ચંદ્ર પરની ચપટી ધૂળ પણ મોંઘી પડે ! – વિનોદ ભટ્ટ

[ શ્રી વિનોદ ભટ્ટની ઉત્તમ હાસ્યરચનાઓના સંચય ‘નમું તે હાસ્યબ્રહ્મને’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન શ્રી રતિલાલ બોરીસાગરે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

1969ની વીસમી જુલાઈએ નીલ આર્મસ્ટ્રૉંગે ચન્દ્ર પર પગ મૂક્યો ત્યારે અમે અમારાં ધાબામાં સૂતાં સૂતાં ચન્દ્ર સામે તાકી રહ્યા હતા – એ તપાસવા કે ચન્દ્ર પર કોઈ માણસ ચાલતો દેખાય છે ? એક સજ્જન એ વખતે કહેતા હતા કે સારું છે કે આજે સુદ બીજ છે, બાકી એ લોકો અમાસના દિવસે જશે તો તેમને મુસીબત થશે, ચન્દ્ર જડશે જ નહીં…. ખરેખર તો તેમણે પૂનમની રાતે જ ત્યાં ઊતરવું જોઈએ – બધું બરાબર જોઈ તો શકાય !

અમેરિકી સમય પ્રમાણે રાત્રે દસ ને ઓગણચાલીસ મિનિટે આર્મસ્ટ્રૉંગે ચન્દ્ર પર પહેલાં પોતાનો ડાબો પગ મૂક્યો હતો ત્યારે ચન્દ્ર પર દિવસ હતો. ત્યાંનો એક દિવસ આપણા ચૌદ દિવસ જેવડો મોટો છે – આનો અર્થ એવો થાય કે ત્યાં જો માણસો વસવાટ કરે ને સરકારી કચેરીઓ સ્થપાય તો કર્મચારીઓનો પગાર દર બે દિવસે કરવો પડે. આપણા ફેબ્રુઆરી મહિનાની જેમ ત્યાં અઠ્ઠાવીસ દિવસનો મહિનો ગણાય. લેણદાર પાસેથી બે દિવસના વાયદે લીધેલ પૈસા અહીં અઠ્ઠાવીસ દિવસ સુધી વાપરી શકાય. આમ તો અહીંથી (એટલે કે અમેરિકાથી) ત્રણ વિજ્ઞાનીઓ ચન્દ્ર પર ગયેલા, પણ ચન્દ્ર પર પગ મૂકવાનું સદભાગ્ય તો નીલ આર્મસ્ટ્રૉંગ અને એડવિન એલ્ડ્રીનને જ મળ્યું. સાથે હોવા છતાં માઈકલ કૉલિન્સના ભાગ્યમાં તો યાનમાં જ બેસીને ‘બોર’ થવાનું આવ્યું. લાવ, જરા બહાર નીકળીને પગ છૂટો કરી આવીએ કે આસપાસ કોઈ પાનનો ગલ્લો હોય તો એકસોવીસનો માવો (કિમામ જ્યાદા) ખાઈ આવીએ એવું મન તે ન કરી શક્યો – આનું નામ નસીબ ! – ચંદ્ર પર હોવા છતાં તેના પર પગ કે માથું ટેકવવાની ખુશનસીબી તેને ન મળી. આર્મસ્ટ્રૉંગ જ્યારે 18-20 વર્ષનો હશે ત્યારે તેની કુંડળી કે હથેળી જોઈને જ્યોતિષીએ તેને કહ્યું હોત કે તારો ચન્દ્ર અતિ બળવાન છે, એક દિવસ એવો આવશે જ્યારે તું સાક્ષાત ચન્દ્રને મળી શકીશ, તો આર્મસ્ટ્રૉંગે એને ગપ્પું માની મજાક ઉડાવી હોત, પણ હવે તે જ્યોતિષીઓને પૂછતો હશે કે જુઓ ને, મારે મંગળગમનનો યોગ છે કે નહીં ?

