પારસમણિનો સ્પર્શ – મૃગેશ શાહ

ઉત્તમ પુસ્તકો એ આપણી ભાષાની એવી સંપત્તિ છે કે જેનું મૂલ્ય કદી આંકી શકાય તેમ નથી. એક પુસ્તક માણસની વિચારધારા બદલવા માટે પર્યાપ્ત છે; જો તે ઉત્તમ કક્ષાનું હોય તો. આજે પણ આપણે ત્યાં એ પ્રકારનું અત્યંત દુર્લભ કહી શકાય એવું ઘણું સાહિત્ય છે પરંતુ એની માટે ખોજ કરવી પડે છે. તે સહેલાઈથી દેખાતું નથી. આજે એવા એક પુસ્તકની વાત કરવી છે, જેનો પરિચય આપવા માટે શબ્દો ઓછા પડે તેમ છે.

એક સાંજે હું વિનોબાયુગના સાહિત્યકાર મીરાબેન ભટ્ટ પાસે બેઠો હતો ત્યારે વાતવાતમાં તેમણે મને કહ્યું કે તમે મુકુન્દરાય પરાશર્યનું ‘મારાં મોટીબાં અને બીજી સત્યકથાઓ’ પુસ્તક જોયું ? મેં તેમને જણાવ્યું કે મારા જોવામાં આવ્યું નથી. તેમણે પુસ્તકનો પરિચય આપતાં કહ્યું કે ગુજરાતી ભાષામાં આ પ્રકારનું અદ્દભુત પાત્રાલેખન ક્યારેય થયું નથી. જો એ ન વંચાયું હોય તો હજી ગુજરાતી સાહિત્યની ઘણી ઉત્તમ કૃતિઓ વંચાઈ નથી તેમ ગણાય. એકવાર વાંચ્યા પછી તેને જીવનભર ક્યારેય ભૂલી ન શકાય, તેવી ઊંડી છાપ છોડી જતું આ પુસ્તક છે. એ માત્ર સાહિત્ય જ નથી, એ જીવનની અમૂલ્ય મૂડી સમાન ગ્રંથ છે – તેમની પાસેથી આ વાત સાંભળીને મેં પુસ્તકની ખોજ શરૂ કરી. ઘણા વર્ષો અગાઉ તે પ્રકાશિત થયું હતું, તેથી તે પુસ્તકોની દુકાનમાં મળવાની શક્યતાઓ નહિવત હતી. કેટલાક પુસ્તકાલયોમાં પણ તે અંગે તપાસ કરી. પરંતુ પરિણામ શૂન્ય. અંતે મીરાબેન પાસેથી જ પારાશર્ય પરિવારનો ફોન નંબર લઈને મેં જ્યોતિબેન પારાશર્યને ફોન કર્યો. તેમની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે પુસ્તક તો ઘણા લાંબા સમયથી અપ્રાપ્ય છે. વળી, તેમની પાસે એકાદ પ્રતને બાદ કરતાં તેની વધુ કોઈ પ્રત બચી નથી. પુસ્તક તો મેળવવું જ હતું, તેથી મેં તેમને તેની ફોટોકોપી મોકલવા વિનંતી કરી. તેમણે ખૂબ સહકાર આપીને ‘મુકુન્દરાય પારાશર્ય સ્મૃતિગ્રંથ’ના તમામ પુસ્તકો સહિત આ ‘સત્યકથાઓ’ના પુસ્તકની નકલ મોકલી આપી.

