સંસ્કારનો વારસો – રણછોડભાઈ જે. પોંકિયા

[ જીવનપ્રેરક કથાઓ અને સત્યઘટનાઓના ગત વર્ષે પ્રકાશિત થયેલા પુસ્તક ‘જનનીની જોડ સખિ !…..’ માંથી આ સત્યઘટના સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રણછોડભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9898226220 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

દશેક વરસ પહેલાંની વાત. સમય દિવસના દોઢેક વાગ્યાનો થયો હશે. હું જમીને ઘડીક વામકુક્ષી કરવા પલંગમાં આડે પડખે થઈ કંઈક વાચન કરતો હતો. ધીરે ધીરે આંખો ઘેરાવા માંડી હતી. એવામાં કોઈએ ડેલીનું બારણું ખટખટાવ્યું. ‘કોણ હશે ?’ પ્રશ્ન સાથે ઊઠીને જોયું તો ઘર આગળ એક ગાડી ઊભી હતી. એના ડ્રાઈવરે બારણું ખટખટાવ્યું હતું.

ગાડીમાંથી એક શિક્ષિત અને જાજરમાન કુટુંબના સભ્યો – ચાલીસેક ઉંમરનો પુરુષ, એમનાં પત્ની, બે કિશોરવયની પુત્રીઓ અને એક પુત્ર – એક પછી એક ઊતર્યાં. હું ડેલીના બારામાં ઊભો ઊભો જોતો હતો. કંઈ ઓળખાણ પડતી ન હતી. મારે મન બધાં અજાણ્યાં હતાં. ગાડીમાંથી ઊતરતાંવેંત એ ભાઈએ મને પ્રશ્ન કર્યો :
‘રણછોડભાઈ પોંકિયા તમે ?’
‘હા, હું જ રણછોડભાઈ….’ મેં બધાને આવકાર્યા. સૌને હાથ જોડીને નમન કરવાની ચેષ્ટા સાથે વિવેક કર્યો. હું અચરજ અને સંકોચ પામીને થોડું પાછળ ખસ્યો.
‘મને ઓળખ્યો ?’ આવનારભાઈએ પૂછ્યું.
‘અંદર આવો… પાણીબાણી પીવો… ઓળખાણ તો પડી નથી પરંતુ કંઈક ઠંડુ કે ગરમ લઈને પછી તમે જ ઓળખાણ પાડજો….’ મેં સ્વાભાવિક વિવેક કર્યો.

તેઓ બોલ્યા : ‘હું જનુભાઈ મહેતા – તમારી સાથે જે સર્વિસ કરતા હતા એમનો પુત્ર મનહર અને આ મારો પરિવાર. નાનપણે હું તમારી આંગળીએ ખૂબ રમ્યો છું. એ બધું હજું મારા મનમાં તાજું થયા કરે છે….’
‘ઓહોહો….! ભાઈ મનુ……. કેટલાં વરસ થઈ ગયાં ! અહીં હતો ત્યારે સાવ નાનો હતો. હવે તો તુંકારો કરતાંય સંકોચ થાય છે…..’ હું ખૂબ ખુશ થઈને લાગણીવશ થઈ ગયો. બધાંને મેં ઘરમાં બેસાડ્યાં. યોગ્ય આસન આપી ચા-પાણી પાયાં. જમવાનો ખૂબ આગ્રહ કર્યો પરંતુ તેઓ વચ્ચેના શહેરમાંથી જમી-પરવારીને નીકળ્યા હોવાનું જણાવતાં હું આગ્રહ છોડીને અતીતમાં ખોવાઈ ગયો.

