ભંડકીયાની ફરશ પર બધું વેરણછેરણ પડ્યું છે. કેટકેટલાયે પૂંઠાના બોક્સ, પ્લાસ્ટીકની બેગ, તૂટેલા દફતરો, દિવાળીના દિવસે ભેટમાં આવેલા મિઠાઈ કે બિસ્કિટોના પતરાની બેગોમાં ખડકાયેલી સામગ્રી, તૂટેલા સ્કેટીંગ શુઝ, જૂની નોટબુક્સ, જૂના કપડાની સૂટકેસ, વાર્તાની રંગબેરંગી ચૂંથાયેલી ચોપડીઓ…. શું શું ગણાવું ? આ ચીજવસ્તુઓમાં મારા સંતાનના સોળ વર્ષનું શૈશવ-બચપણ સમાયેલું છે.
બારમા ધોરણની પરીક્ષા આપી પુત્ર તો ઉપડી ગયો ફરવા. મેં એને ઘણી વખત કહ્યું કે બેટા રિષભ, એક બપોર તો મારી સાથે ફાળવ. આપણે મા-દીકરો ભંડકિયું સાફ કરી દઈએ. એ વખતે રિષભ કહેતો – ‘મમ્મી, આખું વર્ષ વાંચવાની મજૂરી કરી છે. હવે તો થાક ખાવા દે. આ સાફસૂફી કરવાના કામનો મને કંટાળો આવે છે.’ જો કે રિષભની વાત ખોટી નહોતી. અગિયારમા ધોરણના વેકેશનથી જ એણે બારમાની તૈયારી આરંભી દીધેલી. એ વેકેશનમાં અમે ક્યાંય બહાર ફરવા ગયા નહિ. પ્રાયવેટ ટ્યુશન્સ, ગ્રુપ ટ્યુશન્સ, લેબોરેટરી અને કોચીંગ-કલાસના હોમવર્કમાં જ એનો એટલો સમય ચાલ્યો જતો કે એને રમવાનો પણ વખત ન મળતો. સવારે ઉઠીને લુસપુસ નાસ્તો કરી એ કોચીંગ કલાસમાં જતો. બે કલાકે પાછો આવી જમે પરવારે ત્યાં પ્રાયવેટ ટ્યુશન્સ શરૂ થાય. એમાંથી નવરો પડે કે લેબોરેટરીમાં પ્રેક્ટીકલ્સનો સમય માથે તોળાતો હોય. એમાંયે વેકેશન પછી શાળાઓ શરૂ થઈ કે એ સમયની તલવારના ધારે રહેતો. ઘણી વખત હું કહું કે દીકરા, થોડો આરામ તો કર. આખો દિવસ બસ, ભણ ભણ જ કરવાનું ? એ હસીને કહેતો – મમ્મી, હું મહેનત નહિ કરું તો પપ્પાએ કરવી પડશે.
એના પપ્પાએ મહેનત કરવાની ? મને સમજણ ન પડી. રિષભે મારા ખભા પકડી કહ્યું કે ‘મા, હું જો ઓછા માર્ક્સ લાવીશ તો એન્જિનિયરિંગ કોલેજમાં મારું એડમીશન મેળવવા પપ્પાએ બે-પાંચ લાખ રૂપિયા કેપીટેશન ફી આપવી પડશે. એટલા પૈસા કમાવવા પપ્પાએ વધુ મહેનત કરવાની. એનો ભાર હું ઉંચકી લઉં તો ?’ રિષભે આખું વર્ષ મહેનત કરી. હવે એની પરીક્ષા પૂરી થઈ ત્યારે મેં સાફસૂફીની વાત કરી ત્યારે એ બોલ્યો : ‘મમ્મી, હવે ઘરમાંયે કંટાળો આવે છે ! આખું વર્ષ ચાર દિવાલની વચ્ચે ચોપડાઓની ગુફામાં ભરાઈને પડ્યો રહ્યો. હવે થાય છે કે ભાગી છૂટું અહીંથી. હું પંદર-વીસ દહાડા મામાને ત્યાં જઈ આવું.’ મારા પિયરના સંયુક્ત કુટુંબમાં મામાઓના દીકરાઓ જોડે મજા કરવા રિષભ ચાલ્યો ગયો. એમને ધંધાના કામે બહારગામ જવાનું હોવાથી અને પુત્રી ગોલુ એની બહેનપણીઓ જોડે સવારથી પીકનીકમાં ચાલી ગઈ એટલે બપોરના બાર પછી હું નવરી પડી. જૂનો ગાઉન પહેરી, જૂના કપડાના ટુકડા, ઝાડુ-સુપડી લઈ હું પહોંચી ગઈ ભંડકિયામાં.
