ગ્રીષ્મના તાપમાં ખોવાયેલા આપણે….. – પંકજ ત્રિવેદી

[ વ્યવસાયે કલાર્કની ફરજ બજાવતા શ્રી પંકજભાઈ (સુરેન્દ્રનગર) સ્વભાવે સાહિત્યકાર છે. તેમની અનેક વાર્તાઓ અને કૉલમોને લોકપ્રિય અખબારોમાં સ્થાન મળ્યું છે. ફૂલછાબ અખબારમાં ‘મર્મવેધ’ કૉલમ અંતર્ગત પ્રગટ થયેલા તેમના લેખો પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે. તેમનો પ્રસ્તુત લેખ ‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આપ તેમનો આ સરનામે pankajsmit@gmail.com અથવા આ નંબર પર +91 9662514007 સંપર્ક કરી શકો છો.]

ગ્રીષ્મની ઋતુ બરાબર જામી છે. વૃક્ષો પણ સૂર્યના તાપની સામે ટટ્ટાર ઊભાં છે. એ બરાબર જાણે છે કે મારી અડગતા અને અખંડિતતા માનવી માટે પ્રેરણા બની રહેશે. એ એ પણ જાણે છે કે આ મારી શીતળતાની કસોટી છે. વાયુપુત્ર પવનદેવ ક્યારેક રીઝીને પ્રેમભરી હળવી ટપલી મારે ત્યારે એ રાજીપો માત્ર વૃક્ષ પૂરતો સીમિત નથી રહેતો. પરંતુ વૃક્ષની છાયામાં બેઠેલી રાતી ગાય, કાગાનિંદર માણતા શ્વાન અને શહેરીજનોનાં વાહનો માટે પણ એ આશીર્વાદરૂપ સાબિત થાય છે. આપણે માણસ છીએ એ જ સદભાગ્યની વાત છે, છતાંયે પ્રત્યેક પળે આપણે ‘માણસ’ છીએ એ સાબિત કરતા રહેવાનું હોય છે. આ પ્રક્રિયામાંથી કેટલા બધા પ્રશ્નોની હારમાળા સર્જાય છે ? મને લાગે છે કે આપણને માનવતામાં જ શ્રદ્ધા નથી રહી એટલે અંધશ્રદ્ધાનો અજગર ભરડો લઈને આપણને ભીંસી નાખે છે. વિશ્વાસ બહુ મોટું સત્ય છે, તો પણ આપણે અસત્યને જલદી સ્વીકારી લઈએ છીએ. આપણું ઉપરછલ્લું આકર્ષણ જીવનના સત્ય સુધી જવાના માર્ગને સતત અવરોધતું રહે છે.

ગ્રીષ્મના ઉનાળે ઘરમાં ભરાઈ રહેવાથી એની સુંદરતાનો ખ્યાલ નથી આવતો, સૂકી ધરતી વચ્ચે જાવ તોય ગ્રીષ્મ અળખામણો ન લાગે તે માટે પણ કેસૂડો આપણી શ્રદ્ધાને સાચવી લે છે. ગુલમહોરનાં કેસરી ફૂલો વચ્ચે લીલી ડાળીઓ તાપ લાગવા દેતી નથી. શહેરની બજાર વચ્ચેથી નીકળીએ ત્યારે અર્ધજાગ્રત અવસ્થામાં આરામ ફરમાવતા દુકાનદારો જોવા મળે છે. ગામડેથી હટાણું કરવા આવતા ગ્રામજનો ગરમીથી અકળાય છે ત્યારે ગંદી ફૂટપાથ પર બેસી જાય છે. ત્યારે ચોખલીયા શહેરીજનો ધૃણાભરી નજરે એમની સામે જોઈને કારણ વગર કચવાય છે. અનિવાર્યતાને કારણે વાહન પર ઢસડાતાં માનવીઓ રઘવાયાં થઈને હરતાં-ફરતાં દેખાય છે.

