વિચાર-સંચય – જે. કૃષ્ણમૂર્તિ

[ શ્રી બબાભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘જીવન-ઉપનિષદ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] તમે સતત બદલાઓ છો, માટે તમારી જાતને સતત જોયા કરો. શાંત મન જાતને બરાબર જોઈ શકે છે.

[2] તમારી અંદર સમસ્ત વિશ્વ રહેલું છે. જો તમને ‘જોતાં’ અને ‘શીખતાં’ આવડે તો દ્વાર ત્યાં જ છે અને ચાવી તમારા હાથમાં છે. તમારી પોતાની જાત સિવાય આ પૃથ્વી ઉપર બીજું એવું કોઈ નથી કે જે તમને એ ચાવી આપી શકે કે દ્વાર ખોલી આપી શકે….

[3] આપણે બ્રાહ્ય રીતે ખૂબ નમ્ર, સંસ્કારી છીએ, પણ જેનાથી મોટા ભાગના લોકો અજ્ઞાન છે, તેવા મનના ઊંડાણમાં વિશાળ અને જટિલ સંઘર્ષ, દુઃખ અને ભયનો મોટો વારસો પડેલો છે…. આપણે મનુષ્યો લાખ્ખો વર્ષોથી જેવા છીએ તેવા જ છીએ – લોભી, ઈર્ષાળુ, આક્રમક, ચિંતાતુર અને હતાશ, પણ સાથે સાથે આપણા જીવનમાં અવારનવાર આનંદ અને પ્રેમના ચમકારા પણ આવી જાય છે…. આપણે ધિક્કાર, ભય અને નમ્રતાનંે વિચિત્ર મિશ્રણ છીએ. આપણે હિંસા અને શાંતિ, બંને છીએ, બળદગાડાથી જેટ વિમાન સુધીની આપણે બાહ્ય પ્રગતિ સાધી છે, પણ મનોભૂમિકાએ મનુષ્ય જરાયે બદલાતો નથી. આપણી અંદર જ માનવજાતિનો આખો ઈતિહાસ લખાયેલો પડ્યો છે.

[4] તમે જીવન કરતાં મૃત્યુનો વિચાર વધુ કરો છો. જીવન દરમ્યાન શું થાય છે તેના કરતાં મરણ પછી શું થશે એમાં તમને વધારે રસ છે. જીવનમાં જેને ખરેખર રસ છે તેઓ માટે મૃત્યુ પ્રશ્નરૂપ નથી હોતું.

[5] પેલા પુષ્પ સામે તમે કેમ જોતા નથી ? આપણામાંથી મોટા ભાગના લોકોને કુદરતનું કોઈ જ મહત્વ નથી… આપણે આપણી ચિંતાઓ, આપણી આશાઓ, ઈચ્છાઓ અને અનુભવોમાં એટલા બધા કેન્દ્રિત થયેલા છીએ જેથી આપણે આપણી વિચારણાના પાંજરામાં પુરાઈ ગયા છીએ અને તેથી તેની બહાર કંઈ જ જોઈ શકતા નથી. તેવું ન કરશો. બધું જ જુઓ અને બધું જોવાથી તમે તમારું પાંજરું જોઈ શકશો.

[6] જોવા માટે આંખ જોઈએ. સાંભળવા માટે કાન જોઈએ અહંકારે જો તે બંધ કર્યા હોય તો, એંસી વર્ષ સતસંગમાં પડ્યા રહો તોપણ કંઈ થશે નહિ. શીખવાની વિનમ્રતા જોઈએ અને શીખ્યા હોય તો જીવવાની વીરતા જોઈએ.

[7] ધ્યાન અંગેનાં પુસ્તકો વાંચીને મૂર્ખ બનશો નહિ, તમે તમારું જીવન-પુસ્તક વાંચો…. ધ્યાન એ ‘હું’રૂપી કેન્દ્રની સમજ છે અને તેથી કેન્દ્રની પેલે પાર જવાની ક્રિયા છે. ધ્યાન એટલે ‘હું’નો વિલય.

[8] યંત્રની માફક એક ને એક કાર્ય ન કરતાં તમારી માન્યતાઓ અને તમારા અનુભવો પ્રત્યે નવી રીતે જોવું જોઈએ. જો આમ કરશો તો તમારા મનમાં તાજી હવા પ્રવેશશે. એનો અર્થ એ થયો કે તમે અસલામત બનવા જોઈએ. તો જ તમે સત્યને, પ્રભુને પામી શકો.

