વાત કંઈક આપવાની – મહેશ યાજ્ઞિક

[‘જનકલ્યાણ’ એપ્રિલ-2011માંથી સાભાર.]

‘આવોને શેઠિયા….’ ચંદુલાલનો અવાજ એમના શરીર જેવો બુલંદ હતો. બેઠી દડીનું શરીર, એમાંય ગળું ને ગરદન એક થઈ ગયાં હોય એવું લાગે. એના ઉપર સોનાની ચેઈન. જાડી ભ્રમર, લખોટી જેવી ગોળ આંખો, ભરાવદાર વાળ, અડધી બાંયનો સફેદ ખાદીનો ઝભ્ભો અને જીન્સનું પેન્ટ. પોતાના નવાનક્કોર બંગલાના ઓટલા ઉપર ઊભા રહીને એમણે ડાબી-જમણી બાજુના પડોશીઓને બૂમ પાડીને આમંત્રણ આપ્યું. જમણી બાજુના બંગલામાં જયેશ જાની ખૂરપી લઈને બાગકામ કરતો હતો. ડાબા બંગલાવાળો આનંદ શાહ હીંચકા પર બેસીને બધાં અખબારોની પૂર્તિઓ પર નજર ફેરવતો હતો.
‘આમ તો આખા અઠવાડિયામાં તમારા બંનેમાંથી એકેયને નવરાશ નથી હોતી. આજે રવિવાર છે એટલે ખાસ કહું છું…..’ વારાફરતી બંને સામે જોઈને ચંદુલાલે આગ્રહ કર્યો, ‘આવો તો ચા-પાણી કરીએ અને એ બહાને એકબીજાનો પરિચય થશે….’ આનંદ અને જયેશે એકબીજાની સામે જોયું. આનંદે બધાં અખબારો હીંચકા પર મૂક્યાં. જયેશે ખૂરપી બાજુમાં મૂકીને માટીવાળા હાથ સાફ કર્યા. બંને ચંદુલાલના બંગલામાં પ્રવેશ્યા.

આમ તો માણેકબાગ સોસાયટી પચાસ વર્ષ જૂની. આનંદ અને જયેશની વચ્ચેનો જે જૂનો બંગલો હતો એ ખંડેર જેવો થઈ ગયો હતો. છ મહિના અગાઉ ચંદુલાલે એ ખરીદ્યો અને પછી તોડીને ત્યાં અલ્ટ્રામોડર્ન બંગલો બનાવ્યો. ચંદુલાલ મૂળ રાજકોટના. રાજકોટમાં એમનો કારોબાર બહુ મોટો હતો. એ બધું મોટા દીકરાને સોંપીને દસેક દિવસ અગાઉ વાસ્તુ કરીને એ આ બંગલામાં રહેવા આવ્યા હતા. કન્સ્ટ્ર્રકશન ચાલતું હતું ત્યારે અઠવાડિયે એકાદ આંટો મારવા એ રાજકોટથી આવે. આખો દિવસ ઊભા રહે એટલે એ વખતે જયેશ અને આનંદ સાથે આછો-પાતળો પરિચય થયેલો. વાસ્તુ નિમિત્તે નવચંડી યજ્ઞ કરીને એમણે આખી સોસાયટીમાં બધાને સુખદ આશ્ચર્યનો આંચકો આપેલો. જયેશ, આનંદ અને સોસાયટીના હોદ્દેદારો સિવાય એ કોઈને ઓળખતા નહોતા. એ છતાં કાર્ડ છપાવીને જાતે એકએક બંગલામાં જઈને તમામ સભ્યોને સપરિવાર નવચંડીના મહાપ્રસાદનું નિમંત્રણ આપેલું ! બંગલો બનાવવામાં એમણે દિલથી ખર્ચો કર્યો હતો. ઓટલા ઉપર પણ ગ્રેનાઈટનું ફલોરિંગ હતું. જયેશ અને આનંદ આવ્યા એટલે હાથ મિલાવીને ચંદુલાલે એમને આવકાર્યા. ગઈ રાત્રે વરસાદ પડેલો એટલે વાતાવરણમાં ઠંડક હતી. બંને ચંદુલાલની સામે ખુરશીમાં ગોઠવાયા.

