કથાદ્વયી – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] મૅચિંગ પીસ

‘આવો સાહેબ !…. આવો મેમ સા’બ !… …. કહો, શું બતાવું ? પ્યોર સિલ્ક…બનારસી…કાંજીવરમ…. ટેરીકૉટન…. પૉલિએસ્ટર ?’ દુકાનમાં પ્રવેશતાંની સાથે જ સેલ્સમેનનો મારો શરૂ થઈ ગયો. મીના એક પછી એક કાઉન્ટર પસાર કરતી ઠેઠ અંદર એક કાઉન્ટર પાસે જઈને ઊભી અને પોતાની પર્સમાંથી સાડી કાઢી બોલી, ‘આને માટે મૅચિંગ બ્લાઉઝ પીસ જોઈએ !’
‘કયો રંગ બતાવું ? કિનારીવાળો કે કથ્થઈ કે ગ્રાઉન્ડ કલર લીલો કે ડિઝાઈનનો લાલ, ચોકલેટી કે પછી ઘેરો પીળો ? આજકાલ તો કોન્ટ્રાસ્ટની ફેશન છે !’
‘કથ્થઈ બતાવો !’

અને સેલ્સમેન કથ્થઈ કલરના જુદા જુદા શેડ મીનાને બતાવતો ગયો. મીના એક એક પીસ લઈને સાડી સાથે તે બંધ બેસશે કે નહીં એ જોતી રહી. ક્યારેક બ્લાઉઝ પીસ અને સાડી ખભા ઉપર નાખી જુદી જુદી અદામાં અરીસા સામે ઊભી જોતી રહી. મેં દુકાનમાં આજુબાજુ જોયું તો મીના જેવી બીજી પાંચ-સાત યુવતીઓ પણ આવી જ રીતે સાડી-બ્લાઉઝ વગેરેની પસંદગીમાં મગ્ન હતી અને એમના પતિદેવો મારી જેમ જ આ મત્સ્યવેધની શીઘ્ર સફળતા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. તેવામાં એક પતિદેવે પોતાની પાસેનો ટ્રાન્ઝિસ્ટર શરૂ કર્યો. તેમાં ક્રિકેટમેચની કૉમેન્ટરી આવી રહી હતી. મને એની અગમચેતી વિષે માન થયું. પત્નીનો સ્વયંવર સફળ થાય ત્યાં સુધી આપણે સમય કેમ ગાળવો એ પણ એક મોટી સમસ્યા જ છે.

કથ્થઈમાંથી લાલ અને લાલમાંથી ચોકલેટ અને ચોકલેટમાંથી લીલો, એમ એક પછી એક કલર નીકળતા ગયા, પરંતુ મીના માથું ધુણાવતી જ રહી. ત્યારે સેલ્સમેને પૂછ્યું : ‘મૅડમ ! પૉલિએસ્ટરમાં બતાવું ?’
મીના લગભગ તાડૂકી, ‘તે મેં ક્યારે કહ્યું કે માત્ર કૉટન જ બતાવજો ? બસો-અઢીસોની સાડી લઈ શકું તો શું પૉલિએસ્ટરનો બ્લાઉઝ પીસ નહીં લઈ શકું ?’ એટલે પછી પૉલિએસ્ટરમાં એક પછી એક કલરનો ઢગલો થવા માંડ્યો. ટ્રાન્ઝિસ્ટર કહી રહ્યો હતો….. ‘ફિલ્ડિંગમાં પરિવર્તન…. હવે બોલર બદલાયા છે….’ મીનાની કૉમેન્ટરી પણ ચાલુ જ હતી… ‘આ સ્કાઈ બ્લ્યૂ છે. મારે વધારે ઘેરો જોઈએ… અરે, ભાઈ ! આ તો નેવી બ્લ્યૂ કહેવાય. મારું કહેવાનું છે, ઈન્ક બ્લ્યૂ….’