[9] પોતાની જાતને સમજ્યા વિના ઈશ્વરને શોધી શકાય જ નહિ. તમારો ઈશ્વર પણ તમારી કલ્પનાઓનો બનેલો છે અને એથી તમે ઈશ્વરના નામે જ લડો છો અને પાયમાલ થાઓ છો. ‘ઈશ્વર’ શબ્દ ઈશ્વર નથી, મૂર્તિ ઈશ્વર નથી, તમે ઈશ્વરને ભજો છો, પણ તમારું જીવન ઈશ્વરી નથી. કાળની મર્યાદામાં જે છે તે સ્મૃતિ છે, જ્યારે ઈશ્વર કાળથી પર છે. માટે મન કાળની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ ઈશ્વરનો આવિર્ભાવ થાય.

[10] જો તમારા હૃદયમાં પ્રેમ હશે તો તમે જેમની પાસે કંઈ નથી તેમના તરફ પણ માન દર્શાવશો અને જેમની પાસે બધું જ છે તેમનાથી તમે ડરશો નહિ કે જેમની પાસે નથી તેમની અવગણના કરશો નહિ. બદલાની આશામાં આપેલું માન એ બીકનું પરિણામ છે. પ્રેમમાં ડર હોતો નથી.

[11] લોકો તમારા માટે શું ધારે છે અથવા તેઓ તમને કેવી રીતે જુએ છે એના ઉપર આધાર રાખ્યા વિના શું તમારું આચરણ અંદરથી જ પ્રગટી શકે ? તે અઘરું છે, કારણ કે પોતે અંદરથી કેવો છે તે મનુષ્ય જાણતો નથી. વળી અંદર તો સતત પરિવર્તન ચાલ્યા કરે છે.

[12] જ્યાં સ્નેહ, માયાળુતા અને અન્યનો વિચાર હોય છે ત્યાં નમ્રતા, સભ્યતા અને અન્યની દરકાર હોય છે. એનો અર્થ એ છે કે તે માણસ ખરેખર પોતાનો વિચાર ઓછો ને ઓછો કરે છે. આ એક અત્યંત અઘરું કામ છે. જ્યારે મનુષ્ય પોતાની ચિંતા નથી કરતો ત્યારે ખરેખર તે મુક્ત માનવી છે. પછી તે તાજા મનથી, સ્નેહની ઉત્કૃષ્ટ ભાવના સાથે આકાશને, પર્વતોને, ટેકરીઓને, જળાશયોને, પક્ષીઓને અને પુષ્પોને નિહાળી શકે છે.

[13] તમે ધર્મનો શો અર્થ કરો છો ? માન્યતાઓ, વિધિઓ, દુરાગ્રહો, ઘણાબધા વહેમો, પૂજા, શબ્દોનું પુનરાવર્તન, અસ્પષ્ટ, નિરાશામય ઈચ્છાઓ, કોઈ પુસ્તકોનું વાચન, ગુરુનું શરણ, પ્રસંગોપાત્ત મંદિરગમન વગેરેને મોટા ભાગના લોકો ધર્મ કહે છે. આ શું ધર્મ છે ? ધર્મ શું કોઈ રિવાજ, ટેવ, પ્રણાલિકા છે ? ધર્મ અવશ્ય એ બધાથી વિશેષ છે. ધર્મ એટલે સત્યની શોધ. તેને સંગઠિત શ્રદ્ધા, મંદિરો, દુરાગ્રહો કે વિધિઓ સાથે કોઈ જ સંબંધ નથી. આમ છતાં આપણી વિચારણા, આપણા વ્યક્તિત્વના તાણાવાણા, શ્રદ્ધાઓ, વહેમો વગેરેથી જકડાયેલાં છે. આથી દેખીતી રીતે જ આધુનિક માનવી ધાર્મિક નથી તેથી તેનો સમાજ પવિત્ર નથી, સમતોલ નથી.

[14] ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદગુણોને વિકસિત કરી પ્રગટ કરવાની પ્રક્રિયા…. ગુણોને પણ સીમા હોય છે. તેમને જીવનમાં યથાયોગ્ય વિકસાવવા તે ધર્મસાધના છે. જેમાં વધુ ને વધુ ધર્મો વિકસ્યા હોય તેને ધાર્મિક પુરુષ કહેવાય…. જે ગ્રંથો આવા ગુણવિકાસને પ્રોત્સાહિત કરતા હોય તે શાસ્ત્ર કહેવાય. જે આવા ગુણવિકાસ માટે પ્રજામાં પ્રયત્ન કરતા હોય તે ધર્મપ્રચારક કહેવાય. આવા પ્રચારકોને એટલે જ સંત કહેવાય, તેમનાથી પ્રજા સદગુણી બનતી હોય છે.