ક્યાંક વૃક્ષની છાયા મળે તો એની નીચે ઊભા રહીને પરસેવો લૂછતી વખતે હાશકારો થાય છે. વૃક્ષનો આ મહિમા પણ આપણને એના ઉછેર માટે પ્રેરણા આપી શકતો નથી. આવું કેમ બને છે ? કદાચ આપણી લાગણી જરૂરિયાતને આધારે છે. કોઈની ચીજ ઉછીની લઈને વાપરવાની ટેવ પડી ગઈ છે. બીજાના સુખનો વિચાર કરવાનું આપણે ભૂલી જઈએ છીએ. વૃક્ષ નીચે ઊભા રહીને પરસેવો જેટલી ઝડપથી લૂછીએ છીએ એટલી જ ઝડપથી આપણે વૃક્ષના સમગ્ર અસ્તિત્વને ભૂલી જઈએ છીએ. જે લોકો ઘરના ખૂણામાં ભરાઈને આરામ કરી શકે તેમને વૃક્ષની મહત્તા સમજાતી નથી. આવા સુખી માણસોને નિસર્ગોપચાર માટે એ જ વૃક્ષો અને લીલાછમ્મ છોડવાઓને સહારે જીવવા મથવું પડે છે. આપણી સંસ્કૃતિમાં વૃક્ષને સંતો સાથે સરખાવવામાં આવ્યાં છે. કમનસીબી છે કે આજે આપણે સંતોનો વિશ્વાસ કરી શકતા નથી. કારણ કે આજના સંતોમાં માનવીની સ્થૂળ અવસ્થા અકબંધ જોવા મળે છે. માણસને ઓગાળીને ભાગ્યે જ કોઈ સંતની કોટિએ પહોંચે છે. એકમાંથી બીજી અવસ્થાને આંબવાની આ પ્રક્રિયામાં બેવડું અસ્તિત્વ જોખમી બને છે. જે ધર્મ અને શ્રદ્ધાના માર્ગમાં ન ચાલી શકે. કોઈ એક સ્વરૂપને તો આપણે ઓગાળવું જ પડે. છેવટે જે મળે તે ઓળખ સમાજની ધરોહર બની શકે.

ખેડૂતો વહેલી સવારે કાર્ય કરે અને બપોરે ખેતરના શેઢે કોઈ વૃક્ષના છાંયે આરામ કરતા હોય છે. શહેરમાં હવે વૃક્ષો શોધવાં પડે છે. આનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે ? શહેરની કાળી સડકો અને તેના પર દોડતાં વાહનોએ આપણા ઓક્સીજનને હરી લીધો છે. જે વાહનોની અનિવાર્યતા દેખાય છે, તે વાહનો જ આપણા જીવન માટે ખતરો સાબિત થઈ રહ્યાં છે. જિંદગીની ભાગદોડમાં આપણને શાંતિથી બેસીને વિચારવાનો સમય નથી. આપણી કાનપટ્ટી બળવા લાગે ત્યાં સુધી મૉબાઈલ ફોન એને છોડતા નથી. મારો મૉબાઈલ બંધ હશે તો કેટલાં બધાં કાર્યો અટકી પડશે ? મૉબાઈલના રીંગટૉન વચ્ચે ઉનાળાની સાંજે ઢળતા તાપમાં વૃક્ષોની ડાળ પર કલરવ કરતાં પક્ષીઓને સાંભળવાની આપણને ફુરસદ જ નથી. આપણાં જ બાળકોની સાથે બેસીને, આપણા જ બાળપણની વાતો કરવાનો રોમાંચ માણી શકાતો નથી. સમજણાં થયેલાં બાળકોને આપણે કેવી રીતે ઉછેર્યાં છે, એવી વાત પણ આપણે કરતા નથી. એમને પણ જૂની વાતોમાં, વાર્તાઓમાં કે પૌરાણિક કથાઓમાં ક્યાં રસ પડે છે ? અત્યારની કેટલીક ફિલ્મો-કાર્ટૂનોમાં જે ફેન્ટસી, રોમાંચ કે આનંદ જોવા મળે છે તેનાથી અનેકગણું આપણાં પૌરાણિક પાત્રો પાસે હતું. પ્રેમની અમર ગાથાઓનો ખજાનો છે આપણી પાસે ! ખરેખર તો આપણે ક્યાં જવા નીકળ્યા છીએ, એ જ ખબર નથી. કોઈ ધ્યેય સ્પષ્ટ છે ખરું ? જો ધ્યેય નક્કી જ હોય તો એ સિદ્ધિ પ્રાપ્તિ માટે આપણે કોઈને અન્યાય તો નથી કરતા ને ? કોઈ એક ક્ષણે થોભીને વિચારવા જેવું છે.

