ફૂલપાંખડી – સંકલિત

[1] સાચી સિદ્ધિ – સ્વામી આનંદ

વાગોળ્યા કે પચાવ્યા વગરનું નકરું બૌદ્ધિક વાચન પોથીમાંનાં રીંગણાં જેવું જ છે; [પણ] ચિંતન, મનન, અવલોકન, અનુભવ માણસને સંસ્કારી અને મુલાયમ બનાવે છે. લક્કડની લાતીના એક વેપારી ડોસાને મેં જોયેલા, જેમણે જિંદગીમાં ‘તુલસી રામાયણ’ અને ‘અખાની વાણી’ સિવાય ત્રીજું પુસ્તક જાણ્યું નહોતું. પણ એક ગાંધીજી સિવાય બીજો માણસ મેં જિંદગીમાં નથી જોયો, જે એની તોલે આવી શકે.

પ્રભુમાં ચિત્ત ચોંટ્યું રાખીને જીવવું અને જીવમાત્રમાં પ્રભુને ભાળીને તેને સેવવા, એ જ સાચી સિદ્ધિ છે. બીજી બધી આળપંપાળ છે. ઝીણામાં ઝીણાં કામો કે વહેવાર એકસરખી ચીવટથી સાંગોપાંગ કરવાની ટેવ પાડવી, એ જ જીવનની સિદ્ધિ છે. સ્વાધ્યાય ઈત્યાદિને વહેવાર જોડે અદાવત નથી. જેનો જીવનક્રમ અધળપધળ છે, તેનાં સ્વાધ્યાય વગેરે માનસિક જુગારથી વધુ નથી.

[2] શિક્ષણનું રહસ્ય – વિનોબા ભાવે

સાચું પૂછો તો વિદ્યાર્થીમાં ‘હું શિક્ષણ લઈ રહ્યો છું.’ એવી સભાનતા આવી કે બસ શિક્ષણની બધી રોનક ત્યાં મટી જવાની. નાનાં બાળકો માટે રમત એ સુંદર વ્યાયામ ગણાય છે. એની પાછળનું રહસ્ય પણ આ જ છે. રમતગમતમાં વ્યાયામ તો થઈ જાય છે, પણ ‘હું વ્યાયામ કરી રહ્યો છું’ એવો જાગૃત અનુભવ નથી થતો. રમતી વેળાએ એને મન તો આસપાસની દુનિયા જાણે મૃત્યુ પામી છે. બાળકો તે વેળાએ તદરૂપ બનીને અદ્વૈતનો અનુભવ કરતાં હોય છે. દેહનું કશું સાન-ભાન નથી રહેતું. ભૂખ, તરસ, થાક, પીડા, કશાનો ખ્યાલ નથી રહેતો. સારાંશ, રમત એને મન આનંદ અથવા મનોરંજન બની જાય છે. રમત વ્યાયામરૂપી કર્તવ્ય નથી બની જતું.

સકળ શિક્ષણને આ જ વાત લાગુ પાડવી જોઈએ. ‘શિક્ષણ એ કર્તવ્ય છે’ એવી કૃત્રિમ ભાવનાને બદલે ‘શિક્ષણનો અર્થ આનંદ છે’ એવી પ્રાકૃતિક અને ઉત્સાહપ્રદ ભાવના પેદા થવી જોઈએ. પણ શું આપણા બાળકોમાં આજે આવી ભાવના ભાળવા મળે છે ખરી ? શિક્ષણ આનંદ છે તે વાત તો આઘી રહી. ‘શિક્ષણ કર્તવ્ય છે’ એ ભાવના પણ આજે જવલ્લે જ જોવા મળે છે. આજના વિદ્યાર્થીવર્ગમાં તો માત્ર એવી ગુલામીભાવના પ્રચલિત છે કે શિક્ષણ એટલે ‘સજા’. બાળકો જ્યાં પણ ખુમારી કે સ્વતંત્રપ્રવૃત્તિની ઝલક દેખાડવા લાગે છે કે ઘરવાળા તરત બરાડી ઊઠે છે : ‘આને હવે નિશાળમાં પૂરી રાખવો જોઈએ.’ પાઠશાળા એટલે શું ? ‘પૂરી રાખવાની કેદ !’ એટલે કે એક પવિત્ર કાર્યમાં હિસ્સો લેનારા શિક્ષક બની ગયા સદર જેલના નાના-મોટા જેલર !

