સરાઈ હરાની એક સવાર – મીનાક્ષી ચંદારાણા

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર. આપ મીનાક્ષીબેનનો (વડોદરા) આ નંબર પર +91 9998003128 સંપર્ક કરી શકો છો.]

રાતે આરતી કરનાર પૂજારીને પૂછતાં એણે કહ્યું, ‘બેનિયા બાગમાં મસ્જિદ છે, ત્યાં કોઈને પૂછો…’ વિચાર્યું કે સવારે આઠેક વાગે નીકળી જવું. પણ રાત્રે ઊંઘ ન આવી અને સવારે ધીરજ ન રહી. હૉટેલની સામેની ફૂટપાથ ઉપર સવારે સાડાચારે ચાના ઠેલાવાળો આવી જાય. કપ-રકાબીનો ખખડાટ, સ્ટવનો ધમધમાટ, ઘરાક સાથેના સંવાદો…. બધા જ અવાજો રોજ વહેલી સવારે શરૂ થઈ જતા હશે. પણ રોજ એ ક્યાં સંભળાયા હતા ! અને આજે તો એ બધા અવાજમાંથી એક જ આદેશ સંભળાય, ઊઠ….ઊઠ….ઊઠ…..

આઠ વાગ્યાને બદલે સવારે પોણા છએ તો હૉટેલમાંથી બહાર આવી ગઈ. પગરિક્ષા તરત જ મળી ગઈ. ‘બેનિયા બાગ મસ્જિદ’. હજુ સવાર પડી ન હતી, એટલે કે હજુ અંધારું હતું. છતાં એ વાત પણ ખરી કે બનારસ માટે સવારના પોણા છ વાગ્યાનો સુમાર કંઈ વહેલો ન કહેવાય. ચહલપહલ તો ક્યારનીયે શરૂ થઈ ગઈ હોય. કોઈ કાશીવિશ્વનાથના મંદિરે દર્શન કરવા જતું હોય, તો કોઈ ગંગા કિનારે સૂર્યોદયનાં દર્શન કરવા જતું હોય. છતાં મનમાં એક અજાણ્યો ડર હતો. હું એકલી, મારા માટે શહેર અજાણ્યું, અજાણ્યા લોકો, રસ્તા પણ તદ્દન અજાણ્યા ! અને મુસ્લિમ એરિયા.

પગરિક્ષા થોડું ચાલી…. ગોદોલિયા ગયું…. અને બેનિયા બાગ શરૂ થયું. મુસ્લિમ નામોવાળી દુકાનોનાં પાટિયાં આવવા લાગ્યાં. મોટાભાગની દુકાનો હજુ બંધ હતી અને આ રસ્તો તો લગભગ સૂનો કહી શકાય એવો હતો. દુકાનો બંધ હોય, અંધારું હોય અને સૂનકાર, સાથે ઠંડી અને લાંબા રસ્તાઓ…. એ સમયે કોઈ પણ શહેર એક ડરનો અહેસાસ કરાવતું હોય છે ! સામેની બાજુ એક મસ્જિદ દેખાઈ. પગરિક્ષાવાળાએ રસ્તો ક્રોસ કરી મસ્જિદ પાસે પગરિક્ષા લીધી. મસ્જિદમાંથી બે ભાઈઓ નીકળ્યા, તેમને પૂછ્યું : ‘ઉસ્તાદ બિસ્મીલ્લાખાનજી કી મઝાર….?’ વાક્ય અધૂરું હતું અને તેમના ચહેરા પર અહોભાવ ફરી વળ્યો. તેમણે પગરિક્ષાવાળાને ‘ઈધર સે દાંયે, ઊધર સે બાંયે’ કરતાં કરતાં બરાબર જગ્યા બતાવી હશે એવું લાગ્યું. હવે આ રિક્ષાવાળો જ મારો આધાર હતો, પણ મંઝિલ હવે એક કદમ નજીક હોય એવું લાગી રહ્યું હતું. ડર અને રોમાંચ બેઉ સાથે ચાલતા હતા.

