માનવીના મન – સંકલિત

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.]

[1] ઉપરવાળો તો જુએ છે ને….. – ડૉ. અનુપભાઈ ભાયાણી

જ્યારથી અમારી બાજુના ફલૅટમાં રહેતા પડોશીને વિદેશમાં જોબ મળ્યો ત્યારથી તેમની પત્ની અને સ્કૂલમાં ભણતા પુત્ર સહિત ભારત છોડી વિદેશમાં ગોઠવાઈ ગયાં, પરંતુ આ ફલૅટમાં આવ્યાં પછી તેમની તરક્કી થઈ તેથી આ ફલૅટ કોઈને પણ વેચવાની તેમની તૈયારી નહોતી. બીજી બાજુ ફલૅટ પડ્યો પડ્યો અંદરથી ધૂળ ખાતો રહે એ પણ તેમને ગમતું નહોતું. તેથી અમારી કામવાળીને રોજ ફલૅટની સાફસૂફી કરતાં રહેવાની જવાબદારી સોંપતાં ગયાં. ફલૅટની ચાવીઓ અમને સોંપી. કામવાળી રોજ સવારના આવી અમારે ત્યાંથી ચાવીઓ લઈ ફલૅટ સાફ કરી નાખે અને ચાવીઓ પાછી અમને સોંપી દે. મહિનાના અંતે અમારા કૉમ્પ્લેક્સના બીજા એક બિલ્ડિંગમાં રહેતા તેમના સગા મારફત કામવાળીને નિયમિત પગાર મળતો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

કામવાળીની પ્રામાણિકતા અને નિયમિતતા જોઈ એક દિવસ અમારાથી તેને પુછાઈ ગયું, ‘ક્યારેક તું તેમનું ઘર સાફ ન કરે અને સીધી નીકળી જાય તો તેઓને શું ખબર પડવાની હતી ? આવો તને ક્યારેય વિચાર ન આવે ?’ તેણે કહ્યું : ‘ભાઈ, તેઓ ભલે અહીં નથી, પણ ઉપરવાળો ઈશ્વર તો જુએ છે ને ? મારે તેને જવાબ આપવાનો છે….’ ત્યારે મને યાદ આવ્યો ગીતાનો શ્લોક : ‘सर्वस्य चाहं हृदि सन्निविष्टः’ અને આ શ્લોકને કામવાળી જેવી સામાન્ય ઝૂંપડપટ્ટીમાં રહેતી બાઈએ પચાવી જાણ્યો. ખરેખર આ એક જ શ્લોક જીવનમાં ઊતરી જાય તો દેશને પાયમાલ કરી રહેલા ભ્રષ્ટાચારનો સહેલાઈથી અંત આવી જાય એમ નથી લાગતું ?

[2] ખોબલે ખોબલે પાણી – ભરત એસ. ભૂપતાણી

સુરેન્દ્રનગરના લખતર પાસે એક નાનકડું ગામ વટાવ આવે. મુખ્ય રસ્તો ત્યાંથી પસાર થાય અને દિવસમાં કેટલીય બસો ત્યાંથી પસાર થાય. પરંતુ ત્યાં પીવાનાં પાણીની સગવડ નહિ અને નાનકડું ધાબું કે રેસ્ટોરન્ટ પણ ન મળે. ટપાલ ખાતાના એક પોસ્ટમેન રોજ ગામમાં ટપાલ આપવા જાય ત્યારે તેમનું ધ્યાન જાય. ઉનાળાનો તાપ અને પાણીની તરસ. ક્યારેક તો નાનાં બાળકો પણ તરસે ઊભાં હોય.

