મારાં મોટીબા – મુકુન્દરાય પારાશર્ય

[ ‘ભારતીય સંસ્કૃતિ’ એટલે શું ? – એમ કોઈ પૂછે તો આપણે ગર્વથી કહી શકીએ તેવું ઉત્તમ સાહિત્ય આપણી ભાષામાં ભર્યું પડ્યું છે. સામાન્ય માનવીના ઉચ્ચ જીવન વિશેની વાતો આપણને ભારતીય સંસ્કૃતિનો સાચો પરિચય કરાવે છે. જે પુસ્તકોમાં આ પ્રકારની વાતો સચવાયેલી રહી છે, તે રત્ન સમાન છે. એવા જ એક પુસ્તક ‘મારાં મોટીબા અને બીજી સત્યકથાઓ’માંથી આજે આપણે પ્રથમ પ્રકરણ માણીશું. આ પુસ્તક કુલ 256 પાનનું છે, જેમાં લેખકે તેમનાં મોટીબા ઉપરાંત ગ્રામ્યજીવન જીવતા સરળ માનવીઓના ચરિત્રનું પાત્રાલેખન કર્યું છે. પ્રથમ ત્રણ પ્રકરણો મોટીબાના જીવન, તેમના અનુભવો અને ઉપદેશની વાતોનો સમાવેશ કરે છે. પુસ્તકનું અંતિમ પ્રકરણ ‘નબૂ’ વિશે છે, જે ગુજરાતી સાહિત્યમાં એટલું તો પ્રસિદ્ધ થયું છે કે જેના વિશે અનેક સાહિત્યકારોએ ખૂબ ખૂબ લખ્યું છે. મોટીબા વિશેના આ પ્રકરણમાં તેમની ઊંડી કોઠાસૂઝ, સમાજ સાથેનો તેમનો વ્યવહાર, ઉચ્ચ અધ્યાત્મિક સ્થિતિ અને જીવન પ્રત્યેની વિશાળ દષ્ટિ સહજ અનુભવાય છે. સૌ પરિવારજનોએ સાથે બેસીને આ પ્રકારના લેખોનું સમૂહ વાચન કરવા જેવું છે. સારા-નરસા સમયમાં આ પ્રકારનું સાહિત્ય ખૂબ હિંમત આપે છે. રીડગુજરાતીને આ પુસ્તકની નકલ ભેટ મોકલવા માટે જ્યોતિબેન પારાશર્યનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. હાલમાં આ પુસ્તક અપ્રાપ્ય છે પરંતુ ટૂંક સમયમાં જ તેનું પ્રકાશન થવાનું છે. આથી જે કોઈ આ પુસ્તક વિશે વધુ જાણવા, ખરીદવા માંગતા હોય તેઓ જ્યોતિબેનનો આ નંબર પર સંપર્ક કરી શકે છે : +91 278 2562041. વધુમાં, આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો.– તંત્રી.]

1973ના મે માસમાં મારે ફરી કોટડા-સાંગાણી જવાનું થયું. સાથે સુહૃદ મકરન્દભાઈ દવે અને મનસુખલાલભાઈ પારેખ હતા. ત્યાં મારા દાદા વૈદ્ય કાનજી હરિરામે ચણાવેલું અમારું મકાન છે. તેનાં અને ખાસ કરીને તેમાંની પૂજાની ઓરડીનાં દર્શન કરવાં હતાં. પ્રજ્ઞાચક્ષુ પુરુષોત્તમદાસ કાકાને ઈ.સ. 1965માં છેલ્લો મળ્યો ત્યારે તેમણે મને કહેલું : ‘ભાઈ, તમારું ઘર બંધ જ રહે છે. મને તેમાં રે’વા દે તો હું ત્યાં રહું. એ મારાં માવતરનું ઘર છે, આશ્રમ છે, મોટું તીરથ છે.’ એ મકાન ત્યારે પણ રિપેર કરાવ્યા વગર રહી શકાય તેવું ન હતું અને રિપેર કરાવી શકું તેમ પણ ન હતું. પુરુષોત્તમદાસ કાકા તો આજે દેવ થઈ ગયા છે પણ એને ઉદ્દિષ્ટ અમરતાનો સંસ્પર્શ કરાવનાર એ મકાન, એ ઘર હજી છે. એનાં દર્શનની મારે માનતા હતી.

એ પુરુષોત્તમદાસના ભત્રીજા તુલસીદાસભાઈ દામજી ઈ.સ. 1966માં મુંબઈમાં મળેલા ત્યારે એક રાત્રે લાગટ ત્રણ કલાક સુધી કોટડાની તથા મારા દાદા અને મોટીબા વિશે ભક્તિની વાતો કરી ગયા. તેમાં એણે આવું કહેલું કે મેં મારી ત્રીશબત્રીશ વરસની ઉંમરે કોટડા છોડ્યું. હું જાતે જઈ, ઘરાગને ઘેર સીવું. ઘણેય ઘેર હું સીવવા બેસતો. એકલા હિંદુના ઘરમાં નહિ પણ મેમણ, ખત્રી તથા વોરાને ત્યાં પણ જતો. જેને ઘેર સીવું તેને ત્યાં સવારથી રાત સુધી સીવવાનું હોય. કોઈ વાર ફાનસ માંડીને મોડી રાત સુધી સીવવું પડે. પણ મેં ત્યારે કોટડામાં એક્કેય ઘર એવું નથી જોયું કે જ્યાં રોજ, કોક દી’ નહિ, રોજ, કંઈક નહિ ને કંઈક માજીની (મોટીબા ની) વાત સાંભળવા ન મળી હોય. ગામમાંથી પરણીને જાય એ છોકરિયુંનાં તો એ બા હતાં પણ પરણીને આવનારનાંયે એ બા હતાં. માજીથી મોટી ઉંમરની બાઈયુંનાં પણ એ બા હતાં. કાંઈક એવું બને છે કે માજી યાદ આવી જાય ત્યારે મનેય જે સૂઝતો ન હોય તે રસ્તો સૂઝે.

આમ તો 1940માં પોષી પૂનમની મધરાત પછી મારાં મોટીબાનો વૈકુંઠવાસ થયો. પછીથી એમનું સ્મરણ મને રોજ થાય જ છે. છતાં અમારાં એ ઘરનાં દર્શન છેલ્લાં કરી આવ્યો છું ત્યારથી તે સવિશેષ થાય છે. મને તેમણે બે-ચાર વખત કહેલું : ‘બેટા, કોટડા છોડીશ મા. આ ઘરથી તારું કલ્યાણ થશે.’ શું લખું ? શરીરથી મેં કોટડા-સાંગાણી 1933થી છોડ્યું છે. સ્થિતિને કારણે 1955 પછી પૂરતી દુરસ્તી તો દૂર રહી, ઘરની સંભાળ પણ જાણે છૂટી ગઈ છે. મારા ગુરુપુત્ર શ્રી ઉદયશંકર હરિશંકર જોશીએ સૌજન્યથી એ ઘરની સંભાળ રાખવા સ્વીકારેલું પણ તેમની સૂચના અનુસાર તાત્કાલિક ઓછામાં ઓછી દુરસ્તી માટે ખર્ચ મારાથી થઈ શક્યો નહિ. આજે એ ઘર નથી રહ્યું, ખંડેર થઈ ગયું છે. સામસામી ઓસરીએ બબ્બે ઓરડા ને વચમાં ફળીવાળા એ મકાનનાં બારીબારણાં સડવા માંડ્યાં છે. છાપરાં તૂટી ગયાં છે. એક તરફના ઓરડામાં ભૂકો થઈ પડેલાં વળી, વાંસ તથા નળિયાંની નીચે ને વચ્ચે, ચોરાઈ જતાં બાકી રહેલો વરસોના વરસાદથી પલળી કૂથો થઈ ધૂળમાં ઢંકાયેલો, ગાદલાં-ગોદડાં, પુસ્તક-પોથીવાળો સામાન છે. મારા પિતાના દાદા હરિરામ ભટ્ટે ઉત્તરાવસ્થામાં સ્વહસ્તે લખેલી શ્રીમદ ભાગવતની પોથી પણ તેમાં જ છે. મકાનની આ હાલત છે. મહત્વ છતાં એને જાળવવા કંઈ જ ન કરી શકું તેવી મારી હાલત છે. પણ એની ઓથે જીવતાં ઘરને મનથી વળગી રહ્યો છું. એ ઘર સાથે મારું બાળપણ, મારાં મોટીબા, માતાપિતા ને સંસ્કારપ્રદ વાતાવરણ સંકળાઈ રહ્યાં છે.

વરસોથી આ ઘર અવાવરુ પડ્યું છે છતાં એમાં દાખલ થઈ મકરન્દભાઈએ કહ્યું કે પૂજાને અંતે ધૂપદીપ ઠરી ગયા પછી હવામાં જેવી સુગંધ હોય તેવી આ ઘરમાં સુગંધ આવે છે. મને એ ઘરનું વાતાવરણ વીંટળાઈ વળ્યું છે. ક્યારેક એમ લાગે છે કે મારી જીવનવેલ પાંગરી છે કે નહિ તે પ્રભુ જાણે પણ એ સજીવ રહી છે ને તુષ્ટિ અનુભવે છે તે એ ભૂમિમાંથી પોષણ મેળવીને. અંગત વાતોમાં ઊતરવું અસ્થાને છે. એટલું કહેવું બસ છે કે જીવનનું આશ્વાસન કહો, પ્રેરણા કહો, સાધનબળ કહો કે વ્યાપક ચૈતન્યનો વત્સલ સંસ્પર્શ કહો, મને એ ઘરનાં અને મોટીબાનાં સ્મરણથી મળતાં રહે છે, દર્શનથી દઢતર બને છે અને તેથી કલ્પી શકું છું કે જો એ ઘર મેં છોડ્યું ન હોત તો ? એ ન છોડવાની સલાહ આપનાર મારાં મોટીબાની આ થોડીક વાત છે.