મેં જોયું કે ત્રણ-ચાર યુવતીઓ પોતાની પસંદગી મુજબની ચીજ ન મળતાં દુકાનનાં પગથિયાં ઊતરવા લાગી હતી. મારાયે મનમાં ફાળ પડી કે મારે પણ મીના સાથે બીજી દુકાનોની ફેરી કરવી પડશે ? અમે નીકળેલાં તો એમ કે આટલી ખરીદી પતાવી પહેલા શૉમાં કોઈક સારી ફિલ્મ જોઈશું. હવે એ સમય તો જાણે ચૂક્યા. પણ આની આ રફતારે તો બીજા શૉમાંયે પહોંચી શકાશે કે કેમ, તેની શંકા છે !
‘બહેનજી, આ સાડી પર તો રેડ શેડ જ સારો ઉઠાવ આપશે.’
‘એ તો હું ય જાણું છું, પણ લાલ અને સફેદ કૉમન કલર થઈ જાય છે ને ! એટલે ટાળું છું. છતાં જુઓ, તમારી પાસે બ્રીક રેડ હોય તો બતાવો !’ અને હું તો જોતો જ રહ્યો ! સેલ્સમેન એક પછી એક શેડ બતાવતો ગયો. જાણે દુર્યોધનની સભામાં ‘વસન રૂપ ભયે શ્યામ !’
‘આ તો ઑરેન્જ…. આ મરુન…. આ પીન્ક…. આ બ્લડ રેડ છે…. મારે જોઈએ બ્રીક રેડ….. અને એકદમ ઘેરો….’
‘બહેનજી, તાકામાં તો હવે બીજા કલર નથી. પણ હું તમને થોડા પીસ બતાવું !’ અને તેણે ચાલીસ-પચાસ પીસ હાજર કરી દીધા. તેમાંથી એક પીસ ઉપર મીનાની આંખ ઠરી હોય એમ લાગ્યું. એના ચહેરા પર સુરખી આવી ગઈ. મનેય આશા બંધાઈ.

‘આની કીંમત ?’
‘અઠ્ઠાવીસ રૂપિયા.’
‘પણ આ તો પીસ છે ને ?’
‘એટલે જ તો અઠ્ઠાવીસ. નહીં તો ચાળીસથી ઓછો ભાવ ન હોય.’
‘જુઓ તો ! એ પીસ છે કેટલો ?’
સેલ્સમેન ખેંચીને માપવા માંડ્યો, તો માંડ સાઠ સેન્ટિમિટર થયો. તે જ વખતે ટ્રાન્ઝિસ્ટર કહી રહ્યો હતો…. ‘એક ખતરનાક બોલ….. શાનદાર કેચ…. પણ ઓહ !……… બોલ હાથમાંથી છૂટી ગયો…. એક સરસ ચાન્સ ગુમાવ્યો….’ મારી અને સેલ્સમેનની સમજમાં કાંઈ આવે તે પહેલાં જ મીના મોઢું ફેરવીને દુકાનનાં પગથિયાં ઊતરવા માંડી. મારેય તેની પાછળ પાછળ ગયા વિના છૂટકો નહોતો. મનમાં ને મનમાં હું વિચારતો હતો, ‘હે ભગવાન ! આ આટલા પીસને સાઠને બદલે એંશી સેન્ટિમિટરનો કરી દેતાં તારું શું લૂંટાઈ જતું હતું ? અથવા સાડી ખરીદતાં પહેલાં જ મીનાએ બ્લાઉઝ પીસ ખરીદી લીધો હોત અને પછી એની મૅચિંગ સાડી ખરીદી હોત !’
(શ્રી ભગવાન વૈદ્યની હિંદી વાર્તાને આધારે)
.