[3] માલિશ કરવા મળે ને ! – નારાયણભાઈ દેસાઈ

એક વખત ગાંધીજી સાબરમતી આશ્રમમાં રેંટિયો કાંતવામાં મશગૂલ હતા. એવામાં કોઈકે આવીને સાવ હળવેથી એમને કહ્યું : ‘બાપુ ! બ્હાર કોઈ સાવ ગરીબ માણસ તમને મળવા માગે છે.’
‘ગરીબ છે ? તો, તો હું જરૂર મળીશ.’ બાપુએ પ્રત્યુત્તર વાળ્યો અને બાપુ એને મળવા બહાર ગયા.
‘ઓ…હો….હો…. પરચૂર દેવ શાસ્ત્રી, તમે !? પણ આમ કેમ ?’ ગાંધીજી એમને જોઈ બોલી ઊઠ્યા.
‘મને રક્તપિત્ત થયો છે, એટલે દિકરાએ કાઢી મૂક્યો. હવે બહુ ઓછા દિવસો બચ્યાં છે મારી પાસે, એટલે બે ઈચ્છાઓ પૂરી કરવા આવ્યો છું. એક તો, તમારા આશ્રમમાં રહેવાની અને બીજી તમારા જ આશ્રમમાં મરવાની !’ બાપુએ વળતો જવાબ વાળ્યો, ‘પહેલી ઈચ્છા પૂર્ણ થશે, બીજી નહિ થાય. તમને હું મરવા નહિ દઈશ.’

એ પછી સાબરમતી આશ્રમમાં એક વાંસની ઝૂંપડી બાંધી એમને માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી અને જે રોગ માણસને અછૂત બનાવતો હતો એ જ રોગના રોગીને ગાંધીજી સતત 45 મિનિટ રોજ માલિશ કરી આપતા. વખત જતાં, એમની હાલત સુધરવા માંડી અને એ સિમલા ગયા. થોડા મહિના પછી, ગાંધીજીને પણ વાઈસરોય સાથે મુલાકાત અર્થે સિમલા જવાનું બન્યું. એમણે તરત જ ‘હા’ પાડી. કારણ, વાઈસરોયની મુલાકાત તો ઠીક, પણ ત્રણ દિવસ સતત એમને પરચૂરદેવ શાસ્ત્રીને માલિશ કરવા મળે ને, એટલે !

[4] આવો આતિથ્યભાવ બીજે જોવા ન મળે – રતુભાઈ અદાણી

વર્ષો પહેલાંની વાત છે.
એક વખત રવિશંકર દાદાને અમદાવાદ આવવાનું બન્યું. સદાય પગપાળા પ્રવાસ કરતા રવિશંકર મહારાજ રેલગાડીમાં બેસીને અમદાવાદ પહોંચ્યા. સ્ટેશન આવ્યું એટલે હાથમાં થેલી લઈને દાદા સ્ટેશન બહાર આવ્યા. એ વખતે હજી રિક્ષા કોઈએ જોઈ ન હતી. ઘોડાગાડીઓની બોલબાલા હતી. રેલગાડી આવવાનો સમય થતાં સંખ્યાબંધ ઘોડાગાડીઓ સ્ટેશનની બહાર આવીને ઊભી રહી ગઈ. મુસાફરો જેવા સ્ટેશનની બહાર નીકળ્યા કે તુરત જ ઘોડાગાડીવાળાઓ સામે ધસી ગયા.

