- ReadGujarati.com - http://www.readgujarati.com -

ભદ્રંભદ્ર અમર છે ! – રતિલાલ બોરીસાગર

[ ‘ભદ્રંભદ્ર’ એ ગુજરાતી સાહિત્યનું અમર પાત્ર છે. તેનું સર્જન શ્રી રમણભાઈ નીલકંઠે કર્યું હતું પરંતુ તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આપણા હાસ્યલેખક શ્રી રતિલાલભાઈ હવે આ પાત્રને આજના સંદર્ભમાં તેમની નવી લેખમાળા દ્વારા ‘નવનીત સમર્પણ’માં ધારાવાહી રૂપે ફરીથી રજૂ કરી રહ્યા છે, જેમાં ભદ્રંભદ્રનો સ્વર્ગવાસ થયા બાદ તે આજની સમસ્યાઓ જોઈને પૃથ્વી પર ફરી અવતાર ધારણ કરવાનું વિચારે છે અને એ રીતે આ રમૂજીકથા ફરીથી એક વાર સૌ વાચકોને હાસ્યરસમાં તરબોળ કરશે. અહીં આ શ્રેણીનો એક ભાગ આપવાનો પ્રયાસ કર્યો છે. – તંત્રી.]

હે પ્રિય વાચક-વાચિકાઓ ! અત્યાર સુધીમાં તમને ભદ્રંભદ્રનો ગાઢ પરિચય થઈ ગયો હશે એમ માનું છું. ભદ્રંભદ્રના પૂર્વજન્મની કથા તો હજુ ઘણી લાંબી છે. પણ મારે તમને સુધારાવાળાઓનો વિરોધ કરવા ભદ્રંભદ્ર મને લઈને પુનઃ પૃથ્વી પર શા માટે પધાર્યા અને પૃથ્વી પર ફરી આવીને સુધારાવાળાઓ વિરુદ્ધ એમણે કેવો સંગ્રામ ખેલ્યો એની કથા કહેવાની છે. એટલે માધવબાગની સભા પછીની ભદ્રંભદ્રની જીવનકથાના મુખ્ય મુખ્ય અંશો કહી હું ભદ્રંભદ્રના પુનરાવતારની કથાનો દોર સાધીશ.

કેટલાંક વર્તમાનપત્રોમાં માધવબાગની સભાના જે અહેવાલો છપાયા હતા એ આશ્ચર્ય ઊપજાવે તેવા હતા. સભામાં કેટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, સભાનું સમગ્ર કામકાજ કેવી કુશળતાથી સંપન્ન થયું હતું, શ્રોતાઓ કેવા એકચિત્ત બની પ્રવચનો સાંભળી રહ્યા હતા – એની વિગતો વાંચી ભદ્રંભદ્રને સાનંદાશ્ચર્ય થયું.
‘મહારાજ ! સભાનો આ અહેવાલ સત્યથી વિપરીત જણાય છે.’
‘અંબારામ ! તને વિપરીત દેખાય છે તે માયા છે, સુધારાવાળાઓની શક્તિને મંદ પાડવા આવા અહેવાલો અનિવાર્ય છે ! આપદધર્મ વખતે શ્રીકૃષ્ણ ભગવાને પણ છલનો આશ્રય લીધો હતો એ તું કેમ વીસરી જાય છે ?’