મારાં મોટીબાનો જન્મ હાલના જૂનાગઢ જિલ્લામાં લીંબુડા ગામે ઈ.સ. 1856 શાકે 1778ના માગશરની પૂનમની રાતે થયો હતો. પિતા દલપતરામ અને માતા વાલુબાઈનાં પ્રથમ સંતાન હોવાથી તેનું નામ અવલકુંવર રાખેલું. બે નાનાં ભાંડરડામાં ભાઈનું નામ જાદવજી અને બહેનનું નામ દયાકુંવર. દલપતરામ વ્યાસનાં દાદી સતી થયેલાં જેનો ગોખલો એ ઘરમાં હજી પુજાય છે. મોટીબા એ સતીમાની પ્રસંગે-પ્રસંગે માનતા રાખતાં અને અમે ગમે તે ગામે હોઈએ, એ માનતા નિમિત્તે ગોળપાપડી બનાવી સતીમાની દિશામાં ધરીને ખાતાં. સતીમાની વાત મોટીબા ઘણીવાર કરતાં. એ ઘરના વાડામાં આજેયે એ પીપળો છે કે જેને તળે સતીમાએ સતી થવા જતાં પહેલાં ખીર રાંધેલી ને મોટો તવેથો ન હોવાથી ઊકળતી ખીર પોતાના હાથે હલાવીને ગામનાં બાળકોને એ ખીર ખવરાવેલી.

મારાં મોટીબાનાં માતા વાલુમાને દમનો વ્યાધિ હતો. અગિયાર વર્ષની વયે મારાં મોટીબાને પરણાવ્યા પછી એ વ્યાધિ વધ્યો. દીકરી સાસરેથી પિયર આવેલી. એક રાતે એકાએક એ વધુ માંદાં થઈ ગયાં ત્યારે પડખામાં સૂતેલી બારેક વર્ષની દીકરી અવલકુંવર (મારાં મોટીબા) જાગી ગઈ. બે નાનાં છોકરાંને ઊંઘવા દઈ વાલુમા ઓરડામાંથી નીકળી વાડામાં ગયાં ને મરણકાળે ઉત્તમ આશ્રય ગણીને એ પીપળાને પગે લાગીને તેને થડે આલરીને સૂતાં ને થોડીવારે દેહ છોડ્યો. એ દિવસોમાં દલપતરામ વ્યાસ કથા વાંચવા બહારગામ ગયેલા. ગામમાં જ્ઞાતિનું બીજું કોઈ ઘર ન હતું. સતીમાની ભૂમિમાં પીપળાને આશરે, સાવ એકાંતમાં પ્રભુસ્મરણ સાથે અવસાન પામતાં હોવાથી નિરાંત અનુભવતાં હતાં. દીકરીએ કોઈનું મરણ જોયું ન હતું. તેને પોતે મરી ગયા પછી શું થશે ને શું શું કેમ કરવું તેની ભલામણ કરી દીકરીએ દ્વાદશાક્ષર મંત્ર બોલ્યા કરવાનું કહીને પોતે એ મંત્ર બોલવા લાગ્યાં. છોકરીએ છેલ્લીવારનું ગંગાજળ પાયું ને ‘હાશ પ્રભુ’ એ છેલ્લા શબ્દો સાથે એણે દેહ છોડ્યો. જનેતાની ઈચ્છા પ્રમાણે તેમની તુલસીની માળા દીકરીએ કેટલો વખત ફેરવી તે ખ્યાલ ન રહ્યો. ઘણીવારે પાડોશમાં ઘંટી શરૂ થઈ ત્યારે ખોળામાંથી માથું નીચે મૂકી દીકરી પાડોશીબાઈને તેડી લાવી. પરજ્ઞાતિનું માણસ મૃત શરીરને અડી ન શકે એટલે માના શરીરની જે ક્રિયા કરવી ઘટે તે દીકરીએ કરી પણ પછીનું દશ્ય તેમનાથી સહન ન થયું. પણ નાનાં ભાંડરડાંને તેણે જાળવી લીધાં. એ કહેતાં કે આવે પ્રસંગે અવસાન પામનારનું ને એની પાછળ રહેનારનું શું કરી છૂટવું એ તેમને ત્યારથી સમજાઈ ગયેલું.

મારા દાદા કાનજી હરિરામ મારાં મોટીબાથી તેર વર્ષ વયમાં મોટા હતા. મારા દાદા ઈ.સ. 1911માં અવસાન પામ્યા ત્યાં સુધી મોટીબાની આંખો અજવાળી રાતે સોયમાં દોરો પરોવી શકતાં એવી સારી હતી. પછીના વરસે દોઢવરસે ઝામરના રોગમાં તેમણે બેઉ આંખો સાવ ગુમાવી. લેડી રમાબા, મારાં માતાપિતા અને ફૂઈઓ કહેતાં કે છોકરાં નાનાં હોવાથી બાએ દુઃખને મનમાં દાબી દીધું તેથી આંખો ગુમાવી. પણ મોટીબા કહેતાં કે જવાની હતી તેથી ગઈ.

એ સાવ અંધ થયા પછી મારો જન્મ ઈ.સ. 1914માં. મેં મોટીબાને આંધળાં જોયેલાં. એ અંધાપો જાણે એમને સ્વાભાવિક હતો. એમણે પોતાના અંધાપાનું દુઃખ કદી કોઈ પાસે રોયું ન હતું. જન્માંધ પુરુષોત્તમદાસજીને પોતાને ત્યાં રાખી, ઉછેરી તાલીમ આપનારને પોતા પર આવી પડેલ અંધાપાનું દુઃખ ન હતું. એને મન એ એક સાધનનો અભાવ હતો અને સાધન વગર ચલાવી લેવાની એમને ફાવટ હતી. એ મને એક વાત સમજાવતાં. એ વાત હું આ રીતે સમજ્યો છું કે જે માણસ પોતે અમુક સ્થિતિમાં હોય કે અમુક વસ્તુ તેની પાસે હોય તો પોતે અમુક કામ કરી શકે ને તો જ કંઈક પામી શકે એમ માનીને જે પોતાની પાસે નથી તે માટે ખેદ કરતો હોય છે તે માણસ કંઈ કરી શકતો નથી, કંઈ પામી શકતો નથી. એ કામ ન કરવાનું બહાનું છે. કારણ કે આપણી ઈચ્છા થઈ જવાથી કોઈ પણ સ્થિતિ આપણને અનુકૂળ થઈ જાય કે ચીજ, વસ્તુ કે માણસ આપમેળે આવી મળે એ બનતું નથી. પરિસ્થિતિ ને સાધન તો જે હોય છે તે જ હોય છે ને તેમાંથી જ જરૂર પ્રમાણે નવાં સાધન ઉપજાવવાનાં હોય છે. એટલે જે ન હોય કે ન મળે તેવું હોય તેની ખોટી આશા રાખી ખેદ ન કરવો જોઈએ. મૂંઝાયા વગર જે કંઈ સમજણ, શક્તિ ને સાધન આપણી પાસે હોય તેનો સદુપયોગ કરી લેતાં માણસે શીખી લેવું જોઈએ. સાધનનો તૂટો નથી. જે મળેલું હોય છે તે પૂરતું હોય છે. સુખી થવા માટે ને આગળ વધવા માટે આપણી જેટલી લાયકાત હોય છે, દાનત હોય છે તેટલા પ્રમાણમાં તેવાં સાધનો ભગવાને દીધાં જ હોય છે. એ દયાળુ છે. જે મળ્યું હોય તેનો સાધનરૂપે સદુપયોગ કરી લેવો જોઈએ. ઉપયોગ કરવાનું છોડી દઈ જો મળેલાં સાધનને ભોગની વસ્તુ માની તેને ભોગવવામાં પડી જવાય તો અટકી પડાય. પણ માણસ એ ભૂલી જાય છે. દા…ત, શરીરને નિરોગી તથા બળવાન રાખવા ખોરાકની જરૂર છે. એમ સમજીને જે જમે તે અન્ન એ જાતનું ખાશે કે જેથી પોષણ મળે ને નિરોગી રહેવાય અને સારું અન્ન ન મળે ત્યારે જે મળ્યું હોય તે કઈ રીતે કેટલું ખાવાથી શરીર સારું રહેશે એમ વિચારીને ખાશે. એને અન્ન તરફ પૂજ્ય ભાવ રહેશે. પણ જો તે સ્વાદની ઈચ્છાથી જ જમતો હશે તો તે નિરોગી નહિ રહે તેમ જ તેને અન્ન તરફ આદર નહિ રહે. વસ્તુ ગમે એટલે આદર છે એમ નહિ, આદર હોય ત્યાં ભોગવવાની ઈચ્છા ન હોય અગર ઓછી હોય. આપણે આત્મકલ્યાણમાં આગળ વધવા માગીએ છીએ કે ભોગવવાની ઈચ્છા રાખીએ છીએ તે જાતે તપાસી જોવું. અન્નની પેઠે દરેક ચીજ, વસ્તુ, સગાંવહાલાં, બાઈડી-છોકરાં, માણસ, સ્થિતિ, હોદ્દો, આપણો પંડનો દેહ, મન, બધાંનું સમજવું. આખો સંસાર ને એમાં જે કંઈ છે તે બધું શ્રેયનું સાધન છે, ભોગનું નહિ. આપણું ભલું થાય તેમ કરવામાં દરેક સાથે કેમ વર્તવું એ જ સમજવાનું છે. જો પોતે સુધરવું હોય ને સુખી થાવું હોય ને બીજાંને સુખી કરવાં હોય તો આ કરવા જેવું છે.