‘ક્યાં જવું છે ? કેટલા જણ છે ? ચાલો, બેસી જાઓ આપણી ગાડીમાં. ભાડું સમજીને ઠીક લાગે એ આપજો. આપણી ઘોડાગાડી એટલે વિમાન જોઈ લો….’ ઘોડાગાડીવાળાઓએ ઉતારુઓનાં બાવડાં પકડી, ખેંચાખેંચ કરી, કોલાહલ મચાવી દીધો. રવિશંકર દાદાએ થેલી લઈને ચાલવા માંડ્યું. પણ એવામાં એક ઘોડાગાડીવાળો એમની પાસે પહોંચી ગયો.
‘એકલા જ છો ? ક્યાં જાવું છે ? ચાલો આપણી ગાડીમાં બેસી જાઓ.’ ઘોડાગાડીવાળાએ દાદાની થેલી લઈ લેવા પ્રયત્ન કર્યો.
‘મારે ઘોડાગાડીમાં બેસવું નથી. હીંડતો હાલ્યો જઈશ.’ દાદાએ થેલી મજબૂત રીતે પકડી રાખીને જવાબ આપ્યો.
‘ચાલો આપણી ગાડીમાં બેસો…..’ એવું કહીને બીજા ઘોડાગાડીવાળાએ આવીને દાદાનું બાવડું પકડ્યું.
‘મને ઘોડાગાડીમાં બેસવાની ટેવ નથી. અને દૂર જાવું પણ નથી. હીંડતો હમણાં પહોંચી જઈશ.’ દાદાએ બાવડું છોડાવીને કહ્યું. એવામાં બીજા બે-ત્રણ ઘોડાગાડીવાળા આવી પહોંચ્યા. સૌ પોતપોતાની રીતે દાદાને ખેંચવા મંડ્યા. એકે એક બાવડું પકડ્યું, બીજો થેલી લઈ લેવા મહેનત કરે. દાદા તો બે ગોઠણ વચ્ચે થેલી દબાવી, અદબ વાળીને ‘મને છોડો, મારે ઘોડાગાડીમાં બેસવું નથી….’ એમ કહેતા ઊભા રહી ગયા. પણ ઘોડાગાડીવાળા એમને છોડે નહીં. ખેંચાખેંચીમાં દાદાની બંડી ફાટી ગઈ. ‘મેં કહ્યું કે મને ઘોડાગાડીમાં બેસવાની ટેવ નથી, મારે નવી ટેવ પાડવી નથી. હું હીંડીને હાલ્યો જઈશ. મને છોડો.’ દાદા ઊંચા અવાજે બોલી ઊઠ્યા.
‘કો’ક ગામડિયો લાગે છે….’ એક ઘોડાગાડીવાળો બબડતો ગયો.
‘ખિસ્સામાં પૈસા નહીં હોય.’ બીજાએ ટકોર કરી. એક પછી એક બધા ઘોડાગાડીવાળા નિરાશ થઈને ચાલ્યા ગયા. દાદાએ છુટકારો પામીને ચાલવા માંડ્યું, અને થોડી વારે યજમાનને ત્યાં જઈ પહોંચ્યા.

યજમાને દાદાને ભાવભર્યો આવકાર આપ્યો પણ એમના ચોળાયેલાં કપડાં અને ફાટેલી બંડી જોઈને તેમને ભારે આશ્ચર્ય થયું. યજમાનના પૂછવા પર રવિશંકર મહારાજે કહ્યું : ‘અમદાવાદના ઘોડાગાડીવાળા વિવેકી બહુ. આવો આતિથ્યભાવ બીજે જોવા ન મળે. મેં અગાઉથી કોઈને ખબર નો’તા આપ્યા તોય બાપડા સ્ટેશને આવીને ઊભા રહ્યા. નહીં ઓળખાણ, નહીં પિછાણ; પણ મને હાલવા દે જ નહીં. ઘોડાગાડીમાં બેસાડવા માટે તાણ કરવામાં કોઈ બાકી રાખે નહીં. મારા પ્રત્યે એટલો બધો ભાવ કે ગાડીમાં બેસાડવા માટે ખેંચાખેંચી કરીને મારી બંડી ફાડી નાખી. મેં મારી થેલી તો માંડ બચાવી. અમદાવાદના ઘોડાગાડીવાળા બહુ વિવેકી, બહુ માયાળુ.’ દાદાએ બેસતાં બેસતાં રમૂજ કરી. દાદાની રમૂજ સાંભળીને યજમાન કુટુંબ હસી પડ્યું.