‘સાંભળો છો ?….’ ચંદુલાલે અંદરની તરફ જોઈને બૂમ પાડી એટલે એમની પત્ની બહાર આવી. ચંદુલાલની ઉંમર પિસ્તાળીસની હશે અને એની પત્ની માંડ ત્રીસેક વર્ષની દેખાતી હતી. એ ગોરી અને નમણી સ્ત્રીને નજીકથી જોયા પછી જયેશે ચંદુલાલ સામે નજર કરી. કાગડો અને દહીંથરુવાળી કહેવત અનાયાસે જ એને યાદ આવી ગઈ.
‘આ બંને ભાઈઓ આપણી આજુબાજુમાં રહે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે પહેલો સગો પાડોશી….’
ચંદુલાલે પત્નીને સમજાવ્યું, ‘આપણા ઘરમાં કંઈક થાય તો રાજકોટવાળાને તો બહુ આઘું પડે, સૌથી પહેલાં તો આ બંને દોડતા આવશે….’ પછી ચંદુલાલે હસીને જયેશ અને આનંદ સામે જોયું, ‘સાહેબ, બહુ મોટું ફેમિલી છે. ત્રણ ભાઈઓ અને બે બહેનો પણ એ બધા અહીંથી અઢીસો કિલોમીટર દૂર…. સૌથી નજીક તો તમે બે….’ એમણે પત્ની સામે જોઈને આદેશ આપ્યો, ‘કંઈક ગરમાગરમ નાસ્તો બનાવ.’
‘નાસ્તાની કોઈ જરૂર નથી….’ જયેશે તરત કહ્યું, ‘અડધો કપ ચા સિવાય કંઈ નહીં….’ ચંદુલાલે આગ્રહ કર્યો પણ આ બંને માન્યા નહીં.
‘ઓ.કે. જેવી મહેમાનોની મરજી. મસ્ત આદુ-ફુદીનાવાળી ચા બનાવ અને જોડે ગાંઠિયા લાવજે….’ એ અંદર ગઈ.

‘આપણું તો સાહેબ એવું કે બધાને કંઈક આપીને રાજી થવાનું….’ ચંદુલાલના કેળવાયેલા જોરદાર અવાજમાં કાઠિયાવાડી રણકારની સાથે શ્રોતાઓને જકડી રાખવાની તાકાત હતી. જયેશ બેંકમાં અધિકારી હતો અને આનંદનો શેરબજારનો કારોબાર હતો. એ બંનેએ ત્રીસ-ત્રીસ સેકન્ડમાં પોતાનો પરિચય આપી દીધા પછી ચંદુલાલે પોતાની જીવનકથાનાં પાનાં ખોલ્યાં, ‘બધા ભાઈઓમાં હું સૌથી નાનો એટલે બા-બાપા સૌથી વધારે મને સાચવે. બા સુખડી બનાવે તોય સૌથી મોટો ભાગ મને આપે. મારાથી મોટો કનુ. એ ભારે ગળકુડો. ગળી વસ્તુ એને બહુ ભાવે. સુખડી કે મોહનથાળ માટે એ ગાંડો થાય. પેંડા તો એકસાથે પાંચ-છ ધબેડી જાય… કનુની આ આદત મને ખબર એટલે બા ભલે મને વધારે આપે, મારા ભાગમાંથી મોટો હિસ્સો કનુને આપી દઉં. એ રાજી થાય એટલે મને શેર લોહી ચઢે. નાનપણથી જ સ્વભાવ એવો કે કંઈક આપીને રાજી થવાનું…’