સને 1960-61ની આસપાસમાં જનુભાઈ વી. મહેતા અમારા ગામ મજેવડીમાં ગ્રામપંચાયતના તલાટી/મંત્રી હતા. હું ગ્રામપંચાયતમાં કલાર્ક તરીકે એમના હાથ નીચેનો કર્મચારી હતો. અમારી ઑફિસની સામે જ પંચાયતના કમ્પાઉન્ડમાં મંત્રી-ક્વાર્ટર હતું. એમાં જનુભાઈ કુટુંબ સાથે રહેતાં હતાં. એમનાં બાળકો હજુ નાનાં હતાં. જનુભાઈ અને તેમનાં પત્ની મૃદુલાબેન – બંને ખૂબ ભલાં, માયાળુ અને મળતાવળાં સ્વભાવનાં હતાં. હું એમનો કલાર્ક હતો પણ તેમણે તેમના સ્વભાવ પ્રમાણે ગામમાં રહ્યા ત્યાં સુધી મને નાનોભાઈ જ ગણ્યો હતો. તેમાંયે મૃદુલાબેન તો ખાસ. એમનો સ્વભાવ આનંદી, ઉદાર અને પ્રેમાળ. બે-ચાર દિવસે ઘરમાં કંઈક નવીન જમવાનું બનાવે એટલે મારે વગર આનાકાનીએ એમને ત્યાં રોકાઈ જવું પડે. જો કંઈ હા-ના કરું તો મારે બેનના અનેક પ્રશ્નોના જવાબ આપવા પડે, એ પછી મારી ના પાડવાની હિંમત જ ન થાય ! એ વખતે જનુભાઈનો આ બાબો પાંચ-છ વર્ષનો હશે. એ જમાનામાં તેની ઉંમરના બધા છોકરા શાળાએ જાય ત્યારે ઘરેથી દશિયું કે પાવલી લઈને નીકળે. બજારમાંથી પીપરમીટ-બિસ્કીટ જેવું ખાવાનું લેતાં જાય. બાળકોની ભાષામાં એને ‘ભાગ’ કહે. આજે સુધરેલી ભાષામાં એને ‘પોકેટમની’ કહે છે. મનહર પણ એ માટે અમારી ઑફિસે જનુભાઈ પાસે આવે.

જનુભાઈની માન્યતા એવી કે બાળકોને બહુ પૈસાના હેવાયા ન કરાય. એ બજારમાં જેવી તેવી ચીજો ખાઈને તબિયત બગાડે. વળી સાથે સાથે ખરાબ ટેવ પણ પડે. આવા કારણે મનહર જનુભાઈ પાસે પૈસા માંગતાં અચકાય પરંતુ બાળસહજ સ્વભાવને કારણે લાલચ છોડી ન શકે. તેને ઑફિસની લૉબીમાં આમતેમ આંટા મારતો જોઈ હું સમજી જતો. મને બાળકો પ્રત્યે પહેલેથી લાગણી વધારે. એથી મારા ટેબલેથી ઊઠીને હું બહાર આવી, મનહરના હાથમાં એકદમ દશિયું કે પાવલી પકડાવી રવાના થવાનો ઈશારો કરું. એ રાજી રાજી થઈ દફતર ઝુલાવતો નિશાળે ઉપડી જતો. નાનાં બાળકોની ખાસિયત હોય છે કે એમને એક વખત કંઈક ગમતું આપો એટલે એ દરવખતે તમારી પાસે અપેક્ષા રાખે છે. તેના તરફ લાગણી બતાવો એટલે તરત એનામાં પડઘો પડે છે. તમારા સારાનરસા ભાવો તે ઓળખી લે છે. અમારે પણ આવું જ થયેલું. મનહર હવે રોજ આવે. ઑફિસની લૉબીમાં જનુભાઈ ન દેખે એમ ઊભો રહી મારું ધ્યાન ખેંચવા ઈશારા કરે. હું બહાર નીકળી જનુભાઈની જાણબહાર મનહરને પોકેટમની પકડાવી દઉં…એ ખુશ થઈ કૂદતો કૂદતો રવાના થઈ જાય… એને જોઈને મને પણ આનંદ થયો.

આ મનહર નાનપણે બહુ તોફાની હતો. શાળામાં અને શેરીમાંથી ક્યારેક ક્યારેક એની ફરિયાદ આવતી. જનુભાઈ જરાક કડક થઈને મને ટકોર કરતાં : ‘તમે મનુને પૈસા આપીને બગાડો છો.’ હું એમને જવાબ દઈ દેતો કે, ‘બાળકો નાના હોય ત્યારે તોફાની જ હોય. મોટા થાય અને વેળા પડે ત્યારે આપમેળે સુધરી જાય. તમે રોજ સવારમાં પૂજા કરો છો એ કાનુડો નાનો હતો ત્યારે કેવો તોફાની હતો ! મોટો થયા પછી જગતને કેવી ભેટ આપી ? મનુ પણ આપમેળે ગંભીર થઈ જશે….’

