દીક્ષાન્ત પ્રવચન – નારાયણ મૂર્તિ

[ઈન્ફોસીસના ચેરમેન શ્રી નારાયણ મૂર્તિએ ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કુલ ઓફ બીઝનેસના વિદ્યાર્થીઓ સમક્ષ મે, 2009માં આપેલું દીક્ષાન્ત પ્રવચન, ‘વિચારવલોણું’ સામાયિક મે-2011માંથી ટૂંકાવીને સાભાર અત્રે પ્રસ્તુત છે.]

મેં આજે થોડા વિચાર બાદ નક્કી કર્યું છે કે મારે મારા થોડા અનુભવો અને હું તેમાંથી જે થોડા પાઠ શીખ્યો છું, તે તમારી સાથે વહેંચવા. મારા જીવનમાં ઘટેલી કેટલીક અણચિંતવી ઘટનાઓએ અને મારી કારકિર્દી દરમિયાન ઉદ્દભવેલા કેટલાક સંઘર્ષોએ મારા ચારિત્ર્યને જે ઘાટ આપ્યો છે અને મારું તથા મારી કંપનીનું ભવિષ્ય ઘડ્યું છે, તે વિષે આજે હું તમારી સાથે વાત કરીશ.

પહેલી ઘટના છે આઈ. આઈ.ટી. કાનપુરના મારા કૉલેજ કાળની. એક સવારે, 1968માં અચાનક જ અમારી મુલાકાત અમેરિકાની એક ખ્યાતનામ યુનિવર્સિટીના વિદ્વાન કોમ્પ્યુટર વિજ્ઞાની સાથે ગોઠવાઈ. કોમ્પ્યુટર વિજ્ઞાનના ક્ષેત્રમાં થતી અવનવી શોધો અને કેવી રીતે તે આપણા ભવિષ્યને બદલી નાખશે તે વિશે તે બહુ જ સ્પષ્ટતાથી અને ઉત્કટતાથી વાત કરી રહ્યા હતા. વાર્તાલાપથી અત્યંત પ્રભાવિત હું તરત જ લાઈબ્રેરીમાં ગયો, એમણે સૂચવેલાં ચારપાંચ રિસર્ચ પેપર વાંચ્યાં અને કોમ્પ્યુટર વિજ્ઞાનનો જ સઘન અભ્યાસ કરવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચય જ મને ભવિષ્યમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ઝંપલાવવા તરફ દોરી જવાનો હતો.

બીજી એક બાબત જેણે મારા પર બહુ ઘેરી અસર છોડી, તે 1974માં બન્યો. પેરિસથી મારા વતન મૈસુર પાછા ફરવા હું હીચહાઈકીંગ કરતો નીકળ્યો હતો. એક રાત્રે યુગોસ્લોવિયા (અત્યારનું સર્બીઆ)ના નિસ સ્ટેશનથી હું થોડા સમય પછી ગાડીમાં ચડ્યો. ડબ્બામાં એક છોકરી અને એક છોકરા સિવાય કોઈ નહોતું. હું છોકરી સાથે ફ્રેંચમાં વાતે વળગ્યો. ગાડી તે વખતે બલ્ગેરિયામાંથી પસાર થતી હતી. અને તે ત્યાંના સામ્યવાદના લોખંડી પડદા નીચે રહેવું એટલે શું તેનું દુઃખદ વર્ણન કરતી હતી. પરંતુ બન્યું એવું કે અમારી સાથેના પેલા છોકરાને લાગ્યું કે અમે બલ્ગેરિયાની સામ્યવાદી સરકારની વિરુદ્ધ કંઈ કાવતરું કરી રહ્યા છીએ, અને એણે તો ફોન દ્વારા પોલીસને ખબર આપી દીધી. પરિણામ ? પોલીસે મને ત્રણ દિવસ માટે આઠ બાય આઠની એક નાનકડી ઓરડીમાં ધકેલી દીધો, એમ કહીને કે આ તો તમે અમારા મિત્ર દેશ – ભારતના છો એટલે, નહીં તો તમને આથી વધુ કડક સજા મળત ! આ અનુભવે મને સામ્યવાદ વિષે ગંભીરતાથી વિચારતો કરી મૂક્યો. મને લાગ્યું કે ઉદ્યોગ સાહસો દ્વારા મોટેપાયે નોકરીની તકો ઉભી કરવી એ જ ગરીબી દૂર કરવા માટેનું એક માત્ર અસરકારક સાધન હોઈ શકે. એ બલ્ગેરીયન પોલીસને કારણે હું એક મુંઝાયેલા સામ્યવાદીમાંથી દઢ પણ અનુકંપાશીલ મૂડીવાદી બની ગયો !