મોટીબાએ પોતાનાં લગ્ન થયાં પહેલાં જ માતાપિતા સાથે કાઠિયાવાડનાં નાનાંમોટાં સ્થળોએ ચાલીને યાત્રા કરેલી. સોમનાથ, ઘેલા સોમનાથ, ભીમનાથ, ગૌતમેશ્વર, ગોપનાથ તથા ગિરનાર, દ્વારકા, તુલસીશ્યામ, માધવપુર, સારંગપુર, મોરબી-તગડી વગેરે મહાપ્રભુજીની બેઠકો વગેરે પોતાની બાળક આંખે કેવાં લાગેલાં તે અમને કહી સંભળાવતાં. ઈ.સ. 1933-34થી અમે શિહોર હતાં. ત્યારે ત્યાં ગૌતમેશ્વર તથા સુખનાથ બંને મંદિરો ટેકરી પર છે. આવાં મંદિરે દર્શને જવામાં ફરવાની પણ મઝા આવે, એમ કહી, તે પોતાના નાનપણની વાતો કહી, દર્શને જવાનો ઉત્સાહ પ્રકટાવી, એ ઉંમરે અમારી સાથે ચાલીને ટેકરીઓ પર ચડી દર્શને આવતાં. એ દર્શન કરવા ઊભાં રહે ત્યારે આંધળાં હોવા છતાં ખરેખર સામે પ્રભુને નિહાળતાં હોય તેવું ભાવભર્યું તેમનું મોં થઈ જતું. એ જોવું મને ગમતું. એમને દર્શન કરતાં જોવાની ચાનક મને નીચેના પ્રસંગની વાત સરખી સમજાઈ ત્યારથી લાગેલી.

દલપતરામ વ્યાસના પિતરાઈ ભાઈ પોરબંદરના આદિત્યરામ વ્યાસની બહેન ઝવેરને મોરબીના ભટ્ટ હરિરામ વેરે આપેલાં. એ હરિરામ ભટ્ટના કુટુંબમાંથી બને તેટલાં માણસો લગભગ દર વરસે મોરબીથી નાસિક-ત્ર્યંબક યાત્રાએ જતાં. એ ખબર જાણ્યા ત્યારે એ ઝવેરબહેન કેટલાં ભાગ્યશાળી, એમ મોટીબાને બાલ્યાવસ્થામાં થતું. પુત્રીનો આ મનોભાવ જોવાથી જ જે પિતા દલપતરામ વ્યાસે પોતાના પિત્રાઈ બહેન ઝવેરની વારંવાર માગણી છતાં ઝવેરબહેનનો પુત્ર કાનજી પોતાની દીકરીથી તેર વરસ મોટો હોવાને કારણે એની માગણી નકારી કાઢતા એ જ દલપતરામ વ્યાસે પોતાની દીકરી અવલકુંવરનું વેવિશાળ ઝવેરબહેનના વચલા પુત્ર કાનજી સાથે કર્યું. ત્યારે મોટીબા હરખાઈ ગયેલાં. પરણીને સાસરે આવ્યાંને આઠ-દશ દિવસ નહિ થયા હોય ત્યાં તેમણે નાસિક-ત્ર્યંબકની યાત્રાએ ક્યારે જવાનું બનશે એ વિશે પૂછેલું. વઢવાણ-વીરમગામ બ્રોડગેજ રેલવે તા. 25-07-1872થી શરૂ થયેલી અને વીરમગામ-મુંબઈની ટ્રેન તા. 30-11-1871થી ચાલુ થયેલી. તે પહેલાં અને પછી 1978 સુધીમાં છએક વખત મોરબીથી પગે ચાલીને મોટીબાએ કુટુંબીઓ સાથે નાસિક-ત્ર્યંબકની યાત્રા કરેલી. માર્ગમાં નર્મદાકાંઠાની યાત્રા કરી આવતાં. એ માન્યતા હતી કે યાત્રા પગે ચાલીને કરવી સારી. એક યાત્રામાં તો મોટીબા તથા તેમનાં જેઠાણીએ પોતાના ધાવણા છોકરાઓને ઝોળીમાં ઘાલી તથા કાંખમાં લઈ યાત્રા કરેલી ને ગોદાવરીમાં સ્નાન કરાવી, ત્ર્યંબકેશ્વરને પગે લગાડી એકનું નામ નાસિક ને બીજાનું નામ ત્ર્યંબક પાડેલું. એ પુત્ર ત્ર્યંબક સવા વર્ષનો થઈ અવસાન પામ્યો. પછી જે પુત્ર જન્મ્યો તેનું નામ પણ મોટીબાએ ત્ર્યંબક રાખેલું.

મારી ચારેક વર્ષની વયે સર પ્રભાશંકર પટ્ટણીનાં પત્ની સૌ. લેડી રમાબા ચાર ધામની યાત્રાએ જવા નીકળ્યાં ત્યારે તેમણે પોતાનાં કાકીજી સાસુ એટલે મારાં મોટીબાને યાત્રાએ સાથે આવવા લખ્યું. મોટીબાએ હા લખાવી. મોટીબા વૃદ્ધ હતાં, અંધ હતાં અને મારાં માતાપિતામાંથી કોઈ સાથે જનાર ન હતું એટલે એની સંભાળ રાખવી, જોઈતું-કરાવતું દેવું, દોરવાં, વગેરે બધું સાથે લઈ જનારે સંભાળવાનું હતું, ભારરૂપ થાય તેમ હતું. એ જો સાથે ન જાય તો યાત્રાએ જનાર એકાગ્રતાથી દર્શનનો લાભ લઈ શકે, નિશ્ચિંત હરીફરી શકે એ દેખીતી વાત હતી. આથી લેડી પટ્ટણીનાં સંબંધી એક વૃદ્ધ સ્ત્રીએ આવી મારાં મોટીબાને વાત સમજાવતાં કહ્યું કે તમે યાત્રામાં ન જાઓ તો ઠીક. સાજાંમાદાં થાઓ તો ત્યાં કોણ ? ઘેર છોકરાં મૂંઝાઈ જશે. મોટીબાએ કહ્યું : ‘કોઈ બીજાંની સાથે જવાનું હોત તો જરૂર ના કહેત, પણ રમાવહુ તેડી જાય છે માટે જાઉં છું. એ મારા મોટા દીકરાની વહુ છે. મારી એણે ઘણી સેવા કરી છે, ને આનંદથી કરે છે. હું ઘરડી ને સાવ આંધળી છું. તો એ વહુ મારો શ્રવણ છે. એટલે એને ને મને યાત્રામાં સાથે ગમશે. એમ કરતાં યાત્રામાં જો મને કાંઈ થઈ જાય તો ભાગ્યશાળી થઈ જઈશ.’

પેલાં બહેને કહ્યું : ‘પણ તમે સાવ આંધળાં. શેનાં દર્શન કરશો ? ત્યાં કે અહીં, તમારે તો બધું સરખું જ છે !’ સાંભળીને મોટીબાની અંધ આંખમાં આંસુ ધસી આવ્યાં. તેમણે કહ્યું : ‘ખરી વાત છે બેન, હું સાવ આંધળી છું, કાંઈ દેખતી નથી. મારે બધું સરખું છે. તમે એ જાણો છો. છતાં તમે મને તમારે ઘેર તેડી જવા કેટલો આગ્રહ કર્યો છે અને તમારે ત્યાં હું બે-ત્રણ વખત આવીયે છું. તોયે હજુ તમે એવો આગ્રહ રાખો છો. કારણ કે તમને મારા માટે એવી લાગણી છે. તો બેન, ભગવાનને આપણા માટે કેટલી બધી લાગણી હોય ? આમ તો ભગવાન બધે રહ્યા છે તે જાણું છું. પણ બધે સરખાપણે રહ્યા છે, તેવો હજી અનુભવ નથી. હજી એમ લાગે છે કે તીરથ તો ભગવાનનાં પોતાનાં રહેવાનાં ઘર છે. હું ત્યાં જાઉં તો ભલે હું નથી દેખતી પણ એ મને ત્યાં જોઈને કેટલા રાજી થાશે ? અને તેથી બેન, મને કેટલી નિરાંત થશે ?’ અને એ યાત્રાએ ગયાં. એ ઘણીવાર કહેતાં કે સાથે એટલાં સગાં હતાં, મારી સેવા કરવા કોટડેથી શિવીને ભેળી લીધી હતી. નોકર-બાઈઓ હતી છતાં રમાવહુએ પોતે મારો હાથ ઝાલીને બધે ફેરવી છે. હરદ્વારથી બદરીનાથ જવા ડોળી કરેલી પણ મારે ચાલવું હતું તેથી એ પણ વારંવાર હાથ ઝાલીને મને દોરવા હારે ચાલતાં. આ રીતે યાત્રા કરેલી. એ સંબંધે પૂ. રમાબાએ આ મતલબનું કહેલું કે બા સાથે આવ્યાં તેથી અમારે સાચી યાત્રા થઈ. આ ઉંમરે આંધળી આંખે એ જે ઉત્સાહથી ચાલતાં, પદો બોલતાં અને બાળક જેવું હરખાતાં તેમાં એમની પ્રગટ થતી ભક્તિ જોવામાં અમને ભગવાનની હાજરીનો ખ્યાલ આવતો. મથુરામાં વિશ્રામઘાટે લઈ જઈને મેં તેમને સ્નાન માટે ઉતારીને કહ્યું કે બા, આ જમુનાજી. ત્યાં તો બંને હાથ છોડાવી, ‘હાશ મા, તારે ખોળે હું આવી કાં ?’ એમ કહેતાં બંધ આંખમાંથી ડબડબ આંસુની ધાર સાથે જમુનાજીમાં પડી, માને ખોળે વળગતાં હોય તે રીતે બેઉ હાથ લાંબા કરી પાણીમાં સૂઈ ગયાં. અમે આજુબાજુમાં જોનારાં પણ રોઈ પડ્યાં. સ્નાન કરીને તે તરત ઊઠ્યાં નહિ. જમના માતાથી એમની દીકરીને વેગળી થવાનું કહેવાની અમારામાં ત્રેવડ ન હતી.