ભદ્રંભદ્રની સામે કશી દલીલ થઈ શકતી નહીં એટલે હું શાંત રહ્યો. આ પછી બીજા કે ત્રીજા દિવસે કેટલાંક વર્તમાનપત્રોમાં ભદ્રંભદ્રનો નિર્દેશ કરતો અહેવાલ છપાયો તેથી ભદ્રંભદ્ર અતીવ પ્રસન્ન થઈ ગયા. માધવબાગની સભામાં થયેલી ઈજાની પીડા વીસરી ગયા. અહેવાલમાં લખ્યું હતું કે ‘સભામાં એક અનુપમ બુદ્ધિશક્તિ, અદ્દભુત પ્રભાવ અને અપાર તેજવાળી વ્યક્તિ એકાએક શ્રોતાગણમાંથી મંચ પર પ્રગટ થઈ હતી. એમનાં પ્રવચનોનો પ્રારંભ અદ્દભુત હતો. શ્રોતાઓ મંત્રમુગ્ધ બનીને એમને સાંભળી રહ્યા હતા, ત્યાં જ એકાએક એ મહાનુભાવ અદશ્ય થઈ ગયા ! એમના ચાલ્યા જવા અંગે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે; પરંતુ, એમના પ્રાગટ્યથી સુધારાવાળાઓ ક્ષુબ્ધ થઈ ગયા છે એ નિર્વિવાદ છે.’ આ અહેવાલ વાંચી ભદ્રંભદ્ર કહે, ‘અંબારામ ! મોહમયી મધ્યેનું આપણું આગમન સફળ થયું છે. બહુ થોડા સમયમાં મારી કીર્તિ દિગંતમાં વ્યાપી જશે.’ સ્વીકૃત પ્રણાલિકા મુજબ મેં કશો પ્રતિવાદ ન કર્યો એટલે ભદ્રંભદ્રે કહ્યું, ‘અંબારામ ! સ્વાસ્થ્ય સારું થયે આપણે આ મોહમયી નગરીની મધ્યે જયયાત્રાનો આરંભ કરીશું. ઠેર ઠેર ભાષણો કરી હું લોકોને સુધારાવાળાઓ વિરુદ્ધ ઉપદેશ આપીશ. મારો ઉપદેશ ગ્રહણ કરી લોકો સુધારાવાળાના માર્ગેથી તરત પાછા વળી જશે ને સુધારાવાળાઓની યોજના નિષ્ફળ જશે.’

જયયાત્રા દરમિયાન ભદ્રંભદ્ર શ્રોતાઓનો મોટો સમૂહ એકઠો કરી શક્યા નહિ. પણ ભદ્રંભદ્ર તેથી હતાશ થયા નહિ. મને કહે, ‘અંબારામ ! આ માયાવી નગરીમાં કોઈને શાંતિ નથી, સૌ આજીવિકા માટે સતત દોડધામ કરી રહ્યા છે. પણ તેથી મારો ઉત્સાહ મંદ પડશે નહિ – આપણે હવે વ્યક્તિગત સંપર્ક કરીશું.’ વ્યક્તિગત સંપર્કની ભદ્રંભદ્રની યોજના પણ બહુ સફળ થઈ નહિ. રસ્તામાં જે કોઈ મળે તેને રોકીને ભદ્રંભદ્ર ઉપદેશ આપવાનો પ્રારંભ કરતા પણ એમનો ઉપદેશ સાંભળવા કોઈ રોકાતું નહિ. પણ તેથી સહેજે હતાશ થયા વિના ભદ્રંભદ્ર કહેતા, ‘અંબારામ ! લોકો કેટલી ત્વરાથી મારો ઉપદેશ ગ્રહણ કરે છે તે જો ! મારી દષ્ટિ પડતાં જ લોકોનાં હૃદયનું પરિવર્તન થઈ જાય છે તેથી પછી એમને વિશેષ થોભવાનું પ્રયોજન રહેતું નથી.’ ભદ્રંભદ્રની આવી ગુણગ્રાહિતાથી હું હંમેશાં પ્રભાવિત રહ્યો છું.

