દીકરી – અનિલ આચાર્ય

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી અનિલભાઈ આચાર્ય (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9998010379 અથવા આ સરનામે anilacharya30@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

‘દીકરી’. દીકરી નામે એક શમણું. દીકરી શમણું છે, દિલમાં જન્મેલું, આંખમાં આંજેલું અને પાણીમાંની પોયણીની જેમ ઊર્મિમાં ઉછરેલું શમણું. દરેક મા-બાપનું શમણું. આંસુનાં વહેણમાં અને વિયોગમાં થીજી ગયેલું આંસુ, તે શમણું.

દીકરી જન્મે છે ને ઘરનાં આંગણે જાણે કોમળ કિરણોની કોમળતા અવતરે છે. તેની આંખોમાં વિસ્મયનો સમંદર લહેરાતો હોય છે. તેનાં કોમળ હાથ-પગ જાણે વૃક્ષોની ડાળી. તેની કોમળ આંગળીઓ જાણે વાસંતી વાયરામાં ડાળ પર વસંતની લહેરાતી કોમળ કૂંપળો. તે ચંચળતા જીવતી રહે છે. તે ખુશ્બુ ધરે છે. તે રડે ને મન ઉદાસ. તે હસે ને મનમાં વસંત ખીલી ઊઠે છે. ‘દીકરી’ મોટી થતી રહે છે. હવે ખોળામાં સમાતી નથી. ગોદ પછી ઘર અને ઘર પછી આંગણું નાનું પડવા લાગે છે. તેના પગલાંઓ હવે આંગણાની બહાર જવા આતુર બની જાય છે.

આમ પણ દીકરી જન્મવા સાથે જ એક સફરની શરૂઆત થઈ જાય છે. તે સફર એટલે ઘરથી દૂર થવાની સફર. મા-બાપનાં ઘરથી પતિનાં ઘર સુધીની મંઝિલ. એ લકીર બહુ જ ઝાંખી ઝાંખી હોય છે પણ ક્રમશઃ સ્પષ્ટ બનતી ચાલે છે. આ અહેસાસ મા-બાપનાં મનમાં ઘૂંટાતો રહે છે. સતત ઝાંખી લકીર વધુ ને વધુ તાદશ્ય થતી રહે છે. ‘દીકરી’ની ઉંમર વધતી ચાલે છે. પ્લે-સેન્ટર, પ્રાથમિક-માધ્યમિક સ્કૂલ, કૉલેજ અને કદાચ નોકરીની શરૂઆત… આ દરેક મુકામો ક્રમશઃ દૂરની લકીર ખેંચતાં ખેંચતાં જુદા પડવાની ખૂબ નજીક લાવી દે છે. તે સાથોસાથ છેલ્લાં વર્ષોનાં સમયમાં પણ દીકરી તો કદાચ તેની મસ્તીમાં જ છે. તેને પોતાની હથેળીમાંથી બીજાની હથેળીમાં સોંપવાનો સમય આવી રહ્યો છે તે અહેસાસ, ઘૂંટન કે મૌન-રુદન મા-બાપનાં હૈયાને વધુ ને વધુ પીડી રહ્યું છે. દીકરીને ખોટું ન લાગે એ માટે તેની થતી ભૂલ માટે કરાતો સાહજિક ઠપકો દેતાં પણ હવે મન અચકાય છે. તેની અપ્રત્યક્ષ કોઈ ફરમાઈશ પૂરી કરવા મન આતુર બની જાય છે. ‘હવે આપણી સાથે કેટલા દિવસ ?’ તે ભાવ તેમના દરેક વર્તનમાં વ્યક્ત થતો રહે છે. ‘કોને ખબર કેવું ઘર મળશે ?’નું માનસ હવે સમયનાં આ ટુકડામાં બધી ખુશી, તેની બધી ઈચ્છાઓ પૂરી કરવા આતુર બની જાય છે. દીકરી આટલી મોટી થઈ ગઈ ? ખબર પણ ન પડી…. એ ભાવ મનથી છલકાય છે.