આ જીલુભા નામના પોસ્ટમૅનને કંઈક કરવાનું મન થયું, પણ પોતે મામૂલી સરકારી નોકર અને પગારમાં તો માંડ ભરણપોષણ પૂરું થાય. એમાં એની વાત કોણ માને અને કોણ દાન આપે. તેના મનમાં વલોપાત ચાલતો હતો, પણ આખરે અડગ નિશ્ચયધારી જીલુભાએ પોતાનો નિર્ણય અમલમાં મૂક્યો. નાના પાયે પરબ ચાલુ થઈ ગઈ. લોકો પાણી પીતા જાય અને મનોમન આશિષ આપે. એકવાર ખબર પડી કે આ તો જીલુભાનું કાર્ય હતું. કોઈકે પૂછ્યું : ‘અલ્યા જીલુભા, આટલા ટૂંકા પગારમાં આ પરબ કઈ રીતે શરૂ કરી ?’ પહેલાં તો કંઈ કહ્યું નહીં. ત્યાર બાદ બહુ પૂછ્યું ત્યારે કહ્યું, ‘મને ચા-બીડીનું વ્યસન હતું. મન મક્કમ કરી અને આ વ્યસન છોડી દીધું અને દર મહિને ચા-બીડી પાછળ ખર્ચાતા પૈસા બચાવીને આ પરબ શરૂ કરી…’ જીલુભા જ્યારે ત્યાંથી નીકળે ત્યારે સૌને પરબમાંથી ખોબલે ખોબલે પાણી લેતાં જોઈને કંઈક કર્યાનો સંતોષ અનુભવે છે. ખરેખર, આવા જીલુભાને કારણે જ ધરતી ટકી રહી છે.

[3] મને ગમ્યું – શાંતિલાલ ગડા

થોડા સમય પહેલાં મારે કોઈ કામ પ્રસંગે યુનિયન બૅન્ક ઑફ ઈન્ડિયાની ચર્ચગેટ શાખામાં જવાનું થયું. બૅન્ક 10:30 વાગ્યે શરૂ થાય છે અને હું જ્યારે ત્યાં 10:25 વાગ્યે પહોંચ્યો ત્યારે મારા જેવા પાંચ-દસ ગ્રાહકો ત્યાં હતા, જે બૅન્ક ખૂલવાની મારી જેમ પ્રતીક્ષા કરી રહ્યા હતા. ત્યાંના વૉચમૅને અમને બધાને ઊભા થવાનું અને શાંત રહેવાનું કહ્યું અને તરત બૅન્કની મ્યુઝિક સિસ્ટમમાં પ્રાર્થના શરૂ થઈ ગઈ. આશરે પાંચેક મિનિટ ચાલેલી પ્રાર્થનામાં બૅન્કના કર્મચારીઓ અને ઉપસ્થિત ગ્રાહકો સામેલ થયા. પ્રાર્થના પતી એટલે દરેક કર્મચારી પોતાની કામની જગ્યાએ હાજર થઈ ગયો. આમ, દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરીને વાતાવરણ મંગલમય બનાવવાનો બૅન્કનો અભિગમ મને ખૂબ જ ગમ્યો.

[4] ખાલીપો – ક્રિષ્ના ચિતલિયા

મારા લગ્નને 25 વર્ષ થયાં અને મને 50. મારા પતિને કોઈ ભાઈ નહીં એટલે એ તો ખબર જ હતી કે સાસુ-સસરાને સાચવવાની જવાબદારી તો અમારી જ છે. હું લગ્ન કરીને આવી ત્યારે દરેક સ્ત્રીની જેમ નવો પરિવાર, નવી રીત-રસમ, અલગ વિચારધારા અને નવી જગ્યા સાથે મારી જાતને અનુકૂળ થતી રહી. આ બધી મુશ્કેલીઓ ફક્ત પતિના સ્નેહભર્યા સહચર્યને કારણે વરાળની જેમ બાષ્પીભવન થઈ જતી. હું થોડા જ સમયમાં પામી ગઈ કે મારા પતિને ખુશ કરવાનો સરળ રસ્તો તેનાં મા-બાપ થકી છે. તેનાં મા-બાપનું માન જાળવવામાં મને મારા પતિ તરફથી અનેકગણું મળી જતું. શરૂઆતમાં હું મારી ફરજના ભાવે તેમનું ધ્યાન રાખતી ગઈ. વર્ષો પછી પણ ફરજ ફરજ જ રહી. ક્યારેય એ સહજ પ્રેમ ન બન્યો અને હંમેશાં ફરજનો થાક લાગે, પ્રેમ તો થાક ઉતારે. ખોટું નહીં કહું પણ હું અંદરખાને વિચારતી કે હવે આ વૃદ્ધ સાસુ-સસરા કેટલો વખત જીવવાના છે. પછી મને કોણ કહેનાર છે, ત્યારે જ હું મુક્તિનો શ્વાસ લઈ શકીશ.

