મંગલમ્ સોસાયટી – ડૉ. ભરત આર. જાદવ

[‘અખંડ આનંદ’ મે-2011માંથી સાભાર.]

વર્ષો પછી આજે હિનાને મળવાનું બનવાનું હતું, તેથી મનમાં જ્યાં આનંદ નહોતો સમાતો, ત્યાં વળી, ગીતામાસીને મળવાની પણ ઉત્સુકતા વધતી જતી હતી. સાતમા ધોરણમાંથી છૂટા પડ્યા પછી, આજે લગભગ દસેક વર્ષ પછી હિનાના લગ્નમાં દાહોદ જવાનું હતું. અમદાવાદમાં રહેતાં-રહેતાં દાહોદ જેવા પછાત ગણાતા આદિવાસી વિસ્તારમાં તો કાંઈ રહેવાય ખરું ? એમ હું અત્યાર સુધી વિચારતી. સુરેશ અંકલ મારા પપ્પા સાથે અહીં રેલવેમાં સાથે જ નોકરી કરતા હતા. પણ, પ્રમોશન થતાં તેઓ દાહોદ તેમના વતનમાં સ્થાયી થયા હતા.

ઉનાળાની રજાઓ હોવાના કારણે અમે સપ્તાહના આયોજન સાથે દાહોદ પહોંચ્યાં. સુરેશ અંકલ દાહોદ શહેરમાં સરસ્વતી સોસાયટીમાં રહેતા હતા. અમને તેઓ બસસ્ટેશને લેવા માટે આવ્યા હતા, તેથી ઘર શોધવામાં ખાસ મુશ્કેલી નહોતી પડી. બધાંને મળીને ઘડીભરમાં અમે પ્રવાસનો બધો થાક ભૂલી ગયાં હતાં. લગ્ન તેના નિર્ધારિત આયોજન પ્રમાણે પૂર્ણ થયાં. લગ્નમાં કશા પણ બાહ્ય આડંબર વગર સમાજના રિવાજ પ્રમાણે સાદાઈ જણાઈ આવતી હતી. સુરેશ અંકલે તો ગામના એ જ જૂના ઢોલીડા અને શરણાઈવાળાઓને બોલાવ્યા હતા. હિના શિક્ષિકા હોવાના કારણે હેમંત જીજુ જેવા શિક્ષક સાથે લગ્ન થયાં હોવાથી સૌને વિશેષ સંતોષ હતો.

સૌ મહેમાનો વિદાય થયા હતા. સાંજના પાંચેક વાગ્યા હશે. અમે સૌ ધાબા પર બેઠાં હતાં. પપ્પા સુરેશઅંકલ સાથે ભૂતકાળમાં ખોવાઈ ગયા. તેમની વાતમાં મને પણ રસ પડ્યો. પપ્પાએ સુરેશ અંકલને દાહોદમાં સ્થાયી થવા બદલ અભિનંદન આપ્યાં. પછી સમૃદ્ધ જણાતી સોસાયટી અને સામે ગારમાટીનાં મકાનોમાં રહેતા આદિવાસી યુવાનોમાં તેમની સારી છાપ વગેરેની છેલ્લા પાંચેક દિવસની અનુભૂતિ થતાં પપ્પાએ સુરેશઅંકલને પૂછ્યું, ‘યાર સુરેશ, ખરેખર મને એ સમજાતું નથી કે હું વર્ષોથી અમદાવાદમાં એ જ સોસાયટીમાં રહેતો હોવા છતાં હજી બધા સભ્યોને પૂરેપૂરા ઓળખતો પણ નથી, ને તેં આટલા સમયમાં આવી લોકપ્રિયતા કેવી રીતે કેળવી ? ને આવી સુંદર સોસાયટીનું આયોજન કેવી રીતે થયું ?’

