મીઠી ઊંઘ – કાકા કાલેલકર

સવારની ગુલાબી ઊંઘના ઘૂંટડા પીતો હું પથારીમાં પડ્યો હતો. ઘરમાં બાકીનાં બધાં તો ક્યારનાંયે ઊઠીને પ્રાતઃવિધિથી પરવાર્યા હતાં. કોણ જાણે ક્યારે આઈ અને મોટાભાઈ મારી પથારી ઉપર આવીને બેઠાં હતાં. અરધી ઊંઘમાં કેટલા વાગ્યા છે, હું ક્યાં સૂતો છું, મારું માથું અને પગ કઈ દિશામાં છે, એનું મને જરાયે ભાન ન હતું. બસ, એક ઊંઘનો આનંદ અને ઓઢેલી રજાઈની હૂંફ, એટલું જ મારી આસપાસ હતું. એટલામાં આઈ અને બાબાની (મોટાભાઈની) વાતચીત કાને પડી :
‘કાય રે બાબા, તુલા કાય વાટતેં ? હા દત્તૂ કાંહી શિકતોય કા ?’

પ્રશ્ન સાંભળતાંવેંત મારા કાન જાગ્રત થયા. પોતાને વિશે વાત ચાલતી હોય ત્યાં ધ્યાન તો જાય જ. એ જ ક્ષણે મેં વિચાર કર્યો કે, જો હલનચલન કરીશ તો આ સંભાષણ તૂટી જશે; હું સૂતો છું એમ ધારીને જ આ વાતચીત ચાલે છે. હું સાવ નિશ્ચષ્ટ જ પડ્યો રહ્યો. બલકે કંઈક પ્રયત્નથી શ્વાસમાં પણ ફેરફાર ન થાય તેની સાવચેતી રાખી. બાબાએ જવાબ આપ્યો : ‘હા, એના કૌવત પ્રમાણે ભણે છે ખરો.’ આઈને એટલેથી સંતોષ ન થયો. આઈએ કહ્યું : ‘એના હાથમાં હું ચોપડી તો જોતી જ નથી. આખો દિવસ રખડ્યા કરે છે. એક દિવસ પણ વખતસર ઊઠી નિશાળે ગયેલો યાદ નથી. એ નિશાળે પહોંચે ત્યાં આઠ તો વાગેલા જ હોય; અને રાતે પલાખાં બોલતાં બોલતાં જ વચમાં સૂઈ જાય છે. એનું શું થશે ? એની જીભે વિદ્યા ચોંટશે કે નહીં ?’

મારા ભણતરનું આવું વર્ણન તો હું દિવસરાત સાંભળતો જ હતો. જે કોઈ મને વઢે તે આટલા દોષોની નામાવલિ તો ઉચ્ચારવાનું જ. ભણવાની બાબતમાં મને વઢે નહીં એકલો ગોંદુ, કેમ કે એ બાબતમાં એ મારાથી સવાયો હતો. એટલે આઈના એ સવાલથી મને નવુંયે ન લાગ્યું અને માઠુંયે ન લાગ્યું. આપણે છીએ જ એવા ! કૃષ્ણને કોઈ કાળા કહે તો એ શા માટે ચિડાય ? મને જરાયે ઓછું ન આવ્યું. મારું બધું ધ્યાન બાબા શું કહે છે એ તરફ જ હતું.

બાબાએ કહ્યું : ‘આઈ, તું નકામી ચિંતા કરે છે. દત્તુને બુદ્ધિ સારી છે. એ કંઈ ‘મઠ્ઠ’ નથી. જ્યારે ભણે છે ત્યારે ધ્યાન દઈને ભણે છે. શરીરે નબળો છે, એટલે બીજા છોકરાઓની પેઠે લાગલાગટ લાંબા વખત સુધી નથી ભણી શકતો. પણ એનું કંઈ નહીં. જ્યારે હું એને કંઈ સમજાવું છું ત્યારે ઝટ સમજી લે છે. તારે એની ચિંતા કરવી જ નહીં.’ આઈએ કહ્યું : ‘તું ખાતરી આપે પછી મારે શાની ચિંતા હોય ? હું એમાં શું સમજું ? એ ઠોઠ ન રહે એટલું જ હું ઈચ્છું. અમે નહીં હોઈએ ત્યારે તમે બધા મોટા થયા હશો. મારો દત્તુ સૌથી નાનો. ભણેલો ન હોય તો એ મૂંઝાય. એ મોટો થઈને રળતો થાય ત્યાં સુધી જીવવાની ઈચ્છા છે ખરી. દત્તુને ઠેકાણે પડેલો જોઈશ ત્યારે સુખેથી હું આંખો મીંચી દઈશ.’

