ધન્યવાદ મરાઠી રસોઈ-શૉને – મીરા ભટ્ટ

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.]

નજર નજરનો ફરક પડી જાય છે. કહેવાય છે કે જેવી દષ્ટિ એવી સૃષ્ટિ. હનુમાનજી સીતામાઈની શોધમાં લંકાની અશોકવાટિકામાં પહોંચ્યા, ત્યારે એમણે સીતાજીની આસપાસ ખીલેલાં ફૂલોનો રંગ રાતોચોળ જોયો. હકીકતમાં એ ફૂલ સાવ સફેદ હતાં, પરંતુ હનુમાનજી કોપાયમાન હતા, રાવણને પાઠ શીખવવા આવ્યા હતા એટલે એમની ક્રોધે ભરેલી લાલ લાલ આંખોને વાટિકાનાં ફૂલ પણ લાલ રંગનાં જ દેખાયાં.

નજર હોય તો દૂરદર્શન (અહીં ‘દૂરદર્શન’ શબ્દનો અર્થ ‘ટેલિવિઝન ચેનલો’ એ સમજવો. ‘ટેલિવિઝન’ શબ્દનું ગુજરાતી ‘દૂરદર્શન’ છે.) જેવાં પ્રસારમાધ્યમો જીવનનું વાસ્તવિક જગત પણ દેખાડી શકે અને નજર ન હોય તો કૃત્રિમ બનાવટી અવાસ્તવિક દુનિયા પણ ખડી કરી શકે. પ્રસારમાધ્યમો પાસે થોડીઘણી પણ સામાજિક કે સાંસ્કૃતિક દષ્ટિ હોય તો મનોરંજનના કાર્યક્રમોમાં પણ આસમાન-જમીનનો ફરક ઊભો કરી દઈ શકે. દાખલા તરીકે દૂરદર્શન પર ‘સારેગમપ’ના હિન્દી કાર્યક્રમોમાં રજૂ થયેલાં ગીતોનું ધોરણ ઉત્તરોઉત્તર નીચે ઊતરતું જ અનુભવાયું. છેલ્લે છેલ્લે તો ગીતો સાથે જે નૃત્ય-અભિનય જોડાતાં ગયાં તે પણ અશ્લીલતા સુધી પહોંચતાં અનુભવાયાં. પ્રેક્ષકોની અભિરુચિને સુસંસ્કૃત કરવી, પ્રાકૃત રાખવી કે વિકૃત કરવી, એમાં પણ દષ્ટિવિવેક જરૂરી હોય છે. મરાઠી ભાષાના ‘સારેગમપ’માં મહારાષ્ટ્રના સંત કવિઓનાં સુંદર પદો અંતરમાં અપાર સદભાવના જગાડતાં હતાં અને તે પણ નવજુવાન ગાયકોના કંઠે એ સાંભળીને નજર નજરના ફરકનો વિવેક વધુ ધ્યાનમાં આવ્યો.

આવી જ એક સુંદર નરવી નજર, વિવેકયુક્ત જીવનદષ્ટિનો અનુભવ ફરી એકવાર થયો. દૂરદર્શન પર હવે તો લગભગ ચોવીસે કલાક વિવિધ વાનગીઓ બનાવતા શો દેખાડાય છે. એમાં પહેલાં તો મોટા ભાગની વાનગીઓની સામગ્રી જ સાધારણ આમજનતા માટે હાથવગી ન હોય. આ તો થઈ સામગ્રીની વાત, પણ વાનગી બનાવવાનાં સાધનો પણ સાધારણ જનતાની પહોંચ બહારનાં હોય. પછી સાધારણ સ્થિતિની બહેનોની પણ આકાંક્ષા જાગે કે મારા રસોડામાં આવાં અદ્યતન સાધનો ક્યારે વસાવાય ? આધુનિકતાનો વિરોધ તો ન જ હોય ને ? પણ આધુનિકતા માણસને ક્ષમતાની પહોંચબહાર ખેંચી જતી હોય ત્યારે વિવેકદષ્ટિ એમ કહે કે જે સાધન સહજ પ્રાપ્ય હોય એમાં સંતોષ મેળવવો. દૂરદર્શન હંમેશાં ‘હેવમોર’ની ભૂખ વધાર્યા જ કરે અને એ વધુ મેળવવા પાછળ માણસ સાધનશુદ્ધિ ગુમાવતો થઈ જાય તો તે દૂરદર્શનની ટૂંકી નજર સિદ્ધ થાય.