આ વાતને ત્રીસ-પાંત્રીસ વર્ષ થઈ ગયેલાં. દરમ્યાન જનુભાઈને પ્રમોશન મળતાં તાલુકા મથકે ગયેલા અને આમ જ સમય પસાર થતાં ઓચિંતા એમને ઈશ્વરના ઘરનું તેડું પણ આવી ગયેલું. હું પણ ઉંમરના કારણે નિવૃત્ત થઈ ગયેલો. સંસારની અનેક જંજાળોમાં મને એ બધી વાતો વિસારે પડી ગઈ હતી પરંતુ મનહરના નાનપણના કોરી પાટી જેવા માનસમાં અંકાઈ ગયેલા આ પ્રસંગો, બાળપણની ખેલકૂદની એ જગ્યા અને મિત્ર જેવા થઈ ગયેલા આ રણછોડભાઈ મોટપણે પણ તેને વિસરાયા નહોતા. આ બાજુ આવવાનું થતાં આજે તેઓ મને મળવા અને બાળપણની જૂની વાતો અને યાદો તાજી કરવા ઘણે દૂરથી ગાડી લઈને સહકુટુંબ – પત્ની માયાબેન, બેપુત્રીઓ લોપા અને પૌલોમી તથા પુત્ર આદિત્ય સાથે ખાસ પધારેલા.

થોડી જૂની વાતો કરી લીધા પછી મેં પૂછ્યું : ‘ભાઈ, હવે કોઈ વ્યવસાયમાં છો કે સર્વિસમાં ?’
‘હું સેસન્સ કોર્ટમાં જજ છું. હમણાં જ મારી બદલી અમદાવાદ થયેલ છે. ત્યાંથી અમે બધાં આવીએ છીએ.’ તેમની વાત સાંભળી હું ખૂબ શરમિંદો થઈ ગયો. અત્યાર સુધી મેં તેને મનહર જ ગણીને વાતચીતમાં તુંકારો ભણ્યો હતો. મને બહુ રંજ અને સંકોચ થયો. મારે હવે ‘મહેતા સાહેબ’ નામથી જ ઉદ્દબોધન કરવું જોઈએ એમ લાગ્યું. વળી પાછા અમે વાતોએ વળગ્યાં. વાતવાતમાં ભૂતકાળનો એક પ્રસંગ સમયનાં પોપડાં ઉખેડીને યાદ આવ્યો.

2જી જુલાઈ, 1960ના રોજનો દિવસ ઊગ્યો. જો કે એ દિવસ દેખાયો નહોતો. બે દિવસથી ધોધમાર વરસાદ વરસતો હતો. તેમાં આગલી રાતે ઉબેણ નદીના મથાળે આવેલા ભેંસાણ-રાણપુર પાસે વહેલી સવારે વાદળ ફાટ્યું ! અમારી આ ઉબેણ લોકમાતા મટી જઈને વિકારળ સ્વરૂપમાં બદલાઈ ગઈ હતી… કાંઠાની બધી મર્યાદા છોડી ઊભરાઈ પડી…ગાંડી થઈ ગઈ હતી… તેના કાંઠાના પંદરેક ગામોને બેરહમ થઈ ઘમરોળી નાખ્યાં. એમાં અમારું ગામ મજેવડી પણ આવી ગયું. એ વખતે ખેડુતો, વસવાયાં, મજૂરો, કોળી, વાઘરી, હરિજનો… બધાંનાં ઘરો જૂનવાણી ઘરેડનાં ગરમાટીનાં હતાં. તેઓ ઉબેણનો આ કોપ ન જીરવી શક્યાં. ગામમાં પાણી ફરી વળતાં બધાં ઘર ધરાશાયી થઈ ગયાં ! તેમાં યે નબળા વર્ગનાં તો તમામ ઘર અને ઘરવખરી સહિત બધું જ સાફ થઈ ગયું….! તેઓ માંડ જીવ બચાવી રાતોરાત બાળ-બચ્ચાં સાથે ઉંચાઈ પર આવેલું પંચાયતનું જે કમ્પાઉન્ડ હતું ત્યાં આશરો લેવા આવી ગયાં. એ વખતે જનુભાઈ હજુ તાજા જ બદલી થઈને આ ગામે આવેલાં. તેઓ પંચાયતના કમ્પાઉન્ડમાં સામેના ભાગમાં રહેતા હતાં. તેમણે તરત ઊઠીને આ લોકોને પંચાયત કચેરીના રૂમ અને લોબીમાં તેમજ બાજુમાં જ પ્રસુતિગૃહનું મોટું મકાન તૈયાર થયેલું હજી ખાલી હતું – ત્યાં સગવડ કરી આપી. વધારાનાં હતાં એમનો પોતાની લોબીમાં સમાવેશ કરી આપ્યો. આવી સ્થિતિમાં તેમનાં બાળકોને રોક્કળ કરતાં જોઈને મૃદુલાબેનનું હૈયું કકળી ઊઠ્યું. આ રાતના અંધારામાં તો બીજું કંઈ થઈ શકે એમ નહોતું એટલે એમણે પાડોશમાંથી મળે એટલું દૂધ મેળવીને ચુલા ઉપર ચાનો ટોપ ચડાવી દીધો ! બધાંને એવે વખતે ચા પીવડાવીને ટાઢ ઉડાડવાની કોશિશ કરી. ઘરમાં બાળકો માટે સુકા નાસ્તાનો ડબ્બો ભર્યો હતો, તે સૌ બાળકોને આપીને રડતાં બાળકોને છાનાં રાખ્યાં… જનુભાઈનું પણ દિલ દ્રવી ઊઠ્યું. એમણે તરત જ ચાલુ ચુલાએ જ સાઠથી સિત્તેર માણસો માટે ખિચડીનું આંધણ મુકાવી દીધું. ઘરનાં બધાં સેવામાં લાગી ગયાં.

