એક નવો અધ્યાય – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘હૈયે હૈયે હલચલ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવેલી છે.]

એક વિશાળ વડલાની ગોદમાં મેલાં-ઘેલાં વસ્ત્રો પહેરીને બેઠેલા એક યુવકને જોઈને ગોપાલીને આશ્ચર્ય થયું. મલિન વસ્ત્રો, ઊંડી ધસી ગયેલી આંખો, રૂપાળો છતાં માવજતને અભાવે ઝાંખો પડી ગયેલો ચહેરો, અસ્તવ્યસ્ત વાળ, બધું વગર પૂછે સઘળું કહી દેતું હતું. ગોપાલી એના તરફ ઝીણવટથી જોઈ રહી છે, એ વાત એના પપ્પાજીની ચતુર નજર ક્યારની યે પામી ગઈ હતી. ગોપાલીના મનમાં કરુણાનો ભાવ ઊભરાય છે.

પપ્પાજી વાત શરૂ કરે તે પહેલાં જ ગોપાલીએ કહ્યું : ‘પપ્પાજી, આપ રજા આપો તો મારી પાસે ઠંડા પાણીની બોટલ છે. એક ગ્લાસ પાણી આ ભાઈને પિવડાવું ? જેને ભૂખતરસનું ભાન ન હોય એને ખવડાવવું-પિવડાવવું એ પુણ્યનું નહીં, પણ માનવતાનું કામ છે….બિચારો….!’ પપ્પાજીએ સમ્મતિ આપી એટલે ગોપાલીએ પાણીનો ગ્લાસ પેલા ભાઈના હાથમાં પકડાવ્યો કે તરત જ જાણે જ્વાળામુખી ફાટી નીકળ્યો ! એનો શાન્ત-સૌમ્ય ચહેરો વિકરાળ બની ગયો. પાણીનો ગ્લાસ એણે ગોપાલીના મોં પર ઠાલવી દીધો. અને જોરજોરથી બૂમો પાડવા લાગ્યો : ‘બેઈમાન, દગાબાજ… તમામ છોકરીઓ જુઠ્ઠી….બદમાશ !’

ગોપાલી તો હેબતાઈ ગઈ ! એણે વિચાર્યું કે હવે અહીં ઊભા રહેવામાં સાર નથી. અસ્થિર મનના માનવીનો શો ભરોસો ? પણ પપ્પાજીએ તેના ખભે હાથ મૂકીને કહ્યું : ‘ગોપાલી, ગભરાઈશ નહીં. એ તારી પર હુમલો નહીં કરે… જા પાણીનો બીજો ગ્લાસ લઈ આવ.’ ગોપાલીને આશ્ચર્ય થયું… એક વાર ભજવાયેલા નાટકથી પપ્પાજીને ડર નથી લાગતો ? પપ્પાજીનો બોલ ઉથાપવાની ગોપાલીને આદત નહોતી, તરત જ એણે પાણીનો બીજો ગ્લાસ હાજર કર્યો. પપ્પાજી શાન્તિપૂર્વક એ યુવક પાસે ગયા… એના હાથમાં પાણીનો ગ્લાસ પકડાવ્યો… એની પીઠે વહાલપૂર્વક હાથ ફેરવ્યો… અને એ યુવક કશું જ બોલ્યા વગર પાણીનો ગ્લાસ ગટગટાવી ગયો. ત્યાર બાદ પપ્પાજીનો હાથ પકડીને જોરજોરથી રડવા માંડ્યો. પપ્પાજીએ એને સમજાવીને શાન્ત પાડ્યો… આશ્વાસન આપ્યું. વળી પાછો એ ઊભો થઈને વડલાને છાંયે આગળ વધ્યો અને થડને સહારે ચૂપચાપ એક ખૂણામાં ગોઠવાઈ ગયો.