પરંતુ મરાઠી ચેનલે એક અનોખી રજૂઆત કરી. ગઈકાલે ‘ખાદ્યભ્રમન્તી’ના રસોઈ-શોમાં ઊભું રસોડું, ગૅસનો ચૂલો, માઈક્રોવેવનો ચૂલો, ઑવન અને ફ્રીઝના સ્થાને ખૂણામાં સળગતો ચૂલો, ઍલ્યુમિનિયમની તપેલીમાં ડહોળેલો લોટ, કોળાનું શાક અને વાનગી કરનારી બહેન જ નહીં, કાર્યક્રમ પ્રસ્તુત કરનારી એન્કર પણ લાકડાના પાટલા પર બેઠેલી જોવા મળી. ભારતના સિત્તેરથી એંસી ટકા લોકોનાં રસોડાં જેવું આમરસોડું દર્શકો સામે રજૂ કરવું – આમાં મને પ્રસારમાધ્યમની સાંસ્કૃતિક-સામાજિક દીર્ઘદષ્ટિ દેખાઈ. કોઈકે કહ્યું છે કે સ્વસ્થ નાગરિક નિર્માણ કરવો હોય તો તેને વાસ્તવિક સમાજદર્શન કરાવવું જરૂરી છે. દૂરદર્શન જ્યારે વાસ્તવિક સમાજદર્શન રજૂ કરે છે ત્યારે તેના દ્વારા અનાયાસ નાગરિકતાનું શિક્ષણ મળી જાય છે. ગમ્મત તો આ લાગી કે રોજેરોજ રજૂ થતી ગૃહિણીઓ પુછાયેલા પ્રશ્નોના જવાબમાં એમના અવનવા શોખ-રુચિની વાતો કરે અને લૅબેનોન, ચીન, અમેરિકા-ઈંગ્લેન્ડની વાનગીઓ બનાવીને બતાવે. ઘણો ઘણો ઉપકાર ગુજરાતી રસોઈ-શૉનો કે એમાં જરૂરી સામગ્રીઓમાં ઈંડાં-ચિકન કે માંસનું નામ સાંભળીને ચૅનલ ફેરવી નાખવી પડતી નથી. આટલો વિવેક ગુજરાતી જનતાએ જ શીખવ્યો હશે, પરંતુ ડર લાગે કે આવતીકાલ એવી ઊગી શકે કે પત્રલેખિકાઓ જ આવી માંસાહારી વાનગીની માગણી કરે ! આવા સમયે દષ્ટિવિવેક ન હોય તો ચ્યુતિ થઈ શકે.