જયેશ અને આનંદ એમની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા.
‘બાપદાદાના વખતથી અમારા ઘરમાં લક્ષ્મીજીની મહેરબાની. ધંધાની આવડત ભલભલાને આંટી મારી દે એવી. વળી મહેનત પૂરેપૂરી કરવાની. દાદા-દાદીનો સ્વભાવ દાનેશ્વરી. મને યાદ છે કે દાદી જીવતાં હતાં ત્યારે રોજ રાતે સૂતાં પહેલાં ઘરના ઓટલા ઉપર ઘઉંના લોટનો ડબ્બો ભરીને મૂકવાનો. એ જીવ્યા ત્યાં સુધી ધાર્મિકતાપૂર્વક એમણે આ નિયમ જાળવેલો. જરૂરિયાતવાળા પણ ખાનદાન માણસની હાલત કફોડી હોય. એ હાથ લંબાવી ના શકે. વહેલી પરોઢે આવા પરિવારના લોકો આરામથી લોટ લઈ જાય. સવારે ખાલી ડબ્બો જોઈને દાદીને બહુ સંતોષ થાય….’ ચંદુલાલે હસીને બંને શ્રોતાઓ સામે જોયું, ‘દાદીનો એ ગુણ મને વારસામાં મળ્યો. સામેવાળાને કંઈક આપીને રાજી થવાનું…. મોટી ટાંકી ચોકમાં હવેલી જેવું અમારું ઘર. બાપાનો શ્રોફનો કારોબાર. પંદરેક વર્ષ પહેલાં એક દા’ડો એમને શું સૂઝ્યું કે ખપ પૂરતી મૂડી રાખીને બાકીના બધા રૂપિયામાંથી રાજકોટની આજુબાજુના ખેતરોનાં ખેતરો ખરીદી લીધાં. એક દસકામાં ભાવ એવા વધ્યા કે ન્યાલ થઈ ગયા. સાત પેઢીની કમાણી એ જમીનોમાંથી મળી ગઈ….’ આનંદ અને જયેશ અહોભાવથી એમની સામે તાકી રહ્યા હતા. ચંદુલાલને પ્રભાવશાળી અવાજ ઉપરાંત બંને હાથની વિવિધ મુદ્રાઓ સાંભળનારને મંત્રમુગ્ધ કરી દેવા સમર્થ હતી.

‘મારાથી મોટો કનુ અને કનુથી મોટો રતિલાલ. અમે ત્રણેય ભાઈઓ એકસાથે બજારમાં નીકળીએ ત્યારે બધા સામે તાકી રહે એવો વટ. રતિલાલ અને કનુએ શ્રોફનો ધંધો સંભાળી લીધો હતો અને મેં જમીનમાં ઝંપલાવ્યું. નાની બે બહેનોને સારાં ઠેકાણાં શોધીને પરણાવી અને એવા ધામધૂમથી લગ્ન કર્યાં કે આખું રાજકોટ મોમાં આંગળાં નાખી ગયું…. બેઉ જમાઈઓને દિલથી અપાય એટલું આપ્યું અને કહ્યું કે અમારી બહેનને કોઈ તકલીફ પડવી ના જોઈએ…. કંઈક આપીને રાજી થવાની ટેવ એટલે જમાઈઓને ન્યાલ કરી દીધા….’

