વતનનો સાદ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ટૂંકીવાર્તાના પુસ્તક ‘સ્પંદનનાં પ્રતિબિંબ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

‘મોમ, ઓહો…. તું અહીં ઊભી છે ? હું ક્યારનોય તને બૂમ પાડું છું. અહીં વિન્ડો આગળ ઊભી રહીને તું શું જોયા કરે છે ? કોઈ ઈન્ડિયન ક્રો તો આવીને ટ્રી પર નથી બેઠોને ? પ્લીઝ જલદી કર, તને તો ખબર છે કે મને બૅડ-ટીની હેબિટ છે. આજે મારી મોર્નિંગ તેં બગાડી. ઓ ગોડ, મારા પાપાએ તને શું જોઈને સિલેક્ટ કરી હશે ?’ લાગણીના પુત્ર દિવ્યે સવારે ઊઠતાંની સાથે જ વ્યંગ્ય-વક્રોક્તિ ચાલુ કરી દીધી.

દિવ્યની વાતને વધાવી લેતી તેની નાની બહેન દામને પણ મોમ પર વ્યંગ્યનો વરસાદ ચાલુ રાખ્યો : ‘અરે, અરે….. બ્રો (બ્રધર), ચૂપ કર. આપણી આ ‘ભારતમાતા’ને ખોટું લાગશે તો ઈન્ડિયા પાછી જતી રહેશે અને તને તો ખબર છે કે અહીં અમેરિકામાં સર્વન્ટ અને કૂક ઈઝિલી અવેલેબલ નથી. આપણા લંચ અને ડિનરનું શું થશે ? પાપા મોમને ચલાવી લે છે, તેમ તારે અને મારે પણ આપણી આ બોરિંગ મોમને ટોલરેટ કરવી જ પડશે. કારણ કે આખા વર્લ્ડમાં ચેઈન્જ આવે તોપણ આપણી મોમ તો ઈન્ડિયન જ રહેવાની. ધેર વિલ બી નો ચેઈન્જ.’ (મમ્મીમાં કશો ફેરફાર થવાનો નથી.)

મિસિસ લાગણી આવા અનેક સંવાદો સાંભળી સાંભળીને તંગ આવી ગઈ હતી. આજથી દસ વર્ષ પહેલાં પોતાના પતિ ગર્વિષ્ઠ, પુત્ર દિવ્ય અને પુત્રી દામન સાથે લાગણીએ ભારત છોડ્યું અને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો હતો. લાગણીએ પોતાના પતિ ગર્વિષ્ઠ સાથે અમેરિકામાં દાંપત્યજીવન શરૂ કર્યું, ત્યારથી એના મનમાં એક જ ઈચ્છા રમ્યા કરતી, બસ વર્ષમાં એક વાર ભારત જવા મળે. લાગણીનો પતિ એક પ્રતિષ્ઠિત કંપનીમાં ઊંચો હોદ્દો ધરાવતો હતો એટલે લાગણીને કશી વાતની ઊણપ નહોતી. સુખસાહ્યબીનાં તમામ સાધનો તેના ઘરમાં હાજર હતાં, છતાંય લાગણીને લાગ્યા કરતું હતું કે પોતે સુખી નથી !

ગર્વિષ્ઠ એને સમજાવતો : ‘લાગણી, તું અમેરિકા તો આવી, પણ અમેરિકન જીવનશૈલી અપનાવીશ નહિ તો દુઃખી થઈ જઈશ. દિવ્ય અને દામનને ભારતીય માનસમાંથી તું એમને જેટલા અંશે મુક્ત રાખીશ એટલા જ પ્રમાણમાં તેઓ અહીંની દુનિયા સાથે કદમ મિલાવી શકશે અને હા, મારી સાથેના વ્યવહારમાં પણ તારે આ જ દષ્ટિકોણ અપનાવવો પડશે. અહીં સ્ત્રીઓને પતિ ન જમે ત્યાં સુધી નહીં જમવાનું પોસાય નહીં. માંદગી વખતે અડધી રાત સુધી પતિ જાગતો રહીને તાવગ્રસ્ત પત્નીને માથે પોતાં મૂકતો રહે એવી ફુરસદ અહીં કોઈ પતિને નથી હોતી. નર્સ-ડૉક્ટર વગેરેની ઉત્તમ સેવાની વ્યવસ્થા તેઓ અચૂક કરી આપે. એટલે મારી ધર્મપત્ની તરીકે જીવતી વખતે અહીં વારંવાર ધર્મને યાદ કરતી રહીશ તો ગૂંગળામણ અનુભવવી પડશે. આપણે પતિ-પત્ની જેવા ભારેખમ શબ્દો કરતાં જીવનસાથી બનવાનું વધુ પસંદ કરીશું.’ અને ગર્વિષ્ઠે આચારસંહિતાનો આરંભ પણ કરી દીધો હતો. દિવ્ય અને દામન બંન્નેનાં નામ બદલી ડ્યૂક અને ડાયના રાખ્યાં. બન્ને બાળકોનો ઉછેર પણ અમેરિકન ઢબનો. ગર્વિષ્ઠે પૈસા અને પ્રતિષ્ઠાને પોતાના જીવનનું ધ્યેય બનાવી દીધું હતું. એટલે નાનાંમોટાં સેમિનારો અને કોન્ફરન્સોમાં ભાગ લેવા માટે વારંવાર તેણે ઘરની બહાર રહેવું પડતું હતું.

