- ReadGujarati.com - http://www.readgujarati.com -

સમાજને સ્વસ્થ રાખનાર અદશ્ય પાત્રો – હરેશ ધોળકિયા

[ કલોલની ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’ દ્વારા પ્રકાશિત થતા ‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.]

કાર્યક્રમ પૂરો થયો. હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. વક્તાનાં પ્રભાવશાળી પ્રવચનથી સમગ્ર હોલ પ્રભાવિત થયો હતો. બધાએ મંત્રમુગ્ધ થઈ તેમને સાંભળ્યા હતા. સળંગ એક કલાક તે બોલ્યા હતા. વિશ્વ પ્રત્યે આદર રાખવો જોઈએ, એક એક જીવ ઈશ્વરનો અંશ છે. તે પ્રેમ અને આદરને પાત્ર છે. તેને આદર આપવો તે ઈશ્વરને આદર આપવા બરાબર જ છે. તે જ પૂજા છે. તે જ અધ્યાત્મ છે….. ગદગદ થઈ જવાય તે હદે ઉત્તમ તેમનું પ્રવચન હતું. બધા વાહ વાહ કરી ઉઠ્યા હતા. પ્રવચન પછી બધા તેમને ઘેરી વળ્યા હતા. તેમના હસ્તાક્ષર લેવાયા. અભિનંદનો અપાયાં. નવાં આમંત્રણો મળ્યાં. છેવટે તેમણે ગંભીર ચહેરે શ્રોતાઓ સામે હાથ જોડી વિદાય લીધી. હોલ ખાલી થઈ ગયો.

આ ખાલી હોલમાં એક વ્યક્તિ રહી ગઈ હતી. તે વ્યવસ્થાપક હતા. આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી તેની હતી. વક્તા આવ્યા ત્યારે તેમને ચાલવા રેશમી જાજમ તેમણે પથરાવી હતી. વક્તાની ખુરશી પરની પોચી ગાદી તેમણે રખાવી હતી. માઈક વ્યવસ્થા બરાબર રહે તે માટે તે મથ્યા હતા. વક્તાએ બોલવા દરમ્યાન ચાર પાંચ વાર ઉધરસ ખાધી હતી. ત્યારે તેમના સામેના મેજ પર ત્રણ ચાર પાણી ભરેલ ગ્લાસ તેમણે તૈયાર રાખ્યા હતા. વક્તાએ ઓટોગ્રાફ આપવા શરૂ કર્યા ત્યારે તેને પોતાનાં ખિસ્સામાંથી પેન કાઢવી ન પડે તે માટે ટેબલ પર સરસ મોંઘી પેન તેમણે તૈયાર રાખી હતી. વક્તાની પળેપળ સ્વસ્થ જાય, તકલીફ રહિત જાય અને શ્રોતાઓને તેમનો ઉત્તમ લાભ મળે, તેની બધી જ વ્યવસ્થા તેમણે કરી હતી. છેલ્લા બે દિવસથી ઊંઘ નહોતી લીધી. ભોજન પણ માંડ કરી શક્યા હતા….. પણ આ વાત કોઈ જાણતું ન હતું. તે ક્યાં ઊભા હતા તેનો કોઈને ખ્યાલ ન હતો. છેલ્લે તેમણે પણ જ્યારે વક્તા પાસેથી ઓટોગ્રાફ માગ્યો, તો વક્તાએ ‘સોરી, મોડું થાય છે. પછી ક્યારેક વાત’ કહી તેમને ટાળ્યા હતા. વક્તા જતાં તરત હોલ ખાલી થઈ ગયો હતો. કેવળ તે ઊભા હતા. એકલા. ખાલી. થાકેલા. અલબત્ત, તેમને પોતાનાં કાર્યથી સંતોષ હતો…. પણ તેમનો આભાર કોઈએ ન માન્યો !