સવાર થયું. ગામ આગેવાનો એક પછી એક આવ્યા. આ વ્યવસ્થા જોઈ તેઓ તાજુબ થઈ ગયાં. પછી બધાએ મળીને તાત્કાલિક આ બધાની વ્યવસ્થા હાથોહાથ સંભાળી લીધી. એ જમાનામાં ફોનની સગવડ નહોતી. રેડિયો કે ટીવી પણ નહોતાં. વાહનવહેવાર પણ ખોરવાઈ ગયો હતો. ખાલી પ્રાદેશિક છાપાં આવતાં. આથી આ હોનારતનો દૂર કોઈ સેવાભાવી સંસ્થાઓ કે શેઠિયાઓ સુધી હજુ પડઘો પડ્યો ન હતો. સ્થાનિક આગેવાનોને પણ સૌસૌના પ્રમાણમાં મકાન, ઘરવખરી અને ખેતીનાં નુકશાન થયાં હતાં. બધાંની સાથે જનુભાઈ જોડાઈ ગયાં. આ કામ કરતાં કરતાં ચોથે દિવસે જનુભાઈએ મને એક બાજુ લઈ જઈ કહ્યું : ‘રણછોડભાઈ, આપણે કોઈ ન જાણે એમ એક ખાનગી કામ કરવાનું છે…..’ એમ કહીને એમણે મારા હાથમાં મૃદુલાબેનની બે સોનાની બંગડીઓ મૂકી, ‘આને વટાવીને જે પૈસા આવે તે લઈ આવો….’
હું મૂઢ બનીને બેઉની સામે જોઈ રહ્યો અને પછી બોલ્યો : ‘ભાઈ, આટલું બધું આ શું કરવા ?….’
‘તમે સમજો… ઈશ્વરે આપણને આ મોકો આપ્યો છે…. માણસથી વધારે શું છે બીજું ?’
હું જવાની તૈયારી કરતો હતો ત્યાં રાજકોટથી રામકૃષ્ણ આશ્રમ તરફથી રાહતની તમામ સામગ્રી લઈ બે ગાડીઓ આવી. મેં હાશકારો લઈ હસ્તે મુખે બેનના હાથમાં બંગડી પાછી આપી. ઊભરો ભરાઈ આવ્યો અને એમની આંખો ભીની થઈ ગઈ…

