વાટ કાપ્ય – શરીફા વીજળીવાળા

[‘નવનીત સમર્પણ’ જૂન-2006માંથી સાભાર. આપ શરીફાબેનનો (સુરત) આ સરનામે સંપર્ક કરી શકો છો : skvijaliwala@yahoo.com]

[ આ વાર્તાઓ તળ કાઠિયાવાડનાં લગભગ બધાં જ ગામડાંઓમાં કહેવાતી. મેં આ બધી વાર્તાઓ નાનપણમાં મારી બા પાસેથી સાંભળેલી. આપણે આ વાર્તાઓને શ્લીલ-અશ્લીલનાં લેબલ મારીએ કે કવિન્યાય, તાર્કિકતાની તપાસ કરીએ. પણ સૌરાષ્ટ્રમાં હજી આજેય મેં વડીલોને એયને ટેસથી આ વાર્તાઓ કહેતા જોયા-સાંભળ્યા છે અને ચમકતે ચહેરે, ઊંચી ડોકે, પહોળી આંખ કરી સાંભળતાં ટાબરિયાંવને ખડખડાટ હસતાં પણ જોયાં છે. ‘બાની વાતું’ પુસ્તકરૂપે વાર્તાઓ સંપાદિત કરી તે પછી વળી મારી બાને આ વાર્તાઓ યાદ આવી. આમ પણ આ લોકમુખે કહેવાતી વાર્તાઓમાં બધાને જે હદે રસ પડ્યો એનાથી મને સાનંદાશ્ચર્ય જ થયેલું ને એટલે જ આ થોડી બીજી વાર્તાઓ નોંધવાની હિંમત કરી છે. – લેખિકા]

[1] વાટ કાપ્ય

એક હતા પટેલ. પટેલ પાંહે પાર વગર્યના પૈસા. પટલાણી તો બોવ વેલા સર્ગે સિધાવી ગ્યા’તા. પટેલને બસારાને એક જ સોકરો. પણ ભાય સોકરામાં કાંય સક્કરવાર નો મળે. અક્ક્લનો સાંટો જરાક ઓસો. તે પટેલને રાત્ય ને દી એક જ ફિકર ખાય જાય. મારા મર્યા કેડ્યે આ અક્કલમઠાનું હું થાશે ? પૈસા હાટુ થયને હગાવાલા કાં તો એને જીવવા નઈ દયે ને જીવવા દેશે તોય એને રાન રાન ને પાન પાન કરી મેલશે. ભગવાનની દયાથી આ ગાંડાહાજાને જો ડાય વઉ મળી જાય તો મારી વાંહે મારું ઘર હસવાય જાય….

પણ એમ કાંય કોય ડાયુ સે એવું એના મોઢા માથે થોડું સાપ્યું હોય ? પટેલે તો ભાય ધામધૂમે દીકરાને પૈણાવ્યો. પશી હવારના પોરમાં પટેલે તો ભાય ડેલામાં ભર્યો ડાયરો. એયને કહુંબા પાણી ઘોળાણા ને ‘મારા ગળાના હમ’ લેવું જ પડે કેતા કેતા મંડ્યા પિવાવા. પટેલે તો ભાય ડેલામાં શારપાંસ મશક્યું ભરીને પાણી રેડાવ્યું ને પશી ડેલેથી ઘરમાં વઉંને કેવડાવ્યું કે ભાર્યેમાં ભાર્યે લૂગડા પેરીને એક હેલ્ય પાણી ભરીયાવો. બાય તો ભાય ભાર્યેમાં ભાર્યે લૂગડાની જોડ્ય પેરીને, કાખમાં હેલ્ય લઈને બારી નીહરી…. પણ ડેલામાં તો કાદવનું રાબડુ કસકસે…. બાય તો ભર્યા ડાયરા વસાળે લૂગડા ઊંસા લેતીકને હાલી ગઈ ઘમ…ઘમ કરતીકને. પટેલે તો ભાય ડાયરો વિખેરી નાખ્યો. ઘડીકવાર પશી દીકરાને બોલાવીને પટેલ કયે ‘ભાઈ, ગાડું જોડો, આપડા વડલાવાળા ખેતરે જાવુ સે.’ ભાય, સોકરે તો હડી કાઢતાક ગાડું જોડ્યું, વઉને બેહાડીને ત્રણેય જણા હાલ્યા ખેતરે.