સુરેશઅંકલે સામે આંબાના વૃક્ષ તરફ ઈશારો કરીને કહ્યું, ‘જો, સામે જે મોરથી મઘમઘે છે ને, એ આંબો મારો આદર્શ છે. જો, વિષ્ણુ, પ્રથમ તો તને આ સોસાયટીનો જ પરિચય કરાવું. હું અહીં આવ્યો ત્યારે શહેરની સમૃદ્ધ ગણાતી સોસાયટીઓમાં જમીનના ભાવ આસમાને. આપણો નાનો પગાર અને બહોળી જવાબદારી. તપેલી ઊતરે તો થાળી તપે. કરવું શું ? એવો સમય. ને તેથી આ વિસ્તારમાં ભાવ ઓછા હોવાના કારણે મેં સૌ પ્રથમ મકાન બનાવ્યું હતું. અહીં નજીકમાં આદિવાસીઓની વસ્તી અને સુવિધાઓના અભાવના કારણે કોઈ આવવા તૈયાર જ નહીં. પણ, મને થયું, કે ઊગતા રવિને તો સૌ કોઈ પૂજે, પણ આપણે ડૂબતાને પણ પૂજવો છે. સારા ગણાતા વિસ્તારોમાં હાઈફાઈ સોસાયટીના માણસો વચ્ચે રહેવાનું તો સૌ કોઈ પસંદ કરે, પણ આવા વિસ્તારોમાં રહેવાથી સારા ન રહેવાય એવી માન્યતામાં હું માનતો નથી. શરૂઆતમાં ગીતાએ તો બાળકો પર શી અસર થશે…. ડર લાગશે…. જેવી થોડી દલીલો કરી, પણ આખરે એ માની ગઈ. થોડા સમય પછી તો અહીં પચ્ચીસેક મકાનો એક સાથે બન્યાં. પરિચય કેળવાયો. અમે વિચાર્યું કે સારી સોસાયટી આખરે તો માણસ જ બનાવે છે, તો આપણે તે માટે પ્રયાસ કેમ ન કરીએ ? અને અનેક મથામણો પછી આયોજન હાથ ધરવામાં આવ્યાં.’

એટલામાં સંધ્યા ચા લઈને આવી. સંધ્યા એક આદિવાસી બાળા હતી, જેના પિતાજી કામે ગયા હતા. ભણવામાં હોંશિયાર હોવાના કારણે તે અહીં સુરેશ અંકલને ત્યાં ઘરના સભ્યની જેમ રહીને અભ્યાસ કરતી હતી. સુરેશ અંકલ તેને પોતાની દીકરી જ ગણતા હતા. ચા પીતાં પીતાં પપ્પાએ આગળ જાણવાની જિજ્ઞાસા બતાવી, તેથી સુરેશ અંકલે વાતનો દોર લંબાવતાં કહ્યું, ‘સૌ પ્રથમ અમે અહીં આખી સોસાયટીમાં વૃક્ષો ઉછેરવાનું આયોજન કર્યું. જેમાં સમાજ જેને પોતાની પ્રગતિમાં બાધક સમજે છે, ને જેના નામે મોટી મોટી યોજનાઓ અમલમાં મૂકી પોતાનો ઉદ્ધાર કરે છે તેવા આ ગરીબ માણસોને પણ સામેલ કર્યા. તેઓએ તેમના આંગણે તથા ખેતરની પાળ પર ઝાડ વાવ્યાં. સામે જે પક્ષીઓ કલરવ કરે છે, તે આ આયોજનનો જ પ્રતાપ છે. બીજું અમારું આયોજન હતું, સંસ્કાર કેન્દ્ર. અમારી પાસે કેટલાક ઉત્સાહી મિત્રો છે, જેમાં હવે કેટલાક નિવૃત્ત થયા છે, તે બધાએ આ જવાબદારી ઉપાડેલી છે. તેઓ નિયમિત અમારી સોસાયટીનાં બધાં બાળકો ઉપરાંત આ ગરીબ પરિવારોનાં બાળકો માટે સંસ્કાર કેન્દ્ર ચલાવે છે. ત્યાં કોઈ જ ભેદભાવ નહીં. બધાં બાળકોને પોતીકું જ લાગે તેવું વાતાવરણ સર્જાય. પ્રાર્થના, ધૂન, ગીતો, વાર્તા, ક્યારેક કોઈ સારા વિચારોવાળી મૂવી પણ બતાવવાની. આમ કરવાથી આ વસ્તીમાં વ્યસન અને બીજી કેટલીક કુટેવો તો મટી જ, શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું, પણ સાથે-સાથે સૌ એકબીજાની નજીક આવતાં પોતીકો ભાવ પેદા થયો. અભણ-ભણેલા કે ગરીબ-અમીરના ત્યાં કોઈ ભાવ હવે નથી રહ્યા. તેથી મોટી સમસ્યાઓ તો આમ જ ઊકલી જાય છે. અમે અહીં એક નારી-શિક્ષણ-કેન્દ્ર ચલાવીએ છીએ. જેમાં સોસાયટીની બહેનો દર રવિવારે બાજુના મકાનમાં એકઠી થાય છે. ત્યાં આદિવાસી બહેનોને પણ બોલાવવામાં આવે છે. અને તેમાં તેમને જીવનમાં સારા વિચારો-સંસ્કારોના મહત્વ વિષે તો ક્યારેક રોજગારી બાબતે તો ક્યારેક આરોગ્યને લગતી માહિતી આપવામાં આવે છે.

