રામનામ – ગાંધીજી

[એક દશ્યને સામાન્ય માનવી જે રીતે જુએ છે તેના કરતાં ચિત્રકાર કે ફોટોગ્રાફર અલગ રીતે જુએ છે. તેઓને તેમાં કંઈક વિશેષ દેખાય છે. તેઓ દશ્યના સુક્ષ્મ ભાવોને અનુભવી શકે છે. ‘રામનામ’ બાબતે આપણું અને ગાંધીજીનું એવું જ છે ! તેમના માટે રામનામ એ કોઈ જ જુદી જ ભૂમિકાએથી અનુભવાયેલું પરમ સત્ય હતું. આપણે તો ફક્ત મંત્રજાપથી સંતોષ માની લઈએ છીએ પરંતુ ગાંધીજીના નામસ્મરણ પાછળ શું વિચારો હતા તેનું અદ્દભુત આલેખન ‘રામનામ’ નામના એક નાનકડા પુસ્તકમાં તેમણે કર્યું છે. આ પુસ્તકનું લખાણ અને તેની ભાષા ઘણો વિચાર માંગી લે તેમ છે. કેટલાક પ્રકરણો તો માત્ર અનુભવે જ સમજી શકાય એ પ્રકારનાં છે. ગાંધીજીના અંતરજગતમાં ‘રામનામ’ વિશે જે શ્રદ્ધા હતી, તેનો કંઈક ઉઘાડ આ પુસ્તકમાં થયો છે. જિજ્ઞાસુઓ અને અભ્યાસુઓએ અવશ્ય વાંચવાલાયક છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી.]

[1] ઈશ્વર ક્યાં ને કોણ ?

ઈશ્વર મનુષ્ય નથી. એટલે એ કોઈ પણ મનુષ્યમાં ઊતરે છે કે અવતરે છે એમ કહેવું એ પણ પૂર્ણ સત્ય નથી. એમ કહી શકાય કે ઈશ્વર કોઈ મનુષ્યમાં અવતરે છે એનો અર્થ માત્ર એટલો કે તે માણસમાં આપણે વધારે ઐશ્વર્ય કે ઈશ્વરપણું જોઈએ છીએ. ઈશ્વર તો સર્વવ્યાપી હોઈ બધેય ને બધામાં છે એ અર્થમાં આપણે બધા જ ઈશ્વરના અવતાર કહેવાઈએ. પણ એમ કહેવાથી કશો અર્થ સરતો નથી. રામ, કૃષ્ણ આદિ અવતાર થઈ ગયા એમ કહીએ છીએ કેમ કે તે તે વ્યક્તિઓમાં ઐશ્વર્યનો અનુભવ લોકોએ કર્યો હતો. અંતે તો કૃષ્ણાદિ મનુષ્યની કલ્પનામાં વસે છે, તેની કલ્પનાના છે. એવી ઐતિહાસિક વ્યક્તિ થઈ ગયેલ છે કે નહીં તેની સાથે કલ્પનાને કંઈ લેવાદેવા નથી. કેટલીક વેળા ઐતિહાસિક રામ ને કૃષ્ણને માનવા જતાં આપણે જોખમભરેલે રસ્તે ચડી જઈએ છીએ ને અનેક તર્કોનો આશ્રય લેવો પડે છે.

ખરું જોતાં ઈશ્વર એક શક્તિ છે, તત્વ છે; તે શુદ્ધ ચૈતન્ય છે, સર્વવ્યાપક છે; છતાં તેનો આશ્રય કે ઉપયોગ બધાને મળતો નથી; અથવા કહો કે બધા તેનો આશ્રય મેળવી શકતા નથી. વીજળી મહાશક્તિ છે પણ તેનો ઉપયોગ બધા મેળવી શકતા નથી. તેને પેદા કરવાના અનિવાર્ય કાયદા છે તેને વશ વર્તીએ તો જ તે મળી શકે. વીજળી જડ છે. તેના ઉપયોગના કાયદા માણસ, જે ચેતન છે તે મહેનત વડે જાણી શકે છે.

