માબાપ સાથે ગોષ્ઠી – ડૉ. ઊર્મિલા શાહ

[બાળકેળવણી વિષયક લેખો આપનારાં ડૉ. ઊર્મિલાબેનના પુસ્તક ‘માબાપ સાથે ગોષ્ઠી’માંથી આ લેખો અહીં સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] આપણે ક્યાં જઈ રહ્યાં છીએ ?

લતા મંગેશકરની જેમ જ બે સેર, સાડી અને સાડીનો છેડો રાખવાની ઢબ, એવી જ અદા અને એવી જ છટા. પાંચ વર્ષની પલકની એ રજૂઆત થતાં જ મારા મોંમાંથી ‘વાહ વાહ’ના ઉદ્દગાર સરી પડ્યા. આટલી નાની ઉંમરે કેટલું સૂક્ષ્મ નિરીક્ષણ ! ને પછી આવું આબેહૂબ અનુકરણ ! બાળકો પણ ક્યારેક કમાલ કરી નાંખે છે.

ત્યાં તો મૃગાંક નેતા બનીને આવ્યો… એની ઊભા રહેવાની ઢબ, વેશભૂષા તો જાણે આબેહૂબ નેતા જેવી હતી જ પણ એનો આત્મવિશ્વાસ અને એનું વક્તવ્ય પણ એટલું જ અસરકારક હતું. આટલું નાનું બાળક આટલી સરસ અભિવ્યક્તિ કરી શકે !…. સાચે જ આશ્ચર્ય પમાડે તેવો તેનો અભિનય હતો. ભવિષ્યમાં એ નેતા બને તો નવાઈ નહીં…. તેવું લાગ્યું…. બાળકો કેવાં સરસ તૈયાર થઈ શકે છે ! મધર ટેરેસા બનેલી હિનાલી પણ જાણે સાક્ષાત કરુણામૂર્તિ મધર ટેરેસા જેવી જ લાગતી હતી.

બાળકમાં અઢળક શક્તિ પડેલી હોય છે, સવાર પડે ને આંખ ખૂલે ત્યારથી તેની નિરીક્ષણપ્રક્રિયા શરૂ થઈ જાય છે. તે જે કંઈ જુએ છે ને અનુભવે છે તે બધાં પર તે સતત વિચારતું હોય છે, તેનું અનુકરણ કરતું હોય છે, અને એ જ રીતે તેનું ઘડતર થતું હોય છે. અને એટલે જ બાલમંદિરથી માંડી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પાછળ હેતુ એ જ હોય છે કે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને વિકસવાની તક મળે. બાળક તો અખંડ વહેતો શક્તિનો સ્ત્રોત છે. આવા કાર્યક્રમની પાછળ તેનાં ચારિત્ર્યઘડતરનું પણ પ્રયોજન હોય છે, તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય તેવો હેતુ હોય છે. બાળક તો કુમળો છોડ…. તેને વાળો તેમ વળે… આપણે તેના માળી બનવાનું છે.

