અમદાવાદ : આબોહવા, રસ્તા અને પોળો…. – વિનોદ ભટ્ટ

આ શહેરમાં મોટા ભાગે ઉનાળામાં ઠંડી નથી પડતી ને શિયાળામાં સાજા હોય તેમને પરસેવો નથી થતો, પણ ચોમાસામાં ક્યારેક ક્યારેક વરસાદ પડે છે, પરંતુ વરસાદની બાબતમાં હવામાનખાતાની જ્યારે આગાહી હોય કે આજે વરસાદનાં જોરદાર ઝાપટાં પડશે ત્યારે પેલી વઢકણી સાસુની જેમ ‘હું પડીશ એવું કહેનાર તું કોણ ?’ એવી રીસ સાથે એ દિવસે વરસાદ ધરાર નથી પડતો. આથી છાપામાં કે રેડિયો-ટીવી પર વરસાદ અંગે વર્તારો હોય એ દિવસે, મશ્કરી થવાના ભયે, આ નગરના લોકો છત્રી કે રેઈનકોટ સાથે રાખતા નથી ને પલળતાય નથી. કોઈક વાર શેખાદમ આબુવાલા જેવો કોઈ કવિ, ‘રેડિયો પે સુનકે મૌસમ કી ખબર, મેરા છાતા બેતહાશા હંસ પડા…..’ જેવી રમૂજ પણ કરી લે છે. આ કારણે જ હવે રેડિયો-ટીવી વગેરે પર ‘વરસાદ નહીં પડે તો હવામાન સૂકું રહેશે.’ એવી મોઘમ આગાહી કરવામાં આવે છે.

માગશરથી શ્રાવણ સુધીમાં અમદાવાદની હવા નીરોગી રહે છે. આ દિવસોમાં ડૉકટરો સિવાય ખાસ કોઈ માંદું પડતું નથી. આયુર્વેદનું જ કામ કરતા વૈદ્યોના મતે અમદાવાદની હવા સૂકી ને સારી ગણાય છે. દમના રોગીઓ સાજા થવા અમદાવાદ આવે છે ને મલેરિયા અથવા લૂને કારણે મરે છે, પણ દમથી તેમનો દમ નીકળતો નથી.

મૂડીવાદીઓ તરફ વિશેષ પક્ષપાત હોય કે ગમે તેમ, પણ મચ્છરો એલિસબ્રિજ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. નાની-મોટી બીમારીઓ તો અમદાવાદની મુલાકાતે આવે છે, પણ મહાપુરુષની જેમ પ્લેગ અમદાવાદની મુલાકાતે 18મી સદીમાં આવેલો. આવ્યો ત્યારે કદાચ લાંબું રોકાણ કરવાનો તેનો ઈરાદો નહીં હોય, પરંતુ આ શહેર ગમી જવાથી આઠ વર્ષ સુધી તે રહેલો ને વસતિ-નિયંત્રણમાં સારી એવી મદદ કરીને વિદાય થયેલો. અમદાવાદમાં શરૂઆતનાં વર્ષોમાં ભૂંડો જ શહેરનો કચરો ઓછો કરી ‘અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન’ વતી સેવા બજાવતાં, પણ જુદી જુદી બીમારીઓને કારણે ભૂંડો ઓછાં થતાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્થાપના કરવામાં આવી. તેણે જન્મ-મરણની નોંધો બરાબર રાખવા માંડી ત્યારથી શહેરનો મૃત્યુઆંક ઘટ્યો હોવાનું કૉર્પોરેશન માને છે.

અમદાવાદનું હવામાન મહેમદાવાદ કરતાં ખરાબ છે એ સિદ્ધ કરવા જહાંગીરે એક એક ઘેટાની ચામડી ઉતારીને બંને સ્થળે લટકાવેલી. અમદાવાદમાં ઘેટું કાંકરિયા તળાવ પર લટકાવ્યું હતું. ‘તઝુકે જહાંગીર’માં જહાંગીરે નોંધ્યું છે કે અમદાવાદમાં લટકાવેલું ઘેટું વહેલું બગડ્યું ને કોહવા લાગેલું…. આ પરથી જહાંગીર એ સાબિત કરી શક્યો કે મરેલાં ઘેટાંઓ માટે આ નગરનું હવામાન નુકશાનકારક છે. ‘મિરાતે સિકંદરી’માં નોંધાયા પ્રમાણે મહમ્મદ બેગડાનું મૃત્યુ અમદાવાદમાં થયેલું ને તેનો પુત્ર મુઝફ્ફર ચાંપાનેર રહેતો, પણ મરણ વખતે અમદાવાદ આવીને તેણે પ્રાણ તજેલા. આ હિસાબે આજે જેમ કાશીનું મરણ વખણાય છે તેમ એ દિવસોમાં અમદાવાદનું મરણ વખણાતું હોવું જોઈએ.

