વિચારબિંદુઓ (ભાગ-3) – મૃગેશ શાહ

[ આસપાસના જગતને જોતાં જે કંઈ સ્ફૂર્યું તે છેલ્લા કેટલાક સમયથી ‘ફેસબુક’ પર સાચવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ અગાઉ પ્રકાશિત (ભાગ-1 અને ભાગ-2) કર્યા હતા. એ અનુસંધાનમાં આજે થોડાક વધુ વિચારબિંદુઓને મમળાવીએ.]

[1] વિવેક એ મનુષ્યની જીવનરૂપી ગાડીની ‘હેડલાઈટ’ છે. એના અજવાળે જ અંધકારરૂપી વિપરીત પરિસ્થિતિઓમાં માર્ગ કાપી શકાય છે. ‘ઓવરટેઈક’ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય ત્યારે વિવેક ચૂકાવો ન જોઈએ. વિવેકનો ઉપયોગ કરીને માનવીએ નમ્રતાપૂર્વક જીવનમાં આગળ વધવું જોઈએ.

[2] આનંદની શુદ્ધિ અને વૃદ્ધિ એ જીવનનું પરમ લક્ષ્ય છે, પરંતુ બને છે એનાથી સાવ ઊલટું. નવી ગાડી લેવાની હોય ત્યારે કેટલાકને મન જાણે બાકી રહેલું કામ પતાવવાનું હોય એવો ભાવ જાગે છે. જ્યારે બાળકને નવી સાઈકલ મળવાની હોય તો જાણે દુનિયાની તમામ સંપત્તિ મળવાની હોય એટલો આનંદ થાય છે. આખી રાત એના સપનાં જુએ છે અને સાઈકલ મળ્યા પછી વહેલી સવારે ઊઠીને પોતાની વ્હાલી સાઈકલને મળવા દોડી જાય છે ! હૃદયનો ભાવ એ જ જીવનની સાર્થકતા છે.

[3] હે મારા વ્હાલા સર્જકો ! કંઈક લખો તો એવું લખજો કે તમારા શબ્દોને સાચવવા વૃક્ષોએ આપેલી પોતાની કુરબાની સાર્થક થાય…

[4] માણસે પોતાની દિનચર્યામાં થોડોક સમય વિચારવા માટે ફાળવવો જોઈએ. એ દરમ્યાન બધી પ્રવૃત્તિઓ બંધ કરીને થોડા અંતર્મુખ થવું જોઈએ. જેઓ આ સમય નથી ફાળવતા તેઓને મૌલિક વિચારોના અભાવે અન્યોનું અનુકરણ કરવું પડે છે. એ તો કાગળના ફૂલ થવા બરાબર છે ! ભલે એકસરખા દેખાય, પરંતુ કાગળના ફૂલને સુગંધ નથી હોતી. વિચારવાન મનુષ્ય સૌમાં જુદો તરી આવે છે.

[5] ખાસ કરીને સાહિત્યિક સમારંભોમાં મોબાઈલ ‘સ્વીચ-ઑફ’ કરવાનું કહેવામાં આવ્યું હોવા છતાં ક્યારેક કોઈનો મોબાઈલ રણકી ઊઠે છે. આમ થવામાં બેદરકારી કરતાં લાચારી વધુ હોય છે કારણ કે નવી પેઢીએ માંડ માંડ વડીલોને ફોન કરતાં અને ઉપાડતાં શીખવ્યું હોય છે.

[6] …..અને એ સાધુપુરુષના કહેવાથી આધુનિક વાલિયાએ ઘરે જઈને પોતાની પત્નીને પૂછ્યું :
‘હું આ જે બે નંબરના પૈસા કમાઉં છું, એ પાપમાં તું શું સહભાગી થઈશ ?’
પત્નીએ સાફ ‘ના’ સંભળાવી દીધી.
તે પરત ફર્યો એટલે સાધુપુરુષે ફરી પૂછ્યું : ‘આખરે તેં શું નક્કી કર્યું ?’
આધુનિક વાલિયો બેફિકર બનીને બોલ્યો : ‘પત્નીને છૂટાછેડા આપવાનું…’

[7] ઘણાંને ભીંડાનું શાક નથી ભાવતું, ઘણાંને કોબીજ નથી ફાવતી. દરેકની રૂચિ અલગ અલગ હોય છે. સમાજમાં પણ એ જ રીતે હોવાનું જ. આથી, ‘અમુક ડિગ્રી અને ઊંચી પદવીઓ ધરાવતા લોકો જ સફળ’ – એવા સંકુચિત ખ્યાલોમાંથી સમાજે બહાર આવવું જોઈએ. કલાકાર, સાહિત્યકાર અથવા તો કોઈ પણ પ્રકારના બિનવ્યવહારુ લોકો એટલે કે જે સાવ જુદું જીવન જીવે છે, એમનો પણ સમાજે સ્વીકાર કરવો જોઈએ. એમ ન કરનાર સમાજ એકાંગી છે એમ માનવું રહ્યું.

