બિયું – મહેશ શાહ

બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.
પોતાને ગોંધીને રાખેને ઈ તો ભાઈ વાડ થાય,
બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.

ખુલ્લા આકાશમાં પાંખો ફેલાવીને
પારેવાં કેવાં હોય ઊડતાં ?
પોતાના પાણીમાં પાણીનાં માછલાં
દીઠાં છે કોઈ દિવસ બૂડતાં ?
પોતાની મોટપને મેલી ન શકતા ઈ
છાંયડા વિનાના ભાઈ તાડ થાય.

દરિયાએ સૂરજનો તડકો પીધો ને
દીધાં મીઠાં પાણીનાં કૈંક ઝૂમખાં
ડાળીઓ ડોલીને ફૂટી કૂંપળ તો એમાં જે
ફૂલ હતાં, ફૂલોનાં લૂમખાં.
પોતે બીજાને મ્હેક આપી ન શકતા ઈ
પ્હાણા નહિ પ્હાણાના પ્હાડ થાય.

બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.
પોતાને ગોંધીને રાખેને ઈ તો ભાઈ વાડ થાય,
બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “બિયું – મહેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.