ચંદુભાઈની પત્ની ટ્રે લઈને આવી. ચાના કપ અને ગાંઠિયાની પ્લેટ ટિપોઈ પર મૂકીને એ ચૂપચાપ જતી રહી.
‘સાહેબ, આ ગાંઠિયા ચાખો. રાજકોટની સ્પેશિયલ વેરાયટી છે….’ ગાંઠિયા ઉપરથી એ રેસ્ટોરન્ટની વાત પર આવ્યા, ‘મોટા ભાઈ રતિલાલનો દીકરો ભારે હોંશિયાર. રતિલાલ એને પેઢી ઉપર બેસાડી રાખે. એ બિચારાને પોતાનો કંઈક સ્વતંત્ર ધંધો કરવાની હોંશ. રતિલાલ ના ના કરતો રહ્યો અને મેં એ છોકરાને મસ્ત રેસ્ટોરન્ટ ખોલાવી આપી. ભાઈના છોકરાની જિંદગી બનતી હોય તો પછી ત્રીસ લાખની શી વિસાત ? મૂળથી સ્વભાવ એવો કે કંઈક આપીને રાજી થવું…..’ આનંદ અને જયેશે ચાનો કપ હાથમાં લીધો, ‘આખી જિંદગી આમ તો સુખના સાગર જેવી લાગે પણ એમાં દુઃખના ટાપુ આવે….’ ચંદુલાલનો અવાજ લગીર ધીમો પડ્યો, ‘આ જે છે તે અમારા બીજી વારનાં શ્રીમતીજી છે. અગાઉ જે હતી એ તો સાક્ષાત દેવી હતી. કોઈ સંતાન નહીં એટલે આખો દિવસ ધર્મધ્યાન કર્યા કરે. ચાર વર્ષ પહેલાં કારમાં જૂનાગઢ જતાં હતાં. એવો એક્સિડન્ટ થયો કે હું ઊછળીને જમણી બાજુ ફેંકાયો અને ગાડી સીધી ઝાડ જોડે ટિચાણી. ઓન ધ સ્પોટ એ બાપડીની આંખ મિંચાઈ ગઈ. બે વર્ષ તો હુંય ગુમસૂમ બેસી રહ્યો. એ પછી તમારા જેવા કોઈક સજ્જને આંગળી ચીંધી. આ દુખિયારી સાસરેથી પાછી આવેલી. મેળ પડી ગયો ને સુખેથી જીવીએ છીએ… જલસા કરવાના… શું લાવ્યા હતા અને શું લઈ જવાના ? સામેવાળાને કંઈક આપીને રાજી થવામાં જે આનંદ મળે એની તોલે કંઈ ના આવે…..’ બંને હાથ પહોળા કરીને એમણે જીવનની ફિલોસોફી સમજાવી અને ઉમેર્યું, ‘આપણા આવા સ્વભાવને લીધે રાજકોટમાં ચંદુભાઈ રાજાણીને બદલે બધા રાજા તરીકે જ ઓળખે…. કોણ તો કે ચંદુભાઈ રાજા….’

ગાંઠિયા સરસ હતા અને ચા પણ મજાની હતી. ચંદુભાઈનું બોલવાનું હજુ ચાલુ હતું. દર સાતમી મિનિટે તકિયા કલામ જેવું વાક્ય ટપકતું કે કોઈકને કંઈક આપીને રાજી થવાનું…. ‘આમ તો બી.કોમ પછી એલ.એલ.બી. જ કર્યું છે પણ એમાં બધા કાયદા પચાવી ગયો છું. સુપ્રીમ કોર્ટના વકીલનેય ઝાંખો પાડી દઉં એટલું નોલેજ છે…’ એ બંને ઊભા થયા ત્યારે ચંદુભાઈએ છેલ્લે કહ્યું, ‘કંઈ પણ કામ હોય તો અડધી રાતે પણ બારણું ખખડાવજો. જરાયે સંકોચ નહીં રાખવાનો સમજ્યા ? આપણો તો સ્વભાવ જ એવો કે…..’
******