ઉનાળાની સાંજે, ઘટાદાર વૃક્ષના છાંયે મોટી બહેન એની સખીઓ સાથે ઘર-ઘર, ઢીંગલા-ઢીંગલી કે પૈતાની રમત રમવામાં મશગૂલ હોય. એવે સમયે નાનકડા ભાઈના હાથમાં તૂટેલું રમકડું આપીને, ધૂળમાં પણ જગ્યા સાફ કરીને છાંયો મળે એવી રીતે બેસાડીને જ રમતી હોય. નાનો ભાઈ રમકડાંથી થાકીને અચાનક રડી પડે ત્યારે રમત રમવાની તીવ્ર ઉત્કંઠા અને ઉંમરની મુગ્ધતાને કોરાણે મૂકીને માતૃત્વ જેવી પીઢતાથી દોડીને બહેન વ્હાલા ભાઈને તેડી લે. દાવ લેવા થનગનતી સખીઓને છણકો કરીને કહી દે કે ‘મારે નથી રમવું, મારો ભૈલો રડે છે….’ ત્યારે એના વાત્સલ્યમાં ઝબોળાયેલો ભાઈ, મોટો થઈને બહેનને યાદ રાખી શકે છે ? સાસરે ગયેલી બહેન નાના ભાઈને સાંભરે નહીં, એવું તો કદી બન્યું નથી. તો આપણે બધાં વેરવિખેર હોઈએ એવું કેમ લાગે છે ?

ગ્રીષ્મના તાપમાં ઘરમાં ભરાઈને આરામ કરતી વખતે વાંચવું ગમતું નથી. કોઈ સાથે વાત કરવી ગમતી નથી. અકળાઈને પડખાં ઘસતી વખતે પણ સુખ મળતું નથી. એસેન્સવાળાં શરબતોને કારણે વરિયાળીના શરબતનો સ્વાદ નવી પેઢીને ખબર નથી. ગરમી લાગી ગઈ હોય ત્યારે ગોળમાંથી બનાવેલું શરબત પીવાનું કે ડુંગળી ખાવાનું કોઈને યાદ આવતું નથી. બાળકોને તાવ આવે ત્યારે હાથ-પગમાં ચોખ્ખું ઘી લગાડીને કાંસાનું વાસણ ઘસવાની જાણકારી કે આવડત આજની સ્ત્રીઓમાં નથી. ગ્રીષ્મની સાંજ માણસને સુખાકારી આપે છે. જીવનમાં દુઃખની વચ્ચે આવતા સુખનું મૂલ્ય છે. એમ ઉનાળાની લૂ વાય, પરસેવે ન્હાય, માટીનો લેપ લાગે અને સાંજ પડ્યે ઠંડા પાણીનો અભિષેક આપણા દેહને પવિત્રતા બક્ષે ત્યારે રોમરોમમાં ફરતા પ્રવાહીની જેમ ચેતના ફરી વળે છે. આ સ્ફુર્તિને કારણે સૂર્યના પ્રકોપનું આથમતું રૂપ કેવું સોહામણું બની જાય છે ! જીવનના તડકા-છાંયાને સમજવા માટે કદાચ ઈશ્વરે ઋતુઓને પ્રતીકાત્મક રીતે મૂકી છે. માનવીએ એમાં ઉત્સવોના રંગો પૂર્યા છે. પરંતુ આજના સમયમાં આપણું હૃદય મ્હોરી ઊઠે એવા ઉત્સવો થતા નથી. ઉત્સવો અને જ્ઞાતિ-જાતિના નામે આપણે લડી પડીએ છીએ. ખરેખર તો ઋતુચક્રના ઉનાળે નહીં પરંતુ જીવનના ઉનાળે આપણે સૌ આપણામાં જ ક્યાંક ખોવાઈ ગયાં છીએ.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સંસ્કારનો વારસો – રણછોડભાઈ જે. પોંકિયા
શ્રુતિ અને સ્મૃતિ – ચંદ્રકાન્ત બક્ષી Next »   

