- ReadGujarati.com - http://www.readgujarati.com -

એક કરુણ રાત – અનુ. ડૉ. રેણુકા શ્રીરામ સોની

[ ઉડિયાભાષાની ઉત્તમ વાર્તાઓનો સંગ્રહ ‘શ્રેષ્ઠ ઉડિયા વાર્તાઓ’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. આ વાર્તાઓનો અનુવાદ ડૉ. રેણુકાબેન સોનીએ કર્યો છે. તેમાંથી શ્રદ્ધાકર સૂપનારે લખેલી આ વાર્તા આજે માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26460225 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

શ્રાવણ સુદ સાતમની રાત હતી, પણ તેમાં જાણે અમાસનાં અંધારાં ઊતરી આવ્યાં હતાં. મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. વરસાદની સાથે સાથે વૃક્ષો ઉખેડી નાખે તેવો સુસવાટાભર્યો પવન ફૂંકાતો હતો. આકાશમાં મેંશનું લીંપણ કર્યું હોય તેવું લાગતું હતું. કાળા ડિબાંગ અંધારાને વીંધી ક્યારેક વીજળી ચમકી જતી હતી અને છાતી થથરાવી દે તેવો વાદળાંનો ગગડાટ વાતાવરણને વધારે બિહામણો કરી રહ્યો હતો. દૂરથી શિયાળવાંનો રડવાનો અવાજ પણ વરસાદ અને પવનના અવાજમાં ક્યાંય ખોવાઈ જતો હતો. તે રાતે તો ભૂત-પ્રેત પણ થથરતાં ઝાડ પર લપાઈ ગયાં હશે. પક્ષીઓ પોતાના માળામાં જાગતાં મૌન વ્રત પાળી બેસી રહ્યાં હતાં. આવી ભયાનક રાતે કોઈ ઘરની બહાર નીકળે જ નહિ.

રાબનગૂડા નામનું નાનું સરખું ગામ. ગામની બહાર એક ડાક બંગલો – જેમાં સરકારી ઑફિસરો, તહસિલદાર, મામલતદાર, જમીનદાર, ગુમાસ્તા વગેરે આવીને રહે : બંગલાથી થોડે દૂર એક મોટો વડલો છતરીની જેમ હજારો ડાળીઓ ફેલાવી ઊભો છે. તેના પર કેટલાંયે પક્ષીઓ જાગતાં સ્તબ્ધ બની બેઠાં છે. તેની નીચે ઈંટના ચૂલા જતા-આવતા વટેમાર્ગુઓનો, વિશ્રામ વખતે રાંધી-ખાધાનો સંક્ષિપ્ત ઈતિહાસ કહેતા પડી રહ્યા છે. ભીની વડવાઈઓ દારૂડિયાની જેમ ઝૂમી રહી છે.

અચાનક વાદળાંમાંથી અગ્નિશિખાની જેમ એક મોટી વીજળીનો લિસોટો દેખાયો અને સાથે સાથે ભયાનક વજ્રનાદ એ તોતિંગ વડને ધ્રુજાવી ગયો. તે વડના મોટા થડને અઢેંલીને બેઠેલું એક યુગલ, સાથે તેનાં ત્રણ બાળકો – એક અગિયાર વર્ષની દીકરી અને બે સાત વર્ષ અને ચાર વર્ષના દીકરાઓ. વીજળીનો ભયાનક ગડગડાટ સાંભળી નાનો દીકરો મોટેથી રડવા લાગ્યો. બીજાં બે બાળકો માને વળગી પડ્યાં. મનમાં એવાં ભયભીત કે તેમનાં મોંમાંથી અવાજ નીકળતો ન હતો. થોડી વાર પછી નાનો દીકરો બોલ્યો :
‘મા, ખૂબ ભૂખ લાગી છે, ખાવા આપ.’
બાપે કહ્યું : ‘તો, હું ગામમાં જઈ ખાવા માટે મમરા લઈ આવું.’
મા બોલી : ‘ના, હોં, આવા વરસાદ-તોફાનમાં અમને એકલાં છોડીને ક્યાંય જશો નહિ. રસ્તામાં કંઈ સાપ, વીંછી હોય અને ગામમાં જેને ત્યાં જશો તે તમને હડધૂત કરી કાઢી મૂકશે. વળી આટલી મોડી રાતે કોણ તમને મમરા ભૂંજી આપવાનું છે ? દીકરા મારા, ઊંઘી જા, મારો ડાહ્યો દીકરો તો ! ઊંઘી જા, બેટા, હું તને કાલે મીઠાઈ લાવી દઈશ.’ આમ કહી તેણે ભીના પાલવ વડે દીકરાનું ભીનું શરીર લૂછી તેને ઓઢાડી ખોળામાં સુવાડી દીધો.