જરાક આઘેરાક ગયા ને પટેલે દીકરાને ક્યું, ‘ભાય, વાટ કાપો’ ને ભાય સોકરો તો ઠેકડો મારતોકને હેઠો ઊતર્યો. કોદાળી લઈને મંડ્યો ઝાંખરા ઉખેડવા, કુવાડીથી મંડ્યો જાળા કાપવા. તરત જ બાપે એને રોક્યો. ‘બસ બટા, હવે હાલો ઘર્યે પાસા.’ સોકરો તો આમેય ભોપા જેવો હતો. તે એણે પૂશ્યું, ‘કાં બાપા, આપડે ખેતરે નથી જાવું ?’ બાપાએ ના પાડી. ઘર્યે આવીને સોકરો ગાડું સોડવા મંડ્યો પણ બાપે એને વાર્યો.
‘રેવા દે બેટા, વઉ ભલે માલીપા બેઠા. બળદયાને જરાક બે ડસકારી મારીને વઉને પીર મેલ્યાવો.’ દીકરો તો આમેય કોઈદી પોતાની અક્કલ વાપરતાં શીખ્યો જ નો’તો. તે પટ લેતાકને વઉને મેલ્યાવ્યો એને પીર.

બે-તૈણ મઈના કેડ્યે પટેલે તો પાસો સોકરાને પૈણાવ્યો. નવી વઉને પણ પેલીની જેમ જ પાણી ભરવાનું કીધું. ઈવડી ઈય તે લૂગડા ઊંસા લયને ભર્યા ડાયરા વસાળેથી વય ગય. ને પટેલે બીજીનેય બાપને ન્યાં વળાવી. વળી બે-તૈણ મઈના ગ્યાને પટેલે ત્રીજી સોકરી ગોતી. વળી સોકરાને ઘોડે સડાવ્યો. જાન વાજતે ગાજતે ઘર્યે આવી. વર-કન્યા પોંખાયાં… રાત્ય પડી…. અટાણ હુધીમાં વઉ મનમાં હમજી ગઈ’તી કે માટીમાં કાંય જાજુ પાણી લાગતું નથી. બાઈ વિશારે કે તો પશી આ બબ્બે બાયુને રાત્યેરાત્ય પાશી મેલ્યાવાનો ભેદ હું ? બાયે તો જેવો ધણી ઓયડે આવ્યો ઈ ભેળો એને હંહીને બોલાવ્યો, પાંહે બેહાડી વાતુએ સડાવ્યોને પશી હળવેકનાશનું પૂશી લીધું કે તમારા બાપાએ આગલી બે બાયુને રાખી કાં નંઈ ? ભોપાભાઈ ભોળાભટ્ટાક મોઢે ક્યે કે ‘ઈ તો મનેય નથી ખબર્ય.’
બાય ક્યે, ‘ઈ તો જાણે ઠીક, પણ મને ઈ તો ક્યો કે બાપા હવારમાં કરે હું ?’
ધણી ક્યે, ‘કાંય નો કરે. ઈ તો એયને ડાયરો ભરશે ને તને પાણી ભરવાનું કેશે. પશી મને ગાડું જોડવા કેશે. અડધે રસ્તે કેશે ‘બટા વાટ કાપ્ય’. તે હજી તો હું બે-તૈણ ઝૈડાં કાપું નો કાપું ત્યાં તો ગાડું પાસુ વળાવે ને વઉને એના પીર પાશી મેલ્યાવાનું ક્યે !’