ચેતનમય મહાશક્તિ, જેને આપણે ઈશ્વર નામ આપીએ છીએ તેના ઉપયોગના કાયદા છે જ; પણ તે શોધવામાં બહુ વધારે મહેનત પડે એ દીવા જેવું સ્પષ્ટ હોવું જોઈએ. તે કાયદાનું ટૂંકું નામ બ્રહ્મચર્ય. એના પાલનનો એક ધોરી માર્ગ રામનામ છે એમ હું તો અનુભવે કહી શકું છું. તુલસીદાસ જેવા ભક્ત ઋષિમુનિઓએ એ માર્ગ બતાવ્યો જ છે. મારા અનુભવનો વધારે પડતો અર્થ કોઈ ન કરે. રામનામ સર્વવ્યાપક રામબાણ દવા કે ઉપાય છે એ તો ઊરુળીકાંચનમાં જ મને કદાચ ચોખ્ખું જણાયું. તેનો સંપૂર્ણ ઉપયોગ જે જાણે તેને જગતમાં ઓછામાં ઓછું કરવાપણું રહે છતાં તેનું કામ મહાનમાં મહાન લાગે. આમ વિચાર કરતાં હું કહી શકું છું કે બ્રહ્મચર્યની ગણાતી વાડો આળપંપાળ છે. ખરી ને અમર વાડ રામનામ છે. રામ જ્યારે જીભેથી ઊતરીને હૃદયમાં વસે ત્યારે જ તેનો પૂરો ચમત્કાર જણાય છે.

[2] યૌગિક ક્રિયાઓ

એક મિશનરી મિત્રે મને પૂછ્યું : ‘તમે કોઈ યૌગિક ક્રિયાઓ કરો છો કે કેમ ?’
તેના જવાબમાં મેં કહ્યું : ‘યોગની ક્રિયાઓ હું જાણતો નથી. હું જે ક્રિયા કરું છું તે તો બાળપણમાં મારી દાઈ પાસેથી શીખેલો. મને ભૂતનો ડર લાગતો. એટલે એ મને કહેતી, ‘ભૂત જેવું કંઈ છે જ નહીં, છતાં તને ડર લાગે તો રામનામ લેજે.’ હું બાળપણમાં જે શીખ્યો તેણે મારા માનસિક આકાશમાં વિશાળ રૂપ ધારણ કર્યું છે. એ સૂર્યે મારી ભારેમાં ભારે અંધકારની ઘડીએ મને તેજ આપ્યું છે. ખ્રિસ્તીને એ જ આશ્વાસન ઈશુનું નામ લેતાં ને મુસલમાનને અલ્લાના નામમાંથી મળે. આ બધી વસ્તુઓનો અર્થ તો એક જ છે, ને સમાન સંજોગોમાં એનાં સરખાં જ પરિણામ આવે. માત્ર એ નામસ્મરણ તે પોપટિયા ન હોવું જોઈએ, પણ છેક આત્માના ઊંડાણમાંથી આવવું જોઈએ.

[3] મૌન વિચારનું સામર્થ્ય

મારી સાથે રામનામની ધૂનમાં જોડાવાને અથવા કહો કે ધૂન કેમ ગાવી તે શીખવાને તમે સૌ અહીં આ પ્રાર્થનાસભામાં આજ સુધી રોજ આવતાં હતાં. રામનામ મોઢાના બોલથી શીખવી શકાતું નથી. પરંતુ મોઢાના બોલ કરતાં મૌન વિચાર વધારે સમર્થ છે. એક જ સાચો વિચાર આખી દુનિયાને છાઈ વળે. તે કદી મિથ્યા જતો નથી. વિચારને શબ્દોમાં કે કાર્યમાં ઉતારવાના પ્રયાસમાં જ તે કુંઠિત થાય છે. શબ્દોથી કે કાર્યથી પોતાના વિચારને સંપૂર્ણપણે વ્યક્ત કરવાનું જેનાથી સફળપણે બની શક્યું હોય એવા કોઈ પણ માણસને તમે જાણ્યો છે ખરો ? તો પછી કાયમનું મૌન લઈ કાં ન બેસી જઈએ ? તાત્વિક રીતે એ બની શકે પણ કર્મનું સ્થાન મૂક વિચાર પૂરેપૂરું લઈ શકે તે માટેની શરતો પૂરી કરવાનું કામ બહુ કઠણ છે. વિચારની જરૂરી એકાગ્રતા કે તેના પર જરૂરી કાબૂ મેળવ્યાનો દાવો હું નથી કરી શકતો. મારા મનમાં નકામા કે અપ્રસ્તુત વિચારોને આવતા તદ્દન અટકાવવાનું હજી મારાથી બનતું નથી. તે દશા સિદ્ધ કરવાને માટે અખૂટ ધીરજ, અખંડ જાગૃતિ અને કઠોર તપશ્ચર્યાની જરૂર છે.