હવે દીકરી બોલી : ‘બાપુ, ચાલો, ઘેર પાછા જઈએ. અહીં મને ખૂબ બીક લાગે છે. અહીં આખી રાત આવી રીતે ક્યાં સુધી ભીંજાતાં રહીશું ?’
મા બોલી : ‘ઘેર શી રીતે પાછાં જઈએ, બેટા ? મારામાં ચાલવાની જરા પણ શક્તિ રહી નથી. કોણ જાણે ઘેરથી કેવા કાળ ચોઘડિયે નીકળ્યાં છીએ ! આવું થશે એમ જાણતાં હોત તો, ઘેર રહીને મરવાનું વધારે પસંદ કરત.’
બાપ બોલ્યો : ‘હું તો તને પહેલેથી જ ના કહેતો હતો. કહેતો હતો કે ઘર છોડીને ક્યાંય જવું નથી. તું આવા નબળા શરીરે, કોલેરા થઈ જવાની બીકે બે ગાઉ ચાલીને આવી. હવે અહીં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. આખો દિવસ તેં કંઈ ખાધું પણ નથી. આટલું ચાલી – તારા પેટમાં રહેલું બાળક કેવું ટળવળતું હશે, તેનું તને કંઈ ભાન છે ?’
મા બોલી : ‘હવે શું કરવું ? નસીબમાં જે થવાનું હોય તેને કોણ ટાળી શકવાનું છે ? ગામમાં બધાં કોલેરાની બીકે ગામ છોડી ગયાં. પેલો એક ખેડુ આપણા ઘરની બાજુમાં રહેતો હતો, તે પણ એક જ રાતમાં ઝાડા-ઊલટીમાં ખલાસ થઈ ગયો ! સવારે હું પુકુર તરફ જતી હતી ત્યારે એક મડદાને ગીધડાં ચૂંથતાં હતાં. આપણા ઘરની બાજુમાં રહેતા પરિવારની વહુનું મડદું હશે તેવું મને લાગ્યું. બસ, ત્યારથી મારા મનમાં બીક પેસી ગઈ. આખો દિવસ મન બેચેન રહ્યું. એક દિવસમાં આખું ઘર સફાચટ. જેને કોલેરા થયો તે વગર દવાએ મચ્છર-માખીની જેમ મરે છે. આપણાં છોકરાંઓને આનાથી બચાવવાં જ જોઈએ – આ સિવાય બીજું કરીએ પણ શું ?’

પતિ બોલ્યો : ‘આપણે બધાં આપણા ઘરમાં જ મરી ગયાં હોત તો સારું હતું. યમના પંજામાંથી છટકી ક્યાં છુપાવું ? કેટલાંયે ગામ છોડી નાઠેલાં બીજાં ગામોમાં ગયાં, તો ત્યાંના લોકોએ તેમને ગામમાં પેસવા જ દીધાં નહિ, પછી ગામ છોડી જવાનો શું અર્થ ? બીજાં ગામના લોકો પોતાના જીવ બચાવવા આપણને ગામમાં પેસવા દેતા નથી. મુદ્દાની વાત તો એ છે કે ઘેર રહીએ તો બીમાર થવાની બીક અને બીજા ગામમાં જઈએ તો બીમાર થવાની બીક તેનાથી પણ વધારે ! ઉપરાંત ભૂખ, તરસ વેઠવાં પડે તે જુદાં. તું જુએ છે ને આ બધું !’
પત્ની બોલી : ‘આવું વીતે તેની મને તો કશી ખબર જ નહિ ને ? ચારે બાજુ તમારા પરિચિત લોકો રહે છે. વળી આ ગામમાં તમારાં સગાં પણ રહે છે. એટલે જ મેં તમને આ ગામમાં આવવાનું કહ્યું. પણ ગામના કોઈએ તમને ઓળખ્યા નહિ, તમને ગામમાં પેસવા જ દીધા નહિ. આવી કોને ક્યાં ખબર હતી ?’
પતિ બોલ્યો : ‘આ ગામના માણસોનો આમાં વાંક નથી. તને મરવાની બીક લાગી એટલે તું પ્રસૂતિકાળ આટલો નજીક છે છતાં ગામ છોડી બે ગાઉ દૂર આવી. તેવી રીતે તેમને જીવ જવાનો ડર લાગ્યો એટલે તેમણે આપણને ગામમાં પેસતાં અટકાવ્યાં. મરવાની બીક હોય ત્યારે જમીનદારના ગુમાસ્તાનો કોણ ભાવ પૂછે ? આવે વખતે જમીનદાર જાતે આવે તો લોકો તેમને પણ જાકારો આપે !’