રચના મિસ શારદામંદિર બનીને આવી…. લાગતી હતી તો સુંદર… એની રજૂઆતને વાલીઓએ તાલીઓથી વધાવી પણ ખરી…. પણ મારા મનમાં પ્રશ્ન થયો… આટલા નાના બાળક માટે આવા પાત્રની પસંદગી કરાય ? આપણે તો બાળકમાં ચારિત્ર્યનું ઘડતર કરવાનું છે અને એટલે વિવેકાનંદ કે ટીપુ સુલતાન, લતા કે ઝાકીરહુસેન એવા પાત્રો પસંદ થાય તે બરાબર પણ સૌંદર્યસ્પર્ધાનું પાત્ર આ ઉંમરે તે હોય ! આજે ચારે બાજુથી આપણાં સંતાનોને વૃત્તિઓથી બહેકાવે તેવી વિકૃતિથી બચાવવાનાં છે. ટીવી., મૅગેઝિનો, ચલચિત્રો જ્યાં જુઓ ત્યાં એ જ વાતાવરણ અને પ્રદૂષણ…. સંતાનોને એ બધાથી આપણે દૂર રાખવાની ખાસ જરૂર ઊભી થઈ છે. ત્યારે શું આપણે જાતે જ તેને આને માટે ઉત્તેજન આપીએ છીએ ? ‘મહેકાવે તે સંસ્કૃતિ ને બહેકાવે તે વિકૃતિ’ આપણે આપણાં ખીલતાં ને પાંગરતાં સંતાનોને સંસ્કારની મહેકથી મહેકાવવાના છે તેને બદલે આપણે જ તેને આવી વિકૃતિથી બહેકાવીએ છીએ ! આપણે ક્યાં જઈ રહ્યાં છીએ ! ઘવાયેલો માણસ, ફૂલનદેવીનું પાત્ર… બાળકની ઉંમરને અનુરૂપ પાત્રની પસંદગી થવી જોઈએ, તેના કુમળા માનસ પર વિપરીત અસર કરે તેવું નહીં. રોજબરોજના જીવનમાંથી ય કેટકેટલાં પાત્રો પસંદ થઈ શકે તેવાં હોય છે ! તે માટે દષ્ટિની જરૂર છે, અને તો જ બાળક એ પાત્ર સફળ રીતે ભજવી શકે. આ બધું જોઉં છું ત્યારે મને ક્યારેક થાય છે આપણે ક્યાં જઈ રહ્યાં છીએ !!!

[2] મારે સુંદર દેખાવું છે

‘બેન મારી મમ્મીને ફોન કરી આપોને ? મને સખત માથું દુઃખે છે.’
‘કેમ આજે એવું થયું ? તબિયત સારી નહોતી તો સ્કૂલમાં શું કામ આવી ?’
‘બેન ! મમ્મી કહે છે કે તું સ્કૂલે જા, પછી ભણવાનું બગડે ને !’
‘પણ ઈશા… બેટા ! તું આવા છુટ્ટા વાળ લઈને આવે. સાવ કોરા હોય. પછી માથું જ ચડે ને ! તારા આવા આ છુટ્ટા વાળ જોઈને મને અકળામણ થાય છે તો તને એની અકળામણ નથી થતી ? સ્કૂલમાં તો તેલ નાખીને ચોટલો વાળીને અવાય. તો આખો દિવસ ભણવાનું ય ફાવે.’
‘પણ બેન, એ તો આજે વાળ ધોયા છે ને એટલે…’
‘કેમ આજે વાળ ધોયા ? આજે તો સોમવાર છે. કાલે રવિવારે વાળ ધોવા જોઈએ ને ! અને વળી વાળ ધોઈને આમ છુટ્ટા રાખીને સ્કૂલમાં આવે તો અહીં એમાં કેટલી બધી ધૂળ ભરાય. સ્કૂલમાં તો આટલાં બધાં છોકરાંઓ રમે, દોડે એટલે કેટલી બધી રેત ઊડે ! એ તો ફરી વાળ ધોવા પડે.’

‘પણ બેન ! કાલે પ્રવાસ છે ને એટલે આજે મમ્મીએ ધોઈ આપ્યા. પ્રવાસમાં તો તેલ નાખેલ વાળે જવાતું હશે ! ફ્રી ડ્રેસ પહેરવાની હા કહી છે એટલે અમે તો સરસ મજાનાં ટી-શર્ટ અને જીન્સ પહેરવાનું નક્કી કર્યું છે અને અમે બધી બહેનપણીઓ આમ વાળ છુટ્ટા રાખીને આવવાનું નક્કી કર્યું છે. સરસ દેખાવાય ને એટલે… પછી કાલે પ્રવાસમાં વહેલા જવાનું હોય એટલે સવારે તો વાળ ક્યાંથી ધોવાય ?’ બીજા ધોરણમાં ભણતી ઈશાની આ વાત સાંભળી મનેય આશ્ચર્ય થયું. મને વિચાર આવ્યો કે અમે નાનાં હતાં ત્યારે આવી કશી જ ગતાગમ હતી ખરી ? હા, સ્વચ્છ અને સુઘડ રહેવાનું એવી સમજ ખરી, પણ આવી ટાપટીપ અને રૂપાળા દેખાવા માટેની આવી કોઈ સમજ સુધ્ધાંય ક્યાં હતી ? પણ આજે તો ટીવી અને છાપાંના માધ્યમોએ બાળક નાનું હોય ત્યારથી જ તેને સુંદર દેખાવા શું શું કરવું જોઈએ તે વિચારતા કરી દીધા છે. સ્કૂલમાં પહેલા અઠવાડિયામાં એક દિવસ ફ્રી-ડ્રેસ, ગણવેશમાંથી મુક્તિ આપવામાં આવતી હતી પણ ધીરે ધીરે કરતાં એ દિવસે છોકરીઓએ એવાં કપડાં પહેરીને સ્કૂલમાં આવવાનું શરૂ કર્યું કે એમાં ક્યાંય ઔચિત્ય ન જળવાય, સંસ્કારિતા ન લાગે. શરીરનાં અંગઉપાંગો તરફ વધુ ધ્યાન આકર્ષે અને જોનારના મગજમાં વિકાર પેદા થાય. ફૅશનના નામે સંસ્કારિતાને આપણે નામશેષ કરી રહ્યાં છીએ, અને એમાંય ટીવીના માધ્યમોએ તો સ્ત્રીની ગરિમાને ભારે હાનિ પહોંચાડી છે.