આ શહેર બંધાયું તે વખતે રસ્તા સલામતીને અનુલક્ષીને વાંકાચૂકા ને ગલી-કૂંચીઓવાળા પસંદ કરવામાં આવતા. એક ગલી કે પોળમાંથી બીજી પોળમાં આસાનીથી જઈ શકાતું. પોતાના લેણદારોથી મોં છુપાવવા ઈચ્છતા લોકો માટે આવા ગલી-કૂંચીવાળા રસ્તાઓ આશીર્વાદરૂપ ગણાતા. શરૂઆતમાં ભદ્રથી સ્ટેશનને જોડતો એક જ રાજમાર્ગ હતો. જે ‘રીચી રોડ’ તરીકે ઓળખાતો. પાછળથી તેનું નામ ‘ગાંધીમાર્ગ’ પાડવામાં આવ્યું. આ ગાંધીમાર્ગ નામ કેટલું સાર્થક છે એ તેના પર ચાલનાર જાણે છે. ગાંધીમાર્ગ પર ચાલવું કેટલું વિકટ છે તેની પ્રતીતિ કરવા માટેય આ માર્ગ પર ચાલવું પડે. ગાંધીજી અત્યારે હયાત હોત ને આ રોડ પરથી તેમને વારંવાર પસાર થવાનું બન્યું હોત તો તેમને ઠાર મારવાની તક કદાચ ગોડસેને ન મળી હોત. આ ગાંધીમાર્ગને ‘વન-વે’ જાહેર કરવામાં આવ્યો છે – એકમાર્ગી રસ્તો ! આમ જોવા જઈએ તો ગાંધીમાર્ગ ‘વન-વે’ જ હોય છે. થોડાક શહેરીજનોએ તો ગાંધીનગરનો રસ્તો ‘વન-વે’ કરવાનીય માગણી મૂકી છે. જેને ગાંધીનગર જવું હોય તે ભલે ત્યાં જાય. જવાની છૂટ. પાછા આવવાની બંધી ! આપણે આ પ્રધાનોને ચૂંટીને ગાંધીનગર મોકલી આપ્યા છે. એ ત્યાં સુખી રહે ને પ્રજા અહીં ! એ તરફ જોવું જ નહીં. આમ જોવા જઈએ તો સ્મશાનનો રસ્તો પણ ‘વન-વે’ જ છે. અહીંથી ત્યાં જવાય ખરું. પાછા અવાય નહિ. કદાચ એટલે જ મરતી વખતે માણસ આંખો મીંચી દેતો હશે. પાછા વળવાનો રસ્તો ભૂલી જવા માટે તે આમ કરતો હશે, કોણ જાણે !

અમદાવાદ એ પોળોનું શહેર છે. અહીં સરિયામ રસ્તાઓ પર બંધ થઈ શકે એવા દરવાજાવાળી પોળો છે. છ ઘરોની પોળથી માંડીને ત્રણ હજાર ઘરોની પોળ પણ આ શહેરમાં છે. અમદાવાદની મોટામાં મોટી ગણાતી માંડવીની પોળ વિશે કોઈકે લખ્યું છે કે એ પોળ એટલી બધી મોટી છે કે તેમાં સોમવારે પેઠેલો માણસ મંગળવારે તેમાંથી બહાર નીકળી શકે. આ વિધાનમાં એટલો ઉમેરો કરવાનો રહે કે જો પેસનાર સાચી ગલીઓ પસાર કરતો કરતો નીકળે તો જ મંગળવારે નીકળી શકે. બાકી તો ગુરુ કે શુક્રવાર થઈ જાય તો નવાઈ નહીં. આ પોળમાં વસતિ હિન્દુઓની છે કે મુસલમાનોની એ જાણવા માટે એક નિશાની છે. જે પોળમાં ગાયો વધારે દેખાય એ હિન્દુઓનો લત્તો ને બકરીઓ વધુ ભમતી જણાય તો મુસ્લિમોનો મહોલ્લો. હિન્દુઓના વિસ્તારોમાં ગાયો પુષ્કળ પ્રમાણમાં ફરતી-ચરતી ને લોકોને શિંગડાં મારીને શુકન કરાવતી હોય છે. ગાયોનો પ્રિય ખોરાક છાપાંની પસ્તી છે. ગમે તેવા સમાચારો તે હજમ કરી શકે છે. દોહવાને ટાણે રબારીઓ પ્રેમાળ ડચકારા બોલાવી દોહી ફરી પાછી છૂટી મૂકી દે છે. ગાયોના સ્વૈરવિહારની આડે તે આવતા નથી.