[2] બદલી

મીના નોકરી છોડી ગઈ પછી એને ત્યાં ગોઠતું નહોતું. બંને લગભગ સાથે જ નોકરીએ લાગેલાં. પરણ્યાંયે એક જ અરસામાં. બંનેની દીકરીઓ વચ્ચે પણ માત્ર પંદર દિવસનો ગાળો. ખરીદી-સિનેમા-નાસ્તો બધું જ સાથે. બંનેના જીવ એવા તો મળી ગયેલા કે મીનાને એકાએક નોકરી છોડવી પડી ત્યારે એ એકલી પડી ગઈ. છેવટે એક નિર્ણય કર્યો નવા વાતાવરણમાં જવાનો. બદલી માટે અરજી કરી. અને તે મળી વર્કશોપમાં.

‘વર્કશોપમાં ? બાઈ માણસ થઈને તું એવા અસંસ્કારી વાતાવરણમાં કામ કરશે ? અભણ મજૂરો હાલતાં-ચાલતાં ગાળ બોલે. અશ્લીલ રિમાર્ક કરે. લગભગ બધા જ ઢીંચે. યુનિયનની ગુંડાગીરી. એક તુમાખીવાળો સાહેબ વર્કશોપમાં રાઉન્ટ પર ગયો તે ગયો, પાછો ફર્યો જ નહીં !’
‘પણ હું તો સાહેબ નહીં, કારકુન તરીકે….’
‘અરે, પણ એમની રીતભાત, બોલવું-ચાલવું બધું જ અભદ્ર. એમની વાતચીત જાણે રોજ હોળી !’ એના મનમાં ફડક પેસી ગઈ પણ જાતે બદલી માગી હોવાથી નકારવી તે ઠીક નહીં. નસીબમાં હશે તે થશે !

પહેલે દિવસે એ ડરતી, સંકોચાતી, નીચી નજરે વર્કશોપમાં ગઈ. ‘ક્યાં જવું છે બહેન તમારે !’ તેણે ઊંચે જોયું. મનમાં હતું કે સામે લાલ ડોળા જોવા મળશે. પણ જોયું તો માણસ મેલોઘેલો હતો, પણ આંખમાં પૂર્ણ સહાનુભૂતિ અને મદદરૂપ થવાની વૃત્તિ. ઑફિસમાંયે, ‘આવો, બહેન !’ એવા ઘરગથ્થુ વાતાવરણમાં એનું સ્વાગત થયું. બાબુ લોકોની ઑફિસ કરતાં કાર્યાલય પણ વધુ સ્વચ્છ હતું. શરૂઆતમાં કાગળિયામાં ગેડ નહોતી બેસતી, તરત સહ-કાર્યકર મદદમાં આવ્યા. ધીરે ધીરે કામ વિશેની અને માણસો વિશેની અપરિચિતતા ઓછી થવા લાગી. મજૂરો સાથે પણ સંપર્ક આવવા લાગ્યો. તેમાંનો એકેય એની સાથે અસભ્યતાથી વર્તતો નહોતો. ક્યારેક સંસ્કારવશ કોઈને મોઢેથી અપશબ્દ નીકળી જાય તો તરત બીજા તેને ધમકાવી નાખતા. ઑફિસમાં એક બહેન છે, તેની બધા આમન્યા જાળવતા. ધીરે ધીરે એને ખબર પડી કે પગારને દહાડે મજૂરોમાંથી ઑફિસમાં કોઈ ફરકતું નહીં. પૈસા આવ્યા કે લગભગ બધા પીવાના. પણ એ હાલતમાં બહેન પાસે જવાય ?

