[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
[1] સાચો કલાકાર – સં. ઈન્દુબહેન પંડ્યા
મંદિરના પગથિયે એક યુવાન બેશુદ્ધ બનીને પડ્યો હતો. યુવાનનો વિલાયેલો ચહેરો, અને બંધ આંખો, બેસી ગયેલા ગાલ, સપાટ પેટ જોઈને ખ્યાલ આવી જાય કે એ કેટલાય દિવસનો ભૂખ્યો હશે. મંદિરમાંથી પૂજારીનાં પત્ની બહાર આવ્યાં. તેણે પેલા યુવાનની હાલત જોઈ. એ પાણીનો લોટો લઈને યુવાનની પાસે ગયાં. એના શરીર પર, મોં પર, પાણીની છાલક મારી, પવન નાખવા લાગ્યાં. થોડી વારમાં પેલો યુવાન ભાનમાં આવ્યો. એણે આંખો ખોલી. પૂજારીનાં પત્નીએ યુવાનને ટેકો આપ્યો અને મંદિરમાં લઈ ગયાં. ભગવાનને ભોગ ધરાવેલો, પ્રસાદ પડ્યો હતો. એમાંથી થોડોક પેલા યુવાનને આપ્યો, જે ખાવાથી યુવાનમાં કંઈક શક્તિનો સંચાર થયો.
ત્યાં પૂજારી પણ આવી ગયા. યુવાનને સચેત થયેલો જોઈને પૂછ્યું, ‘ભાઈ, તું ક્યાંથી આવે છે ? અને તારી આવી હાલત શાથી થઈ ?’
યુવકે ધીમા સ્વરે કહ્યું : ‘શિવપુરથી હું આવ્યો છું. ચાર દિવસથી મોમાં અનાજનો કણ પણ ગયો નથી. ચાલતાં ચાલતાં અશક્તિને કારણે ચક્કર આવતાં મંદિરને પગથિયે જરા વિસામો ખાવા બેઠો ત્યાં ક્યારે બેશુદ્ધ થઈ ગયો એની ખબર રહી નહીં.’
પૂજારી ઊંડા વિચારમાં પડી ગયા. પછી પૂછ્યું : ‘આમ રખડવા માટેનું કોઈ કારણ ?’
‘સ્વર સાધના માટે…’ યુવાને જવાબ આપ્યો.
યુવાનના મુખ પર દષ્ટિ નાખતાં તેજસ્વી મુખમંડળવાળા પૂજારીજીએ કહ્યું : ‘તો તું કલાની સાધના કરવા ઈચ્છે છે ?’
‘હા, એવું જ.’ યુવાન બોલ્યો.
‘તું જાણે છે કલાની સાધના એની સીમામાં રહીને જ કરવાની હોય છે ? ત્યારે જ સાચા અર્થમાં કલાકાર બની શકાય છે.’ થોડી વાર મૌન રહ્યા બાદ પૂજારીજીએ કહ્યું :
‘યુવાન, સામે નજર કર. નદી દેખાય છે ?’
યુવાન બોલ્યો : ‘જી હા.’
‘સામે ગંગા વહેતી દેખાય છે ને ? તેને બે કિનારા છે. જ્યારે તે સીમાની અંદર વહેતી હોય છે ત્યારે કેટલી શાલીન, સુખદાયી અને શાંતિદાયક લાગે છે ! કેટલાય લોકોને પ્રેરણા આપે છે. ગંગાતટે અનેક લોકો ધ્યાન ધરે છે અને અદ્દભુત શક્તિની, શાલીનતાની અનુભૂતિ કરવા માટે દરરોજ પ્રયત્નો કરે છે. હજારો યાત્રીઓ ગંગાનાં દર્શન માટે આવે છે. જે આ ક્ષણે આનંદ આપતી જણાય છે. આ જ ગંગા જ્યારે પોતાની મર્યાદા છોડી, અનુશાસન તોડે, ત્યારે પૂર જેવી આફત રચીને વિનાશ કરે છે. આવું જ કલાકાર માટે છે. કલાકારની કલા અને તેનામાં ઘણી સમાનતા છે.’