લાગણી જ્યારે જ્યારે ભારત જવાની ઈચ્છા પ્રદર્શિત કરતી, ત્યારે કોઈ ને કોઈ બહાનું કાઢીને ગર્વિષ્ઠ ભારત જવાનું માંડી વાળતો. ડ્યૂક અને ડાયના અમેરિકાના રંગે સંપૂર્ણ રંગાઈ ગયાં હતાં. એમાંય તે વીક-એન્ડ આવે એટલે એમનાં નખરાં વધી જતાં. શનિવારે ડ્યૂક મોડો ઊઠતો અને ઊઠતાંની સાથે જ ચીસો પાડતો : ‘મોમ, મારી આંખ ખૂલે કે તરત જ મારે બ્રેકફાસ્ટ જોઈએ. અરે હા, મોમ, તારા ઈન્ડિયન બટાકાપૌંઆ, બટાકાવડાં કે મેથીના ગોટા નહીં ચાલે. તને ખબર છે ને કે મારે ગરમ પિત્ઝા જોઈશે. ઓહ ગોડ ! આ સેટરડે ક્યાંથી આવ્યો ? મારી ઓર્થોડોક્સ મોમને કેવી રીતે સમજાવું ?’ ડ્યૂકની આ વાકલીલામાં તેના પપ્પા ગર્વિષ્ઠ ઉર્ફે લાગણીના પતિ તથા ડાયના પણ જોડાઈ જતાં. ‘જવા દે ને, બેટા ડ્યૂક ! શનિ-રવિ તારી મોમના દિમાગમાં સ્ટેગરિંગ હોય છે.’
‘ઓહ પાપા, સ્ટેગરિંગ માટેય બુદ્ધિ તો સ્ટોકમાં હોવી જોઈએ ને ? મોમનો ઉપલો માળ તો….’ ડાયના સિક્સર લગાવતી.

‘મહારાણીજી, હવે આપની પ્રશંસાનું પુરાણ જ સાંભળ્યા કરશો કે અમારે માટે નાસ્તો પણ બનાવશો ? હું, ડ્યૂક અને ડાયના પિકનિક પર જવાનાં છીએ. મોડું થાય છે. તને વાંધો ન હોય તો તું પણ ચાલ અમારી સાથે.’ ગર્વિષ્ઠે ફોડ પાડ્યો.
‘અરે…અરે, પાપા ! મોમને ક્યાં સાથે લેવાની વાત કરો છો ? એ તો સાડી પહેરીને આવશે. બધાની મોમ પેન્ટ, ટી-શર્ટમાં આવે છે. ના…ના, પાપા ! મારી દેશી મોમને ઘરમાં જ રહેવા દો. ઈન્ડિયાની એડવર્ટાઈઝ કરવાની જરૂર નથી.’ અને ત્રણે જણા અટ્ટહાસ્ય કરતાં. લાગણીનું પડી ગયેલું મોં જોઈને ડાયના કહેતી, ‘બ્રો, તને એમ નથી ફીલ થતું કે મોમને ઘડતાં ઘડતાં ખુદ ગોડ પણ બોર થઈ ગયા હશે ? અને ઉતાવળમાં મોમના દિમાગમાં સ્માઈલના સ્પેરપાર્ટ્સ ફિટ કરવાનું ભૂલી ગયા લાગે છે. હું તો ન્યૂઝ પેપર્સમાં એક એડવર્ટાઈઝ આપવાની છું. મારી મોમને હસાવનારને દસ હજાર ડોલરનું ઈનામ મળશે.’
‘સિસ્ટર, તું કેમ સમજતી નથી ? બિચારો ટ્રાય કરનાર જ સુસાઈડ કરી બેસે.’ ડ્યૂકને આવું કહેતો સાંભળીને ગર્વિષ્ઠ પણ પોતાના દીકરાના ડાયલોગ પર ગર્વ અનુભવતો.