આ ટેબલ ઉપર કામદારોને કરજનાં ફોર્મ ભરી આપવાનાં. એમને જોઈતી ચીજવસ્તુ મેળવી આપવાની રહેતી. અગાઉનો કારકુન ‘બાબુટેક્ષ’ પડાવતો. પણ એક બહેનને શું ધરવું તે વિશે મજૂરો મૂંઝાતા. એ તો સમજાવતી કે હું તો માત્ર ફરજ બજાવું છું. પણ મજૂરોને સંતોષ નહોતો. એક દિવસ એક જણ ગુલાબનું ફૂલ લાવ્યો. કોઈકે એક બાટલી શોધી લાવી તેમાં તે ગોઠવ્યું. પછી તો રોજ આ ગામઠી ફૂલદાનીને કોઈ ને કોઈ સજાવી જતું. ત્યાં એ ભારે પગે થઈ. એને ચોથો-પાંચમો મહિનો જતો હતો. મનમાં થોડો સંકોચ થતો હતો. તેવામાં એક દિવસ ઓફિસે આવી જોયું તો ટેબલના કાચ નીચે એક સુંદર બાળકનું મધુરું ચિત્ર ! એ ખુશ થઈ, શરમાઈ. ‘તમારી સ્થિતિની અમને ખબર છે,’ એ વાત એ લોકોએ કેવી નમણી મીઠાશથી જણાવી દીધી ! પછી તો એની વિશેષ કાળજી રખાવા લાગી. કોઈ ભારે ફાઈલ ઊંચકવાની હોય તો ઝટ કોઈક ઊંચકી લે. એ ઘાઈઘાઈ કરતી ઑફિસે આવે તો ઝટ કોઈ વડીલ જેવો કહે, ‘પાંચ-પંદર મિનિટ મોડું થાય તો શું બગડી જવાનું ?’

હવે એના ધ્યાનમાં આવવા માંડ્યું હતું કે મીના જતાં પેલા ડિપાર્ટમેન્ટમાં એને કેમ ગોઠતું નહોતું. મીના હતી ત્યાં સુધી તો બેઉ પોતાનામાં મસ્ત રહેતાં. પણ પછી તે સફેદ કોલરવાળાઓના સંકુચિત સ્વાર્થ અને ક્ષુદ્ર રાજકારણથી એને ગૂંગળામણ થવા લાગી હતી. અહીં પણ રાગદ્વેષ નહોતા એમ નહીં પણ ડોળ ને દંભ નહીં. એક પ્રકારની નિખાલસતા હતી, કંઈક ઘસાવાની તૈયારી હતી અને ફોરમતી માણસાઈ.

પુત્ર-પ્રાપ્તિ બાદ એ ઑફિસે પાછી આવી. તે દિવસ પગારનો હતો. એને થયું, આજે તો કામદારો નહીં આવે એટલે પેંડા કાલે લઈ જઈશ. પરંતુ ઑફિસમાં પગ મૂક્યો તો ત્યાં દિવાળી-દશેરાના ઉત્સવનું વાતાવરણ ! બારણે તોરણ. એના ટેબલ પર સુંદર સુંદર પોઝવાળાં બાળકોના ફોટા. ખુરશી પર એક મોટી ભેટ – ‘અમારી બહેનના લાડલા માટે.’ કોઈકે કહ્યું, ‘આજના આનંદમાં આજે બધા ચોખ્ખા રહ્યા છે. બાટલીને કોઈ અડ્યું નથી.’ એની આંખો ભરાઈ આવી. પેંડાની જગ્યાએ એણે નાની-શી પાર્ટી જ ગોઠવી દીધી.

ત્યાં એક દિવસ ફરી એને બદલીનો ઓર્ડર મળ્યો. એણે સાંભળ્યું કે એક એકલદોકલ બાઈને વર્કશોપમાં મૂકવા બદલ ઉપરીને ભારે ઠપકો પણ મળ્યો હતો ! એને એવું ખરાબ લાગ્યું ! કારણ કે આ અસંસ્કારી ગણાતાઓની સંસ્કારિતા એ ભરપેટ અનુભવી ચૂકી હતી.
(શ્રી ઉષા પ્રધાનની મરાઠી વાર્તાને આધારે)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

22 thoughts on “કથાદ્વયી – હરિશ્ચંદ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.