ચાર જણાના બનેલા અમારા નાના પરિવાર માટે એક મજલાનું ચાર બેડરૂમવાળું ટેનામેન્ટ પૂરતું હતું. એ જ્યારે નોકરી કરતા ત્યારે પાઈ પાઈની બચત કરી એક સોસાયટીમા આ ટેનામેન્ટ નોંધાવી દીધેલું. એ વખતે બાંધેલા પગારમાંથી હાઉસિંગ-લોનના માસિક હપ્તા ભરતા મારે કરકસરથી કેવી રીતે ઘર ચલાવવું પડતું એ તો અમે બન્ને જણા જાણીએ છીએ. હવે એને ધંધામાં સરખાઈ છે ત્યારે થોડી પૈસાની છૂટ હોવાથી ઘરમાં કોઈ વસ્તુ નકામી લાગે કે પતિ મજાકમાં કહેતા – ‘ચાલો, હવે આને રવાના કરી દો વેસ્ટ પેપર બાસ્કેટમાં.’ ટેનામેન્ટમાં રહેલા ભંડકિયાને મારા પતિદેવ મજાકમાં એને વેસ્ટ પેપર બાસ્કેટના નામથી સંબોધતા. લાકડાની પકડમાંથી છૂટી ગયેલા મિજાગરાવાળો જૂનો કબાટ ભરચક હતો તો નવું ફર્નિચર કરાવતી વેળા જૂના, તૂટેલા ફર્નિચરને આ ભંગારખાનામાં સ્થાન મળેલું. વર્ષો પહેલાંની, હવે સ્મૃતિમાંથી ભૂંસાઈ ગયેલી કેટકેટલીયે ચીજવસ્તુઓ અહીં પડી હતી. કોણ જાણે કેમ, એ કાઢી નાખતા, વેચી નાખતા મારો જીવ જરાયે ચાલતો નહિ. એ મને ઘણી વખત કહેતા કે તારા આ ભંડકિયામાંથી જો જૂની વસ્તુઓને વિદાય આપી દે તો મારે ગામમાં ગોડાઉન ભાડે રાખવું ન પડે.
કબાટના એક ખૂણામાં એક પોટલું પડ્યું હતું. મેં એને ખેંચીને બહાર કાઢ્યું, એ જોવા કે એમાં શું સચવાયું છે ! મારી નવાઈ વચ્ચે રિષભના બાળોતિયા, ઘોડિયાની ખોઈ, ગોલુના એક ફૂટ લાંબા ફ્રોક, ચડ્ડીઓ, મોજા સચવાયેલા હતા ! મને મારી મા યાદ આવી ગઈ. એ કહેતી કે ઘોડિયે સુતા છોકરાના બાળોતિયા સાચવી રાખવાથી છોકરાના આયુષ્યમાં વધારો થાય. આ સાચું છે કે ખોટું, એની મને ખબર નથી પણ મા હોવાને નાતે એ પોટલું મેં આજ દિન સુધી સાચવી રાખ્યું છે… ને…. ને… હજુ પણ સાચવી રાખીશ. મેં એ કપડાની ફરીથી ઘડી કરી બાંધવાના કપડાની ધૂળ ખંખેરી ફરી એમાં ગોઠવી બાંધીને પોટલું ફરી એની મૂળ જગાએ મૂકી દીધું. એક ખૂણામાં ભંગાર જેવી હાલતમાં ટ્રાયસીકલ પડી હતી. કદાચ કોઈ કબાડી એના પંદર રૂપિયા પણ ન આપે એવી ખરાબ હાલતમાં હતી. પહેલા રિષભે અને પછી ગોલુએ એને ફેરવી ફેરવી એવી કરી નાખી હતી કે એ જરાયે ચલાવવા લાયક રહી જ નહોતી. હવે તો ગોલુ સ્કૂટી ફેરવે છે, રિષભને એનું પોતાનું બાઈક છે અને એમની પાસે કાર છે ત્યારે આ ટ્રાયસીકલ શું કામ અહીં પડી છે ? મેં એને વેચી કેમ ન દીધી ?
