રતનમહાલનો પ્રવાસ – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે ડૉ. પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં ડૉ. પ્રવીણભાઈ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ) ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ અગાઉ આપણે તેમના દુબઈ, ગિરિમાલા ધોધ, વિસલખાડી, નિનાઈ ધોધ વગેરે પ્રવાસવર્ણનો માણ્યાં છે. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]

આપણા ગુજરાતમાં ઠેર ઠેર ભરપૂર કુદરતી સૌંદર્ય વેરાયેલું પડ્યું છે. રતનમહાલ પણ આવું જ એક મનોહર કુદરતી મિજાજ ધરાવતું સ્થળ છે. પ્રકૃતિપ્રેમી લોકોને નૈસર્ગિક સાનિધ્યમાં એક દિવસ પસાર કરવો હોય તો આ એક સુંદર જગ્યા છે. વળી, એ સાથે સાથે થોડું ટ્રેકિંગ પણ થઈ શકે એવી આ જગ્યા છે.

રતનમહાલમાં કોઈ મહેલ નથી પરંતુ એ એક ડુંગર છે. પંચમહાલ જિલ્લામાં ગોધરાથી 40 કી.મી. દૂર દેવગઢબારિયા અને ત્યાંથી બીજા 46 કી.મી. દૂર રતનમહાલ આવેલું છે. દેવગઢબારિયા પંચમહાલના ‘પેરીસ’ તરીકે ઓળખાય છે. ગોધરાથી કે દેવગઢબારિયાથી બસમાં, ગાડીમાં કે જીપ ભાડે કરીને રતનમહાલ જઈ શકાય છે. અમે સૌ એક વહેલી સવારે, ગોધરાથી જીપ ભાડે કરીને નીકળી પડ્યા. એ સમયે ઓક્ટોબર મહિનો હતો, નહિ ગરમી કે નહિ ઠંડી એવા ખુશનુમા માહોલમાં આજુબાજુની વનરાજી જોતાં જોતાં, ગોલ્લાવના રસ્તે થઈને દેવગઢબારિયા પહોંચ્યા. અહીં બજારમાં એક દુકાને ભજીયાં-ફાફડા ખાધા અને ચા પીધી. સવારનો પહેલો નાસ્તો તો બધાને ગમે ! દેવગઢબારિયાથી સાગટાલાને રસ્તે ગામડાંઓ વીંધીને કંજેટા પહોંચ્યા. કંજેટા ગામ આગળથી રતનમહાલનો ડુંગર શરૂ થાય છે. આ બધો પ્રદેશ ડુંગરાળ છે. રતનમહાલના ડુંગરોમાં રીંછોનો વસવાટ છે. આથી આ વિસ્તાર ‘રીંછ અભયારણ્ય’ કહેવાય છે.

કંજેટા ગામ પૂરું થયા પછી ‘રતનમહાલ રીંછ અભયારણ્ય’નું બોર્ડ અમારી નજરે પડ્યું. મનમાં એક પ્રકારનો આનંદ વ્યાપી ગયો. આ પ્રવેશદ્વારથી અંદર ડુંગરની ટોચ પર પહોંચવા માટે 9 કી.મી.નું અંતર છે. રસ્તો બહુ સારો નથી. પરંતુ જીપ જઈ શકે. નાજુક ગાડી ન જઈ શકે. આપણી ગાડી પ્રવેશદ્વાર આગળ મૂકી દેવી પડે અને અહીંથી અંદરના 9 કી.મી. માટે જીપ કરવી પડે. અહીં કદાચ જીપ ના પણ મળે એવું બને.

અમારી જીપ અંદર દાખલ થઈ. ચારે બાજુ જંગલો જ જંગલો હતાં. જમણી બાજુ એક નાનું મકાન હતું. અહીંથી રતનમહાલ ડુંગર પર જવાની પરવાનગી મળે છે. એ માટે વ્યક્તિદીઠ ૨૦ રૂપિયાની ટીકીટ લેવાની હોય છે. આ વિધી પતાવીને અમે ચઢાણવાળા કાચાપાકા માર્ગે જંગલોમાં આગળ વધ્યા. વચ્ચે એક બે નાનાં ગામ આવ્યાં. આ જંગલમાં પણ આ લોકો રહે છે એ જાણી નવાઈ લાગી ! તેઓ મકાઈની ખેતી કરે છે અને શાકભાજી ઉગાડે છે. અહીં આધુનિક દુનિયાનું કોઈ ચિહ્ન દેખાતું નથી. તે છતાં અહીંની મસ્તીમાં એ લોકો જીવે છે. એક ગામ આગળથી બે પોલીસવાળા બાઈક પર અમારી પાછળ પાછળ છેક ઉપર સુધી આવ્યાં. એમના આવવાના કારણની અમને પાછળથી ખબર પડી. ડુંગર ઉપર પહોંચ્યા પછી બીજી બાજુ ઊતરો તો મધ્યપ્રદેશની સરહદ શરૂ થઈ જાય છે. મધ્યપ્રદેશના કેટલાક લુંટારૂઓ સરહદ પરથી આ બાજુ આવી, અહીં ફરવા આવતા પ્રવાસીઓને લૂંટી લે છે. આવા બે ચાર બનાવો બન્યા પછી, સરકારે પ્રવાસીઓની સલામતી માટે પોલીસની વ્યવસ્થા કરી છે.