[8] બગાસું એ ઊંઘે આપેલો મિસકોલ છે !

[9] હે ઈશ્વર ! થોડા ડોબા બાળકોને જન્મ આપજે જેથી તેઓ માતા-પિતા અને સમાજ દ્વારા થોપવામાં આવેલી સ્પર્ધાથી દૂર રહીને જીવનનો સાચો આનંદ માણી શકે.

[10] પોતાની જરૂરિયાતો એટલી વધારી ન દેવી કે એને પૂરી કરવા મોટા પગારો માટે થઈને આપણે મલ્ટીનેશનલ કંપનીઓના પગ પકડવા પડે. જો એમ કરવાનું થાય તો એ પણ એક પ્રકારની ગુલામી જ છે ! એમ કરતા લોકોને આપણે ‘ભણેલા મજૂર’ કહી શકીએ.

[11] ઘરેથી આપણે અગત્યના કામે જવા નીકળ્યા હોઈએ અને રસ્તામાં કોઈ આપણને કોફી પીવા લઈ જાય, કોઈ સિનેમા બતાવવા લઈ જાય અથવા કોઈ અન્ય કામોમાં આપણને ફસાવી દે તો જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી શકાય નહીં. આ માટે આપણે વારંવાર યાદ કરી લેવું જોઈએ કે આપણે શું કામ માટે નીકળ્યા છીએ. બરાબર એ રીતે આ ધરતી પર આવવાનો આપણો ઉદ્દેશ કોઈક વિશિષ્ટ છે. મલ્ટિનેશનલ કંપનીઓ આપણને પૈસામાં, સિનેમાઓ આપણને મનોરંજનમાં કે એ રીતે દરેક જણ આપણો ઉપયોગ કરીને ફસાવવાની કોશિશ કરે તો આપણે યાદ રાખવું જોઈએ કે આપણે શેના માટે આવ્યા છીએ. આ યાદ કરાવનારું એક મોટામાં મોટું સાધન છે ‘સાહિત્ય’; એના દ્વારા આપણી અગાઉ થઈ ગયેલા મહાન વ્યક્તિઓના જીવનમાં આપણે ડોકિયું કરી શકીએ છીએ. આપણો રસ્તો ક્યાં ચૂકાઈ ગયો એ આપણને ખબર પડે છે. ખરેખર ! આ પૃથ્વી પર આપણું કામ ખૂબ અગત્યનું છે. આપણે અહીં સમય પસાર કરવા નથી આવ્યા.

[12] ઈશ્વર પોતે આપણા હૃદયમાં સી.સી. ટી.વી. કેમેરાનું રૂપ ધારણ કરીને બેસી ગયો છે. આ કેમેરો જરા જુદા પ્રકારનો છે. તે અંદર અને બહારની તમામ વૃત્તિઓ અને ઘટનાઓનું રેકોર્ડિંગ કરે છે. એનું કામ રાતદિવસ ચાલે છે. એનો ‘ડેટાબેઝ’ અનંત છે. એ દરેક વસ્તુ નોંધી રહ્યો છે એટલી સભાનતા રાખવી, એનું નામ ‘વિવેક’ છે.

[13] દુનિયામાં આપણે બે પ્રકારના માણસોને મળીએ છીએ : એક પ્રકારના લોકો કહે છે “સમય જ નથી” અને બીજા પ્રકારના માણસો કહે છે “સમય જતો જ નથી !”. સમયને યોગ્ય રીતે પસાર કરવાની કળા ક્યાંક આ બંનેની વચમાં રહેલી છે.