સામાન્ય રીતે નોકરિયાત ઘરોમાં અને ગામમાં તલાટી તથા પોલીસની છાપ પરાપૂર્વથી ખરાબ હોવાની માન્યતા હોય છે. સમાજ માને છે કે તલાટી અને પોલીસમાં કોઈક અપવાદ સિવાય કોઈ સારા હોતા નથી ! જનુભાઈ અને મૃદુલાબેને આ માન્યતાનો છેદ ઉડાડી નાખ્યો ! ઉપરોક્ત પ્રસંગ એ ભયાનક ઓછાયો હતો. આજે પચાસ વર્ષ પછી પણ એ ભુલાતો નથી. જનુભાઈના સુપુત્ર મનહરભાઈ સાથે આવા અમે અનેક સંભારણાંઓ યાદ કરીને હરખભેર છૂટાં પડ્યાં.

આ મુલાકાત પછી તેમની બદલી જામનગર, ભાવનગર એવી ઘણી જગ્યાએ સૌરાષ્ટ્રમાં થયેલી અને છેલ્લે તેઓ ધોરાજી હતાં. તેમના વર્તનમાં જરાય મોટાઈ નહીં. હું નાનો કર્મચારી અને ગામડાનો ખેડૂત માણસ છું એવા ભાવથી મનહર સાહેબે ક્યારેય અતડાપણું બતાવેલું નહીં. સાવ જનુભાઈ અને મૃદુલાબેન જેવા નિખાલસ… ઘરમાં બધાં જ સંસ્કારી. કોઈને મોટા હોદ્દાનું કોઈ ગુમાન નહીં. એક વખત મનહરભાઈને મેં પૂછેલું, ‘સાહેબ, હું માનું છું ત્યાં સુધી તમારા માટે કોડ ઑફ કન્ડકટ એવો હોય છે કે જાહેરમાં બધાં સાથે બહુ હળીમળી ન શકાય કે એવા સંપર્કો રાખી ન શકાય. શક્ય એટલી અલિપ્તતા જાળવવી જોઈએ. તો આપણા સંબંધોથી તે બાબતે કંઈ હરકત તો ઊભી નથી થતીને ?’
‘જુઓ વડીલ, અમે જજ પણ આખરે તો માણસો જ છીએ ને ! અમેય સમાજનું એક અંગ છીએ. અમારેય સામાજીક પ્રસંગો અને વહેવારો હોય છે. હા, એટલું ખરું કે એ સંબંધોનો ક્યારેય દૂરઉપયોગ ન થઈ જાય એની તકેદારી રાખવી જોઈએ. બાકી, આપણે માણસ એટલે સામાજીક પ્રાણી… સમાજથી અલિપ્ત કેવી રીતે રહી શકીએ ? અને તમે તો મારા અંગત ગણાવ, આપણે ક્યારેય વ્યવસાયની વાતો નહીં કરીએ….’

એમને વાંચનનો શોખ પણ સારો. મારી ઘણી બધી વાર્તાઓ વાંચી મને પ્રોત્સાહિત કરતા. મને પણ તેમની સાથે વાર્તાલાપમાં આનંદ આવતો. અમારા ગામની પૂર્વે ઉબેણ નદીના સામે કાંઠે જાગનાથ મહાદેવનું પુરાણું મંદિર છે. ગામથી અલગ એકાંતમાં આ સ્થળ આવેલું છે. આજુબાજુ ઝાડની ઘટાઓ છે. સંસારની જંજાળોથી થાકેલા માણસને બેઘડી શાંતિ મળે એવું એકાંત છે. મહેતાસાહેબ શ્રદ્ધાળુ જીવ. ધોરાજીથી જૂનાગઢ વળતાં વચ્ચે ઘણી વખત મંદિરે આવી કલાક બે કલાક બેસી શાંતિ મેળવી માનસિક બોજ હળવો કરી જાય… આમ એ બાળપણના તોફાની મનુએ મોટપણે ‘મહેતાસાહેબ’ થઈ જનુભાઈ અને મૃદુલાબેનના સંસ્કારનો વારસો જાળવી રાખ્યો છે.