આવી રીતે ઉત્સાહપૂર્વક જયયાત્રા ચાલી રહી હતી ત્યાં અમદાવાદમાં એક ગંભીર ઘટના બની. ભદ્રંભદ્રના ભાણેજ મગને એક વંદાને મારી નાખ્યાના સમાચાર આવ્યા. આમ તો જોકે મગને પોતે વંદાને મારી નાખ્યો નહોતો, પણ વંદાના મૃત્યુનું નિમિત્ત તો તે બન્યો જ હતો. એણે વંદાને પકડીને બારીમાંથી નીચે નાખ્યો ને એક બિલાડી વંદાને ખાઈ ગઈ. મગનને તો આ અંગે કશી ખબર પડી નહિ, પણ સોમેશ્વર પંડ્યા નામે બ્રાહ્મણ પડોશીના ઓટલે સાપ નાખી જવા આવ્યા હતા તેણે સરકારી ફાનસના અજવાળે આ ઘટના નિહાળી. સોમેશ્વર પંડ્યાએ એકને વાત કરી, એકે બીજાને વાત કરી, બીજાએ ત્રીજાને વાત કરી ને આખી નાતમાં વાત ફેલાઈ ગઈ. વર્તમાનપત્રોમાં અહેવાલ આવ્યા કે મગને ઉંદર બાફીને ખાધો; કોઈ છાપામાં છપાયું કે મગને બિલાડી દોડાવી ભોંયરામાં સર્પનું ખૂન કરાવ્યું; કોઈમાં પ્રસિદ્ધ થયું કે મગને બંદૂકની ગોળી મારી સાપને વીંધી નાખ્યો. આખા અમદાવાદમાં હાહાકાર મચી ગયો. મગનને નાતબહાર મૂકવાની વાતો થવા લાગી. આ બધા સમાચાર લખીને કોઈએ ભદ્રંભદ્રને સત્વરે અમદાવાદ આવી જવા તાકીદ કરી. પત્ર આવ્યો ત્યારે અમે જમવા બેસવાની તૈયારી કરી રહ્યા હતા. ભદ્રંભદ્રે કહ્યું, ‘આપણે સત્વરે અમદાવાદ જવું જોઈશે. આ સમાચારે જન્માવેલી વ્યાકુળતાને કારણે મારાથી ભોજનને પૂરો ન્યાય આપી શકાશે નહિ, છતાં અન્નદેવનો અનાદર ન કરાય એટલે હું જમવા તો બેસીશ જ. તું પણ જમવા બેસ.’ ભદ્રંભદ્રની કોઈ પણ આજ્ઞા મારે મન શિરોધાર્ય હતી, જ્યારે આ તો એકદમ અનુકૂળ આજ્ઞા હતી. એટલે હું પણ એમની સાથે જમવા બેસી ગયો. દશ-દશ લાડુ ખાઈ ઝડપથી અમે ઊઠી ગયા ને રાત્રે અમદાવાદ જવા નીકળ્યા.

વંદાનો વધ કરવાના ગુના સબબ મગને નાત જમાડી પ્રાયશ્ચિત કરવા અંગેનો નિર્ણય કરવા નાત મળી. ભદ્રંભદ્રની વિરુદ્ધના પક્ષવાળા નાતીલાઓએ ભદ્રંભદ્રની વિરુદ્ધ અનેક કડવાં વેણ કહ્યાં. શ્રીકૃષ્ણે જેમ શિશુપાલની નવ્વાણું ગાળ સહન કરી લીધી હતી, પણ શિશુપાલે સોમી ગાળ ઉચ્ચારી કે તરત શ્રીકૃષ્ણે સુદર્શનચક્ર છોડી શિશુપાલનો વધ કર્યો તેમ અનેક કડવાં વેણ સાંભળીને ઉશ્કેરાટ ને ધૈર્ય વચ્ચે સમતુલા જાળવવા મથતા ભદ્રંભદ્રનો આખરે પિત્તો ઊછળ્યો, મિજાજ હાથમાં ન રહ્યો. દક્ષના યજ્ઞમાં જાણે શિવ કૂદતા હોય તેમ અંતિમ નિંદાવાક્ય ઉચ્ચારનાર તરફ તેઓ વેગથી ધસ્યા, અને તેને જોરથી તમાચો માર્યો. પેલાએ ભદ્રંભદ્રના પેટ પર મુક્કી લગાવી. બંને પક્ષે માણસો ધસી આવ્યા. બાઝાબાઝી ને મારામારી થઈ; શોરબકોરા થઈ રહ્યો. આ મારામારીનો અંત આવતાં જરા વાર લાગત, થોડા યોદ્ધાઓના જીવનનો અંત પણ કદાચ આવી જાત; પણ પોલીસ આવે છે એવા સમાચાર આવતાં ભાગંભાગી થઈ. મારની પીડાથી પીડાતા ભદ્રંભદ્રમાં પણ સ્ફૂર્તિનો સંચાર થયો ને એ પણ બારીમાંથી નાઠા. સવાર થયું પણ ઘેર આવ્યા નહિ – પોલીસે એમની ઘણી શોધખોળ કરી પણ પત્તો ખાધો નહિ. આખરે અંધારું થયે ઘેર આવતાં પોલીસે એમને પકડ્યા.