શુક્રવારે સાંજે આનંદનું ટેન્શન વધી ગયું. જેતપુરની એક પાર્ટી પાસે એના છ લાખ રૂપિયા ફસાયેલા હતા. જે વચ્ચે રહેનાર મધ્યસ્થી હતા એમનો ફોન આવ્યો કે તાત્કાલિક જેતપુર આવી જાવ તો પાંચેક લાખમાં સમાધાન થઈ શકે. એ પછી પાર્ટી દુબઈ જતી રહેશે તો મારી કોઈ જવાબદારી નહીં. આનંદે તરત નિર્ણય લીધો. ઘેર ફોન કરી લીધો અને કાર સ્ટાર્ટ કરી. જેતપુર સુધીની મુસાફરીનો થાક એક ઝાટકે ઊતરી ગયો. મધ્યસ્થીની મહેનત ફળી. શનિવારે બેંક ખૂલી કે તરત પાંચ લાખનો ડ્રાફટ મળી ગયો એ લઈને એણે કાર સ્ટાર્ટ કરી. બપોરે એક વાગ્યે રાજકોટ પહોંચ્યા પછી જમવા માટે એણે સારી હોટલની શોધ શરૂ કરી. લીમડા ચોક પાસે કાર પાર્ક કરીને એ કાઠિયાવાડી ઢબના આધુનિક રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યો. જમવાનું ખરેખર સારું હતું. જમ્યા પછી એ કાઉન્ટર પાસે ઊભો રહ્યો.
‘ક્યાંથી આવો છો સાહેબ ?’ ભીડ હતી નહીં એટલે કાઉન્ટર પર બેઠેલા ભાઈએ એને પૂછ્યું.
‘અમદાવાદથી…’
‘હવે બોમ્બ ધડાકા નથી થવાના ને….? આ તો અખબારમાં વાંચ્યું હતું એટલે પૂછું છું.’ એણે હસીને આનંદને પૂછ્યું.
‘ના ભઈ…. હજી તો મારે મંગળવારે ફેમિલી સાથે આવવાનું છે….’ આનંદે કહ્યું અને ઉમેર્યું, ‘તમારે ત્યાંના એક મોટા બિઝનેસમેન મારી પડોશમાં રહેવા આવ્યા છે…’ ચંદુલાલનું સ્મરણ થયું એટલે મુખવાસ ખાતી વખતે આનંદે એને કહ્યું, ‘દિલાવર માણસ છે…. ચંદુલાલ…. ચંદુલાલ રાજા….’ આનંદે વધુ માહિતી આપી, ‘એમના ભાઈ કનુ અને રતિલાલનો અહીં બિઝનેસ છે અને રતિલાલના દીકરાની સરસ મજાની હોટલ છે…..’
‘ચંદુલાલ રાજા….’ એ માણસે હસીને આનંદ સામે જોયું, ‘એમના ભાઈ કનુભાઈને મળવું હોય તો આગળ ચોથી દુકાનમાં મળો… પાઈલોટ પંપનું મોટું બોર્ડ છે, એ દુકાનમાં તપાસ કરો…..’ એણે આગ્રહ કર્યો, ‘નજીક છે તો મળતા જાવ. એને ઓળખાણ આપશો તો આનંદ થશે…..’ આનંદ બહાર નીકળ્યો ત્યારે એ માણસના હોઠ મલકી રહ્યા હતા.