પગરિક્ષા મેઈનરોડને છોડીને એક ગલીમાં વળી. અને ગલી પછી તો ગલી પછી તો ગલી…. કેટલાક રસ્તા તો એટલા સાંકડા કે પગરિક્ષા ચાલતી હોય તો સામેથી સ્કૂટર પણ ન આવી શકે ! ક્યાંક જરા પહોળા રસ્તા હોય તો ત્યાં એકાદ લારી ઊભી હોય અને લારીમાં એકસાથે પાંચ-પાંચની હારમાં પચીસેક બકરીઓને બાંધેલી હોય. કોઈ ઘરને જો ઓટલો હોય, તો ત્યાં પણ ખીલે બકરી બાંધેલી હોય ! કોઈ નાના ઓટલા પર પાન-પડીકીવાળા અને ચોક પડે ત્યાં મરઘા-બતકાંનાં પીજરાં…. બિસ્મીલ્લાખાનના વિચારો એક તરફ રહ્યા અને વિચારવા લાગી કે આ બકરીઓ કોણ જાણે ક્યારની આ દશામાં બાંધેલી બેઠી હશે, બિચારી બેં-બેં કરવાનું પણ ભૂલી ગઈ હશે….! અમસ્તું કહ્યું હશે, કે ‘બકરે કી અમ્મા કબ તક ખૈર મનાયેગી…..?’ બધું વળોટતાં-વળોટતાં એક મોટા ડેલા સામે રિક્ષા ઊભી રહી. ઉપર કશું લખેલું ન હતું. અંદર જતાં સહજ સંકોચ થતો હતો, ત્યાં બીજા એક મદદગાર મળી ગયા. ફરીથી પૂછ્યું, ‘ઉસ્તાદ બિસ્મીલ્લાખાનજી કી મઝાર….’
‘આઈયે, યહીં હૈ’ તેમણે દરવાજો ખોલી આપ્યો. અંદર સાથે આવ્યા. પહેલી નજરે મઝાર જેવું કશું દેખાયું નહીં. જમીનથી માંડ એકાદ ઈંચ ઊંચે ત્રણ બાય છની જગ્યા પર જરા ગારમાટી થતાં હોય એવું લાગ્યું. દીવાલના ટેકે ઉસ્તાદજીની મોટી તસવીર હતી. મેં પ્રણામ કર્યા. પેલા મુસ્લિમ બિરાદરને પૂછ્યું, ‘મુસ્લિમોમાં પ્રણામ કેવી રીતે કરે છે ? મારે એ રીતે પગે લાગવું છે.’ એમણે હસીને કહ્યું, ‘આપ ઈધરકી તો નહીં લગતી…. ઈતને દૂર સે આઈ હૈ, તો આપ કી પ્રાર્થના, પ્રણામ સબ કુછ કબૂલ હો હી ગયા હોગા…..!’

બસ, પ્રણામ કરીને બહાર નીકળી. અંદર કંઈક છલકાતું હતું. એટલે તો ફોટો પાડવાનું પણ યાદ ન આવ્યું. પગરિક્ષામાં બેસતાં-બેસતાં પાછા વળીને ફરી ત્યાં જઈને ફોટો લીધો. પેલા ભાઈને જ પૂછ્યું, ‘બિસ્મીલ્લાખાનજીનાં સંતાનો….’ જવાબ મળ્યો, ‘બેનિયા બાગ.’ ફરી બેનિયા બાગ. પછી ફરી ત્યાંથી ગલી, ગલી, ગલી…. સરાઈ હરા પહોંચી. પંદર-સત્તર વર્ષના ચાર-પાંચ છોકરાઓ ત્યાં ઊભા હતા. તેમને પૂછ્યું, ‘ખાન સાહેબ બિસ્મીલ્લાહખાન…’ છોકરાઓ બાઅદબ છેક ઘર સુધી મૂકી ગયા.