બાય હતી ડાયમાની દીકરી, ખરી કોઠાડાય. ઈ હમજી ગઈ કે હાહરા આવો દાખડો શેના માટે કરેસે. એણ્યે ધણીને ફોહલાવીને કીધું, ‘જો હવે આતા તમને વાટ કાપવાનું ક્યે અટલે તરત તમારે અલકમલકની વાતું માંડવાની. “આતા ઓણતો શિંગ મબલક પાકશે. મગેય હારા થ્યાસે. વણના કાલાય ફાટફાટ થાયસે… આતા ઓણના વરહે ભાવેય ઊંસા સે. હારા ભાવ આવે તો વાંહયલું ભડું પાકું કરાવી લેશું….’ એમ આતા થાકે નય ન્યાં લગણ તમારે તડાકા ઝીંક્યે જાવાના.’ ધણી તો ભાય ડોકુ હલાવીને ક્યે કે ‘ઠીક તું કેસ એવું કરીશ.’ પટેલે તો ભાય હવારના પોરમાં કહુંબા પાણી હાટુ ડાયરો ભર્યો. ને ડેલામાં કરી પાણીની રેલમશેલમ. ને પશી વઉને કેવડાવ્યું કે ભાર્યે માંયલા લૂગડા પેરીને પાણીની એક હેલ્ય ભરીયાવો. વઉએ તો ભાય મોંઘામાં મોંઘી જોડ્ય પેરી. હેલ્ય લીધી કાખમાં. ડાઢી હુધી ઘૂમટો તાણ્યો ને કાદવના કિસકાણમાં ઈ તો હફટક લફટક કરતીક હાલી ગઈ. પટેલ તો મનમાં રાજીના રેડ થઈ ગ્યા. ખરી આબરૂદારની દીકરી સે. લૂગડા ઘોળ્યા બગડે પણ ખાનદાન બાઈ ભર્યા ડાયરે લૂગડું ઊંસુ નો જ લ્યે…..’ પટેલે ભાય ડાયરો વિખેરી નાખ્યો. દીકરાને બરક્યો. દીકરે વગર કીધે જ ગાડું જોડ્યું. વઉને પટેલ બેઠા. જરાક આઘેરાક ગ્યાને બાપે કીધું, ‘બટા, વાટ કાપો’ ને ભાય દીકરો તો મંડ્યો અલકમલકની વાતુ કરવા. બાપની આંખ્યમાં હરખના આંહુડા આવી ગ્યા. વઉના માથે હાથ મેલીને પટેલે કીધું, ‘વઉ દીકરા, હવે મને ધરપત્ય થઈ. તમારા હાથમાં મારા ખોયડાની આબરૂ જળવાશે. હવે હું નિરાંત્યે મરીશ…. લ્યો બાપા આ હંધીય કુંશીયુ. રમો જમો ને લીલાલેર કરો.’
.

[2] ડાય દીકરી

એક હતો ભામણ. એને એક જ દીકરો. મા વગર્યનો દીકરો રખડતો રવડતો મોટો થ્યો’તો. ભામણ બસારો દી આખો જજમાનુંમાં ધોડ્યે રાખે ને ઠેઠ્ય રાત્ય પડ્યે ઠાક્યો પાક્યો ઘર્યે આવે. એમાં દીકરામાં અક્કલનો સાંટો જરાક ઓસો રય ગ્યો’તો. ભામણને થ્યું કે દીકરામાં તો કાંય રામ નથી એટલે હવે વઉ અક્કલવાળીને કોઠાડાય ગોતવી જોશે. ઈ તો ભાય ખંભે ખડિયો નાખીને ગામેગામ મંડ્યો ભટકવા. પણ ક્યાંય આંખ્ય ઠરે ને મન માને એવી સોકરી નો જડી.