ઈશાના મમ્મી તેને લેવા આવ્યાં. મેં તેમને સામાન્ય સલાહ આપતાં કહ્યું, ‘બેન, ઈશાને આમ છુટ્ટા વાળ લઈને સ્કૂલમાં કેમ મોકલી છે ? સ્કૂલમાં એવી છૂટ નથી.’ ત્યાં તો એ એકદમ આકળાં થઈ ગયાં. ‘બેન, તમે એને જ કેમ કહો છો ? બીજી કેટલીક છોકરીઓ સ્કૂલમાં પોની લઈને આવે છે તેને કેમ કશું નથી કહેતાં ને મને જ કહ્યા કરો છો ? છોકરી છે તે એને રૂપાળી દેખાવાનું તો મન થાય જ ને ? ને વળી કાલે પ્રવાસમાં જવાનું છે એટલે એણે કહ્યું કે તેલવાળા વાળ લઈને નહીં જાઉં. કાલે તો એટલા વહેલા વાળ ધોવાના ફાવે નહીં એટલે મેં આજે વાળ ધોયા. એમાં શું મોટું ખોટું થઈ ગયું છે કે આમ ટોક્યા કરો છો ? છોકરાં માને નહીં તો !’

‘બેન, છોકરાંને સારા દેખાવું જરૂર ગમે પણ એ બધા માટેય યોગ્ય ઉંમર તો હોવી જોઈએ ને ! કૉલેજમાં જતી છોકરી એવું કહે તો હું જરૂર માનું કે હવે એની આ ઉંમર છે. વિજાતીય આકર્ષણ એ તે ઉંમરની લાક્ષણિકતા છે પણ આટલી નાની ઉંમરે, હજી ઊગીને ઊભી થતી આવી છોકરીઓ આમ ટીવી અને પિક્ચરોના છંદે ચડીને આવી તૈયાર થઈને સ્કૂલમાં આવે તે કેમ ચાલે ?’ આ ઊગતાં છોકરાંઓ ચારે બાજુ એવા ઘેરા પ્રદૂષણમાં જીવી રહ્યાં છે એમને એમાંથી બચાવવાં એટલે સામે વહેણે તરવા જેવી વાત છે. જેમાં માબાપનો સાથ પણ જરૂરી બને છે. તેને બદલે જો મા પોતે જ આમ વિચારતી હોય તો એમાં ફક્ત અમારા પ્રયાસથી શું થાય ? માબાપના સાથ-સહકાર વિના ફક્ત અમે એકલા તો એના ચારિત્ર્યનું ઘડતર ન જ કરી શકીએ, પણ જ્યાં મા જ આવી છીછરી હોય તો પછી એને માટે શું કરી શકાય ? ક્યારેક તો મને આવી મા અને આવી દીકરીઓ બંને માટે કરુણા ઊપજે છે પણ માણસ જાણીને જ તેના પગ પર કુહાડો મારે તો તેને કોણ બચાવી શકે ?

[કુલ પાન : 158. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “માબાપ સાથે ગોષ્ઠી – ડૉ. ઊર્મિલા શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.