‘પણ અંકલ, શું આ બધી બહેનો તેમની જાતે જ અહીં આવે છે ?’ મેં પ્રશ્ન કર્યો.
‘ના’, અંકલે જવાબ આપ્યો, ‘સૌ પ્રથમ સોસાયટીની બહેનો ત્યાં ગઈ હતી, ને તેમને સાક્ષર કરવાના પ્રયાસો કર્યા, તેમનામાં આત્મીયતાના ભાવ જગાડ્યા, ને પછી અહીં બોલાવવામાં આવ્યાં, ને આમ થઈ શરૂઆત. આજે પચ્ચીસથી વધુ બહેનો અહીં આવે છે, ને જ્ઞાનનો લાભ લે છે. હમણાં તો આ બહેનોએ આદિવાસી ભાઈ-બહેનોમાં વ્યાપ્ત દૂષણો દૂર કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
‘પણ સુરેશ, આ બધું આટલી ઝડપથી શક્ય બને ખરું ?’ પપ્પાએ પૂછ્યું.
‘એટલે તો, મેં પેલા આંબાને આદર્શ માન્યો છે. શું આંબો આમ અચાનક મ્હોરે છે ખરો ? કેટલાં વર્ષો સુધી એ સતત તપસ્યા કરે જ છે ને…’ સુરેશ અંકલે હળવા હાસ્ય સાથે જવાબ આપ્યો.

નીચે મંગલમ્ સોસાયટીનું બોર્ડ દેખાતું હતું. મને નવાઈ લાગી.
‘આ સોસાયટીનું નામ તો સરસ્વતી હતું, તો પછી આ મંગલમ્ નામ કેમ ?’ મેં જાણવા માટે પ્રશ્ન કર્યો. એટલામાં સોસાયટીના પ્રમુખ અને શહેરની પ્રતિષ્ઠિત સંસ્થાના આચાર્ય ધાર્મિક અંકલ આવ્યા, તેમણે પ્રશ્નનું સમાધાન કરતાં કહ્યું, ‘આ સોસાયટીના પ્રારંભથી મંગળકાકા ચોકીદારી કરતા હતા. અમે સૌ કાકા જ કહેતા. તેઓ અમને અને અમારાં બાળકોને સાવ પોતાનાં ગણી ઈમાનદારીથી પોતાની સેવા બજાવતા હતા. એક દિવસ અહીં ચોરી થઈ. કાકાએ ચોરોને પડકાર ફેંકી અમારા પડોશીનું ઘર બરબાદ થતાં બચાવી લીધું, પણ જીવ ગુમાવ્યો. બસ, તેમની એ નિષ્ઠાને અમર બનાવવા તથા આવનાર ચોકીદારને તેનો આદર્શ મળી રહે તે માટે અમે હમણાં આ જ મહિને આ સોસાયટીનું નામ ‘મંગલમ્ સોસાયટી’ કરવાનો નિર્ણય કર્યો છે.’ હું ઘડીભર તેમની વાતમાં ખોવાઈ ગયો હતો. એટલામાં સુરેશ અંકલે વાતમાં સૂર પુરાવ્યો, ‘મને તો ઘણી વાર લાગે છે કે ગામડે જન્મીને શહેરોના મોહમાં જન્મભૂમિનો ત્યાગ કરનારા વાસ્તવમાં તેની સાથે દ્રોહ કરે છે. ખરેખર તો ડાહ્યા માણસોએ વિખેરાઈને આવા કોઈ વિસ્તારમાં જઈ પોતાની સુગંધ ફેલાવવી જોઈએ. સમાજમાં આજે પણ ઘણા મંગલો છે, પણ તેમની કદર ક્યાં થાય છે ?’