એમાં એક ગામને પાદર્ય ભામણ પોરો ખાવા બેઠો. ન્યાં કણે બાર-તેર વરહની સોકરીયું ઘોલકા કરીને ઘર-ઘર રમતી’તી. એમાંથી એક સોડીયે જોરથી બાકીની બધ્યુંને કીધું. ‘એ ભાય હું કોઈનું ઘર નથી બગાડતી, કોયે મારું ઘર નો બગાડવું.’ ભામણ હાંભળીને મલકાણો. ઊભો થઈને પાંહે ગ્યો. ‘એ બેનુ, દીકરીયું, મને જરાક ભામણનું ખોયડું દેખાડશો ? આઘેથી હાલ્યો આવું સું ને થાક્યો સું ઠીકાઠીકનો….’ ઓલી રૂપકડી ને વટકબોલી સોકરી ઊભી થયને ક્યે ‘હાલો બાપા, મારા ઘર્યે. અમે ભામણ જ સીએ.’ હવે ભાય પેલાના જમલામાં તો સોકરીયુંને નાનેથી પૈણાવી દેતા. અટલે સોકરીયું બાર તેર વરહની થાય ત્યાં હંધી વાતે હુંશિયાર થઈ જાય. સોકરી તો ભામણને ઘર્યે લય ગઈ ને ખાટલો ઢાળીને ફળિયામાં બેહાડ્યો. પશી ઘરમાં જઈને કળશ્યો ભરીને ટાઢું પાણી લય આવી. ભામણે આમતેમ નજર કરતાં પૂશી લીધું, ‘ગગી, તારા માવતર ક્યાં બટા ?’
સોકરી ક્યે, ‘ઈ તો હામેના ગામે ખળા માંગવા ગ્યાસે.’
‘ઠીક, તંયે કંઈ પાસા આવશે ?’
સોકરી તો આભલા હામે નજર નાખીને ક્યે ‘આવશે તો નય આવે ને નયેં આવે તો આવશે.’ ભામણ વિચારમાં પડ્યો. માળી સોકરી સેને કાંય…. મનેય ગોતે સડાવ્યો. હવે મનમાં મૂંજાઈ મરવું ઈ કરતાં પૂશી લેવું હારું. ભામણે તો પૂશી લીધું ‘અટલે બટા ?’
‘ઈ તો બાપા, જો મેઘરાજો, મારો વાલો આવશેને તો નાળામાં પાણી આવશે, તો મારા માવતર હામે કાંઠે રોકાય જાહે. ને નય આવે તો આવશે.’

ભામણ તો ભાય રાજીના રેડ થય ગ્યો. એણ્યે તો પોટલીમાંથી મૂઠી સોખા કાઢ્યા ને સોકરીને દીધા. ‘લે ગગી, આ સોખા સડવા મેલ્ય. ખાશું ન્યાં તારા માવતર આવી જાહે.’ સોકરીએ તો ભાય સોખા લીધા. જ્યાં ઘરમાં જઈને જોયું તો સોખા તો હતા આરસપાણાના. સોકરી હમજી ગઈ. એણ્યે તો એની રમત્યના લોઢાના સણ્યામાંથી (લોઢાના ચણા) મૂઠો ભર્યો. બારી નીહરીને ભામણના ખોબામાં દીધા. ‘લ્યો બાપા, આટલ્યા સણ્યા સાવોને ન્યાં સોખા સડી જાહે…..’ ભામણ લોઢાના સણ્યા ભાળીને હમજી ગ્યો કે ગગી સે માથાની. મારે જેવી વઉ જોતી’તી એવી જ સે આ. હવે તો રૂપિયો ને નાળિયેર દઈને જ જાશ. ને એણ્યે તો ભાય ખાટલા માથે ફાળિયું પાથરીને નિરાંતે મંડ્યુ ઘોરવા.
.

