ઝડપથી બદલાઈ રહેલા સમયમાં સુખી જીવન જીવવાની કલા – મોહમ્મદ માંકડ

[‘આવકાર’ પુસ્તકમાંથી સાભાર.]

વર્ષોથી ચાલી આવતી આપણી આર્થિક નીતિઓમાં મોટા પાયે પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. આ બદલાતી જતી આર્થિક વ્યવસ્થાને સરકારે ‘આર્થિક સુધારાઓ’ એવું નામ આપ્યું છે. આપણે એવી સામાજિક પરિસ્થિતિમાં જીવીએ છીએ કે ‘આર્થિક સુધારાઓ’ હોય કે ‘આર્થિક બગાડાઓ’ હોય, આપણે એમને સ્વીકાર્યા વિના છૂટકો નથી. આ આર્થિક સુધારાઓના ફાયદા કેટલાક લોકોને મળવાના છે. સામાન્ય લોકોને પણ એ વધુ-ઓછા પ્રમાણમાં મળશે.

આર્થિક વ્યવસ્થામાં બદલાવની અસર શિક્ષણવ્યવસ્થા ઉપર પડે એ સ્વાભાવિક છે. હવે વિદ્યાર્થી જ્ઞાન મેળવવા, કશુંક શીખવા કે જાણવા-સમજવા માટે ભણતો નથી, પરંતુ નોકરી-આજીવિકા મેળવવા માટે જ એ ભણે છે. શિક્ષણ દ્વારા આજનો વિદ્યાર્થી એવું જ જ્ઞાન મેળવવા માગે છે કે જેના દ્વારા નોકરી કરીને વધુ ને વધુ પૈસા કમાઈ શકે અને આ નોકરીની ઈચ્છા પૂરી કરવા માટે આજના યુવાનોએ ઘણે દૂર-કુટુંબ છોડીને જવું પડે છે. પતિ-પત્ની બંને જ્યારે નોકરી કરતાં હોય ત્યારે સંઘર્ષના શરૂઆતના દિવસોમાં પોતાનાં મા-બાપને સાથે રાખવાનું શક્ય બનતું નથી. કુટુંબ નાનું હોય અને એમાં પણ જ્યારે આ રીતે વિભાજન આવી પડે છે ત્યારે સંતાનો મા-બાપનો સહારો બની શકતાં નથી. સંયુક્ત કુટુંબની આપણી વ્યવસ્થા હવે આવી રહેલા બદલાવ સામે ટક્કર લઈ શકે તેવું લાગતું નથી. વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે. એ પણ આવી રહેલા પરિવર્તનની જ નિશાની છે. (અલબત્ત, વૃદ્ધોની દરકાર કરવામાં આવે અને એમના માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવે એ આવકારદાયક પણ છે.)

સંયુક્ત કુટુંબનું વિભાજન થતાં આખરે માણસ એકલોઅટૂલો થતો જવાનો છે. આજે જે યુવાન કે પ્રૌઢ છે એ આવતી કાલે વૃદ્ધાવસ્થાના આરે પહોંચી જવાના છે. શ્રીમંત અને સુખી ઘરના માણસોને સગવડ ઘણી મળી રહેશે, પરંતુ મનને હળવું કરી શકાય એવું કોઈ માણસ મળશે નહીં. કામ કરી આપે એવાં વૉશિંગ મશીન જેવાં અદ્યતન મશીનો મળી રહેશે, પરંતુ માણસ મળશે નહીં. સામાન્ય કે મધ્યમવર્ગના માણસે તો એવી અપેક્ષા પણ રાખવાનો કોઈ અર્થ રહેશે નહીં. અને અમેરિકા જેવા દેશોમાં જે ‘સોશિયલ સિક્યોરીટી’ની વ્યવસ્થા છે એવી વ્યવસ્થા વૃદ્ધો કે જરૂરિયાતમંદ માટે આપણા જેવા ગરીબ દેશોમાં થઈ શકે એવું નજીકના ભવિષ્યમાં દેખાતું નથી.