ગઈકાલે મેં તમને કહ્યું કે રામનામની શક્તિનો કોઈ અંત નથી ત્યારે એ કોઈ અતિશયોક્તિની કે અલંકારની ભાષા નહોતી. પણ તે શક્તિ અનુભવવાને માટે રામનું નામ તદ્દન સ્વચ્છ હૃદયમાંથી નીકળવું જોઈએ. એવી સ્થિતિ મેળવવાને હું મથ્યા કરું છું. મારા મનમાં એ સ્થિતિની કલ્પના હું કરી શકું છું. પણ આચારમાં હજી તે સિદ્ધ થઈ નથી. એ દશાએ પહોંચ્યા પછી રામનામ લેવાની પણ જરૂર રહેતી નથી. હું આશા રાખું છું કે મારી ગેરહાજરી દરમિયાન તમારે ત્યાં પોતપોતાને ઘેર તમે સૌ એકલા એકલા કે બીજાઓ સાથે ભેગા મળીને રામનામ લેવાનું ચાલુ રાખશો. સામુદાયિક પ્રાર્થનાનું રહસ્ય એ છે કે પ્રાર્થના દરમિયાન એક વ્યક્તિમાંથી બીજા પર પહોંચતો મૂક પ્રભાવ સૌને પોતપોતાની આધ્યાત્મિક સાધનામાં સહાયરૂપ થાય છે.

[4] નિયમ અને શિસ્ત

શરીરની બીમારીમાં રામનામ માણસને સહાયરૂપ થાય છે પણ એને અંગેના નિયમો તેમ જ શિસ્ત તેણે પાળવાં જોઈએ. અકરાંતિયાની માફક ખાઈ માણસ ‘રામ રામ’ કરે અને પેટનો દુખાવો ન મટે તો મારો વાંક ન કાઢી શકે. વળી રામનામ લેતો લેતો માણસ લૂંટફાટમાં મચ્યો રહે છતાં પોતાના ઉદ્ધારની કે મુક્તિની આશા ન રાખી શકે. જેઓ આત્મશુદ્ધિને માટે જરૂરી નિયમપાલનને માટે તૈયાર હોય તેમને માટે જ રામનામનો ઈલાજ છે.

[5] રામનામનું રહસ્ય

શું હું ખરેખર એક નવા વહેમનો પ્રચાર કરું છું ? ઈશ્વર કોઈ એક વ્યક્તિ નથી. તે સર્વવ્યાપી, સર્વશક્તિમાન પરમાત્મા છે. જે કોઈ તેને પોતાના હૃદયમંદિરમાં સ્થાપે છે, તેને વરાળ અને વીજળીની ભૌતિક શક્તિ સાથે સરખાવી શકાય તેવી, છતાં તે શક્તિઓથી કેટલીયે સૂક્ષ્મ અદ્દભુત શક્તિનો ભંડાર પ્રાપ્ત થાય છે. રામનામ કંઈ ધંતરમંતર નથી. રામનામમાં જે જે કંઈ સમાય છે તે બધું સ્વીકારીને તેનું રટણ કરવું જોઈએ. રામનામ ગણિતવિદ્યાના સૂત્ર જેવું છે, જેમાં અનંત શોધખોળ અને અનંત પ્રયોગોનાં પરિણામોનો અત્યંત ટૂંકમાં સાર ભેગો કરેલો હોય છે. કેવળ પોપટની જેમ યંત્રવત રામનામ લેવાથી બળ મળતું નથી. એ બળ અથવા શક્તિ મેળવવાને સારુ રામનામના રટણની શરતો સમજી લઈ, તેમનો અમલ કરી, તેમને જીવનમાં ઉતારવી જોઈએ. ઈશ્વરનું નામ લેવું હોય તો લેનારે ઈશ્વરમય જીવન ગાળવું જોઈએ.