[3] ચકાનું વેર

એક હતી ચકી ને એક હતો ચકો. બેંય ઠીકાઠીકના ભૂખ્યા થ્યા તંયે ફરરર…. દેતાંક ઊડીને ગ્યા. ઘડીકમાં પાસા આવ્યા. ચકી લાવી’તી મગનો દાણો ને ચકો લાવ્યો’તો ચોખાનો દાણો. એની રાંધી ખીસડી. ચકી તો ભાય તપેલું ઢાંકીને પાણી ભરવા ગઈ. ચકાને કેતી ગય કે ધ્યાન રાખજે. ચકીએ જેવો વાંહો વાળ્યો કે તરત ચકો બેઠો થ્યો. તપેલા પાંહે ગ્યોને ખીસડી ઝાપટી ગ્યો. પશી ખાલીખમ તપેલાને ઢાંકી દીધું. પશી આંખ્યે બાંધ્યા પાટા ને હુઈ ગ્યો. ચકી પાણી ભરીને આવી અટલે એણ્યે બાર્યથી ચડ્ય નાખી.
‘ચકા ચકા કમાડ ઉઘાડ્ય.’
ચકો ક્યે : ‘એ… મારી તો દુઃખે સે આંખ્ય, કમાડ ખેડવી નાખ્ય.’
‘ચકા ચકા હેલ્ય ઉતાર્ય….’
ચકો ક્યે : ‘એ…. મારી દુઃખે સે આંખ્યું. તું ઉપલું ફોડ્ય ને હેઠલું ઉતાર્ય.’
ચકીએ તો ભાય ઘડાનો ભડુક દેતાકનો કર્યો ઘા ને હાંડો ઉતારીને પાણિયારે મેલ્યો.
‘એ ચકા હાલ્ય ખાવા, મારા પેટમાં તો ઉંદયડા ધોડે સે….’ ચકો ક્યે, ‘એ… તારે ખાવું હોય તો ખાય લે, મારી દુઃખેસે આંખ્યું… માથુ ફાટી જાય…. મારે નથી ખાવું…..’ ચકીએ તો ભાય જેવું તપેલું ઉઘાડ્યું તો માલીપા કાંય નો મળે. એની તો રાડ્ય ફાટી રઈ… ‘એલા ચકા, આમાંથી ખીસડી ક્યાં ગઈ ?’
ચકો ક્યે, ‘મને કાંય નથી ખબર્ય. હું તો આંખે પાટા બાંધીને હુતો’તો. રાજાનો કૂતર્યો પેધો પડ્યો શે…. ઈ ખાય ગ્યો હોય તો કાંય કેવાય નંઈ.’ ચકી તો ભાય ભૂખની મારી, દાજ્યની મારી ઊપડી ફરિયાદ કરવા.

રાજાના દરબારમાં જઈને રાવ કરી, ‘રાજા રાજા તમારો કૂતર્યો મારી ખીસડી ખાઈ ગ્યો.’
રાજા ક્યે : ‘અરે બાઈ, મારો કૂતર્યો તો આ હોનાની હાંકળે બાંધ્યો. ઈ તારી ખીસડી કેમનો ખાવા જાય ? હવે વાતને મેલ્ય પૂળો ને આ લાડવા લેતી જા. ધરાયને ખા ને ટબ્બા જેવી થા.’ ચકી તો લાડવા લઈને ઊપડી. રસ્તામાં વાગ્યો કાંટો. તે ચકી મોસી પાંહે ગઈ, કાંટો કઢાવવા. મોસીએ તો ભાય એવી હો મારી ને કે ચકીબેનના રામ રમી ગ્યા.

ચકાને જેવી ખબર્ય પડી કે ઈ તો ઊભો થ્યો. ઊભો થયને પરબારો નદીયે ગ્યો. નદીમાંથી બે પાડા જેવા ડેડકા પકડ્યા. પશી આંકડામાંથી આંકોલિયા લીધા… એની કરી ગાડી. મોર્ય જોડ્યા ડેડકાંને ભાય ઈ તો હાલ્યો મોસીના ઘર કોર્ય. તાં રસ્તે નાગદાદા મળ્યા. ઈ ક્યે ‘ચકા ચકા ક્યાં જાસો ?’ ચકો ક્યે :

‘આંકોલ્યાની ગાડી, બે ડેડક જૂત્યા જાય,
મોસીએ મારી ચકી, ચકો વેર લેવા જાય.’