અમે ટોચ પર પહોંચ્યા. અહીં ખુલ્લા મેદાનમાં એક મોટી છત્રી બાંધેલી છે. એમાં બેસો, રમો, આરામ કરો અને મઝા કરો ! ડુંગરની પાછળનો ભાગ અહીંથી આખેઆખો જોઈ શકાય છે. દ્રશ્ય ખૂબ સુંદર છે. બાજુમાં થોડુંક ચાલ્યા પછી એક જૂનુંપુરાણું તૂટેલું શિવમંદિર છે. કોઈ પૂજારી નથી. પૂજા થતી નથી. ટૂંકમાં, અહીં ટોચ પર અમારા અને બે પોલીસ સિવાય કોઈની વસ્તી ન હતી. રીંછ જોવા માટે પોલીસને પૂછ્યું, તો જાણવા મળ્યું કે રીંછ હોય છે તો ખરાં પરંતુ અહીં દિવસે બહાર ખુલ્લામાં જોવા ન મળે. ડુંગરની આજુબાજુ ખૂંદી વળો કે રાતના આવો તો જોવા મળી શકે. પરંતુ એ મોહ જતો કરીને લગભગ બે કલાક રોકાયા બાદ જીપ પાછી વાળી. પોલીસ પણ અમારી પાછળ પરત આવ્યા. રસ્તામાં થોડું આજુબાજુ જંગલમાં રખડ્યા. ઘણી બધી જગ્યાએ ફોટા પાડ્યા. પ્રકૃતિની ગોદમાં વિહરવાની મઝા આવી ગઈ. નીચે પહોંચીને અમારે બીજું એક સ્થળ જોવાનું હતું. તેનું નામ છે ‘ભીંડોલ’.

અમે નીચે પ્રવેશદ્વાર સુધી પાછા આવી ગયા. અહીંથી 2 કિ.મી. દૂર ડુંગરને સમાંતર જઈએ એટલે ભીંડોલ ગામ આવે છે. આ જગ્યાને એક પિકનિક સ્થળ તરીકે વિકસાવવામાં આવી છે. રતનમહાલ આવવાનું થાય તો ભીંડોલ તો જવું જ રહ્યું ! અહીં ગાડી પાર્કિંગની સરસ વ્યવસ્થા છે. બાગબગીચા, ચોતરા અને ચારે તરફ વૃક્ષોની સુંદર ઘટા. અહીં રહેવા માટે ઘણા કોટેજ છે. રાત રોકાવું હોય તો આરામથી રોકાઈ શકાય. કોટેજમાં ન રહેવું હોય તો તંબૂઓ ઉપલબ્ધ છે. જમવાની વ્યવસ્થા પણ છે. અહીં જમવાની સગવડની અમને ખબર ન હતી એટલે અમે તો બધું ઘેરથી બનાવીને લઈ આવ્યાં હતાં. ભાખરી, થેપલાં, શાક, અથાણું, પાપડ, દહીં, મેથીનો મસાલો, આથેલાં મરચાં-ખાવાની મઝા પડી ગઈ !

