શાતા – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’

[‘મુંબઈ સમાચાર’ વસંત-વિશેષાંકમાંથી સાભાર.]

વૃક્ષોના, માણસોના, સડક પર બેતહાશા ભાગી રહેલાં વાહનોની કતારોના પડછાયાઓ લંબાઈને એકબીજામાં ખોવાઈ જતા હતા. સાંજ લડખડાઈ રહી હતી. ઊતરી ચૂકેલી વાસંતી બપોરની બફારાભરી ગરમાહટ ધીરે ધીરે સાંજની ઠંડાશમાં કરવટ બદલી રહી હતી. સાંજની સૂરમઈ હવામાં ઊતરી રહેલું આછું ધુમ્મસ, વાહનોની પેટ્રોલ-ડીઝલી ધુમાડિયા વાસ સાથે ભળી જઈ આખાય વાતાવરણને બોઝિલ બનાવતું હતું.

હું ચૂપચાપ તૂટેલી કિનારીઓવાળી, લોખંડી રેલિંગો જડેલી ફૂટપાથના કિનારે કિનારે બે-સબબ ચાલી રહ્યો હતો અને મારા ખભાની અડોઅડ મારી લટારી ચાલ સાથે કદમ મિલાવતાં ચાલી રહી હતી શાતા. પડછાયાની જેમ પડખોપડખ ચાલી રહેલી શાતા સામે મેં ત્રાંસી નજરે જોઈ લીધું. એક સમયના રૂપાળા ચહેરા પરથી જવાનીનું વાસંતી ‘લસ્ટર’ ગુમાવી ચૂકેલી, માથાની સફેદ લટને સંવારી લેતી, સસ્તી સાડીમાં લપેટાયેલી ‘એનિમિક’ ચહેરાવાળી શાતા.

આ શાતા પરણીને મારા ઘરમાં આવી ત્યારે કેવી સુંદર, રમતિયાળ ઝરણા જેવી કિલકિલતી ખૂબસૂરત યુવતી હતી ! પણ મુફલિસીભર્યાં તેવીસ વર્ષોની સિલવટો જેમ જેમ એના ચાર્મિંગ ચહેરા પર અંકાતી ગઈ, તેમ તેમ એનો ચહેરો ખૂબસૂરતીનું આકર્ષણ ગુમાવતો ચાલ્યો છે. યા શાયદ હવે એ આકર્ષણ એનાં-મારાં સંતાનોમાં ઊતરી ચૂક્યું છે. વિચારતાં સફેદભરી ભૂખરાશ ઊભરતા માથા પર અને ‘ચીન્સ’ પડવા માંડેલા મધ્યવયસ્ક ચહેરા પર હાથ ફેરવી લઈ, સહેજ થંભી, ધુમાડિયા રંગની કફનીના ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી મેં સિગારેટ સળગાવી.
‘આ કેટલામી સિગારેટ છે આજે મિહિર ?’ શાતાએ પ્રેમ-ચિંતાભર્યા કોમળ સ્વરે પૂછ્યું.
‘ગણી નથી. પણ શાતુ ! મને હંમેશાં એમ લાગ્યા કર્યું છે કે મારી અંદર સતત કંઈક જલ્યા કરે છે. અને એ જલન જ શાયદ સિગારેટ બની મારી બે આંગળીઓની વચ્ચે બળતી-ઝૂલતી હોય છે ને ધુમાડો બની ચહેરાની બહાર ફેંકાતી રહે છે. જે દિવસે અંદરની એ જલન શાંત થઈ જશે, તે દિવસે સિગારેટ મારી આંગળીઓ વચ્ચેથી આપોઆપ ખરી પડશે. પણ સમજદારીના પહેલા શ્વાસથી શરૂ થયેલી અને સતત ચાલુ રહેલી જિંદગીની ગર્દિશોની એ જલન શાયદ અંતિમ શ્વાસ સુધી સિગારેટની જલનને મારી આંગળીઓથી વિખૂટી નહીં પડવા દે શાતુ.’ મેં સહેજ ગમગીની છંટાયેલા સ્વરે કહ્યું, ને શાતાએ ચાલતાં ચાલતાં એકાએક ઊભા રહી જઈ, એની કૃશ સફેદ હથેળીની ચાર આંગળીઓ મારા સિગારેટી હોઠ પર દાબી દીધી.