આ પ્રસંગનું મને એટલું સ્મરણ છે કે મોટીબા યાત્રાએ ગયાં તે દિવસથી ઘરમાં, મંદિરની ઓરડીની બાજુમાં ખુલ્લી ઓસરીને ભીંતે જ્યાં મોટીબા પૂર્વાભિમુખ બેસતાં ત્યાં રોજ સાયંકાળે, મોટીબા ગયાં તે દિવસથી યાત્રાના દિવસોની ગણતરી માટેનો કંકુનો સાથિયો મારાં બા કે કાકી ચીતરતાં, ક્યારેક હઠ કરી હુંયે ચીતરતો. પછી મંદિરમાં ઘીનો દીવો થતો ને મંદિરમાં જ્યાં મોટીબા બેસતાં ત્યાં તેમનાં ખાલી આસનને મારાં બા ખોળો પાથરીને પગે લાગતાં. પછી અમે મંદિરમાં બધાં સાથે બેસી સ્તુતિ બોલતાં.

ઈ.સ. 1874-75માં કોટડા-સાંગાણીના જુવાન ઠાકોર તોગાજી ભયંકર બીમાર પડ્યા. રાજકોટમાં ડૉક્ટરોની સારવાર તળે રહ્યા પણ મંદવાડ લંબાયો. છેવટ વૈદ્યરાજ ઝંડુ ભટ્ટજીના ઉપચારથી સાજા થયા. એ ઠાકોરે પોતાના રાજ્ય માટે સારા વૈદ્યની માંગણી કરી અને ઝંડુ ભટ્ટજીએ મારા દાદાનું નામ સૂચવ્યું. એમાં એ બંને મસિયાઈ ભાઈ હતા એ કારણ ન હતું પણ ઝંડુ ભટ્ટજીની જામનગરની રસશાળા ઊભી કરી વિકસાવવામાં તથા ઝંડુ ભટ્ટજીની દવાખાનાની મુંબઈમાં શાખા નાખી સંચાલન કરવામાં કાનજીદાદાએ સેવાઓ આપી શક્તિ પુરવાર કરેલી. એ જ અરસામાં રાજકોટ એજન્સીના શિરસ્તદાર મોતીચંદ બાલાચડીમાં રહી મારા દાદાના ઉપચારથી સાજા થયેલા. તેમણે પણ કોટડાના કારભારીને ભાર દઈ ભલામણ કરી. આમ મારા દાદા કાનજી હરિરામ માસિક રૂપિયા અગિયારના પગારે આસો સુદ બીજને દિવસે કોટડા-સાંગાણીમાં વૈદ્ય તરીકે નિમાઈને આવ્યા.

તોગાજી ઠાકોરને રાણીઓ ઘણી હતી. તેમાં જામબા નામે અતિ-ધર્મપરાયણ રાણી હતાં. તે એ જ કારણે વિલાસી રાજાનાં અણમાનીતાં હતાં. પણ બધી રાણીઓ વચ્ચે જામબાને પેટે જન્મેલા મૂળવાજી એક જ કુંવર હતા. આથી જામબા પ્રત્યે ઠાકોરનો આદરભાવ વધેલો. એ કુંવર સાજામાંદા રહેતા. એમને ચિંતાજનક મંદવાડમાંથી વૈદ્યરાજે બેઠા કર્યા. મોરબીના સમર્થ ભાગવતકથાકાર હરિરામ ભટ્ટના પુત્ર છે, એ સંબંધ જાણવામાં આવવાથી જામબા વૈદ્યરાજને ભાઈ કહેતાં પણ માન પિતા જેટલું આપતાં ને આજ્ઞા પાળતાં. વિલાસી હોવાના પરિણામે માંદા રહેતા રાજવી ક્યારેક વધુ માંદા થઈ જતા. પથ્ય કે પરેજી ન પાળનાર આ ઠાકોરની નોકરીમાંથી છૂટા થવા વૈદ્યરાજે માગણી કરી. ઠાકોર અકળાયા. જામબાને દુઃખ થયું. બંનેએ એમને ઘણી રીતે સમજાવ્યા. ત્યારે મોટીબાએ જામબા મારફત તોગાજીને કાને વાત પહોંચાડી કે પરેજી ન પાળનારની દવા કરવાથી અપજશ મળે એવું વૈદ્યરાજ ઈચ્છતા નથી. આથી ઠાકોરે વૈદ્યરાજને વચન આપ્યું કે પોતે સૂચનને આજ્ઞા સમજી વર્તશે. ઠાકોર તથા કુંવર બંનેને દવા ઘણી માફક હતી. વળી નબળા શરીરના બાળકુંવર ધાર્મિક જનેતાના દીકરા હતા, ગાદીવારસ હતા. તેને નિરોગી રાખી ઉછેરી, સંભાળ રાખવાથી પ્રજાપાલક સદધર્મી રાજા થાય તો એનું પુણ્ય મળે, એ લક્ષ્યમાં રાખી વૈદ્યરાજે કોટડા ન છોડવા નિર્ણય લીધો. એ પછી 1879માં તોગાજી બીમાર પડ્યા ને ઉપચાર છતાં માંદગી ગંભીર થઈ ગઈ. વૈદ્યરાજે કહ્યું કે રોગ વધવાનું કારણ એકમાત્ર પરેજીની અવગણના છે. તોગાજીએ તેનો એકરાર કરી માફી માગી. બીજા વૈદ્ય ડૉક્ટરને ભેગા કર્યાં પણ તબિયત લથડતી ગઈ. અવસાનને સામે જોઈ ઠાકોરે છ વરસના કુંવરને વૈદ્યરાજને પગે લગડાવી કહ્યું : ‘આ મારા જેવો નહિ પણ સારા વર્તનવાળો રાજા થાય તેમ ઈચ્છું છું. તમે વહેલા મળ્યા હોત તો હું બધી રીતે ઊગરી જાત. પણ હવે આ કુંવર તમને સોંપું છું. એના ખાતર પણ તમે કોટડા છોડીને ન જશો. અમે તમને કુંવરના ને કુટુંબના ગુરુ ગણ્યા છે.’ આમ કહી અશક્ત હોવા છતાં પથારીમાંથી પરાણે બેઠા થઈ એ વૈદ્યરાજને પગે પડ્યા. વૈદ્યરાજે તેમને પાછા સુવરાવી દઈ કુંવરને તેડી લીધા. કાર્તિક માસમાં તોગાજી અવસાન પામ્યા. આમ કોટડે રહેવાનું નિશ્ચિત થઈ ગયું. મૂળવાજી સગીર હોવાથી રાજકોટ કોઠી સરકારે શ્રી જી દો…ને… એજન્સી વતી વહીવટ કરવા કોટડાના મેનેજર તરીકે નીમ્યા. કુશળ વહીવટ તરીકે પંકાયેલા આ અમલદારને જુનવાણી ધાર્મિક જીવનઘાટી તરફ નફરત હતી. અતિધર્મપરાયણ રાજમાતા જામબા પ્રત્યે વિના નિમિત્તે એ અણગમો પ્રકટ કરતા અને તેમને રાજમાતા કે જામબા કહેવાને બદલે ‘ભગતડી’ કહીને ઉલ્લેખ કરતા. વળી, જામબા પાસે જતાઆવતા રાજસેવકો કે ગામલોકો સાથે કડકાઈથી વર્તતા. વૈદ્યરાજને જામબા પિતાતુલ્ય ગણી સવાર-સાંજ પુત્ર મૂળવાજી સાથે તેમની પાસે બેસી રાજનીતિ તથા ધર્મવિષયક વાતો સાંભળતાં. નવા જમાના પ્રમાણે બાળરાજાના ઉછેર માટે હિમાયતી મેનેજરને આ પસંદ ન હતું. તેણે વૈદ્યરાજને બોલાવી કહ્યું, ‘રાજનાં ઉપજ તથા ખર્ચ જોતાં કરકસર કર્યા વગર છૂટકો નથી તેથી તમારો પગાર અરધો કરવામાં આવે છે. તમને એ પોસાય તેમ ન હોય તો છૂટા થવા દેવામાં આવશે.’

તોગાજીની અંતિમ માગણીને યાદ કરીને તથા રાજમાં વધેલી ખટપટને અંગે ભાવિ રાજવી મૂળવાજીને સોસવું ન પડે તે હેતુથી વૈદ્યરાજે કહ્યું : ‘જો રાજ માટે આપ આટલી કાળજી રાખો છો તો હું તો જૂનો નોકર છું. મારો ધર્મ છે કે મારે વિના પગારે પણ રાજની સેવા કરવી જોઈએ ને કરીશ.’
‘તો એ વધારે સારું.’ મેનેજરે કહ્યું.
દાદાએ રાતે આ વાત મોટીબાને કરી ત્યારે તેમણે કહ્યું : ‘તમે ઠીક જવાબ આપ્યો. એ છોકરાને આપણે છોડવો નથી. અમથુંયે તમારા આટલા ખરચમાં રોજનો પગાર પાંચ દોકડા છે. જે બાકીનું પૂરે છે તે ભગવાન જ ભલે બધું પૂરું કરે.’

થોડા દિવસ રહી મેનેજર રાજકોટ ગયેલા. ત્યાં તેના એક મિત્ર અમલદારને પોતે કઈ રીતે કાનજીભાઈ વૈદ્યને રંજાડી કાઢવા માગે છે તે જણાવ્યું ત્યારે એ અમલદારે મેનેજરને વૈદ્યરાજ સાથે સંબંધ સુધારી લેવા ભારપૂર્વક સલાહ આપી અને એ જ સ્થાનિક અમલદાર બે-ચાર માસ પછી રાજકોટમાં ઝંડુ ભટ્ટજીના ભાઈ વૈદ્યરાજ મણિશંકરને ત્યાં આવેલા વૈદ્યરાજને અનાયાસે મળી ગયા ત્યારે અમલદારે વૈદ્યરાજને પૂછ્યું કે મેનેજરે પૂરો પગાર કરી દઈ સંબંધ સુધાર્યો કે નહિ ? ત્યારે વૈદ્યરાજે જણાવ્યું કે પગાર સાવ બંધ થયેલો તેમાંથી અરધો પગાર શરૂ થયો છે પણ ખાસ રંજાડ રહી નથી, એટલું સારું છે. અમલદારે કહ્યું કે એ હવે આવે ત્યારે એને કહીને પૂરો પગાર કરાવી દઈશ. વૈદ્યરાજે કહ્યું કે મેનેજરને જો અરધો પગાર કરવાથી પોતે કંઈક કર્યું છે એવો પોરસ રહેતો હોય તો રહેવા દેવો એ જ સારું છે.