નાગ ક્યે : ‘મને લેતો જાશ ?’ ચકો ક્યે ‘બેહી જા ગાડામાં.’ નાગદાદા તો ઠેકડો મારીને ગાડીમાં બેહી ગ્યા. જરાક આઘા હાલ્યા તાં કાદવિયો વીશી મળ્યો રસ્તામાં. ‘ચકા, ચકા, ક્યાં જાસો ?’ ચકો ક્યે :

‘આંકોલ્યાની ગાડી, બે ડેડક જૂત્યા જાય,
મોસીએ મારી ચકી, ચકો વેર લેવા જાય.’

વીંશી ક્યે : ‘મને લેતો જાશ ?’ ચકો ક્યે, ‘તુંય બેહી જા.’ ઈ તો ભાય વીશી બેહી ગ્યો નાગદાદાની પડખે… જરીક આઘેરાક ગ્યા ન્યાં તો ધોકો મળ્યો. એનેય હાર્યે લીધો. વળી આઘેરાક હાલ્યા ન્યાં ભેંશનો પોદળો મળ્યો. એનેય હાર્યે લીધો. વળી આઘેરાક હાલ્યા ન્યાં બે પારેવાં મળ્યાં. ‘ચકા ચકા ક્યાં જાસો ?’ ચકો ક્યે :

‘આંકોલ્યાની ગાડી, બે ડેડક જૂત્યા જાય,
મોસીએ મારી ચકી, ચકો વેર લેવા જાય.’

‘અમને લેતો જાશ ?’
‘હાલો, બેહી જાવ ગાડીમાં.’
તે ભાય આ લાવલશ્કર મોસીના ઘર પાંહે પુગ્યું ત્યારે હાંજ પડવા આવી’તી. મોસણ્ય ક્યાંક બારી ગઈ’તી. તે ભાય નાગદાદા ગોઠવાણા ઘંટીના થાળામાં, વીંશી બેઠો દીવા ઉપર્ય, કબૂતર બેઠા આવગુણ્યમાં ને ધોકો ભરાણો બારહાકમાં. પોદળો બેઠો ઉંબરામાં. ચકો હંધોય તાલ દેખાય એમ હંતાઈને બેહી ગ્યો.

હવે ભાય હજી તો શાર નો’તા વાગ્યા તાં મોસણ્ય તો ઊઠી ગઈ ને બેઠી દળવા. જેવી ઘંટી ફેરવવા ગય કે નાગદાદાએ ફૂઉઉ…. કરતાંકને બટકું ભરી લીધું. એ ધોડો ધોડો…. મને કાંક્ય કયડી ગ્યું….’ મોસીએ તો પથારીમાંથી જ રાડ્ય નાખી ‘દીવો કર્ય ઝટ દીવો કર્ય….’ મોસણ્યે તો જેવો દીવો હાથમાં લીધો કે પટ લેતાંકને વીંશીએ બટકું ભર્યું. ‘એ ધોડો રે ધોડો મને વીંશી ક્યડ્યો….’ મોસી ક્યે, ‘દેતવા કર્ય, ઝટ દેતાંકને દેતવા કર્ય….’ મોસણ તો ભાય ગોથા ખાતી, પડતી આખડતી સૂલા પાંહે ગઈ. હજી તો જરાક નમી તાં તો આવગુણ્યમાંથી પારેવાએ પાંખુ ફફડાવી. તે બાયની આંખ્યું રાખથી ભરાઈ રઈ. મોસીએ રાડ્ય દીધી, ‘તું બારી વય જા… હડી કાઢ્ય ઝટ તારાકની….’ મોસણ્ય તો ભાગી બારી… તાં ઉંબરા પાંહેના પોદળા ઉપર્ય પગ આવ્યો તે લહી ને સત્તીપાટ પડી. તાં બારહાકમાંથી ધોકો પડ્યો. તડીમ દઈને માથામાં ભટકાણો. ને ભાય મોસણ્ય તો મરી ગઈ. ને ચકો તો વેર વાળીને વયો ગ્યો પાસો એના ઘર્યે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous પ્રસંગકથાઓ – સંકલિત
ઝડપથી બદલાઈ રહેલા સમયમાં સુખી જીવન જીવવાની કલા – મોહમ્મદ માંકડ Next »   