તેર વર્ષ પહેલાનું મારું સંસાર ચિત્ર મારી સામે ખડું થઈ ગયું.
એ વખતે હજુ એ નોકરી કરતા હતા. હાઉસિંગ લોનનો હપ્તો હજુ અમારા ગળામાં ઘંટીના પડની જેમ લટકતો હતો. એ વખતે રિષભે ટ્રાયસીકલ ખરીદવાની હઠ કરી. સોસાયટીના એના મિત્રો પાસે ટ્રાયસીકલ હોય તો રિષભને કેમ નહિ ? પણ અમારી પાસે એવી મોંઘી ચીજ ખરીદવાના પૈસા ક્યાં હતા ? દિવસે દિવસે રિષભની હઠ વધતી ગઈ અને હું હિસાબના ખર્ચની ડાયરીના પાના ફેરવતી ફેરવતી વધુ કરકસરના હિસાબો ગણતી રહી પણ ટ્રાયસીકલનો ખર્ચ એમાંથી કેમેય કરીને નીકળતો ન હતો. અચાનક મારી નજર આંગળી પર પડી. હું જ્યારે કોલેજના પહેલા વર્ષમાં આવી હતી ત્યારે મારી નવી નવી ભાભીએ એના હાથમાંથી સોનાની વીંટી કાઢી મારી આંગળીમાં પરોવતા કહ્યું : ‘બહેન, આજથી આ વીંટી તમારી. કોલેજમાં અડવા હાથે ન જવાય.’ મારી ભાભીની એની નણંદને આ ભાવભરી ભેટ હતી. એ વખતે સોનાના ભાવ એટલા બધા ન હતા. આ વીંટીમાં મને રિષભની સાયકલ દેખાઈ.
બીજે દિવસે મેં રિષભને નવી નક્કોર ટ્રાયસીકલ લઈ આપી ત્યારે એ કેટલો ખુશખુશાલ બની ગયેલો ? એ ખુશાલીની સામે વીંટીના કોઈ મોલ તોલે ન આવે. જો કે મારા પતિની ચબરાક નજર મારી અડવી આંગળી અને ટ્રાયસીકલ પર પડી અને એ સમજી ગયા. એ દિવસે હું એની પાસે જુઠું બોલી હતી કે મારી પાસેની અંગત બચતમાંથી આ સાયકલ ખરીદાઈ હતી. ગોલુ બીજા ધોરણમાં આવી ત્યારે એનું દફતર ફાટી ગયેલું. મેં રિષભનું જૂનું દફતર આપ્યું ત્યારે એ ચિડાઈને બોલી હતી : ‘મમ્મી, તું હંમેશાં મને ભાઈની જ જૂની જૂની વસ્તુઓ આપે છે. કંપાસ-બોક્સ, રબ્બર, અણી કાઢવાનો સંચો ને ભાઈના જૂના કેનવાસના શુઝ પણ. મારે બધું ભાઈનું ઉતરેલું જ વાપરવાનું ? મારી બધી બહેનપણીઓ નવી નવી રંગબેરંગી પ્લાસ્ટીકની બેગો લઈને સ્કૂલે આવે છે. મને પણ એવી જ બેગ જોઈએ. એ દિવસે સાંજે હું ગોલું માટે સરસ મજાની બેગ લઈ આવી. અમારી ચડતીના દિવસોનો એ આરંભ હતો. કદાચ, પહેલી જ વખત, ગોલુ માટે નહિ વપરાયેલી વસ્તુની આ ખરીદી હતી.