[કુલ પાન : 148. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : રણછોડભાઈ જે. પોંકિયા. પોંકિયા શેરી, મજેવડી, તા.જી. જૂનાગઢ-362011. મોબાઈલ : +91 9898226220]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અમદાવાદ : આબોહવા, રસ્તા અને પોળો…. – વિનોદ ભટ્ટ
ગ્રીષ્મના તાપમાં ખોવાયેલા આપણે….. – પંકજ ત્રિવેદી Next »   

34 પ્રતિભાવો : સંસ્કારનો વારસો – રણછોડભાઈ જે. પોંકિયા

 1. Neha..... Harsh says:

  2જી જુલાઈ, 1960ના
  ઉબેણ નદીના મથાળે આવેલા ભેંસાણ-રાણપુર {માડવા}

  આ જ મારુ વતન છે.

  ખરેખર વતનની વાતો યાદ આવી ગઈ………..

 2. કૌશલ says:

  ખુબ જ સુંદર લેખ.

  જ્યાં આપણા બાળપણ વિતેલ હોય તે જગા હંમેશા માટે યાદ રહેતી હોય છે,

  આભાર – રણછોડભાઈ જે. પોંકિયા ને મ્રુગેશભાઈ ને કે આવો સરસ લેખ સાઈટ પર રજુ કરવા બદલ

  લી – કૌશલ પારેખ

 3. ખુબ સુંદર.

  જ્યારે માણસ બીજા ને બચાવવા પોતાની મિલ્ક્ત પણ વેચતા ખચકાય નહિ તેના પરથી તેમની સેવા પરાયણતાનો ખ્યાલ આવે છે.

 4. manish says:

  ખુબજ સરસ લેખ છે

 5. maitri vayeda says:

  ખુબ જ સરસ.

 6. Bharat says:

  ખુબ સરસ. મા બાપ જેઉ થાઊ જ અગત્ય નુ છે.

 7. aravinad says:

  રણ માં મીઠી વીરડી જૅવૉ લૅખ

 8. તરંગ બી. હાથી says:

  ખૂબ સ-રસ લેખ

 9. હિરલ says:

  પરોપકર, માણસાઇ, લાગણી, સંબંધો, સેવા, કેળવણી વગેરે.
  એક જ લેખમાં ઘણું બધું.

  ખુબ સરસ અને પ્રેરણાદાયી લેખ.
  આભાર.

 10. Veena Dave. USA says:

  સરસ.
  મન પર છાપ પાડે એવી સત્ય વાત.
  આભાર.

 11. Dilip patel (Bharodiya) says:

  નાન માણસ ની મોટાઈ વિશે ઘણા લેખ આવી ગયા, પણ આ વાર્તામાં રહેલ મોટા માણસ ની માણસાઈ સ્પર્શી ગઈ.

  ખુબ સુંદર વાર્તા.

 12. VRAJ KUMAR---V .K. says:

  ખુબજ સરસ વાચિને ખુબજ આનન્દ થયો . મારિ પાસે શબ્દો નથિ

 13. Rajni Gohil says:

  સાચા સંસ્કારો તો પ્રસંગ આવ્યે દેખાયા વગર રહે જ નહીં. ખુબ જ સુંદર અનુકરણીય પ્રસંગ બદલ રણછોડ ભઇ નો આભાર.

 14. Gajanan Raval says:

  People may not be as good as we expect them to be but they are not as bad as we think them to be!!
  It should be…we have to be nice to everyone….whether a Talati Sweeper or a judge….
  Greenville,SC,USA

 15. sailesh, mankad says:

  આજ કાલ આ સન્સકરો ક્યા જોવા મલે , ખૂબ સ-રસ લેખ

 16. nitin says:

  khub j saras ane hraday bhijavi nakhe tevo prasang.lekhak,tatha mrugeshbhi,no aabhar
  have saru vanchava nu kya male chhe.aavu sundar sahitya pirsya karo tevi namra vinanti
  Mrugeshbhai

 17. gmjadeja says:

  ઘનોજ સરસ લેખ અભિનન્દન

 18. manhar janubhai mehta says:

  The story of the day of retirement of the writer Ranchhodbhai Ponkiya..must be read………which very inspiring ……even to me in today’s scenario…….and built up trust in almighty..

 19. જનનિ નિ જોદ વચવ જેવુ પુશ્તક્

 20. Anjana Adhikari{anju} says:

  this very goo d . and Iam one of the beti of janubhai mehta

 21. Anjana Adhikari{anju}a says:

  this is real story and Iam the witness of all this thing. because Iam janubhai meheta’s beti(anju)give regards to Ranchhod bhai
  yours
  Anjana Adhikari

  • JAYENDRA PANCHAL says:

   તમારા મા બાપ જેવા મા બાપ સૌ ને મલે તેવી આશા. પ્રેરક્ ઘટ્ના.