ચન્દ્રયાન ‘ઈગલ’માંથી બહાર નીકળવા અગાઉ બારણું ખોલવા આર્મસ્ટ્રૉંગ તૈયાર થયો ત્યાર પહેલાં તેણે બહાર જવાનો પોશાક પહેરી લીધો હતો – ભલે આપણને કોઈ ઓળખે – ન ઓળખે પણ કપડાં તો વ્યવસ્થિત પહેરવાં જોઈએ ને ! સવાલ પૃથ્વીની આબરૂનો હતો. કાશ્મીરમાં હિમવર્ષા વખતે આપણે જેમ શરીરને ગરમ કપડાં-ધાબળા વગેરેથી ઢાંકી દઈએ છીએ એ રીતે તેણે સમદબાણનો પોશાક પહેરીને શરીરને મૂનપ્રૂફ બનાવી દીધું હતું. કહેવાય છે કે ચન્દ્ર પર ઑક્સિજનનું નામ નથી. ચન્દ્ર પર હવા પણ નથી (ત્યાં પતંગ ચડાવી શકાય નહીં). એટલે વાતાવરણના યોગ્ય દબાણ વિના અને પ્રાણવાયુ વગર ચન્દ્ર પર માણસ તરત જ ગુજરી જાય. આપણે મરવા માટે ડૉક્ટરની મદદ લેવી પડે છે – ત્યાં એવી જરૂર ન પડે, એમ જ ઊકલી જવાય. ચન્દ્ર પર ગરમી તેમજ ઠંડી અસહ્ય છે – એ.સી., આઈસ્ક્રીમ ને બરફનો ધંધો ધમધોકાર ચાલી શકે, ગરમ કપડાંનો પણ. ના છત્રી, રેઈનકોટના ધંધાવાળા ભૂખે મરે.

આર્મસ્ટ્રૉંગે ‘ઈગલ’નો દરવાજો ધીમેથી ખોલ્યો હતો – દરવાજો ખોલવા અગાઉ ‘કી હોલ’માંથી જોયું પણ હશે કે બહાર પેલી રેંટિયો કાંતતી ડોસી તો નથી ઊભી ને ! દરવાજો ખોલીને તે સીડીનાં પગથિયાં ઉતરી ચન્દ્ર પર પગ મૂકવા જતો હતો ત્યારે આર્મસ્ટ્રૉંગ ખૂબ જ રોમાંચિત થઈ ગયો હતો, તેના હૃદયના ધબકારા ત્રણગણા વધી ગયા હતા. અમારા જેવો પોચા દિલનો હોત તો ઉત્સાહના અતિરેકમાં હાર્ટએટૅકથી ત્યાં જ ઢળી પડત. પણ તેના આર્મ જ નહીં, તેનું હાર્ટ પણ સ્ટ્રૉંગ હોવાને કારણે તેણે મક્કમતાથી ચન્દ્ર પર પગ મૂક્યો. ચન્દ્ર પર આર્મસ્ટ્રૉંગ પોતાના પગ પર જ ઊભો રહી શક્યો છે, જમીનમાં ઊતરી ગયો નથી એ જોયા-જાણ્યા પછી એલ્ડ્રીને હિંમતપૂર્વક ચન્દ્ર પર ઝુકાવ્યું.

આર્મસ્ટ્રૉંગ અહીંથી કૅમેરો લઈ ગયો હતો, પણ ફોટા પાડતાં પહેલાં ત્યાં તે કોઈને ‘સ્માઈલ પ્લીઝ’ કહી શક્યો નહોતો. ચન્દ્ર પરથી તેને એફિલ ટાવર કે તાજમહાલ દેખાયા નહોતા. હા, ચીનની દીવાલ જોઈ શકેલો. આયરિશ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શૉએ ચીનની દીવાલ પ્લેનમાં ઊડીને જોઈ હતી. પત્રકારોએ તેને પૂછ્યું હતું કે ચીનની દીવાલ તમને કેવી લાગી ? – ત્યારે તેણે કહેલું કે દીવાલ જેવી લાગે એવી આ દીવાલ લાગી હતી, એમાં બીજું શું લાગે ! – અમારા જેવો દોઢ ડાહ્યો ત્યાં હાજર હોત તો શૉને પૂછત કે પેલી કહેવત પ્રમાણે ચીનની દીવાલને કાન હતા ? પૃથ્વી કરતાં ચન્દ્ર પર છઠ્ઠા ભાગનું જ ગુરુત્વાકર્ષણ છે, આ કારણે આર્મસ્ટ્રૉંગનું વજન પણ પૃથ્વીના મુકાબલે છઠ્ઠા ભાગનું થઈ ગયું હતું. આ હિસાબે ચન્દ્ર પર ગધેડા ફાવી જવાના. અહીંના કરતાં ત્યાં તે વધુ માટી પોતાની પીઠ પર ઉઠાવી શકશે, મજૂરી પણ વધુ પામશે. જોકે એ તેના માલિક લઈ લેશે….. શોષણ તો ચન્દ્ર પર પણ થવાનું.