ગર્વિષ્ઠ બાળકોના મનમાં એવું ઠસાવ્યા કરતો કે તેમની મોમ લાગણી સાવ ગમાર છે. ગર્વિષ્ઠને પોતાની પત્નીની ભારતીયતા ખટકતી હતી. તે ઈચ્છતો હતો કે વૈભવની છોળો વચ્ચે જીવતી પોતાની પત્ની લાગણીની કાયાપલટ થઈ જાય, પણ કોણ જાણે કેમ અમેરિકામાં આવ્યા પછી પણ લાગણી સાદગી, નમ્રતા અને સંસ્કારને ભૂલી નહોતી. ગર્વિષ્ઠ બાળકોના મનમાં એવું પણ ઠસાવ્યા કરતો કે ભારતમાં ગરીબી અને ગંદકી વચ્ચે મોટા ભાગના લોકો જીવે છે. સગવડો ઓછી અને અગવડો વધારે. ડ્યૂક અને ડાયનાને તો એક કલાક માટે પણ ત્યાં રહેવું ભારે પડી જાય; એટલે બાળકોને ભારત આવવાનું મન જ થતું નહોતું. આ બાજુ માનસિક તનાવ અને કચવાટને કારણે લાગણીની તબિયત પણ વારંવાર બગડી જતી. ગર્વિષ્ઠ પોતાના સ્ટાફના કોઈ માણસને સાથે મોકલીને સારવારનો પ્રબંધ કરાવી દેતો અને જરૂરી ખર્ચની વ્યવસ્થા કરી દેતો, પરંતુ ડ્યૂક કે ડાયના બેમાંથી કોઈને પણ પોતાની મમ્મીની તબિયત વિશે પૂછવાની પડી નહોતી. તેઓ બન્ને દઢપણે માનતા હતાં કે તેમની ઈન્ડિયા બ્રાન્ડ રોતલ મોમ બીમાર હોવાનો ઢોંગ કરે છે. જ્યારે જ્યારે લાગણી માંદી પડતી ત્યારે તેનાં બન્ને બાળકો ડ્યૂક અને ડાયના ખુશ થતાં : ‘હાશ, મમ્મી બ્રાન્ડ લંચ અને ડિનરમાંથી છુટકારો મળ્યો. બહાર રેસ્ટોરાંમાં સારું જમવાનું મળશે.’

લાગણી માટે આ બધું નવું નહોતું. જ્યારથી ડ્યૂક અને ડાયના સમજણાં થયાં ત્યારથી પૈસાની વધારે પડતી છૂટ આપી ગર્વિષ્ઠે બન્ને બાળકોને બેજવાબદાર અને અહંવાદી બનાવ્યાં હતાં. પરિણામે બન્ને ભાઈબહેન આત્મકેન્દ્રી બની ગયાં હતાં. લાગણીનો સંતાનો સાથેનો વાત્સલ્યસેતુ રચાયો જ નહોતો. બબ્બે બાળકોની માતા હોવા છતાં તેને લાગતું કે પોતે નિઃસંતાન છે. પતિ હોવા છતાં પતિની નજરમાં પોતાનું ઈજ્જતભર્યું સ્થાન ન હોવાને કારણે તેને લાગતું કે ઘરમાં પોતે પેટ ખાતર પડી રહેનારી એક નોકરાણી છે. ડ્યૂક અને ડાયનાને પોતાની નજીક લાવવાની તેણે કોશિશ કરી, પણ તેના તમામ પ્રયત્નો પપ્પા દ્વારા વાપરવા મળતા રૂપિયા અને મોજશોખનાં સાધનોની લહાણ આગળ નાકામયાબ નીવડતાં. ડ્યૂક અને ડાયના બન્ને બાળકો હવે મમ્મીને અપમાનપાત્ર પ્રાણી ગણતાં થઈ ગયાં હતાં અને લાગણીના પતિના દરબારમાં તો રુદન પણ એક અપરાધ બની ગયો હતો. લાગણી સ્નેહ, સદભાવ અને આદર માટે તડપતી હતી, પણ સઘળું એનાથી દૂર રહેતું હતું.