13 પ્રતિભાવો : ગ્રીષ્મના તાપમાં ખોવાયેલા આપણે….. – પંકજ ત્રિવેદી

 1. Harsh.... says:

  એસેન્સવાળાં શરબતોને કારણે વરિયાળીના શરબતનો સ્વાદ નવી પેઢીને ખબર નથી. ગરમી લાગી ગઈ હોય ત્યારે ગોળમાંથી બનાવેલું શરબત પીવાનું કે ડુંગળી ખાવાનું કોઈને યાદ આવતું નથી..

  ખુબ સરસ…….

 2. kalpana desai says:

  એ સી મા બેસિને લોકો પરસેવાને પણ એક દિવસ ભુલિ જશે!
  સરસ લેખ.

 3. સુંદર નિબંધ.

  આવ સાચી વાત છે ઘરમાં કે એ.સી માં બેસીને કામ કરતા માણસને ભર ઉનાળે ખુલ્લા પગે લારી ખેંચતા માણસની કલ્પના તો ક્યાંથી આવે…અને એ કલ્પ્ના ન થાય તો પરબ જેવો શબ્દ તો પછી એમના શબ્દકોશમાં જ ક્યાં હોય.

 4. paresh says:

  સરસ લેખ. પણ હવે આવા સ્થળ ક્યા છે. જ્યા જઅઓ ત્યા ફેક્ટ્રરિ અને મશિન નિ દુનિયા જ છે.

 5. paresh says:

  Hi,

  i do remember the days we used to go in the field filled with mango tree in the middle of day and get mangoes and eat right under the tree in the heat index of 110 🙂 but that fun can never be returned now.

 6. Jagruti Vaghela(USA) says:

  સરસ નિબંધ. નાના હતા ત્યારનુ ઉનાળાનુ વેકેશન યાદ આવિ ગયુ.

 7. alpa thaker says:

  આfter this essay reading i like summer as winter.We must be see beauty of summer.

 8. hiren patel says:

  atyant sunder

 9. SAMIR VORA says:

  VERY NICE ARTICLE ,I ENJOY THE WAY PANKAJBHAI HAS WRITTEN SO FEEL THE” TASTE” OF NATURE SUMMER , THANKS AGAIN FOR BEAUTIFUL ARTICLE.

 10. meghdoot raval says:

  HEART NA DHABAKARA AME TYARE J CHUKI GAYA,
  JAYRE SIMENTO-COCRIT NA JANGALOMA AVI NE VASYA…..

  BEST….ARTICLS……..

 11. દોસ્તો,
  આપ સૌનો દિલથી આભારી છું… આપ સૌએ મારા લેખન વિષે સમય કાઢીને આપનો પ્રતિભાવ આપ્યો… આભાર

 12. બહુજ સરસ લેખ આભાર

 13. kanu yogi says:

  ખુબ સરસ્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.