….અને મારો ખોળો ભરાયો ! – અરુણા જાડેજા

[ ‘જનકલ્યાણ’ મે-2011માંથી સાભાર. આ લેખ સત્યઘટના પર આધારિત છે; જેની રજૂઆત શ્રીમતી મનીષાબેન પ્રસાદ પટવર્ધને કરી છે અને તેનું શબ્દાંકન અરુણાબેન જાડેજાએ કર્યું છે.]

પિયર કહો એટલે દરેક સ્ત્રીના મોં પર એક જાતનો સંતોષ, આનંદ, ઉત્સાહ, અચરજ, ગર્વ એવા વિવિધ ભાવો ઊભરતા જોવા મળે છે. મરાઠી કવયિત્રી બહિણાબાઈએ પોતાની કવિતામાં એક બહુ સરસ વાત કરી છે : ‘દીકરી પિયર પામે એ માટે મા સાસરે મહાલે.’ મનેય આવું જ સુંદર પિયર મળેલું.

મારું પિયર એ સંયુક્ત કુટુંબની ભાવનાને પોષનારું. જ્યાં મારા બા-બાપુજી, કાકાનું કુટુંબ અને ફોઈનું કુટુંબ પણ આવી જાય. ભલે અમે જુદા રહીએ તોય અમે ભેગા જ. સંયુક્ત કુટુંબ એટલે કાંઈ ફક્ત ચાર દિવાલની અંદર જ રહેવું એવું નહીં. જુદા રહીને પણ ભેગા રહી શકાય છે. કપરા સમયે એકબીજાની વહારે દોડી જવું, સતત એકબીજાના સંપર્કમાં રહેવું, બીજાની જવાબદારીને આપણી સમજીને પાર પાડવી, કુટુંબના અન્ય સભ્યોને હૂંફ આપવી, નાનામોટા પ્રસંગો ભેગા થઈને ઉજવવા, સારીમાઠી પળો ભેગા થઈને સહી લેવી એને સંયુક્ત કુટુંબ કહી શકાય, ચોક્કસ. જમાનાની માંગ પ્રમાણે કે જગ્યાની સંકડાશને કારણે આજકાલ બધા ઘર છોડીને ભલે બીજે રહેવા જાય તોય કંઈ મનની સંકડાશ વર્તાતી નથી, ઊલટાની મનની મોકળાશ જણાય છે. ભલે લોકો આજે વિભક્ત કુટુંબને નામે રાડો નાખતા હોય તોય નંદનવન જેવું સંયુક્ત કુટુંબ જોવું હોય તો મારું પિયર એનું ઉદાહરણ છે.

આવા જ સુંદર પિયરની જેમ મને સાસરુંય એવું જ સુંદર, સરસ મળી ગયું. મારા મહિમાવંતા પિયરની ગરીમા લઈને હું પૂણેમાં મારા સાસરે આવી. સાસરે આવીને બાર બાર વર્ષના વહાણાં વાયા તોય શેર માટીની અમારી ખોટ પૂરી ના થઈ. બધી જાતના ઉપાયો કરી છૂટ્યા; દોરાધાગા, જ્યોતિષ, અધ્યાત્મ, ધાર્મિક, વૈદકીય બધી રીતે, બધી બાજુએ પ્રયત્નો કરી જોયા. રન્નાદેને પણ ખોળાનો ખુંદનાર દેવા માટે કેટકેટલાં કાલાવાલા કરી જોયા. પણ કશું વળ્યું નહીં. ડૉક્ટરી તપાસમાંય જણાયું કે બેમાંથી કોઈ એકેયમાં દોષ નહોતો. છતાંય સંતાનસુખ નસીબમાં નહોતું. આખરે કંટાળીને અને અમારી વધતી ઉંમર જોઈને પણ અમે એક નિર્ણય લીધો દત્તક બાળક લેવાનો. આ બાબતે અમે ગંભીર હતા. અમને એવી એક સંસ્થાની ભાળ મળી. અમે એ કાર્યકર્તાઓને મળ્યા. એમના કહેવા પ્રમાણે અમારે જરૂરી કાયદેસર વિધિ કરીને દત્તક બાળક માટે અમારે નામ નોંધાવવું; જે અમે કર્યું. પછી દત્તક પાલક માટેનો વર્કશોપ પણ અમે કર્યો. હવે અમે રાહ જોવાનું શરૂ કર્યું. આ સંસ્થાની કેટલીક શાખા પૂણે શહેરની બહાર હતી; જ્યાંથી અમને બાળક થોડું વહેલું મળી શકે તેમ હતું. આથી અમે ત્યાં ગયા. હવે અમારો નંબર જલદી લાગે એની અમે રાહ જોવા લાગ્યા.