મેં એ બેગ ખોલી. એમાં એનું કુદવાનું દોરડું, રંગબેરંગી છાપ, ઘર ઘર રમવા માટે રમકડાનો નાનો સ્ટવ, સાણસી, ચીપીયા, તપેલી, રકાબી, ઝારો, વેલણ જેવી વસ્તુઓ હતી તો નદી કિનારેથી વીણાયેલા લીસ્સા રંગબેરંગી નાનકડા ગોળ પથ્થરો પણ હતા. બાળકો કેટલા પરિવર્તનશીલ હોય છે ! મેચ-બોક્સ પરના ખોખાની છાપ, કોડી, ભમરડા, લખોટા, નાનકડા ફૂલ-રેકેટો કે અઢી ફૂટના ક્રિકેટના બેટ. એમની બદલાતી ઉંમર સાથે એના શૈશવના ખજાનામાં કેટકેટલીયે નવી વસ્તુઓ ઉમેરાતી જાય. જે રમકડું ઊંઘમાંયે પકડી રાખીને સુએ એની સામું પછીથી ન પણ જુએ. કોઈ મેળામાંથી ખરીદેલું માઉથ-ઓર્ગન હવે કાટ ખાઈને તૂટેલી હાલતમાં કોઈ ખુણામાં પડ્યું છે તો હોળીના રંગથી રંગાયેલા ટી-શર્ટ, ચડ્ડીઓ, ખમીસ, ફ્રોક, સ્કર્ટ પણ વર્ષો પહેલાની વાતોને વણી લઈને પોટલામાં બંધાયેલા પડ્યા છે. મને યાદ છે, એક વેકેશનમાં અમે પહાડી પ્રદેશમાં ઘૂમતા હતા ત્યારે કોઈ છોડના પાન તોડતા ગોલુના હાથપગે ખૂબ ખંજવાળ ઉપડી. ચામડી ઘસી ઘસીને લોહી ઉપસી આવ્યું. એ વખતે કોઈ બૌદ્ધ સાધુએ એક ડબ્બીમાં અમને લેપ આપેલો. એ લેપ લગાડતાં જ થોડીવારમાં ખંજવાળ મટી ગઈ. ગોલુને તો એ પ્રસંગની યાદ પણ નહિ હોય પણ હજુ કોઈ પતરાની પેટીમાં વર્ષો જૂની લેપની ડબ્બી પડી છે.
ઘણી ઘણી વસ્તુઓને ભંગારમાં કાઢી દેતા મારો જીવ ચાલ્યો નહિ. પસ્તીવાળા કે જૂની ચીજવસ્તુઓ ખરીદતા ફેરિયાઓ માટે બહુ ઓછો સામાન નીકળ્યો. ચાર-છ કલાકની મહેનત પછી ભંડકિયાની સાફસૂફી કરી હું બહાર નીકળી ત્યારે મારું જૂનું ગાઉન ખરડાયેલું હતું. બાથરૂમમાં જઈ નિરાંતે નાહી. ના’તા ના’તા માણેલા સંસારને વાગોળતી રહી. સાંજે પતિદેવ ઘેર આવ્યા ત્યારે મેં કહ્યું, ‘ભંડકિયાને જોઈ આવો. હવે એને વેસ્ટ પેપર બાસ્કેટ ન કહેતા.’ પતિ નીચે જઈ નજર નાખી પાછા આવ્યા અને હસતા હસતા બોલ્યા, ‘તારું બાસ્કેટ હવે સરસ લાગે છે હોં !’ મેં પણ મજાક કરતાં કહ્યું : ‘તમને તમારા ધંધામાંથી મને ફરવા કે પ્રવાસે લઈ જવાનો સમય ક્યાં મળે છે ? એટલે આજે હું એકલી એકલી પ્રવાસે જઈ આવી – મારા અતીતમાં.’