આ પછી ભદ્રંભદ્રે અનેક કષ્ટો વેઠ્યાં. માર ખાવામાં પણ તપશ્ચર્યાનું પુણ્ય છે એવું માનતા ભદ્રંભદ્ર મારની પીડા વીસરી સુધારાવાળાઓનો વિરોધ કરતા રહ્યા. આ માટે એમણે કારાવાસ પણ વેઠ્યો પણ પોતાના ધ્યેયમાંથી ડગ્યા નહિ.

આખરે એમની જીવનલીલા સમાપ્ત થવાનો સમય આવ્યો. ગુરુના વિયોગની કલ્પનામાત્રથી દુઃખી થઈ મેં કહ્યું, ‘મહારાજ ! આપ સુખેથી સ્વર્ગે સંચરજો – હું આપના એકમાત્ર શિષ્ય તરીકે આપના ધ્યેયની સિદ્ધિ માટે મથતો રહીશ.’
‘અંબારામ !’ મારી વાતનો પ્રતિવાદ કરતાં ભદ્રંભદ્રે કહ્યું, ‘મારા ધ્યેયની સિદ્ધિ માટે હું ફરી પૃથ્વી પર આવીશ. તું જાણે છે કે આત્મા અમર છે….’ ભદ્રંભદ્ર પોતાની વાત પૂરી કરી રહે એ પહેલાં એક ચમત્કાર થયો. ભયભીત કરી મૂકે એવી ઘરઘરાટી થઈ. અમે ઊંચે જોયું. એક વિમાન ધીરે ધીરે નીચે ઊતરી રહ્યું હતું. પશ્ચિમના લોકોએ શોધેલું વિમાન તો કેવળ હવાઈ મથક પર જ ઊતરવા શક્તિમાન હોય છે, જ્યારે આ વિમાન તો અમારી બાજુમાં જ ઊતર્યું. આ વિમાનનો આકાર પણ પશ્ચિમના લોકોએ શોધેલા વિમાન કરતાં ભિન્ન હતો. વિમાને પૃથ્વી પર ઉતરાણ કર્યું. વિમાનમાંથી તેજસ્વી મુખમુદ્રાવાળી એક વ્યક્તિએ પૃથ્વી પર પદાર્પણ કર્યું. પુરાણોમાં દેવોના પાર્ષદો (સેવકો)નાં જે વર્ણનો વાંચવા મળે છે એવી એ વિભૂતિ હતી. અમારી સમીપ આવી, એણે ભદ્રંભદ્ર સમક્ષ બે હાથ જોડ્યા અને કહ્યું, ‘મહારાજ ! હું ઈન્દ્ર મહારાજનો પાર્ષદ છું. આપણે સદેહે સ્વર્ગમાં લઈ જવા ઈન્દ્ર મહારાજે આ વિમાન મોકલ્યું છે.’
‘ઈન્દ્ર મહારાજની અસીમ કૃપા માટે હું મારી કૃતજ્ઞતા પ્રગટ કરું છું, કિન્તુ, સુધારાવાળાઓ વિમાનમાં બેસે છે. વિમાન પશ્ચિમની ભ્રષ્ટ પ્રજાનું વાહન છે.’
‘પરંતુ, મહારાજ ! આ તો ઈન્દ્ર મહારાજનું વિમાન છે.’ સદેહે સ્વર્ગે સંચરવાની તક ભદ્રંભદ્ર જતી ન કરે એવા શુભાશયથી મેં ભદ્રંભદ્રને સમજાવવાની કોશિશ કરી.
‘નહિ, અંબારામ ! વિમાન એટલે વિમાન ! ઈન્દ્ર મહારાજનું હોય તોયે જે પ્રકારના વિમાનમાં સુધારાવાળાઓ બેસે છે એ પ્રકારના વિમાનમાં હું ક્યારેય ન બેસું.’ આટલું કહી એમણે પાર્ષદને કહ્યું, ‘આપ પુનઃસ્વર્ગમાં પધારો ને ઈન્દ્ર મહારાજને વિનંતી કરો કે મને લેવા માટે દિવ્યરથ પ્રેષિત કરે – અને બીજું હું એકલો કદાપિ સ્વર્ગમાં નહિ આવું. જે રીતે યુધિષ્ઠિર શ્વાનને લીધા વગર સ્વર્ગમાં જવા ઈચ્છતા ન હતા તે રીતે હું મારા પ્રિય શિષ્ય અંબારામ વગર સ્વર્ગમાં નહિ આવું એમ પણ ઈન્દ્ર મહારાજને કહેજો.’