પપ્પાજી અને ગોપાલી કાચો રસ્તો વટાવી મેઈન સડક પર ચાલવા લાગ્યાં. સાંજ થવા આવી હતી. સૂરજ અસ્તાચળ યાત્રાની તૈયારીમાં વ્યસ્ત હતો. વૃક્ષ પર બેઠેલાં પક્ષીઓ શાંત હતાં…. કદાચ સ્વજનોના પાછા આવવાની પ્રતીક્ષામાં હશે…. પણ સડક પર તો હતી વાહનોની વણઝાર. દોડધામ અને વ્યાકુળતાના નિમંત્રક બન્યા વગર જગતને કેમ ચેન નહીં પડતું હોય ?…. ગોપાલીના મનમાંથી પેલા યુવકનો લાચાર ચહેરો ખસવાનું નામ લેતો નહોતો. રસ્તામાં પપ્પાજી સાથે એક પણ શબ્દ બોલ્યા વગર ગોપાલીએ રસ્તો પૂરો કર્યો.

ખૂબ જ વાતો કરનારી ગોપાલીને એકદમ શાંત જોઈને પપ્પાજીએ પૂછ્યું : ‘ગોપાલી, બેટા શું થયું ? કેમ કશું બોલતી નથી ? તું પેલા યુવકના વર્તન વિશે તો આશ્ચર્યમાં નથી પડી ગઈ ને ? એણે તારી સાથે ગુસ્સાભર્યું વર્તન કર્યું અને મારી સાથે શાન્તિભરી રીતે એ કેમ વર્ત્યો… એવો પ્રશ્ન તને મૂંઝવતો લાગે છે !’
‘હા, પપ્પાજી ! એણે છોકરીઓ માટે જે રોષ ઠાલવ્યો અને અશ્રદ્ધાપૂર્ણ શબ્દો દ્વારા યુવતીઓને નવાજી એ પરથી એમ લાગે છે કે યુવતીઓ પ્રત્યે એને નફરત છે.’ ગોપાલીએ જવાબ આપ્યો.
‘હા…. તારી વાત તદ્દન સાચી છે. યુવતીઓ પ્રત્યે એના મનમાં ભારે નફરત છે. એ નફરતે જ એને માનસિક અસ્થિરતાની ગર્તામાં ધકેલ્યો છે. બિચારાને એક યુવતીએ દગો કર્યો ને સમગ્ર છોકરીઓને એ નફરતની આંખે જોતો થઈ ગયો.’ પપ્પાજીએ ઊંડા નિસાસા સાથે કહ્યું…. એમની આંખ ભીની થઈ ગઈ.

એમણે વાત આગળ વધારી : ‘ગોપાલી, આ યુવક મારા જ એક મિત્રનો પુત્ર છે. નજીકમાં જ એનું ઘર છે. રાત પડશે એટલે ચૂપચાપ પોતાને ઘેર ચાલ્યો જશે. ઈચ્છા થશે તો ભોજન કરશે, નહીં તો બંગલાના આઉટ હાઉસમાં જઈને એકલો જ સૂઈ રહેશે. ઈચ્છાંક અમીર પિતાનો એકનો એક પુત્ર છે. સ્નાતક થયા પછી એણે પિતાની ઑફિસનો કારોબાર સંભાળી લીધો. ઈચ્છાંક હતો એક સમર્પણશીલ યુવક. અટપટી દુનિયાની ખટપટી ચાલથી સાવ અજાણ. નહીં તો શું ભાવનાનું ગંગાજળ ઉકરડે ઢોળત ખરો ?…. ઈચ્છાંક તેના પિતાજીનો ખૂબ જ લાડકો… અમીર હોવા છતાં નિરભિમાની… સ્વભાવે દયાળુ, પરોપકારી…. પણ સ્વાવલંબનનો ભારે આગ્રહી ! તેના પપ્પાજીની ઑફિસમાંથી જે પગાર મળે તેમાંથી જ બીજાને મદદ કરતો. પોતાના માટે ખર્ચ કરવાની ઈચ્છાંકને આદત નહોતી. ઘરના નોકર રાજુની ઘરડી માતાને મોતિયો ઉતરાવવો છે તો ઈચ્છાંક હાજર, ઑફિસના કર્મચારી શતકના લગ્ન માટે પચાસ હજારની જરૂર છે, તો ગરીબોના બેલી મિ. ઈચ્છાંક મદદ માટે તૈયાર, શાળામાં કોઈ વિદ્યાર્થીને ફી ભરવાનો પ્રશ્ન છે, તો ઈચ્છાંક વિદ્યાર્થીને ખબર ન પડે તેમ ફી ભરી દે. એ ઉપરાંત ઘરના ડ્રાઈવર, નોકર, રસોઈયા અને માળીના આકસ્મિક આવી પડેલ ખર્ચા પણ ઈચ્છાંક જ પૂરા પાડતો. સ્થિતિ એવી આવતી ગઈ કે ઈચ્છાંકનો પગાર સાફ થઈ જતો અને ક્યારેક તો એ ઉદાર દાતાને સખાવત માટે પોતાના પપ્પાજી પાસેથી પણ લોન લેવી પડતી… ત્યારે તેના પપ્પાજીના મનમાં થતું : ‘કઈ માટીનો બનેલો છે આ મારો દીકરો ! એટલો ભોળો છે કે કોઈ એને સહેલાઈથી બનાવી જાય.’ ઈચ્છાંકના પપ્પાને હંમેશાં તેની ચિંતા રહેતી.