રતનમહાલના ડુંગર પરથી પાનમ નદી નીકળે છે અને ભીંડોલ આગળથી મેદાનમાં પ્રવેશે છે. અહીં તો આ નદી એક ઝરણાં જેવી લાગે. અહીં રહેવા માટેના તંબૂઓ આ નદીને અડીને જ બાંધેલા છે. એટલે તંબૂમાં સૂતા સૂતા, પથ્થરોમાંથી વહેતી, ઊછળતી-કૂદતી નાનકડી નદીનો ખળ ખળ અવાજ કેટલો મીઠો લાગે ! જરા કલ્પના કરી જુઓ ! ભીંડોલની કોટેજોની પાછળના ભાગમાંથી પણ રતનમહાલ પર ચડી શકાય છે. અહીં જીપ કે બાઈક જઈ શકે તેમ નથી. પાનમ નદીના કિનારે કિનારે એક કેડી છે. એ કેડી માર્ગે નદીને જોતાં જોતાં ચાલીને ઉપર જઈ શકાય છે. આ કેડી પથરાળ છે. લાકડીનો ટેકો લઈને ચઢીએ તો થાક ઓછો લાગે. આ એક પ્રકારનું ટ્રેકિંગ જ છે. અમે ઝરણાં જેવી પાનમને કિનારે કેડીના ઊંચાનીચા રસ્તા પર ચડવાનું શરૂ કર્યું. નદી ક્યાંક સાંકડી તો ક્યાંક વિશાળ. પથ્થરોમાં વહીને ઊછળતી નદીનું સ્વરૂપ ક્યાંક રૌદ્ર લાગે. ચોમાસામાં પાણી વધુ હોય ત્યારે આ નદીનું રૂપ જોવાનો ખૂબ આનંદ આવે. અમે ચઢતાં ગયાં. લગભગ ત્રણેક કી.મી. જેટલું ચઢ્યા પછી નદીની મધ્યે પથ્થરો પર જઈને બેઠા. ચારે બાજુ ઘનઘોર જંગલો જ હતાં. હવે તો કેડી પણ દુર્ગમ હતી. એવામાં એક બાજુથી વાંદરાઓનું ટોળું આવી ચડ્યું. અમે વાંદરાઓના નિશાન પર હોઈએ એવું લાગતું હતું ! તેઓ ખસતા ન હતાં. દુર્ગમ કેડીમાં રસ્તો પણ માલુમ પડતો ન હતો. છેવટે અમે પાછાં વળવાનું નક્કી કર્યું. વળી, થાક્યા તો હતા જ. ધીમે ધીમે છેક નીચે ભીંડોલ પહોંચ્યા. થોડો વિરામ કર્યો. આ રીતે ભીંડોલની યાદો મનમાં ભરીને દેવગઢબારિયા તરફ રવાના થયા. ભીંડોલથી ઉપરના રસ્તે ટ્રેકિંગ કરવા ન જતાં આસપાસનો વિસ્તાર જોઈને પાછા વળી જવું હિતાવહ છે.

સાંજ પડવા આવી હતી. અમે ગોધરા તરફ મૂળ રસ્તે પાછા વળી રહ્યાં હતાં. ચોમેર અંધકારનું સામ્રાજ્ય વ્યાપેલું હતું. બાજુમાં ઊભેલો માણસ પણ ન દેખાય એટલું અંધારું ! અમે એક જગાએ જીપ ઊભી રાખી. ઊતરીને થોડી વાર એક ઝાડ નીચે ઊભાં રહ્યાં અને નિર્જન વગડામાં બિહામણા અંધકારનો અનુભવ કર્યો. એ પછી એક ગામ આવ્યું ત્યાં ચાની લારી પર ચા પીધી. ગોધરા પહોંચ્યા ત્યારે રાતના નવ વાગ્યા હતા. એક દિવસનો આ અનુભવ અદ્દભુત અને અવર્ણનીય રહ્યો. થોડો વધુ સમય હોય તો દેવગઢબારિયા ગામનો એક આંટો મારી લેવા જેવો ખરો. સાફસુથરાં અને પહોળા રાજાશાહી વખતના રસ્તા, ગામને છેડે ટાવર, દેવગઢનો ડુંગર, ગામને પાદરે વિશાળ પટમાં વહેતી પાનમ નદી – આ બધું જોઈને દેવગઢબારિયાને પંચમહાલનું ‘પેરીસ’ કેમ કહે છે તે સમજાઈ જશે. ગોધરાથી 8 કી.મી. દૂર અમદાવાદના રસ્તે ‘સામલી’ નામના સ્થળે ‘નૈસર્ગિક વિહાર’ પણ જોવા જેવી જગ્યા છે.

સામાન્ય રીતે લોકો જાણીતાં સ્થળોએ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. પરંતુ રતનમહાલ જેવું ઓછું જાણીતું સ્થળ પણ ઘણું સરસ છે. પ્રકૃતિપ્રેમીઓને તો એ ગમવાનું જ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

24 thoughts on “રતનમહાલનો પ્રવાસ – પ્રવીણ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.