પાઈલોટ પંપની દુકાન ખાસ્સી મોટી હતી. બપોરનો સમય હોવાથી થડા ઉપર બેઠેલો ચશ્માવાળો માણસ બગાસાં ખાતો હતો. એની પાસે જઈને આનંદ ઊભો રહ્યો એટલે પ્રશ્નાર્થ નજરે એ આનંદ સામે તાકી રહ્યો.
‘કનુભાઈનું….કનુભાઈ શેઠનું કામ છે…’ આનંદ જે બોલ્યો એ સાંભળીને આંખો ફાડીને એણે પૂછ્યું, ‘કનુભાઈ શેઠ ? કોણે મોકલ્યા ?’
‘અમદાવાદથી આવું છું….’ કંઈક કાચું કપાતું હોય એવું લાગ્યું એટલે આનંદે તરત ખુલાસો કર્યો, ‘કનુભાઈના મોટાભાઈ ચંદુલાલ શેઠ મારી પાડોશમાં રહે છે.
‘બેસો….’ એણે ખુરશી તરફ આંગળી ચીંધી અને દુકાનની અંદરની તરફ જોઈને ઘાંટો પાડ્યો, ‘કનીયા, બહાર આવ….’ આનંદ ડઘાઈ ગયો. પેલાનો ઘાંટો સાંભળીને બહાર આવેલા માણસ સામે એ આશ્ચર્યથી તાકી રહ્યો. પંચાવન વર્ષનો દૂબળો-પાતળો દેહ, સાવ સામાન્ય કપડાં અને પગમાં સ્લીપર…
‘આ કનુભાઈ ?….’ એ અભાનપણે બબડ્યો, અને નકારમાં માથું ધુણાવ્યું.
‘કનીયા, તારા ચંદુભાઈએ આ શેઠની પાડોશમાં નવો બંગલો બનાવ્યો છે, અમદાવાદમાં…..’ એની વાત સાંભળીને જાણે કંઈ લાગતું-વળગતું ના હોય એમ ઊંડી ઊતરી ગયેલી આંખોથી એ આનંદ સામે જોઈ રહ્યો.

‘અરે સાહેબ….’ પેલા માણસે માહિતી આપી, ‘એ ચંદુડા ચીટરે તમને કંઈક આંબા-આંબલી બતાવ્યાં હશે પણ સાચી વાત સાંભળો. બૈરું નહોતું ગમતું એટલે લફરું કર્યું અને પછી એક્સિડન્ટ ઉપજાવીને બૈરીને મારી નાખી. એના વીમાના ડબ્બલ પૈસાય મેળવ્યા. ત્રણેય ભાઈઓની મઝિયારી મિલકત હતી. આ કનુ અને મોટા રતિલાલ સાવ ભોળિયા એટલે ચંદુએ જ્યાં જ્યાં કહ્યું ત્યાં સહીઓ કરી આપેલી. બધું થઈને પાંચ-છ કરોડની પ્રોપર્ટી હશે. એક ઝાટકે બધું પડાવી લીધું અને ભાઈઓને તગેડી મૂક્યા. રતિલાલનો છોકરો હોટલમાં કારકુન છે, એમાંથી ઘરનું પૂરું કરે છે અને આ કનુ મારે ત્યાં નોકરી કરે છે. બંને બનેવીઓને પણ નથી છોડ્યા-કાયદેસરનું ચાલાકી કરીને ધૂતી લીધા….’ સહેજ અટકીને એણે આનંદના ડઘાયેલા ચહેરા સામે જોઈને પૂછ્યું, ‘એ ચીટરે તમારી સાથે વાતો તો બહુ કરી હશે….’ આનંદે હકારમાં માથું હલાવ્યું.
‘દર બે મિનિટે એ હરામી એમ બોલે કે આપણો સ્વભાવ એવો કે કંઈક આપીને રાજી થવું…. એ કંઈક એટલે શું એ હવે સમજાયું ? સામેવાળાને દુઃખ અને પીડા આપીને એ રાજી થાય છે. નસેનસમાં છેતરપિંડી ભરેલી છે… પાડોશમાં રહો છો તો સાચવજો…. એવી રીતે બાટલામાં ઉતારીને બધું પડાવી લેશે કે કંઈ ખબર નહીં પડે… સગાં ભાઈબહેનોનું ઠંડા કલેજે કરી નાખ્યું એ તમનેય ઘાટમાં લેશે… ચેતતા રહેજો….’

એ બોલતો હતો એ વખતે આનંદની આંખ સામે ચંદુલાલનો ચહેરો તરવરતો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

26 thoughts on “વાત કંઈક આપવાની – મહેશ યાજ્ઞિક”

Copy Protected by Chetan's WP-Copyprotect.