠેકાણે આવે. પછીનાં કેટલાંય વર્ષો સુધી હું બેસતાવેંત સૂચવી દઉં કે પૂનાભાઈ પેલું ‘ડોજર’ ના ચલાવતા. પૂનોય સમજી ગયો હતો કે હવે છોકરો સમજણો થયો છે માટે બાપાની વાતમાં આવીને વાળનો સોંથ ના વાળી દેવાય. અરે ! ભવિષ્યના કાયમી ઘરાકનું ધ્યાન તો રાખવું જ પડે ને ? બસ, ત્યારથી અમારો નાતો ભાઈબંધીનો.

મને પૂનાની દુકાનમાં વાળ કપાવવા ફાવે છે. એટલે નહિ કે પૂનો હજુ પણ પચાસના બદલે માત્ર વીસ જ રૂપિયા લ્યે છે, મને પૂનાની હવે ટેવ પડી ગઈ છે, એમ કહું તો ચાલે. જેમ માના હાથની શેકેલી રોટલી, પત્નીના હાથની દાળ અને દીકરીના હાથની ચા ગમે છે, તેમ પૂનો પણ મને ગમે છે. મને ગમે છે, એક હાથમાં કાતર અને બીજા હાથમાં દાંતિયો ‘ધારણ’ કરતાં જ શરૂ થઈ જતી એની દુનિયાભરની વાતો…. જેમાં એનું ગામડું અને ગામડાનું ઘર તો અચૂક આવે. છોકરીઓના ડીલ ઉપરથી ઓછા થતાં કપડાંની જેમ સમાજમાં ઘટતી જતી માન-મર્યાદાની વાતો… પોતાનાં સુખદુઃખની કથા… જૂના દિવસોને વાગોળતી વાર્તાઓ…. પૂનો રસ લઈ લઈને એવો વાતરસ જમાવે કે કથનમાં સરસતા આવી જાય. વાળ કાપતી એની આંગળીઓ અચાનક થોભી જાય અને એ કહે કે કેવા મજાના દિવસો હતા, જ્યારે અભાવ પણ ભાવતો હતો ! માણસમાં ધબકતી હતી માણસાઈ. એવું તો ઘણું બધું હતું જે આજ કરતાં સારું હતું. પોતાની દલીલના વધુ સમર્થનમાં એ કોઈ સંસ્મરણ સંભળાવે. એના એ રસાળ સ્મરણોમાંથી મેં કેટલીય વાર્તાઓ વિકસાવી અને પોતાના નામે ઘસી કાઢી. વાર્તાના અસ્સલ કથકથી અજાણ વાચકોએ મને વખાણ્યો. ખેર, રહેવા દ્યો ને આ બાંધી મુઠ્ઠી….

વાત વાતમાં પૂનો વકરી ગયેલા વખત ઉપર પોતાની હૈયાવરાળ કાઢે. એની જબાનમાં ભળેલા આક્રોશના પરિણામે એની આંગળીઓમાં વાળનો કડૂસલો કરી નાખે. પછી અચાનક પોતે પણ થઈ જાય શાંત અને મારા માથા પર ચંપી કરીને એવા ટચાકા ફોડે કે મારુંય મન શાંત થઈ જાય. પોપચાં ઘેરાવા લાગે. પૂનો બોલતો હોય પણ જાણે શબ્દ કાનના પડદા ઉપર પડતો જ ના હોય એવું ઘેન ચઢે. મજ્જો આવી જાય… મારા એ મન ગમતા ‘ટ્રાન્સ’માંથી હું પાછો વળું ત્યાં સુધી તો વાળ કપાઈ ગયા હોય અને મારો ચહેરો સજીધજીને તૈયાર થઈ ગયો હોય.

હું ખિસ્સામાં હાથ નાખી પચાસની નોટ કાઢું. એની સામે પચાસ રૂપિયા રાખતાં દર વખતે વિચારું કે હવે તો પૂનાએ ભાવ વધાર્યો જ હશે. ક્યારેક તો રાખી લેવાનો આગ્રહ પણ કરું – ‘બીજા તો પચાસ લ્યે છે પછી તું કાં લેતો નથી ?’
પૂનો છુટ્ટા પાછા આપતાં કહે : ‘સાહેબ, જ્યાં સુધી આટલામાં નભી જાય છે, ત્યાં સુધી તો આ ‘રેટ’ બરોબર છે. પછીનું પછી જોઈ લેશું…..!’

Leave a Reply to shambhavi shukla Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “પૂનો – કુમાર જિનેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.