જિંદગી એવી છે કે વર્ષો વીતવા સાથે મિત્રો અને સગાંવહાલાંઓનો સાથ છૂટતો જાય છે. દુનિયામાંથી ઘણી પરિચિત વ્યક્તિઓ વિદાય લેતી જાય છે. માણસ એકલો પડતો જાય છે. જિંદગી વધુ ને વધુ સાંકડી થતી જાય છે. અને આ પરિસ્થિતિને ખાળી શકાય, રોકી શકાય એવી શક્યતા દેખાતી નથી. એટલે ગમે કે ન ગમે, માણસે જ પરિસ્થિતિને અનુકૂળ થવાનું શીખવું પડે એમ છે. હવેનો માણસ જીવનની શરૂઆતમાં જ જો વિશાળ અને પહોળો પાયો નહીં બનાવી શકે તો એના ઉપર ચણાયેલી ઈમારત ખખડી જશે અને એને સાથ નહીં આપે. માણસ પોતાની જીવવાની રીતભાતમાં જેટલો ફેરફાર કરી શકશે એટલો જ એ વધુ સુખી થઈ શકશે. જિંદગીની શરૂઆતમાં તો યુવાની હોય, દોડધામ હોય, કોલાહલ હોય, ધન અને કીર્તિ કમાઈ લેવામાં મન રોકાયેલું હોય, પણ ઉત્તરાવસ્થામાં પિરામિડ ઊલટો થઈ જાય છે. અને ઊલટો પિરામીડ સમતુલા જાળવી નથી શકતો ત્યારે માણસ દુઃખીદુઃખી થઈ જાય છે. વૃદ્ધાવસ્થા અને એકલતાના દુઃખમાં રાહત મેળવવાનો એક જ રસ્તો છે. ઈશ્વરે માણસને જે પાંચ ઈન્દ્રિયો આપી છે એ પાંચેય ઈન્દ્રિયોનો વધુમાં વધુ વિકાસ કરવો, સમતોલ વિકાસ કરવો. તમે યુવાન હો, પ્રૌઢ વયના હો કે વૃદ્ધાવસ્થાના આરે પહોંચ્યા હો, તમારું જીવન આ ખાસ વાત પર ધ્યાન આપીને ગોઠવજો, જેથી તમારી જિંદગી ક્યારેય તમારા માટે બોજારૂપ ન બની જાય.

કેટલાક લોકોને એમની યુવાનીમાં ખાવાપીવાનો, ફિલ્મ જોવાનો કે માત્ર રેડિયો-ટીવીનો જ શોખ હોય છે. બીજી કોઈ બાબતોમાંથી સુખ મેળવવાના એમના પ્રયત્નો જ હોતા નથી. મારા એક મિત્ર એક સંબંધીની ખબર કાઢવા ગયા હતા. મેં પૂછ્યું :
‘કેમ છે તબિયત ?’
‘ઠીક છે.’ એમણે કહ્યું, ‘આમ તો તબિયત સારી છે. પણ હવે વૃદ્ધાવસ્થા છે અને આટલી જિંદગી સુધી એમણે માત્ર એક જ વાતમાં રસ લીધો છે – ખાવાપીવામાં. એમની સ્વાદેન્દ્રિય સિવાય બીજી કોઈ ઈન્દ્રિયોનો વિકાસ થયો નથી. પૈસા કમાવા અને સારુંસારું ખાવું – બસ, એ રીતે જ એમની જિંદગી વીતી છે. ખાવાનો શોખ હજી એમને એટલો જ છે, પણ હવે જીભ અને પેટ એકબીજાની વિરુદ્ધ થઈ ગયાં છે. તળેલો ભારે ખોરાક ખાય એટલે પેટમાં ટકતો નથી.’ વૃદ્ધાવસ્થા કષ્ટદાયક તો છે જ, કારણ કે એમાં પરાવલંબન છે. આમ છતાં જો તમે તમારી પાંચે ઈન્દ્રિયોનો પૂરતો વિકાસ કર્યો હશે તો જિંદગીનો આનંદ મેળવવાની તમારી ક્ષમતા વધશે. બહારની સૃષ્ટિમાં રૂપ, રંગ, ધ્વનિ, સુગંધ, મીઠાશનો અખૂટ ખજાનો પડ્યો છે, પરંતુ એ માણવા માટે આપણે આપણા મનને સજ્જ કરવું પડે છે.

તમે ક્યારેય તારાથી મઢેલા આકાશ સામે નજર કરી છે ?
તમે સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગોને ક્યારેય માણ્યા છે ?
ફૂલો, વૃક્ષો, વનસ્પતિ સાથે દોસ્તી બાંધી છે ?
ઝરણાના કાંઠે બેસી એકલાએકલા એનો અવાજ સાંભળ્યો છે ?
પક્ષીઓના સંગીત પર ક્યારેય ધ્યાન આપ્યું છે ?
જંગલમાં, વગડામાં, નદીકાંઠે, પહાડોમાં ક્યારેય ફર્યા છો ખરા ?
ચોમાસાની ધરતીની ભીની સુગંધ ક્યારેય અનુભવી છે ?