‘એવું ન બોલો મિહિર, આ સાંજની અસુરી વેળાએ. આપણા ત્રણેય દીકરા કેવા કહ્યાગરા, સમજદાર અને અભ્યાસમાં તમારી જેમ જ તેજ છે ! કાલે સવારે સુખનો સૂરજ ઊગી નીકળશે. નણંદબા નીમુબહેને બાપુજીની પથારી પાસે બેસીને આપણને બંનેને બહાર થોડુંક ફરીને ‘રિલેક્સ’ થવા હોસ્પિટલની બહાર ધકેલ્યાં છે, નહીં કે આમ વધુ ‘ટેન્સ’ થવા.’
‘તારી વાત સાચી શાતા, પણ હું શું કરું ? બાપુજી ઝડપથી સાજા થઈ જાય એ માટે તો આપણે એમને નદીપારની આ પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા પણ જે ઝડપે ડોક્ટર્સનાં-દવાઓનાં-ઈંજેકશનોનાં બિલ વધતાં જાય છે, એનાથી અડધી ઝડપેય બાપુજીની તબિયતમાં કોઈ પોઝિટિવ ફેરફાર થતો મને નથી દેખાતો, ને હવે મારા દોસ્તોની ઉધારીનો પણ અંત આવી ગયો છે. તું જાણે છે શાતુ કે મારા બે-હિસાબી લાપરવાહ સ્વભાવે, ને પીસી નાખતી મોંઘવારીના કાતિલ ખર્ચાઓએ ટૂંકા પગારની મારી અખબારી નોકરીમાંથી મને ખાસ કશું બચાવવા તો દીધું જ નથી. જવાનીની સૂર્ખ ઝગમગાહટથી, પ્રૌઢત્વની પડવા માંડેલી ઝુર્રાઓ સુધીની મારી આખીય જિંદગી બસ આમ એકલાં એકલાં ઊભાં ઊભાં ‘સ્પોટ રનિંગ’ કરતાં કરતાં હાંફવામાં જ પસાર થઈ ગઈ છે શાતુ.’ મેં હાંફતા સ્વરે કહ્યું ને મારી સુક્કી ઉધરસનું એક ઠસકું સિગારેટના ધુમાડામાં વહી ગયું.

રોડ ક્રોસ કરીને હું અને શાતા જમણી બાજુના સહેજ સૂના લાગતા રસ્તા પર વળ્યાં. નદીનો દૂર દેખાતો રૂપેરી લિસોટો અને એના પરનો ધુમ્મસી બ્રિજ સાઈડ પર રહી ગયા. એક તરફ ઊખડેલા રંગોવાળા ફલેટ્સ અને બીજી તરફ ઝૂંપડપટ્ટી મઢેલી મટિયાલી ફૂટપાથો સામે આવી ગઈ. હું અને શાતા ઝૂંપડપટ્ટીવાળી ફૂટપાથ પર બે-સબબ ચાલતાં રહ્યાં. ઝૂંપડાંઓની કાચી દીવાલો પાછળ ક્યાંક ક્યાંક સાંજના ચૂલાઓ જલવાની શરૂઆત થઈ ચૂકી હતી, ને એના પર શેકાઈ રહેલી રોટીઓની ગરમ ખુશ્બૂ સાંજની ધુમાડી હવામાં ફેલાઈ રહી હતી.

સહેજ આગળ ઘુમાવ પાસે, જ્યાં ફૂટપાથ સહેજ પહોળી હતી, ત્યાં ઝૂંપડપટ્ટીનાં અધ-નંગાં બાળકો, સ્ત્રી-પુરુષોનું એક નાનકડું ટોળું ચક્રાકારે જામેલું હતું. ટોળાની વચ્ચેના ખુલ્લા સર્કલમાં બે બાજુ ત્રિકોણાકારે ઊભા કરેલા વાંસડાઓના વચ્ચે બાંધેલા દોરડા પર એક યુવાન ખેલૈયો હાથમાં લાકડી સાથે બેલેન્સ જાળવતાં એકધ્યાનથી ચાલી રહ્યો હતો. અને નીચે બેઠેલી કાળી યુવતી જે, શાયદ એની પત્ની હતી એ એના ખોળામાં રાખેલા નાનકડા ઢોલને બંને બાજુએથી હાથની થપાટો વડે તાલબદ્ધ રીતે એક જ તાલમાં પીટી રહી હતી. લોકોના ટોળાની ફાટી આંખો અદ્ધરશ્વાસે દોરડા પર ચાલી રહેલા યુવાન તરફ તકાયેલી હતી.
‘શાતુ !’ મેં પેલા ખેલૈયાની દિશામાં તાકી રહેલી શાતાને કહ્યું, ‘મને ઘણી વાર એમ થાય છે કે જિંદગી એ શું પ્રોબ્લેમોની કાંટાળી પથારીમાં પડખાં ફેરવતાં ફેરવતાં, ભવિષ્યના આકાશમાં સપનાંઓના તારાઓને જોયા કરવાની લોહીલુહાણ રમત માત્ર જ છે ?’

