રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-લેખન સ્પર્ધા : 2011 – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

મે મહિનાની શરૂઆત થાય કે તુરંત અનેક વાચકમિત્રોના પત્રો, ફોન અને એસ.એમ.એસ મળવાનું શરૂ થઈ જાય છે કે ‘આ વર્ષે વાર્તા-સ્પર્ધા કઈ તારીખથી શરૂ થાય છે ?’ ઘણા નવોદિતો વાર્તા લખીને તૈયાર પણ થઈ ગયા હોય છે ! પરંતુ સ્વાભાવિક રીતે જ નિર્ણાયકોની તારીખ મેળવવામાં, તેમના બાયોડેટા વગેરે માહિતી પ્રાપ્ત કરવામાં થોડો વિલંબ થતો હોય છે. તેમ છતાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે આપણે પૂરા છ દિવસ આ વાર્તા-સ્પર્ધા વહેલી શરૂ કરી રહ્યા છીએ.

આજથી શરૂ થતી આ સ્પર્ધામાં સૌ વાચકમિત્રોનું સ્વાગત છે. આખા વર્ષ દરમિયાન જેઓ સતત કંઈક વાંચતા રહે છે તેમને ક્યારેક પોતાના અનુભવો કે અનુભૂતિને કાગળ પર ઉતારવાનું મન થતું હોય છે. આ સ્પર્ધા એ લોકો માટે છે. આમાં નવોદિતો સિવાય અન્ય કોઈને પ્રવેશ નથી. સ્પર્ધાનો ઉદ્દેશ ગુજરાતી લેખનને પ્રોત્સાહન આપવાનો છે. ઘટના અને પ્રસંગો સૌ કોઈની આસપાસ બનતા રહે છે. આ તક છે કે જેના દ્વારા એ ઘટના કે પ્રસંગને વાર્તાનું સ્વરૂપ આપી શકાય છે. વાર્તા કાલ્પનિક પણ હોઈ શકે છે. પરંતુ કોઈ પણ રીતે લખવાનું શરૂ થાય તે મહત્વનું છે. તેથી જ આપણા આદરણીય સાહિત્યકારો અત્યંત વ્યસ્ત હોવા છતાં સ્પર્ધા માટે વિશેષરૂપે નિર્ણાયક તરીકેની સેવા આપતા રહે છે. માત્ર એટલું જ નહિ, તેઓ દરેકેદરેક વાર્તાને ગંભીરતાથી વાંચીને એ માટેના સૂચનો પણ કરે છે. નિર્ણાયકોની આ અમૂલ્ય સેવા માટે રીડગુજરાતી તેમનું ઋણી છે. ચાલુ વર્ષે આ સેવા હિમાંશીબેન શેલત, શ્રી મણિલાલ હ. પટેલ તથા તારિણીબહેન દેસાઈ આપી રહ્યાં છે.

વિશેષમાં મારે ખાસ આભાર માનવાનો છે રીડગુજરાતીને આ સ્પર્ધા માટે યોગદાન આપનારા તમામ દાતાઓનો. પોતાના નામ, બેનર કે સ્પોન્સર તરીકેની કોઈ પણ આશા વગર માત્ર ને માત્ર ભાષાના વિકાસાર્થે થતી આ પ્રવૃત્તિ માટે તેઓ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તુરંત પોતાનું યોગદાન મોકલી આપે છે. તેમની આ ભાવનાને વંદન છે. પ્રતિવર્ષ સૌ દાતાઓના સહકારથી આ પ્રવૃત્તિ વિના વિલંબે ચાલતી રહે છે. આપ સૌની શુભકામનાઓ આ સ્પર્ધાને વધારે ઓજસ્વી બનાવે છે.

વાર્તા-સ્પર્ધાના નિયમો તથા અન્ય તમામ વિગતો માટે આ લેખના અંતે લીન્ક આપવામાં આવી છે. સ્પર્ધાનું સ્વરૂપ હંમેશની જેમ યથાવત રાખવામાં આવ્યું છે. વાર્તાઓ મોકલવા માટેની અંતિમ તારીખ 10મી જુલાઈ, 2011 છે. પરંતુ સૌ સ્પર્ધકોને વિનંતી કે તેઓ છેલ્લા દિવસો સુધી રાહ ન જોતાં પોતાની કૃતિ જેમ બને તેમ જલ્દીથી મોકલી આપે. પરદેશથી ભાગ લેનાર સ્પર્ધકોને આ માટે ખાસ વિનંતી. આ ઉપરાંત, વાર્તાનું સ્વરૂપ બરાબર જળવાય એ માટે પ્રતિવર્ષ કેટલાક સૂચનો આપવામાં આવે છે, જેની અહીં ફરી પુનરુક્તિ કરું છું :

[1] નવોદિત તરીકે આપણે ભલે ટૂંકી વાર્તાના સ્વરૂપ કે તેની ગૂંથણીને ગહનતાથી ન જાણતા હોઈએ પરંતુ વાર્તાના વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને તેના આદિ-મધ્ય-અંત વચ્ચે લય હોવો જરૂરી છે. વાર્તા અને પાત્રોને ગોઠવતા ક્યાંક વિષયાંતર ન થઈ જાય તે બાબતે ખાસ કાળજી રાખવી. વાર્તાની શરૂઆત એકદમ રસપ્રદ હોવી જોઈએ.