સવારના સાડાસાત થયા હતા. અજાણ્યાને ઘેર અત્યારમાં પહોંચી ગયાનો સંકોચ હતો. ત્યાં તો ખુલ્લા બારણામાં સામે એક બુઝુર્ગ દેખાયા. છોકરાઓએ એમને કહ્યું : ‘ઉસ્તાદજી કા નામ લે રહે થૈ…..’
‘આઈયે….આઈયે…..’ ઊંચો ઓટલો ચડીને હું ઘરમાં પ્રવેશી. ઓટલો ચડતાં તરત જ નાનકડો બેઠકરૂમ હતો. દરવાજાની ડાબી બાજુએ એક જૂનો સોફા, જમણી બાજુએ ડબલબેડ. બંને પર કોઈ સૂતું હતું. દરવાજાની બરાબર સામે બે ખુરશી અને સામેની બાજુએથી ઘરમાં આગળ જવા માટે બીજો દરવાજો. મારા આટલા વહેલા આવવાને કારણે સૂતેલાંને ઉઠાડવાં પડ્યાં. નમસ્કાર કરીને હું સામેની બે ખુરશીમાંથી એકમાં ગોઠવાઈ.
‘ફરમાઈયે….’
મેં કહ્યું : ‘જીસ પાક ભૂમિ પર ઉસ્તાદજીને જીવનભર શહેનાઈ કી સાધના કી ઉસ ભૂમિ કા દર્શન કરને આઈ હું.’
‘વહ તો દશાશ્વમેધ ઘાટ પર બજાતે થે….. કાશીવિશ્વનાથ મંદિર હો આઈ આપ ?’
‘જી, અભી નહીં. પહેલે ખાનસા’બ કી મઝાર કા દર્શન કરના થા, સો કર લિયા આજ સુબહ-સુબહ. ઔર સાથ હી મેં આપ સબ, ઉન કે પરિવાર સે ભી મિલને કી ઉમ્મિદ થી, તો ચલી આઈ હૂં. અબ જાઉંગી મંદિર ભી…’ એમની આંખમાં એક ચમક અને એક ગ્લાનિ એકસાથે ઊભરી આવ્યાં હોય એવું લાગ્યું. એમણે ઉપર જોયું. એમની સાથે મેં પણ ઉપર નજર કરી. ઓરડાની એકેએક દીવાલ ખાનસાહેબની તસવીરોથી મઢેલી હતી.

‘સબ ઉન કા કરમ હૈ, કી કોઈ હમેં યાદ કર કે ઈતની દૂર મિલને આતા હૈ.’ એક તસવીરમાં ખાનસાબ સામે એકીટસે જોતાં એમણે કહ્યું.
‘આપ ઉન કે……’
‘મૈં બડા બેટા ઉન કા. મહેતાબહુસેન…’
‘ખાનસાહબ કે બાદ ઉન કી શહનાઈ કા વારિસ….’
‘બજાતા હૂં મૈં…. શહનાઈ… લેકિન ઉન કી શહનાઈ કે અસલી વારિસ તો થે નૈયરહુસેન. હમારે છોટે ભાઈ થે. ગુજર ગયે અભી એક-દો સાલ પહેલે…. ઉનસે છોટે હૈ નાઝીમહુસેન. તબલાનવાઝ હૈ. બહુત ખૂબસૂરત બજાતે હૈં. જામિલહુસેન ઔર કાલિમહુસેન…. હમ પાંચ ભાઈ….’ મહેતાબહુસેન પાણી લઈને આવેલા નિસ્સારહુસેનનો પરિચય કરાવે છે. ‘નિસ્સારહુસેન હમારે નૈય્યરહુસેન કે બેટે હૈં.’ ‘એ પણ શરણાઈ વગાડે છે…..?’ એમણે ડોકું હલાવ્યું.