હવે તેની જીદ, બાલીશ માંગ, તેનાં પગલાંનાં અવાજો કે તેનું ખિલખિલાટ હસવું કે અચાનક ખામોશ રહેવું કે ઘર કરતાં મિત્રવર્તુળમાં વધારે રહેવું કે તેનું નાની નાની વાતમાં ખોટું રિસાવું કે ઘર પરત થવામાં થોડું મોડું પડવું અને તેની ફરિયાદ સાંભળવી – આ બધું રૂટિન હવે મા-બાપને મન વિશિષ્ટ બની જાય છે. પ્રત્યાઘાત હવે રોજનાં જેવા નથી. દીકરીને માઠું ન લાગી જાય તે તેમને મન વિશેષ છે. વાંચતાં વાંચતાં દીકરી તેની પથારીમાં સૂઈ ગઈ છે, લાઈટ ચાલુ છે, નાઈટડ્રેસ બદલ્યો નથી, ઠંડી હવાને રસ્તો કરી આપતી બારી ખુલ્લી રહી ગઈ છે, પૂરું ઓઢ્યું પણ નથી, પથારીમાં જ મોબાઈલ અને ટીવીનું રિમોટ પડ્યું છે – પહેલાં ગુસ્સે થઈને તેને જગાડી, આ બધું વ્યવસ્થિત કરીને જ સુવે એવો આગ્રહ રાખતી મા હવે તેમ કરતી નથી. એ આગ્રહ પણ હવે નથી રાખતી. દીકરીની ઊંઘને ખલેલ ન પહોંચે તે રીતે પુસ્તક હળવેથી તેના હાથનીચેથી સેરવી લે છે. અવાજ ન થાય તેમ બારી બંધ કરી દે છે. ઓઢણ વ્યવસ્થિત કરે છે. મોબાઈલ-રીમોટ તેની જગ્યાએ મૂકી દે છે. છેલ્લે લાઈટની સ્વીચ ઑફ કરતાં પહેલાં પોતાની આંખ પર ચશ્મા પહેરી દીકરીની ખૂબ નજીક જઈ તેનો ચહેરો નિરાંતે નિહાળે છે. તેની સામે જ પોતાની પથારીમાં તે લાઈટ બંધ કરીને સૂઈ જાય છે ત્યારે એણે ચશ્મા તો ઉતારી લીધા હોય છે પરંતુ તેની આંખોએ આંસુ પહેરી લીધા હોય છે.

સવારે દીકરીનું વહેલું ઊઠવું જરૂરી છે પણ હવે તેની ઊંઘમાં ખલેલ પાડવી ગમતી નથી. ક્યારેક ઉશ્કેરાઈ જતી મા હવે ધીમા અવાજે ઉઠાડતા કહે છે : ‘બેટા, ઉઠ મોડું થઈ ગયું છે….’ ગુસ્સે થતા તેમાં પ્રેમ તો હતો જ પરંતુ હવે આંગણે આવીને ઊભેલી વિદાયમાં તે વ્યાજબી અને વ્યવહારુ ગુસ્સો પણ કરવો ગમતો નથી. હવે લાગણીનો સાગર તેના કિનારા તોડીને તેની સાથેનાં સમયને ભર્યો ભર્યો બનાવી દેવા આતુર છે. કિનારા તોડી છલોછલ વહેવાનો ઉન્માદ છે. હવે એક નવું મન જીવાઈ રહ્યું છે. દીકરી કેટલા દિવસ સાથે ? જિંદગીભર તો દોડવાનું છે જ ને ! સાસરે તો જવાબદારી નિભાવવાની જ છે ને ! તેની સાથેના આ મુકામને પ્રેમ, દરકાર, પ્યાર, પોતાપણાથી ભરી દેવા, સજાવી દેવા દિલ આતુર છે. આ નિરાંત, આ પ્રેમ, આ દરકાર પછી મળે ન મળે. તે મળશે તેના વિશે સાશંક નથી પણ પ્રીત આપી છલકાવું છે, છલકાઈ જવું છે.