પૂજારીએ થોડી ક્ષણનો વિરામ લઈને વાણીને મુખરિત કરી : ‘કલા શાલીનતાનું બીજું નામ છે; ઉચ્છુંખલતા નહીં. મનોરંજનના નામે જે નિંદા કરવી, કુચેષ્ટા પેદા કરવી એ યોગ્ય નથી. જેમાં સાત્વિકતા હોય, સદાચારની પ્રેરણા હોય, મનને શાંતિ આપે, મગજમાં સ્ફૂર્તિ આપે, હૃદયમાં ઉત્સાહ ઉત્પન્ન કરે, જેમાં સન્માર્ગે લઈ જવાનું સામર્થ્ય હોય, ઉદ્ધારક હોય, માનવીય સંવેદના પેદા કરવાની અપૂર્વ ક્ષમતા હોય, એને જ સાચા અર્થમાં કલા કહેવાય. કલા એ સંગીત, નૃત્ય, ચિત્ર કે પછી સાહિત્યરૂપે હોય. કલાનાં વિવિધ રૂપો હોય તેમ છતાં કોઈ અંતર પડતું નથી. કેમકે એનો ઉદ્દેશ એક જ છે : સંવેદના ખીલવવી, સદભાવના જગાડવી, એનાથી કંઈ પણ ઓછું હોય તે ન તો કલા કહેવાય કે ન તો તેનો કર્તા કલાકાર. બોલો આટલા કઠોર અનુશાસનની સાધના કરી શકશો ?’ પૂજારીજીની ગંભીર વાણી સંભળાઈ.
‘અવશ્ય.’ યુવાનની વાણીમાં દ્રઢતા ભળી હતી.
પૂજારીજી બોલ્યા : ‘તો પછી યુવાન, તું જરૂર સફળ થઈશ. પ્રસ્થાન કર, જા. મારા આશીર્વાદ તારી સાથે જ છે. તારી કલા સાધનામાં તું જરૂર પારંગત બનીશ.’ પૂજારીજીએ આશીર્વાદની મુદ્રામાં એમના બંને હાથના પંજા ઊંચા કર્યા.
યુવાન પૂજારીજીની વાણીથી ભાવવિભોર બની ગયો. એણે પૂજારીજી અને એમનાં પત્નીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી ત્યાંથી વિદાય થયો. આગળ જતાં એ સિદ્ધિને પામ્યો અને સંગીતજ્ઞ ઉસ્તાદ અલાઉદ્દીન ખાનના નામે વિખ્યાત થયો. જે મંદિરના પગથિયે પેલો યુવાન બેશુદ્ધ બનીને પડ્યો હતો એ મંદિર હતું કલકત્તાનું દક્ષિણેશ્વર મંદિર. પૂજારીજીનાં પત્ની કે જેમણે એ યુવાનને ભાનમાં આણ્યો એ હતાં મા શારદામણિ દેવી. એટલે તો કહ્યું છે કે : ‘સંત પરમ હિતકારી, જગમેં….’
.
[2] અદના આદમીની કોઠાસૂઝ – દોલત ભટ્ટ
દેશમાં ગાંધીયુગનો ઉદય થયો. ગુજરાત પ્રથમ તરબોળ થયું. દરેક ક્ષેત્રે રાષ્ટ્રીય ભાવનાનો રંગ રેલાવા લાગ્યો. લોકસમૂહોએ એને અલગ અલગ રીતે ઝીલ્યો. રાષ્ટ્રીય કેળવણીનો વિચાર ભાવનગર શામળદાસ કૉલેજના પ્રાધ્યાપક નૃહસિંહ પ્રસાદ કાલિદાસના કાને પડ્યો. પ્રાધ્યાપક તરીકેનું રાજીનામું આપી, કોટ-પાટલૂન ઉતારી ખાદીનું ટૂંકું ધોતિયું, કુર્તો ને સફેદ ટોપી ધારણ કરી રાષ્ટ્રીય કેળવણીની ધૂણી ધખાવવા નીકળ્યા.
