ગીત – ધ્રુવ ભટ્ટ

[ રીડગુજરાતીને આ ગીત મોકલવા બદલ ધ્રુવભાઈનો (કરમસદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426331058 અથવા આ સરનામે dhruv561947@yahoo.com સંપર્ક કરી શકો છો.]

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા

આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં
એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં
આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કરશું કે કરાવશું બાપલા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું
બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું
આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

આવી ગયો તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું
આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું
આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – ચંદ્રેશ મકવાણા
રાહ જોયા કરીશ – યોગેશ જોષી Next »   

13 પ્રતિભાવો : ગીત – ધ્રુવ ભટ્ટ

 1. Labhshankar Bharad says:

  ઈશ્વરને પોતાની ચિંતા ના કરવાનું કહીને, ઈશ્વર દરેકની ચિંતા કરે છે તેવી શ્રધ્ધા કવિ શ્રી. ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા આ ગીતમાં સુંદર રીતે રજુ થઇ છે.

 2. મુકેશ પંડ્યા says:

  વાહ મજા પડી ગઈ. ગીતનો ભાવ પ્રભુને પણ જાગતા કરી દે એવો છે.

  “આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં
  એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં”
  કેટલી વિનમ્રતા કે પ્રભુને યાદ કરે છે, પણ પોતે એક ભક્તની કક્ષાનો પણ નથી.

 3. અતિ સુંદર

  “અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા”……. એક ભક્ત પોતાના ઇશ્વરની ચિંતા કરે છે …ને ઇ શ્વરને કહે છે કે “ક્યાં મારે વારે વારે તમને જગાડવા”

 4. Hitesh Mehta says:

  ” આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા ”
  ઇશ્વરે આપેલ જીવન જાતે સુન્દર બનાવવા મારે મહેનત કરવાની વાહ ખુબ જ સુન્દર્….

 5. nayan panchal says:

  ખૂબ જ સુંદર કાવ્ય. આ કાવ્ય વાંચીને વિચારું છું કે હમણા પરિણામોની સિઝનમાં ભગવાનનો વર્કલોડ કેટલો વધી ગયો હશે !!!

  આભાર, ધ્રુવ ભટ્ટજી.
  નયન

 6. P.P.MANKAD says:

  GOOD POEM. ARE YOU THE SAME POET SHRI MADHUKAR K. BUCH OF VALLABH VIDYANAGAR REFERS TO
  ME TIME AND AGAIN?

  • dhruv bhatt says:

   I am not sure that Madhukarbhai refered whom and when. If you can tell somthing about his referance, I can reply properly.
   In the meanwhile, Thanks for your interest to know about the poet
   dhruv

 7. utkantha says:

  શ્રી ધ્રુવભાઈની કવિતા પણ તેમની નવલકથાઓ જેવી જ સુન્દર છે.

 8. nilam doshi says:

  મારા પ્રિય કવિ..લેખકનુઁ મજાનુઁ ગેીત માણવાનેી મજા ..મજા..

 9. Manoj Shukla says:

  અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા

  આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં
  એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં

  ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું
  બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું
  આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા

  સરસ મઝાનું ગીત છે. ભગવાનેય ક્યાં નવરો હતો, આપણા તડકા છાંયાને આપણે સમજી લેશું .. સરસ વાત છે. આ સાથે આવા જ ભાવ વ્યસ્ત કરતું અને કાંઇ પણ માગ્યા વિના ઘણું મેળવી આપે તેવી એક ભરત પાઠકે રચેલ આંધળી ડોસીની પ્રાર્થના સ્મુતિમાં આવી ગઈ. ખુબ ખુબ અભિનંદન.

 10. નવીન જોશી, ધારી, ગુજરાત says:

  ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું
  બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું
  શ્રી ધુવ ભટ્ટનું આ ગીત સર્વાંગ્ સુંદર છે. ગીત એ મારો પ્રિય વિષય છે.
  ભગવાનને ઘણાં કામ હોય.તેથી તેની જવાબદારી ઓછી કરી અને છતાં ધ્યાન રાખે તો કોઇ હરકત નથી.અભિનંદન્.

 11. Renuka Dave says:

  Yes, thats the true spirit to live life..! Dhruvbhai, I like very much the simplicity of your saying…! Thanks for sharing..!

 12. Dr.Hardik Yagnik says:

  નતમસ્તક આ મહાન લેખકને..
  અદ્દભૂત રચના…

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

Copy Protected by Chetan's WP-Copyprotect.