ત્યાં જ ગીતામાસીએ જમવા માટે બૂમ મારતાં અમારી આ સભા વિખેરાઈ, પણ તેનો પ્રભાવ રાતભર જાણે મારા શ્વાસ સાથે ભળી ગયો હોય એવી અનુભૂતિ થતી હતી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous શક્તિપાત – અંજલિ ખાંડવાલા
એક નવો અધ્યાય – ડૉ. ચંદ્રકાન્ત મહેતા Next »   

18 પ્રતિભાવો : મંગલમ્ સોસાયટી – ડૉ. ભરત આર. જાદવ

 1. Harsh says:

  મને તો ઘણી વાર લાગે છે કે ગામડે જન્મીને શહેરોના મોહમાં જન્મભૂમિનો ત્યાગ કરનારા વાસ્તવમાં તેની સાથે દ્રોહ કરે છે. ખરેખર તો ડાહ્યા માણસોએ વિખેરાઈને આવા કોઈ વિસ્તારમાં જઈ પોતાની સુગંધ ફેલાવવી જોઈએ.

  ખરેખર વિચારવા જેવી વાત છે………..

 2. Very good thought and work ! ! !
  Very rare soul like Sureshbhai, who can preach and practice as well.

 3. kartik chudasma says:

  ખુબ સરસ્

 4. kaushal says:

  ઈમાનદારીથી પોતાની સેવા બજાવતા લોકો ઓછા હોય છે ને તેની ઉપર ગવૅ કરી ને તેનું નામ આપવુ એ એક મહાન કામ છે.

  આભાર આ લેખ બદલ

 5. હિરલ says:

  પ્રેરણાદાયી. સુંદર વાર્તા.

 6. Riddhi Doshi says:

  સરસ વર્તા

 7. ભરતભાઇ,
  ખૂબ જ સરસ અને પ્રેરણાદાયી વાર્તા લખી છે. ખૂબ ખૂબ અભિનંદન.

 8. Dr Dilip patel (Bharodiya) says:

  ખૂબ જ સરસ

 9. DEVINA says:

  very nice, every one of us should also stay like this in their neighbourhood

 10. rakesh dave says:

  ખરેખર સુંદર અને પ્રેરણાદાયી વાત !
  આજકાલ મોટા શહેરો કે વસ્તીમાં ફક્ત દેખાદેખી છે !
  એકબીજા સાથે હળવું મળવું તો ઠીક પણ વાત કરવી પણ સ્વપ્ન હોય તેમ લાગે છે!
  એકજ સોસાયટી માં રહેતા હોવા છતાં નાની નાની બાબતો માં હરીફાઈ, હું મોટો પેલો નાનો.
  હું આગળ અને પેલો પાછળ જેવો ઘાટ છે !
  જે સોસાયટી માં ગામડામાંથી આવીને આગળ વધેલા રહેતા હશે ત્યાં સુમેળભર્યું વાતાવરણ હશે.

 11. very good pura desh ne prakash na aapi sakay pan divo pote jya che tya to prakash aapi j sake aava lakho divda ek divas pura desh nu andharu dur karse. i wish .

 12. foram says:

  પ્રેરણાદાયી. સુંદર વાર્તા.

 13. naman says:

  ખુબજ સરસ

 14. Ashish says:

  ખુબ સરસ છે. મજા આવી આભાર ભરતભાઈ

 15. mahendrabhai and neelabeben Dubai says:

  an inspiring story..one should think different way.
  a nice story

 16. sonal patel says:

  અત્યંત સુંદર અને અદભૂત વાર્તા

 17. SUSHMA ASHISH PATEL says:

  very nice

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.