તમારાં નાક, કાન, આંખનો ઉપયોગ યોગ્ય રીતે કરશો તો જરૂર તમને આ બધી વાતોમાં રસ પડશે અને જો તમને આવી વાતોમાં રસ નહીં પડે તો તમે જિંદગીની કોટડીમાં કેદ થઈ જવાના. એ કોટડી ગમે તેટલી મોટી હોય, ધનદોલતથી તમે એને ગમે તેટલી શણગારશો તોય એની દીવાલોની જતે દહાડે તમને ભીંસ લાગવાની છે. એ દીવાલોમાંથી બહાર નીકળી જવું જોઈએ. કોઈ કહેશે, અમે ક્યાં લેખક-કવિ, ચિત્રકાર કે સંગીતકાર છીએ કે અમને ઝરણાના સંગીતમાં, સૂર્યાસ્તના રંગોમાં કે તારા-ભરેલી રાતોમાં રસ પડે ? ભલે રસ ન પડે, રસ લેવાની જરૂર છે. માણસને બધી બાબતોમાં સહેલાઈથી રસ પડતો નથી, પણ ઓછા દુઃખી થવા માટે માણસે આનંદ મેળવવાની ક્ષમતાનો પાયો મોટો કરવો જરૂરી છે. રસ લેવાની ક્ષમતા વારસામાં મળતી નથી, એ કેળવવી પડે છે. એ વાત સાચી છે કે જીવનને ટકાવી રાખવા માટે તો રોટીની-પૈસાની જરૂર હોય છે, પરંતુ જીવનને ધબકતું રાખવા માટે ચિત્રકલા, સંગીત, સાહિત્યરસ કેળવવાની જરૂર છે. દરેક માણસ, લેખક, કલાકાર કે સંગીતકાર થઈ શકતો નથી, પરંતુ સારો વાચક, કલામર્મજ્ઞ અને સંગીતને સમજી-માણી શકે એવો તો જરૂર બની શકે છે. માણસ આ રીતે આનંદ મેળવવાની ક્ષમતા વધારે છે. એના જીવનમાં ખાલીપો ઓછો આવે છે. એની જિંદગી કાયમ ભરીભરી રહે છે.

આપણને આપણી ઈન્દ્રિયના વિકાસની ક્ષમતાનો બહુ ઓછો ખ્યાલ હોય છે. આપણને પ્રશ્ન થાય છે કે ઈન્દ્રિયનો વિકાસ કેટલો કરી શકાય ? માણસ જ્યારે એકાદ ઈન્દ્રિય ગુમાવી દે છે ત્યારે એને બીજી ઈન્દ્રિયની ક્ષમતાની અને શક્તિની ખબર પડે છે. આંધળો માણસ માત્ર પગરવ સાંભળીને આવનારની ઓળખાણ આપી શકે છે. આંખનું કામ એના કાન કરે છે. દેખતા માણસને ભાગ્યે જ ચાલનારની ચાલની કે એના અવાજની ખબર હોય છે. એ રીતે અંધ માણસમાં સ્પર્શની શક્તિ પણ ખૂબ જ ખીલેલી હોય છે. બધા માટે આટલો વિકાસ શક્ય નથી હોતો, પણ બધી ઈન્દ્રિયોનો શક્ય એટલો વધુ વિકાસ સાધવાની કોશિશ દરેકે કરવી જોઈએ. વિભાજિત કુટુંબની એકલતામાં સફળતાપૂર્વક જીવવાની બધી તૈયારી માણસે કરી રાખવી જોઈએ. હવેનાં વર્ષોમાં એ રોટી, કપડાં, મકાન જેવી જ અગત્યની બની રહેવાની છે.

અમુક ઉંમર પછી સમય કોની પાસેથી શું ઝૂંટવી લેશે એ કોઈ કહી શકતું નથી. મોટી ઉંમરે કવિ મિલ્ટનની આંખો ચાલી ગઈ હતી અને સંગીતકાર બિથોવનની શ્રવણેન્દ્રિય ચાલી ગઈ હતી. મિલ્ટને આંખો ગુમાવી દીધા પછી મહાકાવ્યનું સર્જન કર્યું હતું અને બહેરા થઈ ગયેલા સંગીતકાર બિથોવને એની સૌથી ઉત્તમ સિમ્ફોનીનું સર્જન કર્યું હતું. ઉંમર વીતવા સાથે સાંભળવાની શક્તિ ઓછી થતી જાય કે આંખોમાં ઝાંખપ આવે, કાનમાં બહેરાશ આવી જાય એ એક સ્વાભાવિક બાબત છે, પણ મનમાં જો બધી ઈન્દ્રિયોએ મોકલેલી સ્મૃતિઓ પડેલી હશે તો માણસ મિલ્ટન કે બિથોવનની માફક છેલ્લે સુધી કાર્યક્ષમ રહી શકશે. જિંદગીમાં અનેક નાનીમોટી બાબતોમાં જો તમે રસ લીધો હશે તો તમારે કોઈ એકાદ ક્ષેત્રમાં પીછેહઠ કરવાનું બનશે કે કોઈ એકાદ ક્ષેત્રમાં તમને નિષ્ફળતા મળશે તોપણ તમે જિંદગી હારી નહીં જાઓ, બલકે બદલાતા જતા સમયના પ્રવાહમાં ચોક્કસ ગોઠવાઈ જશો. તમને ક્યારેય એકલું નહીં લાગે કે જિંદગી તમારા માટે ક્યારેય બોજારૂપ નહીં બની જાય.

બર્ટ્રાન્ડ રસેલનું આ વાક્ય યાદ રાખવા જેવું છે : ‘The happy man is the man, who has wide interests.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

22 thoughts on “ઝડપથી બદલાઈ રહેલા સમયમાં સુખી જીવન જીવવાની કલા – મોહમ્મદ માંકડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.