આટલે દૂરથી આવેલ એકલી સ્ત્રી સવારથી આવીને આટલી વાર સુધી વાત કરતી રહે અને તે છતાં ઘરની એક પણ સ્ત્રી કે યુવતી કે નાની છોકરી પણ બહાર આવીને પાણી ન આપે, એ મારા માટે અચરજનો વિષય હતો, ‘ખાનસાહેબના કુટુંબમાં કોઈ સ્ત્રીને સંગીતનો શોખ કે તાલીમ….’
‘નહીં.’ રુઢિચુસ્ત મુસ્લિમ કુટુંબના વડા મહેતાબહુસેન આ બાબતમાં બહુ જ સ્પષ્ટ હતા, ‘હમ હમારી ઔરતોં કો સંગીત કી તાલીમ નહીં દેતે હૈ. હમારી તીન બહેનેં હૈં. તીનોં કી આવાઝ મધુર હૈ, લેકિન હમારેં ઘરોં કે હી શાદી-બ્યાહ કે અલાવા….’
‘આટલી રુઢિચુસ્ત માન્યતા….’ હું બેધડક પૂછી લઉં છું. ‘…..અને ઈસ્લામ તો સંગીતની મનાઈ ફરમાવે છે ત્યારે ખાનસાહેબનું ગંગાઆરતીના સમયે મંદિરના પરિસરમાં શરણાઈ વગાડવું…..’
‘કિતને મુસલમાનોંને ગાયા-બજાયા, ઔર ઉસ્તાદ હો ગયે. અબ્બા કે મામા ઉસ્તાદ અલિબક્ષસાહબ ગ્વાલિયર કે બાલાજી મંદિરમેં નોબત બજાતે થે. અબ્બા કે નાના ભી વહીં પર ગ્વાલિયર સ્ટેટ કી ઔર સે નોબત બજાતે થે. અબ્બા કે દાદા સાલારહુસેનખાન, હુસેનબક્ષખાન, રસુલબક્ષખાન, ઔર ઉન કે અબ્બા પયગંબરબક્ષખાન… સબ શહનાઈ બજાતે થે. ઈસ્લામ રોજી કે લિયે સંગીત કી છૂટ દેતા હૈ. ખાનસાહબ કે લિયે શહનાઈ ઉન કી રોજી થી. હમ ભી રોજી કે લિયે બજાતે હૈં. આપ ભી કભી શાદી-બ્યાહ કે મૌકે પર બુલા લો, હમ બજાને કે લિયે આ જાયેંગે….’

મારા માટે દિગ્મૂઢ થઈને સાંભળવાનો એ સમય હતો. ખાનસાહેબ, ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન…. અને શરણાઈ એમની રોજી માત્ર….!? ખાનસાહેબની શરણાઈ, એમની સંગીતસાધના, એમની લગન અને ગંગાઆરતી ટાણે શરણાઈ વગાડવાનો એમનો વૈભવ…. કેટકેટલી દંતકથાઓ સાંભળીને તો આપને મોટાં થયાં છીએ ? મેં સાંભળેલું ખોટું ન હોય તો… અમેરિકામાં બનારસની પ્રતિકૃતિ સર્જીને ત્યાં સ્થાયી થવાના કહેણને ખાનસાહેબે એમ કહીને નકારી કાઢેલું કે, ‘મેરી ગંગા કહાં સે લાઓગે તુમ વહાં….?’ અને અહીં એમનો પુત્ર મને મોઢામોઢ કહી રહ્યો હતો કે શરણાઈ ખાનસાહેબની રોજી હતી !? સરસ્વતીની પૂજા કરતાં-કરતાં કેટલાયે પંડિતો અને ઉસ્તાદો અમેરિકામાં લક્ષ્મીજીના ખોળામાં આળોટી રહ્યા છે ત્યારે અહીં રોજી માટે શરણાઈ અને સંગીતને અપનાવનાર ખાનસાહેબ તો આખી જિંદગી સંગીતની સાધના જ કરતા રહ્યા….!

‘ખાંસાબ તો કહતે થે કિ….’ મેહતાબહુસેન વાત આગળ ચલાવે છે, ‘લક્ષ્મીજી તો હર તરીકે સે આ સકતી હૈ. સૂર સિર્ફ સરસ્વતી સે મિલતે હૈં…. સોને કા પીતાંબર પહન લિયા ઔર કામ કુછ નહીં, તો વહ તો સોને કી બેઈજ્જતી હો ગઈ….’
વાતનો દોર હું પકડી રાખું છું. ‘ઈસ્લામે તો… માનો કે રોજી માટે સંગીતની છૂટ આપી હતી પરંતુ…. અહીંના મુસ્લિમો ગંગાઆરતી સમયે મંદિરમાં શરણાઈ વગાડવાનો વિરોધ કરતા ન હતા ?’
‘ક્યા બાત કરતીં હૈ આપ. શહનાઈને તો બનારસ કે હિન્દુ ઔર મુસલમાનોં કો કિતના જોડ કે રખ્ખા હૈ ! સબ ઉનકા નામ બડી ઈજ્જત સે લેતેં હૈં. ભારતરત્ન યા કિસી ભી ઈલકાબ-અકરામ કે લિયે ઉન્હોંને કભી ભી કિસી કા અહેસાન નહીં લિયા થા.’
‘ઉન કી શહનાઈ કોઈ ખાસ તરહ સે….’
‘એમની શહેનાઈ એક સામાન્ય શરણાઈ જ હતી. એમણે મૂળ શરણાઈમાં કોઈ ફેરફારો પણ કર્યા ન હતા. માત્ર સાધના અને અલ્લાહના કરમ વડે જ શરણાઈને એમણે આ દરજ્જો અપાવ્યો હતો.’
‘ક્યારેક હુલ્લડ થાય હિંદુ-મુસ્લિમ વચ્ચે, ત્યારે….’
‘દંગે તો હો જાતે થે કભી કભી. ઉસ વક્ત હમારે હિંદુ બિરાદર હી કહતે થે કિ ખાંસાબ, મત આઈયે આજ મંદિર મેં…. લેકિન હમારે અબ્બા થે કિ…. કહતે…. બનારસ મેં હૂં તબ તક તો આઉંગા ગંગા કે ઘાટ પર બજાને… એ હંમેશા આવતા, અને હિંદુઓ જ એમના રક્ષણની જવાબદારી નીભાવતા…’