ઉપરના બે અણચિંતવ્યા બનાવોએ જે તે બાબતે મારા વિચારને દઢ બનાવ્યા, તો હું હવે તમને કહું છું તે મારી કંપની ઈન્ફોસીસની સાહસિક મજલ દરમિયાન અગત્યના વળાંકો છે, જેણે મારી કંપનીના વિકાસને દિશા આપવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. 1990માં અમારે ઈન્ફોસીસ બાબત એક અગત્યનો નિર્ણય લેવો પડે તેમ હતું. બેંગલોરની અમારી નાની ઓફિસમાં અમે ઈન્ફોસીસના સાતમાંથી પાંચ સ્થાપકો મળ્યા, એ નક્કી કરવા માટે કે બીજી એક મોટી કંપની દ્વારા અમારી કંપનીને 10 લાખ ડૉલરમાં ખરીદી લેવા માટે આવેલી લલચામણી ઓફર અમારે સ્વીકારવી કે નહીં ! નવ વર્ષની મહેનત અમને આટલા બધા પૈસા રળી આપતી હતી, એથી અમે આનંદિત તો હતા.

પણ મેં મારા યુવાન સાથીઓને પહેલાં બોલવા દીધા. બધાએ ચાર કલાક સુધી અત્યાર સુધીની યાત્રાના સંઘર્ષ અને ભવિષ્યના પડકારો વિષે પોતપોતાના અભિપ્રાયો આપ્યા. એમનો સામુહિક અભિપ્રાય ઓફર સ્વીકારી લેવા તરફ ઢળતો હતો એ મેં જોયું. છેવટે મેં બોલવાનું શરૂ કર્યું. 1981માં મુંબઈના એક નાના એપાર્ટમેન્ટમાં શરૂ કરેલું અમારું સાહસ કેટલા સંઘર્ષ પછી અહીં સુધી પહોંચવામાં સફળ થયું હતું તે વર્ણવ્યું. એ વખતે આવા ધંધાકીય સાહસો માટે અમારા ભારતમાં વાતાવરણ ખાસ્સું પ્રતિકૂળ હતું, ભવિષ્યના પડકારો ચોક્કસ ગંભીર હતા, પણ મેં મિત્રોને કહ્યું કે હું આ સમયને પ્રભાતના આગમન પહેલાની રાત્રિની જેમ જોઉં છું અને એમના દિલોદિમાગને ધક્કો આપતાં જાહેર કર્યું કે જો એ બધા કંપનીમાંથી પોતાનો ભાગ વેચી દેવા માંગતા હોય તો હું તે બધાના ભાગ એકલો ખરીદી લઈશ અને કંપની ચાલુ રાખીશ. જો કે મારી પાસે તે સમયે ખીસામાં એક સેન્ટ પણ ન હતો ! મારા મિત્રો શરૂઆતમાં મારી મૂર્ખતા પર આશ્ચર્ય બતાવતા રહ્યા, પણ આખરે એકાદ કલાકની મારી દલીલો પછી બધા મારા એ અભિપ્રાય સાથે સહમત થયા કે જો આપણે ખરેખર એક મહાન કંપની બનાવવી હોય તો આપણે વિશ્વાસપૂર્વક આશાવાદી બનવું જ રહ્યું. મને કહેતાં આનંદ થાય છે કે ઈન્ફોસીસે આજે 70000થી વધુ સારી નોકરીઓ ઊભી કરી છે, 2000થી વધુ ડૉલર કરોડપતિઓ અને 20000થી વધુ રૂપિયા-કરોડપતિઓ બનાવ્યા છે.

છેલ્લે, 1995નો એક રોમાંચક અનુભવ. મારા એક બહુ જ આકરા પણ બહુ મોટા ગ્રાહક સાથેની દિલધડક વ્યાપારી મંત્રણાઓનો. એમની પાસેથી અમને કમાણીનો 25% જેટલો મોટો હિસ્સો મળતો હતો, પણ કરારના રીન્યુઅલ વખતે એમણે ઘણી સખ્તાઈથી એવા નીચા ભાવો અમારી પાસેથી માગ્યા, અને તે પણ અમારા પ્રતિસ્પર્ધીઓને અમારી સમક્ષ એવી રીતે રૂબરૂ ખડા કરીને કે અમારે માટે આ કે તે નિર્ણય લેવો અત્યંત મુશ્કેલ બની જાય. સમયમર્યાદાના અંતિમ કલાકે અમારે હા કે ના માં જવાબ આપવાનો હતો. ત્યારે બધી જ આંખો મારા પર તકાયેલી હતી. મેં આંખો બંધ કરી, અમારી અત્યાર સુધીની યાત્રા ઉપર ક્ષણવાર વિચાર કર્યો. આ પહેલાં આવેલી આવી જ મુશ્કેલ પળોમાં કંપનીના લાંબાગાળાના હિત સિવાય મેં કશું જ ધ્યાનમાં લીધું ન હતું, તે ફરીથી મનમાં દઢ કર્યું અને વિનયપૂર્વક એમની ઓફર નકારી.