ભાવનગરના ગુણિયલ ગોહિલ રાજવીએ શાળાના નિર્માણ માટે જમીન ફાળવી આપી. કેળવણીની નવી કેડી કંડારવા પ્રા. નૃહસિંહ પ્રસાદ ભટ્ટે ‘દક્ષિણામૂર્તિ’ નામે સંસ્થાની રચના કરી, મંડ્યા ગામડાંઓની પદયાત્રા કરવા. ગામડાંના લોકોને નૃહસિંહ પ્રસાદ નામ અઘરું પડ્યું. ઝટ દઈને જીભનો લવો વળે નહીં એટલે પોતે જ સરળ નામ શોધી કાઢ્યું. નાનાભાઈ ! ત્યારથી તેઓ નાનાભાઈ ભટ્ટને નામે ઓળખાવા લાગેલા. આ કેળવણી-સંસ્થામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી. એટલે પાણીની વિશેષ જરૂરિયાત જણાઈ. નાનાભાઈને વિચાર આવ્યો કે સંસ્થાના પ્રાંગણમાં કૂવો હોય તો પાણીની વિટંબણા ટળે, પણ કૂવો ગળાવવો ક્યાં ? પાણી નીકળે ક્યાં ? કોઈએ કહ્યું : ‘પાણીકળાને બોલાવીએ. તળાજા રહે છે. એ ક્યાં કૂવો ગાળવો તે કહી દેશે.’
નાનાભાઈએ પાણીકળાને બોલાવવા ખેપિયો મોકલ્યો. સાંજ થતાં તો પાણીકળાને ભેળો લઈ માણસ આવ્યો. નાનાભાઈએ પૂછ્યું :
‘નામ શું ?’
‘ટપુ.’
‘શું કામ કરે છે ?’
‘ખેતમજૂરીનું.’
તરત જ નાનાભાઈએ મૂળ વાતનો દોર સાંધતાં કહ્યું : ‘આપણે કૂવો ખોદાવવો છે. ક્યાં પાણી નીકળે એ કામ માટે તને તેડાવ્યો છે. પણ હવે તો અંધારું થવા આવ્યું એટલે વાત કાલ પર જશે.’
તરત ટપુ બોલ્યો : ‘નાનાકાકા, મારે તો એક રાતનું જ કામ છે. સવારે હું તમને જગા દેખાડી દઈશ કે આ ઠેકાણે પાણી નીકળશે. મને એક કાથીના વાણ ભરેલો ખાટલો દેજો.’
ટપુ એક રાતમાં સંસ્થાના ચોગાનમાં સાત-આઠ ઠેકાણે ખાટલો ફેરવતો ગયો ને પોતે તેના પર સૂતો રહ્યો. સવાર થયું એટલે ટપુએ કૂવો ખોદાવવા માટેનું ઠેકાણું બતાવી ફરતું કૂંડાળું દોર્યું. ટપુએ તળાજાનો મારગ પકડ્યો અને અહીં તેણે બતાવેલા સ્થળે કૂવાનું ખોદકામ શરૂ થયું. પંદર-વીસ હાથ ખોદાણ થતાં જ સરવાણિયું ફૂટી ને નવાણે નીર ઊમટ્યાં. એ જોઈ સૌ હરખાયાં. નાનાભાઈએ વળી પાછો ખેપિયો મોકલી ટપુને ‘દક્ષિણામૂર્તિ’માં તેડાવ્યો. કૂવામાં પાણી જોઈને ટપુ બહુ રાજી થયો. નાનાભાઈને થયું કે ટપુની કદર કરવી જોઈએ. એ જમાનાના રાણી છાપ સિક્કાના કલદાર રૂપિયા પાંચ એના હાથમાં મૂક્યા. મોટા માણસની મોજની અગણના ના કરાય એવી કોઠાસૂઝથી ટપુએ રૂપિયા લઈ પોતાના માથે ચઢાવી રૂપિયા પાંચે પાંચ નાનાભાઈના ચરણમાં મૂક્યા. એટલે નાનાભાઈ આશ્ચર્યથી બોલ્યા : ‘ભાઈ, આ રૂપિયા તને મેં રાજીખુશીથી આપ્યા છે, તું ખેત-મજૂર છો, તારી પાસે મફત કામ ન લેવાય.’
ટપુએ નરમાથી ઉત્તર વાળ્યો : ‘કાકા, મને રૂપિયા પૂગ્યા સમજો. આ રૂપિયામાંથી નિશાળિયાને સાકર વહેંચજો. મારાથી વિદ્યા વહેંચાય નહીં.’ એટલું બોલીને ટપુ વળી નીકળ્યો તળાજા તરફ અને એને સૌ અહોભાવથી જોઈ રહ્યા.