મારી તુલના શ્વાન સાથે થઈ એનાથી અવશ્ય મારી માનહાનિ થતી હતી, પણ એમાં ભદ્રંભદ્રનો મારા તરફનો નિર્વ્યાજ પ્રેમ પ્રગટ થતો હતો એટલે મેં માઠું ન લગાડ્યું. ઈન્દ્ર મહારાજનો પાર્ષદ પાછો ગયો ને ફરી એક દેદીપ્યમાન સારથિ દિવ્યરથ સાથે પૃથ્વી પર ઊતર્યો ને અમને લઈને સ્વર્ગે સંચર્યો.

સ્વર્ગમાં ઠીક ઠીક સમય વિતાવ્યા પછી એક વાર ફરી ભદ્રંભદ્રને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં કલ્પાંત કરતા પુરુષો દષ્ટિગોચર થયા. પુણ્યપ્રદેશ ભારતમાં સ્ત્રીજાતિના પક્ષમાં થઈ રહેલા કાયદાઓથી ત્રસ્ત થયેલા પુરુષોએ સ્વપ્નમાં આવી પોતાને ઉગારવા ભદ્રંભદ્રને વિનંતી કરી. પુરુષોનું રુદન એવું તીવ્ર હતું કે ભદ્રંભદ્ર પ્રચંડ ધ્વનિ સાથે જાગી ગયા. પ્રચંડ ધ્વનિને કારણે મારી ઊંઘ પણ ઊડી ગઈ. જાગ્યા પછી મારી વિનંતીથી ભદ્રંભદ્રે પોતાને આવેલા સ્વપ્નનું સવિસ્તર વર્ણન કર્યું ને સ્ત્રીસશક્તીકરણના અભિયાનને ખાળવા માટે તેમ જ સ્ત્રીપુરુષ-સમાનતા સિદ્ધ થયે પુરુષો પર આવી પડનારી આપત્તિમાંથી પુરુષોને ઉગારવા માટે પૃથ્વીલોક પર પુનઃ જવાની આવશ્યકતા હોઈ, ઈન્દ્ર મહારાજને મળી દિવ્યરથનો પ્રબંધ કરવા મને આજ્ઞા કરી.