‘મૂઉં તો નસીબમાં જે હશે તે થશે. બપોરે તો તડકો સારો એવો હતો – રાતે આટલો વરસાદ-તોફાન થશે તેવી કોને ખબર હતી ? જો વરસાદ ન આવતો હોત તો છોકરાંઓને મૂઠી ચોખા રાંધી આપત. બધાં જ ભૂખ્યાં ઊંઘી ગયાં.’
‘તારા પેટના બાળકનો કંઈ વિચાર કર. આટલું ચાલીને આવ્યા પછી તું ભૂખી-તરસી ઊંઘી જઈશ, અને કંઈક થશે તો આપણા દુઃખનો પાર નહિ રહે.’
‘અને ગામમાં મને કોલેરા થઈ ગયો હોત અને તેમાં હું મરી ગઈ હોત તો ?’
‘છી, છી, એવી અશુભ વાત જીભે આણીશ નહિ.’
‘સાચું કહું છું, પુકુર પાસે પેલી વહુનું મડદું જોઈ મને ખૂબ જ બીક લાગી હતી.’
‘બીક લાગે તેથી શું ? ભગવાને જ્યાં સુધી આવરદા આપી છે ત્યાં સુધી કોઈ મરવાનું નથી, અને આવરદા પૂરી થઈ તો જ્યાં પણ જઈશું ત્યાં કોઈ બચાવી શકવાનું નથી.’
‘મને તો હવે એમ થાય છે કે જે થવાનું હોત તે થાત, પણ આપણા ગામમાં, આપણા ઘરમાં જ રહ્યાં હોત તો આટલું દુઃખ વેઠવું ન પડત.’
‘ખરું, પણ હવે શું થાય ? થોડું ઊંઘી જવાનો પ્રયત્ન કર.’
વરસાદ અવિરામ વરસતો રહ્યો. વીજળી અને વાદળનો ગડગડાટ થોડો ઓછો થયો. દીકરી અને બંને દીકરા ક્યારનાં ઊંઘી ગયાં હતાં. બધાંનાં શરીર આખાં પલળી ગયાં છે. ઝાળની ડાળીઓ અને પાંદડાં પરથી પાણી ટપકે છે. ઠંડીમાં શરીર ધ્રૂજી રહ્યું છે. આટલી ભયંકર, કરુણ રાતે પણ બંનેની આંખોનાં પોપચાં ઊંઘથી ક્યારે ઢળી પડ્યાં, કંઈ ખબર ન પડી.
*****