17 thoughts on “પ્રસંગકથાઓ – સંકલિત”
‘તું જાણે છે કલાની સાધના એની સીમામાં રહીને જ કરવાની હોય છે ? ત્યારે જ સાચા અર્થમાં કલાકાર બની શકાય છે.
ખુબ સરસ……
સુંદર
બીજો પ્રસંગ સૌથી સરસ
સુંદર…
નાનો માનસ કર્મ થિ મહન બનિ શકે ઈ દર્શવતિ અતિ સુન્દર વાત્.નાના ભૈ તો મહન હતા જ્.પન તેના સમ્પર્ક મા ખરેખર નાના માનસ નિ મોતઇ જોઇ.
સરસ.
અદના આદમીની કોઠાસૂઝ
અતિ સુંદર મારૂ નાનપણ યાદ આવી ગયું .
હેલ્લો પુર્વિ. તમરિ વાત થિ મને મરુ બચ પન્ યાદ અવિ ગય્ અને મરિ એક ખુબ્જ સ્વેીત મિત્ર પન્.
બંને પ્રસંગો સુંદર, આભાર.
નયન
ખુબ સરસ ને સુન્દર મજા નિ આ વર્તા ઓ મને ગમિ આવિ જ રિતે સુન્દર વાતા ઓ અમારા સુધિ પહોચાવ્તા રહો તમારો આભાર્
nice1
thax 4 that
સંવેદના વગરનું જીવન મૃત શરીર જ છે. આજકાલ સંવેદનશીલતાને આધૂનિક જીવનમાં નમાલાપણું ગણવામાં આવે છે. સંવેદનશીલતા દિન-પ્રતિદિન ઘટતી જતી હોવાથી આજની સ્થિતિએ આપણને સહુને ચિંતિત કરેલ છે.
સ્વ. મુ.વ. શ્રી નાનાભાઈ ભટૃની સેવાઓ અને જીવન માટે નવો શબ્દ ગંથ્ર રચવો પડે. ખેત મજુરની દરિયાદીલી અને શાલીનતા બેજોડ દર્શાવી છે. માણસ માત્ર ધનથી ધનવાન નથી હોતો તે યર્થાથ ઠેરાવેલ છે.
પિયુષ
its very good and mara thi vidhya vechay nahi karan ke vedhya vechay to te vyapar bane ne guru vepari pachi samaj ma sanskar kyan thi aave
જેમાં સાત્વિકતા હોય, સદાચારની પ્રેરણા હોય, મનને શાંતિ આપે, મગજમાં સ્ફૂર્તિ આપે, હૃદયમાં ઉત્સાહ ઉત્પન્ન કરે, જેમાં સન્માર્ગે લઈ જવાનું સામર્થ્ય હોય, ઉદ્ધારક હોય, માનવીય સંવેદના પેદા કરવાની અપૂર્વ ક્ષમતા હોય, એને જ સાચા અર્થમાં કલા કહેવાય…ખુબ સરસ વ્યાખ્યા આભાર ,,,બન્ને લેખ ખુબ જ સરસ્…
Very Nice Story.I am very much impressed by its contents.
Being a Gujarati,i feel to much that i can’t express my self while read the story ,it will definitively effect the current my life.
Once again Thank you very much.
Hemant Patel
માનનીય મુરબ્બીશ્રી,
આદના આદમીની કોઠાસુઝ વાળી વાત, એ સાબીત કરે છે કે, ભલે પશ્ચિમ વિજ્ઞાનમાં આગળ હોય, પુર્વ પાસે જે કોઠાસુઝ છે તેમાં પણ કોઇ વૈજ્ઞાનીક તથ્ય તો છે જ……ઍંમ જી.
બહુ સરસ કથાઓ
દોલતભાઈ,
ટપુ જેવા નાના માણસની મોટાઈને નમસ્કાર. આજે પણ આવા વિદ્યાને ન વેચનારા અકિંચન મહામાનવો પડ્યા છે તે આનંદની વાત છે.
અંગુલિનિર્દેશઃ છેલ્લેથી બીજી લીટીમાં —” વિદ્યા વહેચાય નહીં ” ને બદલે … વિદ્યા વેચાય નહીં … હોવું જોઈએ. સુધારવા કૃપા કરશોજી.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}