ગરમ સ્વભાવના સસરા અવસાન પામ્યા એટલે મારો ઘણો ભાર ઓછો થઈ ગયો. સાસુ તો બિચારા રાંક સ્વભાવના, મને કોઈ રોકટોક ન હતી. ઘરના દરેક નિર્ણય હું લેતી અને મારી ઈચ્છા મુજબ ઘર ચલાવતી. સાસુ તો સોફા પર બેસી તેના પાઠ વાંચે. મંદિરમાં જાય, નહીં તો તેના રૂમમાં જઈ સૂઈ જાય, પણ તો પણ ઘણી વાર મને તેમની ઘરમાં હાજરી ખટકતી. તેમનાં પાઠનાં પુસ્તકોનો પસારો, પાછું જ્યારે જુઓ ત્યારે તેમનું અલગ મોળું ખાવાનું બનાવવાનું અને તેમની કાયમી શરદી વારેવારે રૂમાલથી નાક સાફ કરે અને એ રૂમાલ કમર પર ભરાવે અને એવા હાથ બધે લગાડે. બધાને ફોન પર ઘરે આવવાનો આગ્રહ કરતા હોય. એમને તો બધા સાથે ગપાટા મારવાની મજા, પણ જોતરાવું તો મારે પડે ને ! કોણ જાણે હજી કેટલાય ઢસરડા મારા જીવનમાં લખાયેલા છે. હજી તો હું આ પળોજણમાંથી પરવારી નથી ત્યાં થોડા સમયમાં મારા દીકરાના લગ્ન થશે. પાછું મારે તેની વહુનું મન સાચવીને રહેવાનું ! કોણ જાણે સંપૂર્ણ મુક્તિનો શ્વાસ ક્યારે લઈશ.

અને ભગવાને પણ જાણે એ સાંભળી લીધું હોય તેમ એ દિવસ પણ આવી ગયો. સાસુ અચાનક જ પરલોક સિધાવી ગયાં. હું સંપૂર્ણપણે સ્વતંત્ર બની, પણ હું સાચે સ્વતંત્ર થઈ શકી ? હવે પહેલાંની જેમ સાંજના નિશ્ચિંત મને બહાર નીકળી નથી શકાતું. રસોઈવાળા બેનનો સમય સાચવવાનો હોય. ઘરકામ કરવાવાળો મોડો વહેલો થાય ત્યારે ગમે તેટલું મોડું થતું હોય પણ ઘર મૂકીને જવાય નહીં. વચ્ચે વ્યવહારમાં અમે કુટુંબના વડીલની સાદડીમાં સમયસર ન પહોંચ્યા તો ટોણા સાંભળવા પડ્યા કે આટલા મોટા થયા તોપણ ખબર નથી પડતી કે દુઃખમાં બધાની પડખે ઊભાં રહેવું જોઈએ !

અને જ્યારે એક દિવસ મને અચાનક તાવ આવી ગયો ત્યારે હું ઘરમાં એકલી. ઊભા થવાની મારામાં જરાય તાકાત નહીં. ન કોઈ અડધો કપ ચા બનાવી દેવાવાળું ઘરમાં કે ન કોઈ પોતા મૂકવાવાળું. રાત સુધી મારા પતિ અને દીકરો ન આવ્યા ત્યાં સુધી ફફડતી રહી. ત્યારે મને મારા સાસુ બહુ યાદ આવ્યાં. અરે એ હોત તો ગરમ આદુવાળી ચા અને પૌંઆ બનાવી દેત અને કપાળે હાથ ફેરવતા મારી બાજુમાંથી ખસર નહીં ! હવે સોફો ખાલી જ હોય છે. કોઈ પસારા નહીં, કોઈ અલગ ખાવાનું નહીં બનાવવાનું. રસોઈ તો ઘડીકવારમાં નિપટી જાય. આમ હું મુક્ત છું પણ હૃદયમાં એક ખાલીપો છે કે મને સાચા હૃદયથી હૂંફ આપનાર, પ્રેમ આપનાર, મારું હિતચિંતક ચાલ્યું ગયું, જે જગ્યા જીવનપર્યંત નહીં ભરાય.