મરાઠી ચૅનલમાં વાનગી રજૂ કરનારી બાઈ બે-પાંચ ધોરણ ભણેલી. એનો પતિ કોઈ સંસ્થાનો પટાવાળો. શો-સંચાલિકા પૂછે – તમે રોજ ફરવા જાઓ છો ? રવિવારે તો જતાં હશો ને ? રોજ રસોઈમાં નવું નવું શું બનાવો ? – ભારતની આમસ્ત્રીનો જવાબ શું હોઈ શકે ? ‘દાળ-ભાત-શાક-રોટલી’નું ‘પૂરું ભાણું’ તો ભાગ્યે જ મળે ! પંચમહાલના આદિવાસીઓ હોળીના દિવસે ચોખા રાંધે અને પકવાન ખાધાનો સંતોષ મેળવે. મોટા ભાગના પ્રશ્નોમાં નિરુત્તર રહેલી યજમાન ગૃહિણીએ ભારતની વાસ્તવિકતાનું દર્શન કરાવ્યું કે એમના માટે રસોડું પેટ ભરવા માટે રાંધવાનું સ્થાન માત્ર છે. ષડરસની વાત છોડો, પેટ ભરાય એ જ આ રસોડાનો મુખ્ય રસ હોય છે. હા, તેલ-ઘી વગરનો સૂકો રોટલો ગળે ન ઊતરે એટલે અડધી વાટકીના શાકમાં અડધોઅડધ તો લાલઘૂમ મરચું જ હોય. અડધો કોળિયો મોંમાં મૂકતા જાઓ, વળતું પાણી પીતા જાઓ અને સૂકો રોટલો ગળે ઉતારતા જાઓ. આમ, એ રસોડામાં કેવળ તીખા-તમતમતા રસનું સામ્રાજ્ય પ્રવર્તે, આ વાત ષડરસિકો પાસે શી રીતે પહોંચે ? રવિશંકર મહારાજ કહેતા કે મારી થાળીમાં જ્યારે રોટલી સાથે દાળ અને શાક બંને પીરસાય છે ત્યારે મને મૂંઝવણ થાય છે કે રોટલી દાળ સાથે ખાવી કે શાક સાથે ? બબ્બે વસ્તુની શી જરૂર ? એમણે તો વર્ષો સુધી એકલી ખિચડી ખાઈને જ પેટ ભરેલું ને ? એ શું જાણે ષડરસનો સ્વાદ ! એમને જનતા-જનાર્દન સાથે એકરસતા અનુભવાય એવા રામરસમાં જ પરમરસ પમાય. એવો રામરસ તો જ્યારે જાગે ત્યારે સાચો, પરંતુ મારા દેશના કરોડો લોકો શું રાંધીને પેટ ભરે છે એમાં પ્રેક્ષકોનો રસ જાગે એવી દષ્ટિ દાખવવી એ સાચે જ ધન્યવાદને પાત્ર છે.

મોટી મોટી કંપનીઓને રસ છે કે એમના ઉદ્યોગોનો માલ મબલક ધોરણે વપરાય. લોકોની વપરાશ વધે એ માટે પહેલાં ભૂખ જગાડવી અને પછી એ ભોગ હાથવગો કરવા લોકોને હવાતિયાં મારતા કરવા. રસોઈ-શોમાં ઋતુ ઋતુની વાનગી બતાવે, સ્વાસ્થ્ય જાળવવા માટેની હેલ્ધી વાનગીઓ પસંદ કરે, પરંતુ એ વાનગીઓમાં નાખવાનાં ચીઝ-બટર-દ્રાક્ષ-અખરોટ-બદામ-કાજુ તો ઠીક, સંતરાં-દાડમ-ચીકુનો મેળ પણ કેમ કરવો તે મોટા ભાગની ગૃહિણીઓ માટે પ્રશ્ન હોય છે. આપણા ભારત દેશનાં બાળકોને, ખાસ કરીને કન્યાઓને વ્રત રાખવાના બહાને જીભના સંયમ નામ વ્રત શીખવવામાં આવતું. મોળાકાતમાં મીઠા વગરનું ભોજન, અનાજ પણ એક જ વાર લેવાનું, સૂકો મેવો ખાઈ શકાય, પરંતુ મોટા ભાગની છોકરીઓનાં ફરાકનાં ખિસ્સામાં તો રાણકૂકડી જ હોય ! બહુ બહુ તો મગફળીના દાણા. ફળમાં કેળાં-પપૈયાં. આજની યુવા પેઢી પાસે ‘વ્રત’ શબ્દ જ પહોંચતો નથી. વરણ કરેલા, પસંદ કરેલા સીમિત ભોગો માટે મનને તૈયાર કરવાનું સાધન તે ‘વ્રત.’ વ્રતસાધના દ્વારા જીવનમાં સંયમ સધાય. યમ-નિયમ-સંયમના કાંઠાથી જીવનના વહેણને ચોક્કસ પટ મળે. જીવન ધારી દિશામાં સહજપણે વહેતું રહી શકે. ભોજનમાં કેટલીક વાર તો પાંચ ચીજથી વધારે વાનગી ભાણામાં ન લેવાનો નિયમ રાખતા. ભારતમાં ખાસ કરીને જૈનશાસ્ત્રમાં ઉત્તમ આહાર-શાસ્ત્ર નિર્માણ થયું છે. અલ્પાહાર, નિરાહાર જેવા શબ્દો ભારતીય જીવનકોશમાં જડે. આ બધી ઊઠબેસ સાવ અમથી-અમથી નહોતી થતી. એની પાછળ સંયમમૂલક જીવનદષ્ટિ હતી.