એ પગાર અરધો જ રહ્યો. સારા વૈદ્યની શોધ કરતા ગોંડલ, વઢવાણ તથા લીંબડી નરેશે પોતાને ત્યાં બોલાવ્યા પણ દાદા ગયા નહિ. વધારે પગાર મળે તો સ્થિતિમાં ફેર પડે તો પોતાને ગમે એવા એ ન હતા. દરદીને મફત દવા આપતા. દરદીને મફત આપે છે તે પોતે કંઈક સારું ઉપકારનું કામ કરે છે એવી અભિમાનજનક ભાવનાથી નહિ, ફરજ સમજીને આપતા. એ પરંપરા હતી. એ જમાનામાં ઘણાખરા વૈદ્યો ધર્મભાવનાથી ચિકિત્સા કરતા. બહારગામના દરદીઓને પોતાને ત્યાં રાખી સારવાર કરી હોય તોયે મૂલ્ય ન લેતા. દરદી સ્વેચ્છાએ આપે તો લેતા ને સ્વેચ્છાએ આપનારા દરદીઓયે હતા. અતિથિ, સાધુસંન્યાસી, રંકને જમાડ્યા વગર પતિપત્નીને ગોઠતું નહિ, જમતાં નહિ. ઘરમાં પોતે બે જણાં હોય ને બંને ઉપવાસ પર રહ્યાં હોય તોયે પાંચસાત માણસનું રાંધતાં ને મધ્યાહ્ન થતાં સુધીમાં કોઈ આવી ન ચડે તો જરૂરિયાતવાળાંને ત્યાં રાંધેલી રસોઈ પહોંચાડી આવતાં. અંગત કહેવાય તેવો કોઈ ખર્ચ ન હતો. આની સામે લોકોમાં એ બંને એટલો આદર પામેલાં કે દવા કરી ન હોય તોય લોકો, ખાસ કરી ખેડૂતો ચીજવસ્તુઓ, અનાજ, ઘી, ખાંડ નિમિત્ત કાઢીને પરાણે આપી જતાં.

ઠાકોર તોગાજીના અવસાનના સમયમાં મારાં મોટીબા સગર્ભાવસ્થામાં હતાં ને કોઈ કોઈ વખત કલાકો સુધી ઊંડા વિચારમાં કે ધ્યાનમાં શૂન્યમનસ્ક જેવાં બેસી રહેતાં. એ પોતે કહેતાં કે એ કોઈ અસહ્ય મનોમંથનનો કે મંદવાડનો સમય હતો તેમ લાગ્યું ન હતું. છતાં એ શું હતું, કેમ થાતું, એ સમજાવી શકાય તેવુંયે નથી. એટલું ખરું કે જંજાળ ઘણી હતી, કામ ઘણું હતું પણ થાકનું ભાન ન હતું. મનમાં એટલું થાતું કે જે હૃદયમાં બેઠો છે ને છે તે બધે વ્યાપી રહ્યો છે તે દેખાતો કેમ નથી ? એની લીલા જ કેમ દેખાય છે ? ને તેથી એનાં દર્શનની લાલસામાં ‘હે કૃષ્ણ ! હે નાથ !’ એમ થયા કરતું. ને ત્યારે એમાં શું કરું છું ને કેટલો વખત બેસી રહી એ ખબર ન રે’તી.

આવી હાલતમાં સગર્ભાવસ્થામાં સાતમે મહિને સુવાવડ માટે એ પિયર લીંબુડે ગયાં. ત્યાં એમના પિતા દલપતરામ વ્યાસ વહેલી સવારથી પૂજામાં બેસી રોજ ભાગવતના પચીસ અધ્યાય વાંચતાં. એ બંધ આંખે બેઠાંબેઠાં મોટીબા સાંભળતાં ને પિતા જગાડે ત્યારે ગાઢી ઊંઘમાંથી ઊઠતાં વાર લાગે એથીયે વધુ વખત તેને જગાડતાં થતો. ક્યારેક આંખ ને માથા પર ઠંડું પાણી નાખી તથા કપૂર, લીંડીપીપર, વજ વગેરે સૂંઘાડી જગાડતા ને ત્યારે જાગ્યા પછી રોવું આવતું. આમ પિયરમાં બીજા છ-સાત મહિના ગયા છતાં સુવાવડ ન આવી તેમ તેનાં કોઈ ચિહ્નો ન દેખાયાં. ઊલટું શરીરથી ગળાતાં ગયાં. ત્યારે પિતાએ કાગળ લખીને જમાઈને તેડાવ્યા જે એને રૂઢી કોટડે લઈ આવ્યા. ત્યાં ઠાકોર તોગાજીની વરસી પાછળ દૂઝણી ગાય દાદાને મળી. બીજી બે તેમણે મેળવીને ઘેર પાંચેક ગાયો રાખી તેમની સેવાનું વ્રત મોટીબા પાસે લેવરાવ્યું.

મોટીબા કહેતાં કે ત્યારે મને થાતું કે ભગવાને ગાયો ચરાવી હતી તે ગાયમાતાની સેવા કરવી એ આપણો ધર્મ છે. દર્શન દેવાં ન દેવાં એ પ્રભુની મરજીની વાત છે. પણ એને ગમતું કરીને એને રાજી રાખવા આપણે હરપળે મથવું એ આપણો ધર્મ છે, એમ તારા દાદાએ સમજાવેલું. એટલે એ ગાયોની સેવા રાતદી કરવાની. મોડી રાતે નીરણ કરી સૂવાનું. વહેલી સવારે ઘંટીએ બેસતાં પહેલાં ફરી નીરણ કરવાની. દો’તી હું ને છાણવાસીદું તથા છાશ કરતી. એ અરસામાં ઘરમાં દરદીઓને તારા દાદા બહુ રાખતા. એ બધાંને રાંધી ખવરાવવાનું. તેમાં કોક સંગ્રહણીનું દરદી હોય, કોક દમનું હોય, કોક બીજા રોગનું હોય. એમ જુદાંજુદાં દરદી માટે થોડુંક નોખુંનોખું રાંધવાનું હોય. કોક કોક નબળા મનના દરદીને ધીરજ દેવા બેસવું પડે. તેમાંથી નવરું ન થવાય. તેમાં ધ્યાન તો બહુ દેતી તોય ક્યારેક મૂઢ બની બેસી જાઉં તો બેસી જાઉં, એવું થઈ જાતું. ત્યારે તારા દાદા મને જગાડી ભાનમાં ન લાવતા, પણ જાતે બધું કરી લેતા. એ મને દવામાં ગર્ભપાલરસ આપતા, સવારે ષોડશોપચાર વિષ્ણુની પૂજા કરી તુલસીદલ સાથે પંચામૃત દેતા. આમ બીજું વરસ ગયું. તબિયત સુધરતી ચાલી. આપમેળે એવું સમજાવા માંડ્યું કે મૂળમાં જે અનંત, નિર્ગુણ, નિરાકાર છે તેનાં દર્શનનો વલોપાત એ આપણા મનનો જ વલોપાત છે. ભક્તની ઈચ્છા ભગવાન પૂરી કરે છે. એટલે ભક્ત જે રૂપ જોવા ઈચ્છે તે રૂપ લઈ ભગવાન દર્શન દે છે. બાકી એ નિરાકાર પોતે જ નાનાંમોટાં સાકારરૂપે પ્રકટેલા છે. તેને આપણા રાગદ્વેષથી તે તે વસ્તુરૂપે ન જોતાં, તે મૂળ પ્રભુ જ છે, એમ વરતાવા લાગ્યું. એ સમાધાન ઘણું મોટું હતું. આમ સગર્ભાવસ્થામાં બે વરસ ઉપર બે માસ ગયા પછી જેઠ વદ અગિયારસના રોજ પુત્રીનો જન્મ થયો. મૂળવાજી ઠાકોરનાં માતા જામબાએ તેનું નામ નર્મદા પાડ્યું. એ મારા મિત્ર ને કવિ સ્વ. પ્રબોધ માણેકલાલ ભટ્ટનાં જનેતા.