[14] આપણે એમ માનીએ છીએ કે આપણે ઘણું બધું સમજીએ છીએ અને જાણીએ છીએ પરંતુ એ આપણો ભ્રમ છે. કારણ કે આપણે બધું માત્ર મીડિયાની આંખે જ જોઈએ છીએ. આપણો લોકસંપર્ક લગભગ નહિવત છે. Facebook નહીં, Face-to-Face એક વર્ષમાં આપણે કેટલા નવા માણસોને મળ્યા હોઈશું ? માનવીય સ્વભાવના તમામ પાસાઓનું વાસ્તવિક દર્શન રૂબરૂ મુલાકાત વગર અશક્ય છે.

[15] આપના કોઈ પરિચિત અચાનક રસ્તામાં મળે અને તમારી સામે પણ ન જુએ, તો ચિંતા ન કરશો. શક્ય છે કે એમણે ખરીદેલા શેરના ભાવ બમણાં થઈ ગયાં હોય ! થોડો સમય જવા દો. માર્કેટ નીચું આવશે એટલે એ પાછા ‘માણસ’ બની જશે !!

[16] નોકરી કરતી સ્ત્રીઓને ક્યારેક બંને બાજુ સમસ્યાનો સામનો કરવો પડે છે – ઑફિસમાં બૉસ ‘સાસુ’ બની જાય છે અને ઘરે સાસુ ‘બૉસ’ ની જેમ વર્તે છે !

[17] આખું વર્ષ બમણી કિંમતે ચીજવસ્તુ વેચતી કંપનીઓ માર્ચ મહિનામાં જે તે વસ્તુને તેની સાચી યોગ્ય કિંમતે વેચે છે; જેને માર્કેટિંગની ભાષામાં ‘સેલ’ કહે છે !

[18] ઘણા સાહિત્યકારોના પોતાનાં જ સંતાનો તેમનું લખેલું વાંચતા નથી હોતાં ! ‘વાંચે ગુજરાત’ની શરૂઆત કરવી હોય તો પોતાના ઘરથી જ કરવી જોઈએ. થોડાંક પુસ્તક-વિમોચન, કવિસંમેલનો, સાહિત્ય-સમારંભો ઓછાં થાય અને કંઈક નક્કર કામ કરીને યુવાજગતને વાંચતા કરી શકાય તો કેટલું સારું !

[19] પહેલાના લોકો છાપરાં વગરની ગામઠી શાળામાં ભણીને એવું કામ આ દુનિયામાં કરી ગયા છે કે સૌ આજે પણ એમને યાદ કરીને ગૌરવ અનુભવે છે. આજની એ.સી. સ્કૂલોમાં અભ્યાસ કરીને પણ શા માટે કોઈ એવું વ્યક્તિત્વ ખિલવી નથી શકતું ? – આવો પ્રશ્ન પણ ન થાય એટલી હદે આપણું શિક્ષણ આપણને વિચારહીન અને નિર્માલ્ય બનાવી મૂકે છે.

[20] દીકરી જ્યારે ભણતી હોય ત્યારે માતાનો મોટાભાગનો સમય નોકરીમાં વ્યતિત થતો હોય. માતા જ્યારે નિવૃત્તિની નજીક હોય ત્યારે દીકરી કૉલેજ ભણવા માટે અન્યત્ર હોસ્ટેલમાં ગઈ હોય. આટલી વ્યસ્તતામાં જીવન જીવનારે યાદ રાખવું જોઈએ કે સંસ્કારનું વહન સંવાદથી થતું હોય છે. સંવાદ વિના વળી સંસ્કાર ક્યાંથી ? જે ઘરમાં સૌને પરસ્પર બેસીને વાત કરવાનો પણ સમય નથી એને તે ઘર કહેવું કે ચર્ચગેટનું સ્ટેશન ?

[21] રોજ સવારે વહેલાં ઊઠીને શાળાએ જતાં બાળકો સૌથી પહેલાં સ્કૂલવાનમાં ‘શીલા કી જવાની’ ગીત સાંભળે છે અને પછી શાળાએ જઈને પ્રાર્થના કરે છે ! કહેવાતા જાગૃત શિક્ષિત સમાજનું આ કુમળા બાળકોને કેવું શિક્ષણ મળે છે એ તરફ ધ્યાન નહીં જતું હોય ?

[22] આપણે પી.એચ.ડી થઈએ કે ન થઈએ તે બહુ મહત્વનું નથી, પરંતુ આપણું જીવન એ કક્ષાનું હોવું જોઈએ કે અન્યને આપણા જીવન પર પી.એચ.ડી કરવાની પ્રેરણા મળે….