પશુ-પંખી ને પ્રાણીઓ તરફ પ્રજાને વિશેષ પ્રીતિ હોવાને કારણે એ પ્રકારનાં નામોવાળી ઘણી પોળો આ શહેરમાં છે. કીડી-મંકોડાની પોળ, દેડકાની પોળ, ખિસકોલીની પોળ, ચામાચીડિયાની પોળ, બકરી પોળ, વાઘણ પોળ વગેરે…. ને રાયપુરમાં પખાલીની પોળ અને લાંબા પાડાની પોળ બાજુ બાજુમાં આવેલી છે. શહેરમાં તોફાનો વખતે લાંબા પાડાની પોળનાં છોકરાં તોફાન કરે ને પોલીસના હાથનો માર પખાલીની પોળના છોકરાઓને ખાવો પડતો. આથી ‘પાડાના વાંકે પખાલીને ડામ’ એવી કહેવત પડી છે. આ શહેરમાં ઝૂંપડીની પોળ છે ને બંગલાની પોળ પણ છે. ખીજડાની પોળ પણ છે ને હીજડાની પોળેય છે. આ પોળોમાં કેટલાંક ઘરો એવાં છે જેનાં બારણાં ત્રણ ત્રણ પોળોમાં પડે છે. આનો મોટામાં મોટો ફાયદો એ છે કે ત્રણેય પોળોના મુરતિયા પર ચાંપતી નજર રાખી શકાય છે ને પોતાની દીકરી માટે એમાંથી ઉત્તમ જણાતા છોકરાને પસંદ કરી શકાય છે. લગ્નસરામાં ત્રણેય પોળોના જમણવારમાં સામેલ થઈ શકાય છે. આ સિવાય આમ નાનો પણ સ્ત્રીઓ માટે મહત્વનો કહી શકાય એવો ફાયદો એ છે કે નવરાત્રી ટાણે ત્રણેય પોળોમાં થતા ગરબાની લહાણીઓ પ્રાપ્ત થાય છે. દરેક પોળ પાસે એક દેવાલય, એક કૂવો ને એક પરબડી આટલું તો પોતાનું હોય છે. ખાસ કરીને ઈશ્વર તો પોતાનો અલાયદો જ હોવો જોઈએ એવો આગ્રહ દરેક પોળવાળાનો રહે છે. બાજુની પોળનો ઈશ્વર ન ચાલે. એ સમયમાં પોળવાળા સહિયારા કૂવામાંથી પાણી ભરતાં ને વહુવારુઓને દુઃખ પડે ત્યારે એ જ કૂવાને ઉપયોગમાં લેવાતો. બાપના (એટલે કે વરના બાપના) કૂવામાં જ ડૂબી મરવાનું એ જમાનાની સ્ત્રીઓ પસંદ કરતી.