એ પુત્રીના જન્મ પછી ત્રણ-ચાર વરસે બીજી પુત્રીનો જન્મ થયો. એ પુત્રી ત્રણેક માસની હતી તે વખતે કુટુંબમાં કોઈ પ્રસંગને કારણે ઘેર મહેમાનો ઘણાં આવેલાં. આથી ઘરકામમાં મદદરૂપ થવા માટે પાડોશમાંથી એક બાઈને કામે રાખેલી. એ બાઈ સવારે નદીએથી આઠ-દશ બેડાં પાણી લાવી આપતી ને રાતે આવી ગાદલાં પાથરી જતી. મોટીબા કહેતાં કે એ બાઈ સ્વભાવે ભલી હતી, જુવાન હતી પણ એ વળોટવાળી ન હતી. એટલે આ બે કામે જ રાખેલી. રાતે ગાદલાં નાખવા એ આવે ત્યારે જે ઓરડામાં એક જગ્યાએ ત્રણ માસની બાળકીને સુવરાવતાં ત્યાંથી મોટીબા તેને ઊંચકી લે પછી એ બાઈ ત્યાં ગાદલું નાખતી. એ બાઈને ગાદલાં નાખતાં ન આવડતાં. ડામચિયેથી માથા પર ઊંચકી લાવી વાંકા વળી જમીન પર ગાદલું મૂકવાને બદલે જેમ નવા બંધાતા રસ્તા પર મજૂરણ બાઈઓ પથરાથી ભરેલો સૂંડલો માથા ઉપરથી ઊંચો કરી ઉપરથી જ વળ ફેરવીને ફેંકે તેમ એ બાઈ પોતાના માથા પરથી ગાદલું ઊંચકી નીચે ફેંકતી. સમજાવા છતાં સરખી રીતે ગાદલું મૂકતાં તેને ન ફાવતું ને જે કરે તે પૂરું જોયા વગર ઉતાવળે કરતી. નદીએ પાણી ભરી માથે હાંડો લે ને તેના ઉપર ઘડો સરખો મુકાયો છે કે કેમ તેની ખાતરી કર્યા વગર ઉતાવળે બેઠી થઈ હાલવા માંડે. ઊભા થયા પછી બેડું માથે લેવાય એવી એને ટેવ નહિ. એમ કરતાં એક વાર ભર્યો ઘડો નીચે પડી ગયેલો. એ અનુભવ છતાં એ કાળજી લઈ શકતી નહિ. પણ અમારે ત્યાં નીચેનો પ્રસંગ બન્યા પછી દરેક કામ એ ઘણી કાળજીથી કરતી.

શરૂઆતના બે-ત્રણ દિવસ એ ગાદલાં પાથરવા આવે ત્યારે મોટીબા બાળકીને ઊંચકી લેતાં. પણ એક દિવસ એ બાઈ રોજ કરતાં વહેલી આવી. એ આવી છે એમ મોટીબાને ખબર ન હતી. એ ઓરડામાં એક ખૂણે આડે દિવેલનું કોડિયું ઝગતું હતું. એનાં અજવાળે એ બાઈથી દેખાયું નહિ હોય. એ બાઈએ આવી ગાદલું ઊંચકીને ફેંક્યું. બેપડિયું ગાદલું હતું. માથે પડવા સાથે બાળકી ગુજરી ગઈ. ઓરડામાં બહારગામનાં એક બહેન હતાં. તેણે બૂમ પાડી, બધાં ભેગાં થયાં. કોકકોક પેલી બાઈને ઠપકો દેવા લાગ્યાં. ત્યાં મોટીબા આવ્યાં. હકીકત જાણી એણે કહ્યું કે કોઈએ બહેનને કંઈ ન કે’શો. એ મારી નાની બહેન છે, પ્રસંગે મને મદદ કરવા આવી છે. આમ કહી મોટીબાએ એ જ વખતે એ બાઈને મનમાં કંઈ ખેદ ન કરવા ને ઘેર જવા જણાવી તેને ડેલી સુધી વળાવી આવ્યાં. કોઈએ પૂછ્યું કે છોકરીને મારી નાખી તોય તમે કેમ કાંઈ ન કીધું ? મોટીબાએ કહ્યું કે એનો વાંક નથી. એ અણઘડ છે એ હું જાણતી હતી. મારે છોકરીને પહેલેથી લઈ લેવી જોઈતી હતી. એ બાઈને તમારે ધમકાવવી જોઈતી’તી એમ બે-ત્રણ જણે કહ્યું ત્યારે મોટીબાએ જવાબ આપ્યો કે એવો મને વિચાર આવે તો મારું ભાગવત સાંભળ્યું એળે જાય. ભાગવતની વાણી ટાણે ઊગી ન નીકળે તો એ જીવતર કેવું ? ભાગવતની વાણી એટલે કઈ વાણી ? એ વાત સમજાવતાં મોટીબાએ કહેલું કે દ્રોપદીના પાંચ પુત્રોને ઊંઘમાં સૂતા’તા ત્યારે આવીને અશ્વત્થામા હણી ગયા. પછી અર્જુન અશ્વત્થામાને યુદ્ધમાં હરાવી, કેદ કરી, પશુને બાંધે તેમ તેને દોરડેથી બાંધી પાછો છાવણીમાં દ્રૌપદી પાસે ખેંચી લાવ્યો. એને જોઈ દ્રૌપદી તેને પગે લાગ્યાં ને કહ્યું કે આ ગુરુપુત્રને છોડી મૂકો, છોડી મૂકો. છોડી મૂકવાનું કારણ દેતાં એણે કહ્યું કે તમે પાંડવો જે ગુરુ પાસેથી શસ્ત્રવિદ્યા શીખ્યા ને એને બળે જ તમે લડાઈમાં ગુરુને હણ્યા. તે ગુરુનો આ એકનો એક પુત્ર છે. મારે તો તમે સહુ પતિ બેઠા છો. પણ પતિ એ જ જેના પરમેશ્વર હતા એવાં એમનાં વહુ માતા કૃપી પતિના મરણથી શોકાકુળ દુઃખી છે. એને આધાર એકના એક દીકરા અશ્વત્થામામાં છે. એણે મારા પાંચે દીકરાઓની ઊંઘમાં હત્યા કરી એ ખરું, પણ હું જેમ પુત્રો હણાવાથી શોક કરું છું તેવો શોક હવે પતિ વગરનાં થયેલાં માતા કૃપી પોતાના પુત્ર પાછળ ન કરે એમ વીનવું છું.

ઈ.સ. 1887-88ની વાત છે. જેઠ માસની આખરે કોટડા પંથકમાં કોલેરા ફાટી નીકળવાથી જુદેજુદે ગામડે દાદાને જવું પડતું. એક રાતે ઘેરથી મોકલેલો ઘોડેસવાર ચાર-પાંચ ગામડે દાદાને ખોળીને દાદા હતા એ ગામે તેડવા આવ્યો. ઘેર વૈદ્યરાજનો એકનો એક નવ વર્ષનો દીકરો ત્ર્યંબક ઝાડા-ઊલટીમાં પટકાઈ પડ્યો હતો. વૈદ્યરાજે કહ્યું કે આ ગામમાં ચાર છોકરાં મરે એવાં માંદાં છે. એમને ઠીક થવા માંડ્યા વગર હું આવીશ નહિ. માંદાં છોકરાંનાં એક માવતરે વૈદ્યરાજને તરત ઘેર જવા કહ્યું પણ વૈદ્ય ગયા નહિ. દવાનાં પડીકાં ને સૂચના મોકલી. આખી રાત છોકરાંઓની ને બીજાં મોટાં માંદાં હતાં તેમની સારવાર કરી. વળતે દિવસે એ બધાં ઠીક થવા માંડ્યાં પછી વૈદ્યરાજ ઘેર આવ્યા ત્યારે ‘બાપુજી આવ્યા ? બાપુજી આવ્યા ?’ એમ પૂછી પૂછી બેભાન થઈ ગયેલ છોકરાને મોટીબા છેલ્લું ગંગાજળ પાતાં હતાં. ભાનમાં આવ્યા વગર છોકરો અવસાન પામી ગયો. ખરેખર આવ્યા ત્યારે જામબાએ કહ્યું : ‘જો મને કહેરાવ્યું હોત કે મને ખબર પડી હોત તો હું માણસ મોકલી બોલાવી દેત. મારું વેણ ભાઈ ઉથાપત નહિ.’
મોટીબાએ કહ્યું : ‘તમે તો શું, પણ ભગવાન જાતે તેડવા જાય તોયે માંદાંને છોડીને એ ઘેર આવે એવા નથી. એટલે જ હું બોલી નથી. હું એને ઓળખું છું. એ જે બચી ગયા તે અમારા જ દીકરા છે, મારા જ ત્ર્યંબક છે.’

એ પછી બાર વર્ષે છપ્પનિયો દુકાળ પડ્યો. એ એટલો આકરો ને ભયંકર હતો કે ‘કાળ’ તરીકે ઓળખાતો. લોકો પોતાનાં ઢોર, ખોરડાં ને સગાંજણ્યાને રેઢાં મૂકી ભાગી નીકળતાં. મોટીબાએ જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે દાદાને અરજ કરી : ‘મારી એવી ઈચ્છા છે કે જેને માવતરે રેઢાં મૂક્યાં હોય એવામાંથી દશ-બાર છોકરાને તમે ઘેર લાવો તો આ કાળમાં હું એને જાળવીશ. આ છોકરાંની વાત સાંભળું છું ત્યારે મારો ત્ર્યંબક એમાં ટળવળતો મને સામે દેખાય છે. એની સેવા નથી થઈ. આની કરી લઉં તો સારું.’ ગામડાંઓમાંથી દાદા અગિયાર છોકરાઓને લઈ આવ્યા. મોટીબા કહેતાં : ‘ત્યારે તો હું બહુ હરખાણી. થોડા દિવસમાં છોકરાઓને પણ ઘર જેવું લાગવા માંડ્યું. પણ જ્યારે કોઈ છોકરો માંદો પડી જાતો ત્યારે ફડકો રે’તો કે ક્યારે વરસ પૂરું થાય ને ક્યારે આનાં માવતરને હેમખેમ પાછા સોંપી દઉં ?’ એ વખતે મૂળવાજી ઠાકોર પાંચેક વરસથી ગાદી પર હતા. તેણે વૈદ્યરાજને કહ્યું કે આપણે સદાવ્રત ચાલે છે. તમારે ત્યાં આટલા છોકરા ન રાખો. એકાદ રાખો. બાકીના અહીં મોકલી દો. દરબારગઢમાંથી બે ઓરડા કઢાવી આપીશ. એમાં રે’શે ને રસોડે ખાશે.
દાદાએ કહ્યું : ‘દીકરા ત્ર્યંબકને ગયે બારેક વરસ થયાં. એને આ બધા છોકરામાં સજીવન કરીને હેત કરી લેવા માટે મારા ઘરમાંથી તપ શરૂ કર્યું છે. આવ્યા છે એ છોકરા એણે જ મંગાવ્યા છે. એ ઠીક જ કરે છે.’