મને ફરી આરતી કરનાર પૂજારી યાદ આવી ગયો. કહેતો હતો, ‘બેનિયા બાગમાં મસ્જિદ છે, ત્યાં કોઈને પૂછો…’
‘એમના આખરી દિવસોમાં ડૉક્ટરે કૅન્સરને કારણે શરણાઈ વગાડવાની મનાઈ…’
‘કોઈ કૅન્સર-વૅન્સર નહીં થા ઉન કો. ગુજર જાને કે તીન-ચાર મહિને પહલે હી તો એક બડા કાર્યક્રમ કિયા થા…’
‘ખાનસાહેબે થોડી ફિલ્મો માટે વગાડેલું, પછી અળગા રહ્યા. ફિલ્મોમાં એમની પસંદ….’
‘અબ્બાને ગીતાબાલીની ફિલ્મ કિનારાનું સંગીત બહુ ગમતું. નૌશાદ અને વસંત દેસાઈ એમના પ્રિય સંગીતકાર હતા…. ગુંજ ઊઠી શહનાઈ પછી શરણાઈને બહુ જ લોકપ્રિયતા મળી હતી. વાદ્ય તરીકે શરણાઈની કદર થવા લાગી.’ ખાનસાહેબે પોતાના પુત્રોને સંગીતની પૂરી તાલીમ આપી, ‘હમ કો તો માર-માર કે સિખાયા થા. લેકિન હમારે બચ્ચોં કે લિયે ઉન્હોંને હમ પર છોડ દિયા થા…’

વિદાય લેતાં પહેલાં મેં બે-ચાર શેરો કહ્યા :

હૈ શહનાઈ કા દૂસરા નામ બિસ્મિલ્લા,
સુરોં કા દિવ્યઅંશી જામ બિસ્મિલ્લા.

બનારસ ધામ હૈ ગંગા કી ધારા કા,
સૂરોં કી જાહ્નવી કા ધામ બિસ્મિલ્લા.

મુસલમાં કે ફકીર દરવેશ થે વો તો,
હરેક હિંદુ કે થે વો રામ બિસ્મિલ્લા.

ઓ ભારતરત્ન ! આલોકિત કિયા જગ કો,
હૈ પાવક સંસ્કૃતિ પૈગામ બિસ્મિલ્લા.

બીજો શેર સાંભળતાં મહેતાબહુસેનખાનથી એક ડૂસકું મુકાઈ ગયું અને પછીનાં ડૂસકાંઓ એ ગળી ગયા. દસ દિવસના બનારસના રોકાણ પછી રેલવે સ્ટેશને ગાડીની રાહ જોતાં બેઠાં હતાં, ત્યાં નિસ્સારહુસેન હાથમાં ફળો અને મીઠાઈ લઈને આવી ચડ્યા. ‘આપ કિતની દૂર સે આઈ થી હમ સે મિલને. હમ તો ખૈર, યહીં સે આયે હૈં….. ખાનસાહબ કા કરમ હૈ સબ. ઉન કી અંતિમયાત્રા મેં પૂરા બનારસ છલકા થા. ભીડ કો કાબૂ કરના મુશ્કિલ થા. ભારતરત્ન થે વહ, તો રાજદ્વારી તો આને વાલે થે હી. આમ જનતા ઉન સે ઈતના પ્યાર કરતી થી, વહ તો ઉન કે જાને કે બાદ હી પતા ચલા !’
હું મારી ચિંતા વ્યક્ત કરું છું, ‘કોઈએ એમની યાદગીરી સાચવવી જોઈએ. એમની મઝાર કેવી અવસ્થામાં છે !’
‘ક્યા કરેં ? સરકારને તો પચાસ લાખ ખર્ચ કરને કા વાદા કિયા થા મઝાર કે લિયે…’ ફરી એક વખત ખાનસાહેબની મઝારની હાલત મારી નજર સામે તરવરી રહી…..