પણ પેલા ચક્રાકાર ટોળાની નજીક આવી લાગતાં મેં જોયું કે શાતાનું સમગ્ર ધ્યાન તો પેલા દોરડા પર ચાલી રહેલા યુવાન પર છે ને એની કાળા કૂંડાળા મઢેલી પ્રૌઢ આંખોમાં એક મુગ્ધ કિશોરી જેવી સસ્મિત ઉત્સુકતા અંજાયેલી છે. આંખોમાં સ્નેહભરી હું ક્ષણ વાર શાતાના સરળ દૂબળા ચહેરા સામે તાકી રહ્યો ને પછી એના કાન પાસે મોં લાવીને મેં એને કહ્યું :
‘શાતાદેવી ! આજ સુધી હું આ જ કરતો રહ્યો છું. જિંદગીના દોરડા પર બેલેન્સ જાળવીને એકલા ચાલવાની રમત અને એમ કરતાં પડું તો સીટીઓ મારીને હુરિયો બોલાવવાવાળી સગાં-સંબંધીઓની, તાળીમિત્રોની, સ્નેહીઓ(!)ની એક આખી જમાત મારી આસપાસ ટોળે વળીને ઊભેલી છે – વર્ષોથી. એમ આ ખેલૈયો પણ જો આ દોરડા પરથી પડ્યો તો સીટીઓ મારીને એનો હુરિયો બોલાવનારાઓની સંખ્યા આ ટોળામાં જેટલી હશેને, તેટલી જો એ સામા છેડે પહોંચી જાય તો એને તાળીઓથી બિરદાવનારાઓની નહીં હોય !’
‘પણ એવું નહીં થાય મારા મિહિર મોશાય !’ મારી કાનબૂટ ખેંચતાં તેવીસ વર્ષ, પહેલાંના પ્યારભર્યા યુવાન સ્વરે શાતાએ લાડભર્યું મુસ્કુરાઈને કહ્યું, ‘કેમ કે, આ ખેલૈયો દોરડા પર એકલો નથી ચાલતો, ભલે આ ટોળાને એ એકલો દોરડા પર ચાલતો દેખાતો હોય. એની સાથે નીચે બેઠેલી એની પત્નીના ઢોલકનો તાલબદ્ધ તાલ પણ ચાલી રહ્યો છે જે બધાને દેખાતો નથી. અને એટલે એ તાલ નહીં તૂટે તો આ ખેલૈયો દોરડાના બીજા છેડે પહોંચવાનો જ છે, જ્યાં આ ટોળાની તાળીઓ એને બિરદાવવાની રાહ જોઈ રહી છે. સમજ્યા જનાબ ?’

‘સાચી વાત છે શાતુડી, તારી વાત સાવ સાચી છે.’ શાતાની સામે જોઈ પ્રસન્ન સ્વરે મેં એને ઉત્તર આપ્યો, ને મારી સિગારેટી કાળા હોઠ ફફડી ઊઠ્યા, ‘તારી વાત સાચી છે શાતા. પ્રોબ્લેમોની કાંટાળી પથારી પર પડખાં ફેરવતી વેળા પડખે કોઈ હોય તો એ કાંટાય ક્યારેક સપનાંઓનાં ફૂલ બની જતા હોય છે, પછી ભલે એમાં ફળ લાગે યા ન લાગે, યા મોડાં લાગે.’

….અને મારા એ ચિત્ત-વ્યાપારનો પડઘો પડતો હોય તેમ, દૂરથી કોઈના ટ્રાન્ઝિસ્ટર રેડિયોમાંથી હવામાં વહી આવેલા એક ગીતની પંક્તિના મધુર સ્વરો, પેલી યુવાન ખેલૈયા-પત્નીના ઢોલકના તાલ સાથે ભળી જઈ, મારી સામે પ્યારભરી નજરે તાકી રહેલી શાતાની પારદર્શક આંખોના આકાશમાં ઓગળી ગયા,

‘તુમકો દેખા તો યે ખયાલ આયા,
ઝિંદગી ધૂપ, તુમ ઘના સાયા…..’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “શાતા – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’”

Copy Protected by Chetan's WP-Copyprotect.