દીકરી પોતાની છે છતાંય પારકી છે એથી તે વધુ નજીક હોય છે. ‘દીકરી’ શબ્દનાં ‘દી’ અને ‘રી’ દિર્ધમાં છે. તે શબ્દનાં ઉચ્ચારને પણ નહીં છોડવાની આટલી જીદ હોય તો દીકરીને છોડવા મન ક્યાંથી તૈયાર થાય ? તે વહેંચાય એ પણ નથી ગમતું, તેથી જ તો દીકરીના જીવનમાં પ્રવેશેલા પુરુષનો સ્વીકાર હંમેશા ‘સ્લો-મોશન’માં થાય છે. માતા જાણે છે કે તે મોટી થઈ ગઈ છે. હવેની દુનિયા જ તેની સાચી દુનિયા છે. તે દુનિયાનો વ્યવહાર છે. પોતે પણ જીવાતા તે વ્યવહારમાં જ પોતાની માતાની ઘરેથી પતિના ઘરે આવેલી છે. છતાંય છૂટા પડવું ગમતું નથી. ક્ષિતિજ સમક્ષ આવીને ઉભેલી વિદાયનો વિષાદ ઉદાસ કરી દે છે. પોતે જ નિર્ધારેલી વિદાયની ઘડી છે અને તોય સાતફેરાનાં ચોઘડીયા માતાપિતાને બેચૈન કરી મૂકે છે. તેઓ મનોમન બોલી ઊઠે છે:

‘અમે જ નિર્ધારી હતી
વિદાયની આ ઘડી,
તોયે મન કહે,
ન જા, ન જા, ન જા….’

એ પછી સપ્તપદીનાં સાતફેરા ફરવાની ક્ષણ આવીને ઊભી રહે છે. ઉંમરભરની શરમ જાણે આજે જ તેની પાંપણોમાં વસી ગઈ છે અને તે ભારમાં પાંપણો ઝૂકેલી રહે છે. જાણે બધી ચંચળતા, જીદ, મસ્તી ભૂલાઈ ગઈ છે અને રિસાઈને ચાલી ગઈ છે. નવી દુનિયાનો ઉમંગ છે અને છૂટી રહેલા નૈહરનો વિષાદ છે. સજાવટ, ઉમંગભર્યા લગ્નગીતો, આભૂષણો, હથેળીમાં ધરેલી મહેંદી – આ બધામાં પ્રસંગનો આફતાબ છે પણ તે દીકરીનાં કર્ણપટ પર ‘કન્યા પધરાવો સાવધાન’નાં ગોર મહારાજનાં શબ્દો અથડાય છે અને હોઠ કંપી ઊઠે છે, ગાલ પર છલકાતા આંસુમાં જાણે વહી જાય છે માતાપિતાનું સાનિધ્ય, વાત્સલ્ય. વર-કન્યાનાં ‘હસ્તકુંભ’માં શમણાંનાં મિલન છે પણ મા-બાપનું શમણું છે દીકરી જે હવે પરાયું બની જાય છે. આવતીકાલનાં શમણાં દીકરીની આંખોમાં છે અને શમણાંભરી આંખોમાં આંસુનાં પૂર ઉમટ્યા છે.

ઘરની દીવાલને કંકુના થાપામાં હથેળીનો સ્પર્શ સોંપી વિદાય થવાની ક્ષણો આવી ગઈ છે. અસ્તિત્વ રડી પડે છે. આંસુ ખાળી શકતા નથી. માતાપિતાની હથેળી છૂટી રહી છે અને તે પોતાની હથેળીનાં સ્પર્શની મુલાયમ યાદ દિવાલમાં રોપીને હવે જઈ રહી છે. સમય સરકતો રહેશે, ઋતુ નવી નવી આવતી રહેશે. દિવાલ પરનાં થાપા ધીમે ધીમે ઝાંખા બનતા જશે પરંતુ તે સ્પર્શ, તે સંવેદના કે તે અહેસાસ કદી ઝાંખો નહીં પડે. દીકરી, એક શમણું હથેળીમાંથી હવે સરકી ગયું છે.