[23] આજે લગ્ન પહેલાં પુરુષ જો એમ કહે કે ‘હજી હું કમાતો નથી..ધીમે ધીમે મહેનત કરીને કમાઈ લઈશ..’ તો તેનાં લગ્ન ન થાય. પરંતુ જો સ્ત્રી એમ કહે કે ‘મને રસોઈ ફાવતી નથી…. ધીમે ધીમે પછીથી શીખી લઈશ..’ તો એને લગ્ન કરવામાં કોઈ વાંધો ન આવે !! આપણને બીજી બોતેર કલાઓ ભલે આવડતી હોય પરંતુ આપણો જે સ્વધર્મ છે એ સિવાય બધું એકડા વગરના મીંડા જેવું છે ! એ કરતાં સ્વાભાવિક આનંદ મળે છે. એ પછી આનંદ માટે બીજે ફાંફા મારવાની જરૂર રહેતી નથી.

[24] મધ્યમવર્ગની બે સમસ્યાઓ છે : એક તો ભાતભાતની ચીજવસ્તુઓ વસાવવાની અને બીજી તેને સતત અપડેટ કરતા રહેવાની ! ટીવીમાંથી પ્લાઝમા ટીવી, મોબાઈલમાંથી આઈફોન, ફ્રન્ટીકાર થી લકઝરીકાર અને ઘણું બધું… આ બધાની વચ્ચે જે માણસને અપડેટ કરી શકે તેવું ‘સાહિત્ય’ છે તે સાવ ખૂણામાં ધકેલાઈ જાય છે !

[25] જે દેશમાં સંસ્કૃતિ પાંગરી નથી હોતી તેને ડગલેને પગલે કાયદાઓની જરૂર પડે છે. કાયદા દ્વારા થતું અનુશાસન સ્પ્રિંગને ફરજિયાતપણે દબાવી રાખવા જેવું છે. સંસ્કૃતિ એ માતા છે. તે હસતાં-રમતાં સ્વાભાવિક રીતે વ્યક્તિમાં સંસ્કારસિંચન કરી દે છે.

[26] ચમત્કારો કરનારા મહાપુરુષો જો ભ્રષ્ટાચારીને સારો માણસ બનાવી શકે, ધનિકોનો લોભ ઓછો કરી શકે તથા લાંચ લેનારને લાંચ લેતો બંધ કરી શકે તો કેટલું સારું ! સ્વભાવ પરિવર્તન જેટલો મોટો ચમત્કાર બીજો કોઈ નથી !

[27] અચાનક કોઈ જર્મની, ફ્રાંસ કે એવા કોઈ દેશોમાંથી આપણી ઘરે રહેવા આવે અને એમ પૂછે કે ‘તમારી ભાષામાં અત્યારે સૌથી વધુ વંચાતા પાંચ પુસ્તકોના નામ આપો….’ તો આજના ભલભલા ગુજરાતી યુવાનોને ફાંફા પડી જાય તેમ છે ! સારી ફિલ્મ જોઈને આપણે બીજાને તે જોવાનું સૂચન કરીએ છીએ, એવું સારા પુસ્તકો માટે પણ થાય તો આપણી ભાષા જનજન સુધી આસાનીથી પહોંચી શકે.

[28] ઉચ્ચ મધ્યમવર્ગ એક મહિનાના શનિ-રવિ દરમ્યાન જેટલો ખર્ચ કરે છે એટલામાં તો મધ્યમવર્ગનો એક આખો મહિનાનો ખર્ચ નીકળી જાય છે ! મધ્યમવર્ગ એક મહિનામાં જેટલો ખર્ચ કરે છે, એટલામાં ગરીબ-મજૂર વર્ગના ઘણાં મહિનાઓનો આસાનીથી પસાર થઈ જાય છે !

[29] બંધિયાર સ્થળ કરતાં ખુલ્લી જગ્યામાં મોબાઈલનું નેટવર્ક બરાબર પકડાય છે, એ રીતે બંધિયાર વિચારધારા ધરાવનાર વ્યક્તિ કરતાં મુક્ત મનનો માનવી ઈશ્વરીય સંકેતોને વધારે સારી રીતે ઝીલી શકે છે.

[30] ગાય વાગોળવા માટે રોજ જેટલો સમય ફાળવે છે, એટલો સમય માણસ વિચારવા માટે પણ ફાળવી શકતો નથી, કેવી કરુણતા છે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

33 thoughts on “વિચારબિંદુઓ (ભાગ-3) – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.