જેવું પુસ્તક આવ્યું કે તરત વાંચવાનું શરૂ કર્યું. કેટલાક પુસ્તકો વિશે એમ કહેવાય છે કે તે માણસની ઊંઘ ઉડાડી મૂકે છે ! આ પુસ્તક એ શ્રેણીનું છે. તેમાંથી પસાર થતાં જ લાગ્યું કે આ તો માનવજીવનને ઘડનારું ઉત્તમોત્તમ સાહિત્ય છે. આપણી અગાઉ થઈ ગયેલા લોકોની સમજ, એમની કોઠાસૂઝ, તેમનું ભાવવિશ્વ, સમાજ સાથે તેમનો વ્યવહાર, જીવનપદ્ધતિ અને માનવતાને ગરિમા બક્ષે એવા તેમના ઉદાર અને ઉદાત્ત વિચારો – કોણ જાણે કેટલુંય આ પુસ્તકમાં ભર્યું પડ્યું છે. એમાં ફ્કત પાત્રનું જ આલેખન નથી, પરંતુ એ પાત્ર દ્વારા થતું ભારતીય સંસ્કૃતિ અને વિચારધારાનું આલેખન છે. શું આપણા જન્મના થોડા વર્ષો અગાઉ આવા ઉત્તમ માણસો થઈ ગયાં છે ? માનવતાના શિખરો કહી શકાય તેવા પરમ સાધુચરિત્ર માનવીઓનું જીવનદર્શન આ સત્યકથાઓ કરાવે છે. વાંચીને સ્તબ્ધ થઈ જવાય તેવું આ પુસ્તક છે. કઈ ઘડીએ આપણી આંખો ભરાઈ આવે તેનો ખ્યાલ રહેતો નથી. નવી પેઢી માટે તો આ જાણે સત્યુગની વાતો છે પરંતુ આ બધી એકાદ દાયકા અગાઉ બનેલી સત્ય ઘટનાઓ છે. આ ઈતિહાસ નથી, ભારતીય સંસ્કૃતિના સુક્ષ્મત્તમ ભાવોનો આ દસ્તાવેજ છે. આ હૃદયની વાણી છે. આપણા જીવનના અનેક પ્રશ્નો અને સમસ્યાઓને એક જ વારમાં ભસ્મીભૂત કરીને આપણા ચિત્તનું તે અંદરથી એવું ઘડતર કરી દે છે કે એ પછી જીવનમાં બનતી ઘટનાઓ પ્રત્યે ક્યારેય કોઈ પ્રશ્ન ઉદ્દભવતો નથી. આ પુસ્તક મનન કરવા યોગ્ય છે. ખૂબ ધીમે ધીમે તેને વાંચીને આત્મસાત કરવા જેવું છે. આ પુસ્તક માટે અનેક વિદ્વાન સાહિત્યકારોએ ઘણું ઘણું લખ્યું છે; જેમાં વિનોદ જોશી, દિલાવરસિંહ જાડેજા, મણિલાલ. હ. પટેલ, રમેશ ર. દવે, હરિકૃષ્ણ પાઠક, ભગીરથ બ્રહ્મભટ્ટ, મનુભાઈ પંચોળી ‘દર્શક’ વગેરેનો સમાવેશ થાય છે.