[2] વાર્તામાં બધી જ બાબતો એકદમ ખુલ્લી રીતે કે સ્પષ્ટ રીતે દર્શાવવાની નથી હોતી. પાત્રોના વ્યવહાર, હાવભાવ અને વાર્તાનો મૂળ વિષય તેના સંવાદો સાથે એ રીતે વણાયેલો હોવો જોઈએ કે વાચક થોડામાં ઘણું બધું સમજી શકે.

[3] વાર્તાનું કામ ઉપદેશ આપવાનું નથી. તેથી તેમાં ઉપદેશાત્મક સંવાદો કે આદેશો ન હોવા જોઈએ. જો કોઈ વિશેષ બાબત વાર્તાના માધ્યમથી સમાજને અને દુનિયાને કહેવાની આવશ્યકતા જણાતી હોય તો તે બાબતને પાત્રોના આચરણ કે ઘટનાઓના સંદર્ભે વધારે સારી રીતે વર્ણવી શકાય.

[4] વાર્તા એ અહેવાલ પણ નથી. એક પછી એક પ્રસંગોનું વર્ણન માત્ર કરવાથી વાર્તા નથી બનતી. એ તો એક ‘રીપોર્ટ’ બની જાય છે. પાત્રની મનોદશા, તેની આંતર-બાહ્ય સ્થિતિ, આસપાસનું વાતાવરણ, આર્થિક-સામાજિક સંદર્ભ – એ તમામ બાબતો એક સુંદર વાર્તાના નિર્માણની પાયાની આવશ્યકતા છે.

[5] વાર્તામાં ઘટનાને તાદશ બનાવવા માટે તેની આસપાસની વિગતો વર્ણવવી જરૂરી હોય છે. જેમ કે એક બૅન્ક ઑફિસર વિશેની વાર્તા હોય તો બૅંકનું, તેના કાર્યનું, આસપાસના માહોલનું વર્ણન સમગ્ર દ્રશ્યને વાચકોના ચિત્તમાં જીવંત બનાવે છે.

સ્પર્ધા દરમ્યાન માત્ર વાર્તા-સ્પર્ધાને લગતી જ કૃતિઓ સ્વીકારવામાં આવશે. આથી, જે વાચકમિત્રો રીડગુજરાતીમાં પ્રકાશિત કરવા માટે પોતાના લેખો કે કાવ્યો મોકલવા ઈચ્છતા હોય, તેમણે કૃપયા 10-જુલાઈ બાદ પોતાની કૃતિ મોકલવી. જે વાચકમિત્રોએ આ અગાઉ પોતાની વાર્તા-કવિતાઓ પ્રકાશન માટે મોકલેલ છે, તેઓની કૃતિઓની સમીક્ષાનું કાર્ય થોડું વિલંબથી ચાલી રહ્યું છે, માટે કૃપયા તેમને થોડો વધુ સમય પ્રતિક્ષા કરવા નમ્ર વિનંતી છે. ઘણા વાચકમિત્રોએ ‘અસ્મિતાપર્વ’ બાબતે પણ પૃચ્છા કરી છે. ચાલુ વર્ષે અસ્મિતાપર્વમાંના કેટલાક વક્તવ્યો લોકભાષા તથા અન્ય ભાષા, નૃત્ય અને સંસ્કૃતિ પર આધારિત હોવાથી, સમગ્ર પર્વનો અહેવાલ ગદ્યરૂપે પ્રકાશિત કરવો શક્ય નથી પરંતુ તેમાંના કેટલાક ચૂંટેલા વક્તવ્યો આપણે હંમેશની જેમ જરૂરથી માણીશું.

અંતે, આશા છે કે આપ સૌ આ સ્પર્ધા માટે આપની કૃતિ સત્વરે મોકલી આપશો. સૌ વાચકમિત્રોને વાર્તા-સ્પર્ધા માટે શુભેચ્છાઓ અને તમામ નિર્ણાયકોનો ફરી એક વાર તેમના અમૂલ્ય સહયોગ માટે ખૂબ ખૂબ આભાર.

સ્પર્ધાની તમામ વિગતો આપ અહીં ક્લિક કરીને જોઈ શકો છો : Click Here

લિ.
તંત્રી, મૃગેશ શાહ
+91 9898064256

નોંધ : પ્રતિવર્ષની જેમ ઉપલેટાના શ્રી અમિતભાઈ પિસાવાડીયા તરફથી પ્રત્યેક વિજેતાને ભેટપુસ્તક મોકલવામાં આવશે. તદુપરાંત, ‘booksonclick.com’ તરફથી વિજેતાઓને ભેટકૂપન મોકલવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-લેખન સ્પર્ધા : 2011 – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.