   લી.
   જયેન્દ્ર ચિમનભાઇ પંચાલ
   (મુ. ધામા, તા. પાટડી, જિ. સુરેન્દ્રનગર)

 22. Hiren says:

  બહુ સરસ લૅખ

 23. ashish patel says:

  કોથા ના સન્શકાર પાછા નૈ પદે.

 24. Jaimini Mehta says:

  Namaste, I am so impressed. I am so proud that Manharbhai is my brother in law and Janukaka is my husband’s uncle.

  • dhaval.bhavnagar says:

   ખુબ જ સરસ સત્ય ઘટના…………. આવા માણસો મલતા નથિ હવે………………. આભાર

 25. ranjit zala says:

  SANSKAR NO VARASO RANCHODBHAI NA PUSTAK VISHE NU PUSTAK KHUB SARAS CHHE DHANAVAD

  RANJIT ZALA
  KAPADVANJ

 26. PIYUSH says:

  સંસ્કારનો વારસો – રણછોડભાઈ જે. પોંકિયા
  માન. મુ.વ. શ્રી રણછોડભાઈ, આપનો સુવર્ણ અનુભવ ઉતકૃષ્ઠ રહ્યો. સંસ્કાારના આવા વારસાઓથી જ આપણી ભારતિય સંસ્કૃેતિની પહેચાન છે. શ્રેષ્ઠ્ વારસો ધનદોલત નહિં, પરંતુ સંવેદના વહેતી રહે તેવી સૌથી મોટી ઈશ્વરકૃપા આપણા પર વરસે સેવા પ્રાર્થના.

  પિયુષ

 27. dhaval.bhavnagar says:

  આ પુસ્તક નેટ પર ઇ બુક તરિક હોય તો મને રેપ્લ્ય આપ્જો……..

 28. ખૂબ જ સરસ પ્રસંગો.શિખામણની વાત જો પ્રસંગો વડે કહેવાય છે તો તેની અસર લાંબા સમય સુધી રહે છે.

  આભાર..even i’m also from Majevadi,Junagadh….

 29. Atul Pandya says:

  ખુબ જ સરસ લેખ આભાર અને અભિન્દન લેખક ને
  હુ પન તમારા ગામ નો જ , જુનિ વાતો થિ મજેવદિ ગામ નિ નાનપન નિ યાદ તાજિ થઈ ગઈ …

 30. AG Hingrajia says:

  ખુબજ સરસ પ્રસન્ગ.
  રણછોડભાઈને જોયાતો નથી પણ અનેક વખત વાત થઈ
  છે.તેમની ગામઠી શૈલી ખુબજ રસાળ અને વાસ્તવિક હોય છે.
  એક સુંદર પ્રસન્ગ આપવા માટે તેમનો અને આપનો આભાર્.

 31. Hassan ali Wadiwala says:

  In fact I do not have words to express my feelings
  I was born in Majevadi in 1932.as per my Mother the residents of Majevadi
  Were like a family as per her it was due to river uben’s water
  My father left this world in 1943.
  After a month or so we left for Mumbai
  Since then I had been there twice 1951 and 1981
  Thank you “sriman manvanta ranchore Bhai I shall call you in a day or two
  To say thank you again ….as you have pushed me in past
  Please pray for me as I would like to visit my birth place
  Again if God so wishes more when we talk
  Kindly send me your email address
  My email is
  hwadia340@hotmail.com
  At present I am in Karachi pakistan

 32. Kalidas V.Patel { Vagosana } says:

  મુ. રણછોડભાઈ,
  આપે મોક્લી આપેલ ” જનનીની જોડ સખી …” મેં પૂરેપૂરી વાચી છે. ખૂબ જ ઉત્તમ વાર્તાઓ જનસાધારણની ભાષામાં આલેખી છે. મજા આવી ગઈ.
  આપને ‘અખંડ આનંદ’ માં ઘણીવાર વાંચ્યા છે.
  કુશળ હશો.
  આપનો,
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.