મામાને ત્યાંથી પાછા ફર્યા પછી રિષભનું રિઝલ્ટ આવી ગયું હતું. એને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા જેટલા માર્ક્સ મળી ગયા હતા. બસ, હવે એ પછીના ચાર વર્ષ માટે આ ઘરમાં મહેમાન તરીકે જ રહેવાનો. એ નાના મોટા વેકેશનમાં આ ઘરમાં આવશે, દર વખતે કોઈ નવા નવા સંભારણાઓ રેલાવતો જશે અને પછી એની મીઠી સ્મૃતિઓની મહેક આ ઘરમાં ફરી વળશે. જે દિવસે કારમાં સામાન ભરી હું, મારા પતિદેવ અને ગોલુ-રિષભ બાજુના શહેરની રિષભની કોલેજ-હોસ્ટેલ તરફ રવાના થયા ત્યારે એને શિખામણ આપવા માટે મારી પાસે સો-દોઢસો વાતો હતી. મારે એને કહેવું હતું કે પંખા નીચે તારો કોટ ન રાખતો. તને શરદીનો કોઠો છે. શિયાળામાં ગોદડા પર ધાબળો નાખીને સૂજે, પરીક્ષા આપવા જાય ત્યારે આગલે દિવસે જ પેન, પેન્સિલ, ઈન્સ્ટ્રુમેન્ટસની અલગ થેલી તૈયાર રાખજે જેથી છેલ્લી ઘડીએ દોડધામ ન થાય, દરરોજ સવારે દૂધના પાઉચ આપી જવા દૂધવાળો બંધાવી લેજે, જાતે કપડાં ધોતાં નહિ આવડે એટલે કામવાળો બંધાવી લેજે, દર અઠવાડિયે ટુવાલ ધોવરાવવાનું ભૂલતો નહિ વિગેરે વિગેરે. પણ હું કશું બોલી શકી નહિ.
હોસ્ટેલના રૂમમાં એનો સામાન ગોઠવી અમે કાર પાસે આવ્યા. રિષભ વળાવવા આવેલો. એ અમને પગે લાગ્યો. મેં અને એમણે બાથમાં લીધો, ગોલુ વળગી પડી. મારે એને જે કહેવાનું હતું તે કહી શકી નહિ. મારું ગળું રુંધાઈ ગયું હતું. પુત્ર પહેલી વખત આ રીતે અમારાથી છુટો પડતો હતો. સાધારણ રીતે પતિ કાર ચલાવતા હોય ત્યારે હું આગલી સીટ પર બેસતી, છોકરાઓ પાછળ; પણ આજે હું ગોલુને વળગી પાછલી સીટ પર બેઠી રહી. વારે વારે મારી નજર બારી બહાર ખુલ્લા આકાશ તરફ મંડાતી. આકાશમાં ઉડતા વિહંગોને જોઈ હું વિચારતી રહેતી કે મારો પુત્ર પણ હવે ખુલ્લા ગગનમાં ઉડવા જઈ રહ્યો છે. એ એવું વિશાળ નભ હશે કે જ્યાં એણે પોતાની જાતને સાચવી સાચવીને ઉડવાનું છે, અન્ય બાજ પક્ષી જેવા હિંસક પક્ષીઓથી બચવાનું છે. હવે એ મારું સંતાન મટી જઈ આ વિશ્વનો પૂર્ણપુરુષ બનવા એક ડગલું માંડી રહ્યો છે.