[5] સ્વરાજ પછી દુઃખનો પ્રારંભ – કાકા કાલેલકર

1897માં અમે મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબિલી ઊજવી હતી. એ જ્યુબિલીને વીસ વરસ પણ ન થયાં અને ભારતમાં ગાંધીજી આવ્યા, અને એમણે સુપ્ત ભારતને તેમ જ આખી દુનિયાને પ્રજાશક્તિનો નવો ચમત્કાર બતાવ્યો. આજે આપણે બધા સ્વરાજની મોકળી અને પ્રાણદાયી હવામાં જીવીએ છીએ. ભારતના જીવનમાં સહુથી ધન્ય વાત આ જ છે કે પારતંત્ર્યની અંધારી રાત વટાવીને આપણે સ્વરાજ્યનો ઉદય જોઈ શક્યા.

આજે દેશમાં જ્યાં જુઓ ત્યાં અસંતોષ દેખાય છે અને સ્વરાજની હિલચાલ વખતના કેટલાક કુમારો આજે પૂછે છે : ‘શું દેશની આવી સ્થિતિ માટે અમે સ્વરાજની લડત લડ્યા હતા ?’ એવા લોકોને માટે એમના અને અમારા બુઝુર્ગ લોકમાન્યની વાણી સંભળાવવા માગું છું.

ભારતનું તાત્કાલિક ભાગ્ય જેના હાથમાં હતું એવા (બ્રિટિશ સરકારના) સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર ઈન્ડિયા વેજવૂડ બેન ભારતમાં આવ્યા હતા. ભારતના પ્રમુખ નેતાઓને એમણે મળવા બોલાવ્યા. નેતાઓ નવા બૂટ-સૂટ પહેરીને મળવા ગયા. દેશી પોશાકમાં બે જ જણ હતા : લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધી. બેન મહાશયે લોકમાન્યને પૂછ્યું : ‘તમે સ્વરાજ માગો છો. પણ તમે માનો છો કે સ્વરાજ મળવાથી તમે સુખી થશો ?’ લોકમાન્ય ટિળકે દૂરંદેશી, તેજસ્વી અને સાચો જવાબ આપ્યો : ‘ના, સુખી તો આજે છીએ; પણ એવું સુખ અમને જોઈતું નથી. આજે અમને કશી ચિંતા નથી. આરામમાં છીએ. ભારતનું રક્ષણ તમે કરો છો. રાજ્ય તમે ચલાવો છો. અમને એની હૈયાબળતરા નથી. સ્વરાજ મળશે ત્યારે અમારા દુઃખનો પ્રારંભ થશે. પણ એમાં જ અમે રાચીશું. વિધ્નો આવશે એને પહોંચી વળતાં અમારું પૌરુષ કેળવાશે. અમે ભૂલો કરીશું તે સુધારતાં સુધારતાં જ અમે ઘડાઈશું. અમારે એ બધી હાડમારી જ જોઈએ છે.’

ભારતમંત્રી સડક થઈને ગાંધીજી તાફ વળ્યા. મીઠું હાસ્ય કરીને તેમણે પૂછ્યું : ‘અરે ગાંધી ! તમે તો ધર્મપુરુષ કહેવાઓ, સેવામૂર્તિ છો. તમે આ રાજદ્વારી ક્ષેત્રમાં ક્યાં ફસાયા ?’ ગાંધીજીએ ગંભીરતાથી જવાબ આપ્યો, ‘તમારી વાત સાચી છે. પણ શું કરું ? મારે તો અધર્મ સામે લડવું રહ્યું. હમણાં અધર્મ રાજદ્વારી ક્ષેત્રમાં ઘૂસ્યો છે, એટલે ત્યાં પહોંચીને અધર્મ સામે ઝુંબેશ ચલાવવી પડે છે.’