વડોદરાથી ઉપડેલ બસ દસ કલાકે અન્ય સ્થાને ઊભી રહી. ખૂબ સરસ રીતે બધા પહોંચી આવ્યા હતા. રસ્તામાં કોઈને હળવો આંચકો પણ લાગ્યો ન હતો. બધા હળવા હતા. જેવી બસ ઊભી રહી, તરત બધા ધડધડ કરતા ઉતરવા લાગ્યા. ફટાફટ જવા લાગ્યા. ડ્રાઈવરે પણ પોતાની બાજુનો દરવાજો ખોલ્યો અને નીચે ઉતર્યો. આળસ મરડી અને પછી ટટ્ટાર થયો. ત્યાં તેના ખભા પર હાથ મૂકાયો. તે ચમક્યો. પાછળ જોયું તો એક વિદેશીએ તેના ખભા પર હાથ મૂક્યો હતો. તેના સાથે એક દેશી ભાઈ પણ હતા. ડ્રાઈવર તો તેની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો. વિદેશી અંગ્રેજીમાં કશુંક બોલ્યો જેનું ભાષાંતર ગુજરાતીમાં કરતાં તેનો મિત્ર બોલ્યો : ‘ડ્રાઈવરભાઈ, તમે ખૂબ સરસ ડ્રાઈવીંગ કર્યું. એક પણ આંચકા વિના ગાડી ચલાવી. થાક્યા વિના ચલાવી. અમને સમયસર પહોંચાડ્યા. ખરેખર, તમારો આભાર માનું છું.’ ડ્રાઈવર તો ચકિત થઈ ગયો. તે તો રોજ આમ જ ચલાવતો હતો. પણ આજે આ ભાઈએ તેની કદર કરી હતી. તે ગદગદ થઈ ગયો. તેણે સલામ ભરી.

આપણે બધા રોજ-પળેપળ-જે સ્વસ્થતાથી, શાંતિથી, હળવાશથી જીવીએ છીએ, તેનું મહત્વનું કારણ એ છે કે અનેક અજ્ઞાત લોકો પોતાની ફરજ પ્રેમપૂર્વક બજાવે છે. સવારે ઉઠીએ છીએ, ત્યારે છાપાં હાજર હોય છે. દૂધવાળો દૂધ આપી ગયો હોય છે. નળમાં પાણી ચાલુ થઈ ગયું હોય છે. નોકરે ઘર સાફ કરી નાખ્યું હોય છે. બહાર નીકળીએ ત્યારે સીટી બસ સર્વીસ ચાલુ થઈ ગઈ હોય છે. બહાર ગામ જવું હોય તો સ્ટેશને બસ, ટ્રેન કે પ્લેન પણ તૈયાર ઊભાં હોય છે. ટપાલી કે કુરીયરવાળો નિયમિત ટપાલો આપી જાય છે. રસ્તા સાફ હોય છે. બેન્કો કે ઓફિસોમાં નિયમિત કામ થાય છે. લાખો લોકો વ્યવસ્થિત કામ કરે છે. માટે આપણે શાંતિથી જીવીએ છીએ.

પણ મોટા ભાગના લોકોની તકલીફ એ હોય છે કે તેમની આ લોકો પર ભાગ્યે જ નજર જાય છે. તેમના તરફ તેઓ ભાગ્યે જ ધ્યાન આપે છે. આભાર તો મોટા ભાગે માનતા જ નથી. ‘એ તો એમ જ હોય !’ કે ‘તેના માટે તો તેમને પગાર મળે છે’ એવો અભિપ્રાય આપી ચૂપ થઈ જાય છે. પગાર તો પોતાને પણ સરસ મળે છે, પણ…. એવું નથી વિચારતા. ક્યારેક બસ મોડી પડે કે રીક્ષાવાળો પાંચ મિનિટ મોડો આવે કે ક્યારેક થોડી વાર લાઈટ જાય, તો કાગારોળ કરી નાખે છે અને દેશ બગડી ગયો છે એવી બૂમરાણ મચાવી દે છે. પણ મોટા ભાગના સમયમાં લગભગ બધી સેવાનો બરાબર થાય છે તે તરફ ધ્યાન નથી આપતા. કદી નોકર, ટપાલી, ઝાડુવાળો, કાઉન્ટર પર બેઠેલ કલાર્કનો આભાર નથી માનતા. હા, નવરો પ્રધાન કે આળસુ અને લાલચુ સત્તાધારી આવે, તો હરખપદુડા થઈ હારો કે શાલો કે પાઘડી પહેરાવી દે છે, પણ માઈકવાળો કે જાજમ પાથરનારાઓનો કદી પણ આભાર નથી માનતા !