31 પ્રતિભાવો : વાટ કાપ્ય – શરીફા વીજળીવાળા

 1. Harsh.... says:

  ખુબ સરસ રજુઆત……..

 2. Mrs Purvi Malkan says:

  વાટ કાપ્ય – શરીફા વીજળીવાળા”
  ડાય દીકરી
  આ બન્ન્ને સઉનદર લોકબોલી યુક્ત વાર્તા છે અને ચકાનું વેર એ વાર્તા વાંચીને બચપણની યાદ આવી ગઈ બાબા હંમેશા આ વાર્તા સંભાળવતા.

 3. સુંદર વાર્તાઓ.

 4. harubhai says:

  Both the stories are very very good.

  Congratulations. Harubhai Karia. 30th May 2011. 3:33hrs.

 5. NIKUNJ says:

  I will tell these story to my children

 6. vikalp says:

  bole to zakkas…. ekadam saurashtra ni boli ma vanchi ne aanand thayo.

 7. Veena Dave. USA says:

  અરે વાહ, મારી કાઠિયાવાડી ભાષામાં વારતા વાંચવાની મઝા આવી.

 8. સામાન્ય રીતે શહેરના ભણેલા માણસો ગામડાના માણસોને ‘અભણ-ગમાર’ ગણતા હોય છે. એની સામે ગામડાના માણસોને પોતાની કોઠાસૂઝનું ગૌરવ હોય છે ને તક મળતા જ તેઓ શહેરના માણસોની કોઠાસૂઝ તપાસી લે છે ને મોટે ભાગે એ કસોટીમાં શહેરી માણસ નાપાસ થાય એટલે ગામડાના માણસો છાના-છાના હરખાતા હોય છે. ‘વાટ કાપ્ય’ ને ‘ડાય દીકરી’માં અનેરી કોઠાસૂઝ જોવા મળે છે. બુદ્ધિના આવા ચમકારા ઉચ્ચતર આનંદ આપે છે.

  ‘ચકાનું વેર’ વાર્તા જુના કાળનું કાઠીયાવાડી માનસ છતું કરે છે. મોચીએ ચકીનું સારુ કરવાની ભાવના રાખી છતાં એની ભુલથી ચકી મરી ગઈ અને ચકાએ વેરભાવના રાખી ને બદલો લીધો. ઘણું-ખરું ત્યાં કાઠી દરબારો તેમજ અન્ય રજપૂતો વચ્ચે દુ:શ્મનાવટ બંધાય એટલે જીવનભર વેર રાખવામાં આવે એટલું જ નહિ પરંતુ એ વારસામાં પણ આપવામાં આવે. સ્ત્રીઓ પ્રત્યે પવિત્ર ભાવના રાખવામાં તેઓ જેટલા વિશિષ્ટ છે એટલા જ વેરભાવના માટે તેઓ જાણીતા છે. જે પક્ષે ભુલ કરી છે એ માફી માગવા તૈયાર નહિ ને કોઈએ જાણી જોઈને આપણને નુકશાન કર્યું છે કે એનાથી ભુલથી એવું થઈ ગયું છે એ તપાસવાની બીજા પક્ષની તકેદારી પણ નહિ.

 9. Suru says:

  વાટ કાપ્ય મા વાટ કાપવા નો શુ અર્થ હતો એ ખબર જ ના પડિ, કોઈ સમજાવશે જરા ?????????