પણ ઈચ્છાંકનો સ્ટાફ તેનાથી ખૂબ જ ખુશ હતો… ઑફિસના ખજાનચી મિ. સોનીની નજર ઈચ્છાંકની મિલકત પર હતી. એમણે પોતાની દીકરી ઈવા અને ઈચ્છાંક નજીક આવે એ માટે એક દિવસ ઈચ્છાંકને કહ્યું : ‘બેટા ઈચ્છાંક, તું જાણે છે કે હું મધ્યમવર્ગનો ગૃહસ્થ છું…. મારું એક જ સ્વપ્ન છે મારી પુત્રી ઈવા ભણીગણીને ડૉક્ટર થાય. મોટા શેઠ આગળ મદદ માગતાં મારી જીભ નથી ઊપડતી… તું મને લોન આપે તો જ મારું આ સ્વપ્ન સાકાર થાય. ઈવા ડૉક્ટર થતાં તારી આપેલી બધી જ રકમ ચૂકવી દેશે…..’ ઈચ્છાંકે મિ. સોનીનો હાથ પકડી લીધો અને એમને આગળ બોલતાં અટકાવી ઈવાને મદદરૂપ થવાનું વચન આપ્યું હતું. બીજે દિવસે રૂબરૂ મળવાની સૂચના આપી વિદાય કર્યા હતા. બીજે દિવસે મિ. સોનીએ પોતે આવવાને બદલે પોતાની પુત્રી ઈવાને ઈચ્છાંકને મળવા માટે મોકલી હતી. ઈવાને ઈશ્વરે છૂટા હાથે રૂપ આપ્યું હતું. એ નખશિખ સુંદર હતી. ઈવાની સાદગી, નિખાલસતા, નમ્રતા, લજ્જાશીલતા અને આત્મીયતા એ બધાથી ઈચ્છાંક પણ પ્રભાવિત થયો હતો.
ઈચ્છાંકે કહ્યું હતું : ‘ઈવા, હું તમને વ્યાજ વગર લોન નહીં આપું.’
ઈવાને ઈચ્છાંકની વાત સાંભળી આશ્ચર્ય થયું હતું. એણે તરત જ કહ્યું હતું : ‘વ્યાજની કલ્પના તો મેં કરી હતી… આપની બધી શરતો મંજૂર છે. ગમે તેમ કરીને મારે ડૉક્ટર થવું છે, બસ.’
‘તો સાંભળો. તમને ડૉક્ટર બનાવવાની જવાબદારી મારી. તમારો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી બધી જ ફરજ હું અદા કરીશ. વ્યાજના હપ્તા તરીકે બે-ચાર દિવસે એકવાર હાજરી પુરાવી જવાની….સમજ્યાં ?’ અને ઈચ્છાંક ખડખડાટ હસી પડ્યો હતો.