[15] નાણું, મોભો, કીર્તિ, સત્તા વગેરે સમાજનાં જૂનાં મૂલ્યો છે, જેનો સ્વીકાર બાળકો પાસે શિક્ષણ કરાવીને તેનું સાતત્ય રાખે છે. સમાજના કહેવાતા ગાંડપણભર્યા માળખામાં ઈચ્છએ અને અનિચ્છાએ બંધબેસતા થવા માટેનું શિક્ષણ તેઓને અપાય છે. આથી શિક્ષણ લેનાર અને સમાજ દુઃખમય ભૂતકાળને ચાલુ રાખે છે. માબાપો બાળકો સાથે રમકડાંના જેવો વ્યવહાર રાખે છે અને પોતાના સંતોષ તથા આનંદ ખાતર તેમનો ઉપયોગ કરે છે. ખરી કેળવણીનો મતલબ એ છે કે માનવમન માત્ર ગણિત, ભૂગોળ અને ઈતિહાસમાં નિપુણતા મેળવી લે, એટલું જ નહિ પણ તે ક્યારેય પણ, કોઈ પણ પરિસ્થિતિમાં આ સમાજની ધારામાં ખેંચાઈ ન જાય તે છે. કારણ કે આ ધારા જેને આપણે ‘જીવન’ કહીએ છીએ તે ખૂબ જ ભષ્ટ, અનૈતિક, હિંસક અને લોભી છે.

[16] તમે તમારી એષણાઓને, તમારાં દુઃખોને, પ્રશ્નોને, ઈર્ષાને ખીલવા દો. જેમ કળી મોટી થાય છે, ખીલે છે, પૂર્ણ કળાએ વિકસે છે, કરમાય છે અને પછી ખરી પડે છે. તેમ તેમ તમારા પ્રશ્નોને પણ પૂર્ણ રીતે ખીલવા દો. ખુલ્લા થવા દો. તેને દબાવો નહિ તેમ જ તેનાથી ભાગો નહિ, પણ હિંમતપૂર્વક તેની સામે ઊભા રહો, અને તેને બરાબર નિહાળો. ભયને, ઈર્ષાને, એ બધાને આવવા દો. તેમને સ્વાતંત્ર્ય આપો, તો તે પોતાના બધા રંગો દેખાડશે, તેની પાછળ શું છે તે દર્શાવશે, અને તે ખીલશે અને તે પછી મૃત્યુ પણ પામશે. તેના ખીલવાથી તેની જટિલતા, તેનાં મૂળિયાં દેખાશે. માટે તેને દબાવો નહિ. દબાવશો તો તેનું રહસ્ય સંતાયેલું જ રહેશે. આમ જાગૃતિ દરેક ઘટના, વ્યક્તિ, વર્તન, વિચાર વસ્તુનું રહસ્ય પૂર્ણ રીતે છતું કરે છે.

[17] સાચો પ્રશ્ન પૂછવો એ જવાબ મેળવવા કરતાં ઘણી વધારે મહત્વની બાબત છે. જવાબ સમસ્યાની ક્યાંય બહાર નહીં પણ સમસ્યામાં જ હોય છે.

[18] મન જ્યારે પોતાને અને પોતાનાં કાર્યોને, પોતાની રીતોને, હેતુઓને, પોતાની શોધને, પોતાની બાહ્ય માગણીઓને જ નહિ પણ અંદરના ઊંડા વેગોને અને આશયોને સમજે ત્યારે જ મનની ક્રિયાનો અંત આવે, મન શાંત થાય. સૌંદર્ય એટલે સંવેદનશીલતા. શરીરની સંવેદનશીલતા એટલે યોગ્ય ખોરાક, યોગ્ય રીતનું જીવન. ત્યારે મન અનિવાર્ય રીતે તથા કુદરતી રીતે, અજાણતાં શાંત બને છે. તમે મનને શાંત ન કરી શકો. કેમ કે તમે તોફાની છો, તમે પોતે જ વ્યથિત, આતુર અટવાયેલા છો, તેથી તમે મનને કઈ રીતે શાંત કરી શકો ? માણસ જંગલમાં ભૂલો પડ્યો હોય ત્યારે તે પહેલાં શું કરે છે ? તે ઊભો રહે છે અને આસપાસ જુએ છે. તેવી જ રીતે તમે આંતરિક રીતે પૂરેપૂરા થંભી જશો, તો તમારું મન અત્યંત શાંત અને સ્પષ્ટ બની જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

16 thoughts on “વિચાર-સંચય – જે. કૃષ્ણમૂર્તિ”

Copy Protected by Chetan's WP-Copyprotect.