વડોદરા પહોંચીને નિસ્સારહુસેનને પહોંચનો ફોન કરું છું ત્યારે ફોન પર તેઓ કહે છે : ‘દીદી, કોઈ કાર્યક્રમ હો તો બુલાઈયેગા હમેં. કિસી કી શાદી હો, કિસી કા જન્મદિન હો….’ તો એમનું સરનામું આપું ? K-46/62, સરાઈ હરા, વારાણસી-221001. (ઉ.પ્ર.) ફોન : +91 542 2412836. નિસારહુસેન : (મો) : +91 9616043169.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દીકરી – અનિલ આચાર્ય
ચંદ્ર પરની ચપટી ધૂળ પણ મોંઘી પડે ! – વિનોદ ભટ્ટ Next »   

16 પ્રતિભાવો : સરાઈ હરાની એક સવાર – મીનાક્ષી ચંદારાણા

 1. kuldeep karia says:

  આ લેખ વચ્યા પછી એક જ વસ્તુ બયાન થાય છે, આસુ

 2. જય પટેલ says:

  શ્રી બિસ્મીલ્લા ખાન ધર્મથી પર હતા. સિધ્ધ હસ્ત કલાકાર ધર્મના સંકુચિત વાડાથી પર હોય.
  શ્રી બિસ્મીલા ખાને પૂ. ગાંધીજીનું પ્રિય રઘુપતિ રાઘવ રાજા રામ…ભજન શહેનાઈમાં ઢાળ્યું છે.
  જરૂરથી સાંભળશો…દિવ્યતાના દર્શન થશે.

  ૨૦૦૧માં શ્રી બિસ્મીલ્લાજીને ભારત રત્નથી સન્માનિત કર્યા પણ તેમની આર્થિક તંગી કોઈએ દૂર કરી નહિ.
  કોઈ સામાજિક સંગઠન કે ઉધોગપતિએ કંગાલિયતને દૂર કરવાની કોષિશ ના કરી.
  ભારત રત્નોને સાચા અર્થમાં કદર કરવાની માનસિકતા ભારતીયોએ કેળવવી પડશે.
  આભાર.

 3. Rakesh Dave says:

  શહનાઈ નું બીજું નામ એટલે ઉસ્તાદજી બીસ્મીલ્લાહ્ખન સાહેબ !
  આપની પ્રસંશા માં કહીએ એટલું ઓછું છે ! હું શાસ્ત્રીય સંગીત નો અભ્યાસી નથી પરંતુ તેમની શહનાઈ નાં અંશો youtube થી અચૂક સાંભળ્યા છે ને સાચવી રાખ્યા છે.
  શહનાઈ એક ચિત્તે સાંભળી હોય તો ખરેખર આનંદ થાય છે. બીસ્મીલ્લાખાન જી ફક્ત એકજ છે !!!!!!!!!!!!!!!

 4. ઉસ્તાદજી બીસ્મીલ્લાહ્ખન સાહેબ
  — વર્ષો પહેલા એમનો ઈન્ટરવ્યુ દુરદર્શન પર નિહાળ્યો હતો. હજી આજે પણ એ ઈન્ટરવ્યુ એટલો જ તાજો છે.

 5. Dipti Trivedi says:

  શહનાઈને તો બનારસ કે હિન્દુ ઔર મુસલમાનોં કો કિતના જોડ કે રખ્ખા હૈ .
  બનારસ મેં હૂં તબ તક તો આઉંગા ગંગા કે ઘાટ પર બજાને… એ હંમેશા આવતા, અને હિંદુઓ જ એમના રક્ષણની જવાબદારી નીભાવતા…’

  કાશ ! ભારતના દરેક રાજ્યમાં આવી શહનાઈની જાદુઈ અસર હોત.