ગામમાં પોલા મા’રાજ નામે એક ભલાભોળા બ્રાહ્મણ હતા. પોતાની માની બહુ સેવા કરતા. કર્મકાંડ કે બીજું કાંઈ શીખ્યા ન હતા. લોટ માગી નભતા. એક મોડી રાત્રે એણે ડેલી ખખડાવી. જાગીને દાદાએ બારણું ખોલ્યું, જોયું તો પોલા મા’રાજને સાથે એની સાતેક વરસની દીકરી. દીકરીને અંદર આગળ કરી તેણે કહ્યું કે આ કાળમાં હું આને જિવાડી શકું તેમ નથી. અને મરતીયે જોઈ શકું તેમ નથી. તમારે ત્યાં મૂકી જાઉં છું. મારો, જિવાડો ફાવે તે કરો. આ દીકરી હવે મારી નૈં, તમારી છે. કહી રોઈ પડ્યા. મોટીબાએ એ વખતે રોટલા ઘડી બાપદીકરીને રોટલો ને ગરમરનું અથાણું ખવરાવ્યાં. પોલા મા’રાજને નિશ્ચિંત રહેવાનું કહી મોટીબાએ છોકરીને રાખી, એક વરસ માટે નહિ, પરણી ત્યાં સુધી; કરિયાવર પણ કર્યો. પોલા મા’રાજે તો કહેલું કે આ છોડી મારે ત્યાં હોત તો મરી ગઈ હોત. તમે જિવાડી તો એ તમારી છે. માંડવો તમારે ત્યાં નાખો ને કન્યાદાન પણ તમે દો. મોટીબાએ એને સમજાવ્યા. ને પોલા મા’રાજને ત્યાં જ પ્રસંગ ઊજવાયો. એ વખતે ચૂડી-પાનેતર મૂળવાજી ઠાકોરે કરેલાં. દીકરીને મૂકવા આવ્યા તે રાતથી જ પોલા મા’રાજ મારા દાદાના અવસાન પછીયે, પોતે જીવ્યા ત્યાં સુધી દાદાની ડેલીએ જ બેસતા. દીકરીને સાસરે વળાવ્યા પછી તો એમણે એક્કેય દિવસ પાડ્યો ન હતો.

દુષ્કાળ પૂરો થતાં છોકરાઓને પોતપોતાનાં માવતરને સોંપી દીધા. પણ તેમાં એક છોકરાનાં મા-બાપ અવસાન પામી ગયાં હતાં અને બીજાના પિતાનો પત્તો ન હતો ને તેથી માતા ગાંડાં જેવી થઈ ગયેલી. એ બંને છોકરા દાદાને ત્યાં રહી મોટા થયા ને ભણ્યા. એક કર્મકાંડી થયા, બીજા થયા જોશી. તેઓ મુંબઈ જઈ વસેલા. ઈ.સ. 1933માં અમે કોટડા છોડ્યું ને 1935માં એ કર્મકાંડી ભાઈ પોતાને ગામડે આવેલા અને દર વખત પેઠે ત્યાંથી મોટીબાને પગે લાગવા કોટડે આવ્યા, ત્યાં ખબર પડી કે બધાં હાલ શિહોર રહે છે એટલે ત્યાંથી શિહોર આવેલા. ઈ.સ. 1938માં પ્રભાશંકર પટ્ટણીના ખરખરે મોટીબા પાસે અને 1940માં મોટીબાના અવસાન પછી તેમના ખરખરે મારા પિતા પાસે એ બંને જણ આવેલા. આ સિવાય ઘણા વિદ્યાર્થીઓ જુદુંજુદું શીખી ધંધે ચડેલા, તેમાં વૈદું ને નામું શીખી સારી પેઠે આગળ વધેલા પણ હતા.

ભૂધરભાઈનાં દીકરી શિવીબહેન નવ વર્ષની વયે વિધવા થયેલાં. તેને મોટીબાએ દીકરી કરી રાખેલ. અમે એને ફઈ તરીકે ઓળખતાં ને સંબોધતાં. મારાં લગ્ન વખતે રાજકોટથી સાથે જામનગર જાનમાં આવનારમાં કોટડાનાં થોડાં સંબંધીઓમાં શિવીફોઈ પણ હતાં. અમે જ્યારે કોટડે હોઈએ ત્યારે બપોરે અઢી વાગ્યે આવી એ મોટીબા પાસે શ્રીમદ ભાગવતના બે-ચાર અધ્યાય વાંચતાં. ત્યારે આખી ઓસરી બહેનોથી ભરાઈ જતી. કથા પછી કલાકેક ભજનો બોલાતાં ત્યારે તેનો કંઠ સહુથી મોટો ને સ્પષ્ટ સંભળાતો. ફક્ત ભાદરવા વદથી કારતક આખર સુધી એ ભાગવત વંચાઈ રહ્યે ભજન બોલવા ન બેસતાં ખડ વાઢવા સીમમાં જતાં રહેતાં. છેલ્લો ઈ.સ. 1965માં હું કોટડે તેમને ઘેર તેમને મળવા ગયો ત્યારે એ જૂના દિવસો યાદ કરીને રોયાં. ઘરમાં દેવસ્થાનનાં દર્શન કરાવી પૂજામાં રાખેલ મોટીબાનો ફોટો બતાવી તેણે કહ્યું, ‘ભાઈ, મુકુંદ બા શું હતાં એ કેમ સમજાવું ? હું અણસમજુ ને બાળક હતી. દુઃખ પડ્યું ત્યારે બીજાં મને બાથ ભરીને રોતાં ત્યારે હુંયે રોતી, પણ દુઃખ પડ્યું શું કહેવાય, એ કાંઈ ખબર ન હતી. બાએ પડખામાં લીધી ને ભાગવત વાંચતી કરી. શરૂઆતમાં છ-સાત વરસ તો બા ભેળી આપણે ઘેર જ રહી. બા કહે તે કામ કરું ને બા હારે વાત કરું. બાએ મને એવી નજર દઈ કામે વળગાડી કે આજે જ્યારે કાયા કામ નથી આપતી ત્યારે સમજાય છે કે આ તો કાંઠે પોંચી ગઈ !’
મેં કહ્યું : ‘ઉંમર થાય ત્યારે કાંઠે પહોંચ્યાં એમ લાગે ને ?’
એમણે હસીને કહ્યું : ‘ભાઈ, હું તો સંસારસાગરના કાંઠાની વાત કરું છું, જીવતરની નહિ, જનમમરણના કારણ સંસારની.’

હું ભોંઠો પડ્યો. મેં વાત બદલતાં કહ્યું : ‘મારા નાનપણથી મેં તમને કામમાં ગળાડૂબ જ જોયાં છે. પણ આ નજર કઈ એ વાત કરો ને ફઈ !’
‘કેમ સમજાવું ? ભાઈ,’ તેણે કહ્યું, ‘આ જ તો હવે પંડથી દળાતું નથી, દળતીયે નથી. તોય બા કે’તાં એ યાદ આવે છે કે દળાયેલો દાણો ઊગે નહિ. આપણી વાસનાનાં ને જનમના ફેરાનાં બીજ આ સંસારની ઘંટીના પડ ઉપર છે. એની ઉપર ભગવાનના નામસ્મરણનું બીજું પડ ફરે છે, એમ સમજીને દળતાંદળતાં ગાઈએ તો છૂટી જાઈએ. દળતાં-દળતાં પરભાતિયાં ગાવાં એ કાંઈ કોકને કે ભગવાનને જગાડવા નહિ, આપણા પંડમાં બેઠો છે ને, એ જીવ કો તો જીવ ને ભગવાન કો તો ભગવાન, એને જગાડવા ગાવાનું છે. એ સમજીને ગાવું અને બાએ મને ગાયની સેવામાં એવી તો વળગાડી ! ગાયુંની સેવા કરવા ભગવાન અવતાર લઈ ગોકુળ જઈ રહેલા. હરિ જેવી સેવા કોઈથી ન થાય. તોય એવાં લીલાચરિત ગાતી ખડ વાઢતી જાઉં, ત્યારે મુકુંદ કેમ સમજાવું ? આ બાઈ કેવાક ભાવથી ખડ વાઢે છે એ જોયા કરતા ને ગાયું ચારતા ભગવાન ક્યાંક આટલામાં જ છે એમ લાગ્યા કરે. જે કામ કરું તેથી પ્રભુ રાજી થાય છે એમ લાગે. ને બા ગાતાં એ પદ તો વારેવારે હૈયે ચડે છે : ‘તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણ રે !’

શિવીફોઈ જે ઓસરીએ બપોરે કથા વાંચતાં ત્યાં સાંજે પાછો હીંડોળો બંધાઈ જતો. રાજકોટને ઘેર પણ ઓસરીમાં હીંડોળો રહેતો. રાતે જમીને અમે નાનાંમોટાં ભાંડરડાં એ પર હીંચકતા. અંત્યાક્ષરી રમતાં. રમતમાં જેને છેલ્લા અક્ષર પરથી નવો શ્લોક કે કડી ન સૂઝે તેના ભેરુ મોટીબા થાતાં. પણ એ વખતે એ કહેતાં : ‘જેને બદલે હું કડી બોલી દઉં છું. એણે એ કાલ સુધીમાં મોઢે કરી લેવી, હું શિખડાવીશ નહિતર ફરી વાર એની ભેરુ નહિ થાઉં.’ પરિણામે અમને ઘણું કંઠસ્થ થયેલું. ઓસરીના એ હીંડોળા પર હું ઘણી રાતો સૂતેલો. કોટડામાં હીંડોળાને અડીને ઢાળેલા ખાટલા પર મોટીબા સૂતાં. સૂતાંસૂતાંયે લોકવાર્તા, પૌરાણિક કથા અને ચાલુ વાતો કહીને તેનો સાર પૂછતાં ને મારા માથા પર હાથ ફેરવતાં. પાછલી રાતના પાડોશમાં ફરતી ઘંટી સાથે ગવાતાં પદો-પરભાતિયાં સંભળાતાં. એના સ્વર યાદ આવતાં આજેય એ પાછલી રાતનું વાતાવરણ શ્વાસમાં અનુભવાય છે. મોટીબા એ પદો ધ્યાનથી સાંભળતાં. એક દિવસ સવારે પૂજામાંથી પરવારી તેમણે મને કહ્યું કે કેસરમાને કહી આવ કે બપોરે નવરાં હોય ત્યારે આવી જાય. હું કહી આવ્યો, એ આવ્યાં. ભાગવત વંચાઈ રહ્યે, તેણે સવારે ઘંટી ફેરવતાં જે પદ ગાયેલું તેની પહેલી ધ્રુવપદની લીટી કહીને મોટીબાએ તેને એ પદ ગાવા કહ્યું. કેસરમાએ ગાયું, બહેનોએ ઝીલ્યું. એમ ત્રણ વખત એ ગવાયું. એ પદ મોટીબાએ ત્યારે જ કંઠે કરી લીધું.