મને એ દિવસ બરાબર યાદ છે, કેમ ના યાદ હોય ? ઑક્ટોબરનો મહિનો અને સાલ હતી 2008. દિવસ હતો વસુબારસ એટલે વાઘબારસનો. અમે બંને તો અમારી ઑફિસમાં કામ કરતા હતા. અચાનક સંસ્થામાંથી ફોન આવ્યો કે 4 અને 5 નવેમ્બરે અમારે સંસ્થામાં પહોંચી જવું; એક દિવસ ઈન્ટરવ્યૂ થશે અને બીજા દિવસે બાળકની પસંદગી કરવાની રહેશે. આટલો જલદી અમારો નંબર લાગશે એ કલ્પના નહોતી. અમે તો ખુશીના માર્યા ઉછળી પડ્યા. એ આખો દિવસ અમે મીઠી મૂંઝવણમાં પસાર કર્યો. ખૂબ જ ઉત્સુકતા, ખૂબ જ આનંદ, ખૂબ જ ભાર એવી મિશ્ર લાગણીઓ અમારા બેઉના હૈયામાં ઊભરાતી હતી. આવી રહેલી એ દિવાળી અમારા માટે એક અનોખો અનુભવ લઈને આવી રહી હતી. જોતજોતામાં એ દિવસ પણ આવી પહોંચ્યો. અમે પૂણે બહાર આવેલી એ સંસ્થામાં પહોંચી ગયા. નક્કી થયું હતું એમ પહેલે દિવસે અમારા બંનેના જુદા જુદા અને પછી સાથે એમ ઈન્ટરવ્યૂ થયા. બીજે દિવસે અમે બાળક જોવા ગયા. ત્યાં સુધીમાં અમને ખબર પડી ગઈ હતી કે એ લોકો અમને બેબી બતાવવાના છે. એ સંસ્થાના કાર્યકર્તાનો વર્તાવ અત્યંત આત્મીયતાભર્યો હતો એટલું ખાસ કહેવું પડશે. એના લીધે અમારાં મન પરનો પેલો બધો ભાર જતો રહ્યો અને અમે સાવ હલકા ફૂલ જેવા બની ગયા. ત્યાં બાળકને સંભાળનારી દરેક બહેનને ‘મા’ કહીને સંબોધે. અમે બંને આંખો મીંચીને પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા કે હે પ્રભુ, તું અમારા ખોળામાં જે પધરાવીશ એ અમને મંજૂર છે, એને ઉજાળવાની એટલી શક્તિ તું આપજે. એટલામાં એક ‘મા’ (આઈ) એક બાળકને લઈને આવી. ભગવાને અમારાં ખોળામાં સો ટચનું સોનું પધરાવ્યું; એક મીઠડી, એક પરી. અમને જોતાં જ એ મધમીઠું હસી પડી. એ સમયે અમો બેઉ પતિપત્નીના મનમાં એક વિચાર ઝળકી ગયો કે હે પ્રભુ, તો આટલા માટે તેં અમારી આટઆટલી કસોટી કર્યે રાખી. બસ, પછી તો અમારી ‘હા’ કે ‘ના’ જ બાકી હતી. અમે લક્ષ્મીને અમારા ઘરે લઈ જવાનો મંગલદિવસ નક્કી કર્યો અને પાછાં ગયાં ઘરે, પૂણે. પણ હવે મન ક્યાંથી લાગવાનું ? સતત મીઠડી જ આંખ સામે તરવર્યા કરે !

હવે અમારા બધા સગાવહાલાને આ વાતની જાણ થઈ ચૂકી હતી. બધાના અભિનંદન વરસાવતા ફોન આવવા માંડ્યા. કોકે સલાહ આપી તો કોકે સૂચનો. એટલામાં મારા ફોઈએ એક નવલી નવાઈભર્યો પ્રસ્તાવ મૂક્યો : ‘ચાલો, મનીષાનો ખોળો ભરીએ.’ બધાએ પળભરનો વિચાર કર્યા વિના આ અવનવા પ્રસ્તાવને વધાવી લીધો.