આ તો થયો પુસ્તકનો થોડો પરિચય. હવે તેના સર્જક વિશે વાત કરીએ. મુકુન્દરાય પરાશર્ય એટલે જાણે ભક્ત કવિ. એમનો જન્મ 1914માં થયો અને અવસાન 1985માં. તેઓ સંસ્કારલક્ષી સત્વશીલ સર્જક હતા. તેમને આજીવન ઉત્તમ માણસોનો સંગ મળ્યો. ભક્તકવિ કેશવલાલ હરિરામ, પ્રભાશંકર પટ્ટણી, રાજવૈદ્ય કાનજી, ચિંતક વિજયશંકર કાનજી જેવા તેજસ્વી પુરુષો જે કુટુંબમાં હોય તે કુટુંબ વિશે શું કહેવું ? તેમનું શૈશવ કોટડામાં વીત્યું. ધર્મના અને સાહિત્યના ગાઢ સંસ્કાર ધરાવતા કૌટુંબિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો. મૅટ્રિકમાં હતા તે પહેલાંથી તેમની સાહિત્યોપાસના શરૂ થઈ ગઈ હતી. એ પછી તેમણે કાવ્યસંગ્રહો, લઘુનવલકથા, પૌરાણિક વાતોનો સંગ્રહ સહિત અનેકાનેક ઉત્તમ સાહિત્ય કૃતિઓ આપી. 1962થી લઈને જીવનપર્યંત દર રવિવારે સવારે આઠ-નવ કે સાડા આઠથી સાડા નવ તે શ્રીમદ ભગવદ ગીતા કે ભાગવતનો કે અન્ય ધાર્મિક ગ્રંથનો આસ્વાદ કરાવતા. ધર્મ તેમના જીવનનું ધારક બળ હતું. તેઓ ખૂબ સાદું અને સરળ જીવન જીવતાં. આંજી નાખે એવું એમનું બાહ્ય વ્યક્તિત્વ ન હતું અને સ્વભાવમાંયે બીજાને ઝાંખા પાડવાની સ્વપ્નેય દાનત નહીં. તેમના સ્વભાવની સૌમ્યતા સૌ કોઈને સ્પર્શી જાય તેવી હતી. તેમનો સ્વભાવ અત્યંત સંવેદનશીલ હતો. નાની સરખી બાબત પણ તેમના ચિત્તને સ્પર્શી જતી. સતત લાગણીમાં જીવતા હોય એવું લાગે. તેમણે પોતે કહ્યું છે : ‘કોણ જાણે કેમ, મને અસર કરી જાય એવી રીતે જ હું કંઈક જીવું છું. હું કાંઈ ઢાંકી શકતો નથી મને અસર થવાની વખતે.’ તેમણે વ્યક્તિઘડતરનો સભાન પ્રયત્ન કર્યો હતો. એથી જ એમનાં મોટીબાં કે અન્ય કોઈ સ્વજનો જે કંઈ બોલ્યા, તે તેમણે નોંધી લીધું હતું. આ ‘સત્યકથા’ઓ એવી નોંધ પરથી તૈયાર થઈ છે. એ જીવનનું ભાથું એમને માટે તો ઉપયોગી હતું જ પરંતુ આજે આપણા સૌ માટે ઉપયોગી બની શકે તેમ છે. 1985ના મે માસમાં 71 વર્ષની વયે હૃદય બંધ પડવાથી તેમનો ક્ષરદેહ પંચમહાભૂતમાં લય પામ્યો. તેમના પરિચય માટે તેમણે જ લખેલી એક કાવ્યપંક્તિ એકદમ યથાર્થ છે :

મરને તળિયે જીવીએ, દુનિયા દેખે નૈં;
મકના ! એવી છીપ થા કે મોતી પાકે મૈં !

આ પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓ લખે છે : ‘અમારાં પિતામહી રોજ રાત્રે જમી લીધા પછી અમને બાળકોને વાર્તાઓ કહેતાં અને તે સાથે ઘણીયે વખત, કુટુંબની, જ્ઞાતિની કે સમાજની વ્યક્તિઓની વિશિષ્ટ વાતો કહેતાં. એ સાંભળેલી વાતોને સ્મરણમાં રાખવાના ઈરાદાથી હું ત્રેવીશ-ચોવીશ વર્ષની વયનો થયો ત્યારે લગભગ રોજ એકાદ કલાક મારાં પિતામહી પાસે બેસી, તેમની વાતોમાંથી નોંધ ટપકાવી લેતો. કુટુંબના માણસો રાત્રે નિરાંતે સાથે બેસે, કલાક, બે કલાક કૌટુંબિક કે સાંસ્કારિક કે ધાર્મિક વાતો, ઘટનાઓ કહેવાય અને સાંભળનાર બાળકોમાં અનાયાસે, અભાનપણે કંઈક સંસ્કાર પડે એ સ્થિતિ આજે હવે રહી નથી. કોઈક સ્થળે અપવાદરૂપે ટકી રહી હોય એ સંભવ ખરો.’ નિશ્ચિત કાળ બતાવતાં તેમણે કહ્યું છે કે, ‘મારાં મોટીબા પાસેથી સાંભળેલી વાતોને નોંધવાનું મેં 1928-29થી શરૂ કર્યું ને 1940 સુધી નોંધી. તેમાં નિયમિતતા કે વ્યવસ્થા ન હતી. મારા જીવનનિર્માણમાં ઉપયોગમાં લેવાના ઈરાદે એ નોંધો ટપકાવતો હતો.’