અને સોળ વર્ષની ઉંમરે જ ડ્યૂક તેની મમ્મીથી અલગ થઈ ગયો હતો, પોતાની રીતે જીવવા માટે. ડાયના પણ વોર્નિંગ આપ્યા કરતી : ‘મમ્મી, તું આમ ઈન્ડિયન ઓર્થોડોક્સ જ રહીશ તો હું હોસ્ટેલમાં રહેવા ચાલી જઈશ. ખરું પૂછો તો અહીં તારી જરૂર પણ શી છે ? બ્રો હવે જુદો થઈ ગયો અને હું પણ હવે નાની નથી. પપ્પા તો મોટે ભાગે બહાર જ ફરતા રહે છે, પછી તારે કઈ જાતની ચિંતા ? તું અમેરિકન બની શકવાની નથી અને અમે ઈન્ડિયન બની શકવાનાં નથી. તું એમ કર, પપ્પાને સરપ્રાઈઝ આપ. વગર કહે અહીંથી ઈન્ડિયા ચાલી જા. તારે માટે જવાની વ્યવસ્થા હું ગોઠવી દઈશ. તું ઈન્ડિયા જઈશ એટલે તારી બધી બીમારીઓ દૂર થઈ જશે.’
‘પણ આ ઉંમરે તારા પપ્પાને….’ લાગણીએ ખચકાતાં ખચકાતાં કહ્યું.
‘જો, પાછી સેન્ટિમેન્ટલ થવા માંડી ને ! ઈન્ડિયન વુમનની આ જ કમજોરી છે. પતિભક્તિ સિવાય એ કશું જ વિચારી શકતી નથી.’ લાગણી એમ માનીને ચાલતી હતી કે ગર્વિષ્ઠને તેના વગર ન જ ફાવે. પોતે જે રીતે ગર્વિષ્ઠનો પડ્યો બોલ ઝીલતી હતી, એ રીતે અમેરિકા રહેતી કોઈ પણ ભારતીય સ્ત્રી ભાગ્યે જ ઝીલતી હશે. લાગણી અધિકારમાં માનતી જ નહોતી. કારણ કે બીજાને સુખ મળે તે રીતે જીવનક્રમ ગોઠવવામાં તેને આનંદ આવતો હતો. પરંતુ ગર્વિષ્ઠે જ્યારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે લાગણીને ભારત જવું હોય તો ભલે જાય, ત્યારે લાગણીને ભારે આઘાત લાગ્યો હતો. અને લાગણીએ નક્કી કર્યું કે આવતા અઠવાડિયે પોતે એકલી ભારત જશે. એણે ટેલિફોન કરી પોતાના ઈરાદાથી ડ્યૂકને વાકેફ કર્યો. એણે પણ મોમની હિંમતની પ્રશંસા કરી અને ખુશીથી ઈન્ડિયા જવાની પરવાનગી આપી. ગર્વિષ્ઠ પણ લાગણીની ભારત જવાની બાબતમાં સાવ ઉદાસીન બની ગયો હતો. ટિકિટ વગેરેની વ્યવસ્થા કરવાનું ડાયનાએ સ્વીકારી લીધું હતું અને લાગણીના જવાના બે દિવસ અગાઉ જ ગર્વિષ્ઠ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે યુરોપ જવા રવાના થઈ ગયો હતો. લાગણી સાથે સાવ ઔપચારિક વાતો કરીને એ છૂટો પડ્યો, ત્યારે લાગણી બાળકની જેમ રડી પડી હતી, પરંતુ ગર્વિષ્ઠે કહ્યું હતું : ‘લાગણી, મને આવા લાગણીવેડા નથી ગમતા. તારા રડવાથી કાંઈ હું યુરોપનો પ્રવાસ કેન્સલ નહીં કરું.’

અને લાગણીએ મનોમન નિશ્ચય કર્યો હતો કે હવેથી પોતે પતિ કે બાળકોની લેશમાત્ર ચિંતા નહીં કરે. બીજે દિવસે નિર્ધારિત ફલાઈટ મુજબ લાગણી એરપોર્ટ પર પહોંચી ગઈ હતી, ડાયનાને પણ કહ્યા વગર. ડાયના સવારે ઊંઘમાંથી ઊઠી ત્યારે બૅડ-ટી પીવા માટે મોમ મોમના નામની બૂમો પાડીને થાકી અને અંતે કિચનમાં ગઈ. તેને ગૅસ પાસે પડેલી એક ચિઠ્ઠી મળી. શ્રીમતી લાગણીએ લખ્યું હતું : ‘મારો અપરાધ એટલો જ કે મારો અપરાધ કશો જ નથી. આજની દુનિયામાં જીવવા માટે, મોટા અને આધુનિક ગણાવા માટે ખાસ દુર્ગુણો વિકસાવવાની જરૂર છે એ સમજવા છતાં હું એવું કરવા મનને મનાવી ન શકી. બાળકોને મોર્ડન મમ્મી મળે અને તેમના પિતાને…. માટે એમનો માર્ગ મોકળો કરી આપું છું.’

અને આરંભાઈ લાગણીની સ્વદેશયાત્રા. આકાશનો ચંદ્ર જાણે અમી વરસાવતો કહી રહ્યો હતો : ‘બેસ્ટ લક, લાગણી ! નિર્જન વનવગડે અલી વાદળી, જળ ઢોળવાં શાં ?’

[કુલ પાન : 200. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a Reply to Neha.......Harsh Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

41 thoughts on “વતનનો સાદ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.