ધીમે ધીમે જાણે વાદળાં વિખેરાઈ ગયાં. રાતના અંધકારને હડસેલી વસંતનું ઊજળું પ્રભાત આવ્યું. અયોધ્યા નગરીની પુષ્પવાટિકામાં યુવાન ટહેલી રહ્યો છે. કોયલનો ટહુકો મલયની મૃદુ ગતિ સાથે ખેંચાઈ આવ્યો છે. યુવાન પોતાના બાહુમાં મણિમાણેક જડેલાં કેયૂર અને શરીર પરનાં સુવર્ણરત્નખચિત પોશાકને નવાઈ ભરી નજરે જોઈ રહ્યો છે ! આ શું કોઈ જાદુવિદ્યાનો પ્રભાવ છે ? ડાબી તરફ નજર ફેરવી તો – પત્ની શાન્તા અને ચાર વર્ષનો કુમાર ભગવાન ! શાન્તાના કેશમાં મોગરાની માળા, હાથમાં નીલકમળ, લલાટમાં ટીકો ! વાહ, શું ચમત્કાર !
શાંતા બોલી : ‘આર્યપુત્ર, રાજન ! કેટલી સુંદર સ્નિગ્ધ વસંતનું આ પ્રભાત છે ! આ પ્રભાત હંમેશ માટે જો રહે અને તમે મારી નજરો સમક્ષ હંમેશાં આવી રીતે રહો તો કેટલું સારું !’
યુવક આ વાત માની શક્યો નહિ. હું અને વળી રાજા ! ઠીક તો ! આ રમણીય બાગમાં થોડી વાર ફરી લઈએ. લીલાછમ ઘાસ પર થોડી વાર બેસીએ. રાજકાજને થોડી વાર માટે ભૂલી જઈ પ્રેમાલાપ કરીએ. પુષ્પાચ્છાદિત વૃક્ષોના સૌંદર્યને સાથે મળીને માણીએ ! ફૂલો સામસામાં ફેંકી પ્રેમરમત રમીએ. પણ શાન્તા ! આ શું ? આકાશમાંથી આ ફૂલોની માળા તારા પર કેમ પડી ? તારું મોં કરમાઈને કાળું કેમ પડી ગયું ? તારું શરીર ઠંડું શા માટે પડવા લાગ્યું છે ? શાન્તા, બોલ ! બોલ ! જવાબ દે !’
******

અચાનક ઊંઘ ઊડી ગઈ. યુવાને ઊઠીને જોયું તો બાજુમાં તેની ગર્ભવતી પત્ની સૂતી છે. આખું શરીર ભીંજાઈને ખૂબ ઠંડું લાગે છે; અને તેની બંને બાજુ ત્રણે છોકરાં માથેથી પગ સુધી ઓઢીને સૂતાં છે. વરસાદનો વેગ ફરી વધી રહ્યો છે. યુવાને ચારે તરફ નજર ફેરવી જોયું – અંધારું ઘોર. આ રાતનો અંત જ નહિ આવે શું ? ગામમાં કૂકડો બોલશે તો પણ આ વરસાદમાં અહીં સુધી કંઈ સંભળાશે નહિ. તોફાનની રાત પણ કેટલી લાંબી હોય છે – સવાર કદી થતી જ નથી. સવાર પડતાંની સાથે જ ગામમાં જઈને થોડા મમરા અને પૌંઆ લઈ આવવા પડશે. પણ સવાર થવાને હજી કેટલા કલાક બાકી છે ! જાણે એક યુગ વીતતો હોય તેવું લાગે છે…. – આ પરિવારની દયનીય સ્થિતિ જોઈ મેઘરાજા ઉત્તરોત્તર વધારે દુઃખી થતા હોય તેમ વધારે અશ્રુપાત કરી રહ્યા હતા. વડનાં પાંદડાં સાથે પવન સહસ્ત્ર કંઠે જાણે હાહાકાર કરી રહ્યો હતો.

થાકેલા શરીરે, દુઃખી હૃદયે એણે ફરી એક વાર છોકરાં અને પત્નીનાં ઠંડાગાર શરીર પર હાથ ફેરવ્યો. નસીબનો ખેલ તો જુઓ ! મહામારી (કોલેરા)ની બીકે ઘર છોડ્યું ત્યારે આ તોફાનભરી રાતે વરસાદમાં પલળી આખી રાત પસાર કરવાનું પરિણામ કેટલું ભયંકર હોઈ શકે તેની કોને કલ્પના હતી ? પણ જેને ભગવાનનો જ આશરો છે તેણે, આ નાનું બાળક જેવી રીતે માના ખોળામાં નિર્ભય બનીને પોઢી ગયું છે તેવી જ રીતે પોતાની પત્ની અને બાળકો સાથે ભગવાનના ખોળામાં આશરો લીધો છે. કોલેરાનો રોગચાળો, આ વરસાદ, અને તોફાન અને અંધારી રાત. બધી ભગવાનની મૂકેલી કસોટી છે. એક હરફ પણ ઉચ્ચાર્યા વગર બધાં દુઃખો સહન કરવાની તેની ફરજ છે. અસલી સોનું ભઠ્ઠીમાં નાખી પરખાય તેમ આજની આ ભયંકર રાતનું દુઃખ ઈશ્વર પર વધુ ને વધુ શ્રદ્ધા રાખવાની તેને પ્રેરણા આપી રહ્યું છે. મંગલમય ભગવાનની કઈ મહાન ઈચ્છા આજના આ દિવસે પૂર્ણ થશે અને ભગવાનના ચરણોમાં પોતાને સમર્પિત કરવામાં મદદ કરશે, તેનો આ યુવાન વિચાર કરતો રહ્યો.