બીજા દિવસની સવાર ઊગે છે પરંતુ હવે તે ચંચળ પગલાં નથી, મીઠી જીદ નથી, મધુર ટહુકો નથી, રીસામણાં-મનામણાં નથી. દીકરીનાં વોર્ડરોબનું ખૂલવું કે બંધ થવું નથી. તેની પ્રિય ટીવી સિરિયલની ચેનલના નંબર પર રીમોટ પર ફરતી રહેતી તેની આંગળીઓના સ્પર્શ હવે નથી. તેને ગમતી ખુરશી ખાલી પડી છે. તેને ગમતો, તેના રૂમની બારી પાસેનો ખૂણો ઉદાસ છે. બારીએથી ડોકીયાં કરી રોજ ‘ગુડમોર્નિંગ’ કરતા સૂર્યને તથા મધુમાલતીનાં ફૂલોને તેના નહીં હોવાનો વિષાદ છે. આંગણાંનો હિંચકો હિબકાં ભરે છે. તેને પગ નથી, પગલાં નથી, મસ્તી નથી, ચંચળતા નથી. તેના પુસ્તકો, પરિધાનો, તેની પથારી, તેનો પોતાનો જ કૉફી મગ, તેના બચપનથી આજ સુધી સાચવી રાખેલી ‘બાર્બી ડૉલ’, તેના વાળને સજાવતા અનેક કાંસકાઓ, તેને ગમતાં ગીતોની અનેક સીડીઓ ખામોશ છે. ઘરની બહાર જતી વખતે ‘જાઉં છું….’ કહેતો ટહુકો કે બહારથી ઘેર આવતા તેની સાથે ધસી આવતો ઉમંગી વાયરો – હવે કશું જ નથી. જે છે તેમાં ઉમંગ નથી. દીકરી અને દરેક માબાપની આ નિયતિ છે.

દીકરી, એક શમણું, આપણું છતાં પરાયું. દીકરી આપણી તોયે પરાયી. હથેળીમાંથી સરકી જાય છે પણ હૃદયમાં તો સદા બિરાજે છે. દીકરી જન્મે છે ત્યારે જુદા પડવાની, દૂર થવાની એક ઝાંખી લકીર લઈને અવતરે છે. તે લકીર ક્રમશઃ વિસ્તરે છે, ફેલાય છે અને સ્પષ્ટ થતી જાય છે. તે દૂરીનું દુઃખ છે પણ શમણાંને તો જીવાડવા પડે છે. તે આપણી હથેળીમાંથી બીજાની હથેળીમાં ‘પાસ-ઓન’ કરવા પડે છે. જીવતાં રહે એ માટે એ શમણાં સુપ્રત કરવાના હોય છે. તે આપણા જ સજાવેલા સ્વપ્નો છે. તે હવે બીજાની આંખોનાં શમણાં બનીને જીવે છે, જીવાય છે. હવે તેઓ સજાવે છે, સાચવે છે. દીકરી બે ઘર વચ્ચે આવ-જા કરતી રહે છે, એક નવો સંસાર બનતો રહે છે. એક નવો બાગ, નવા ફૂલો, નવી મહેક, નવા શમણાંનો જન્મ…

દીકરી શું નથી ? દીકરી આપણી હથેળીની સૌથી લાડકી ટચલી આંગળી છે. દીકરી જિંદગીની શુષ્કપળોમાં ભીનાશ જન્માવતી ભીની ભીની લાગણી છે. દીકરી માબાપનાં વૃદ્ધત્વનાં એકલતાનાં કિનારાને ભર્યાભર્યા રાખતી, સતત લાગણી છલકાવતી છાલક છે. દીકરી એ માબાપનાં જીવનમાં પરીકલ્પનાનું સુખ આપતી જીવનવાર્તાની ‘પરી’ છે. દીકરી તમારા સ્તબ્ધ, વિષાદી, આઘાતભર્યા મનમાં થીજી ગયેલા આંસુને વહેતા કરી તમને હળવા રાખે છે. દીકરી તમારા સ્મિત પાછળનાં રૂદનને વાંચી શકે છે. દીકરી તમારા વિષાદી મનનો સંગાથ છે. દીકરી પ્રભાતનાં ફૂલ પરનું ઝાકળબિંદુ છે. તેના મુલાયમ સ્પર્શમાં તમને તમારા અસ્તિત્વની સાર્થકતા અનુભવાય છે. દીકરી એટલે કદી ‘ડિલિટ’ નહીં થતી અને સદા ‘રિફ્રેશ’ રહેતી લાગણી. દીકરી તમારા દિલનાં સ્ક્રીન પરનું છે મનોહર ‘સ્ક્રીન-સેવર’ ! દીકરી એટલે તમારા રંજને પરાજિત રાખતો ઉમંગનો આફતાબ. તમારી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી શું નથી ? દીકરી છે એક શમણું – પોતાનું તોય પરાયું… પરાયું તોય પોતાનું… દીકરી…એટલે દીકરી…એટલે દીકરી…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

45 thoughts on “દીકરી – અનિલ આચાર્ય”

Copy Protected by Chetan's WP-Copyprotect.