આમ ઈચ્છાંક-ઈવા વચ્ચે તે જ દિવસે લાગણીનાં બીજ વવાયાં હતાં. ઈચ્છાંક ખૂબ જ શાણો… મૈત્રી મહોબ્બતમાં પરિણમી. છતાંય ઈચ્છાંક ભાવનાના પ્રવાહમાં તણાવાને બદલે કર્તવ્યને જ મહત્વ આપતો રહ્યો. એનો આ સમજદારીભર્યો સંયમ ઈવાની નજરે પુરસ્કાર પાત્ર ઠરવાને બદલે ઉપેક્ષાપાત્ર ઠર્યો. ઈવાને લાગ્યું કે ઈચ્છાંક અંદરથી થીજી ગયેલો યુવક છે. એની પાસે લાગણી છે, પણ એક યુવા જીવનસાથીનું મન જીતવા માટે અપેક્ષિત થનગનાટ નથી. તેમ છતાં ઈવાએ સ્વાર્થ ખાતર ઈચ્છાંકને લાગણીના પ્રવાહમાં ખેંચવાનું ચાલુ જ રાખ્યું. એ મીઠી-મીઠી વાતો કરતી અને ભાવિનાં મીઠાં સ્વપ્નોનું મનોહર ચિત્ર અંકિત કરી ઈચ્છાંકને ભીંજવી નાખતી. ઈચ્છાંકનું નિષ્પાપ મન ઈવામાં એક સ્વપ્નશીલ યુવતીની ભોળી છબી જ નિહાળ્યા કરતું. ઈવા ભણવામાં તેજસ્વી હતી. એમ.બી.બી.એસ. પૂરું કરી આગળ એમ.ડી. કરવાની ઈચ્છા તેણે ઈચ્છાંક આગળ વ્યક્ત કરી. ઈચ્છાંકે ઈવાને ભણાવીને એક શાનદાર યુવતી બનાવવાનું વ્રત લીધું હતું.

ઈવાએ ઈચ્છાંકની મદદથી એમ.ડી.નો અભ્યાસ શરૂ કર્યો. ઈચ્છાંકના પપ્પાની એક જ ઈચ્છા હતી, ઈવા અને ઈચ્છાંકનાં વહેલી તકે લગ્ન પતાવી દેવાની. તેઓ માનતા હતા કે આ જમાનામાં જીવવા માટે ઈચ્છાંક તદ્દન ‘અનફિટ’ છે. ઈચ્છાંકને ઉગારી શકે એવું કોઈ આશાકિરણ હોય તો તે ઈવા જ છે. એટલે એમણે ઈવાના પપ્પા મિ. સોની પાસે ઈચ્છાંકના અને ઈવાના લગ્નની વાત છેડી. મિ. સોની તો ઈચ્છતા જ હતા કે પોતાની પુત્રી ઈવા એક અમીર પરિવારની પુત્રવધૂ બને. મિ. સોની આ આનંદના સમાચાર આપવા ઘરે દોડી ગયા, ત્યારે ઈવા એક સુંદર યુવકની સામે બેઠી હતી. ઈવાનાં મમ્મીએ ઉમળકાભેર મિ. સોનીને કહ્યું : ‘આવો ઈવાના પપ્પા, અમે તમારી જ રાહ જોતાં હતાં. આ છે ડૉ. સર્જિત, જેને મેં આપણી ઈવા માટે પસંદ કર્યો છે. ઈવાની સાથે એક જ મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતો હતો. બન્ને એકબીજાને ખૂબ જ પસંદ કરે છે એટલે કરો કંકુના.’ મિ. સોનીએ પોતાના મનોભાવ છુપાવીને ડૉ.સર્જિતને આવકાર્યો. એમના ગયા બાદ ઈવાએ હળવેથી કહ્યું : ‘પપ્પા, તમને આ સંબંધ ગમ્યો તો ખરો ને ? પહેલાં તો મેં વિચારેલું કે હું ઈચ્છાંક સાથે લગ્ન કરીશ, પણ પપ્પા, તમે જ કહો, હું ડૉક્ટર અને ઈચ્છાંક માત્ર કૉમર્સ ગ્રેજ્યુએટ ! હું એની સાથે સંબંધ જોડું તોય અમારી જોડી જામે નહીં. લગ્ન અને મૈત્રી તો સમાન મોભામાં જ છાજે ને !’