 6. nirav says:

  કસાબ જેવા ત્રાસ્વાદે ઓ ને રાખ્વા માતે લાખો નો ખર્ચો કરચે ને ખાન સાહેબ જેવા અશન્ખ્ય લોકો ને પલ્વાર મા ભુલે જાય ચે

 7. લાગણીસભર રજૂઆત.
  ને આંચકો લાગી જાય તેવી વાસ્તવિકતા !

 8. amol says:

  મીનાક્ષીબેન બનારસ જઈને પહેલુ કામ ઉસ્તાદ બિસ્મીલ્લાખાનજી ની મઝાર ના દર્શન કરવાની વાત અદભૂત લાગી.
  સુન્દર લાગનીસભર ર્લેખ માટે ખૂબ ખૂબ આભાર….

  અમોલ

 9. મીનાક્ષીબહેનને ધન્યવાદ ! બનારસની
  ટૂઁકી છતાઁ ઉપયોગી માહિતી આપી છે.

 10. Ashish Dave, Sunnyvale, California says:

  Very interesting and informative… I got a chance to listen to him in Ahmedabad 25 years back… He started at 1AM and played till 5 in the morning.

  Ashish Dave

 11. minakhi chandarana’s article sarai…. is not only a travelogue but also a tribute to shahanai maestro Bismillakhan.
  the article is very heart touching and eye opening too.kudos 2 writer and publisher too.
  kranti kanate

 12. M.D.Gandhi, U.S.A. says:

  ૨૦૦૧માં શ્રી બિસ્મીલ્લાજીને ભારત રત્નથી સન્માનિત કર્યા પણ તેમની આર્થિક તંગી કોઈએ દૂર કરી નહિ. ધંધાની જાહેરખબર ના થાય અથવા મીડીઆ રસ ન લે ત્યાં સુધી કોઈ ઉધોગપતિ કે સામાજિક સંગઠન એ કંગાલિયતને દૂર કરવાની કોષિશ ના કરે!

  ભારત રત્નોને સાચા અર્થમાં કદર કરવાની માનસિકતા ભારતીયોએ કેળવવી પડશે.

  આવા મહાન શરણાઈવાદક માટે આટલી બધી જાણકારીભર્યો લેખ લખવા બદલ મીનાક્ષીબહેનને ધન્યવાદ.

 13. M.D.Gandhi, U.S.A. says:

  ૨૦૦૧માં શ્રી બિસ્મીલ્લાજીને ભારત રત્નથી સન્માનિત કર્યા પણ તેમની આર્થિક તંગી કોઈએ દૂર કરી નહિ. ધંધાની જાહેરખબર ના થાય કે મીડિઆ રસ ન લે ત્યાં સુધી કોઈ ઉધોગપતિ કે સામાજિક સંગઠન કે એ કંગાલિયતને દૂર કરવાની કોષિશ ના કરે

  ભારત રત્નોને સાચા અર્થમાં કદર કરવાની માનસિકતા ભારતીયોએ કેળવવી પડશે.

  આવા મહાન શરણાઈવાદક વિષે આટલી સરસ જાણકારી આપવા બદલ મીનાક્ષીબહેનને ધન્યવાદ.
  mdgandhi21@hotmail.com

 14. Hassan Ali says:

  There must be hundred thousand plus admirers of
  Ustad jee
  If some one like the author of the article can collect
  One hundred rupees from each admire the Mazar
  Can be constructed in a beauty full way.
  I know the residents of Bharat and ESP. Gujarati. Can do this
  Read Gujarati should do something for the shake of BIsmillah khan and Sendai
  I hope and pray that it will be done
  As the meaning of Bismellah is
  To begin with the name of Allah.

 15. nice article with great information ..
  આભાર મીનાક્ષીબેન અને મૃગેશભાઈ.

 16. p j pandya says:

  ક્યા ખુબ બ્તાયા મઝ્ા આવિ ગૈ સરકરે રકમ જહેર કરિને કબર ક મ્ક્ર્બો મેમ ન બનવ્યો/

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.