એને કંઠે ઘણું હતું. દર રવિવારે એમની પાસેથી સાંભળીને એમની સાથે બેસીને ધ્રુવાખ્યાન મને મારી બાર વર્ષની વયે કંઠે થયેલું. એ આવું કહેતાં : ‘ઘણીયે વાર એવું બને કે પોથી માંહ્યલું પોથીમાં જ રહે ને હૈયે હોય તો જ કામ લાગે. જેટલું સારું સાંભળીએ તેટલું યાદ રાખીએ તો નગદ નાણાં જેટલું ટાણે કામ આપે. અમથુંયે મને વાંચતાં આવડે નહિ. કોક વાંચે તો સાંભળું. સાંભળેલું યાદ રાખ્યું છે તો હવે જ્યારે રાતની ઊંઘ ગઈ છે ત્યારે એક પછી એક આવાં પદભજન મનમાં વાગોળતાં રાત ક્યાં ગઈ તે ખબર પડતી નથી. ગાય સૂંઘીને ચરે, જે સારું હોય, પોષણ મળે તેવું હોય તે ચરી લે ને પછી નિરાંતે બેસી વાગોળે. એમ આપણે જે સારું જોયું સાંભળ્યું હોય તે યાદ રાખી એકલાં પડીએ ત્યારે વાગોળીને તેનો સાર પચાવી લેવો જોઈએ. વળી, સારાં ભજનને આશરે રહીએ તો આડ-વિચાર ન આવે, એ ઘણો મોટો લાભ છે. એક સારો શ્લોક, કડી, દૂહો કે લીટી, એ તો ક્યારેક મંદિર બની જાય. ક્યારેક તીર્થજળ બની જાય તો ક્યારેક ગોકુળ-વૃંદાવનનો વગડો બની જાય. આપણી બુદ્ધિ હાલે નહિ. વિચાર અટવાય, મૂંઝાવાય તોયે આ તો ભગવાનની વ્રજભૂમિ છે, એનું ભાન ન ભુલાય. એ તો જે આવું યાદ રાખે, યાદ કરે ને સમજે ઈ એ માણે.’

સાયંકાળે દેવ પાસે દીવો થાય ત્યારથી મોટીબા પાસે અમે મંદિરમાં નાનાંમોટાં સાથે બેસી સ્તુતિ બોલતાં. તે ઉપરાંત પાઠ્યપુસ્તકોમાં આવતી પ્રાર્થનાઓ બોલાવતાં. બોધાત્મક કવિતાઓ પણ બોલાવતાં. જે છોકરું જે ધોરણમાં ભણતું હોય તેની પ્રાર્થના તેની પાસે ગવરાવી બધાં પાસે ઝિલાવતાં. અમસ્તુંયે દરેક બાળક પાસે તેના પાઠ્યપુસ્તકનો પાઠ વંચાવી તેમાં શું સમજવાનું છે, માસ્તરે શું સમજાવ્યું, તને શું લાગે છે, એવા પ્રશ્ન કરી ચર્ચા કરાવતાં અને એ પાઠનો સાર જીવનમાં ક્યાં ઉપયોગી થાય તે સમજાવવા બીજાના જીવનના પ્રસંગો કહેતાં.

મને એક પ્રસંગ યાદ છે. ત્યારે હું પ્રાથમિક શાળાના ઉપલા ધોરણમાં હતો. અભ્યાસક્રમમાં પ્રેમાનંદકૃત સુદામાચરિતમાંથી કડવાં ગોખી લાવવા શિક્ષકે કહેલું. તેથી હું ઓસરીને ઓટે બેઠોબેઠો નીચેની પંક્તિઓ ગોખતો હતો :

‘અનંત યોદ્ધા ઊભા પ્રતિહાર, સાંચવે શામળિયાનું દ્વાર;
ત્યાં સુદામોજી ફેરા ફરે, સંકલ્પ-વિકલ્પ મનમાં કરે.’
‘ગહન દિસે છે કર્મની ગતિ, એક ગુરુના બે વિદ્યારથી.
એ થઈ બેઠો પૃથ્વીપતિ, મારા ઘરમાં ખાવા રજ નથી.
રમાડતો ગોકુળ માંકડાં, ગુરુને ઘેર લાવતો લાકડાં.
તે આજ બેઠો સિંહાસન ચડી, મારે તુંબડી ને લાકડી.’

આવી પંક્તિઓમાં કવિએ કરેલું સ્થિતિભેદનું વર્ણન હું સમજી શકતો હતો અને શિક્ષકે પણ સ્થિતિભેદ પર ભાર મૂકી કવિતા સમજાવેલ. પરંતુ મોટીબાએ મને આ પંક્તિઓ ગાતાં અટકાવી કહ્યું: ‘તેં ભાગવતમાં સુદામાચરિત વાંચ્યું છે ને ?’
મેં હા કહી. તેમણે ફરી કહ્યું : ‘ભૂલી ગયો હોય તો ફરી એક વાર જોઈ જો. લાવ હુંયે સાંભળું.’ મેં ભાગવતમાંથી સુદામાચરિત વાંચી સંભળાવ્યું. એટલે મોટીબાએ કહ્યું : ‘જો આ ભાગવતના સુદામાજીને પોતે સાવ ગરીબ છે એ વાતનું દુઃખ નથી, ઊલટું ગરીબાઈનો પોરસ છે. ભગવાન શ્રીકૃષ્ણ પાસે માગવા જવાની એની ઈચ્છા નથી. સ્ત્રીની ઈચ્છાને એ માન આપે છે ત્યારે ભગવાનનાં દર્શન થાશે, બાલમિત્ર ફરી ઘણાં વરસે જોવાશે, એ લહાવ લેવા એ લલચાય છે. ભાઈબંધની સંપત્તિ તથા સુખ જોઈ રાજી થવું જોઈએ કે તેની ઈર્ષા કરી દુઃખી થવું જોઈએ ? જો ઈર્ષા થતી હોય તો ભાઈબંધી કેવી ? ને જો ભાઈબંધી હોય તો ઈર્ષા કેવી ? ભાઈબંધને એકબીજાના સુખમાં આનંદજ હોય. એટલે તારા પ્રેમાનંદને સુદામાજીના સ્વભાવની ખબર નથી. મિત્રોમાં પરસ્પર સ્નેહભાવ વધે, લાગણી વધે, ઉમળકો વધે, એવી ભાવના કવિતામાં હોવી જોઈએ. આ લીટીઓમાં એ ભાવ નથી. શ્રીમદ ભાગવત, રામાયણ કે મહાભારતમાંથી મૂળ કથા લઈ પછીના કવિઓ કવિતા લખે છે. જ્યારે જૂના પરથી લખે ત્યારે મૂળથી તો ઊતરતું ન જ લખવું જોઈએ. તુલસીદાસજીનું રામાયણ છે તે વાલ્મીકિના રામાયણ કરતાં ભક્તિ અને ભાવનામાં સારી પેઠે ચડે છે. આ તારા પ્રેમાનંદની કવિતામાં એ નથી. એ ભલે મોટા કવિ કહેવાતા હોય, એણે સુદામાને સારા નથી ચીતર્યા.’

આ વાત મને બહુ યાદ રહી તેનું કારણ એ પણ હોવા સંભવ છે કે મોટીબાએ કહી તે વાત મેં લખી તેથી મારા શિક્ષક છેડાયા ને તે પ્રશ્નમાં મને ઘણા ઓછા ગુણ મળ્યા. હું પાંચમી અંગ્રેજીમાં ભાવનગર ભણતો ત્યારે આ પ્રસંગની વાત સર પ્રભાશંકર પટ્ટણી પાસે કરતાં તેમણે કહેલું : ‘તારા શિક્ષકે એમ કેમ કર્યું તે હું નથી સમજતો, પણ બાની વાત યાદ રાખી જીવતર ઘડવાથી હું પોતે ઘણો સુખી થયો છું, ને તેથી બીજાંયે સુખી થયાં છે. હું બાના ખોળામાં ઊછર્યો છું એ તને ખબર છે કે નૈં ?
મેં કહ્યું કે થોડી છે.
‘તો મારી પાસે આવતો રે’જે.’ તેમણે કહ્યું, ‘હું તેમની વાતો કરીશ. ને બા પાસેથી પણ તું સાંભળતો રે’જે. મારી તો સલાહ છે કે બહુ યાદ ન રહે તો બા જે કાંઈ બોલે તે નોટબુકમાં લખી લેવું. તે ફરી વાંચી તેના પર વિચારવું ને આચારમાં મૂકવું. એમ કરતાં કરતાં જે બનશું તેનો આપણને સંતોષ થશે. કરી જોજે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “મારાં મોટીબા – મુકુન્દરાય પારાશર્ય”

Copy Protected by Chetan's WP-Copyprotect.