[6] કામ ક્યારે સેવા બને ? – ટોલ્સ્ટોય

એક ખેડૂત હતો. એની પાસે જમીન હતી. બધો વ્યવહાર બહુ સારી રીતે ચાલતો હતો. કંઈ પણ કારણસર એની જમીન જતી રહી અને બીજે દિવસે એને ખેતમજૂર તરીકે કામ કરવાનો વારો આવ્યો. એ તો મન મૂકીને મજૂરી કરવા માંડ્યો. એક-બે વર્ષ કામ કર્યા પછી એક દિવસે તેણે તેની પત્નીને કહ્યું : ‘આજકાલ આપણે કેટલાં સુખી છીએ ! આખો દિવસ કામ કરીએ છીએ, પ્રમાણિકતાથી મહેનત કરીએ છીએ. ભગવાન આપે એ લઈ લઈએ છીએ અને ઘેર આવીને ભગવાનનું નામ લઈએ છીએ. જે કંઈ ભોજન મળે છે એ ખાઈ લઈએ છીએ. રાતે કોઈ વાતની ચિંતા નથી હોતી… પણ આપણે જ્યારે જમીનના માલિક હતા ત્યારે કેટલી ચિંતા હતી ! આખી રાત જાગવું પડતું હતું. કાલે કોને શું કામ આપીશ એની ચિંતા થયા કરતી હતી. કામ બરાબર ન થાય તો ગુસ્સો પણ આવતો હતો. દ્વેષ, ઝઘડા પણ થયા હતા. ત્યારે પૈસા વધારે મળતા હતા, આજે ઓછા મળે છે. પણ આજે કેટલી શાંતિ છે ! આપણું જીવન ધન્ય છે.’

કહેવાનો અર્થ છે કે માત્ર શરીરથી તો કામ કરી લીધું, તો કામ કર્યા પછી તે પૂરું થઈ ગયું. પણ આપણે તેને ઈમાનદારીથી, પ્રમાણિકતાથી કરીએ તો એ કામ સેવા બની જાય છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વિચાર-સંચય – જે. કૃષ્ણમૂર્તિ
ભણકાર – પારુલ કંદર્પ દેસાઈ Next »   

7 પ્રતિભાવો : ફૂલપાંખડી – સંકલિત

 1. aravinad says:

  આવી ફૂલ પાખડી કદી કરમાતી નથી સુગંધ આપતી રહે છે

 2. ખુબ સરસ બધા જ પ્રસંગો…

 3. Amit says:

  આવિ ફૂલોનિ પન્ખડિ થિ રિડ્ગુજરતી સુન્દર બન્ય છે……..

 4. Jaimin says:

  ખરે ખર આજે મને આ આવતો વાંચી ને ઘણો આનંદ થયો. હું હજુ વધારે વાતો જાણવા માગું છું.

 5. preeti says:

  સુંદર પ્રસંગો

 6. Dipti Trivedi says:

  આપણને નિત્ય્ક્રમથી પરવારી સ્વચ્છતા કેળવી દિવસની શરુઆત કરવાની ટેવ હોય છે પણ મન તો સ્વચ્છ આવા વાંચનથી જ થાય છે. સુંદર બોધપાઠ દરેક પાંખડીમાંથી મળે છે.
  વિનોબાજીની શિક્ષણને લગતી વાતો હંમેશા એટલી જ સાંપ્રત હોય છે.
  લોકમાન્ય ટિળકની વાત બતાવે છે કે આપણે બાપકમાઈ કે તૈયાર ભાણે ખાય એવો સમાજ નથી ખપતો પણ આપબળે પુરુષાર્થ કરીને નવી કેડીઓ કંડારવા ભવિષ્યની પેઢી ઊભી થાય એ સ્વરાજ્યના સપનાનું બીજ હતું.
  ગાંધીજી જેવી સેવાભાવના આજે રાજકારણમાં કોઈ અપનાવે ખરુ ? ફક્ત નામ વટાવે.
  રવિશંકર મહારાજનો પ્રસંગ બતાવે છે કે કોઈની નકારાત્મક વાત તેઓ કેવી સકારાત્મક રીતે વાળી લઈ શકતા હતા. બહુ માયાળુ, બહુ વિવેકી !

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.