આ સંવાદ સાંભળતી વખતે મારા બાળહૃદયમાં શું ચાલતું હશે, એની કલ્પના નહોતી આઈને કે નહોતી મોટાભાઈને. મારામાં શ્રદ્ધા રાખીને મારે વિશે થયેલી વાતચીત મારે માટે તો આ પહેલવહેલી જ હતી. ડૂબતા માણસને કોઈ જીવતદાન આપે પછી એને જે હર્ષ થાય તેવો હર્ષ મોટાભાઈનાં વચનો સાંભળી મને થયો. મારા રખડુવેડાથી આઈને આટલી ચિંતા થાય છે એ પણ મેં પહેલવહેલું જાણ્યું. પણ એની મારા પર તે વખતે ઝાઝી અસર ન થઈ, અને જે થઈ તે પણ લાંબા વખત સુધી ન ટકી. પણ મોટાભાઈના વચનની અસર તો કાયમની થઈ.

બાબાનું કેળવણીનું ધોરણ બહુ જ આકરું હતું. અમારા દેખતાં અમારાં વખાણ તો થાય જ નહીં. બાબા એટલે અમારી બહિશ્ચર કર્તવ્યબુદ્ધિ. ડગલે ને પગલે અમને ટોકે, ડગલે ને પગલે વઢે; અને વઢે તેય જીભ કરતાં સોટી વડે જ વધારે. મારની બીકથી હું દોડતો હોઉં ને બાબા હાથમાં સોટી લઈ મારી પાછળ દોડતા હોય તેવી શરતનાં ત્રણચાર દશ્યો હજીયે મારી દષ્ટિ આગળ તાજાં છે. અમારા બે વચ્ચેનું અંતર વધે છે કે ઘટે છે એ જોવા ઘણી વાર હું પાછળ નજર ફેંકતો. એ વખતે કોઈક રસિક કાવ્યજ્ઞ ઊભો હોત તો જરૂર એને કાલિદાસનો ‘ग्रीवाभंगाभिरामं’ વાળો શ્લોક યાદ આવત.

એ દોડમાં કોક વાર અમારા બે વચ્ચેનું અંતર ઘટી જતું, જ્યારે કોક વાર હું છટકવા પામતો. પણ જીવનની દોડમાં અમારા બે વચ્ચેનું અંતર દહાડે દહાડે ઘટતું જ ગયું. તે એટલે સુધી કે, ઘણી વાર હું બાબાનો સલાહકાર બનતો. અમારી વચ્ચેનું ઉંમરનું અંતર જોઈ અજાણ્યા લોકો અમને પિતાપુત્ર સમજતા અને સાચે જ બાબાનો પ્રેમ પિતા જેવો હતો. પણ જેમ જેમ ઉંમરમાં ને વિચારમાં હું વધતો ગયો, તેમ તેમ બાબાના કોમળ હૈયાના ઊભરાઓ ઠાલવી દેવાનું હું એકમાત્ર સ્થાન બની ગયો. પછી તો અમારા સંબંધની મીઠાશ ભાઈ ભાઈ ઉપરાંત મિત્રોની થઈ હતી. પણ એનું બીજ તો પેલી મીઠી ઊંઘ વખતનાં વચનોમાં જ હતું. તે દિવસે મને થયું કે श्रुतं श्रोतव्यम्.

Leave a Reply to Hiral Vyas "Vasantiful" Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “મીઠી ઊંઘ – કાકા કાલેલકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.