અને ઈચ્છાંકને અંધારામાં રાખીને ઈવાએ ડૉ. સર્જિત સાથે લગ્ન નક્કી કરી લીધાં. ઈવાને બદલે એની એક સાહેલીએ આવીને એક પત્ર ઈચ્છાંકના હાથમાં મૂક્યો હતો. તેમાં લખ્યું હતું, ‘પ્રિય ઈચ્છાંક, મારા વિવાહના સમાચાર સાંભળીને તને દુઃખ જરૂર થશે, મારાં સ્વપ્નોને સાકાર કરવા તેં મને ખૂબ જ મદદ કરી છે. ઈચ્છાંક, તારા અહેસાનોનો બદલો હું શી રીતે ચૂકવીશ ? હા, એક ઉપકારક તરીકે મારી પાછળ તેં ખર્ચેલા પૈસાનો મેં હિસાબ રાખ્યો છે. કારણ કે ગરીબો કરતાં અમીરોને પૈસાની કિંમત વધુ હોય છે. એ પૈસો તેં કદાચ ગણતરીપૂર્વક ખર્ચ્યો હોય અને તારી ગણતરી મેં ખોટી પાડી છે, માટે તેં ખર્ચેલી રકમ હું ધીરે ધીરે બધી જ ચૂકવી દઈશ. નિશ્ચિંત રહેજે. ઈચ્છાંક, તને નથી લાગતું કે તેં મને ચાહી પણ મારો જીવનસાથી કેમ ન બની શક્યો ? કારણ કે તું માત્ર ગ્રેજ્યુએટ છે. અને કોઈ પણ સ્વમાની યુવક પોતાના કરતાં વધુ ભણેલી પત્ની પસંદ કરતો નથી. અને એટલે જ મેં તારી દ્વિધા દૂર કરી દીધી છે. તારી દોસ્ત ઈવાના સ્નેહસ્મરણ.’ ઈવાનો પત્ર વાંચીને ઈચ્છાંક ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. ઈચ્છાંકને બરબાદ થયાનું દુઃખ નહોતું થયું, કોઈકે ગણતરીપૂર્વક કરેલી છેતરપિંડીનું દુઃખ થયું હતું.

ઈચ્છાંકના હૃદયમાં સંઘર્ષના મોજાં ગરજતાં હતાં. એનું અંતર વલોવાતું હતું. જિંદગીએ પીવા માટે આપેલો વિષપ્યાલો એ ચૂપચાપ ગટગટાવી ગયો હતો પણ ઈચ્છાંક એ શંકર નહોતો, માણસ હતો. ઝેરને જીરવવાની માણસની તાકાત કેટલી ? અંતરને કોરી ખાતી વેદનાએ ઈચ્છાંકનો આનંદ છીનવી લીધો હતો. અને ઈચ્છાંક ધીરે-ધીરે આત્મવિશ્વાસ ગુમાવી રહ્યો હતો. અંતે તે માનસિક સ્વસ્થતા પણ ગુમાવી બેઠો. તેના પપ્પાએ માનસિક રોગની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો. સારવાર બાદ તેની માનસિક હાલતમાં થોડો ફેર પડ્યો હતો. પરંતુ ઈચ્છાંક નોર્મલ તો ન જ થઈ શક્યો. અને આજે અર્ધપાગલ અવસ્થામાં દિવસો ગુજારે છે.’ ગોપાલીના પપ્પાજી બોલતાંબોલતાં ગળગળા થઈ ગયા. અને ગોપાલીને ઈચ્છાંકની કહાણી સાંભળીને ભારે આઘાત લાગ્યો હતો.