પત્નીના અવશ હાથને તેણે પોતાના હાથમાં જકડી રાખ્યો. અચાનક પત્નીની ઊંઘ ઊડી ગઈ. તે ચમકીને બોલી – ‘મારા હાથપગ કેમ ઠંડા પડી રહ્યા છે ? શરીર પણ ઠંડું પડતું જાય છે.’
યુવાન બોલ્યો : ‘રહે, હું ગામમાં જઈ થોડો દેવતા લઈ આવું. તારા હાથે-પગે શેક કરવાથી સારું લાગશે.’
સ્ત્રી ધીમા સ્વરે બોલી : ‘ના રે ના, આટલી મોડી રાતે તમને કોણ દેવતા આપવાનું છે ? જ્યાં જશો ત્યાં લોકો તમને હડધૂત કરશે. તમારું એવું અપમાન મારાથી સહન નહિ થાય. અને મારા હાથ-પગ શેકવાની કંઈ જરૂર નથી. જે થવાનું હશે તે થશે. તમારા પહેલાં બંગડી, સિંદૂર, ચૂંદડી સાથે જતી રહું તો હું નસીબદાર કહેવાઉં. મારી ગેરહાજરીમાં તમે છોકરાંની વધારે સંભાળ લઈ શકશો.’

યુવાન હવે ધીરજ રાખી શક્યો નહિ. તેના ગળે ડૂમો ભરાયો. તે બોલ્યો : ‘મારું જીવ્યું ધિક્કાર છે ! તારો હાથ પકડીને હું તને મારા ઘેર લાવ્યો હતો. આટલાં વર્ષો મારા જીવનનું સઘળું સુખ તું મને આપતી રહી છે. આજે તું વિપત્તિઓથી ઘેરાયેલી છે, ત્યારે હું તને દવા નથી લાવી આપી શકતો, હાથ-પગ શેકવા માટે દેવતા પણ નથી લાવી શકતો, મારા ઘરની લક્ષ્મી છે તું, અને હું કેવળ લાચાર છું. હું તારું દુઃખ તલભાર પણ ઓછું નથી કરી શકતો.’
સ્ત્રી બોલી : ‘તમે મારી પાસે હો ત્યાં સુધી મને કોઈ તકલીફ નથી. તમે મારી પાસે સદાય રહો, અને હું તમારો હાથ પકડી આંખો મીંચું – બસ, એ જ મારી મુક્તિ છે. મેં તમારા દુઃખના દહાડા જોયા, પણ સુખના દિવસો જોઈ શકી નહિ. તમે જરૂરથી આગળ વધશો, અને મહાન બનશો. લોકો તમારા ગુણગાન કરશે; તમારી વાહ વાહ કરશે. હું તે દિવસો જોઈ શકીશ નહિ – બસ, આ જ એક વાતનું મને દુઃખ છે, નહિતર તમારા જેવા માણસનો હાથ પકડીને આવ્યા પછી મારે કઈ વાતનું દુઃખ હોય ?’

યુવતીનો અવાજ ધીમે ધીમે અસ્પષ્ટ થતો ચાલ્યો. અવાજ ગળામાં અટકવા લાગ્યો. તેના કપાળમાંનાં કંકુના ચાંદલા પર વરસાદની શીતળ ધારા સાથે યુવાનની આંખમાંથી એક ઊષ્ણ અશ્રુબિંદુ ઝર્યું. તે જ વખતે દૂરથી કૂકડાની બાંગનો ધીમો અવાજ સંભળાયો. વડ પર આશ્રય લઈ રહેલા કાગડા અને બીજાં પક્ષીઓ પણ નવા દિવસનું સ્વાગત કરવા જાગી ગયાં. પણ આગલી રાતે જ આ વડ નીચે એક માળો તૂટી ગયો હતો તેની તેમને ખબર નહોતી.

[કુલ પાન : 236. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]