ચોરી, લૂંટફાટ, ધાડ વગેરે સામે રક્ષણ મેળવવા શ્રીમંત લોકો પોતાનાં મકાન પોળના ખૂણામાં ધરાવવાનું પસંદ કરતા, પણ પછી પોતાના કરતાંય પડોશીઓ તેમની મિલકત અંગે વધારે જાણકારી ધરાવે છે એવો વહેમ જતાં એ લોકો પોળનું ઘર કાઢીને શહેરથી દૂર, એકલા-અટૂલા બંગલામાં રહેવા લાગ્યા. ને આમ સોસાયટીઓ અમલમાં આવી. તેમ છતાં પોળનું મહત્વ ઘટ્યું નથી. આજે પણ સોસાયટીમાં મકાન મેળવવા કરતાં પોળમાં મકાન ભાડે મેળવવું અઘરું છે. આ અંગેની એક રમૂજ એવી છે કે કાંકરિયા તળાવમાં ડૂબતો એક માણસ ‘બચાવો બચાવો’ની બૂમો પાડતો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા એક માણસે તેને પૂછ્યું, ‘તું ક્યાં રહે છે ?’ ડૂબનાર માંડ, પોતાનું નામ-સરનામું બોલી શક્યો. પેલાએ ખિસ્સામાંથી ડાયરી કાઢી એ બધું ટપકાવી દીધું. પછી પેલાને બચાવવાને બદલે ડાયરી બંધ કરી ખિસ્સામાં નાખી શ્વાસભેર દોડવા માંડ્યો. ડૂબનાર તો ડૂબી ગયો, ડાયરીવાળો ડૂબનારના ઘેર ગયો, તેના મકાનમાલિકને કહ્યું :
‘શેઠ, પેલા મગનલાલ માધવલાલ તમારે ત્યાં ભાડૂત તરીકે હતા ને….!’
‘હા તે….’
‘તે હમણાં જ કાંકરિયામાં ડૂબી મૂઆ…. તેમનું ખાલી પડેલું મકાન ભાડે આપો ને !’ જવાબમાં મકાનમાલિક લાચારીભર્યા અવાજે બોલ્યો : ‘સૉરી, તમે થોડા મોડા પડ્યા. મગનલાલને કાંકરિયામાં ધક્કો મારનાર ચંપકલાલને મેં ઘર ભાડે આપી દીધું…..’

અત્યારે આને આપણે ‘જોક’ માની હસી પડીશું, પણ વીસ-પચ્ચીસ વર્ષ બાદ કદાચ આ વાસ્તવિકતા હશે. કોઈ પણ મકાન આગળ ‘ખાલી’ શબ્દ સાંભળવા નહિ મળે. કહે છે કે મહમ્મદ બેગડો પણ એ સમયમાં મકાન ખાલી ન રહે તેની તકેદારી રાખતો. કોઈ મકાન ખાલી જણાય તો બહારથી કોઈને લાવીને તેમાં વસાવી દેતો. આ લખતાં મને એક કલ્પનાતરંગ થાય છે. મહમ્મદ બેગડો કોઈ ખાલી મકાનનું ચિત્ર જોતો બેઠો હોય. ચિત્રમાંનું મકાન ખાલી જણાતાં તરત જ તે ચિત્રકારને બોલાવી મંગાવી પૂછે : ‘આ મકાન ખાલી કેમ છે ?’
‘બાદશાહ સલામત, આ ભૂતિયા મકાનનું ચિત્ર છે એટલે ખાલી રાખ્યું છે….’ ચિત્રકાર બચાવમાં બોલે.
‘હું એવા વહેમ-બહેમમાં નથી માનતો…. અંદર માણસો ગોઠવી દો….’ મહમ્મદ બેગડાનો હુકમ થાય….

દરેક પોળ પાસે પોતાની અંગત માલિકીની એક પરબડી હોય છે. ભગવાન કોઈને ભૂખ્યા સુવાડતો નથી એ કહેવત સાચી પાડવા નહિ, પણ પાપ કરવાની પ્રેરણા મળી રહે એ વાસ્તે પરબડી પર પંખીઓ માટે ચણ નાખવામાં આવે છે. એ ખરું કે નગરની પ્રજા શ્રદ્ધાળુ ને પાપભીરુ છે. રસ્તાની વચ્ચોવચ બેઠેલી ગાય ટ્રાફિકને અડચણ કરતી હોય તોપણ પાપ લાગવાના ભયે રસ્તા પરથી તેને ઊભી કરવાનું આ નગરવાસીઓ ટાળવાના. અમુક પોળોમાં કલાત્મક કોતરણીવાળી પરબડી હોય છે તો કેટલીક પોળોમાં સાદી પરબડી હોય છે. બે ખાલી ઑટોરિક્ષાઓ ઊભી હશે તો અમદાવાદી સારી ને નવી રિક્ષા પહેલાં થોભાવી તેમાં બેસવાનું પસંદ કરશે, તેમ આ નગરનાં પંખીઓ સાદી પરબડીને બદલે કલાત્મક, આંખને ગમે તેવી પરબડી પર ચણવાનું વધુ પસંદ કરે છે. ડિશ સારી હોય તો ભોજન પણ સારું લાગે એવું પંખીઓ પણ માનતાં હોવાથી અમુક પરબડીઓ પર પંખીઓની ઘણી ભીડ હોય છે, જ્યારે કેટલીક સાવ ખાલી રહે છે….!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

38 thoughts on “અમદાવાદ : આબોહવા, રસ્તા અને પોળો…. – વિનોદ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.