એ બીજે દિવસે ડૉ. સર્જિતને મળવા બારોબાર પહોંચી ગઈ હતી. ડૉ સર્જિતને એણે કહ્યું હતું : ‘એક અજાણી યુવતીને એકાએક જ આવેલી જોઈને તમને આશ્ચર્ય થશે, પણ મારે મન ડૉક્ટર એટલે બીજો ભગવાન. બીજાને જિવાડવા માટે તો પોતાના જીવને પણ જોખમમાં મૂકતા અચકાતો નથી !’
‘અરે પણ કાંઈ સમજાય એવું તો બોલો.’ સર્જિતે ગોપાલીને કહ્યું.
અને ઈવાએ ઈચ્છાંકને કરેલો દગો, માનસિક આઘાતને કારણે ઈચ્છાંકના જીવનની બરબાદી અને લાચાર સ્થિતિનું આંખેદેખ્યું વર્ણન ડૉ. સર્જિતને કહી સંભળાવ્યું. ડૉ. સર્જિત પણ ઈચ્છાંકની કરુણ સ્થિતિની વાત સાંભળી હેબતાઈ ગયા. એમણે ફરીથી પૂછ્યું : ‘તમે મારી પાસેથી કેવી મદદની આશા રાખો છો ? ઈચ્છાંકની જિંદગી સુધરતી હોય તો તમે કહો તે કરવાનું મારું વચન.’
‘આભાર ડૉ. સર્જિત, તમે હાર્ટના સર્જન ભલે ન હો, પણ તમારે તમારા હૃદયનું ઑપરેશન જાતે કરવાનું છે, અને એ પણ બીજાની જિંદગી સુધારવા ખાતર ! તમે ઈવા પર તમારી તમામ લાગવગ વાપરી ઈચ્છાંકને અપનાવી લેવા મનાવી લો. ઈવાની નિકટતા, લાગણી અને પ્રેમ એ જ ઈચ્છાંકની દવા છે. ઈવા જ ઈચ્છાંકનું દર્દ પણ છે અને દવા પણ છે….’ ગોપાલીએ ગંભીરતાપૂર્વક કહ્યું હતું, ‘પ્રેમ હકનો પણ વિષય છે અને બલિદાનનો પણ ! કળિયુગમાં પણ પોતાની લાગણીઓની કુરબાની આપનાર માણસો છે, એમાં મારે ડૉ. સર્જિતનું નામ ઉમેરવું છે…..’ એણે ઉમેર્યું હતું. અને ગોપાલી કશું જ બોલ્યા સિવાય ડૉ. સર્જિતના ઘરેથી નીકળી ગઈ હતી !

અને એક ચમત્કાર સર્જાયો હતો… બીજે દિવસે ડૉ. સર્જિત અને ડૉ. ઈવા ઈચ્છાંકને એક નર્સિંગ હોમમાં દાખલ કરવા તેડવા આવ્યાં હતાં. ડૉ. સર્જિતે પોતાના એક મનોચિકિત્સક દ્વારા ઈચ્છાંકની જાતદેખરેખ હેઠળ સારવાર કરાવી લીધી. અને પંદર દિવસમાં ઈચ્છાંક સ્વસ્થ થઈ ગયો હતો. એણે ઈવાને કહ્યું હતું : ‘થૅંક યુ ઈવા, તારે જવું હોય તો જા. ડૉકટર રજા આપશે એટલે મારા પપ્પાજી મને ઘેર તેડી જશે… ડૉ. સર્જિત, હું જિંદગીભર તમારો પણ આભાર નહીં ભૂલું.’
‘તમારા પપ્પાજીને બોલાવવાની જરૂર નથી. હવેથી તમારી વહાલી ઈવા જ તમારી વાલી છે. ડૉ. ઈવા સાથે તમારાં લગ્ન ગોઠવાય ત્યારે મને જરૂર યાદ કરજો.’ કહીને ડૉ. સર્જિત વિદાય થયા હતા… ગોપાલીએ ડૉ. સર્જિત અને ઈચ્છાંકની વાત સાંભળી હતી… એણે કહ્યું હતું : ‘ડૉ. સર્જિત, તમે સર્જનહારનું મહાન સર્જન છો…. મારી ફરમાઈશની લાજ રાખવા બદલ તમને લાખ-લાખ વંદન.’

અને ઈચ્છાંકની જિંદગીનો એક નવો અધ્યાય ડૉ. સર્જિતે આપેલી પોતાની લાગણીની કુરબાનીના કારણે શરૂ થયો હતો.

[કુલ પાન : 200. (પાકું પૂઠું) કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

26 thoughts on “એક નવો અધ્યાય – ડૉ. ચંદ્રકાન્ત મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.