એ રાત્રે મેં પુનઃ ભંડકિયામાં પ્રવેશ કર્યો. એક જૂની ખુરશી પર બેસી, વર્ષો જૂનું આલબમ કાઢ્યું. રિષભના પ્રથમ જન્મદિવસે ખેંચેલી તસવીરોના સમૂહમાં હું મારી જાતને ખોઈ બેઠી. જ્યારે જ્યારે હું એકલતા અનુભવું છું ત્યારે હું ભંડકિયામાં જઈ મારા ભૂતકાળમાં પ્રવાસ કરી આવું છું અને પુનઃ મારી જાતને મધુર સ્મૃતિઓથી ભરી દઉં છું. જ્યારે જ્યારે પુત્ર વેકેશનમાં ઘેર આવે ત્યારે હવે એ પણ મને હસીને કહે છે કે મમ્મી, હવે તો ભંડકિયું ખાલી કર. ક્યાં સુધી અમારી તૂટેલી-ફાટેલી ચીજો ત્યાં સાચવી રાખશે ? હું એને કશો જવાબ આપતી નથી. માત્ર આશ્વાસન આપું છું કે એક દિવસ નવરાશ મળશે ત્યારે બધું કાઢી નાખીશ. એવી નવરાશ આજ સુધી મને ઘણી મળી છે પણ……
ભંડકિયામાં સચવાયેલી મારા સંસારની મીઠી મધુર સ્મૃતિઓને ફગાવી દેવાની મારી હિંમત ચાલતી નથી. આ ભંડકિયું મારા એકાંતની આમ્રઘટા છે, જ્યાંથી સંસારના મીઠા મધુરા ટહુકાઓ ગમે તેવા ગ્રીષ્મને શીતળ બનાવી દે છે.
31 thoughts on “ભંડકિયું – ગિરીશ ગણાત્રા”
very nice,
I do same , some time with my old things.
raj
બહુ સરસ્… બધિ જ મમ્મિઓ નુ આવુ જ રહેવાનુ…કદાચ હ પન એવિ જ થઇ જવાનિ..
ખુબ સુંદર.
સ્મૃતિઓને વાગોળાવાની જે મજા છે તે મજા માણનાર થી વિશેષ કોણ જાણે. હું પણ જ્યારે એકાંત મળે ત્યારે મિત્રોને લખેલા પત્રો, જુની ડાયરીઓ, જુના ચિત્રો વાગોળ્યા કરુ છું….ને ત્યારે મારું એકાંત પણ મારી એ સ્મૃતિઓથી ભર્યું ભર્યું લાગે છે.
ખુબ જ સરસ.
એકાંત નો પ્રવાસ અને સ્મ્રુતિ ની મજા….
GHANU SARAS.AAPNI AA VARTA GHANI MAJANI LAGI.
ખુબ સરસ
ખુબજ સરસ. સ્વ. ગીરીશભાઈની દરેક કૃતિ શ્રેષ્ઠ કક્ષાની જ હોય છે પરંતુ આજની આ વાર્તા વધારે હ્રદયસ્પર્શી લાગી.
ભંડકિયામાં સચવાયેલી મારા સંસારની મીઠી મધુર સ્મૃતિઓને ફગાવી દેવાની મારી હિંમત ચાલતી નથી. આ ભંડકિયું મારા એકાંતની આમ્રઘટા છે, જ્યાંથી સંસારના મીઠા મધુરા ટહુકાઓ ગમે તેવા ગ્રીષ્મને શીતળ બનાવી દે છે
– દિલમા અસર કરેી ગઈ
એક મા જ સમજિ શ કે કે આ feeling shu hoy che enu heart j samji shke e nana nana ramkadama samaelu ena baludanu balpan haji ena rudiyama rami rahyu che e ramato ramata ramta e to moto thaine any ramatma jodai gayo pan ma bhuli na shaki. aa mithi yad kaho ke west basket enathi ene koi farak padto j nathi.
મારા મમ્મી મને છાત્રાલયે મુકવા આવેલા એ ક્ષણ યાદ આવી ગઈ. અને આદિત્યાણાના ઘરમાંની ‘ઓરડી’ યાદ કરીને આંખમાં જરજરિયા આવી ગયા. ગીરીશ ગણાત્રાની દરેક નવલીકા હમેંશા એક ‘ચૌટ’ આપી જાય છે.