[6] સચોટ મદદ

ઈશપ્રાપ્તિમાં રામનામ ખાતરીલાયક મદદ આપે છે, એમાં શક નથી. હૃદયથી તેનું રટણ કરીએ તો તે અસદ વિચારને ભગાડી મૂકે છે. અને અસદ વિચાર જ ન હોય તો અસદ આચાર ક્યાંથી સંભવે ? મન નબળું હોય તો બાહ્ય મદદ નકામી છે, મન શુદ્ધ હોય તો તેની જરૂર નથી. એનો અર્થ એ નથી કે, શુદ્ધ મનવાળો માણસ ગમે તે છૂટ લઈનેયે સુરક્ષિત રહી શકે. આવો માણસ પોતાની જાતની સાથે છૂટ લે જ નહીં. તેનું આખું જીવન તેની અંતરની શુદ્ધતાની અચૂક સાખ પૂરશે. ગીતામાં એ જ સત્ય કહેલું છે કે, મનુષ્યનું મન જ તેને તારે છે કે મારે છે. એ જ વિચાર અંગ્રેજ કવિ મિલ્ટને બીજી રીતે મૂક્યો છે. તે કહે છે કે, ‘માનવીનું મન ચાહે તો નરકનું સ્વર્ગ ને સ્વર્ગનું નરક કરી શકે છે.’

[7] રામનામ ને જંતરમંતર

મારા રામનામને જંતરમંતર સાથે કશો સંબંધ નથી. મેં કહ્યું છે કે, કોઈ પણ રૂપમાં હૃદયથી ઈશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એ શક્તિ જે કરી શકે છે, તે બીજી કોઈ શક્તિ નથી કરી શકતી. એની સરખામણીમાં અણુબૉમ્બ પણ કશી વિસાતમાં નથી. એનાથી બધું દર્દ દૂર થાય છે. હા, એટલું ખરું કે, હૃદયથી નામ લેવાની વાતો સહેલી છે, કરવું કઠણ છે. પણ ગમે તેટલું કઠણ હોય તોયે સર્વોપરી વસ્તુ એ જ છે.

[8] મારો રામ

એક વખત એવો સવાલ પુછાયો કે, ‘રામધૂનમાં જે હિંદુ નથી તે કેમ જોડાય ?’ તેનો જવાબ આપાતાં મેં કહ્યું કે, ‘જ્યારે જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓ માટે જ છે એટલે તેમાં અન્ય ધર્મોના લોકો કેમ જોડાઈ શકે ? – ત્યારે મને મનમાં હસવું આવે છે. શું મુસલમાનોનો એક ખુદા છે અને હિંદુ, ખ્રિસ્તી કે પારસીનો બીજો છે ? ના, સર્વસમર્થ અને સર્વવ્યાપી ઈશ્વર એક જ છે. તેનાં નામો અનેક છે. આપણને જે સૌથી વધારે જાણીતું હોય તે નામથી આપણે તેને ઓળખીએ છીએ.

મારો રામ – જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ, અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઈતિહાસમાં થઈ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે, તે કદી જન્મ લેતો નથી, અને તેના જેવો બીજો કોઈ નથી. હું એક તેને જ ભજું છું, એક તેની જ સહાય માગું છું. તમે પણ તેમ જ કરો. તે સૌનો છે. તેના પર સૌનો સરખો હક છે. તેથી, તેનું નામ લેવામાં મુસલમાને કે કોઈએ શા સારું વાંધો ઉઠાવવો જોઈએ તે મારી સમજમાં આવતું નથી. પરંતુ બેશક, મુસલમાને કે બીજા કોઈએ માત્ર રામનામથી જ ઈશ્વરને ઓળખવો એવી જબરજસ્તી ન હોય. જેને જે રુચે તે નામ લે, અલ્લાનું નામ લે કે ખુદાનું નામ લે.

[કુલ પાન : 83. કિંમત રૂ. 5. પ્રાપ્તિસ્થાન : નવજીવન પ્રકાશન મંદિર, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ તથા ગાંધીઆશ્રમ સહિત સર્વત્ર ગાંધીસાહિત્યની દુકાનોમાં ઉપલબ્ધ.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “રામનામ – ગાંધીજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.