ચન્દ્ર પરથી આર્મસ્ટ્રૉંગે વૉટરગેટ કૌભાંડ ફેઈમ પ્રેસિડેન્ટ નિકસન સાથે વાત કરી હતી. કહેવાય છે કે તેણે પોતાના ઈન્કમટૅક્ષના વકીલ માટે પણ એક સંદેશો મોકલ્યો હતો કે મારો ટૅક્ષ ભરવાની આજે છેલ્લી તારીખ છે, ભરાવી દેજો. ચન્દ્ર પર બેઠાં બેઠાં તેને પોતાના ઈન્કમટૅક્ષની ચિંતા થતી હતી. (મૂરખ માણસ !) પૃથ્વીવાસીઓને સંબોધીને તેણે કહ્યું હતું કે, માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે. જોકે આ વાક્ય તે અંગ્રેજીમાં બોલ્યો હતો ને આપણી યુનિવર્સિટીનો વિદ્યાર્થી નહીં હોવા છતાં અંગ્રેજીમાં બોલતી વખતે તેણે વ્યાકરણમાં છબરડો વાળ્યો હતો, ખોટું અંગ્રેજી બોલ્યો હતો. ચન્દ્ર વિશે તેણે કહ્યું હતું – ‘ચન્દ્રની સપાટી સરસ છે અને તે પાઉડર જેવી ધૂળવાળી છે. મારા જોડા પર હું ચન્દ્રની ધૂળને ઊંચકી શકું છું. ચન્દ્રની ધૂળ મારા જોડાને પાતળા પડ રૂપે ચોંટે છે. ચન્દ્રની ધૂળમાં મારા પગ ઈંચના આઠમા ભાગ જેટલા ઊંડા ઊતરે છે અને ધૂળમાં પડેલાં મારાં પગલાં પણ હું બહુ જ સ્પષ્ટપણે જોઈ શકું છું…..’ આર્મસ્ટ્રૉંગનાં પગલાં ચન્દ્ર પર લાખો વર્ષો સુધી જળવાઈ રહેશે – તેણે જે કંપનીના બૂટ પહેરેલા એ બૂટ બનાવતી કંપની પોતાની જાહેરાતમાં લખી શકે : ‘અમારા બૂટનું આયુષ્ય લાખો વર્ષનું છે….’

પતિ બહારગામથી આવે ત્યારે તેની પત્ની રિવાજ મુજબ પૂછતી હોય છે કે મારા માટે શું લઈ આવ્યા ? – એ રીતે ચન્દ્ર પરથી પાછા ફરેલા આર્મસ્ટ્રૉંગની સ્ત્રીએ પણ તેને પૂછ્યું હશે કે 3,65,192 કિલોમીટર ફરી આવ્યા, ત્યાંથી મારા માટે શું લઈ આવ્યા ? ‘ધૂળ.’ આર્મસ્ટ્રૉંગે હસીને જવાબ દીધો હશે ત્યારે ખીજમાં તે સ્ત્રી બોલી હશે : ‘આ તો પાઉડર જેવી ઝીણી માટી છે, આનાથી તો વાસણ પણ ન મંજાય…’ એ સ્ત્રી સામે દયાથી જોતાં તે વિચારતો હશે કે આને બાપડીને ક્યાં ખબર છે કે અડતાલીસ રતલ માટીનાં ઢેફાં ઊંચકી લાવવાનો ખર્ચ 38,400 કરોડ ડૉલર થયો છે – આમાંની ચપટી ધૂળ કેટલાની થાય ? જોકે આર્મસ્ટ્રૉંગે ચન્દ્ર વિશે બહુ વાતો નથી કરી. આ અંગે તે કોઈને ઈન્ટરવ્યૂ આપતો નથી – ચન્દ્ર પર તે પોતાનો અબાધિત અધિકાર ભોગવવા માગતો હોય એમ બને. પણ બાકીના બે યાત્રીઓને ચન્દ્ર બરાબરનો ચડી ગયેલો. એક માનસિક રીતે ચન્દ્ર પર રહેવા ઈચ્છતો હોય તેમ દારૂની લતે ચડી ગયેલો ને બીજાએ ત્રણ વખત લગ્ન કર્યાં છે. ચન્દ્ર પર જઈ આવેલ યાત્રીઓ આ લખાય છે ત્યારે હજી જીવે છે, એ પરથી એવા તારણ પર આવવાનું કોઈને મન થાય કે ચન્દ્ર પર જવાથી આયુષ્ય વધે છે – ને લોકોનો ચન્દ્રપ્રેમ વધી પણ જાય….. ઈતિહાસપ્રસિદ્ધ મહમ્મદ તઘલખ ચન્દ્રના ગાઢ પ્રેમમાં હતો. પોતાના ફેમિલી હિસ્ટોરિયન ઈબ્તે બતૂતાને મહમ્મદ કહેતો : ‘ઈબ્ન, મારે ચાંદ જોઈએ છે…’

ચન્દ્રને પાગલપણા સાથે સીધો સંબંધ છે એમ કહેવાય છે.

[કુલ પાન : 330. (પાકું પૂઠું). કિંમત રૂ. 150. ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

32 thoughts on “ચંદ્ર પરની ચપટી ધૂળ પણ મોંઘી પડે ! – વિનોદ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.