ખોળો ભરવાના દિવસે મરાઠી રીવાજ પ્રમાણે મારી સામે જમવાની થાળી મૂકી. થાળીમાં બે વાડકી પુરીથી ઢાંકેલી રાખી હોય, બંને વાડકીમાં ખીર હોય. ખીરવાળી એક વાડકીમાં વીંટી હોય અને બીજીમાં રૂપિયો હોય. જો વીંટીવાળી વાડકી પરથી ગર્ભવતી પૂરી ઉપાડે તો એને દીકરી આવે અને રૂપિયાવાળી વાડકી હાથમાં લે તો દીકરો. આ તો સ્ત્રીવર્ગની બે ઘડીની ગમ્મત, જરી મજા. મારી પાસે પણ એ વિધિ કરાવી. ખોળો ભરવાની આ બધી વિધિ દરમ્યાન મારામાં જાણે એકદમ સમૂળો ફેરફાર થવા લાગ્યો. આ ખોળો ભરવાનો સંસ્કાર એટલે ગર્ભવતી સ્ત્રીનાં અછોવાનાં કરવા, એના લાડકોડ પૂરા કરવા, એના દોહદ પૂરા કરવા. નવ નવ મહિનાના લાંબા ગાળા સુધી એને સહેવા પડતા શારીરિક કષ્ટો, પીડાઓમાં એ સહેજ રાહત મેળવે, એ આનંદમાં રહે અને ખાસ તો આ ગર્ભાવસ્થા દરમ્યાન એને હામ રહે કે મારા સ્વજનો મારી સાથે જ છે એવો આ પ્રસંગનો ઉદ્દેશ છે. તો પછી મારા જેવી દત્તક બાળકની માતા આ પ્રસંગથી શા માટે બાકી રહે ? મારે નવ મહિનાનો ભાર નથી વેઠવાનો પણ હું તો નવથીય વધારે એટલે બાર બાર વર્ષથી બાળક ન હોવાનો ભાર ઉપાડતી આવી છું. ફક્ત શારીરિક જ નહીં માનસિક પીડા પણ સહેતી આવી છું અને સાથોસાથ આર્થિક પીડા પણ. આ બધાં વેણ સહ્યાં પછી મારે માટે આ સારો દહાડો જોવાનો આવ્યો છે….

….હવે બે દિવસ પછી તો પડખામાં મારું બાળક હશે. ભલે મેં એને મારા ઉદરમાં સેવ્યું નથી, ભલે હું એને મારું દૂધ નહીં પીવડાવું પણ એને ભૂખ લાગશે તો એ આવશે તો મારી પાસે જ, એના બે હાથ મારી તરફ જ ફેલાવશે. કેટલાય લોકોની વચ્ચે એ ‘મમ્મી’ કહીને મને જ બૂમ પાડશે. તો પછી પેલી ગર્ભવતી સ્ત્રીઓ કરતાં હું જુદી ક્યાંથી ? ફક્ત બાળકને જન્મ આપીને જ મા-પણું – માતૃત્વ થોડું મળતું હોય છે ? એ તો એના ઉછેર પર અવલંબે છે. આવા બધા વિચારો આ વિધિ દરમ્યાન મને આવી રહ્યા હતા.

અમારી મીઠડીને લેવા જવાનું મંગળટાણું આવી ગયું. મારા ઉત્સાહી પિયરિયાં અને સાસરિયાં બધાં બેબીને લેવા ગયા. મારાં ભાભી ઘરે રહ્યા હતા. બેબીને લઈને અમે પાછા આવતા હતા ત્યારે મને ખબર હતી કે મારી મીઠડીને પોંખવા, એને ફૂલડે વધાવવા આરતીનો થાળ લઈને મારા ભાભી ઘરને આંગણે ઊભા હશે; એવું તો થયું જ પણ એમણે અમારું આખું ઘર લક્ષ્મીજીને આવકારવા માટે સજાવી રાખ્યું હતું. રસ્તામાં આવતા આવતા જ મારા ભાઈએ બધા માટે આઈસ્ક્રીમનો ઓર્ડર પણ આપી દીધેલો; ઘરે આવ્યા ન આવ્યા ત્યાં તો આઈસ્ક્રીમ પણ આવી પહોંચ્યો. મારા નણદોઈએ તો અમારી બેબલીને કાકાની ખોટ પૂરી પાડી. આજે પણ દર ગુરુવાર તો બેબી માટે એમના નામનો જ.

મારાં લાડ તો બધી વાતે પૂરાં થયા, એની આ વાત છે પણ સાથે સાથે મહત્વની વાત છે મારા કુટુંબીજનોએ ત્યારે પણ અને આજે પણ મને હસતી રાખી છે. તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ મોકો છે. હે પ્રભુ, મારા પતિ તો દર જન્મે આ જ મળે પણ મારા બંને પક્ષના કુટુંબીજનો પણ દર જન્મે આ જ મળે. હવે બહિણાભાઈની પેલી કાવ્યપંક્તિ મારા માટે સાર્થક થવા જઈ રહી છે : ‘દીકરી પિયર પામે એ માટે મા સાસરે મહાલે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

36 thoughts on “….અને મારો ખોળો ભરાયો ! – અરુણા જાડેજા”

Copy Protected by Chetan's WP-Copyprotect.