 10. utkantha says:

  વાટ કાપવી એટલે રસ્તો ખૂટાડવો.
  બહુ સરસ વાર્તાઓ… શરીફાબહેન… આભાર..

 11. nayan panchal says:

  ત્રીજી વાર્તા બાળવાર્તા તરીકે યોગ્ય નથી. પહેલી બંને વાર્તાઓ સુંદર.

  આભાર,
  નયન

 12. Suru says:

  ઉત્કન્ઠાબેન એ તો બરોબર,
  પણ ખેડુત કેમ એના દિકરાને વાટ કાપવા માટે કહેતો હતો, એનો મર્મ શુ છે?

  • Shailesh Pujara says:

   ખેડુત દિકરા ની સાથે વહુ ને પણ ગાડા માં લઈ જતો હતો. એ જોવા માંગતો હતો કે દિકરા માં બુદ્દ્ધિ નથી પણ વહુ દિકરા ને શું શિખામણ આપે છે.

 13. dhruv bhatt says:

  sharifaaben,
  majaa padi. It recalled my chilehood.
  If you have coolection of such stories, make a book
  dhruv

  • vitthal patel says:

   અસ્સલ ગામથ્હિ ભાશામા વાર્તા
   .મઝો પદિ ગ્યો.

 14. dr.hitesh b.shah says:

  સરસ વાર્તાઓ ….આવિજ રિતે વા,ત્ત્ત્ત કાપ્તા રહેજો.

 15. વંદના શાન્તુઇન્દુ says:

  આ બધી લોકવાર્તાઓ ટી.વી.ના ત્સુનામિમા તણઈ ગઈ અને બાકી વધ્યુતુ એ અન્ગ્રેજિ માધ્યમે પુરુ કર્યુ.વાત-વાતમા જ વાર્તાયુ કેવાતી ને શિખામણ આપ્યા વગર ઘણુ-ઘણુ કેવાય જતુ.ને આમજ થતુ સન્સકારો નુ સિન્ચન.
  ત્રણેય વાર્તાઓ બાળપણ મા સાન્મભળેલિ.શરિફાબેન,આવિ વાર્તાઓનુ સમ્પાદન થવુ જોઇએ.તમે કરિ શકો તેમ છો.

 16. yogi pande says:

  I came from india back to US after 9 months –i remembered this site –which i opened and fely as if i am back at my home –i got refreshed and now i will not feel boredom as all ppl go for job in morning and come in evening –thank you so much for this site !!!!!
  also will tell to my grand children this so that they not become –ABCD –america born confused deshi !!!!!!

 17. G G Herma says:

  દેશી શ્બ્દો દેશી વાર્તા વાચવાની મજા પડે છે
  પણ નવી પેઢીને શ્બ્દોનો અર્થ સમજાવવો પડે છે ત્યારે જ તેને ખબર પડે છે
  હેલ્………પીર……..વાટ કાપવી……….ભામણ વિગેરે વિગેરે

 18. RITA PRAJAPATI says:

  ખુબ જ ગમ્યુ
  ચ્હેલ્લિ વાર્તા નાનપણમા સામ્ભળેલિ પર અહિ થોદિ અલગ ચ્હે
  સરસ

 19. Jayshree Ved says:

  After long long time hear and remembered our childhood.

 20. Goswami Minakshi says:

  hello…medam.
  i m ur student in mtb collage.
  i m not able to comment on ur story
  but i love it….

 21. naseem savant says:

  વાર્તા ખુબ જ ગમિ નન પન યાદ આવિ ગય્;

 22. Vinodbhai says:

  ખુબ સરસ રજુઆત……..

 23. bhatt krishna says:

  સરસ વાર્તા

 24. komal says:

  ખૂબ સરસ રજૂઆત ,લય બધ્ધ વાતાઁ.. આજે મારા બા -દાદા ની યાદ અપાવી દીધી I really like it stories અાભાર… બીજી વાતાઁઓહોય તો ;;please. …………..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.