બહુ જ સરસ
મને તો બહુ જ પસન્દ પડિ….
ખુબ જ સરસ
સરસ .
વાંચતા આંખ ભીની થઈ ગઈ.
હુ પરણીને અમેરિકા આવિ…પચ્હિ મરિ મમ્મી સથે ફોન પર વાત કરુ તો અવુ બધુ યદ કરિને મને કહે …..આજે તરો રુમ સાફ કર્યો ત્યરે આ મલ્યુ અને મને એ દિવસ યાદ અવિ ..ગયો……પપ્પા પન અમે નાના હતા ત્યરે ચુપ્કે ચુપ્કે અમારો અવાજ રેકોર્ડ કરતા એ બધુ યાદ કરિને ફોન પર વાતો કરે……..કેવિ મિટ્ટી મધુરિ યાદો…….
very nice
i also feel like my those childhood days
હ્રર્દય સાથે જોદાયેલ સ્મ્રુતિ અને અતિત ના સ્મરન નુ ખુબ જ સરસ નિરુપન
very nice and right
ખૂબ મઝાની સ્મૃતિઓ
વાગોળવાનો આનંદ
Touchy. I do the same thing. Whenever I am sad, I read my friend and families’ cards and letters. It feels so good. I cry too when I read it and think when i have all these people to care for me than I can face any problem.
This KRUTI is very verv nice. I read this , i was go for my childhood.
મારી પાસે પણ આવુ એક ભંડકિયુ તો નહિ પણ એક કબાટ છે, જેમાં મિત્રોના જુના પત્રો, કોલેજ વખતની ડાયરીઓ, ગમતાં લેખોના કટીંગ અને એવુ ઘણુ છે જે મને અતીતની યાત્રા કરાવે છે.. ખુબ સરસ વાર્તા.. પુર્ણ વાસ્તવિક.
મને પણ મારા ઘરનુ માળિયુ યાદ આવી ગયુ. દરેક દિવાળીએ માળિયાની યાત્રા કરવા મળતી. ઘરના સભ્યો વચ્ચે ઘણી ચીજવસ્તુઓ ભંગારમાં આપવા- ન આપવા માટે દલીલો થાય તે યાદ આવી ગયુ.
હ્રદયસ્પર્શી લેખ. આભાર,
નયન
I think it is every body’s experience..
સરસ . ર્હદયસ્પર્ષી વાર્તા.
osam story….
વાચતા વાચતા એક દૃસ્કું આવી ગયું
Very much heart-touching story!
ભઁડકીયુ એટ્લે ભઁડકીયુ ઘણુ ઘણુ કહી જાય છે………..વાઁચતા જઇએ તેમ તેમ આપણને પણ ઘણુ બધ યાદ આવી જાય……….અવીરત આઁસુ ચાલ્યા જાય……..ધો-૧૦-૧૧-૧૨ પછી બહાર ભણવા જતા પુત્ર ,હોસ્ટેલ અને મા-બાપની વ્યથા…………આ બધુ………વિચાર માઁગી લ છે.
હુઁ પણ ૪૯ વર્ષેની ઉમરે મારી કાટ ખઇ ગયેલી બેગ (ટઁકડી) ને વતનમાઁ જઊ ત્યારે ખોલી ને જોઇ લઉ છુ?…………………
મને પણ મારા ઘરનુ માળિયુ યાદ આવી ગયુ
આંખમાથી આંસુ આવી ગયા.ખુશી ના આંસુ. બહુ જ હદયસ્પર્શી વાર્તા છે.
કેટ કેટલી યાદો?? વર્ષોના વર્ષો વીતી ગયા છતા જાણે કાલે જ બન્યુ હોય એવુ લાગે છે. અને જ્યારે મારા સન્તાનો જ્યારે કોલેજ મા જવા તૈયાર થૈ ગયા છે ત્યારે વધારે ચોટ આપે છે.