ભારત જેવા ગરીબ દેશના નાગરિકો પાસે દૂરદર્શન પહોંચાડવાની અક્ક્લ સૂઝી હોય તો આ પણ સૂઝવું જોઈએ કે લોકોને મર્યાદિત ખર્ચમાં ઉત્તમ આરોગ્ય સચવાય એવી વાનગીઓ શી રીતે શિખવાડાય. વર્ષો સુધી કેવળ ખીચડી ખાઈને રોજના ચાળીસ-ચાળીસ માઈલ પગે ચાલવાનો શ્રમ ઉઠાવી શકનારા રવિશંકરદાદા જેવા કોઈ વ્યક્તિની મુલાકાત યોજીને એમના સ્વાસ્થ્યનું રહસ્ય લોકો સમક્ષ પ્રગટ કરવું જોઈએ. ભારતીય ભાષામાં ભોજન-સામગ્રીને ‘રસોઈ’ અને ભોજન બનાવવાના સ્થાનને જ ‘રસોડું’ કહે છે, પછી એ ભોજન અને એ સ્થાન રસવિહોણું તો શી રીતે હોઈ શકે ? ‘સ્વાદ’ તો જીહવા નામની ઈન્દ્રિયનો પ્રમુખ ગુણ છે, જેના દ્વારા કુદરત ‘રસ’ નામનું પ્રવાહી ઝરાવે છે, પરંતુ અનુભવીઓ પાઠ શીખવે છે કે રસના ચટકા હોય, કૂંડાં ન હોય ! વિનોબા જેવા મર્મજ્ઞ શીખવાડે કે સુસ્વાદયુક્ત ભોજન અસ્વાદપૂર્વક ખાવું. ગાંધીજી જેવો જીવનવીર ‘અસ્વાદ’ને એકાદશવ્રતમાં સ્થાન આપે. આ બધું શા માટે ? ભારતનાં ઘણાં બધાં ઘરોમાં અર્જુનના સાત ઘોડાવાળા રથને સારથિરૂપે હાથમાં લગામ ખેંચેલા શ્રીકૃષ્ણની છબિ જોવા મળે છે. શ્રીકૃષ્ણ જગદગુરુ બની શક્યા, કારણ ઈન્દ્રિયોરૂપી અશ્વોની લગામ હાથમાં રાખવાનું જાણતા હતા.

આખરે આ બધું શા માટે ? પ્રશ્નોનોય પ્રશ્ન ! પ્રશ્નરાજ ! ઈબ્રાહિમ જિન-અદહમ પાસે એક ગુલામ પહોંચ્યો અને પૂછ્યું : ‘તારું નામ શું ?’
તો પેલો કહે : ‘જે નામે બોલાવો તે.’
‘વારુ, ખાય છે શું ?’
‘જે પીરસશો તે.’
‘પહેરે છે શું ?’
‘જે પહેરાવો તે !’
‘ઠીક, તો પગાર કેટલો લઈશ.’
‘તમારી મરજી પડે તે.’
ગુલામની મનોદશા જોઈ ઈબ્રાહિમને થયું કે આ ગુલામની જેમ મને પણ ખુદાની મરજી પર ચાલતા આવડી ગયું હોત તો ? મીરાંબાઈએ ગાયું કે ‘જો પહેનાવે સો હી પહનુ !’ સિદ્ધ પુરુષો કહે છે – કાચી માટીની કાયામાંથી અંદરની ધાતુ બદલી નાખી ભીતરના હિરણ્યપુરુષને પ્રગટાવવા માટેની આ સંયમ સાધના છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “ધન્યવાદ મરાઠી રસોઈ-શૉને – મીરા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.