[5] ગુસ્સાની કિંમત – અનુ. કાન્તિ પટેલ ‘અનામી’

પતિ-પત્નીનાં લગ્નજીવનની સુવર્ણજયંતીની ઉજવણીને હજી એક વર્ષ પણ માંડ થયું હતું. તે વખતે મિત્રો, સ્નેહીઓએ સફળ લગ્નજીવનની ઉજવણી માટે એક નાનકડો સમારંભ પણ રાખ્યો હતો. પચાસ વર્ષના એકધારા, પણ શાંત અને પ્રસન્ન દાંપત્યજીવનનું રહસ્ય જાણવા ચાહ્યું હતું. પત્નીએ તો હળવું હસીને એનો જવાબ આપવાનું ટાળ્યું હતું, પણ પતિદેવથી બોલ્યા વિના ન રહેવાયું : ‘અમે બંને એકબીજાને વિશ્વાસમાં લઈને જ દરેક કામ કરીએ છીએ. અસંમતિના પ્રસંગે વિચારવિનિમય કરી નિર્ણય લઈએ છીએ. એકબીજાથી કોઈ વસ્તુ છુપાવતાં નથી. અમારી અતીતની ખાનગી વાતો પણ અમે એકબીજાને જણાવી દીધી છે અને સ્વીકારી લીધી છે.’

પતિદેવે એક વાત તેમના સ્નેહીઓને નહોતી જણાવી. પત્નીના કબાટમાં લાકડાની એક પેટી હતી, જેને હંમેશાં તાળું લગાડેલું રહેતું. પત્નીએ પતિને કહ્યું હતું કે આ પેટી ખોલવાનો ક્યારેય પ્રયત્ન કરવો નહીં, તેમ આમાં શું છે એવો પ્રશ્ન પૂછવો નહીં. પતિએ આ બાબતને ગંભીરતાથી લઈ પત્નીની ઈચ્છા અનુસાર એને વિશે ચુપકીદી સેવી હતી.

એકાએક પત્ની ગંભીર રીતે બીમાર પડી ગઈ. ડૉક્ટરે જણાવી દીધું કે તેની બચવાની કોઈ આશા નથી. આ પછી બંને જણાએ એકમેકને કરવા જોઈતા બધા જ ખુલાસા કરી લીધા. પત્નીએ પતિને પેલી પેટી લઈ આવવાનું કહ્યું. તેની ચાવી જ્યાં સંતાડી હતી ત્યાંથી તે લાવીને પેટી ખોલવાનું કહ્યું. પતિએ તે ઉઘાડી તો તેમાં મોતીના ભરતકામવાળી બે સુંદર ઢીંગલીઓ હતી. તે ઉપરાંત પાંચ-દસ-સો રૂપિયાની નોટના થોકડા તથા મોટી સંખ્યામાં સિક્કા હતા. એકાદ કલાકની મહેનતને અંતે પતિદેવે એની ગણતરી કરી તો તે પૂરા પંચાણું હજાર રૂપિયા ઉપરાંતની રકમ થતી હતી ! તેણે બાવરા બનીને પૂછ્યું : ‘આ બધું શું છે ?’
પત્નીએ કહ્યું : ‘આપણાં લગ્ન થયાં ત્યારે મારી માતાએ કહ્યું હતું કે લગ્નજીવનને સફળ બનાવવું હોય તો ધણીની સામે દલીલ કરવી નહીં. જે કહે તે ચૂપચાપ સાંભળી લેવું. તને જો ગુસ્સો આવે તો ઢીંગલી ગૂંથવા બેસી જાવું. પતિ આ સાંભળીને ગળગળા થઈ ગયા. બૉક્સમાં બે ઢીંગલીઓ અકબંધ પડી હતી. મારી પત્નીને આટલાં વર્ષોમાં મારી પર માત્ર બે વાર ગુસ્સો આવ્યો છે એમ જાણી તેને પોતાની જાત પર ગર્વ થયો, પછી તેણે પૂછ્યું : ‘આ આટલા બધા પૈસા આમાં કેમ છે ?’
તેણીએ ઠંડે કલેજે જવાબ આપ્યો : ‘બાકીની બધી ઢીંગલીઓ મેં વેચી દીધી તેની જમા થયેલી આ રકમ છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “માનવીના મન – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.