વધુમાં તેઓ લખે છે કે : ‘1946-47માં મેં મારા પિતાને પૂછેલું કે મોટીબાએ કહેલી વ્યક્તિઓના જીવનપ્રસંગની વાતો હું લખી છપાવું તો ? કેવાં સરસ માણસો માટે તેમણે કહ્યું છે ! ભૂંસાઈ જતા માનવતાસભર ઈતિહાસની નોંધ જળવાઈ રહેવા સાથે આપણી સાહિત્યસૃષ્ટિમાં વિશિષ્ટ પાત્રોનાં જીવનદર્શન ઊભાં થાય. મારા પિતાએ જવાબમાં કહ્યું કે એ જમાનામાં માણસો ભણેલાં ન હતાં એ ખરું અને ભોગપરાયણ અને રાજ્યસત્તાનાં લોલુપ માણસો પણ હતાં, એ પણ ખરું; છતાં એમ લાગે છે કે એ વર્ગ પ્રમાણમાં નાનો હતો. ઘણાંખરાં માણસો ભોળાં, ધર્મપરાયણ અને ઓછા અભિમાનવાળાં હતાં. એટલે દંભ ઓછો હતો. મહત્વાકાંક્ષાના અભાવે પાપચાર તરફ ઉત્સાહ ન હતો; જન્મસંસ્કારથી, શ્રદ્ધા અને સંતોષથી સારમાણસાઈથી જીવનારાં હતાં. સામાન્ય રીતે ઈતિહાસ ઊથલપાથલના લખાય છે. મૂંગા, શાંત, સ્થિર જીવનપ્રવાહ વિશે જોવા, સમજવા, વિચારવા કે લખવા માટે ભાગ્યે જ ધ્યાન જાય છે. એમ જીવનારાં અને જોનારાં માણસો ઘટતાં જાય છે. વળી, અભિમાની અને મહત્વાકાંક્ષી માણસોના ઢોલના અવાજમાં સારમાણસાઈથી જીવનારાં મૂંગા માણસો વિશેની વાતો દબાઈ જાય છે. તેથી મોટીબા જેવા સાદા-સારા માણસોને જોઈને તને નવાઈ લાગે છે. સારા માણસો વિશે તું લખે એ ખોટું નથી, ઉપયોગી છે. પરંતુ એ કેવળ સાહિત્યકાર થવા કે નામના મેળવવાના મોહથી લખીને છપાવવું મને યોગ્ય નથી લાગતું. જે સારું છે તે સ્વભાવમાં વણવા માટે અને જે આદર્શ લાગે તેવા થવા ઉપર દષ્ટિ હોય તો આ કામ તું કરજે. આ તો મને એમ લાગે છે, બાકી તને ઠીક લાગે તેમ તું કરજે.’

ટૂંકમાં, માનવજીવનને વધુ ઉન્નત કરે એવા આ પુસ્તકમાંથી આપણે અહીં ‘મોટીબા’ વિશેનું એક વિસ્તૃત પ્રકરણ થોડા દિવસોમાં બે ભાગમાં માણીશું. પરંતુ આ માટે સૌ વાચકોને વિનંતી છે કે તેઓ પોતાના પરિવારજનો સાથે બેસીને આ ઉત્તમ સાહિત્યનું વાંચન કરે, જેથી આપણી અગાઉ થઈ ગયેલા સાવ સરળ પરંતુ ઓજસ્વી અને તેજસ્વી માણસો વિશે આપણી નવી પેઢી જાણી શકે. આ સાથે વિશેષ આનંદના સમાચાર એ છે કે ઘણા વર્ષો બાદ આ પુસ્તકનું ટૂંક સમયમાં હવે પુનઃપ્રકાશન થવાનું છે. આ બાબતે વધુ વિગતો આપણે તે લેખમાં જોઈશું. બસ, આ પારસમણિના સ્પર્શ માટે થોડો સમય પ્રતિક્ષા કરવા વિનંતી….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

15 thoughts on “પારસમણિનો સ્પર્શ – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.