પણ મારે જે મુખ્ય વાત કરવી છે તે તો છે આ બધા બનાવોએ મને જીવનના જે અતિઅગત્યના પાઠ ભણાવ્યા તેની. પહેલું, અનુભવમાંથી શીખવા હંમેશાં તૈયાર રહેવું. તમે ક્યાંથી શરૂ કરો છો તે ઓછું અગત્યનું છે. તમે કેટલું અને કેવી રીતે શીખો છો તે, તમારા વિકાસના ગ્રાફને ઝડપથી ઊંચે ચડાવે છે. તમે ધારી ન હોય તેવી ઊંચાઈએ તમે પહોંચી શકો છો. જો કે બે શબ્દ ચેતવણીના. નિષ્ફળતા કરતાં સફળતામાંથી શીખવું કદાચ વધુ અઘરું છે, કારણ કે નિષ્ફળતા તો આપણને કારણો શોધવા પ્રેરે, પણ સફળતાથી તો આપણાં ભૂતકાળનાં બધાં પગલાં જાણેઅજાણે વ્યાજબી જ ઠરી જાય ! બીજી વાત અણચિંતવ્યા બનાવોની શક્તિની છે. આવા ન ધારેલા વળાંકો કે ઘટનાઓ વખતે તમે કેવી રીતે એ પરિસ્થિતિ સાથે સાવધાનીથી વિચારપૂર્વક પેશ આવો છો એ બહુ અગત્યનું છે. તમારા પોતાનાં વિચારપૂર્વકનાં તારણો કાઢો, તો આવી અણધારી પરિસ્થિતિઓ તમને વિકલ્પોની યોગ્ય પસંદગી દ્વારા નવાં શિખરો સર કરવામાં મદદ કરે છે. અલબત્ત, તમે કેવી માનસિકતા સાથે કામ કરો છો તે પણ એટલું જ અગત્યનું છે. મનોવિજ્ઞાની કેરોલ વેકે હમણાં જ એક શોધનિબંધમાં બતાવ્યું છે કે તમારી શક્તિઓ દૈવાધીન છે કે તેને વિકસાવી શકાય એ બાબતની તમારી પોતાની માનસિકતા કે માન્યતા બહુ મોટો ભાગ ભજવે છે. દૈવાધીન શક્તિની માન્યતા તમારામાં પડકારોથી દૂર રહેવાનું, નકારાત્મક બાબતોમાંથી શીખવા તરફ બેદરકાર રહેવાનું વલણ પેદા કરે છે, અને આવી વ્યક્તિ સામાન્ય જ બની રહે છે, ક્યારેય પોતાની પૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકતી નથી. સામે પક્ષે પોતાની ક્ષમતા વિકસાવી શકાય છે એમ માનનાર માટે સફળતાની શક્યતા ઘણી વધતી જાય છે.

છેલ્લે, જે આધાર પર અમારી ભારતીય આધ્યાત્મિક પરંપરા ઊભી છે, તેની હું વાત કરીશ. તે છે સતત જાગૃતિ અને આત્મપરીક્ષણ, જે વ્યક્તિને ખામીઓ તરફ આંગળી ચીંધે છે, આત્મવિશ્વાસ અને આધાર આપે છે, એનામાં દઢતા સાથે નમ્રતાના ગુણો ખીલવે છે, જેની સફળતામાં પણ વ્યક્તિ સૌજન્યશીલ બની રહે છે.

મિત્રો, હું આશા રાખું છું કે તમને તમારું ભવિષ્ય ઘડવાની તમારી પોતાની ક્ષમતા ઉપર વિશ્વાસ છે. હું માનું છું કે તમારા રાહમાં આવતા દરેક મોડ ઉપર તમે તમારી દિશા જાતે નક્કી કરવા જેટલા સક્ષમ બનશો, તમારી નિષ્ફળતાઓમાંથી શીખશો, અને સફળતાને ગૌરવપૂર્વક અને નમ્રતાપૂર્વક જીરવી શકશો. સાથે જ, એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખશો કે આપણે બધા આપણે પેદા કરેલી સંપત્તિના ટ્રસ્ટીઓ છીએ, માલિક નથી – કારણ કે મેં અને તમે બધાએ એવાં વૃક્ષોનાં ફળ ખાધાં છે, જે આપણે વાવ્યાં ન હતાં. એટલે, આપણી સંપત્તિનો ઉત્તમ ઉપયોગ એને આપણા ઓછા નસીબવંતા ભાઈબહેનો સાથે વહેંચવા સિવાય બીજો કોઈ નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “દીક્ષાન્ત પ્રવચન – નારાયણ મૂર્તિ”

Copy Protected by Chetan's WP-Copyprotect.