યાદ એ રાખવાનું છે કે સમાજનું જીવન બરાબર ચાલે છે, તેમાં વડાપ્રધાન, મુખ્યપ્રધાન કે પ્રમુખોનો ફાળો ન્યૂનતમ હોય છે. તે તો લાખો કરોડો કહેવાતા ‘નાના’ માણસો દ્વારા જ થાય છે. આ લોકો વહેલી સવારથી મોડી રાત સુધી ચૂપચાપ પોતાનું કામ કર્યે જાય છે. થાક્યા હોય, માંદા હોય, દુઃખી પણ હોય, વ્યગ્ર હોય-છતાં ચૂપચાપ કામ કરે છે. તેઓ કદી ફરિયાદ નથી કરતા. કરે તો કોઈ સાંભળતું નથી. તેઓ જીવે કે મરે, તેની કોઈને ભાગ્યે જ પડી હોય છે. છતાં બસ, શાંતિથી તેઓ કામ કરે છે…. આ કરોડો લોકો સમાજનાં ‘અદશ્ય પાત્રો’ છે. તેઓ કદી નજરે નથી ચડતા. ચડે તો દેખાતા નથી. દેખાય છે, તો તેના તરફ ધ્યાન નથી જતું. કદાચ ધ્યાન જાય, તો તેમનો આભાર નથી મનાતો. છતાં આ અદશ્ય અને સામાન્ય મનાતા લોકો જ આ દુનિયા ચલાવે છે. આદર આ લોકોને આપવાનો છે. ‘મોટા’ મનાતા લોકોને કદાચે ઓછો આદર અપાશે, તો જરા પણ ખોટ નથી જવાની. ઉલટું, થોડો ઓછો દંભ પ્રગટશે. પણ આ ‘નાના’ લોકોને તો ખાસ આદર આપવાનો છે. તેઓ જ કૃષ્ણને ગિરિ ઉપાડવામાં મદદ કરતા ગોપો છે. રામને સીતા પાછી મેળવી આપવામાં મદદ કરનાર અને જાન આપનાર વાનરો છે. ગાંધીને દાંડીકૂચમાં સહકાર આપનાર સ્વયંસેવકો છે. નેતાઓ પાછળ દોડનારા કાર્યકરો છે. મુંબઈમાં તાજમાં હુમલો થાય, ત્યારે લોકોનો જીવ બચાવનારા કે મરી ફીટનારા કમાન્ડો છે. આગ લાગે ત્યારે પોતાના જાનની પરવા કર્યા વિના તેને હોલવનાર કે લોકોનો જાન બચાવનાર ફાયર બ્રીગેડના કર્મચારીઓ છે. નેતાનું મોંઘી શાલથી સ્વાગત કરાય, ત્યારે તે શાલ બનાવનાર ગરીબ વણકરો તે છે.

આ ‘સામાન્ય’, ‘અદશ્ય’ લોકો જ સમાજનો પાયો છે. તેઓ છે તો વિશ્વ સ્વસ્થ રહે છે. તેઓ, ઈશુ ખ્રિસ્તની ભાષામાં, ‘પૃથ્વીનું લુણ’ છે. સતાધારીઓ તો કદાચે ન હોય તો ચાલે, પણ આ લોકો વિના તો વિશ્વ પળભર પણ ન ચાલે. નળ ચાલુ કરનાર થોડો પણ મોડો આવે તો ? કટોકટીવાળાં ઓપરેશનની પળે ડૉક્ટરને ઝડપી સાધનો આપનાર નર્સને થોડું પણ આળસ આવે તો ? બસના ડ્રાઈવરને એક પળ ઝોકું આવી જાય તો ? કામવાળી બાઈ ‘આજ નહીં આવું’ બોલે તો ? સર્વત્ર ધરતીકંપ થઈ જાય ! સૂરજ ઝાંખો થઈ જાય તો બહુ વાંધો ન આવે. પણ દીવડો ઝાંખો થઈ જાય તો ભૂતાવળ જાગશે. સૂર્યનો વિકલ્પ દીવડો છે. પણ દીવડાનો વિકલ્પ ? આ અદશ્ય પાત્રોનો આદર કરવો તે જ સાચો ધર્મ છે. તેને શાલ ભલે ન ઓઢાડાય કે પાઘડી ભલે ન પહેરાવાય, પણ કેવળ ધન્યવાદ અપાશે, તો પણ તેમનો ઉત્સાહ બમણો વધી જશે. રાજાઓ કે કલમાડીઓનું પેટ કે મન કદી નહીં ભરાય, પણ ટપાલીને માત્ર ઠંડું પાણી પણ પીવડાવાશે, તો તે ગદગદ થઈ જશે. વધારે સરસ કામ કરશે.

શિક્ષિત પ્રજા કે સમાજ એ છે જે આ ‘અદશ્ય પાત્રો’ને ઓળખે. તેને પ્રસંશે તેવું ન કરનાર કદાચ પ્રધાન, ધર્માચાર્ય કે અધિકારી કે વિદ્વાન પણ હોય, તો પણ તેમને તદ્દન પછાત માનવા. એવો સમાજ ગમે તેટલી વાર ધર્મસ્થાનોમાં જાય, તો પણ અધાર્મિક જ છે !